Budhvarni Bapore - 29 in Gujarati Comedy stories by Ashok Dave Author books and stories PDF | બુધવારની બપોરે - 29

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બુધવારની બપોરે - 29

બુધવારની બપોરે

(29)

ડાકૂ રબ્બરસિંઘનું કવિ સંમેલન

ડાકૂ સાહિત્ય પરિષદના નેજા હેઠળ, પ્રમુખશ્રી ખૂંખાર કવિ રબ્બરસિંઘે ડાકૂ-કવિઓનું કવિ સંમેલન બોલાવ્યું હતું, એ જાણવા છતાં કે ગાંવવાલોંને તો કવિ અને ડાકૂ વચ્ચે કોઇ તફાવત હોવાની જ ખબર નથી. સંમેલનમાં મૂર્ધન્યથી માંડીને નવોદિત ડાકૂઓ ખભે બગલથેલા લટકાવીને શોભામાં અભિવૃધ્ધિ કરી રહ્યા હતા. બધા બગલથેલામાં પૂરતા પ્રમાણમાં દારૂગોળાનો-એટલે કે શે’ર-શાયરી-ગઝલોનો જથ્થો ઝૂલતો હતો. પહેલી વાર ડાકૂઓ મિલિટરી-લિબાસને બદલે ખાદીના ઝભ્ભા-લેંઘા પહેરીને આવ્યા હતા. આજ સુધી વિશ્વભરમાં ક્યાંય ચશ્માવાળા ડાકૂ થયા નથી, પણ અહીં સ્વરચનાપઠન કરવાનું હોવાથી ગામના બજારોમાં જે કોઇ ચશ્માવાળું મળ્યું, એ બધાના ચશ્મા ખેંચી કાઢીને કવિઓ પધાર્યા હતા. ચશ્મા પહેર્યા પછી ડાકૂઓ કવિ કરતા વિવેચકો જેવા વધુ લાગતા હતા.

કાળમીંઢ ખડકો વચ્ચે જ્યાં જગ્યા મળે, ત્યાં લાલ રંગના પંડાલો બાંધવામાં આવ્યા હતા. જેમાં નવોદિત ડાકૂ-શાયરો પોતપોતાની તાજી ભયજનક રચનાઓ બંદૂકને ભડાકે રજુ કરવાના હતા. હા. એક પૂર્વશરત જરૂર મૂકવામાં આવી હતી કે, જે કોઇ કવિ પોતાની રચના રજુ કરે, તેનો શૌર્યભર્યો પ્રારંભ હવામાં બંદૂકનો ભડાકો કરીને થશે. અલબત્ત, હજી બહુ નહિ ‘કમાયેલા’ શાયરો પાસે બંદૂકની વ્યવસ્થા ન હોય તો એમણે પોતાની રચના રજુ કરતા પહેલા એક ઢેખાળો શ્રોતાઓ તરફ ફેંકવાનો...જે શ્રોતાઓ આવા ઘા ચૂકવી દે, તેમને જ લંચના પાસ મળશે. ‘મધ્યસ્થ ડાકૂ સમિતીનો’ આ ઠરાવ વ્યાજબી હતો કે, પુલીસ સામેની અથડામણોમાં પથરા-ઢેખાળા નહિ, સનસનસન આવતી ગોળીઓના ઘા ચૂકાવવાના છે.....‘જો ડર ગયા, વો સમજો મર ગયા...!’

જે કવિ સંમેલન/મુશાયરામાં સ્ત્રી-શ્રોતાઓ હોય ત્યાં સજર્કોના ઉલ્લાસ-ઉમંગમાં તોતિંગ વધારો જોવા મળતો હોવાથી ડાકૂઓ આજુબાજુના ગામોમાંથી ૧૦-૧૫ મહિલાઓ ઉઠાવી લાવ્યા હતા.....આ લોકોના કમનસીબે, એમાંથી આઠેક સ્ત્રીઓ તો પોતે ક્વયિત્રીઓ હતી. આમાંની ૪-૫ એવી હતી, જેમને કારણે આમાંના ઘણા કવિને બદલે ડાકૂ બની ગયા હતા.

