VISHAD YOG- CHAPTER-31 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વિષાદ યોગ- પ્રકરણ-31

Featured Books
Categories
Share

વિષાદ યોગ- પ્રકરણ-31

ગુમાનસિંહ અત્યારે નીચી મુંડી કરીને ગંભીરસિંહની સામે ઉભેલો હતો. ગુમાનસિંહ અનાથાશ્રમથી ઘરે આવીને બેઠો ત્યાં એક માણસે આવીને તેને કહ્યું કે તમને ગંભીરસિંહ રાજ મહેલમાં બોલાવે છે. આ સાંભળી તેની શરીરમાંથી ધુજારી પસાર થઇ ગઇ. તેને પહેલા તો એક વખત એવો પણ વિચાર આવેલો કે ચાલ ગામ છોડીને ભાગી જાઉં. પણ પછી તરતજ તેને કૃપાલસિંહની પહોંચનો વિચાર આવતા તેણે તે વાત માંડી વાળી હતી. તેને સમજાઇ ગયું હતું કે જો તે ભાગી જશે તો તો તેને કૃપાલસિંહ જીવતો નહીં છોડે. તેના કરતા તો અત્યારે ગંભીરસિંહને મળીને તેને કેટલી ખબર છે તે જાણવામાં ફાયદો છે. મોત તો બંને બાજુ છે પણ ગંભીરસિંહને મળવામાં જોખમ ઓછું છે. ગુમાનસિંહ બોલાવવા આવેલા માણસ સાથેજ દરબાર ગઢમાં કૃપાલસિંહની કોઠી પર ગયો. તે કોઠી પર ગયો કે તરતજ ગંભીરસિંહ તેને કોઠીની પાછળની બાજુએ આવેલ એક રૂમમાં લઇ ગયો. અત્યારે ગુમાનસિંહ ગંભીરસિંહની સામે નીચી મુંડી રાખીને ઊભો હતો. ગંભીરસિંહે ગુમાનસિંહ તરફ જોયું અને બોલ્યો “ચાલ બોલવા માંડ આખી વાત શું છે? તને એમ કે તું ગમે તેને માહિતી આપીશ અને અહીં બાપુને કંઇ ખબર નહીં પડે. ચાલ હવે જીવવુ હોય તો જે હોય તે કહી દે. કોણ હતા તે? જેને તું મળવા ગયો હતો. વિરમ અને સુરસિંહની કેવી હાલત થઇ હતી તે તો તને ખબર છે ને? તારી પણ એજ હાલત થશે જો સીધી રીતે બોલવા નથી મંડ્યો તો.” આ સાંભળી ગુમાનસિંહના મોતિયા મરી ગયા અને તેની છાતી પર દબાણ વધવા લાગ્યું. તેણે ધ્રુજતા ધ્રુજતા બંને હાથ જોડ્યા અને બોલ્યો “બાપુ, મારી ભુલ થઇ ગઇ થોડાક પૈસાની લાલચમાં મે ખુબ મોટી ભુલ કરી નાખી. તમે જે કહો તે કરીશ પણ મને બચાવી લો.” તેને ખૂબ ડરી ગયેલો જોઇને ગંભીરસિંહને તેની દયા આવી ગઇ. તેણે થોડું વિચારી પછી કહ્યું “પેલા તું મને બધી વાત કર. પછી જ ખબર પડે કે તારુ શું કરવું. જો બધુ સાચુ કહીશ તો હું તને બચાવવા પ્રયત્ન કરીશ.” આ સાંભળી ગુમાનસિંહે ગંભીરસિંહ સામે જોયું તેને ગંભીરસિંહ પર વિશ્વાસ બેઠો એટલે તેણે જે પણ બન્યું હતુ તે બધુજ ગંભીરસિંહને કહી દીધું. આખી વાત સાંભળી ગંભીરસિંહે પુછ્યું “તે ત્રણ જણા કોણ હતા?”

