Naxatra - 23 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | નક્ષત્ર (પ્રકરણ 23)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

નક્ષત્ર (પ્રકરણ 23)

કપિલથી છુટા પડી હું ઘરે ગઈ. મમ્મી પપ્પા હજુ આવ્યા નહોતા. મેં હાથ મો ધોઈ પિંક ટી-શર્ટ અને લૂઝ નાઈટી પહેરી. એ મારા ફેવરીટ હતા. ઘરમાં હું હમેશા લુઝ કપડા પહેરાવાનુ જ પસંદ કરતી.

ઘરે આવ્યા પછી જરા ભૂખ જેવું લાગ્યું કેમકે રોજની આદત હતી. રોજ મમ્મી મારા માટે નાસ્તો બનાવીને રાખતી પણ એ દિવસે મમ્મી હાજર ન હતી એટલે જાતે જ નાસ્તો બનાવ્યો. જાતે નાસ્તો બનાવવાનો હોય ત્યારે હું મેગી બનાવતી. એમાં ખાસ સમય ન થાય અને આવડતની પણ જરૂર નહી. હું મોટાભાગે હોસ્ટેલમાં જ રહી હતી. મને કિચન કામનો અનુભવ નહિ. મને રસોઈ કામમાં કંટાળો આવતો. પ્રમાણીકતાથી કહું તો મને રસોઈ કામ બરાબર આવડતું નહોતું. ચા કે મેગી બનાવી લઉં એ અલગ વાત હતી. રોટલી બનાવી લેતી પણ હુ અને મારા પેરેન્ટ્સ જ ખાઈ શકે. કોઈ મહેમાન કે બહારના વ્યક્તિને ન અપાય કેમકે ભારતના નકશા જેવી રોટલી કોઈ દેશભક્ત સિવાય કોને પસંદ આવે? પપ્પા મારી બનાવેલી રસોઈને નેશનલ ડીશ કહી મને ખીજવતા કેમકે એમાં રોટલીઓ ઇન્ડીયાના મેપ જેવા આકારની હોતી.

નાસ્તો કરી હું ઘરમાં બેસવાને બદલે એક નોટબુક અને પેન લઇ બહાર બેઠી. હું વિચારવા લાગી શુ હશે? કેમ કપિલ આજે વધુ પડતો રોમેન્ટિક હતો? મને એ તાવીજ પહેરાવવા માટે? કદાચ એમ જ હતું. હુ એની વાત માની તાવીજ પહેરી લઉં એ માટે એ વધુ પડતો રોમેન્ટિક હતો. એમાં ખોટુ શું હતું? એ મને તાવીજ પહેરાવી મારી સલામતી જ ઈચ્છતો હતો ને? ભલે હું તાવીજ અને દોરા-ધાગામાં નહોતી માનતી પણ એને તો એવું લાગતુ હતું કે એ તાવીજ મારી રક્ષા કરશે.

મેં ગળામાં લટકતા તાવીજ તરફ જોયું. એ લાલ કાપડના નાના ટુકડાને સીવીને બનાવેલું હોય એવુ લાગતું હતું. કાળા દોરાની મદદથી મારા ગાળામાં લટકી રહ્યું હતું. મને કોઈ ખાસ ચીજ એમા દેખાઈ નહિ. મને એ વાત પર વિશ્વાસ નહોતો કે તાવીજ કોઈને મરતા બચાવી શકે. એવું હોય તો અશ્વિની અને રોહિતે તાવીજ કેમ ન પહેર્યું? જરૂર કોઈ બાવા કે ફકીર પાસે બનવડાવ્યું હશે. મેં વિચાર્યું.

એ ભણેલ ગણેલ છે છતાં અંધશ્રદ્ધામાં કેમ માનતો હશે? પણ શું કરે બિચારો? એણે પોતાના ભાઈ ભાભી ગુમાવ્યા હતા. ત્યારબાદ અશ્વિનીના માતા પિતા એટલે કે એના અંકલ આંટી. હવે અશ્વિની અને રોહિત એટલે કે બહેન અને ખાસ મિત્રને. આટલા બધા લોકોને ગુમાવ્યા પછી વ્યક્તિ પાગલ થઈ જાય અંધશ્રદ્ધા તો શું ગમે તેમાં માનવા લાગે.

એકલી બેસી હું ખુદને જ સવાલ પૂછે જતી હતી ને પોતે જ જવાબ આપે જતી હતી. જરાક અજીબ અને ન સમજાય તેવું હતું પણ ખરેખર હું એવું કરી રહી હતી. મને લાગ્યું હું એ પહેલી ઉકેલીને જ રહીશ. કોઈ પણ રીતે હું રહસ્યને જાણીને જ રહીશ.

