રસોઇમાં જાણવા જેવું
ભાગ-૧૦
સંકલન- મિતલ ઠક્કર
* ઘરે બનાવેલું ઘી તાજું રાખવા તેમાં ૨ થી ૩ ગ્રામ મીઠું મિક્સ કરી દો.
* સમોસા બનાવતી વખતે બટાકાને વઘારીને નાખવાથી સમોસા જલદી બગડતા નથી.
* તમારી રસોઈ હદ કરતાં વધારે મસાલેદાર થઈ ગઈ હોય તો તેમાં મસાલાની અસર ઓછી કરવા નાળિયેરનું તેલ ઉમેરો.
* પાંદડાંવાળી ભાજીને એક અઠવાડિયા સુધી તાજી રાખવા તેનાં પાંદડાંને સમારીને ઝિપલોક બેગમાં ભરી ફ્રીઝમાં રાખો. પાંદડાં પાણીમાં પલળે નહીં તેનું ધ્યાન રાખવું.
* માખણ કડક થઈ ગયું હોય અને તેનો ઉપયોગ તરત જ કરવાનો હોય તો કોઈ વાસણમાં પાણી ગરમ કરી માખણનું વાસણ તેમાં મૂકી દો.
* લોટના કણકને ગરમ પાણી, મીઠું અને થોડી માત્રામાં તેલનું મોણ નાખી તેમાં લચીલાપણું આવે ત્યાં સુધી તેને બાંધો. અડધો કલાક સુધી રહેવા દઈ તે સુકાઈ ન જાય તે માટે પોલિથિન બેગમાં સુરક્ષિત રાખી શકો છો.
* નોન-સ્ટક પૅનમાં ખાવાનું બનાવતી વખતે તેલ નાંખવા પ્લાસ્ટીક સ્પ્રે બોટલનો ઉપયોગ કરો. આનાથી પૅનમાં ઓછું તેલ પડશે.
* કેળાં-વેફર કાળી ન પડી જાય તે માટે ચિપ્સને તળતાં પહેલાં તેને હળદરવાળા પાણીમાં પલાળીને મૂકો.
* સૂકી દ્રાક્ષને તાજી કરવા માટે ઊકળતા પાણીમાં ઢાંકીને ૫ મિનિટ સુધી રાખો. પછી પાણી કાઢીને સૂકવી દો.
* શાકભાજીને બાફ્યા બાદ વધેલા પાણીને ફેંકી ન દેતાં એનો સૂપ કે ગ્રેવી બનાવવામાં ઉપયોગ કરો.
* મીઠાઈ તૈયાર થયા બાદ તેને ઠંડી કરવા ખુલ્લામાં સામાન્ય વાતાવરણમાં રાખવી. ફ્રીઝમાં મૂકવાથી તેમાંથી પાણી છૂટતાં સ્વાદ બગડે છે.
* દહીંને ચોસલેદાર બનાવવા માટે માટીના વાસણમાં જમાવવું.
* ખસખસને ઝીણી વાટવી હોય ત્યારે એને ગરમ પાણીમાં દસેક મિનિટ સુધી પલાળી રાખો.
* આલૂ ટીકી બનાવતા સમયે તેમાં આરોનો લોટ મિક્સ કરવાથી તે બિલકુલ બજાર જેવી જ ક્રિસ્પી બનશે.
* શાકમાં ખટાશ ઉમેરવી હોય તો તે બની જાય પછી જ ઉમેરવી, જો પહેલાં ખટાશ નાંખવામાં આવે તો શાક ચઢશે નહીં.
* લોઢાની કડાઈમાં ક્યારે પણ ખાટી વસ્તુ બનાવવી જોઈએ નહીં, તેમ કરવાથી વસ્તુ કાળી પડી જશે.
* રસોઈ બનાવતી સમયે હાથ દાઝી જાય તો તેના પર ઝીણુ વાટેલું મીઠું લગાવવાથી છાલા નહીં પડે.
* ડુંગળીને ઠંડા પાણીમાં થોડી વાર પલાળી રાખ્યા બાદ કાપવામાં આવે તો આંખમાંથી પાણી નથી આવતું અને ડુંગળીની વધારે પડતી તીખાશ પણ દૂર થાય છે.
* ચણા, રાજમાને રાતના પલાળી રાખવામાં આવે તો સવારે બરોબર ચઢી જાય છે, પરંતુ કોઈ કારણોસર રાત્રે પલાળી શકો તો સવારે કડાઈમાં શેકીને પલાળી દેવાથી તે જલ્દી બની જશે.
* મીઠાના પાણીમાં ફુલાવરના ટુકડા કરી થોડીવાર રાખી મૂકવાથી તેમાં સંતાયેલા કીડા ઉપર આવી જશે.
* પૂરીને લાંબા સમય માટે નાસ્તામાં ઉપયોગ કરવાની હોય તો તેનો લોટ પાણીની જગ્યાએ દૂધથી બાંધવો જોઈએ. જેનાથી પૂરી પ્રવાસમાં પણ લાંબો સમય ઉપયોગમાં લઈ શકો છો.
* ચોખાની ખીર બનાવતા સમયે ચોખા ચઢી જાય તો તેમાં ચપટી મીઠું એડ કરવાથી ખાંડનો સ્વાદ ઓછો લાગશે અને ખીર વધુ સ્વાદિષ્ટ બનશે.
* સંભારને ગાઢ અને વધુ સ્વાદિષ્ટ બનાવવો હોય તો તેમાં સરગવાની સાથે દૂધીના ટુકડા પણ મિક્સ કરો. જોકે સરગવો દાળને ચઢાવતા સમયે જ ઍડ કરવો પડે છે જ્યારે દૂધી દાળ બફાઈ જાય પછી મિક્સ કરો તો પણ ચાલે.
* રોટલીની કણક બાંધી તરત જ તેની રોટલી બનાવવામાં આવે તો તે સોફ્ટ નથી બનતી અને લોટ થોડો કડક હોવાના કારણે રોટલી બરોબર બનતી નથી. માટે રોટલીના લોટને અડધો કલાક પહેલા બાંધીને રાખવો જોઈએ.
* ગુજરાતી દાળમાં આંબલીની ખટાશ કરતાં લીલા કોકમની ખટાશ નાંખવામાં આવે તો તેનો સ્વાદ પણ સારો બને છે. અને કોકમની ખટાશ સ્વાસ્થ્ય માટે પણ સારી રહે છે.
* ચોકલેટનો સ્વાદ વધારવા માટે ચોકલેટ કેકના મિશ્રણમાં ૧/૨ ચમચી કોફી પાઉડર ઉમેરવાથી તેનો સ્વાદ વધી જશે.
* પૌષ્ટિક સલાડ ડ્રેસિંગ બનાવવા માટે બાલસામિક વિનેગર મધ એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ સરખા ભાગે ઉપયોગમાં લેવાથી સલાડ ડ્રેસિંગ વધુ પૌષ્ટિક બનાવી શકાય છે.
* ટામેટાંનો સોસ બનાવતી વખતે તેમાં કાયમ તુલસીનાં પત્તાનો ઉપયોગ કરો. ખાસ કરીને પિઝા અને પાસ્તા બનાવો ત્યારે આ જ સોસ ઉપયોગમાં લો તો વધુ સ્વાદિષ્ટ લાગશે.
* કોઈ પણ સૂપ બનાવતી વખતે પાણીના બદલે હંમેશાં‘વેજિટેબલ સ્ટોક’નો ઉપયોગ કરો, તે સ્વાદ અને તંદુરસ્તી માટે પણ લાભદાયી છે.
* તમારા દૈનિક ભોજન અથવા સલાડમાં સૂકો મેવો ઉમેરવાનો પ્રયોગ કરો. તે ખાવા માટેનો સારો ચરબીયુક્ત અને હેલ્ધી ખોરાક હોવાથી દિવસ દરમિયાનના એક વખતના ખોરાકમાં ખાસ તેનો ઉપયોગ કરો.