“તે તો મને ખબર નથી મને તો વિરમ લઇ ગયો હતો. વિરમે મને એટલુંજ કહ્યું હતું કે તેમાંથી એક યુવાનને આ બધી ઘટના વિશે જાણવું છે? મને તેણે 15 હજાર રુપીયાની લાલચ આપી એટલે મે વધુ પુછપરછ નહોતી કરી. તમને તો મારી પરિસ્થીતિની ખબર જ છે તેમા આટલી મોટી રકમ મળતી હતી એટલે હું તૈયાર થઇ ગયો.” ગુમાનસિંહની વાત સાંભળી ગંભીરસિંહને તેના પર દયા આવી ગઇ. ગંભીરસિંહે થોડું વિચારી પછી કહ્યું “આ વાત અત્યારે આપણા બે વચ્ચે જ રહેશે. તારે કોઇને કંઇ પણ કહેવાનું નથી. હું જ્યારે તને બોલાવું ત્યારે તારે હાજર થઇ જવાનું અને ખાસ વાત તે લોકો તરફથી કંઇ પણ માહિતી મળે તો મને જાણ કરવાની. તું હું કહું તેમ કરતો રહીશ ત્યાં સુધી તને કંઇ નહી થાય. હવે તું જા અને મે તને અહીં બોલાવ્યો હતો તે વાતની કોઇને ખબર પડવી જોઇએ નહીં.” ગંભીરસિંહે વાત પુરી કરી એટલે ગુમાનસિંહે ગંભીરસિંહનો આભાર માન્યો અને ત્યાંથી નીકળી ગયો.

ગુમાનસિંહનાં ગયા પછી ગંભીરસિંહ, ગુમાનસિંહે કરેલી વાતો પર વિચાર કરવા લાગ્યો. અચાનક તેને ગુમાનસિંહનું એક વાક્ય યાદ આવ્યું “શક્તિસિંહ અને કૃપાલસિંહ બંને સરખાજ હતા. કૃપાલસિંહ ખુલેઆમ અય્યાસી કરતો અને શક્તિસિંહ છુપી રીતે કરતો.” આ વાક્ય યાદ આવતાજ તેને ઉર્મિલાદેવી સાથેની તેની ચર્ચા યાદ આવી ગઇ. અને પછીતો તે ઘણા સમય સુધી વિચાર કરતો બેસી રહ્યો. ત્યારબાદ ગંભીરસિંહે બુમ પાડી માણસને બોલાવ્યો અને કહ્યું “રાજમહેલ જઇ બાને પુછી આવ કે તેની પાસે સમય હોય તો મારે તેને મળવું છે.” આ સાંભળી માણસ જતો રહ્યો અને દશેક મિનીટ બાદ પાછા આવી તેણે કહ્યું “બા એ હા પાડી છે, તમે તેને મળવા જઇ શકો છો.” આ સાંભળી ગંભીરસિંહ ઊભો થયો અને રાજમહેલ તરફ ચાલવા લાગ્યો. રાજમહેલ પહોંચ્યો એટલે તેને કહેવામાં આવ્યુ કે બા તેના ખંડમાં તમારી રાહજ જોઇ રહ્યા છે. ગંભીરસિંહ ચપલ ઉતારી ઉર્મિલા દેવીના રુમ તરફ ગયો. રાજમહેલની જુની દીવાલો પર હજુ પણ તેની ભવ્યતાના અમુક લક્ષણો દેખાતા હતા. એક સમય હતો જ્યારે આ રાજમહેલ માણસો અને દાસ દાસીઓથી છલકાતો હતો. રાજમહેલનો દબદબો રાજશાહીની જેમજ લુપ્ત થઇ ગયો હતો, છતા રાજુપુતાના દમામની જેમ રાજમહેલની ભવ્યતા પણ તેની ચમક ટકાવી રાખવા હવાતિયા મારી રહી હતી. રાજમહેલનાં ભુતકાળનાં દ્રશ્યો ગંભીરસિંહની નજર સામેથી પસાર થઇ ગયાં. ગંભીરસિંહે ઉર્મિલાદેવીના ખંડના દરવાજા પર પહોંચી ધીમેથી કહ્યું “બા, અંદર આવુ કે”

