Kaka ane kada rangni Mercedes - 3 in Gujarati Short Stories by Pratik Barot books and stories PDF | કાકા અને કાળા રંગની મર્સિડીઝ - ભાગ ૩

Featured Books
Categories
Share

કાકા અને કાળા રંગની મર્સિડીઝ - ભાગ ૩

કાકાની જીવનવાર્તા સાંભળવાની ઉત્સુકતા મને એટલી બધી હતી કે હું નોકરી પરથી બે કલાક જેટલો વહેલો આવી ડેરી ડેન પાસે કાકા જ્યાં બેસતા તે જગ્યાએ આવીને બેસી ગયો. મારા મગજમાં જાણે વિચારો એકબીજા સાથે દ્વંદ્વ યુદ્ધ ખેલી રહયા હતા..

હું ચારે તરફથી આવતા લોકોમાં આતુરતાથી કાકાને શોધતો હતો. એકાદ કલાક જેવો સમય પસાર થયો હશે, ત્યાં જ મારા ખભા પર પાછળથી કોઈકે હળવેકથી હાથ મૂકયો. પાછળ ફરી જોઉ છુ તો સૂટ-બૂટ ધારી અને માથે કાઉબોય હેટ પહેરીને કોઈક ઉભુ હતુ. એ તો જયારે એ વ્યક્તિ ના ચહેરા પર મારી નજર પડી ત્યારે જાણ્યું કે આ તો એજ કાકા છે. મારા ચહેરા પર જાણે મારા મનમાં ચાલતા પ્રશ્નો અક્ષરશઃ છપાયેલા હોય એમ એમણે મને કહયુ,
"બેટા, તને કોફી ચાલશે?,
તો આપણે કાફેમાં જઇને વાત કરીએ."

હું કંઈ પણ બોલ્યા વગર એમની સાથે કાફેમાં જઈ બેઠો. કાકાએ બિઝનેસમેનની છટાથી વેઈટરને બોલાવી બે કોફીનો ઓર્ડર આપ્યો ને પછી મારી તરફ હાથ લંબાવી શેક હેન્ડ કરી મને ઓળખાણ આપી.

"આઈ એમ મિ. હર્ષદ રોય. હું રોય એન્ડ સન્સ કંપનીનો ભૂતપૂર્વ ચેરમેન. કદાચ કંપની નુ નામ સાંભળ્યું હોય તો"

શહેરની આટલી મોટી કંપની જેનો દેશભરમાં ડંકો વાગેછે, એવી કંપનીનો ચેરમેન આમ રસ્તા પર ભિખારી ની જેમ રઝળપાટ કરે છે એવુ જાણતા જ મારા વિચારોના ઘોડાઓએ ફરી દડબડાટી બોલાવી, પણ મેં સ્વસ્થ થઈને એમને મારી પત્રકાર તરીકેની ઓળખ આપી ને પછી એમણે એમની કથની શરૂ કરી.

"મેટ્રિક પાસ કર્યા પછી નાનકડી ટેક્ષટાઈલ ફેકટરીમાં સુપરવાઈઝર નુ કામ મળતા કલોલ જેવા નાનકડા ટાઉનમાં થી પત્ની સાથે આટલે દૂર અંહી વડોદરા શહેરમાં સ્થાયી થયો. રાત-દિવસ લોહી પરસેવો સીંચી કામ કર્યુ. અંહી આવ્યા ના બે વર્ષ પછી ભગવાને દેવ સમા દિકરાની ભેટ આપી. દેવદિવાળી એ જન્મ થયો હોવાથી એનુ નામ પણ દેવ જ રાખ્યું. ખાસ મિત્ર સાથે મળી "રોય ટેકનોલોજી" નામે નાનકડી કંપની શરૂ કરી. સમય સાથે જેમ જેમ દેવ મોટો થતો ગયો એમ એમ કંપનીએ પણ ખૂબ જ પ્રગતિ કરી. વિદેશના ઓર્ડરો મળવા લાગતા હું પણ બિઝનેસ અર્થે મૂલાકાતો અને વિદેશ પ્રવાસ માં વ્યસ્ત રહેવા લાગ્યો. સઘળુ સારૂ ચાલી રહયુ હતુ અને બધા ખૂબ ખુશ હતા. પણ મારી વ્યસ્તતા અને દેવની માંના લાડકોડ વચ્ચે દિકરાની ખરાબ સંગતો વિશે કોઈએ ખાસ ધ્યાન ન આપ્યું. દેવ ભણવામાં હોશિયાર હતો માટે મેનેજમેન્ટ મા માસ્ટર્સ સુધી ભણ્યો. ભણતર પૂરૂ થતા એણે ઓફીસ નો કારભાર પણ સંભાળી લીધો. એને આટલી ધગશથી કામ કરતો જોઈ હું ખુશ થતો અને એકાદ વર્ષ પછી મેં ઓફિસ જવાનુ ઓછુ કરી નાખ્યું."

એક મોટો નિસાસો નાખી એમણે આગળ કહયુ,"
હું બધુ કામ એને સોંપવામાં જ હતો પણ સમય એ કંઈક બીજુ જ વિચાર્યુ હતુ.
મારા પાર્ટનર મિત્રના દોરયા દોરાઈને દેવે મારા વિશ્વાસ નો લાભ ઉઠાવી બીજા કાગળિયા સાથે પાવર ઓફ એટર્ની પર મારી સહી કરાવી કંપની,ઘર અને બીજી મિલકત એના નામે કરાવી દીધી. આ બધુ એણે માત્ર મિલકત હડપવા અને પાર્ટનર મિત્રની દિકરી પ્રજ્ઞા સાથે લગ્ન કરવા માટે કર્યુ હતુ. મારી પડતી ની આ હજુ શરૂઆત હતી. મને અને દેવની માંને ગેસ્ટહાઉસમાં રહેવા મોકલવામાં આવ્યા. હું રૂમમાં ભરાઈ આખો દિવસ ને રાત દારૂ પીવા લાગ્યો. ઘરની સુખ-શાંતિ રોળાઈ ગઈ. દેવને એના જેવો જ દિકરો અવતર્યો. એનુ નામ નકુલ છે." ને નકુલ નામ બોલતા જ એમના ચહેરા પર નિખાલસ સ્મિત ઉભરી આવ્યું.