વીશુ...! એય બેટા શું કરે છે?!”
“કંઈ નહીં મમ્મા...!” સાડીથી રમત કરતી સાત વર્ષની વિશ્વા દયામણે ચહેરે બોલી... જાણે, કોયલ પોતાનો કંઠ વિશ્વાના ગળામાં આપી ગઈ હોય એવી વાણી અને સરસ ઢીંગલી જેવી લાગતી વિશ્વા જીતુભાઈ અને સરીતાબહેનની એકની એકજ દીકરી હતી, ખુબ લાડકોડથી બંન્ને વિશ્વાને ઉછેરતા હતા. હમણાંજ થોડા સમયથી વિશ્વાને પ્રથમ ધોરણમાં બેસાડી હતી.
”વીશુ..! જલ્દી ઉઠ બેટા! સ્કુલે નથી જવું?!”
“ના...ના... મમ્મી, આજે સ્કુલે નથી જવુ!”
“ના, બેટા સ્કુલ તો મંદિર કહેવાય!, ત્યાં તો મીત્રો સાથે રમવા મળે!, નાસ્તો કરવા મળે!”
”ન જવું હોય તો રેવા દેને, આમ પણ એક દીવસ ન જાય તો શું ફરક પડવાનો!” આળસ મરડીને ઉભા થયેલા જીતુભાઈ બોલી ઉઠયાં.
“હા..!, તમે પણ આવુંજ શીખવાડજો!”
“બાળપણની મઝા લેવા દે એને! સરીતા”
થોડીવાર ઘરમાં શાંતી છવાઈ ગઈ, સરીતાબહેન વિશ્વાને તૈયાર કરવા લાગે છે.
ત્યાં પીંપ...પીંપ... બસના હોર્નના અવાજે સીધાજ સરીતાબહેનના કાનના બારણે ટકોરા પાડ્યા,
”ચલ, વિશ્વા...જલ્દી બસ આવી ગઈઈ...!”
“હા મમ્મી, માથુ તો સરખુ ઓળી દો...!”
સરીતાબહેને બે દાંતીયા આમ-તેમ પીછંડાની જેમ ફેરવીને વિશ્વાને તેડીને દોટ મુકી, શેરીના નાકેથી બસમાં વિશ્વાને બેસાડી દફતર તેના હાથમાં મુકતા કહ્યું,
”નાસ્તો કરી લેજે બેટા!, અને ઝઘડો નહીં કરવાનો હોં...!,” એટલામાં તો બસ ઘરરર.... કરતીકને ધુમાડાના ગોટે-ગોટા છોડતી ઉપડી ગઈ…!
“મીતુ...! ‘હાય...!’ કેમ છે..?!” પતંગીયાની માફક ઉડતી વિશ્વા બોલી ઉઠી.
”બસ, મજામાં હો...!” મીતલે લહેકાથી જવાબ વાળ્યો...! મીતુ એટલે મીતલ, વિશ્વાની બહુ ખાસ પ્રીય હતી બંને સખીઓ સાથેજ શાળામાં એકજ વર્ગમાં ભણતી હતી, મીતલના પપ્પા નિરંજનભાઈ વ્યવસાયે ડોક્ટર હતા, તે પણ વિશ્વાને પોતાની દિકરી ની જેમજ ખુબ પ્રેમ કરતા હતા.
શાળામાં રહેલા બધા વર્ગશીક્ષકોની પ્રીય જોડી એટલે મીતુ અને વીશુ, મીતલ વિશ્વા કરતા ભણવામાં થોડી વધારે હોંશીયાર હતી પણ તેને દુનીયાદારીને નેવે મુકીને વિશ્વા સામે દોસ્તીનો હાથ લંબાવ્યો હતો.
”આજે શું લાવી?!” વીશુનો ઈશારો નાસ્તાના ડબ્બા તરફ હતો.
”આજે....!, આજે...!”
”જા, નહી કહું!”
“તો કાંઈ નહી!” વિશ્વા બોલીને રીસાવાનો ઢોંગ કરવા લાગી.
મીતલ તેને મનાવવા માટે તેના મુખને પોતાની તરફ ફેરવીને તેને રીઝવવા માટે તેના તરફ એક સ્મીત રેલાવે છે.
“આજે..! આજે!”
“હા જલ્દી બોલને,”
વીશ્વાને ચીડવવા માટે મીતલે પુરતા પ્રયાસ કરી લીધા બાદ આખરે બોલી,
”આજે! મમ્મીએ થેપલા અને ભાજીનું શાક”
“જે તને બહુ ભાવે છે ને?!”
“અને તુ?!”
“હું...! સેવ મમરા,”
અને ત્યાંજ વર્ગમાં વર્ગશીક્ષક આવી જાય છે. થોડીવાર પછી રીસેસ માટેનો બેલ વાગે છે.
ટન...ટન...ટન...,
”ચાલ, મીતુ જલ્દી ખુબ ભુખ લાગી છે!”
“ના, એક વાર બહેન, કેતો જ...!”
“”મીતુ મારી બહેન બસ...!”
વીશ્વા અને મીતલ ઝડપભેર દોડીને વર્ગખંડની બહાર આવેલા મેદાનમાં ઘનઘોર છવાયેલા વડલાના ઓટે બેસીને જલ્દીથી નાસ્તાના ડબ્બા ખોલીને એકબીજાના નાસ્તાની મીઠાશ માણે છે.
“મારુ નામ અભીષેક આચાર્ય છે!” વર્ગમાં અને સ્કુલમાં નવા આવેલા શીક્ષક બોલી ઉઠ્યાં.
બધા વીધાર્થીઓનું ધ્યાન તે તરફ આકર્ષીત થાય છે.
”એય વીશુ! આપણા નવા આચાર્ય છે ?!”
”ના!, તે તો તેનુ નામ હશે!”
”શું વાતો ચાલે છે !?” અભીષેક બોલી ઉઠયો
”ના, સર હું કશું નહિ એ...તો આ વીશુ વાતો કરાવે છે.” મીતુ આચાર્ય સાહેબને વીશ્વાની ફરીયાદ કરતી હોય તેમ બોલવા લાગી.
”બાળકો, મારાથી તમારે કોઈએ ડરવાની જરૂર નથી!” આવુ અભીષેકથી બોલાતાજ બધા વીધાર્થીઓએ હાશકારો અનુભવ્યો
”સર...!સર...! મને માથામાં...” આટલુ બોલતા વીશ્વા તેની બેઠક પરથી ઉભી થઈ ગઈ અને અચાનકજ,
ઢળી પડી, બધા બાળકો રાડો-રાડ કરવા માંડ્યા મીતલતો અનીમેષ નજરે આ ઘટનાને નીહાળતી રહી.... (ક્રમશ...)