સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું
64 સમરહિલ
લેખકઃ ધૈવત ત્રિવેદી
પ્રકરણ - 28
* અલાદાદને કેમ ગેરસમજ થઈ?
અલાદાદ તો ઢૂવા ભણી ભાગવા માટે જ છત્રી તરફ દોડયો હતો અને તેને આંતરવા માટે બીએસએફના જવાનો દોડે તે પણ સહજ હતું. પરંતુ એ જ વખતે છત્રીના ઓટલાને અઢેલીને દેહાતી પહેરવેશમાં બેઠેલો છપ્પન સફાળો ઊભો થયો એટલે અલાદાદે પોતાના ભણી દોડી રહેલા બે ભેગો આ ત્રીજો આદમી ય તેમની સાથેનો જ હોવાનું માની લીધું.
તોય છપ્પન ગન ન કાઢે ત્યાં સુધી વાંધો આવે તેમ ન હતો, પણ અલાદાદે પહેલી ગોળી છોડી એથી છપ્પન હેબતાયો અને ત્વરિતને સતર્ક કરવા ભોંયરા ભણી દોડયો. એથી અલાદાદની ગેરસમજ મજબૂત બની. એક આદમીને ઢાળી દીધા પછી હવે પહેલું જોખમ તેને છપ્પન તરફથી જ હતું. છપ્પન તરફ ફાયર કરવાને બદલે તેને ગન બતાવીને છત્રી તરફથી નીકળી જવા એ ધસ્યો.
બરાબર એ જ વખતે ત્વરિત ભોંયરામાંથી બહાર નીકળ્યો. તેનો હુલિયો કોઈનું પણ ધ્યાન ખેંચે અને ધ્યાન ખેંચાયા પછી શંકા પ્રેરે એવો હતો. વિલિઝ જીપમાં આવેલા આદમી તરીકે અલાદાદ ત્વરિતને ઓળખી તો ગયો પણ એ સીધો છપ્પન તરફ દોડયો અને તેની ગન લીધી એટલે અલાદાદને ખાતરી થઈ ગઈ કે આ માણસ આપણો તો નથી જ, પણ બીએસએફે ગોઠવેલા છટકાનો જ હિસ્સો છે.
* બીએસએફનો વ્યુહ કેમ કાચો પડયો?
કમાન્ડન્ટ વિશ્વનાથ પરિહારે ગોઠવેલા બંને આદમી સાદા અને સહજ કપડાંમાં હતા. સવારથી જ મંદિરમાં યાત્રાળુના સ્વાંગમાં ગોઠવાઈ ગયેલો આદમી દેહાતી પહેરવેશમાં હતો અને બાઈક લઈને આવેલો જવાન સાદા પેન્ટ-શર્ટમાં હતો. પરિહારે મંદિરના આ ખુબરામાં, ઊંટિયાલીમાં અને આસપાસના રેગિસ્તાનમાં ઊંટ કેળવી રહેલા દેહાલીઓના વેશમાં પોતાનો કાફલો ઘૂમતો રાખ્યો હતો.
નેટવર્કની મર્યાદાને લીધે કોઈ ગેરસમજ ઊભી ન થાય એ માટે તેમણે દરેકના વાયરલેસ કમ્યુનિકેશન કોમન ફ્રિક્વન્સી પર સેટ કર્યા હતા. ઢૂવાઓ પાછળ થતી હિલચાલ પારખીને તેમણે જીપીએસ ડિવાઈસમાં એ સ્થાન લોકેટ કરી લીધું હતું અને એક કાફલાને એ દિશામાં મોકલી દીધો હતો. એ જ વખતે અલાદાદ દોડયો. મંદિરના ચોગાનમાં ઊભેલા બંને જવાનો તેને ખાળવા ધસ્યા અને અલાદાદે કરેલા ફાયરમાં એક આદમી ઢળી પડયો. પરિહારનો આખો ય પ્લાન ચોપટ થઈ જવાની એ શરૃઆત હતી.
ફાયરિંગના અવાજથી ચોંકેલા પાકિસ્તાનીઓએ પરિસ્થિતિની ગંભીરતા પારખી લીધી અને ચોમેર બાયનોક્યુલર ઘૂમાવી દીધું એટલે પોતે ઘેરાઈ રહ્યા છે તેનો અણસાર પણ તેમને આવી ગયો. જો તેમને ઘેરાવાનો ખ્યાલ ન આવ્યો હોત તો રેગિસ્તાનના ઉસૂલ મુજબ માલસામાન લાદીને તેમણે લાઈન ઓફ કન્ટ્રોલ ભણી પાછા જવાનો વિકલ્પ જ પસંદ કર્યો હોત, અને તો તેઓ આસાનીથી પરિહારના કાફલાના હાથે મુઠભેડ વગર જ ફસાઈ ગયા હોત.
પરંતુ ઢુવા તરફ આવી રહેલા ઊંટસવારોના કાફલાને ઓળખીને પાકિસ્તાનીઓ ગભરાવાને બદલે મરણિયા બન્યા. હવે મંદિરની ઉત્તરે રેગિસ્તાનનો લાંબો ચકરાવો મારે તો જ તેઓ સલામત ભાગી શકે તેમ હતા, પણ એ માટે ખુબરાના આ જંગમાં સરસાઈ મેળવવી જરૃરી હતી.
