નવા ઘરમાં આવ્યા પછી આરવ અને અવનિને ફાવટ આવી નહોતી.
આરવ નોકરીએ જતો અવની એક વર્ષની નાની દીકરી સાથે સમય વ્યતીત કરતી.
દીકરી ઋત્વાનો કિલકિલાટ આખાય ફ્લેટમાં ગુંજી ઊઠતો. થાક્યોપાક્યો આરવ ઘરે આવતો અને પોતાની દીકરીને ઉચકી લઈ ખૂબ રમાડતો. પોતાના પેટ પર બેસાડી અેની સાથે નાનો બાળક બની જતો.
એક મલ્ટિનેશનલ કંપનીમાં આરવ આસિસ્ટન્ટ મેનેજર હતો પૈસે ટકે સુખી છતાં કામના બોજના કારણે અવની સાથે સમય પસાર કરી શકતો નહીં. પરંતુ હવે અવનીએ પણ ધીરે ધીરે ઋત્વાની સાથે ઘરોબો કેળવી લીધો.
આજે પણ મોર્નિંગમાં આરવ રેડી થઈ ઓફીસ જવા નીકળ્યો ત્યારે અવની એને આલિંગી વળી.
"શું થયું અવું..?" આરવ એક પળ માટે ડગી ગયો.
એકલતા મને કોરી ખાય છે..! ક્યાંય મન લાગતું નથી આરવ રોજ તમારા ગયા પછી હું તમારો ઇંતજાર કરતી હોઉં છું..! ઝૂરાપો અસહ્ય છે..
"મારું પણ એવું જ છે જાન..! હું પણ સાંજ ઢળવાની રાહ જોઉં છું..!! તારું સાનિધ્ય મને પારાવાર શાંતિ આપે છે. તારા સહવાસમાં વીતેલી એક-એક ક્ષણ મારી જિંદગીનો ગોલાડન પિરીયડ છે. જીવવા માટે કામ કરવું જરૂરી છે બાકી મને આપણુ ઘર છોડી ક્યાંય જવાની ઈચ્છા થતી નથી..!!"
આરવે અવનીના કપાળમાં તસતસતું ચુંબન કર્યું.
"તારી સાથે તો ઢીંગલી પણ છે અને મારી સાથે..? તારાથી દૂર ગયા પછી હું હિજરાવું છું..! એવું ના માન કે મારું મન લાગે છે..!!
હું સમજુ છું, નવું શહેર છે. અજાણ્યા લોકો છે એટલે જરા અતડુ લાગે પણ ચિંતા ના કર આપણે નગરમાં ભળી જઈશું.. મજા આવશે તું જો જે તો ખરી જિંદગી જીવવાની !!
"આજે સાંજે જલ્દી આવી જઈશ.. બોલ શું ઈચ્છા છે મુવી જોવું છે..? મોલમાં ખરીદી કરવી છે. કે પછી તાપી નદીના ઓવારે મક્કાઈ પુલે યા કોઝવે પરથી જગમગતા શહેરનુ પ્રતિબિંબ જોવું છે..?"
તમે જલ્દી આવી જાઓ એ જ મારા માટે પૂરતું છે.. મારું સઘળુ વિશ્વ તમે જ છો આરવ..! હું તમારી રાહ જોઇશ.!"
એટલું કહી અવનીએ આરવની પલકો પર કિસ કરી.
આરવ ના ગયા પછી નાનું નાનું કામ આટોપી લેવા અવની કિચનમાં ગઈ.
નાનકડી મોટરગાડીને ઋત્વા આખા હોલમાં ગાડી ભગાવી રહી હતી.
અચાનક એક ફીટ જેટલી કિચન અને બેડરૂમ વચ્ચેની દિવાર કુદી ગાડી સાથે ઋત્વા કિચનમાં આવી ગઈ.
બે ઘડી બાધાની જેમ અવની ઋત્વાને જોતી રહી.
આવુ કેવી રીતે સંભવ્યુ.? કઈ સમજે એ પહેલાં રુત્વા હસવા લાગી. એનું નિર્દોષ હાસ્ય અવનીના હૃદયમાં ઉતરી ગયું.
ઋત્વાના પરાક્રમને ઘડીભર અવની દિમાગ પરથી હટાવી ફરી વાસણ ઉટકવા લાગી.
ત્યારે ખિલખિલાટ હસતી અને ગાડી ફેરવતી ઋત્વા ફરી જમ્પ લગાવી બેડરૂમમાં પહોંચી ગઈ.
બેડરૂમમાં ઋત્વાની કિલકિલારીઓ સાંભળી અવની ડઘાઈ ગઈ જે રીતે ઋત્વા એકલી હસતી હતી એ જોઈ અવનીનું મન ભ્રમિત બન્યું.
ધીમે-ધીમે અવની ચોરીછૂપીથી ઋત્વાને જોવા લાગી.
તો એના આશ્ચર્યનો પાર ન રહ્યો. ઋત્વા ડ્રોઇંગ બુકના પેપર ડ્રોઈંગ કરી રહી હતી. અને માત્ર એક વર્ષની ઋત્વા અવનીની ડ્રોઈંગ બુક પર આરવનો સંપૂર્ણ ચહેરો ચિત્રી એની સામે હંસી રહી હતી એ જોઈ
અવનીને ડર લાગ્યો.
ઝડપથી બહાર આવી અવની એ ઋત્વાના હાથમાંથી બ્લેક કલરની સ્કેચ પેન લઇ લીધી.
ઋત્વા ફરી પાછી ગાડી સાથે રમવામાં મશગુલ થઇ ગઈ.
ઋત્વામાં જોવા મળેલી અસહજ બાબતો અવનીને ચિંતાના ચક્કરમાં લપેટી લીધી.
આરવ સાંજે આવ્યો ત્યારે અવનીની વાત પર એને જરાય વિશ્વાસ ના થયો.
એને અવનીને સમજાવતા કહ્યું "તને આ ફ્લેમાં ફાવતું નથીને એટલે આવો ભ્રમ થયા કરે..! તારી તબિયતનું ધ્યાન રાખ..! અજુગતા વિચારો કરીશ તો હેરાન થઈશ..!"
આરવ ઘણી પળોજણ પછી અવનીને સમજાવી શક્યો...!
રાતની નિરવતા ઓઢી બંને એકમેકમાં ભળી ગયાં હતાં. સેકન્ડ બેડ પર ઋત્વા નજર સામે સુતી હતી. ગ્લાસની બારીમાંથી છબિયા કરી રહેલી ચંદ્રમાની ચાંદની રૂપ ઢોળી રહી હતી.
રૂપ અને આંખના આસવનો કેફ બંનેને ભીંજવી રહ્યો હતો.
અચાનક દૂર વોશરૂમમાંથી આવતા અવાજ ના કારણે આરવ અને અવની ઝબકી ગયાં.
ઋત્વાને બેડ પર ના જોતાં આરવ ઉછળી પડ્યો.
આરવની પાછળ અવની પણ અધ્ધરજીવે વોશરૂમમાં ગઈ.
નાનકડા બાથટબમાં નળ ચાલુ કરી ઋત્વા સ્નાન કરી રહી હતી. ઉછળતા પાણીના ફુવારા નીચે જોશથી કિલકિલારીઓ કરી રહી હતી.
ઋત્વાને ઉંચકી આરવ ઘરમાં લઈ આવ્યો.
એના ચહેરા પર ચિંતાની લકીરો દેખાઈ.
અવની એવી રીતે આરવને જોઇ રહી હતી જાણે કેહતી ના હોય "જોયું ને મારી વાત માનતા નહતા !! "
ઋત્વાના કપડાં બદલી અવની એને પોતાની પાસે લઈ સુતી.
રાત બંને એ પડખા ઘસીને વિતાવી.
મોર્નિંગ માં ઓફિસ જવા આરવ તૈયાર થતો હતો કે એક નવું કૌતુક બતાવવા અવની એનો હાથ પકડી ડ્રેસીંગ ટેબલ સમક્ષ લઈ ગઈ. એક વર્ષની ઋત્વા ડ્રેસીંગ ટેબલ પર ચડી જઈ.. અવનીની લિપસ્ટિકથી હોઠ રંગી દીધા હતા. આંખોમાં કાજળ લગાવ્યુ અને ભાલ પર ચાંદલો..!!'
દર્પણમાં પોતાનો પ્રતિબિંબ જોઈ એ હરખાતી હતી.
"ઋત્વા..?" અવનીથી રાડ નખાઈ ગઈ.
પણ ઋત્વા અવની અને આરવ સામે જોઈ પોતાની આંખો ઉલાળતી હતી.
આરવએ ઓફિસ જવાનુ પડતુ મૂકી ઘરે જવાનો અચાનક પ્લાન બનાવ્યો.
"અવની મને લાગે છે આપણે ઘરે જવું જોઈએ..!!"
આરવ ના ચહેરા પર બેચેની સાફ વર્તાતી હતી.
"ત્યાં શું થશે આરવ..? મને સો ટકા ખાતરી છે આપણે ઋત્વા પર ઉપરી હવાની અસર લાગે છે..!"
મમ્મી જોડે જઈએ બધું ઠીક થઈ જશે.!
એટલું કહી હવે અવનીને દિલાસો દીધો.
મમ્મીના ઘરે આવ્યા પછી આરવે જોયું કે
એક કમરામાં ઋત્વા બાર્બી ડોલ સાથે બેઠી હતી પણ જાતજાતના અવાજો કાઢી રહી હતી. નાનકડી ઋત્વા અરીસા સામે ઉભી રહી ગયેલી.. તે એવી રીતે રડતી હતી જાણે એ કમરા સાથે એને વર્ષોની ઓળખાણ હતી.
ઋત્વાના ચહેરા પર પથરાઈ ગયેલા ઓજસને જોઈ આરવના મમ્મીએ કહ્યુ.
"બેટા હવે તો તારી ભૂલ કબૂલ કરી એકવાર એની માફી માગી લે..!"
અવની અવઢવમાં પડી.
જ્યારે આરવ ખખડી ને રડી પડ્યો.
મારાથી બહુ મોટી ભુલ થઈ ગયેલી માં એ વાતને હું ક્યારેય ભૂલી શકું એમ નથી.
હું પાંચ વર્ષનો હતો અને ઋત્વા ચાર વર્ષની..! અમે ડોક્ટર દર્દીની રમતા હતા.
પાટાપિંડી કરતા હતા.
"ઋત્વા એ કહ્યું આ ઓપરેશન ના કહેવાય..!"
એટલે મેં એના હાથ પર બ્લેડ મારી દીધેલી. પછી પટ્ટી બાંધી પણ "માં"..!!"
આરવની આંખમાંથી દડદડ આંસુ વહી રહ્યાં હતાં.
ખૂન ઘણું વહી ગયું અને મારી નાનકડી બેન સદાને માટે ચાલી ગઈ..!
મને માફ કરી દે બેન મારી નાદાન અવસ્થાની ભૂલની સજા મારે ઋત્વાને ના આપ..!
તારું નામ મારા હોઠો પર આખી જિંદગી રહે એ હેતુથી મેં મારી નાનકી નું નામ પણ ઋત્વા રાખ્યું..! કોઈ સજા જ આપવી હોય તો તું મને આપ..! પણ એને મુક્ત કર બેન એને મુક્ત કર..!!"
આરવ રીતસર બે હાથ જોડી ઋત્વા ની સામે કરગરી રહ્યો હતો.
ત્યારે એક ક્ષણ માં ઋત્વા નેં એક ધક્કો લાગ્યો. જાણે કોઈએ એના શરીરને મુક્ત કર્યું હોય એમ ઋત્વા બેહોશ બની ઢળી પડી.
બેબાકળી બનેલી અવની ઋત્વાને ઉઠાવી હલબલાવી નાખી.
તરત જ આંખો ખોલી ટગરટગર ઋત્વા જોતી હતી. એ જ પોતાના નિર્દોષ ભાવો નું વિશ્વ ચહેરા પર લઇને..!!
પોતાની પુત્રી ને સહી સલામત જોઈ આરવની આંખમાં ઘોડાપૂર હતું