Ajvadana Autograph - 24 in Gujarati Motivational Stories by Dr. Nimit Oza books and stories PDF | અજવાળાંનો ઓટોગ્રાફ - 24

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

અજવાળાંનો ઓટોગ્રાફ - 24

અજવાળાંનો ઓટોગ્રાફ

(24)

પપ્પાની ફ્રેન્ડ રીક્વેસ્ટ

અમૂક ઉંમર સુધી આખું ઘર આપણું હોય છે. આપણી દરેક પ્રવૃત્તિઓ, વર્તન અને વાતો આપણા ઘરના સભ્યો માટે સાર્વજનિક હોય છે. કોઈથી કશું સંતાડવાનું હોતું નથી. અમૂક ઉંમર પછી આપણા જ ઘરમાં આપણને એક અલગ ઓરડો ફાળવવામાં આવે છે. આપણા મોટા અને સમજદાર થવાની એ સૌથી કમનસીબ વાસ્તવિક્તા છે કે એક જ છતની નીચે રહેતા હોવા છતાં પણ મમ્મી-પપ્પાથી આપણી દીવાલો અલગ થઈ જાય છે. વૃદ્ધિ પામવાનો એક ગેરફાયદો એ પણ છે કે સમજણ આવતાની સાથે જ પ્રાયવસીના નામે આપણી આસપાસ દીવાલો ચણીને આપણે મોટા થયાની ઉજવણી કરીએ છીએ. વાતો કરવા માટેની સૌથી સાર્વજનિક જગ્યા ગણાતા ઘરનું વિભાજન થઈને ધીમે ધીમે ખાનગીકરણ થતું જાય છે.

કોઈપણ જાતની પરમીશન લીધા વગર ગમે ત્યારે જેમના ખોળામાં બેસી જતા અને જાહેરમાં જેમના કપડા પલાળતા, એ જ લોકોએ થોડા વર્ષો પછી આપણા રૂમનો દરવાજો ખખડાવીને પૂછવું પડે છે કે ‘અંદર આવીએ ?’. સંતાનોને મા-બાપથી તેમની ઉંમર કે દીવાલો નહીં, તેમના સિક્રેટ્સ અલગ કરતા હોય છે.

ફક્ત ફેસબુકનું જ નહીં, ઉંમર વધવાની સાથે દરેક સંતાનની જિંદગીનું સેટિંગ પણ ‘પબ્લિક’માંથી ‘પ્રાઈવેટ’ થતું જાય છે. નિશાળમાં બનેલી દરેક ઘટનાઓ ઘરે આવતાની સાથે જ મમ્મી પપ્પાને કહી દેનારા આપણે, હવે ‘માય લાઈફ’ના બેનર હેઠળ આપણી બધી પ્રવૃત્તિઓને ‘પર્સનલાઈઝ’ કરી નાંખીએ છીએ. એકાંતની શોધમાં નીકળેલા આપણે ધીમે ધીમે એકલા પડતા જઈએ છીએ.

અપરિચિત અને અજાણ્યા હોય એવા હજારો લોકો સાથે ફેસબુક પર ફ્રેન્ડઝ બનેલા આપણને, મમ્મી કે પપ્પાની ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકારતા પહેલા જો વિચારવું પડે તો સમજવું કે હવે એક જ ઘરમાં આપણે પાડોશીઓ છીએ. મોટા થવાની સાથે આપણું વિશ્વ વિસ્તરતું જાય છે અને મમ્મી પપ્પાનું વિશ્વ આપણામાં સીમિત થતું જાય છે.

પપ્પાએ મોકલેલી ફ્રેન્ડ રીક્વેસ્ટનો અર્થ એ નથી કે એમને આપણા પર નજર રાખવી છે. એમને તો ફક્ત એમની નજરમાં આપણને રાખવા હોય છે. આપણા ફેસબુક અપડેટ્સથી પણ મમ્મી-પપ્પા આપણો મૂડ જાણી લેતા હોય છે. એમને એટલો હક તો આપવો જોઈએ. એમની સાથે બેસીને વાતો કરે, એવો પણ આગ્રહ ન રાખનારા દરેક મા-બાપને હક છે કે એટલીસ્ટ એમના સંતાનની ફેસબુક સ્ટોરીઝ અને વોટ્સ-એપ સ્ટેટ્સ જોઈ શકે. પપ્પાની ફ્રેન્ડ રીક્વેસ્ટ, એ આપણી જાસૂસી કરવાનું કોઈ ષડયંત્ર નથી. આ એમણે ખુલા દિલથી મોકલેલો મૈત્રી પ્રસ્તાવ છે. તેઓ કહેવા માંગતા હોય છે કે બહુ જીવ્યા પિતા-પુત્ર બનીને, ચાલ હવે મિત્રો બનીને જીવીએ.

પપ્પા કે મમ્મીની ફ્રેન્ડ રીક્વેસ્ટ, એ બીજું કાંઈ નથી પણ તેમણે શોધી કાઢેલો એક નવો રસ્તો છે ફક્ત એટલું જ જાણવા માટે કે એમનું સંતાન મજામાં છે કે નહીં ! આપણને એવો કોઈ હક નથી કે આપણા મજામાં હોવાની વાત પણ એમનાથી ખાનગી રાખીએ. જેઓ આપણી રગેરગથી માહિતગાર છે, એમને ફેસબુક પર બ્લોક કરવાનો કોઈ જ અર્થ નથી. આ દુનિયામાં આવ્યા બાદ આપણને સૌથી પહેલી ‘લાઈક્સ’ એમની જ મળેલી, જેમની ફ્રેન્ડ રીક્વેસ્ટ આપણે હજુ પણ પેન્ડિંગ રાખી છે.

-ડૉ. નિમિત્ત ઓઝા