એકદમ શાંત વાતાવરણમાં આ ધીમો અવાજ પણ જાણે ખલેલ પહોંચાડતો હતો. “હા, આવીજા તારીજ રાહ જોઉં છું.” ઉર્મિલાદેવીનો એકદમ શાંત અવાજ અંદરથી આવ્યો. ગંભીરસિંહ અંદર દાખલ થયો. ઉર્મિલાદેવી એક સોફા પર બેઠા હતા. ગંભીરસિંહ નીચે બેસવા જતો હતો ત્યાં ઉર્મિલાદેવીએ તેને રોક્યો અને કહ્યું “ત્યાં નહીં અહીં સામે ખુરશી પર બેસ હવે હું કંઇ મહારાણી નથી રહી. તું આરામથી બેસીને વાત કર.” આ સાંભળી ગંભીરસિંહે હાથ જોડી કહ્યું “બા, તમે મહારાણી હો કે ન હો પણ તમે મારા માટે હંમેશા વંદનીય છો. મારુ સ્થાન અહીંજ બરાબર છે.” એમ કહી તેણે બાજુમાં પડેલો નાનો બાજોઠ લઇ તેના પર બેઠો. થોડીવાર કોઇ કંઇ બોલ્યું નહીં. વાતાવરણ એકદમ ભારે થઇ ગયું તેને હળવું કરતા ઉર્મિલાદેવીએ કહ્યું “બોલ, કેમ આજે મારી એવી શું જરુર પડી ગઇ? હવે રાજ કારભાર તો તારો સાહેબ સંભાળે છે પછી મારુ અચાનક એવું શું કામ પડ્યું”

“બા આજે એક એવી વાત સામે આવી છે કે જે તમને કહેવી જરૂરી હતી.” એટલું કહી ગંભીરસિંહ રોકાયો. ગંભીરસિંહનો ચહેરો જોઇ ઉર્મિલાદેવીને લાગ્યું કે જરૂર કોઇ ખાસ વાત છે એટલે તે સોફામાં આગળ બેસતા બોલ્યા “હા, જે કહેવુ હોય તે બોલ. તારે ક્યાં મારી સાથે વાત કરવામાં વિચારવાની જરૂર છે.” આ સાંભળી ગંભીરસિંહે કહ્યું “બા, શહેરથી કોઇ ત્રણેક જણા આવ્યા છે અને તે શક્તિસિંહ બાપુના ખુન વિશે અને કૃપાલસિંહ વિશે તપાસ કરે છે. પેલા વિરમ અને સુરસિંહ તેને મદદ કરે છે. આ માહિતી મેળવવા માટે તે લોકોએ આજે ગુમાનસિંહને પૈસાની લાલચ આપી બોલાવ્યો હતો. તે લોકોએ ઘણી માહિતી ભેગી કરી છે. ગુમાને પણ પૈસા લઇ બધુ જ બકી દીધુ છે.” આ વાત સાંભળતાજ ઉર્મિલાદેવી ચોંકી ગયા. તેનું મગજ હવે પુરી ગતિથી દોડવા લાગ્યું હતું.

“કોણ છે તે ત્રણ જણાં? ક્યાંથી આવે છે? તેને શું રસ છે આ વિસ વર્ષ પહેલાની વાતમાં?” ઉર્મિલાદેવીએ એકસાથે પ્રશ્નોનો મારો ચલાવ્યો.

“બા, એ કંઇ ખબર નથી. મે ગુમાનને પકડ્યો હતો પણ તેને કંઇ ખબર નથી. તેને તો વિરમે પૈસાની લાલચ આપી હતી તેને લીધેજ તે ગયેલો. ગુમાનને નો માત્ર એટલી જ ખબર છે કે તે ત્રણ વ્યક્તિમાં બે યુવાનો છે અને એક થોડી મોટી ઉમરનો માણસ હતો. તે લોકોને ખજાનાની વાત પણ ખબર પડી ગઇ છે” ગુમાનસિંહે થોડી નીરાશાથી કહ્યું.

આ સાંભળી ઉર્મિલાદેવી વિચારમાં ખોવાઇ ગયા. આ કોણ હોઇ શકે? આજે વિસ વર્ષ પછી કોને તેમા રસ હોઇ શકે? તેણે થોડીવાર વિચારી કહ્યું “એક કામ કર તું તપાસ કરાવ કોણ છે તે લોકો? અને કોઇ માણસને મોકલી વિરમને સંદેશો આપ કે હું તેને મળવા માંગુ છું. તું એક વાત ખાસ ધ્યાન રાખજે આ વાતની તારા સાહેબ અને તેના પેલા ચમચા વિલીને ખબર ન પડવી જોઇએ. અને હા તે વિલી હમણા અહીં શું કામ આવ્યો છે? તેના પર થોડું ધ્યાન રાખજે.”

“એના કામ તો આપણને કંઇ ખબર ન પડે. તે અહીં પેલા અનાથાશ્રમની જમીનના દસ્તાવેજ માટે આવ્યો છે. કૃપાલસિંહે તે દસ્તાવેજ મારા નામે કરવાનું તેને કહ્યું છે. બાકી તો તેના ધંધામાં આપણને શું ખબર હોય?” પછી ગંભીરસિંહ થોડો રોકાઇને બોલ્યો “આ વખતે ગમે તે હોય તે વિલી થોડો ગભરાયેલો લાગે છે. તેનું વર્તન પણ મારી સાથે થોડૂ બદલાઇ ગયું છે. પહેલા તો તે એવો રૂઆબ કરતો કે જાણે તે અહીંનો માલીક હોય પણ આ વખતે તેની વાતમાં એવી કોઇ તુમાખી નથી.” પછી નીચી નજર કરીને તે બોલ્યો “તમને તો ખબર છે બા કે મારે તેના માટે બધીજ વ્યવસ્થા કરવી પડે છે. પણ આ વખતે તેણે સામેથીજ તેની ના પાડી દીધી હતી. તેના વર્તનમાં આ બદલાવ આવ્યો તેની પાછળ મને તો કોઇ ખાસ કારણ લાગે છે.”

“તમે લોકો ક્યારેય નહીં સુધરો. તમે સ્ત્રીઓને માત્ર એક ભોગવવાનું સાધન જ માનો છો. તમને ઉપરવાળો ક્યારેય માફ નહીં કરે. તે બધાનો હિસાબ કરશે.” ઉર્મિલાદેવી આ વાત જાણે બીજા કોઇને ઉદેશીને કહેતા હોય તેમ બોલતા હતા.

ત્યારબાદ તેણે ગંભીરસિંહ સામે જોયું અને કહ્યું “જા, હવે કંઇ પણ જાણવા મળે તો મને કહેજે અને પેલા વિરમને મારી પાસે લઇને આવજે.” આ સાંભળી ગંભીરસિંહ ઉભો થયો અને પ્રણામ કરી ત્યાંથી નીકળી ગયો. ગંભીરસિંહે તેના કોઠી પર આવી માણસને બોલાવ્યો અને કહ્યું “તારે વિરમને શોધી તેને કહેવાનું છે કે તેને ઉર્મિલાબા મળવા માંગે છે એટલે કાલે અહીં આવી મને મળે.” આ સાંભળી પેલો માણસ ત્યાંથી નીકળી ગયો. તેના ગયા પછી ગંભીરસિંહે એક ફોન લગાવ્યો અને ફોન પર કહ્યું “કાલે વિરમ અહીં આવવાનો છે. તારે બે માણસોને વિરમ અને સુરસિંહ પાછળ મુકવાના છે. તે કોને મળે છે? શું શું કરે છે તે તારે મને કહેવાનું છે? અને હા આ વાતની મારા સિવાય કોઇને ખબર ન પડવી જોઇએ.” ત્યારબાદ તેણે ફોન કટ કરી નાખ્યો.

-----------#########-------------------########‌‌‌‌‌---------------#######------------------------

નિશીથે ફોન મુકી કશિશને કહ્યું “હવે ખરાખરીનો ખેલ શરુ થશે.” કશિશને કંઇ સમજાયું નહીં એટલે તેણે પુછ્યું “કોનો ફોન હતો? શું કહ્યું? તુ કંઇક સમજ પડે એમ વાત કર.”