- અને સ્ટેનગન ધણધણાવીને તેમણે જંગમાં ઝુકાવી દીધું.
* છપ્પન કેમ ઘડીક ખચકાયો?
ભોંયરામાં ગયેલો ત્વરિત બહાર આવીને ઈશારો કરે એટલે મૂર્તિ ઊઠાવી લેવા માટે છપ્પન તલપાપડ હતો. તેણે પોતાની બેગ પણ તૈયાર રાખી હતી. અચાનક અલાદાદને તેણે દોડતો જોયો, બે આદમીને અલાદાદ તરફ ધસતા જોયા એટલે છપ્પન વહેમાયો. તેની પ્રકૃતિમાં જ ચોર તરીકેની સતર્કતા વણાયેલી હતી. હવાની ગંધમાંથી ગરબડ પારખી લેતો છપ્પન સપાટાભેર ઊભો થયો. ત્વરિતને તેણે બોલાવી લેવો જોઈએ કે નહિ તેની કશ્મકશમાં હજુ એ કશા નિર્ણય પર આવે એ પહેલાં અલાદાદે પહેલી ગોળી ચલાવી દીધી હતી.
ફાયરિંગથી છપ્પન સખત હેબતાઈ ગયો હતો. તેનું દિલ કહેતું હતું કે, આવી તંગ હાલતમાં તેણે ચોરી કરવી જ ન જોઈએ. તદ્દન અજાણી, વેરાન અને વાત-વાતમાં બંદૂકના ધડાકા કરી નાંખતી ખુંખાર જગ્યાએ કોઈકના ઝગડાને લીધે પોતે ફસાઈ જાય એવું જોખમ ઊઠાવવાનો છપ્પનનો સ્વભાવ જ ન હતો. એ શાતિર ચોર જરૃર હતો પણ રીઢો, ખુર્રાંટ ગુંડો ન્હોતો.
* શા માટે ત્વરિત બ્હાવરો બન્યો?
મૂર્તિ જોયા પછી ત્વરિતના દિમાગમાં હજારો વોલ્ટના કરન્ટ જેવી તીવ્ર ઝણઝણાટી ઉપડી આવી હતી.
આંતરડામાં પરોવેલી ખોપરીની માળા, ખંડિત ચહેરાને વધુ બિહામણો બનાવતો ભયાવહ આકાર, જમણાં હાથમાં વાળ ઝાલીને પકડેલું અસૂરનું રક્ત ટપકતું મસ્તક અને મૂર્તિની નીચે કોતરેલો શ્લોક...
સદીઓથી હજારો યાત્રાળુઓએ આ મૂર્તિ જોઈ હતી પરંતુ યાત્રાળુઓની શ્રદ્ધાસભર આંખો અને ત્વરિતની મૂર્તિવિધાનના અભ્યાસથી કેળવાયેલી દૃષ્ટિમાં તફાવત હતો.
કાલિકાની આવી મૂર્તિઓ તો દેશભરમાં ઠેરઠેર પથરાયેલી હતી અને અગાઉથી જ વામપંથી મૂર્તિઓ વિશે ત્વરિતને વહેમ ન ગયો હોત તો એ પણ સઘન ચકાસણી વગર આ મૂર્તિનું મહત્વ પામી શક્યો ન હોત. પરંતુ છપ્પન પાસેથી મળેલા મૂર્તિઓના ફોટા અને ડિંડોરીના દેવાલયમાંથી ચોરેલી મૂર્તિ એ દરેકમાં સામ્ય હતું અને એ સામ્ય આ દરેક મૂર્તિઓ વામપંથી હોવાનું સૂચવતું હતું. એટલે ત્વરિતે સીધા એ દરેક માપદંડથી જ આ મૂર્તિને ચકાસવાનું શરૃ કર્યું.
ઢિંચણ પર ટેકવાયેલો મૂર્તિનો ડાબો હાથ કાંડામાંથી સહેજ ઊંચકાઈને નીચેની તરફ તર્જની સંકેત કરતો હતો. હણેલા અસૂરની પીઠ પર કાલિકાએ આસન લીધું હતું અને એ અસૂરનો ડાબો હાથ પણ કાંડામાંથી સહેજ વિરૃપ બનતો હતો. મૂર્તિના ડાબા ખભાથી છાતીમાં હૃદયના ભાગ સુધી કટાર જેવો કશોક આકાર કોતરાયેલો હતો.
આ દરેક ચિહ્નો તેમજ કદ-આકારની આ વિરૃપતા અકારણ, મૂર્તિકારની અણઆવડત કે ભૂલથી થયેલી ન હોઈ શકે. આટલા સંકેતોમાં ઉમેરો કરતી હતી શ્લોકની છેલ્લી પંક્તિ...
ગલદ્રક્તમુન્ડાવલિકન્ઠમાલા
મહાઘોર રાવા સુદૃષ્ટાં કરાલા
વિવસ્ત્રાઁ સ્મશાનાઁલયા મુક્તકેશી
મહાકાલિકામાકુલા કાલિકેયમ્
સ્વરૃપમ્ ત્વદિયં ન વિન્દન્તિ દેવા...
૧૨૦૦ વર્ષ પહેલાં આદ્ય શંકરાચાર્યે રચેલ કાલિકાષ્ટકમનો એ મૂળ શ્લોક ચાર ચરણમાં જ હોવો જોઈએ. ભવાનીઅષ્ટકમ્, દુર્ગાશતિ એવી શંકરાચાર્ય વિરચિત લગભગ દરેક સ્તુતિ એકસમાન છંદ અને ચાર ચરણમાં હતી. મૂળ કાલિકાષ્ટકમ્ પણ ચાર-ચાર ચરણના શ્લોકોનો સંપૂટ હતો.
તેમ છતાં અહીં સદીઓ જૂના પથ્થરની ખાંચમાં પાંચમી પંક્તિ ય કોતરાયેલી હતી... સ્વરૃપમ્ ત્વદિયં ન વિન્દન્તિ દેવા... હે દેવી, તમારૃં સ્વરૃપ પારખવું દેવો માટે ય દુષ્કર બની રહો...
ક્ષણભર ત્વરિત દિગ્મૂઢ બનીને જોતો રહ્યો હતો. તેના માનવામાં ન્હોતું આવતું કે કિંવદંતી સમાન ગણાવા લાગેલી એક એવી મૂર્તિ સન્મુખ તે ખડો હતો જે સેંકડો વર્ષોથી વિદ્વાનો, નિષ્ણાતોની બાજનજરથી દૂર રહી શકી હતી.
જેટલી પ્રાચીન, જર્જરિત એટલી જ બેનમૂન, જેટલી બેશકિમતી એટલી જ અપૂર્વ એવી આ મૂર્તિને નિહાળીને ત્વરિતના દિમાગમાં હજારો વોલ્ટના કરન્ટ જેવી તીવ્ર ઝણઝણાટી ઉપડી આવી હતી અને આવી કેટલીય મૂર્તિઓ પારખીને તેને ઊઠાવી રહેલા દુબળીને ઓળખવા માટે તેના દિમાગમાં ધડાકા થઈ રહ્યા હતા.
કોઈપણ ભોગે હવે તેણે દુબળીને પકડવો જ રહ્યો અને દુબળીની અસલિયત સુધી પહોંચવા માટે આ મૂર્તિ પર તેનો કબજો હોવો જ રહ્યો. ઘાંઘી હાલતમાં એ ભોંયરાની બહાર નીકળ્યો ત્યારે ખુબરાના ચોગાનમાં અસલી ધડાકા શરૃ થઈ ગયા હતા. તેને પહેલો વિચાર છપ્પનની સલામતીનો આવ્યો પણ છપ્પન તેને સામે જ ભટકાયો.
હવે શા માટે ચોરી ન કરવી જોઈએ એ વિશે પોતાનો તર્ક છપ્પન હજુ ત્વરિતને સમજાવે એ પહેલાં તો સ્ટેનગનની ધણધણાટી ચાલુ થઈ ગઈ હતી અને અલાદાદ તેમના તરફ ધસ્યો હતો. એ વખતે જો છપ્પન અને ત્વરિત ત્યાંથી ખસીને ભોંયરાની ઊંધી દિશા તરફ ભાગ્યા હોત તો ય ગેરસમજની આ હારમાળા ત્યાં જ અટકી ગઈ હોત. પરંતુ અલાદાદને મન આ લોકો બીએસએફના આદમી જ હતા અને ઢુવા તરફ તેણે છટકવું હોય તો આ બંનેને મ્હાત કરવા તેના માટે જરૃરી હતા.
એટલે પોઈન્ટ બ્લેન્ક ફાયર કરવાની કોશિષમાં એ સીધો ત્વરિત તરફ ધસ્યો.
આંખ સામે વેંત છેટું મોત ભાળીને ત્વરિત ઘાંઘો થયો. છપ્પનને પરાણે ભોંયરા ભણી ધકેલીને તેણે અલાદાદને લાત ફટકારી દીધી.
શું બીએસએફ કે શું આતંકવાદી, શું અલાદાદ કે શું છપ્પન-ત્વરિત... પોતપોતાના કામમાં માહેર ગણાતા એ કોઈની કોઈ ગણતરી કે હોંશિયારી હવે કામ લાગવાની ન હતી. એ બધા જ હવે તકદીરના હાથે મુકાતાં-પટકાતા પ્યાદા હતા. રેગિસ્તાનની બંબોળ હવામાં નિયતિનો ચક્રાવાત ઊઠયો હતો અને ભોંયરામાં સદીઓથી પથ્થર સાથે જડાયેલી રહેલી મૂર્તિ હવે છપ્પનની છાતી પર ફસકાઈને જાણે અટ્ટહાસ્ય કરી રહી હતી...
સ્વરૃપમ્ ત્વદિયં ન વિન્દન્તિ દેવા...
(ક્રમશઃ)