કૃણાલ, ભાવના, અશોક, રોહિણી, અશ્વિની, અને રોહિત. મેં નોટબુકમાં નોંધ લખી. એ બધા એક જ કોલેજમાં હતા. દરેકે આત્મહત્યા કરી હતી અથવા તો એમની હત્યા થઈ હતી. આત્મહત્યાની શકયતા વધુ પણ એક કોલેજમાંથી આટલા બધા લોકો કેમ આત્મહત્યા કરે? મેં શકયતાઓ નોંધી.

કોઈ સિરિયલ કિલર જે કોલેજના પ્રેમીઓને પોતાનું ટાર્ગેટ બનાવતો હોય?
ના. એ શકયતા નહોતી. કપિલના કહેવા મુજબ અશ્વિનીના માતા પિતા પણ અકસ્માતને બદલે... તો સિરિયલ કિલરની શકયતા નથી કેમકે એ પોતાની પેટર્ન (મોડસ ઓપરેન્ડી) છોડીને હત્યા ન કરે. મેં નોટબુકમાં સિરિયલ કિલરની શકયતા આગળ ચોકડી મૂકી.

બીજી શકયતા એ બધા લોકોએ આત્મહત્યા જ કરી હોય? તો કેમ? આત્મહત્યા માટે કોઈ કારણ તો હોય? મારી પાસે કારણ નહોતું. એ જવાબ નહોતો એટલે હાલ પૂરતી એના પર ચોકડી જ મુકવી પડે. મેં વિચાર્યું.

બધા મરનાર લોકોને વીંટી સાથે સંબંધ હતો. એક ચાંદીની એવી વીંટી જેના પર કોઈક નક્ષત્ર કંડારેલા હતા. શુ આ મામલો ભૂતપ્રેતનો હોઈ શકે? શુ કોઈ આત્મા એમને આત્મહત્યા કરવા પ્રેરી રહ્યો હશે? કદાચ એ શકયતા હોઈ શકે.

કોઈ કાળો જાદુ? કોઈ નાગિન બદલો લઇ રહી હોય? પણ કેમ? મારા મને સવાલ કર્યો. એનું કપિલના પરિવારે કઈ ખરાબ કર્યું હોય... મેં જવાબ આપ્યો.

“શું ખરાબ કર્યું હોય? એ જવાબ તો માત્ર એ લોકો જ આપી શકે. પણ એ તો મરી ગયા છે...

કપિલ... કદાચ કપિલ પણ સાથે હોય... માટે એ કોઈ તાંત્રિકની વીંટી પહેરતો હોય? પણ કપિલ કોઈનું ખરાબ કરે એવો નથી. ખરાબ લોકો કોઈનો જીવ બચાવતા નથી એ લોકો તો જીવ લે છે. કપિલે મને તાવીજ આપ્યું મતલબ એને મારી ફિકર હતી.. ખરાબ લોકો કોઈની ફિકર કરતા નથી.

શુ હોઈ શકે? આખરે મેં કંટાળી નોટબુક બંધ કરી. કઈ સમજાય તેમ નહોતું. કઈક તો ખૂટી રહ્યું હતું. કોઈક તો અંધારામાં હતું જેનો ચહેરો દેખાતો નહોતો.. કોઈ મોટું રહસ્ય જરૂર હતું.

હું અદર ગઈ. નોટબુક ટેબલના નીચેના ડ્રોઅરમાં છુપાવી જેથી મમ્મી પપ્પાના હાથમાં ન આવે. સોફા પર બેસી અમારી જૂની બોક્સ ટીવી ચાલુ કરી મમ્મી પપ્પાના આવવાની રાહ જોવા લાગી.

લગભગ મોટા ભાગની ચેનલો ફેરવી જોયું. કઈ જોવા લાયક લાગ્યું નહી કે પછી હું વ્યાકુળ હતી અને તણાવને લીધે મને કઈ જોવામાં રસ ન પડ્યો. છતાં મારે એકાદ કલાક એ જુના ટીવીને જોતા રહેવું પડયું. પહેલા મમ્મી એ પછી પપ્પા આવ્યા. મમ્મીને તો કઈ ખબર નહોતી પણ પપ્પા જંગલ ખાતામાં હતા એટલે એમને એ ઘટનાની ખબર હતી.

“તમારી કોલેજના છોકરા છોકરી વિશે જાણી બહુ દુઃખ થયું.” પપ્પાએ પોતાની ગન ટેબલના ઉપરના ડ્રોઅરમાં મુકતા કહ્યું.