સરકારના ક્ચ્ચ્ર્ (ગબ્બર સિંઘ ટૅક્સ)ના નવા માળખા મુજબ, જ્ઞાતિ-જાતિની કોઇ અનામત વગર, પ્રત્યેક લૂંટાયેલા માલ ઉપર તોતિંગ ટૅક્સ ભરવાનો આવતો હોવાથી ડાકૂ-સમાજે બંદૂકને બદલે કવિતાઓના ભડાકાઓ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. કવિતા નહિ સાંભળવાના ટૅક્સો તો પ્રજા હોંશેહોંશે સામે ચાલીને ચૂકવી આપે.....કવિતા સાંભળવી ય ખરી ને ટૅક્સ પણ ભરવો.....બહોત નાઇન્સાફી હૈ...!

સંમેલનનો એક સંકલ્પ સ્પષ્ટ હતો કે, સદીઓથી ડાકૂઓ નઠારી ગાળો બોલે છે અને ખાય છે. એને બદલે મા-બેનની ગઝલો, નઝમો કે અછાંદસ ગાળો બોલવાથી ડાકૂ-સાહિત્યનું સ્તર સન્માન્નીય બનશે. રબ્બરસિંઘની ફૅવરિટ ગાળ ‘સુવ્વર કે બચ્ચોં...’ને સ્થાને હવે પછી ‘શે’ર કે બચ્ચો’ બોલવામાં સૂરૂચિભંગ નહિ થાય. બન્નેનો અર્થ તો એક જ થાય છે, પણ આ જરા સાહિત્યિક અને મદરનગીભર્યું લાગે.

ગાંવના જમીનદારને મોકલવાની જાસાચિઠ્‌ઠીની ભાષા સુધારવા માટે બપોરે ત્રણ કલાકનું એક અલગ સત્ર રાખવામાં આવ્યું હતું. દેશના મૂર્ધન્ય ડાકૂ રબ્બરસિંઘે સંપાદિત કરેલી ‘વિશ્વોત્તમ જાસાચિઠ્‌ઠીઓ’નું વિમોચન આ સત્ર પહેલા કરવાનું આયોજન પણ ખરૂં. અનેક ડાકૂઓ જાસાચિઠ્‌ઠી લખવામાં કાચા પડતા હતા. છોટે સરદારના નામે ઓળખાતા માનનીય ડાકૂ શ્રી.મંગલસિંઘે પુલીસને લખેલી પહેલી જાસાચિઠ્‌ઠીમાં લોચો માર્યો હતો અને લખી માર્યું હતું, ‘હમારે સરદાર કો છોડ દો, વર્ના તુમ્હારી જોરૂ કો ઉઠા લે જાયેંગે...’

પોલીસ પણ માણસ હોય છે અને ઘણા તો પતિ પણ હોય છે, એટલે સુપ્રીન્ટૅન્ડૅન્ટ સા’બ ગભરાવાને બદલે જવાબી જાસાચિઠ્‌ઠીના જવાબમાં પ્રશ્નાર્થ ચિહ્ન સાથે એક જ સવાલ સામો લખ્યો, ‘પ્રોમિસ....?’

સામ્ભાએ હવામાં ત્રણ ગોળીબાર કરી ડાકૂ-મુશાયરાનો પ્રારંભ કર્યો. જવાબમાં તાળીઓને બદલે હવામાં ગોળીબારો કરીને સત્રના પ્રારંભને વધાવી લેવામાં આવ્યું. પ્રમુખશ્રી રબ્બરસિંઘે અત્યંત નમ્રતાપૂર્વક પોતાની રચનાનો પ્રારંભ કર્યો.

ધડાક, ભડાક ને ફડાક...

શ્રોતાઓમાંથી ‘ક્યા બ્બાત હૈ....ક્યા બ્બાત હૈ....જવાબ નહિ’ના હર્ષનાદો થયા. જવાબમાં ‘નૉક ઑફ હૅડ’ આપીને રબ્બરસિંઘે વિનયપૂર્વક રચના આગળ વધારી.

ઢીચકીયાં...ઢીચકીયાં...ઢીચકીયાં...

શ્રોતાઓ પાગલ થઇ ગયા. ‘..ક્યા શૅ’ર મારા હૈ...દુબારા પઢીયે, જનાબ...ક્યા શૅ’ર મારા હૈ..’ (એક માહિતી : મુશાયરા-કવિ સંમેલનોમાં દાદ કદી એક વારમાં પતતી નથી. બબ્બે વાર બોલવું જ પડે : માહિતી પૂરી) જવાબમાં રબ્બરસિંઘ ઝૂકીને સલામ મારે, એ પહેલા કંઇક બન્યું ને બધા સ્તબ્ધ થઇ ગયા. નીરવ શાંતિ સ્થપાઇ ગઇ. રબ્બરસિંઘ અને આખું સંમેલન પહાડની ટોચ પર જોવા માંડ્યા, જ્યાંથી કૂતરાના રડવાનો કરૂણ અવાજ આવતો હતો. બોલતું કોઇ નથી, માત્ર ઉપર જુએ છે, જ્યાં એક ઘોડા ઉપર ઠૂંઠા ઠાકૂર બલદેવસિંઘ ઠંડા કલેજે આ લોકોને જોઇ રહ્યા છે. રબ્બરસિંઘ કટાક્ષમાં હસી પડે છે અને મશ્કરીના ટૉનમાં ઉપસ્થિત શ્રોતાગણને કહે છે, ‘‘ઓહ....ઠૂંઠા ઠાકૂર બલદેવસિંઘ...? હહહાહાહાહા...વો આદમી, જો હાથ સે એક પૅન ભી પકડ નહિ સકતા, વો ગઝલ-નજમ ક્યા ખાક લિખેગા...? અરે ઓ ઠાકૂર....તુ જા કે થોડે સે હાઇકૂ લિખ કે લા....તેરી તો ઔકાત હી ઇતની હૈ...હાક થૂઉઉઉ...’’

‘‘રબ્બઅઅ...ર! તેરે લિયે તો મેરે યે દો શૅ’ર હી કાફી હૈ...દેખ અપને પીછે!’’

રબ્બરસિંઘ પાછળ જુએ એ પહેલા પોતપોતાના બગલથેલાઓમાંથી જય અને ખીરૂ હૅન્ડગ્રેનૅડ્‌સની માફક જ્ઞાનસત્ર ઉપર છુટ્‌ટા હાથની ગઝલો, નજમો, શેરો, રૂબાઇઓ અને ભારે વિનાશક કવ્વાલીઓના ડૂચા ફેંકીને ભાગમભાગ મચાવી દે છે. ડાકૂ કવિઓમાં નાસભાગ થઇ જાય છે. એક નવોદિત કવિને તો ત્રણ અક્ષરનું એક ગુજરાતી અછાંદસ કાવ્ય છાતીમાં એવું ઘુસી ગયું કે, મરતા મરતા એણે ચીસો પણ અછાંદસ પાડી.

ક્રોધિત અને લાચાર રબ્બરસિંઘ બાહોશ ગઝલકારો જય અને ખીરૂ સામે લાચાર ઊભો છે, જેમની ગઝલોના સરકારી પરિપત્રો જેવા કઠિન રદ્દીફ-કાફિયા હોવાથી વધુ હેરાન થવા કરતા શરણાગતિ સ્વીકારી લેવી બેહતર છે, એમ સમજીને રબ્બરસિંઘ નિઃસહાય અને લાચાર ઊભો છે. એના મિલિટરી શર્ટના ખિસ્સામાંથી એક નાનકડું કાગળીયું લટકતું જોઇને ઠાકૂર ભારે ક્રૂરતાપૂર્વક આંખો કાઢીને કહે છે, ‘‘યે ખંડકાવ્ય મુઝે દે દે, રબ્બર...’’ જવાબમાં આધાર-કાર્ડ આપી દેવાનું હોય એવા ભયથી થરથરતો રબ્બરસિંહ હીરોઇન જેવા તીણા અવાજે બોલી ઉઠે છે, ‘‘નહિઇઇઇ.....નહિઇઇઇઇઇઇ...’’

અને પોતાની મોજડી રબ્બરસિંહના એ ખિસ્સામાં ભરાવીને ઠાકૂર ફરી અપીલ કરે છે, ‘યે ખંડકાવ્ય મુઝે દે દે, રબ્બઅઅઅઅર...!’

સામે છેડે રબ્બરસિંઘનો મૃતદેહ પડ્યો છે અને ડાકૂ પરિષદ પ્રમુખની ચૂંટણી ઠૂંઠા ઠાકૂર જીતી જાય છે.

સિક્સર

કોઇ રાજ્યના મુખ્યમંત્રી ગૂજરી જાય તો એમની સ્મશાનયાત્રામાં બદલી-કામદારોની જેમ આપણા જવાનોને તહેનાતમાં રાખવામાં આવે છે. એ દિવસો દૂર નથી કે, શહેરની ગટરો ઊભરાય તો ય સરહદથી જવાનોને બોલાવવામાં આવે! ‘સજીર્કલ-સ્ટ્રાઇક’ની જય હો...

--------