Hockey na jadugar : Kernal dhyanchand in Gujarati Biography by Dhavalkumar Padariya Kalptaru books and stories PDF | હોકીનાં જાદુગર : કર્નલ ધ્યાનચંદ

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

હોકીનાં જાદુગર : કર્નલ ધ્યાનચંદ



        ભારતીય હોકી ટીમની એક દંતકથા બની ગયેલ  કર્નલ ધ્યાનચંદ 29 ઑગસ્ટ, 1905નાં રોજ પ્રયાગ (અલાહાબાદ)માં જન્મ્યા હતા. તેમના પિતા સમેશ્વર દત્ત સિંગ ભારતીય સૈન્ય દળમાં હતા અને ત્યાં તેઓ હોકી રમતા હતા.  પિતાની વારંવાર બદલી થવાને કારણે ધ્યાનચંદ છ ધોરણ સુધી જ ભણી શકયા. 1922માં માત્ર છ વર્ષની ઉમરે ધ્યાનચંદ પિતાના પગલે સૈન્યદળમાં જોડાયા હતા. ત્યાં તેઓ હોકી રમવા લાગ્યા. હીરાની સાચી પરખ તો ઝવેરીને જ હોય. મેજર સૂબેદાર તિવારીની નજર ધ્યાનચંદ  પર પડી. તેઓએ  સૂક્ષ્મ દ્રષ્ટિથી ધ્યાનચંદની હોકીની રમતને નિહાળી. તેઓનાં હોકી અંગેના કૌશલ્યને પણ બારીકાઈથી નિહાળ્યા. ત્યારબાદ મેજર સૂબેદાર તિવારીએ  ધ્યાનચંદને હોકીની રમત અંગે પ્રોત્સાહિત કર્યા હતા.

        1922 થી 1926 સુધી ધ્યાનચંદ ભારતીય સૈન્યદળની હોકી ટીમમાંથી રમ્યા. તેમાં સુંદર પ્રદર્શનને કારણે 1926માં ન્યૂઝીલેન્ડનાં પ્રવાસે જનારી ભારતીય ટીમમાં  ધ્યાનચંદ પસંદગી પામ્યા હતા. ત્યાં ધ્યાનચંદનાં નોંધપાત્ર પ્રદર્શનને કારણે ભારત 21 માંથી 18 મેચો જીત્યું હતું. તેમાં ધ્યાનચંદે 100થી વધુ ગોલ કર્યા હતા.
         1928માં એમસ્ટરડમ ખાતે યોજાયેલ ઓલિમ્પિક ફાઈનલમાં નેધરલેન્ડ વિરુદ્ધ અંતિમ હાફમાં બે ગોલ કરી    ધ્યાનચંદે ભારતને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 1932માં લોસ એન્જલસ ખાતે યોજાયેલ ઓલિમ્પિકમાં અમેરિકા વિરુદ્ધ ફાઈનલમાં ધ્યાનચંદે આઠ ગોલ કરી ભારતીય ટીમને જીત અપાવી હતી. 1936માં બર્લિનમાં યોજાયેલ ઓલિમ્પિકમાં ફાઈનલમાં જર્મની વિરુદ્ધ આક્રમક રમત દાખવી જર્મનીને 8 – 1 થી હરાવીને ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો હતો. તેમની આવી ચમત્કારિક રમત જોઈને એવી અફવા ફેલાવવામાં આવી હતી કે, “ ધ્યાનચંદની હોકીમાં ચુંબક છે તેથી બૉલ હોકી સાથે ચીપકી જાય છે.આ વાત સાબિત કરવા માટે તેમની હોકીની પૂરી તપાસ કરવામાં આવી ,પણ તપાસ કરનાર વ્યક્તિઓને નિરાશા સાંપડી અને  ધ્યાનચંદની હોકીની રમતની પ્રશંસા કરવાને બદલે આવા પાયાવિહોણા આરોપ લગાવવા બદલ તેઓની હોકી તપાસનારને પણ અંતે શરમની અનુભૂતિ થઈ હતી."  જર્મન સમ્રાટ હિટલર ધ્યાનચંદની રમતથી પ્રભાવિત થઈ ધ્યાનચંદને જર્મનીનાં સૈન્યદળમાં ઓફિસરની પદવી આપવા માટે આમંત્રણ આપ્યું હતું પણ માતૃભૂમિ પ્રત્યેનો લગાવ, ભારત દેશ તરફથી હોકી રમવાનું ગૌરવ, હોકીની રમત પ્રત્યેનો લગાવ વગેરે  જેવી બાબતોને કારણે ધ્યાનચંદે હિટલરનાં આમંત્રણનો અસ્વીકાર કર્યો. તે સમયે સરમુખત્યાર જર્મન સમ્રાટ હિટલરનો પ્રભાવ વિશ્વમાં પ્રવર્તતો હતો. હિટલર  સામે ઊભા રહેવું કે તેની આંખમાં આંખ મિલાવી વાતો કરવી એવાં વિચાર માત્રથી લોકો થરથર ધ્રુજતા હતા. આવા સરમુખત્યાર હિટલરની ઑફર કર્નલ ધ્યાનચંદે પળવારમાં ફગાવી દીધી હતી. માતૃભૂમિ તથા હોકીની રમત પ્રત્યે કેટલો ઉત્કટ પ્રેમ...!             

      મહાન ક્રિકેટર સર ડોન બ્રેડમેને કર્નલ ધ્યાનચંદની રમત જોઈને કહ્યું હતું : “હું જેમ ક્રિકેટમાં રન કરું છું, તેમ કર્નલ ધ્યાનચંદ હોકીમાં ગોલ કરે છે.” તે સમયે બ્રિટનની રાણી તેમની રમતથી પ્રભાવિત થઈ કર્નલ ધ્યાનચંદને તેની છત્રી વડે ગોલ કરવાનું સૂચવ્યું હતું , કર્નલ ધ્યાનચંદે આ કરતબ પણ ખૂબ જ  સહજતાથી કરી બતાવ્યું હતું.
      કર્નલ ધ્યાનચંદ 1948માં નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ પણ તેઓ ભવિષ્ય માટેનાં હોકી સિતારા તૈયાર કરવામાં વ્યસ્ત હતા. 3 ડિસેમ્બર 1979નાં રોજ હોકીના આ ચમકતા સિતારાનો જીવનદીપ બુઝાઈ ગયો અને હોકી પ્રેમીઓમાં સોંપો પડી ગયો. તેમની સ્મૃતિમાં દિલ્લીમાં “ધ્યાનચંદ સ્ટેડિયમ” બનાવવામાં આવ્યું છે. તેમનો જન્મદિવસ ભારતમાં "રાષ્ટ્રીય રમત દિવસ" તરીકે ઉજવાય છે. આજે પણ ભારતીય હોકી ટીમને આવા હોકી સિતારાની ખોટ સાલી રહી છે. કર્મયોગી હોકીનાં આ સિતારાને અંતરથી કોટિ કોટિ વંદન ....

  કર્નલ ધ્યાનચંદે મેળવેલ સિદ્ધિઓ પર એક નજર :   
- ઈ.સ. 1928માં એમસ્ટરડમ ઓલિમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ તેઓને સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.          

- ઈ.સ. 1932માં લોસ એન્જલસ ઓલિમ્પિકમાં જબરદસ્ત પ્રદર્શન બદલ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.

-  ઈ.સ. 1936માં બર્લિન ઓલિમ્પિકમાં પણ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

-  ઈ. સ. 1956માં તેઓને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
                                      

                                                 - "કલ્પતરુ"