ટહુકો
વર્ક - કલ્ચર ખીલે તો ગરીબી ટળે
(૭/૨/૨૦૧૦)
વર્ષો પહેલા મુંબઈના વિક્ટોરિયા ટર્મિનસથી ઉપડતા સિકંદરાબાદ એક્સપ્રેસમાં હૈદરાબાદ જવાનું બનેલું. ટ્રેન જ્યારે લોનાવાલા સ્ટેશને ઊભી રહી ત્યારે પ્લેટફોર્મ પર ડબ્બો પરબ સામે ઊભો રહ્યો. પરબનું છાપરું રંગબેરંગી પુષ્પોથી છવાયેલું હતું. થર્મોસમાં પાણી હતું અને તરસ લાગી ન હતી, તોય પાણી પીવા માટે નીચે ઉતર્યો. પરબ વાળાને પૂછ્યું:' પરબના છાપરા પર આવાં સુંદર પુષ્પ કોણે ઉડાડ્યા? જવાબ મળ્યો:' અમારા સ્ટેશન માસ્તર સાહેબને શોખ છે '. ટ્રેન ચાલી ન જાય તેથી એ પરબે ખોબો ધરીને પાણી પીધું ત્યારે પણ નજર પાછળ રાખીને પીધું. જો થોડોક સમય મળ્યો હોત તો જરૂર એ સ્ટેશન માસ્તરને મળીને અભિનંદન આપ્યા હોત. એ સ્ટેશન માસ્તર લાખોમાં એક ગણાય.
આપણા દેશમાં સુથારો ઘણા, પરંતુ કેટલાક સુથાર એવા કે અન્યથી જુદા પડી આવે. દેશને જરૂર છે અન્યથી જુદા પડી આવે એવા પ્લમ્બરોની, લુહારની, શિક્ષકોની વાયરમેનોની, મેનેજરોની, ડ્રાઇવરોની, ખેડૂતોની, કલેકટરોની, કુલપતિઓની, પ્રધાનોની, સેવકોની, સફાઈ કામદારોની અને કર્મશીલોની. જેઓ જુદા પડી આવે, તેઓ પાસે એવું શું હોય છે ? તેઓ પાસે વર્ક - કલ્ચર હોય છે, જેને કારણે તેમનું કર્મ વૈતરુ મટીને કર્મનિષ્ઠા માં ફેરવાય જાય છે. દેશની ગરીબી ટળે તે માટે ઉત્પાદકતા (પ્રોડક્ટિવિટી) વધે તે જ ખરો ઉપાય છે. પ્રોડક્ટિવિટી અને પોવર્ટી વચ્ચે વ્યસ્ત પ્રમાણ હોય છે. ટ્રેડ યુનિયનનો નેતા કદીપણ કામદારોને ઉત્પાદકતા વધારવાની શિખામણ આપતો નથી. એવા નેતાને કામદારો સ્વીકારતા જ નથી. પરિણામે આપણી ગરીબીને ખાસી નિરાંત છે. મન દઈને પોતાને ભાગે આવેલું કામ કરનાર સામાન્ય માણસ આદરણીય છે. આવો કોઈ માણસ જ્યાં અને જ્યારે મળી આવે ત્યારે એને ટીપ આપતી વખતે કરકસર ન કરવી એમાં આપણી ખાનદાની શોભે છે. ઘરની કામવાળી પ્રત્યે ઉદારતા બતાવનારી ગૃહિણીની કક્ષા કામવાળીની કક્ષા કરતાં પણ નીચીજાણવી
શુ માણસ કામને ધિક્કારે છે? શું એને મફતનું મળે તે પ્રત્યે મોહબ્બત હોય છે? શું કામચોરી કેવળ ભારતનો રાષ્ટ્રીય રોગ છે?આ પ્રશ્નોનો ઉપરછલ્લો જવાબ' હા ' હોવાનો સંભવ છે, પરંતુ વાત બહુ સાચી નથી. આવી ફરિયાદો સતત કાને પડે તેથી આપોઆપ સાચી બની જતી નથી. આ પ્રશ્નનો ઐતિહાસિક અને આંતરરાષ્ટ્રીય સંદર્ભ સમજવા જેવો છે. અસંખ્ય સદીઓથી મનુષ્ય કોઈને કોઈ કામ કરીને પોતાનું પેટીયું રળી લેતો હોય છે. કેટલાંક કર્મો પેટમૂલક હોય છે. કેટલાંક કર્મો મગજમૂલક હોય છે. કેટલાંક કર્મો હૃદયમૂલક હોય છે. પેટમૂલકકર્મ કરે તે કામદાર, મગજમુલક કર્મ કરે તે કારીગર અને હદયમૂલક કામ કરે તે કલાકાર ગણાય. મનુષ્યને આવા ત્રણેય પ્રકારના કર્મની ગરજ છે. જેને લોકો કામ (વર્ક)કહે છે તેનો ઇતિહાસ રસપ્રદ છે.
