kaynatni sajish in Gujarati Moral Stories by Dr.Chetan Anghan books and stories PDF | કાયનાતની સાજીશ

Featured Books
Categories
Share

કાયનાતની સાજીશ

એક ગરીબ, પ્રતિશોધથી સળગતો, નફરતથી તરબતર યુવાન ને કેટલાક લોકો પોતાના દુષ્કૃત્યને અંજામ બનાવવા હાથો બનાવે છે ત્યારે કાયનાત સાજીશ કરે છે. સર્જાતી ઘટનાઓની સિલસિલાબદ્ધ કથા એટલે



કાયનાતની સાજીશ



હોટલ ક્લિવલેન્ડ ના આહલાદક ઠંડા વાતાનુકુલીન કમરામાં આજે પહેલીવાર ડિનર કરતી વખતે વાજીદ અલગ જ અહેસાસ કરી રહ્યો હતો, સંધ્યાકાળ હતો, અંધારું અને પ્રકાશ ની ભાગીદારીમાં પારદર્શક કાચની પેલે પાર સુંદર કાળી અસ્ફાલ્ટની સડક દેખાતી હતી.અમદાવાદ માં આવી કોઈ રેસ્ટ્રોરન્ટ હશે અથવા તો રેસ્ટ્રોરન્ટમાં અંદરનું વાતાવરણ આવું હશે અને આવું લઝિઝ ખાવાનું મળતું હશે એ ખબર જ નહોતી. અને ક્યાંથી હોય! ત્રણ-ત્રણ પેઢી થી સાઇકલ રીપેરીંગની તથા પંચર ની નાનકડી કેબીન ચલાવતા દાદા અહેમદ, એણે વારસામાં વાજીદના અબુ સુલેમાન ને આપી અને એણે વાજીદને. ત્રીસ રૂપિયા ના પંચર કરતા કરતા વાજીદની ત્રણ પેઢીની ગરીબીમાં પંચર પડ્યું જ નહિ અને જિંદગી ની સાઇકલ ગર્દીશીના રોડ પર ચાલતી જ રહી.
કોમના રિવાઝ મુજબ નાની ઉમરમાં જ રઝિયા સાથે થઇ ગયેલા નિકાહ અને એના દ્વારા જન્મેલો દીકરો ખુબ જ ખુબસુરત અલ્તાફ. જિંદગીમાં કોઈ ની સામે હાથ
લંબાવાનો નહિ ની "ઝમીરી" અને ગમે તેવી દિકક્તમાં પણ ક્યારેય કોઈએ મદદ ના કરી એવી એની "અમીરી" ની કશમકશ વચ્ચે ગબડી રહેલી જિંદગી કોઈ દિવસ આ મુકામે આવી ને ઉભી રહેશે ખબર નહોતી.
"તમે શું વિચારી રહ્યા છો વાજીદ ખાન?"સામેની પારદર્શક કાચ ની ખુરશી માં શાંતિથી બેઠેલી નશીલી આંખોવાળી સુંદર સોફિયા એ વાજીદ ની આંખ માં આંખ પરોવી ને લહેજા થી કીધું.
"તારા જેવી આકર્ષક અને આધુનિક યુવતી મારી સાથે મિત્રતા બાંધે અને એ મિત્રતા દોરવાઈ ને મારી ખખડધજ સાઇકલ ની લારી પર થી આ આલીશાન રેસ્ટ્રોરન્ટના આ રૂમ પર પહોંચી ગઈ એ મને સપનું લાગે છે,સોફિયા!"વાજીદે કહ્યું.
"અમે વજૂદ ને પ્રેમ કરવા વાળી જમાત છીયે, વાજીદ!" સોફિયા એ કીધું.વાજીદ તેની સામે જોઈ રહ્યો એના એના વાક્યમાં રહેલો "અમે" શબ્દ ખુંચ્યો.

અબુ-અમ્મીના ઇંતકાલ પછી અંદરથી ખિન્ન અને હતાશાથી દિમાગી રીતે અલગ થઇ ને ઘર ના ચૂલા ની આગ જલાવવા લારી પર પોતાના કામમાં વ્યસ્ત થઇ જવાનો મનસૂબો ધીરે ધીરે રંગ લાવી રહ્યો હતો. એક દિવસ સવારે નવેક વાગ્યા ના અરસામાં સાઇકલપંચર ની કેબીન પર એક ખુબસુરત છોકરી સોફિયા પોતાની જોગિંગ સાઇકલ નું પંચર કરવા આવેલી ત્યારથી શરુ થયેલી મિત્રતા હવે તો વારંવાર હોટલોમાં ડિનર અને નાઈટ ક્લબો અને બંધ રૂમોમાં વિસ્તારવા લાગી, દરેક ખર્ચ નું પેમેન્ટ સોફિયા જ કરતી અને આ દૌર ચાલતો જ રહ્યો.સોફિયા સ્નિગ્ધ ,આકર્ષક,સુડોળ અને મોર્ડન યુવતી છે, કોઈ મલ્ટીનેશનલ કંપની માં કોલસેન્ટર માં કામ કરે છે, અહીં અમદાવાદ માં એકલી રહે છે, એના અમ્મી-અબુ લખનૌ પાસેના નાના કોઈ ગામ માં રહે છે, એ એના માબાપ નું એક લૌતું સંતાન છે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી માં એમબીએ કરી ને સીધી જ નોકરી કરવા અમદાવાદ આવતી રહી.
'વાજીદ! મને તારી પાછલી જિંદગી વિષે તો બતાવ,તારા નિકાહ થઇ ગયેલા છે અને એક બેટા નો અબ્બુ છે પણ તારા અબ્બુ-અમ્મી ક્યાં છે? એના વિષે તો કંઈ બતાવ!.' એક વાર કોઈ આલીશાન રેસ્ટ્રોરન્ટમાં ડિનર લેતી વખતે વાજીદને સોફિયાએ પૂછ્યું.
'અબ્બુ-અમ્મી આ દુનિયામાં નથી.' વાજીદે આંખ ઝીણી કરતા કહ્યું અને સોફિયા ની સામે જોયું,સોફિયા કઈ બોલી નહિ પણ એની આંખ માં ડોકાતો પ્રશ્ન વાજીદ સમજી ગયો.એણે આગળ ચલાવ્યું.
'પાંચેક વર્ષ પહેલા અમદાવાદમાં હિન્દૂ મુસ્લિમ દંગા થયેલા ત્યારે એક ઝનૂની ટોળું મારા અબ્બુ સાઇકલ ની દુકાન પર હતા ત્યાં આવ્યું અને અબ્બુ ને રહેંસી નાખ્યા.એવા જ એક ટોળા એ અમારું ઘર સળગાવી દીધેલું અને એમાં અમ્મી સળગી ગયેલા,બંને નું ઇંતકાલ એક જ દિવસે થયું!' વાજીદ ભૂતકાળમાં સરી પડ્યો હોય તેમ બોલ્યો.
'ઓહઃ આઈ એમ સો સોરી,આઈ અંડરસ્ટેન્ડ યોર ફિલિંગ્સ,!!' સોફિયા બોલી
'હું જયારે આ ઘટના ને યાદ કરું છું ત્યારે મને હમેશા એક પ્રશ્ન થાય છે.' વાજીદ બોલ્યો
'કેવો પ્રશ્ન?' સોફિયા એ પૂછ્યું
'એવા દંગામાં હંમેશા ગરીબોના જ ઘર કેમ સળગતા હોય છે?' વાજીદ બોલ્યો
'કારણ કે ગરીબ સૌથી સરળ છે હાથો, હથિયાર, નિશાન બનવા માટે..' સોફિયા એ કહ્યું.
'મારા ઘર માં લાગેલી આગ હજુ ઓલવાણી નથી એ ધીમે ધીમે મારી અંદર સળગ્યા કરે છે!'વાજીદ બોલ્યો..

સોફિયા ની આંખ ચમકી પણ એ હજુ ધીરજ થી કામ લેવા માંગતી હતી. તે વાત ને એટલો વળાંક આપવા માંગતી હતી પણ થોડી રાહ જોઈ.
'સમય ની રાખ દરેક આગ ને ઓલવી નાખે છે.' સોફિયા એ ધીમે રહી ને દાણો મુક્યો.

આ આગ ક્યારેય નહિ ઓલવાય.'કહેતા વાજીદ ની લમણાં ની નસો ફુલવા લાગી, આંખો માં લાલાશ ઉતરી આવી.

'તો તું શું કરીશ!' સોફિયા એ પૂછ્યું.

' તક ની રાહ જોઇશ!' વાજીદ એ થોડા તીખાશથી કીધું, સોફિયા જાણી ગઈ હતી કે હવે એનો પ્લાન યોગ્ય દિશા માં જઈ રહ્યો છે.


*****


વાજીદ તેની પંચર ની કેબીન પર કોઈ ગાડી નું પંચર બનાવી રહ્યો હતો ત્યારે કેબીનમાં પડેલો ફોન વાગ્યો.
'હેલ્લો!' ફોન સોફિયાનો હતો, વાજીદે રિસીવ કરી ને જવાબ આપ્યો.
'ઓહહઃ ! ક્યાં છે વાજીદ! હું તારા વગર ઝૂરી રહી છું, તને મળવા બેતાબ છું.'
સોફિયા રૂપા ની ઘંટડી જેવા અવાજમાં વાજીદ ને કહી રહી હતી.
'આજે આપણે મળીએ!'
'તું આજે હોટલ બ્રાઇટ નાઈટમાં મળજે.'

'ચોક્કસ!' ના પાડવાનો સવાલ નહોતો,સોફિયા ના દરેક આમંત્રણ માં એક અગ્રેસીવનેસ રહેતું. છેલ્લા ઘણા સમય થી આવી મુલાકાતો "રૂટીન" થઇ ગઈ હતી.

'બાય!ડાર્લિંગ' સોફિયાએ લહેજા થી કહ્યું.
હોટલ બ્રાઇટ નાઈટ ની ડીનર રુમ ની ગુલાબી,કળાત્મક પ્લાસ્ટર ઓફ પેરિસ ની છત માં જડેલા રંગીન બલ્બ માંથી પડતો ગુલાબી પ્રકાશ રાત ને વધુ ગુલાબી બનાવી રહ્યો હતો, વાજીદ અને સોફિયા એક ટેબલ પર લઝીઝ ખાના ને ન્યાય આપી રહ્યા હતા, એક માણસ હોટલ ના મેઈન ગેટ માંથી દાખલ થયો એ સોફિયા એ જોયું અને અચાનક એની આંખ ચમકી અનાયાસે જ મોઢામાંથી "અબ્બાસ!" એવો શબ્દ સરી પડ્યો, પેલા માણસ નું ધ્યાન તરત એ ટેબલ પર ગયું, એ એના ટેબલ પાસે આવ્યો.
"ઓહહ! સોફિયા તું અહીં કેમ?"અબ્બાસે પ્રશ્નાર્થ નજરે પૂછ્યું.
'આ અબ્બાસ છે, અમારા ગામ પાસે નો છે,અમારી કંપની માં કામ કરે છે.આ મારો મિત્ર વાજીદ છે.' સોફિયા એ વાજીદ ને અબ્બાસ ને એકબીજા સાથે ઓળખાણ કરાવી."

"કેન આઈ ટેક ડિનર વિથ યોર કંપની ઇફ યુ ડોન્ટ માઈન્ડ?' અબ્બાસ એ પૂછ્યું
'યા!અફકોર્સ.' સોફિયા એ એક નજર વાજીદ પર નાંખતા જવાબ આપ્યો, વાજીદ ના ચહેરા પર અસંમજ ના ભાવ હતા.
ત્રણેય સાથે ડિનર લેવા મંડી પડ્યા,

'આજે બધે જ કોમવાદ ફેલાયેલો છે, બધા જ આપણને શક ની નજરે જોવે છે.' અબ્બાસ ખાતો ખાતો બોલ્યો.એની નજર વાજીદ તરફ હતી,
'મનેય ઘણા અનુભવ થયા છે ખાસ કરી ને જયારે હું હિજાબ માં હોઉં છું ત્યારે..
..' સોનિયા એ જવાબ આપ્યો.
' પણ! તને ખુબ ભારે અનુભવ થયો લાગે છે.' સોનિયા એ ઉમેર્યું.

'હા! નોકરી માટે ના ઇન્ટરવ્યુમાં, શાળા ના પ્રવેશ,બઝાર, થિયેટર,બાગબગીચા, બસસ્ટેશન, રેલ્વેસ્ટેશન, ટ્રેન,બસમાં, હર જગ્યાએ આપણે એક ટેરરિસ્ટ ની જેમ શક નજરોથી જોવાતા હોઈએ છીએ.' અબ્બાસ દ્રઢતાથી વાજીદને જોઈ રહ્યો.
એ પછી અબ્બાસ વાજીદ ને વારંવાર મળતો રહ્યો.
એક દિવસ રાત્રે દસેક વાગ્યા આસપાસ સોફિયાનો ફોન આવ્યો કે કાલે સવારે નવ વાગ્યે આપણે બહાર જવાનું છે. વાજીદે હામી ભરી.
બીજે દિવસે સવારે નવ વાગ્યે સોફિયા કાળી ચમકતી ઇનોવા કાર લઈને વાજીદની કેબિને આવી સાથે અબ્બાસ હતો. સોફિયા ના ચહેરા પર એક નખરાળુ સ્મિત રમતું હતું.
તેણે વાજીદ ને બેસી જવા કહ્યું.વાજીદ દુકાન સમેટીને ઇનોવા કાર માં પાછળની સીટમાં બેઠેલા અબ્બાસની બાજુમાં બેસી ગયો.
"સલામ વાલેકુમ" વાજીદે અબ્બાસ અને સોફિયા ને એકસાથે અભિવાદન કર્યું.

'વાલેકુમ અસલમ' બંનેએ પ્રતિભાવ આપ્યો. કાર સડસડાટ રોડ પર દોડવા લાગી. ક્યાં જવાનું હતું તે વાજીદને ખબર નહોતી,તે ઘડીક સોફિયા અને ઘડીક અબ્બાસ સામે જોતો રહ્યો.
છેલ્લા થોડા સમયથી તેની જિંદગીમાં જે બનતું રહ્યું હતું તે નવું હતું. હરપળે એક નવો અનુભવ થતો હતો. રસ્તાની બંને બાજુએ રહેલા ખેતરોની પાળે ઉગાડેલા વૃક્ષોની હરમાળાઓમાંથી છળાઈ ને આવતો પવન વાજીદ ને મનમાં ઠંડક પહોંચાડી રહ્યો હતો.
તેની ગાડી એક વળાંકે વળી. એક ઉખાડબાખડ રસ્તા પર હળદોલા લેતી આગળ વધતી ગઈ. ત્યાં આગળ ઝૂંપડપટ્ટી જેવો અત્યંત ગંદો વિસ્તાર આવ્યો. વાસ મારતી ચાલીઓમાંથી પ્રસાર થતી ગાડી એક ચોક પાસે આવીને ઉભી રહી.ત્યાં મુસ્લિમ એરિયો હતો. વાજીદે અબ્બાસ અને સોફિયા સામે અસમંજસના ભાવ સાથે જોયું.
'આ આપણી કોમની દયનિય હાલત છે, સદીઓથી આ કૉમે હંમેશા અનુભવી છે વજૂદની લડાઈ. ઇતિહાસના કાળપ્રવાહોમાંથી શરૂ થયેલી આ લડાઈ ક્યાં સુધી ટકશે?, આપણે ક્યાં સુધી ચૂપ રહીશું.' અબ્બાસ ઘણીવાર સુધી બોલતો રહ્યો અને વાજીદ ના અંતરમન ને ઝંઝોડતો રહ્યો.આ દરમિયાન સોફિયા સાવ ચૂપ રહી.
થોડીવાર પછી ગાડી ફરી ઉપડી. ગાડીમાં નીરવ શાંતિ હતી પણ વાજીદના મનમાં ઘમાસાણ જામ્યું હતું.જિંદગી એક રહસ્યમય વળાંકે આવીને ઉભી હોય તેવું લાગ્યું.
થોડીવારે તેની તેની ગાડી એક ખંડેર જેવા વગડાઉ વિસ્તાર માં આવી ઉભી રહી.

' અહીંથી ગાડી આગળ નહીં જાય, આપણે ચાલીને જઈએ.' અબ્બાસે બ્રેક મારતા કહ્યું. વર્ષોથી અહીં કોઈ આવતું નહીં હોય તેવું લાગ્યું. એક પાતળી ઢાળવાળી વૃક્ષો અને ઘાસથી ઘેરાયેલી કેડીથી સોફિયા અને અબ્બાસ ચાલવા માંડ્યા. પાછળ વાજીદ પણ દોરવાયો. આગળ એક ખંડેર જેવું જૂનું પુરાણું મકાન સુધી પહોંચ્યા. અહીં કોઈ આવું મકાન હશે તે કોઈને ખબર ના પડે. ખખડધજ મકાન ના મુખ્ય પ્રવેશદ્વાર પર લાકડા, પથ્થરો અને કચરો પડેલો હતો. ત્યાંથી અંદર પ્રવેશવુ મુશ્કેલ હતું. અબ્બાસ મકાન ની ડાબી તરફ વળ્યો, ખંડેરની ડાબી બાજુની દીવાલ પર નીચેની તરફ એક બાંકોરું હતું. ત્યાં અંદર પ્રવેશતા એક સીડી નીચે તરફ ઉતરતી હતી. તે ત્રણેય હવે અંધારા જેવા રુમ આવી ચડ્યા. સોફિયા અને અબ્બાસ ની ગતિ જોઈ એટલો ખ્યાલ આવતો હતો કે તેઓ અહીં ઘણીવાર આવી ચુક્યા હશે.
ત્યાં ઘણા માણસો હાજર હતા, તે બધાની આંખમાં એક ભયાનકતા ડોકાતી હતી,રૂમની એક મોટી દીવાલ પર સ્ક્રીન હતી. તેની સામે પડેલી ખુરશીમાં બધા ગોઠવાયા, જાણે અમારી જ રાહ જોવાતી હોય તેમ તરત જ વિડિઓ શરુ થયા, શરૂઆતમાં મુસ્લિમ કોમ્યુનિટીના વિડિઓ દેખાડવાના શરુ થયા, પછી વિવિધ જગ્યાએ થયેલા કોમવાદી તોફાનોના વિડિઓ, તેના પછી મુસ્લિમો પર થયેલા અત્યાચારના વિડિઓ, વિવિધ જગ્યાએ તોફાનો પછી કોમના માણસોની આપવીતી કહેતા વિડિઓ દેખાડવામાં આવ્યા. વિડિઓ પુરા થયા પછી હોલમાં ક્યાંય સુધી ભયાનક શાંતિ રહી. વાજીદ પણ શાંત રહ્યો.ત્યાંથી ઘર સુધીના રસ્તામાં કોઈ કંઈપણ બોલ્યું નહિ.
વાજીદ આખી રાત વિચારતો રહ્યો.ઘણા દિવસો સુધી સોફિયાનો કોઈ ફોન ન આવ્યો, વાજીદે સંપર્ક કરવાની કોશિશ પણ ના કરી.એક દિવસ અબ્બાસ નો જ ફોન આવ્યો.
'સલામ વાલેકુમ' અબ્બાસે કહ્યું.

'વાલેકુમ અસલમ'

'તે શું વિચાર્યું?' કોલ રિસીવ કરતાવેંત અબ્બાસે પૂછી લીધું.

'કઈ બાબતે?' વાજીદે સામો પ્રશ્ન કર્યો.


'આપણી કોમ વિષે. તેની બરબાદી વિષે.'

'આપણે શું કરી શકીયે?'

'આપણી પાસે વિકલ્પો ઘણા છે. પણ તું કેટલા ઝનૂનથી કરવા માંગે છે એની પર બધો આધાર છે.'

'મારા ઝનૂન ની કોઈ સીમા નથી.'

'પણ કોમ કુરબાની માંગે છે.'


'હું મારા કોમ ના વજૂદ માટે જાન નું વજૂદ મિટાવવા તૈયાર છું.' વાજીદે શબ્દો પર વજન આપીને કહ્યું.
પછી વાજીદ અને અબ્બાસ મળતા રહયા,
એક નક્કર પ્લાન બનાવ્યો. વાજીદ ને બૉમ્બ બનાવવાથી માંડીને કેવી રીતે પ્લાન્ટ કરવા, એટીએસ સામે પકડાઈ જાય તો શું જવાબ આપવા, કેવા જવાબ આપી છટકી શકાય. વગેરે શીખવવામાં આવ્યું.તેને એકે-47 કેવી રીતે ચલાવવી તે પણ શીખવાડવામાં આવ્યું. તેને એક રિવોલ્વર પણ આપી. રિવોલ્વરની લીસી સપાટી પર હાથ ફેરવતા વાજીદની આંખોમાં પ્રતિશોધના અંગારા ફૂટવા લાગ્યા.
વાજીદને બૉમ્બ પ્લાન્ટ કરવાની જગ્યાની રેકી કરવાનું કામ સોંપવામાં આવ્યું.તેની સાથે ઘણા માણસો હતા, બધાને અલગ અલગ કામ સોંપવામાં આવ્યું હતું.
તે દિવસે બપોરે બાર વાગ્યે પોતાની દુકાન બંધ કરીને લોકેશન શોધવા ચાલતો જ નીકળી પડ્યો. સૌથી પહેલા શહેરના સૌથી ગીચ વિસ્તારમાં એક ચોક પર આવી ઉભો રહ્યો. ત્યાં ધોમધખતા તડકામાં એક ટ્રાફિક કંટ્રોલર ચોકની બરાબર વચ્ચે ઉભો રહી ટ્રાફિકનું નિયમન કરી રહ્યો હતો. તેના ચહેરા પર પરસેવાના રગેડા ઉતરી રહ્યા હતા, ત્યાં ઉતાવળે નીકળી જવાની મથામણ કરતા વાહનો સિવાય કોઈ સિક્યોરિટી નહોતી, વાજીદે ખિસ્સામાંથી ડાયરી કાઢી કંઈક નોંધ્યું. કોઈએ પેલા ટ્રાફિક હવાલદારને ઉભા રહી પાણી પીવરાવ્યું તે આગળ ચાલતા જોઈ રહ્યો.
બીજે દિવસે ફરી બપોરે પોતાની દુકાન બંધ કરી રેકી કરવા નીકળી પડ્યો.તે ચાલતો એક મોટા પુરાણા મંદિર પાસે આવ્યો, તેણે આજે જાણી જોઈને પેન્ટશર્ટ પહેર્યો હતો,તેના મંદિરની અંદર ગયો, ત્યાં આવતી ભીડ તરફ એક ચીડ ભરી નજર કરી, ત્યાં બેસતાં ભિખારીઓ વટાવતો અંદર પ્રવેશ્યો.તે શિવલિંગ સામે નમીને પગે લાગ્યો. તે બહાર આવી પોતાની ડાયરીમાં કંઈક નોંધ્યું. તે બહાર આવતા મંદિરના પરિસરમાં ઉભેલી ફૂલ વેચવાની નાનકડી કેબિનમાં ઉભેલા એક વૃદ્ધની આંખમાં ડોકાતી સંવેદના ને નજરઅંદાજ કરી નીકળી ગયો. એ પછી બીજા ઘણા મંદિરનો સર્વે કરી દુકાન તરફ નીકળી ગયો.
ત્રીજા દિવસે તે શહેરના એક બીજા ભાગમાં આવેલી સરકારી હોસ્પિટલની ભીડમાં ભળી ગયો, ત્યાં રિબાતી જિંદગીઓ વધુ તડપી રહી હતી, ત્યાં ચારેતરફ લાઈન લાગેલી હતી, કેસ કઢાવવાની લાઈન, દવા લેવાની લાઈન, રિપોર્ટ કઢાવવાની લાઈન અને ડોકટરોની કેબીન બહાર દર્દીઓની લાઈનમાં દર્દ વધુ કણસી રહ્યું હતું. તેની ભીડમાં એકબાજુ બેઠેલી એક વૃદ્ધા ને એક માણસ ચા આપી રહ્યો હતો તેના ખિસ્સામાં રહેલી પેન માંગીને વાજીદે ડાયરીમાં કંઈક નોંધ્યું.
ચોથા દિવસે એક ગવર્મેન્ટ પ્રાથમિક શાળા તરફ ગયો. તે જયારે પહોંચ્યો ત્યારે શાળામાં રીસેસ પડેલી હતી, બાળકો શાળાના મેદાન માં ખેલકુદ કરી રહ્યા હતા, ખુલ્લા મેદાનમાં બાળકો ની અવનવી ગમ્મત જોઈને સ્વર્ગ જાણે ધરતી પર ઉતર્યું હતું.લાંબી લોબીમાં બેઠેલા સેંકડો બાળકો અલગ અલગ ગ્રુપમાં બેસી સાથે લાવેલો નાસ્તો કરી રહ્યા હતા.ત્યાં કોઈ સિક્યોરીટી નહોતી. વાજીદે ખિસ્સામાંથી ડાયરી કાઢી કંઈક નોંધ્યું અને જતા જતા લોબી ના છેલ્લે બેઠેલા બાળવૃંદ જોઈ વાજીદનું હૃદય એક ધબકારો ચુકી ગયું. તેના દિમાગમાં અજીબ કશ્મકશ જાગી, તેના મન માં તાગ મેળવવાનું અઘરું બની ગયું. એના મગજમાં કોમી રમખાણોથી ખોયેલા અમ્મી-અબ્બુથી માંડીને સોફિયા સાથે થયેલી દોસ્તી અને અબ્બાસ સાથે ની મુલાકાત, તેણે દેખાડેલો પેલો ઝૂંપડપટ્ટી જેવો વિસ્તાર, કોમી રમખાણો ના વિડિઓ, તેમાં કોમની બદતર હાલત, તાલીમ અને પછી બૉમ્બ પ્લાન્ટ કરવાની દરેક જગ્યાઓની રેકી વગેરે તેના માનસપટ પરથી એક વિડિઓકેસેટ ની જેમ પ્રસાર થઈ ગયું. તેના દિલનું ઘમાસાણ તેને પ્રશ્ન પૂછવા માંડ્યું "સત્ય શુ છે?" સામે લોબી માં બાળકો ના ગ્રુપમાં બેઠેલો પોતાનો દીકરો અલ્તાફ જે તેની બાજુમાં બેઠેલા કોઈ હિન્દૂ બાળક ના ડબ્બામાંથી બેફિકરપણે નાસ્તો ખાઈ રહ્યો હતો જાણે પોતાનો જ ડબ્બો હોય અને જેનો હતો તે પણ હસી રહ્યો હતો. એટલુ જ નહીં તેને દરેક જગ્યાની રેકી વખતે બનેલી ઘટનાઓ તેના યાદ આવી.
પેલા મુસ્લિમ ટ્રાફિક કન્ટ્રોલ ઓફિસર ને કોઈ હિન્દૂ પાણી પાઇ દે છે, પેલા હિન્દૂ મંદિર માં કોઈ ફારૂખ ડોસો ફૂલો વેંચી પોતાનું ગુજરાન ચલાવે છે, પેલી હોસ્પિટલમાં બુઢઢી ડોશી ને કોઈ હિન્દૂ નિસ્વાર્થભાવે ભાવે ચા પીવડાવી રહ્યો હતો. આ પેલા અબ્બાસ ની સદીઓથી કોમ પર થતા જુલ્મની થિયરી માં ક્યાંક જૂઠ ને સફેદ નકાબ પહેરાવીને રજૂ કરવામાં આવ્યું હતું કે શું? મન માં ઉદ્વેગ સાથે અબ્બાસ મનોમંથન કરતો રહ્યો, સત્ય ના આટાપાટામાં અટવાતો રહ્યો. પોતે પોતાનું જીવન કુરબાન કરવા માંગે છે ત્યાં ક્યાંક કોઈ ફરેબ તો નથી ને?. તેને વિચાર આવ્યો કે શું સોફિયા જાણીજોઈને અમને પસંદ કર્યો કે ખાલી સંજોગ જ હતો?, ત્રણ ત્રણ પેઢી જ્યારે એક સાઇકલની પંચર કરવાની કેબીનમાં જતી રહી ત્યારે કોઈ મળવા ના આવ્યું ને અત્યારે એવું શું બન્યું કે બદહાલની કોઈ ખબર કાઢવા આવ્યું? સોફિયાને મળ્યા પછીની દરેક ઘટના શુ નાટક હતું. મને ગુમરાહ કરવાનું કે બધું આપોઆપ બન્યું? અહીં તો ખાલી ભાઈચારો,સહિષ્ણુતા અને સદભાવ સિવાય કંઈ દેખાતું નથી. દિમાગમાં એક પછી એક કડી જોડાતી ગઈ અને વાજીદ વધુ સ્પષ્ટ થતો ગયો,
તે તેની કોમમાંથી બહાર નીકળીને માં ભારતી નો સપૂત બની ગયો, તે આંખમાંથી આંસુ વહેવા લાગ્યા,
'ભારતમાતા કી??'તેનાથી ભાવાવેશે જોરથી બોલી જવાયું.
'જય!!!' જાણે પેલા બાળકો પણ ભાવ ઝીલતા હોય તેમ બોલી ઉઠ્યા. બધા બાળકો તેની સામે જોઈ રહ્યા, અલ્તાફ તેના અબુને જોઈ ગયો, તે દોડીને વાજીદને ભેટી પડ્યો. થોડીવાર પછી વાજીદ અમદાવાદ એટીએસની ઓફિસ તરફ નીકળી પડ્યો.