* ચોકલેટને કાયમ ‘ડબલ બોઈલર’ અથવા માઈક્રોવેવમાં જ ઓગાળો અને શરૂઆત ૩૦ સેકંડથી કરો બળશે નહીં.
* ‘કૂકી’ નો તૈયાર કરેલો લોટ (ડવ) બેક કરતાં પહેલાં હંમેશાં તેને ૩૦ મિનિટ માટે ફ્રીઝમાં મૂકો. આમ કરવાથી કૂકીને સારી રીતે બૅક કરવામાં મદદ મળશે.
* સ્મૂધીઝ બનાવતી વખતે સ્મૂધીના મિશ્રણમાં ૧-૨ ચમચી ઓટ ઉમેરો, જેથી સ્મૂધીઝનો દેખાવ પણ સારો લાગશે અને પેટ પણ ભરાશે
* ફુદીનાની ચટણી બનાવતી વખતે તેને વધુ સમય મિક્સરમાં પીસવાથી કડવાશ આવી જશે. તેને ખરલમાં વાટવાથી તેનો સ્વાદ જળવાઈ રહેશે.
* ઢોકળાંનો લોટ ઘરમાં ન હોય અથવા ખીરામાં આથો લાવવા જેટલો સમય ન હોય તો ઈન્સ્ટન્ટ ખમણ મિક્સનું પેકેટ ઉપયોગમાં લઈ શકાય.
* ઢોકળાં વૈવિધ્યપૂર્ણ બનાવવા માટે થ્રી લેયર મલ્ટિ ગ્રેઇન મિક્સ હર્બ ઢોકળાં પણ બનાવી શકાય.
* ઢોકળાં અન્ય રીત મુજબ જ બને, પરંતુ તેમાં ગ્રીન લેયર માટે ગ્રીન ચટણીના વિકલ્પમાં ઝીણી સમારેલી પાલક,ઝીણી સમારેલી તાંદળજાની ભાજી, ઝીણી સમારેલી મેથીની ભાજી, ઝીણી સમારેલી કોથમીર, તુલસીનાં પાન,ફુદીનાનાં
પાન, આદું-મરચાંની પેસ્ટ ઉપયોગમાં લઈ શકાય.
* કોઈ પણ પ્રકારની ભાજીને પાણી નાખ્યા વગર મિક્સરમાં ક્રશ કરવી.
* ઢોકળાંના ગાર્નિશિંગ માટે અને કોપરાનું છીણ ઉપયોગમાં લેવું. સાદા ગરમાગરમ ખમણ પર વઘાર સાથે મોળું દહીં ઉમેરવાથી દહીં ખમણ બને છે.
* ખમણ સાથે ઘટ્ટ બેસન કઢી સર્વ કરવાથી ખમણ વધુ સ્વાદિષ્ટ લાગે છે.
* વ્હાઈટ લેયર બનાવવા માટે દાળ અને ચોખાનું ખીરું બનાવી શકાય અને યલો લેયર બનાવવા માટે ખીરામાં હળદર અથવા પીળો કલર વાપરી શકાય.
* ઢોકળાં બનાવવામાં અડદની દાળ સાથે મગની દાળ પણ ઉમેરી શકાય. આ જ પ્રમાણે ફુદીના ઢોકળાં પણ બનાવાય.
* માત્ર ચણાના લોટના ખમણ પણ આ જ રીતે બનાવી શકાય.
* ખમણ ઉપર વઘાર માટે ઉપયોગમાં લેવાયેલા તેલમાં જીરું, રાઈ, ખાંડ, ગરમ પાણી, જરૂર મુજબ તલ, હિંગ,ઝીણા સમારેલાં કઢીપત્તાં ઉમેરી વઘાર કરવાથી જાળીવાળા નાયલોન ખમણ બનાવી શકાય.
* ઓછા તેલવાળી લૉ ફેટ ફ્રેન્ચ ફ્રાય પણ બનાવી શકાય છે. તેના માટે બટાકાને પહેલાં બાફી લો અને તેની સ્લાઈસ પર તેલનું ગ્રીસિંગ અને મસાલો કરી ઑવનમાં શેકી લો બનશે ક્રિસ્પી ઓછા તેલવાળી ફ્રેન્ચ ફ્રાય.
* લસણને પણ વધારે પ્રમાણમાં ફોલીને સ્ટોરેજ કરવાથી ક્યારેક તે બગડી જાય છે અથવા તો સુકાઈ જાય છે. જેથી વાનગી બનાવતા સમયે લસણને તાજું ફોલીને ઉપયોગમાં લેવામાં સમય લાગે છે. સમયની કટોકટીમાં સિઝનનું લસણ સંગ્રહ કરવા માટે લસણને ફોલીને એર ટાઈટ ડબ્બામાં પેપરમાં વીંટીને સંગ્રહ કરવાથી તે લાંબો સમય તાજું રહેશે.
* જો રોજિંદી બનતી દાળને વધારે સ્વાદિષ્ટ બનાવવી હોય તો તેને લગભગ ચારેક કલાક પહેલાં પલાળી દેવી. દાળને ધોઈને સાફ કરીને જ પલાળવી અને જે પાણીમાં પલાળી હોય તેનો જ ઉપયોગ બાફવા માટે કરવાથી દાળ સ્વાદિષ્ટ બને છે.
* રોટલી કે પરાઠાને એકદમ નરમ બનાવવા માટે તેની કણક બનાવતી વખતે ઠંડાની જગ્યાએ ગરમ પાણીનો ઉપયોગ કરવો. કણક એકદમ સોફ્ટ થશે. તેમાં થોડું પનીરનું છીણ ઉમેરવાથી રોટલી વધારે સ્વાદિષ્ટ ને નરમ બનશે.
* પાલક-પનીર શાકમાં લીલા રંગને જાળવી રાખવા માટે પાલકને ચઢવા માટે મૂકો ત્યારે પૅનને ઢાંક્યા વગર જ ચઢવા દેવાથી શાક વધારે સ્વાદિષ્ટ બનશે અને રંગ પણ જળવાઈ રહેશે
* મેથીની કડવાશ દૂર કરવા કે ઓછી કરવા માટે મેથીમાં થોડું મીઠું નાખી થોડી વાર રાખી મૂકવી.
* ફલાવરનું શાક રાંધી લીધા બાદ તેનો રંગ છોડી દે છે. ફલાવરનો મૂળ રંગ જાળવી રાખવા માટે તેને રાંધતી વખતે તેમાં એક ટી સ્પૂન દૂધ અથવા વિનેગર નાખવાથી મૂળ રંગ જળવાઈ રહેશે.
* કોઈ પણ દાળને રાંધતી વખતે તેમાં તેલનાં ત્રણથી ચાર ટીપાં અને એક ચપટી હળદર નાખવાથી દાળ જલદી ચઢી જશે અને તેનો સ્વાદ પણ વધુ સારો આવશે.
* બદામને ૧૫થી ૨૦ મિનિટ ગરમ પાણીમાં પલાળી રાખવાથી તેની છાલ સહેલાઈથી નીકળી જશે.
* કેળાની ચિપ્સ બનાવતી વખતે કેળા કાળા પડી જતા રોકવા માટે કેળાની છાલ ઉતારી કેળાને પાંચ મિનિટ છાશ અથવા હળદરયુક્ત પાણીમાં ભીંજવવા.
* ઇડલી સાથે ખાવા કોપરાની ચટણી બનાવવા કોપરૂ ન હોય તો બે સ્લાઇસ બ્રેડ લઇ તેનો મિક્સરમાં ભૂક્કો કરી તેમાં સ્વાદાનુસાર મસાલો નાખવાથી સ્વાદિષ્ટ ચટણી તૈયાર થશે.