Maut ni Safar - 5 in Gujarati Horror Stories by Disha books and stories PDF | મોત ની સફર - 5

The Author
Featured Books
Categories
Share

મોત ની સફર - 5

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 5

વિરાજ અને એનાં ત્રણેય મિત્રો દ્વારા રાજા દેવવર્મન નો ખજાનો શોધી લેવાયાં બાદ એ દરેકની જીંદગી સુખરૂપ દોડી રહી હતી.. વિરાજે ગુફામાંથી મળેલો લ્યુસીનો સામાન એનાં પરિવારને આપી એમને લ્યુસી સાથે શું થયું એ જણાવવા માટે લ્યુસીનાં ઘરે કેંટબરી જવાનું નક્કી કર્યું.. જે માટે ડેની, ગુરુ અને સાહિલ પણ તૈયાર થયાં. એ લોકો લંડન ની હોટલ લેન્ડમાર્કમાં ઉતર્યા જ્યાં વિરાજની નજરે એક ભેદી વ્યક્તિ ચડ્યો.

બીજાં દિવસે સવારે નાહી ધોઈ ને તૈયાર થયાં બાદ ગરમાગરમ બ્રેકફાસ્ટ કર્યાં બાદ વિરાજ, ડેની, સાહિલ અને ગુરુ હોટલમાંથી એક કાર હાયર કરીને કેંટબરી જવાં માટે નીકળી પડ્યાં.. લંડનથી કેંટબરી માંડ બે કલાકનાં અંતરે હતું.. એ લોકો હોટલમાંથી સાડા નવ વાગે નીકળ્યાં હતાં અને સાડા અગિયાર વાગે તો કેંટબરી લ્યુસીનાં નિવાસ સ્થાને જઈ પહોંચ્યાં હતાં.

લ્યુસી નું ઘર કેંટબરીનાં પ્રખ્યાત કેંટબરી રોમન મ્યુઝિયમ ની જોડે આવેલાં રોયલ લેન ઉપર આવેલું હતું.. પાસપોર્ટ નાં એડ્રેસ પરથી પૂછતાં પૂછતાં એ ચારેય મિત્રો આખરે લ્યુસીનાં ઘરે આવી પહોંચ્યા. લ્યુસી નું ઘર લાકડા અને પથ્થરથી બનેલું જુનાં પુરાણા બ્રિટિશ સ્થાપત્ય નાં નમૂના રૂપ હતું.. ઘરની બહાર એક લાકડાનો વરંડો.. જેનો ઝાંપો ખોલી અંદર જતાં એક નાનકડો બગીચો. અને આ બધાં ને વધુ સુંદર બનાવતી વસ્તુ એટલે શાંત વાતાવરણ.

"સાહિલ.. તારે જ લ્યુસીનાં પરિવારમાં જે કોઈપણ મળે એની સાથે વાત કરવી પડશે.. મને થોડું ઘણું અંગ્રેજી ફાવે છે.. પણ તારી જેટલું પ્રભુત્વ હું અંગ્રેજી ઉપર નથી ધરાવતો.. "વરંડાનો ઝાંપો ખોલી અંદર પ્રવેશતાં જ વિરાજે સાહિલને ઉદ્દેશીને કહ્યું.

"Ok.. હું વાત કરી લઈશ મારી રીતે.. "સાહિલે ઘરનાં દરવાજા તરફ આગળ વધતાં કહ્યું.

એ લોકો ઘરનાં બારણે આવીને ઉભાં રહ્યાં અને સાહિલે ડોરબેલ ને હાથ વડે પ્રેસ કરી.. સાહિલે ધ્યાનથી જોયું તો દરવાજાની ઉપર લાગેલો કેમેરો શક્યવત બારણે કોણ ઉભું છે એ અંદર મોજુદ વ્યક્તિ ને બતાવી રહ્યો હતો.. સાહિલ પોતાનાં દોસ્તો સાથે આ વિશે ચર્ચા કરે એ પહેલાં તો બારણાં ની નજીક મોજુદ ફોન ની રિંગ વાગી.

સાહિલ બે વર્ષ સુધી જર્મની રહીને ભણ્યો હોવાથી પશ્ચિમનાં દેશોમાં આ પ્રકારની સુવિધાઓ લોકો સુરક્ષા હેતુથી ઉપયોગ કરતાં હોય છે એ બાબતની એને ખબર હતી.. માટે આ ફોનમાં કોલ કરનાર ઘરમાં મોજુદ કોઈ વ્યક્તિ હશે જે યોગ્ય પુછપરછ કરીને ઘરમાં એન્ટ્રી આપશે એ સમજાતાં સાહિલે ફોનનું રીસીવર ઊંચક્યું અને બોલ્યો.

"હેલ્લો.. "

"હેલ્લો.. કોણ છો તમે.. ? "અંદરથી એક પુરુષનો અવાજ સંભળાયો.

"સર.. અમે ઈન્ડિયાથી છીએ.. અમારી જોડે લ્યુસીની અમુક વસ્તુઓ છે જે અમે તમને સોંપવાં ખાસ ઈન્ડિયાથી અહીં સુધી આવ્યાં છીએ.. "સાહિલે વિનમ્રતા સાથે કહ્યું.

"લ્યુસી.. માય ડોટર... "એક રડમસ અવાજ સાહિલ નાં કાને પડ્યો અને બીજી જ ક્ષણે ફોન કટ થઈ ગયો.

વિરાજ, ડેની અને ગુરુ સાહિલને એ પુછવા જ જતાં હતાં કે એની ફોન ઉપર કોની સાથે અને શું વાત થઈ હતી.. ત્યાં તો એ લોકો જે દરવાજા સામે ઉભાં હતાં એ દરવાજો અચાનક ખુલી ગયો અને અંદરથી એ જ વ્યક્તિનો અવાજ આવ્યો જેની સાહિલ સાથે ફોન ઉપર વાત થઈ હતી.. લ્યુસી ની વાત સાંભળી રડમસ થઈ જનાર અને એને માય ડોટર કહીને સંબોધનાર વ્યક્તિ શાયદ લ્યુસીનાં પિતા હતાં એ સાહિલ સમજી ગયો હતો.

દરવાજો ખુલતાં જ બધાં એ પહેલાં સાહિલ તરફ સવાલસુચક નજરે જોઈ ઈશારામાં જ અંદર જવું કે નહીં એની અનુમતિ માંગી.. સાહિલ દ્વારા હકારમાં ડોકું હલાવી એ લોકોને અંદર આવવાની પરવાનગી આપતાં સાહિલ ની પાછળ પાછળ વિરાજ, ગુરુ અને ડેની ઘરમાં પ્રવેશ્યાં. એમનાં ઘરમાં પ્રવેશતાં જ ઘરનો દરવાજો ઓટોમેટિક લોક થઈ ગયો જે જોઈ સાહિલ સિવાય બાકીનાં સ્તબ્ધ થઈ ગયાં.

થોડાં આગળ વધતાં જ એમની નજર હોલમાં એક વ્હીલચેર પર બેસેલી વ્યક્તિ પર પડી.. જેનાં હાથમાં રિમોટ કન્ટ્રોલ હતું.. જે જોતાં જ એ બધાં સમજી ગયાં કે આ મકાનનું પ્રવેશ દ્વાર રિમોટ કન્ટ્રોલ વડે સંચાલિત હતું.

અદ્યતન ટેકનોલોજીથી લેસ વ્હીલચેર પર બેસેલાં એ વ્યક્તિની ઉંમર પંચાવન વર્ષ આસપાસ લાગી રહી હતી.. એ વ્યક્તિની આંખો અત્યારે થોડી ભીની હતી.. આટલી ઉંમરે પહોંચ્યા છતાં એ વ્યક્તિ નો ચહેરો આકર્ષક ભાસી રહ્યો હતો.. શરીર પણ કસાયેલું હતું અને એક ગજબનું તેજ હતું એનાં વ્યક્તિત્વમાં.

"હેલ્લો સર.. મારું નામ સાહિલ છે.. અને આ છે મારાં દોસ્ત ગુરુ, ડેની અને વિરાજ.. "સાહિલે આગળ વધી એ વ્હીલચેરમાં બેસેલાં પુરુષ ને પોતાની અને પોતાનાં મિત્રોની ઓળખાણ આપતાં કહ્યું.

"મારું નામ mr. નાથન હેનરી છે અને હું લ્યુસીનો પિતાજી છું.. તમે અહીં પોતાનું સ્થાન લઈ શકો છો.. "પોતાની ઓળખાણ આપ્યાં બાદ એ લોકો ને વ્હીલચેર ની નજીક મોજુદ સોફામાં બેસવાનો આગ્રહ કરતાં નાથને કહ્યું.

નાથન નો આગ્રહ સાંભળી સાહિલ, વિરાજ, ગુરુ અને ડેની સોફામાં ગોઠવાયાં.. એમનાં ત્યાં સ્થાન લેતાં જ રડમસ સ્વરે નાથને સાહિલ ની તરફ જોઈને કહ્યું.

"ક્યાં છે મારી લ્યુસી.. બે વર્ષથી એ ઈન્ડિયાથી કેમ પાછી જ નથી આવી.. ? "

નાથન નો સવાલ સાંભળી સાહિલ સમજી ગયો કે નાથન ને એ વાતનો ખ્યાલ હતો કે એની દીકરી ઈન્ડિયા ગઈ હતી.. પણ પછી શું થયું એ વિશે નાથનને કોઈ અંદાજો નહોતો એ એની વાતો પરથી લાગતું હતું.

હવે નાથન ને બધું જ સત્ય સીધાં શબ્દોમાં સાફ-સાફ કહી દેવું જોઈએ એવો ભારે હૈયે સાહિલે નિર્ણય કર્યો.. વિરાજ, ગુરુ અને ડેની પણ થોડું ઘણું સમજી ગયાં હતાં કે નાથન પોતાની દીકરી અંગે સવાલાત કરી રહ્યો હતો.. જેનો જવાબ આપવો મુશ્કેલ હતો.. કેમકે એક બાપ ને એની દીકરી ની આવી હાલતમાં મોત થવાનાં સમાચાર આપવાં ખરેખર અઘરું કાર્ય હતું.

વિરાજે સાહિલ નાં હાથ પર પોતાનો હાથ મૂકી એને બધું સત્ય નાથનને જણાવી દેવાં કહ્યું એટલે સાહિલે નાથન ની સમક્ષ પોતે અહીં કઈ રીતે પહોંચ્યા અને લ્યુસી ને એ લોકો કઈ રીતે ઓળખતાં એ સંદર્ભમાં સંપૂર્ણ વિગત જણાવવાની શરૂ કરી.

જેમ-જેમ સાહિલ લ્યુસી નાં મૃતદેહ મળ્યાં ની વાત કરી રહ્યો હતો એમ-એમ નાથન નાં હીબકાં ઘરમાં સંભળાઈ રહ્યાં હતાં.. વિરાજે ઉભાં થઈ નાથન ની જોડે જઈ એનાં ખભે હાથ ફેરવી એને સાંત્વનાં આપવાનો પ્રયાસ કર્યો.. આખરે જગતમાં લાગણી ની ભાષા તો એક જ હોય છે.

સાહિલે પોતાનાં મિત્રો ની અહીં કેંટબરી સુધીની સફરની વાત નાથનને સંભળાવી રહ્યો એટલે નાથને નજીક પડેલી ત્રિપાઈ પર પડેલાં જગમાંથી એક ગ્લાસ પાણી પીધું અને પછી થોડી હિંમત એકઠી કરતાં બોલ્યો.

"મને મારી લ્યુસી પર ગર્વ છે.. આખરે એ એક સાચાં આર્કિયોલોજીસ્ટ ની જેમ જીંદગી જીવી અને એજ બહાદુરી સાથે મોત ને પણ ગળે લગાવી.. આખરે એને ડેવિલ બાઈબલ નાં છેલ્લાં દસ પન્ના શોધી જ કાઢયાં.. "

"હા સર.. તમારી દીકરી ખરેખર બહાદુર હતી.. જે આટલાં મોટાં અભિયાનને પૂર્ણ કરવામાં સફળ રહી.. "સાહિલે પણ એક બાપ તરીકે ગૌરવવંતો નાથનનો ચહેરો જોઈને કહ્યું.

"એક બહાદુર માં અને બહાદુર બાપ ની બહાદુર દીકરી.. જો આજે માર્ટિના જીવતી હોત તો એને પણ પોતાની દીકરી પર ગર્વ થાત.. "વ્હીલચેર ને એક ટેબલ જોડે લઈ જઈ એનું ડ્રોવર ખોલી એમાંથી એક તસ્વીર નીકાળી વિરાજ અને એનાં દોસ્તો ને બતાવતાં કહ્યું.

આ તસ્વીર ની પાછળ નાં ભાગમાં એક પથ્થરનો બનેલો પિરામિડ હતો અને એની આગળ એક કપલ પોતાની પાંચેક વર્ષની દીકરી ને તેડીને ઉભું હતું.. આ તસ્વીરમાં નાથન અને માર્ટિના એ પહેરેલાં પહેરવેશ એ વાતની સાક્ષી હતી કે નાથન અને એની પત્ની પણ પુરાતત્વવિદ હતાં.

પાંચેક મિનિટ સુધી વાતાવરણમાં શાંતિ સ્થાપિત રહ્યાં બાદ સાહિલે નાથન ની તરફ જોતાં કહ્યું.

"સર.. શું તમે અને તમારાં પત્ની પણ આર્કિયોલોજીસ્ટ હતાં.. ? "

"હા માય ડિયર.. અમે બંને પણ આર્કિયોલોજીસ્ટ હતાં.. મારાં કમનસીબે માર્ટિનાને બ્રેઇન ટ્યુમર ભરખી ગયો અને એનાં બે વર્ષ બાદ મેક્સિકોમાં એક અભિયાન વખતે પહાડી પર ચડાણ કરતાં સમયે હું 250 ફૂટ ઉપરથી નીચે પટકાયો.. જેમાં મારી કરોડરજ્જુ પર ઈજા થઈ અને હું આજીવન પેરાલિસ્ટ થઈ ગયો.. "

"એ વખતે લ્યુસી માત્ર ચૌદ વર્ષની હતી.. છતાં એને ગજબની હિંમતથી મને જીવતાં શીખવ્યું.. એક દીકરી નહીં પણ મારી માં હોય એમ મારી સંભાળ રાખી.. એને પણ અમારી જેમ દુનિયાનાં રહસ્યો નો ઉકેલ મેળવવો હતો એટલે એ સ્કૂલ નો અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આર્કિયોલોજીસ્ટનાં અભ્યાસ માટે જોડાઈ.. "

"સર.. અમારી જોડે તમારી દીકરી લ્યુસીનો થોડો સામાન છે જે અમે તમને આપવાં માંગીએ છીએ.. "આટલું કહી સાહિલે પોતાની જોડે રહેલી એક બેગમાંથી લ્યુસીની હેન્ડબેગ, પાસપોર્ટ અને ત્રણેય મૃતદેહો નાં શરીર પરથી મળેલી જવેલરી નાથનને આપતાં સાહિલે કહ્યું.

જેમાંથી લ્યુસીનું બ્રેસલેટ અને ડાયમંડ રિંગ નાથન ઓળખી ગયો અને પુનઃ રડી પડ્યો.. પોતાની દીકરી તરફનો નાથનનો પ્રેમ એની આંખોમાંથી લાગણી બનીને વહી રહ્યો હતો.

"તમારાં બધાં નો જેટલો આભાર માનું એટલો ઓછો છે.. એક બાપને એની દીકરીની છેલ્લી યાદ સમી વસ્તુઓ સોંપવા તમે જે રીતે ઈન્ડિયાથી અહીં આવ્યાં એને મહાન ભારત દેશ માટે મારાં હૃદયમાં રહેલું માન અનેકગણું વધારી દીધું છે.. પણ આ એક સોનાની ચેઈન અને ડાયમંડ રિંગ લ્યુસીની નથી.. માટે હું એ લઈ ના શકું.. "એક સોનાની ચેઈન અને રત્નજડિત વીંટી સાહિલનાં હાથમાં મુકતાં નાથને આભારવશ કહ્યું.

"સર.. તમે જાણો છો લ્યુસી ત્યાં કોની સાથે ગઈ હતી.. તમને એને આ વિષયમાં કંઈપણ જણાવ્યું હતું.. ? "સાહિલે વીંટી અને ચેઈન પાછી લેતાં કહ્યું.

"નો.. યંગ મેન.. મને એ વિશે કંઈ ખબર નથી.. "નાથને કહ્યું.

"સર.. ડેવિલ બાઈબલનાં ત્યાંથી મળેલાં પન્ના અમે તમને આપીએ કે પછી તમે કહો ત્યાં જઈ આપી આવીએ.. ? "ગુરુ નાં પોતાની તરફ જોઈ બેગ તરફ ઈશારો કરતાં સાહિલ ગુરુનાં કહેવાનો અર્થ સમજી બોલ્યો.

"હું એ પન્ના ને લઈને શું કરીશ.. તમારે એ પન્ના એને જઈને આપવાં જોઈએ જેની જોડે બાકીની ડેવિલ બાઈબલ હશે.. લ્યુસી એ મને કહ્યું હતું કે એને આખી ડેવિલ બાઈબલ મળી તો ગઈ છે પણ એનાં અમુક પન્ના ગાયબ છે. "નાથન બોલ્યો.

"તો શું બાકીની ડેવિલ બાઈબલ તમારાં ઘરે નથી.. ? "નાથન ની વાત સાંભળી આશ્ચર્ય સાથે સાહિલે સવાલ કર્યો.

"ના એ ડેવિલ બાઈબલ મારાં ઘરે નથી.. શાયદ એ લ્યુસીનાં કોઈ મિત્રનાં ઘરે હશે.. તમે આ પન્ના એ ડેવિલ બાઈબલ ની બાકીની હસ્તપ્રત જેની જોડે હોય એને સોંપી આવો.. જેથી એ વ્યક્તિ આ રહસ્યમય બુક ને બ્રિટિશ સરકાર ને સુપ્રત કરી શકે.. "નાથને સાહિલનાં સવાલનો જવાબ આપતાં કહ્યું.

"પણ સર, અમને કઈ રીતે ખબર પડશે કે એ બાકીની બુક ક્યાં હશે.. ? તમે એમાં અમારી કોઈ મદદ કરો તો સારું.. "સાહિલે કહ્યું.

"જોવો.. એક વાત બીજી પણ તમને જણાવી દઉં કે લ્યુસી ઈન્ડિયા ગઈ એ ખબર એને મને કોલ ઉપર આપી હતી.. બાકી એને તો દુનિયાનાં રહસ્યો ઉકેલવામાં એટલી ધૂન સવાર હતી કે એકાદ વર્ષથી તો એ ઘરે પણ નહોતી આવી.. એનાં ઈન્ડિયા ગયાં નાં છ મહિના પછી પણ એની કોઈ ખબર ના આવતાં મેં બ્રિટિશ ગવર્મેન્ટ ને લ્યુસીની ભાળ મેળવવામાં મદદ કરવાની રિકવેસ્ટ કરી.. બ્રિટિશ એમ્બેસી એ ઈન્ડિયન ગવર્મેન્ટ ની હેલ્પ પણ માંગી જોઈ પણ આખરે બધું વ્યર્થ નીવડ્યું.. "

"મારાં પગ સાજા હોત તો હું જાતે જ લ્યુસીને શોધવા નીકળી પડ્યો હોત.. પણ મારી આ હાલત.. "આટલું બોલતાં નાથન લાગણીશીલ થઈ ગયો.

નાથન જોડેથી હવે વધુ કંઈ જાણવાં નહીં મળે એમ વિચારી સાહિલે ત્યાંથી જવાની રજા માંગતાં નાથનને ઉદ્દેશીને કહ્યું.

"સર, તો અમે રજા લઈએ.. અમે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જઈને તપાસ કરીશું.. ક્યાંક ત્યાંથી એ ડેવિલ બાઈબલ નો બાકીનો ભાગ કોની જોડે છે એની ખબર પડી જાય.. "

"Sure.. તમે જઈ શકો છો.. હું પુનઃ તમારો હૃદયપૂર્વક આભાર માનું છું.. "નાથને ચહેરા પર સ્મિત સાથે કહ્યું.

નાથન ની રજા લઈ વિરાજ, ડેની, ગુરુ અને સાહિલ સોફામાંથી ઉભાં થઈ દરવાજાની તરફ આગળ વધ્યાં.. હજુ એ લોકો દરવાજા સુધી પહોંચ્યા જ હતાં ત્યાં નાથને એમને મોટેથી અવાજ આપતાં કહ્યું.

"દોસ્તો.. વેઈટ.. વેઈટ.. "

નાથનનો અવાજ સાંભળી એ ચારેય દોસ્તો બારણે જ અટકી ગયાં.. એમને જોયું તો નાથન હાથમાં એક ડાયરી સાથે એમની તરફ વ્હીલચેરમાં આગળ વધી રહ્યો હતો.

"આ લ્યુસીની પર્સનલ ડાયરી છે... લ્યુસી જ્યાં રહેતી હતી એ હોસ્ટેલનાં રૂમની અલમારીમાં આ ડાયરી હતી.. લ્યુસીનાં દોઢ વર્ષ સુધી પાછાં ના આવતાં હોસ્ટેલ નાં રેક્ટર દ્વારા લ્યુસીનો જે સામાન મને આપવામાં આવ્યો એમાં આ ડાયરી હતી.. મેં તો હજુ સુધી આ ડાયરી ખોલી નહોતી કેમકે લ્યુસી મારી દીકરી હતી અને એની પર્સનલ વાતો વાંચવી સારી બાબત ના ગણાય એટલે મેં આ ડાયરી એમ જ મૂકી રાખી હતી.. પણ હવે લ્યુસી જ આ દુનિયામાં હયાત નથી તો પર્સનલ વાત જેવી વસ્તુ જ નથી.. તમે આ ડાયરી લેતાં જાઓ ક્યાંક તમારાં કોઈ કામ આવે.. "સાહિલ ને લ્યુસીની ડાયરી આપતાં નાથન બોલ્યો.

નાથનનાં હાથમાંથી લ્યુસીની પર્સનલ ડાયરી લઈ લેતાં સાહિલ બોલ્યો.

"Thanks સર.. હવે અમે રજા લઈએ.. "

નાથને ગરદન હલાવી એ લોકોને જવાની રજા આપી એટલે સાહિલ પોતાનાં મિત્રો સાથે લ્યુસીનાં ઘરની બહાર આવી ગયો.. એમનાં બહાર નીકળતાં જ ઘરનો દરવાજો બંધ થઈ ગયો.

લ્યુસીનાં પરિવારજનો ને મળી લ્યુસી સાથે શું બન્યું એ જણાવી એનાં મૃતદેહ જોડેથી મળી આવેલી વસ્તુઓ એમને સોંપવાનું ઉત્તમ કાર્ય કર્યા બાદ વિરાજ અને એનાં દોસ્તો જોડે હતી એક એવી વસ્તુ જે એમની સફરની દિશા બદલી દેવાની હતી.. એ વસ્તુ એટલે લ્યુસીની પર્સનલ ડાયરી.. !!

★★★

વધુ નવાં ભાગમાં.

લ્યુસીની ડાયરીમાં શું હતું.. ? ડેવિલ બાઈબલ આખરે કોની જોડે હતી.. ? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ આખરે કોણ હતો.. ? એ ચારેય મિત્રો આગળ જતાં કેવી મુસીબતમાં ફસવા જઈ રહ્યાં હતાં.. ? લ્યુસીનાં મૃતદેહ જોડે મોજુદ બીજાં બે મૃતદેહ કોનાં હતાં.. ? અને એ લોકો ત્યાં ગુફામાં કેમ અને કઈ રીતે પહોંચ્યા.. ? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.

આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો... પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ

***