એક જમાનામાં ગ્રીસના લોકો કામને શાપ ગણતા. ગ્રીક ભાષામાં ' કામ ' માટેનો શબ્દ ' શોક ' પરથી આવ્યો છે. કામ એટલે વૈતરું, બોજો અને થાક. એ જમાનામાં ગ્રીક લોકો માટે કામનું કોઈ મૂળભૂત મૂલ્ય ન હતું. હિબ્રુ ભાષા બોલનારા લોકો માટે પણ કામનો અર્થ કંઈક એવો જ હતો, પરંતુ એમાં એક તફાવત હતો. હિબ્રુ ભાષા બોલનારા લોકો કામને પ્રાયશ્ચિત ગણતા. ખ્રિસ્તી પરંપરાએ આવી માન્યતાઓને ઝાઝું મહત્વ ન આપ્યું અને કામનો આદર કર્યો. ' વર્ક ઇઝ વર્શિપ ' કહેવત જાણીતી છે. એ લોકોએ એમ માન્યું કે ખરાબ વિચારો દુર રાખવા માટે અને મન તથા શરીરને તંદુરસ્ત રાખવા માટે કામ જરૂરી છે. એ લોકોએ કામને નિરાશા સાથે જોડવાને બદલે નિરાશાનો સામનો કરવાના ઉપાય તરીકે કામ નો મહિમા કર્યો. પ્રોટેસ્ટન્ટોએ તો કામની પ્રતિષ્ઠા ખૂબ વધારી. એમણે 16મી સદીમાં સૂત્ર વહેતું કર્યું હતું:' ઘરમાં કામ કરતી મજૂરણ ચર્ચમાં પ્રાર્થના કરતા પાદરી કરતા ભગવાનથી વધારે દૂર નથી. ' પ્રોટેસ્ટન્ટો એ કામને ભગવાનની પૂજા તરીકે બિરદાવ્યું હતું. કદાચ એવી વ્યાપક સમજણ બ્રિટનને મહાસત્તા બનાવનાર હતી.
માણસ આર્થિક સલામતી ઝંખે છે. એ સલામતી હવે કેવળ પેટનો ખાડો પુરવામાં સમાઈ જતી નથી. હવે પેટીયું પગાર બની ગયું છે અને પગાર જીવનની ગુણવત્તા સાથે પણ જોડાઈ ગયો છે. જેમ પગાર તગડો તેમ જીવનધોરણ ઊંચું! આવું વિધાન ' જીવન ' શબ્દને ન્યાય આપનારું નથી. જીવનધોરણને કેવળ કાર, બંગલો, એસી કે વૈભવ સાથે જ જોડવામાં માલ નથી. હવે માણસને કામ આપવાની સામાજિક જવાબદારી સરકારની ગણાય છે અને બેકારને બેકારીભથ્થું (dole) મળે તેવી વ્યવસ્થા પણ સભ્ય સમાજનું લક્ષણ ગણાવાય છે. કુટુંબનું ભરણપોષણ પણ કે વાળો કેવળ પુરુષો જ કરે તેવી પરિસ્થિતિ હવે નથી રહી. સ્ત્રી ઓફિસેથી પાછી ફરે ત્યારે થાકેલી હોય છે. જો પતિ વહેલો ઘરે પહોંચ્યો હોય, તો તેણે થાકીને આવેલી પત્નીને પાણીનો ગ્લાસ ધરવો જોઇએ. આવું બને તેમાં ૨૧મી સદીની નૂતન સભ્યતા પ્રગટ થતી દીસે છે.
કામ કરવાનું માણસને મન થાય એવું પર્યાવરણ રચવાની જવાબદારી કોની? કામ કરવાનું મનોવિજ્ઞાન સમજવું જરૂરી છે. પગાર સાથે પરિતોષ પણ મળે, તો ચમત્કાર સર્જાય છે. માણસ પોતાને પાણી આવેલા કામને આવકારે તે માટે એ કામ અર્થપૂર્ણ હોય તે ખૂબ જરૂરી છે. અર્થપૂર્ણ કામ એટલે શું જવાબમાં આ ત્રણ બાબતો મહત્વની છે: (૧) રસ પડે તેવું કામ (૨) પોતાની શક્તિનો વિનિયોગ થાય તેવું કામ (૩) પોતાના નામ અંગે નિર્ણય કરવાનો અધિકાર હોય તેવું કામ. આ ત્રણે બાબતોનો આ ભાવ માણસની કામચોર બનાવે છે. કામચોરી સાથે દિલચોરી અને ક્યારેક દાણચોરી જોડાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં કામ કરનારના કામમાં કોઇ ભલીવાર નથી હોતો. પરિણામે ઉત્પાદકતા ઘટે છે અને દેશના કરોડો લોકોની ઘટેલી ઉત્પાદકતાને કારણે ગરીબીને નિરાંત રહે છે.
પરિણામ શું?
કોઈ કવિ દરજી કામ કરતો રહે છે. ગનીભાઈ દહીંવાલાને સુરતના ઘણા લોકોએ દરજી કામ કરતા જોયા છે. કોઇ સફળ ખેલાડી બેંકમાં એકાઉન્ટન્ટ બનીને જીવનભર સરતો રહે છે. કોઈ ચિત્રકાર રેલવેમાં ટિકિટ કલેક્ટર બની જાય છે. વાંચનમાં રસ ન હોય એવા પ્રધ્યાપકને તમે મળ્યા છો? મારા એક સ્વજનનો દીકરો અમેરિકામાં જન્મીને મોટો થયો. એના પિતા સફળ ડેન્ટિસ્ટ તરીકે વર્ષોથી અમેરિકામાં સ્થિર થયા છે. દીકરાને ડેન્ટિસ્ટ્રી માટેની પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ મળી ગયો. એ દીકરાએ એક વર્ષ કોલેજમાં ભણ્યા પછી એ લાઇન છોડવાનો નિર્ધાર કર્યો. માતા-પિતા દુઃખી થયાં. એ યુવાને મને કહ્યું:' મને જો કામમાં જરા પણ રસ ન પડે, તો મારા દર્દીઓને કેટલો અન્યાય થાય?' માનશો? એ યુવાન હાલ અમેરિકા છોડીને જામનગરના જિમમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે મોજથી કામ કરે છે. એને ભારતમાં રહેવાનું ગમે છે. એને ' અર્થપૂર્ણ કામ ' મળી ગયું છે. મારી આ વાતમાં સમજ ન પડે, તો એક કામ કરો. આ લેખ વાંચી લીધા પછી સમય ગુમાવ્યા વિના ફિલ્મ ' 3 idiots' જોઈ આવો.
પાઘડીનો વળ છેડે
જો કોઈ માણસ ફળિયાનો
ઝાડુવાળો હોય તો તેણે
માઈકલ એન્જેલો ચિત્રકામ કરે તે રીતે
બીથોવન સંગીત રચના કરે તે રીતે
કે પછી શેક્સપિયર કવિતા રચે તે રીતે
ફળિયામાં એટલી સુંદર રીતે
ઝાડુ વડે સફાઈ કામ કરવું જોઈએ
કે પૃથ્વી અને સ્વર્ગના નિવાસીઓ
થોભી જઈને એવું કહેવા પ્રેરાય
કે :અહીં તો એક એવું મહાન
ઝાડુવાળો રહેતો હતો,
જે પોતાનું કામ અત્યંત
સુંદર રીતે કરતો હતો.
- માર્ટિન લ્યુથર કિંગ ( જુનિયર)
***