“હા પપ્પા મને પણ બહુ દુખ થયું. કોલેજમાં બધા દુ:ખી છે. શુ થયું હતું કઈ ખબર?” હું ત્યાં હતી એ વાત પપ્પાથી છુપાવતા મેં પૂછ્યું. મેં પપ્પાને ત્યાં હતી એ ન કહ્યું. મમ્મી પપ્પા નાહક ચિંતા કરવા લાગે.

“કઈ ખાસ તો નહીં પણ બીજા કર્મચારીઓ વાત કરતા હતા કે આત્મહત્યાનો મામલો છે.” પપ્પા મારી પાસે સોફા પર બેઠા.

“પપ્પા કોલેજમાં તો બધાનું માનવું છે કે હત્યાનો મામલો છે. પોલીસ પણ આવી હતી.” કદાચ પપ્પા પાસેથી વધુ માહીતી મળી જાય એ હેતુથી મેં પૂછ્યું.

“પોલીસને બીજું કરવાનું પણ શું હોય છે? બાળકો મર્યા ત્યાંથી તો કોઈ સબુત મેળવી નહિ શકયા હોય. કોલેજ જઈ હત્યાનો મામલો છે એમ ટ્રસ્ટીઓને ડર બતાવ્યો હશે.” પપ્પાએ કહ્યું. એમના અવાજમાં પોલીસ પ્રત્યેની ઘૃણા સ્પષ્ટ હતી.

“પણ કેમ? કેમ પોલીસ ટ્રસ્ટીઓને ડરાવે?”

“મર્ડર કેસથી કોલેજની રેપ્યુટેસન ખરાબ થશે એ ડરથી ટ્રસ્ટીઓએ પચાસેક હજાર આપ્યા હશે. કોઈ મરે એટલે આ પોલીસને તો સિઝન પાકે છે.”

“પણ કોલેજ કેમ આપે? સંચાલકો નાણાં કયાંથી લાવે?” મને કાઈ સમજાયુ નહી.

“ડોનેશનને નામે ટ્રસ્ટ લાખો ઉતારે છે. તારા એડમિશન માટે પણ દસ હજાર આપ્યા હતા.” પપ્પાએ ફોડ પાડતા કહ્યું.

અમે ઘણી વાતો કરી પણ મને કઈ નવું જાણવા ન મળ્યું. પપ્પા એટલું જ જાણતા હતા જેટલી મને ખબર હતી.

“આ પહેલા પણ આત્મહત્યા થઇ છે આ કોલેજમાં?” મેં અજાણ્યા બની પૂછ્યું.

“હા. થઇ છે. એટલે જ તો પોલીસને ઘી કેળા છે. તેઓ સંચાલકોને આરામથી ડરાવી શકશે કે તમારી કોલેજમાં જ કેમ આવું થાય છે?”

“પપ્પા તમને કઈ શક જેવું નથી લાગતું?”

“મને તો કઈ શક જેવું નથી લાગતું, લોકો પહેલા આડા રસ્તે ચડી જાય છે ને પછી...”

“પણ પપ્પા કોલેજમાં બધા કહે છે કે એ લોકો એવા ન હતા.” મેં એમને અટકાવી વચ્ચે જ કહ્યું.

“બેટા, આજકાલ માણસને બહારથી ઓળખવુ મુશ્કેલ થઈ ગયુ છે. આમેય આ આત્મહત્યા અને ગુના કરવાની પ્રવૃત્તિ તો એક ગાંડપણ છે. એ મન પર કયારે સવાર થઇ જાય એ આત્મહત્યા કે ગુનો કરનાર માણસને પોતાનેય ખબર નથી હોતી તો બીજું કોઈ કઈ રીતે જાણી શકે?”

“પણ એ લોકો ખુશ હતા. બધા કહે છે. મેં પણ એમને જોયા હતા.એ લોકો એકબીજા સાથે ખુબ જ ખુશ હતા.” મેં દલીલ કરી.

“એ લોકો દુ:ખી હશે એટલે જ એ લોકો વધુ ખુશ હોવાનો દેખાવ કરતા હશે.”

“એટલે?” મને કશું સમજાયું નહિ.

“જે લોકો અંદરથી ઉદાસ હોય છે એ લોકો બહારથી હસતા રહે છે કેમકે એમને ડર હોય છે કે લોકો એમની અંદરની ઉદાસીને જાણી જશે.”

પપ્પાના શબ્દો સાંભળી મને ફરી એકવાર મારી જૂની કોલેજ યાદ આવી ગઈ. મને લાગ્યું પપ્પાના શબ્દે શબ્દ સાચા છે. ત્યાં મારી હાલત કઈક એવી જ હતી. મારી એકલતા અને ઉદાસી છુપાવવા મારે મારા ચહેરા પર હમેશા સ્મિત સજાવીને ફરવું પડતું. એ તો શહેર જ એવું હતું ત્યાં મોટાભાગના લોકો એક ચહેરા પાછળ બીજો ચહેરો લઈને જ ફરતા.

“હું જંગલ ખાતામાં નોકરી કરું છું. આખો દિવસ જંગલમાં રહું છું. ત્યાં પ્રાણીઓને એકબીજાનો શિકાર કરતા જોઉં છું. ત્યાં કોઈ નિયમ નથી પણ આ શહેર એવું છે જે ભુખ્યા વરુની જેમ લોકોને પોતાનો કોળીયો બનાવી નાખે છે. એ પણ કોઈ જ નિયમ તોડ્યા વગર. અહી મોટા ભાગના કાયદા અને કાનુનનો ઉપયોગ નિર્દોષ લોકોનો શિકાર કરવા માટે થાય છે એમને બચાવવા માટે નહી.”

પપ્પાના શબ્દોએ મને વિચારોમાંથી બહાર લાવી અને ફરી વિચારતી કરી દીધી. કપિલે પણ કઈક એવુ જ કહ્યું હતું એ લોકો નિયમોનો ઉપયોગ અમારો શિકાર કરવા માટે કરે છે.

“પપ્પા કોણ નિયમોનો ઉપયોગ શિકાર કરવા માટે કરે છે?” મેં પૂછ્યું.

“બધા. બેટા અહી બધા નિયમોનો ઉપયોગ શિકાર કરવા માટે કરે છે. અમારા ખાતામાં જ જોઈએ તો એકાદ ઝાડ કાપનારને અધિકારીઓ નિયમોનો ઉપયોગ કરી સજા કરે છે. રાત્રે એ જ અધિકારીઓ હજારો વ્રુક્ષોને એક સાથે મોટી ફેકટરીઓમાં પહોચાડે છે. દરેક એ જ કરે છે.”

પપ્પા સર્વદેશી વિધાનો વાપરતા હતા અને કપિલ એકદેશી. એકદેશી વિધાન અને સર્વદેશી વિધાન વચ્ચે કયાં લાંબો તફાવત છે? બસ એકાદ યોગ્ય તાર્કિક કારક મુકો અને સર્વદેસી વિધાન પરથી એકદેશી વિધાન મળી જાય. બસ જરૂર છે તો યોગ્ય તાર્કિક કારકની અને હું એ મેળવીને જ રહીશ. આ વિધાનના અવ્યાપ્ત પદને વ્યાપ્ત પદમાં ફેરવીને જ જંપીશ. ભલે જે હોય તે પણ આ બધી હત્યાઓ અને પેલી વીંટી વચ્ચે કોઈક સંબંધ તો છે. પછી એ વ્યાપ્ત હોય કે અવ્યાપ્ત. હું એની સત્યતા તો ચકાસીને જ રહીશ, ભલે એ માટે મારે ઉદાહરણ સહિત વ્યાપ્તીની જરૂર પડે. મેં મનોમન નક્કી કર્યું.

અમે વાતોમાં સમય પસાર કર્યો એટલામા મમ્મીએ જમવાનું બનાવી લીધું. અમે ત્રણેય ભેગા મળી સાંજનું ભોજન લીધું. મોટા ભાગે અમે ત્રણે ભેગા જ ડીનર કરતા. પપ્પા આઠ વાગ્યા પહેલા તો ઘરે આવી જતા. હું કોલેજથી આવી નાસ્તો કરી લેતી એટલે મમ્મી આઠેક વાગ્યે જમવાનું બનાવતી.

જમવાનું પતાવી હું ઉપર મારા રૂમમાં ગઈ. રૂમમાં જઇ ફિલોસોફીના પ્રોજકટ પર કામ કરવાનો પ્રયાસ કર્યો પણ મન ન લાગ્યું. હું વહેલી ઊંઘી. રોજ કરતા ઘણી વહેલી સુઈ ગઈ. કદાચ જંગલમાં ચાલવાને લીધે મારુ શરીર થાકી ગયું હતું કે સવારની એ ઘટનાને લીધે મારું મન થાકી ગયું હતું. જે હોય તે પણ હું સાડા દસ વાગતા પહેલા ઊંઘી ગઈ.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky