Last Train in Gujarati Horror Stories by Rahul Makwana books and stories PDF | લાસ્ટ ટ્રેન

Featured Books
Categories
Share

લાસ્ટ ટ્રેન

સમય : સાંજના 7 :30 કલાક
સ્થળ : આર.એમ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ (સેલવાસ) ની સામે આવેલ 
          કેન્ટીન.        

“હેલો ! મમ્મી ! વિહાર બોલું છું.”

“હા ! બોલ મારા દીકરા,”

“જય શ્રી ક્રિષ્ના”

“જય શ્રી ક્રિષ્ના, બેટા.”

“શું ! થયું બેટા ? કેવું રહ્યું તારું ઇન્ટરવ્યુ?” - મમ્મીએ આતુરતા સાથે વિહારને પૂછ્યું.

“ સરસ ! રહ્યું ઇન્ટરવ્યુ અને હું સિલેક્ટ પણ થઈ ગયો, જે જોબ માટે મેં ઇન્ટરવ્યુ આપ્યું હતું તે માટે..!” - આત્મવિશ્વાસ સાથે વિહારે જણાવ્યું.

“ખુબજ સરસ બેટા ! આજે મારી છાતી ગદ-ગદ કરતી ફૂલી રહી છે.” - ભાવવિભોર થતા અવાજમાં મમ્મીએ વિહારને જણાવ્યું.

“હા ! મમ્મી ! જયાં સુધી મારી સાથે તમારા અને પપ્પાના આશીર્વાદ છે, ત્યાં-સુધી હું ક્યારેય પણ કોઈ કામમાં નિષ્ફળ નહિ થઈશ.”

“બેટા ! માતા-પિતાનાં આશીર્વાદ તો હંમેશા તેના સંતાન સાથે હોય જ છે, પછી ભલે તેનું સંતાન તેની સાથે રહેતું હોય કે પછી દૂર રહેતું હોય, બસ સંતાનો જ તેના માતા-પિતાના પ્રેમને સમજવામાં નિષ્ફળ જતાં હોય છે.”

“સાચી વાત છે ! મમ્મી તમારી.” - વિહારે મમ્મીની વાતોમાં સુર પુરાવતા કહ્યું.

“એ બધું તો ઠીક છે, બેટા ! તું અત્યારે ક્યાં છો?” 

“મમ્મી ! હું ઓફિસમાંથી જેવો બહાર આવ્યો, એ સાથે જ આ ખુશખબર આપવા માટે મેં તમને જ પહેલો ફોન કર્યો, જે માટે તમે ખરેખર હકદાર પણ છો.”

“સારૂ ! બેટા ! ટ્રેન તો મળી જાશે ને ઘરે આવવા માટે ?” - થોડાક ચિંતાવાળા સ્વરમાં મમ્મીએ પૂછ્યું.

“હા ! મમ્મી ! તમે ચિંતા ના કરો, મેં ટ્રેન વિશે હું અહી આવ્યો ત્યારે જ રેલવેસ્ટેશને પૂછપરછ કરી લીધી હતી.” 

“કેટલા વાગ્યાની ટ્રેન છે, બેટા ?”

“ રાત્રીના  12 : 30 કલાકે ! ભાવનગર  આવવાની લાસ્ટ ટ્રેન છે.” 

“સારૂ ! બેટા ધ્યાન રાખીને આવજે.”

“હા ! મમ્મી.”

“જયશ્રી ક્રિષ્ના ! બેટા.”

“જયશ્રી ક્રિષ્ના મમ્મી.”

      આટલુ બોલીને વિહારનાં મમ્મીએ કોલ ડિસ્કનેક કર્યો, પરંતુ તેના હૃદયનાં કોઈ એક ખૂણામાં એક પ્રકારનો ડર લાગી રહ્યું હતો, 
શાં માટે એવું લાગી રહ્યું હતું તે સમજાતું ના હતુ, પછી પોતાના મનને માનવતા કહ્યું કે કદાચ વિહાર કોલેજ પૂરી કર્યા બાદ, પહેલીવાર એકલો બહારગામ ગયો છે, માટે પોતાને આવો ડર લાગી રહ્યો હશે….!

      પરંતુ મિત્રો કહેવાય છે કે એક માં ને જ્યારે પોતાના જીવ સમાન સંતાનો પર કોઈ આફત કે મુશ્કેલી આવવાની હોય તેનો અગાવથી આગોતરો ઈશારો કુદરત આપતું જ હોય છે, જે વિહારના મમ્મી સાથે પણ આવું જ બન્યું હતું.

      વિહાર પોતે પણ પોતાની સાથે શું થવાનું છે એ બાબતથી સાવ એકદમ અજાણ જ હતો, તેણે વિચારર્યુ પણ નહિ હશે કે પોતાની સાથે એવું કંઈ બનશે કે જેના પર લોકો તો ઠીક પરંતુ ખુદ પોતે પણ વિશ્વાસ નહિ કરી શકે.

*******************************************************
  વિહાર એક સામાન્ય કુટુંબ માંથી આવતો હતો, તેના પિતા ભાવનગરમાં એક નાની એવી દરજી કામની દુકાન ચલાવતા હતાં, એટલી બધી ખાસ તો કોઈ કમાણી થતી ન હતી, પરંતુ પોતાના કુટુંબનું ગુજરાન ચલાવી શકે એટલું તો કમાઈ લેતાં હતાં.

  વિહાર નાનપણથી જ ભણવામાં હોંશિયાર હતો, પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ તેણે સરકારી શાળામાંથી
મેળવેલ હતું અને પહેલા ધોરણથી માંડીને બારમાં ધોરણ સુધી તેને દરેક પરીક્ષા પ્રથમ કલાસ સાથે પાસ કરેલ હતી.

   વિહારની ઈચ્છા તો મેડિકલ કે ઇનજીનયરિંગની કોલેજમાં એડમિશન લેવાની હતી, પરંતુ પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઇ અને પોતાના પિતા પર વધારે આર્થિક બોજો ન આવે તે વિચારથી જ વિહારે ભાવનગરમાં આવેલ સર.પી.પી.ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં બી.એસ.સી ( કેમેસ્ટ્રી)માં એડમિશન લીધું.
   
   કોલેજમાં પણ વિહાર અત્યાર સુધી જેવી રીતે સારા માર્ક્સ સાથે પાસ થતો હતો, તે સિલસિલો ચાલુ જ રાખ્યો, વિહાર ખુબ જ આતુરતા અને જિજ્ઞાસા સાથે, અભ્યાસમાં પોતાનું મન પોરવી લીધું હતું. જોત- જોતામાં વિહાર બધા જ  શિક્ષકોનો માનીતો વિદ્યાર્થી બની ગયો.

   વિહારે પોતાની કોલેજમાં એકમાત્ર એવો વિદ્યાર્થી હતો કે જે સળંગે સળંગ ચાર વર્ષ સુધી દર વર્ષે કોલેજમાં ફર્સ્ટ આવ્યો. આથી વિહારને ફેરવેલ વખતે “બેસ્ટ સ્ટુડન્ટ ઓફ કોલેજ”નો અવોર્ડ પણ આપવામાં આવેલ હતો.

   જ્યારે બધાં વિદ્યાર્થીઓએ વિહારને પોતાની સફળતાનું રહસ્ય પૂછ્યું તો તેણે બધા વિદ્યાર્થીઓને જણાવ્યું કે , જ્યારથી હું સમજણો થયો ત્યારથી મને ખબર છે કે મારા ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેમ-છતાં પણ ક્યારેય મારા પપ્પાએ મને રૂપિયા માગ્યા હોય અને ના આપે એવું બન્યું જ નથી, વધારે આઘાત તો મને ત્યારે લાગ્યો કે જ્યારે મને ખબર પડી કે મારા પપ્પાનાં બનેવ પગમાં વેરિકોઝ વેઇન (જેમાં રક્તવાહિનીઓ અબનોર્મલી પહોળી થઇ જાય) તેમ છતાં પણ મારા પપ્પા મને ભણાવવા માટે વધારે કામ કરતા હતાં, બસ ત્યારથી મેં મનમાં નક્કી કરી લીધું હતું કે હું વહેલી તકે મારા પપ્પાને તેના કામમાંથી નિવૃત કરીને આરામ કરાવડાવું અને વેરિકોઝ વેઇન માટે યોગ્ય સારવાર કરાવડાવું…...કોઈને પોતાની લાઈફમાં સફળ થવા માટે આનાથી વિશેષ શું મોટિવેશનની જરૂર હોય…..!.....આટલું બોલતા જ આખેઆખો ઓડિટોરિયમ હોલ તાળીઓના ગળગળાટથી ગુંજી ઉઠ્યો………!

     એવામાં એક રિક્ષાવાળાએ વિહારની નજીક આવીને રિક્ષાનું હોર્ન વગાડ્યું આથી વિહાર પોતાની ભૂતકાળની યાદોમાંથી એક ઝબકારા સાથે બહાર આવી ગયો, અને તે રેલ્વેસ્ટેશન જવા માટે રિક્ષામાં બેસી ગયો.

*********************************************************
સ્થળ - રેલવે સ્ટેશન (વાપી) ની બહાર આવેલ રીક્ષા સ્ટેશન.
સમય : રાત્રીનાં 9 કલાક

     રિક્ષામાંથી ઉતરતાની સાથે જ વિહારે પેલા રીક્ષાવાળને પૂછ્યું.

“કાકા ! આટલામાં ક્યાંય જમવા માટે સારી હોટલ ખરી ?”

“હા ! સાહેબ, અહીંથી પાંચ કે સાત મિનિટના અંતરે જ એક સારી હોટલ છે, ત્યાં તમને સારૂ એવું પંજાબી જમવાનું મળી રહેશે.”

“પણ ! કાકા અમે ગુજરાતી લોકો છીએ, જ્યા સુધી અમને સાંજે કાઠિયાવાડી જમવાનું , ખીચડી અને છાસ મળે નહી ત્યાં સુધી અમને મજા ન આવે.”

“સમજાય ગયું સાહેબ ! તમારે કાઠિયાવાડી જમવું છે એમ ને?

“હા ! એકદમ.” - હળવા સ્મિત સાથે વિહારે રિક્ષાવાળા કાકાને કહ્યું.

“સાહેબ ! અહીંથી પંદર કે વીસ મિનિટના અંતરે જ એક બીજી હોટલ છે, જ્યાં તમને સારૂ એવું કાઠિયાવાડી જમવાનું મળી રહેશે.”

       વિહાર પેલા રિક્ષાવાળા કાકાનો આભાર માની પેલી હોટલ તરફ જવાના રસ્તા તરફ ડગલાં ભરવા માંડ્યો.

       ત્યારબાદ વિહારે પેટ ભરીને કાઠિયાવાડી ભોજન જમ્યુ,અને એમાં કઈ ખોટું પણ ન હતું કારણ કે આજે વિહારે પોતાને જેવી જોબ જોઈતી હતી તેવી જોબ મળી ગઈ હતી, આથી તે ખૂબ જ ખુશ હતો, પરંતુ વિહારની આ ખુશીઓ ક્ષણિક જ હતી, જેનાથી પોતે એકદમ અજાણ જ હતો.

       ત્યારબાદ વિહાર જમીને ફરી પાછો રેલ્વેસ્ટેશન તરફ જવાના રસ્તે ચાલવા લાગ્યો.

**********************************************************

સ્થળ : રેલ્વેસ્ટેશન (વાપી)

સમય : રાત્રીના 10: 45 કલાક

      વિહારે ટિકિટ બારી પર જઈને ભાવનગર જવા માટેની એક ટિકિટ લીધી. ટિકિટ લઈને પોતે ટ્રેન, સીટ નંબર,ડબ્બો અને પ્લેટફોર્મ નંબર વગેરે જેવી બાબતો કનફર્મ કરીને ટિકિટ પોતાના પર્સમાં સાચવીને મૂકી દીધી, ત્યારબાદ વિહાર પોતાની ટ્રેન જે પ્લેટફોર્મ પર આવવાની હતી તે પ્લેટફોર્મનંબર 4 તરફ ચાલવા લાગ્યો.
      
       વિહાર જેવો પ્લેટફોર્મ 4 પર પહોંચ્યો તો તને ત્યાં થોડુંક અજુગતું લાગ્યું, કારણ કે ત્યાં કોઈ માણસ કે મુસાફર દેખાય રહ્યુ ન હતું, પરંતુ હજુ ટ્રેન આવવાની ઘણી વાર હશે આથી કોઈ દેખાતું નહીં હોય, જેવો ટ્રેનનો સમય થશે એમ બધા આવવા લાગશે, એવું વિચારી વિહાર પ્લેટફોર્મ પર રાખેલ બાંકડા પર બેસ્યો.
      
       ત્યારબાદ વિહાર ટ્રેન માટે રાહ જોવા લાગ્યો, વિહારે આજુબાજુ માં નજર કરી તો કોઈ માણસ નજરે નહોતું પડતું, પ્લેટફોર્મ પર માત્ર ચાર - પાંચ કુતરાઓ આમ-તેમ આંટા મારી રહ્યા હતાં.
       
       જેવા રાત્રિના 12 વાગ્યા એવામાં અચાનક પ્લેટફોર્મ માં રહેલ લાઈટો લબક - ઝબક થવા લાગી, પેલા આંટા મારી રહેલા કુતરાઓ એકાએક જોર - જોરથી રડવા લાગ્યા, આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે કુતરાઓનું રડવું એ અપશુકનિયાળ છે, એમાં પણ જ્યારે એક સાથે ચાર- પાંચ કુતરાઓ એકસાથે રડે તે તો ખૂબ જ અપશુકનિયાળ ગણવામાં આવે છે, ટ્રેનની વિગતો દર્શાવતી સ્ક્રીન એકાએક ચાલુ બંધ થવા લાગી. પવન સુસવાટા મારતો મારતો ફૂંકાવા લાગ્યો.

      વિહાર આ બધી બાબતોમાં માનતો હતો નહી, પરંતુ અત્યારે પોતાની સાથે જે કંઈ બની રહ્યું હતું તે જોઈને વિહારના મનમાં થોડોક ડર પોતાનું ઘર કરી રહ્યો હતો, અને વિહાર પાસે આ બાબત પર વિશ્વાસ કરવા સિવાય બીજો કોઈ રસ્તો પણ ન હતો.

     આમ છતાં-પણ વિહાર હિંમત કરીને પ્લેટફોર્મ પર જ ઉભો રહ્યો, એવામાં એકાએક આ બધું શાંત પડી ગયું, પેલા કુતરાઓ પણ હવે રડતાં બંધ થઈ ગયાં, એવામાં વિહારને પ્લેટફોર્મ - 4 પર થોડેક દૂરથી ધુમાડો દેખાયો, અને આ ધુમાડામાંથી લોબાનની સુગંધ પણ આવી રહી હતી, ધીમે - ધીમે વિહારને સામેથી આવતા વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાયો, તે બીજું કોઈ નહીં પણ એક ફકીરબાબા હતાં, જેના ચહેરા પર એક અલગ પ્રકારનું તેજ હતું.
ફકીરબાબાએ વિહારની નજીક આવીને પૂછ્યું.

“ કહા જાના હે બચ્ચે તુઝે ?”

“ જી ! બાબા મુઝે ભાવનગર જાના હે, ઓર મેં ઉસી ટ્રેન કા ઇંતજાર કર રહા હું.”

“બચ્ચે ! સંભાલ કર જાના.” - ફકીરબાબા  ચેતવણી આપતા હોય તેવા ભારે અવાજમાં બોલ્યા.

“જી ! બાબા.”

“બચ્ચા !  તું અભી બહોત હી નાદાન હે, તું કુદરત કા ખેલ નહીં જાનતા હે.”

“મતલબ ! બાબા આપ કહેના ક્યાં ચાહતે હો.” - વિહારે વિસ્મયતાથી પેલા બાબાને પુછયું.

“કુછ નહીં ! બચ્ચે ! તું બસ સંભાલ કર જાનાં, ઓર યે તાવીઝ અપને પાસ રખો, યે તાવીઝ તુમ્હારી રક્ષા કરેંગા.” - વિહારને તાવીઝ આપતા પેલા ફકીરબાબએ કહ્યું.

      વિહારે પોતાની  બને આંખો બંધ કરીને, અને હાથ જોડીને પેલા ફકીરબાબનો આભાર માનવા પોતાનું માથું ઝુકાવ્યું, વિહારે જેવું નમન કરીને પોતાનું માથું નમાવેલ માથું ઉંચકીને,  બને આંખો ખોલી તો તેના આશ્ચર્યનો કોઇ પર ના રહ્યો …..કારક કે પેલા ફકીરબાબ પોતાની નજર સામે હતાં નહી. હવે મુસાફરો પણ ધીમે - ધીમે પ્લેટફોર્મ - 4 પર આવવા લાગ્યા હતાં….

      વિહાર પોતાની સાથે શું બની રહ્યું છે, એના વિશે વિચારે કે  સમજે એ પેલા જ તેના કાને દૂરથી આવતી વિસલનો અવાજ સંભળાયો, થોડીવારમાં ટ્રેન આવીને, પ્લેટફોર્મ - 4 પર ઉભી રહી.
બધા મુસાફરો પોત પોતાની સીટ મેળવવા માટે ટ્રેનમાં ચડવા લાગ્યો.
વિહાર પણ પોતાની બેગ લઈને પોતાની સીટ ટ્રેનના જે ડબ્બામાં આવેલ હતી, એ ડબ્બામાં ચડ્યો અને પોતાની સીટ પર બેસી ગયો.

      ધીમે - ધીમે ટ્રેનનો આખો ડબ્બો મુસાફરોથી ભરાય ગયો, અને ટ્રેન એક વિસલ વગાડી, ધીમે- ધીમે પોતાના નિયત ટ્રેક પર ચાલવા લાગી, જેવી ટ્રેન ઉપડી તરત જ વિહારના જીવમાં જીવ આવ્યો, અને પોતાની સાથે જે થયું એ થોડુંક અજુકતું તો હતું જ અને સાથે- સાથે ડરામણું પણ હતું.

      એક બાજુ ટ્રેન પાટા પર દોડી રહી હતી, અને આ બાજુ વિહારના મનમાં વિચારોની ટ્રેન દોડી રહી હતી, તેની સાથે શું બની રહ્યું છે તે સમજાતું ન હતું, શા માટે પેલા ફકીરબાબા એ પોતાને “સંભાલ કર જાના, બચ્ચે એવું કહ્યું હશે….? કોણ હશે એ ફકીરબાબા ? શાં માટે તેને જોઈને બધાં કુતરાઓ રડતા બંધ થઈ ગયાં…? ફકીરબાબને મારી ચિંતા શાં માટે થઈ હશે….? આવા અનેક પ્રશ્નો અત્યારે વિહારનાં મગજમાં દોડી રહ્યા હતાં.
વિચારતા - વિચારતા વિહારને ક્યારે ઊંઘ આવી ગઈ એ ખ્યાલ ન રહ્યો, આખા દિવસની દોડાદોડી અને મુસાફરીના થાકને લીધે વિહારને તરત જ ઊંઘ આવી ગઈ.

*********************************************************

સમય : રાત્રીના 2 કલાક
સ્થળ : વિહાર જે ટ્રેનના ડબ્બામાં હતો તે

     વિહાર પોતાની સીટ પર ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો, એવામાં અચાનક તેના કાને, “ બચાવ….બચાવ….કોઈ અમારી મદદ કરો….કોઈ મારા છોકરાને બચાવો…..મહેરબાની કરીને કોઈ અમારી મદદ કરો…!..” આવા ડરામણા અવાજ પડયાં, આથી વિહાર ઝબકીને જાગી ગયો.

    વિહારે જેવી આંખો ખોલી તો તેને એકદમ નવાઇ લાગી અને સાથે - સાથે એક પ્રકારનો ડર પણ લાગ્યો, કારણ કે ડબ્બામાં વિહાર સિવાય કોઇ મુસાફર હતું જ નહિ....!

    એવામાં એકાએક ટ્રેનમાં છત પર ટીંગાડેલા પંખા તેની જાતે જ જોર જોરથી ફરવા લાગ્યા, ટ્રેનના ડબ્બાની બારીઓ અને દરવાજા આપોઆપ ખોલ બંધ થવા લાગ્યા, વિહારે અત્યાર સુધી જે હિંમત દાખવેલી હતી, એ હવે ધીમે - ધીમે ઘટી રહી હતી.

    આ જોઈ વિહાર એકદમ ગભરાવા લાગ્યો, ડરને લીધે તેના હાથપગ ધ્રુજવા લાગ્યાં, હૃદયનાં ધબકારા વધવા લાગ્યાં, ડરને લીધે વિહારના શરીરમાં રૂવાટાં ઉભા થઇ ગયાં, અને આખું શરીર પરસેવે રેબઝેબ થવા લાગ્યું. વિહાર કઈ વિચારે કે સમજે એ પહેલાં જ તેના કાને પેલો ડરામણો અવાજ ફરી સંભળાયો….“ બચાવ….બચાવ….કોઈ અમારી મદદ કરો….કોઈ મારા છોકરાને બચાવો…..મહેરબાની કરીને કોઈ અમારી મદદ કરો…!..” 

     આથી વિહારને થયું કે કોઈ પરિવાર ખરેખર મુશીબતમાં હશે અને તેને મદદની જરૂર હશે, આથી વિહાર કંઈપણ વિચાર્યા વગર પેલા અવાજની દિશામાં દોડવા લાગ્યો.

     જેવો વિહાર પેલા દરવાજા પાસે ગયો તો તે જોઈને એક્દમથી ગભરાય ગયો, પોતે જોયું તેના પર વિશ્વાસ આવી રહ્યો ન હતો, કારણ કે એક પરિવાર ચાર સભ્યો પોતનો જીવ બચાવવા માટે,જેવી રીતે કબૂતર તરફડીયા મારતું હોય, તેવી રીતે આ પરિવારના બધા જ સભ્યો તરફડીયા મારી રહ્યા હતાં, જેની ફરતે 7 થી 8 માથાભારે શખ્સો હાથમાં હથિયાર લઈને ઉભા હતાં, જેણે આ પરિવારના પુત્ર, પુત્રી, પત્ની બધાને બેરહેમીથી મોતને ઘાટ ઉતારી દીધાં હતાં, હવે તે પરિવારના મુખ્ય સભ્યને પણ ધારદાર ખંજરથી પ્રહાર કરવા જઈ રહ્યાં હતાં.

     આ જોઈ વિહારે એક બૂમ પાડી, પેલાં વ્યકિતને બચાવવા માટે દોટ મૂકી, વિહાર ઝડપથી દોડીને પેલા માથાભારે વ્યક્તિનાં ટોળા પાસે પહોંચીને તેના પર પ્રહાર કર્યો, પરંતુ તે પેલા બધાની આરપાર નીકળીને ટ્રેનના ડબ્બાના દરવાજા સાથે જોરથી અથડાયો. આ જોઈ વિહાર એકદમ લાચાર થઈ ગયો, શું કરવું એ કંઈ સમજાતું ન હતું, આથી તેણે પેલા ઘાયલ વ્યક્તિને ઉભા કરવા માટે પોતાનો હાથ લંબાવ્યો, પરંતુ આ વખતે પણ પહેલાની માફક જ થયું, વિહારનો હાથ પેલા પેલા ઘાયલ વ્યક્તિના શરીરની આરપાર નીકળી ગયો.

     પેલું ટોળું ઘાયલ વ્યક્તિને વિહારની નજર સામે જ મોતને ઘાટ ઉતારીને જતા રહ્યાં, આખે - આખો પરિવાર વિહારની નજર સમક્ષ મૃત હાલતમાં પડેલ હતો, તે પરિવારના બધાં જ સભ્યોએ તરફડીયા મારતાં - મારતાં જ વિહારની નજર સમક્ષ પોતાનો દમ તોડ્યો.

    ત્યારબાદ વિહાર એકદમ લાચાર અને હતાશ થઈને ફરી પાસો પોતાની સીટ પર બેસી ગયો, મનમાં અનેક પ્રશ્નો હતાં, પરંતુ તેનો કોઈ જવાબ મળતો ન હતો, જે કાંઈ બન્યું તે સમજવા માટે વિહાર તો ઠીક પરંતુ મનુષ્યની સમજણ બહાર હતું.

     વિહારે પોતાના બેગમાંથી પાણી પીવા માટે બોટલ બહાર કાઢી, એવામાં તેને યાદ આવ્યું કે પોતે વાપી રેલ્વેસ્ટેશન પરથી વડાપાઉં પાર્સલ કરાવડાવેલ હતાં, આથી વિહારે છાપામાં રાખેલ વડાપાઉં કાઢીને એક બાઈટ લીધું, અચાનક તેનું ધ્યાન છાપાના કટકામાં રહેલ સમાચાર પર પડતું, આ જોઈ વિહાર એક્દમથી ઝબકી ઉઠ્યો.
આથી તેણે વડાપાઉં એક તરફ મૂકીને આ સમાચાર વાંચવા લાગ્યો, તેમાં લખેલ હતું કે સૌરાષ્ટ્ર ટ્રેનનાં દસમાં ડબ્બામાં મુસાફરી કરી રહેલા જર્નાલિસ્ટની તેના પરિવારના સભ્યો સાથે કરણપીણ હત્યા.

    આથી વિહારે એકદમ અધીરા થઈને પોતાનું પર્સ બહાર કાઢી, પોતાની ટ્રેનની ટિકિટ હાથમાં લીધી, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે પોતે એજ ટ્રેનમાં, એજ ડબ્બામાં,એજ સીટ પર, અને એ જ તારીખે મુસાફરી કરી રહ્યો હતો, બસ એ બનાવ એક વર્ષ પહેલાં બન્યો હતો, અને આજે એ બનાવને એક વર્ષ થયું હતું.

    હવે વિહારને ધીમે - ધીમે પોતાનાં મનમાં ઉદ્દભવેલા બધાં પ્રશ્નોના જવાબ મળી રહ્યાં હતાં, વાપી રેલ્વેસ્ટેશનથી માંડી અત્યાર સુધી પોતાની સાથે જે કંઈ બન્યું એ કદાચ કુદરતનો કોઈ સંકેત હશે એવું સમજાય રહ્યું હતું, પરંતુ હજુ પણ ઘણાં પ્રશ્નો એવાં હતાં કે જેનો વિહારને ઉત્તર મળેલ હતો નહી.

    ત્યારબાદ વિહારે એક ઊંડો શ્વાસ લીધો આંખો બંધ કરી, આખી ઘટનાને ફરીવાર રિવાઇન્ડ કરવા લાગ્યો, આ આખી ઘટનામાં પેલા જર્નાલિસ્ટ પોતાની સામેની તરફ દરવાજા પાસે રહેલ છેલ્લી સીટ તરફ ઈશારો કરતાં હોઈ એવું વિહારને દેખાયું.

   વિહાર તરત જ ઉભો થઈને, જર્નાલીસ્ટે જે બાજુ ઇશારો કર્યો તે તરફ વિહાર કઇ સબુત મળશે એવાં વિચાર સાથે બધું તપાસવા લાગ્યો, એવામાં સીટની પાછળની તરફ હાથ ફેરવતા - ફેરવતા રેગઝીનની અંદર કંઈક હોય તેવું લાગ્યું, આથી તેણે હાથ ફેરવ્યો તો તેને પેનડ્રાઇવ જેવું કંઈક લાગ્યું,આથી વિહારે રેકઝીન કાપી ને પેનડ્રાઇવ બહાર કાઢી, અને એકદમ ઝડપથી પોતાની બેગમાંથી લેપટોપ બહાર કાઢી પેનડ્રાઇવ લેપટોપમાં લગાડી, પરંતુ તે પાસવર્ડ પ્રોટેકટેડ હતી.

  વિહાર એકદમ હતાશ થઈ ગયો કારણ કે પોતે એકદમ આ રહસ્ય સોલ્વ કરવાની અણી પર હતો, અને હવે પાસવર્ડ કેવી રીતે મેળવવો એ વિચારવા લાગ્યો, વિહારે પોતાની રીતે બે કે ત્રણ પાસવર્ડ નાખીને જોયું પરંતુ બધા જ પ્રયત્નો વ્યર્થ ગયાં.

    અચાનક વિહારને વાપી રેલ્વેસ્ટેશન પર મળેલા ફકીરબાબા યાદ આવ્યાં, અને તેને આપેલ તાવીઝ યાદ આવ્યું, જેમાં એક તરફ “SAIRAM” અને બીજી તરફ “786” એવું લખેલ હતું. આથી વિહારે આને ભગવાન, અલ્લાહ કે કુદરતનો સંકેત માની “SAIRAM 786”  પાસવર્ડ નાખ્યો, આ પાસવર્ડ નાખતાની સાથે જ, વિહાર એકદમ ખુશ થઈ ગયો, કારણ કે પેનડ્રાઇવ હવે ઓપન થઈ ગઈ હતી, જેમાં વાપી શહેરના એક એમ.એલ.એ દ્વારા ચાલતા કાળા કારનામા અને ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓના વિડિઓ કલીપ ઉતારેલ હતી.

    હવે વિહાર બધું જ સમજી ગયો હતો કે ભગવાન, અલ્લાહે કે કુદરતે કોઈ એક માસૂમ પરિવારને ન્યાય અપાવવા અને સમાજના કલંક સમાન લોકોને સજા અપાવવા માટે પોતાને પસંદ કરેલ છે,

    લગભગ 30 મિનિટ બાદ વિહારે પોતાનો મોબાઈલ ફોન બહાર કાઢ્યો અને ગૂગલ કોન્ટેક્ટમાંથી વાપી શહેરના ડી.જી.પી નો નંબર મેળવી કોલ કર્યો, અને આ આખી બાબત જણાવતાં કહ્યું કે સાહેબ મને આપણી પોલીસ પર ભરોસો છે આથી મેં તમને આ કેસ સાથે સંબંધિત વિડિઓ તમારા ઇ-મેઈલ આઈ. ડી પર મોકલી દીધો છે, તો મારી તમને નમ્ર વિનંતી છે કે એક નિર્દોષ પરિવારને યોગ્ય ન્યાય અપાવવામાં અને આપણા સમાજમાં ખુલે આમ ફરતા પેલા એમ.એલ.એ જેવા સમાજના કલંકને યોગ્ય સજા થાય, તે માટે તમે તાત્કાલિક યોગ્ય પગલાં લેશો. 

“હા ! ચોક્કસ, પણ તમારૂ નામ તો જણાવો?” - ડી. જી.પી. એ પૂછ્યું.

“એક સમાજ સેવક,” - આટલું કહી વિહારે કોલ ડિસ્કનેકટ કરી નાખ્યો.

     આટલું કહી જાણે કોઈ ફાઇનલ પરીક્ષા પુરી થાય અને મન જેટલુ હળવું થઇ જાય, એટલી હળવાશ હાલ વિહાર અનુભવી રહ્યો હતો.

    વિહાર ફરીથી એકદમ આરામથી ઘસઘસાટ ઊંઘી ગયો, એવામાં ક્યાં ભાવનગર આવી ગયું એ ખ્યાલ જ ના રહ્યો.

**********************************************************

બીજે દિવસે 
સવારે 10 કલાકે

    વિહાર પોતાના ઘરે, ફ્રેશ થઈને સવારે નાસ્તો કરવાં બેઠો, ત્યારે ટી.વી. શરૂ કર્યું, તો તેમાં ન્યુઝચેનલ પર બ્રેકીંગ ન્યુઝ આવી રહ્યા હતા કે વાપીના એમ.એલ.એ ની એક અજાણ્યા યુવક દ્વારા આપેલ બાતમી અને સબુતોના આધારે ધરપકડ કરવામાં આવી, પોતે જે ગેરકાયદેસર ધંધા ચલાવતા હતાં, તેમાં અને એક પરિવારને મોતને ઘાટ ઉતારવાના આરોપથી, સબુતોના આધારે તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી.

    આ સાંભળીને વિહારના મમ્મી બોલ્યા, “સારૂ થયું, આ એમ.એલ.એ ને તેના ગુનાહની સજા મળી, અને ધન્ય છે એ યુવાનને જેણે કોઈપણ પ્રકારની બીક કે ડર વગર પોલીસને બઘી માહિતી આપી તે બદલ, અને એ યુવકની માતા પણ કેટલી નસીબદાર હશે…? જે જેને પેટે આવો છોકરો જન્મયો હશે, જેને કોઈપણ પ્રકારની વાહ ! વાહ કરાવવામાં રસ નથી પરંતુ માત્ર ગુનેગારોને માત્ર સજા અપાવવામાં જ રસ છે.”

“મમ્મી ! તારો દીકરો પણ ક્યાં એનાથી કઈ ઓછો નહી.” - વિહારે ગર્વ સાથે પોતાની મમ્મીને જણાવ્યું.

“તું ! તો છો જ બેટા ! પણ હું પેલાં ટી.વી માં જે યુવાનની વાત થાય છે, તેનાં વિશે વાત કરૂ છું.”

“ મમ્મી એ યુવાન….બીજો કોઇ નહીં પરંતુ તારો જ દીકરો વિહાર છે.” - વિહાર ઉભા થઈને બોલ્યો.

    આટલું સાંભળતાની સાથે જ વિહારની માતાની આંખમાં ખુશીના આંસુ આવી ગયાં, છાતી ગદ- ગદ કરતી ફુલવા લાગી, અને પોતાને વિહારની માં હોવાનું સદભાગ્ય પ્રાપ્ત થવા બદલ મનોમન ભગવાનનો ખુબ- ખુબ આભાર માન્યો. વિહારે પણ આ વાત કોઈને ન કહેવા માટે પોતાની મમ્મી પાસેથી વચન માંગી લીધું….કારણ કે વિહારને હવેથી વાપીની નજીક આવેલા સેલવાસમાં આવેલ આર.એમ ગ્રુપ ઓફ ઇન્સ્ટ્રીઝમાં જોબ કરવાની હતી, અને વિહાર નહોતો ઈચ્છતો કે ભવિષ્યમાં પણ તેને નોકરી કરવામાં આફત કે મુશ્કેલીઓ આવે.

    ત્યારબાદ વિહારની માતા વિહારને આ બધું સાંભળીને પોતાના ગળે લગાડી દીધો. વિહાર પણ પોતાના આ કાર્યથી પોતાની મમ્મીની આંખોમાં આવેલ ચમક જોઇ ખુબ જ ખુશ હતો…...અને મનોમન ભગવાનને આવા સદકાર્ય માટે પોતાની પસંદગી કરવા બદલ આભાર માન્યો.


     મિત્રો, કહેવાય છે કે અહીંનું કરેલ અહીં જ ભોગવવું પડે છે, આપણે જેવા કર્યો કરીશું તેવાં જ તેના પરિણામ મેળવશું, જો આપણે સારા કર્યો કરશું તો સારા ફળ, અને ખરાબ કર્યો કરીશું તો ખરાબ ફળ ચોક્કસથી મેળવશું, કદાચ ફળ મળવામાં થોડું મોડું થઈ શકે પરંતુ ફળ તો મળે જ છે.

સાહિત્યની દુનિયાનું નાનું ફુલ
મકવાણા રાહુલ.એચ
(બેધડક)