“વિરમનો ફોન હતો. તેને શક્તિસિંહની પત્ની ઉર્મિલાદેવીએ મળવા બોલાવ્યો છે. વિરમને ડર છે કે જરૂર તેને વાતની જાણ થઇ ગઇ છે.” નિશીથે કશિશને સમજાવતા કહ્યું.

“પણ ઉર્મિલાદેવી સુધી વાત કેમ પહોંચી? તમારામાંથી કોણે આ વાત ત્યાં સુધી પહોંચાડી હોય?” કશિશે વિચારતા પુછ્યું.

“સુરસિંહ કે વિરમતો આ વાત ન જ કહે. મને લાગે છે કે કાલે આવેલો પેલો માણસ ગુમાનસિંહ ફુટી ગયો હોઇ શકે.”

“તો હવે શું કરશું? તે લોકો આપણને કોઇ રીતે અહીંથી દુર રાખવા તો પ્રયત્ન કરશેજ.” કશિશે ચિંતિત સ્વરે કહ્યું.

“જોઇએ તે લોકો શું કરે છે. તે જે પણ કરશે તેના પરથી આપણને ખબર પડશે કે આ ઉર્મિલાદેવી તેમાં સામેલ હતા કે નહીં?”

“તો પણ આપણે હવે થોડું સાવચેત રહેવુ પડશે. ઉંઘતા ઝડપાઇ જવું આપણને હવે પરવડશે નહીં.” કશિશે કહ્યું.

“હા, એ તારી વાત સાચી છે. કાલે રાજકોટથી એક પાર્સલ આવે છે જોઇએ તેમાં શું નીકળે છે. તેમાથી આપણને કંઇક તો રસ્તો મળશેજ.” નિશીથે કશિશ સામે જોઇને કહ્યું.

“રાજકોટથી વળી શેનું પાર્સલ આવવાનું છે? કોની સાથે પાર્સલ આવવાનું છે?” કશિશે ઉત્સુકતાથી કહ્યું.

“એ તો તું કાલેજ જોજે. અત્યારે તને કહીશ તો મજા નહીં આવે. કાલે આવે પછીજ તને સમજાવીશ.” નિશીથે કશિશને સમજાવતા કહ્યું. અને કશિશ જો એક વાત તારે મારી માનવાની છે. જ્યારે હું તને કહું ત્યારે તારે અને નૈનાએ રાજકોટ જતુ રહેવાનું છે. મને એવુ લાગે છે કે હવે આમા આગળ થોડું રીસ્ક આવશે. મારે માટે તું જીંદગીથી પણ વધારે મહત્વ ધરાવે છે. જો તુ સેફ હશે તો હું ખુલીને લડી શકીશ. જ્યારે મને એવું લાગશે કે હવે તારા પર પણ ખતરો છે ત્યારે હું તને કહીશ.” નિશીથે આ બોલતી વખતે કશિશનો હાથ પકડી લીધો.

“પણ નિશીથ મારા માટે પણ તું તેટલુજ મહત્વ ધરાવે છે. તને અહીં એકલો છોડીને હું કેમ જઇ શકું.” કશિશે નિશીથનો હાથ સહેજ દબાવતા કહ્યું.

“જો કશિશ તું જાણે છે મારા માટે આ સમસ્યામાંથી બહાર નીકળવું એકદમ જરૂરી છે. જો તું સાથે હોઇશ તો મને સતત તારી સલામતીની ફીકર રહેશે અને હું ખુલીને લડી નહીં શકું. તું પ્લીઝ સમજ અને માનીજા.” નિશીથની આંખમાં આજીજી રહેલી હતી તે જોઇ કશિશે કહ્યું “ઓકે તુ જ્યારે કહીશ ત્યારે હું અહીથી જતી રહીશ પણ તેના બદલામાં તારે એક પ્રોમિસ આપવાનું છે કે તું તારી પુરતી સુરક્ષાનું ધ્યાન રાખીશ.” કશિશ આ બોલતી વખતે એકદમ લાગણીશિલ થઇ ગઇ. આ જોઇ નિશીથે કહ્યું “હું તને પ્રોમિશ આપુ છું બસ” ત્યારબાદ બંને ક્યાંય સુધી ચુપચાપ બેસી રહ્યા.

------------######--------------------#######---------------------#######-------------------

જયારે નિશીથ અને કશિશ નીચે ગાર્ડનમાં બેસી વાતો કરી રહ્યા હતા ત્યારે ઉપર હોટલમાં પ્રશાંત કામતના રુમમાં બે જણ તેને રીપોર્ટીંગ કરી રહ્યા હતા. તેમાંથી એક જણ કહી રહ્યો હતો “સાહેબ આ લોકો પાસે ઘણી માહિતી છે છતા તે લોકો કેમ આગળ નથી વધતા તે નથી સમજાતું. મને લાગે છે તે હજુ કંઇક શોધી રહ્યા છે. પેલા ગુમાનસિંહે તેને બધુજ કહી દીધુ છે.”

આ સાંભળી પ્રશાંતે બીજા માણસ સામે જોયું તો તે માણસે કહ્યું “ ગુમાનસિંહનો પણ કોઇ પીછો કરતું હતું. અનાથાશ્રમમાંથી ગયા બાદ ગુમાનસિંહને દરબારગઢમાં બોલાવવામાં આવ્યો હતો. મને લાગે છે કે ગુમાનસિંહ આ લોકો સાથે ડબલક્રોસ કરી રહ્યો છે. આ લોકોની ખબર હવે દરબારગઢ સુધી પહોંચી ગઇ છે. થોડા સમયમાંજ હવે કોઇ ખાસ ઘટના બનશે. હજુ સુધી આ લોકોને ખજાના વિશે કાંઇ વધુ જાણકારી નથી મળી અને મારા ખ્યાલથી મળશે પણ નહીં કેમકે વિસ વર્ષ પહેલાનો ખજાનો અત્યારે ક્યાંથી હોય?” આ સાંભળી પ્રશાંતના ચહેરા પર હાસ્ય આવી ગયું અને તે બોલ્યો “ખજાનો હોય કે નહી તે મહત્વનું નથી પણ ખજાનાના સ્થળ સુધી પહોંચાય છે કે નહી તે મહત્વનું છે. ત્યાં પહોંચ્યા પછીજ એતો નક્કી થશે કે ખજાનો છે કે નહીં. પેલા વિલીના શું સમાચાર છે?”

“તે બે દિવસથી ભાવનગર કોઇ વકીલ પાસે જાય છે. મને શરુઆતમાં થયું કે તે કોઇ લીગલ કામમાં પડેલો છે પણ વધુ તપાસ કરતા ખબર પડી કે તે અનાથાશ્રમના દસ્તાવેજની પ્રોસેસ કરે છે. કોઇ ગંભીરસિંહના નામે દસ્તાવેજ કરવાના છે.” બીજા માણસે જવાબ આપ્યો. આ સાંભળી પ્રશાંત કામતના ચહેરા પર સ્મિત આવી ગયું અને તે બોલ્યો “આ પોલીટીશીયનને કોઇ સંતોશ જેવુ હોય છે કે નહીં. ત્યાં જે માણસ છે તેને કહી દે તેના આ દસ્તાવેજની એક નકલ મારે જોઇએ. ગમે તેમ કરીને વ્યવસ્થા કરે.” પ્રશાંત હજુ કંઇક કહેવા જતો હતો ત્યાં તેનો ફોન વાગ્યો અને ફોન પર વાર કરતા તેના ચહેરા પર ખંધુ સ્મિત છવાઇ ગયું.

----------#######--------------------##########---------------#######‌‌‌‌-----------------

ઉર્મિલાદેવી એવુ શું જાણે છે, જે ગંભીરસિંહને ખબર નથી? આ પ્રશાંત કામત કોણ છે? તેને સુરસિંહ અને વિરમ સાથે શો સંબંધ છે? વિલી આ બધામાં કંઇ રીતે જોડાશે? પ્રશાંત કામતને આ બધામાં શું રસ છે? આ બધા પ્રશ્નના જવાબ જાણવા માટે આ નોવેલ વાંચતા રહો. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહીઓ અને મિત્રોને વાંચવાની ભલામણ જરૂર કરજો.
------------------#############-------------------------#############################--------------------------------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે.મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલરલવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***************--------------------**************------------------

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM