Budhvarni Bapore - 27 in Gujarati Comedy stories by Ashok Dave Author books and stories PDF | બુધવારની બપોરે - 27

Featured Books
Categories
Share

બુધવારની બપોરે - 27

બુધવારની બપોરે

(27)

રીમોટ ચલાવવું ઘર ચલાવવા જેટલું સહેલું નથી

સુભીએ સોફામાં બેઠા બેઠા કાકડી દબાવતી હોય એમ રીમોટ દબાવે રાખ્યું. કોઇ રીસ્પૉન્સ ન આવ્યો. પછી બન્ને અંગૂઠાથી જોર માર્યું, કેમ જાણે એના ગોરધનની આંખોના ડોળા દબાવવાના હોય! ખખડાવી/હલાવી પણ જોયું. ત્યારે ખબર પડી કે, રીમોટ ઊંધું પકડ્યું છે. રીમોટનો એક ખૂણો કાનમાં ખંજવાળ્યો. મીઠું લાગતું હતું ને મજો ય પડતો હતો. રીમોટને સોફાની ધાર ઉપર લૂછીને ફરી એક વાર બટન દબાવ્યું. કાંઇ ન થયું. બાજુમાં વૅફર્સની ડિશ પડી હતી એ મન્ચિંગ ચાલુ હતું, એમાં તો એક વખત વેફર્સનું પૅકેટ પણ રીમોટ સમજીને કચડડડ્‌ડ...દબાવાઇ ગયું, પણ એનો ય રીસ્પૉન્સ આવતો નહતો. એણે ફરીથી બટન દબાવ્યું, આ વખતે જરા ભાર દઇને.....ટીવીએ જવાબ ન આપ્યો. આદત મુજબ, સુભીએ રીમોટને ડાબી-જમણી બન્ને તરફ લઇ જઇ હાથમાં આવ્યા એ બધા બટનો દબાવી જોયા. માથાની ઉપર અને સોફાની નીચે જમીનને અડે ત્યાં સુધી રીમોટ નીચું કરી જોયું. છેલ્લે છેલ્લે તો, શ્રીનાથજીની આરતી ઉતારવાની હોય એમ ગોળ ગોળ હલાવી જોયું. ગુસ્સો એવો આવી ગયો કે, રીમોટને બદલે આખું ટીવી ઉપાડીને હલાવી જોઉં...! જો કે, આ વાંચતી વખતે તમને જે સવાલ થયો, એ એને ય ટાઈમસર થયો કે, રીમોટને ડાબે-જમણે ફેરવવાનો શું અર્થ? રીમોટને ટીવીની દિશામાં રાખો ને બટન દબાવો, પછી આડુંઅવળું ફેરવવાની જરૂર ન હોય. આપણા સહુની સ્ટુપિડિટીની આ પહેલી નિશાની છે. કઇ કમાણી ઉપર રીમોટને આપણે હાથ આગળ લંબાવીને ટીવીની નજીક લઇ જઇને દબાવીએ છીએ? એ તો રૅન્જમાં હોય તો ખોળામાં મૂકેલા રીમોટથી ય ટીવી ચાલુ થાય કે ચૅનલો બદલાય....આ તો એક વાત થાય છે.

‘‘સુલુઉઉઉઉ....આ જો ને, ટીવી નથી ચાલતું!’’ સુલુ એના પોમરેનિયન ડૉગીનું નામ નહોતું, એના ગોરધનનું નામ હતું. ડૉગીઓના નામો તો ઉત્તેજનાત્મક હોય છે, આવા સુલુ-ફૂલુ જેવા નહિ. સલિલ જરા લાંબુ પડતું હતું. ફ્રીજનો દરવાજો ખુલ્લો રહી જવાથી માંડીને ધૂળજી કેમ નથી આવ્યો, એ તમામ વાતોમાં સુલુ જરા કિફાયત ભાવે પડે. ખાલી સુલુ સારૂં. મ્હોંવગું તો ખરૂં.

સુલુ મોંઢું બગાડતો આવ્યો. અકળાવાની તો હિમ્મત ન હોય, છતાં હિમ્મત ભેગી કરી થોડું અકળાઇને એ સુભીની બાજુમાં બેસતા બોલ્યો, ‘‘સું છે, ભ’ઈ...?’’

‘‘સુલીયા...જો ને, આ રીમોટ કામ કરતું નથી.’’ નાદાન સુલુને પત્નીની બધી વાતોના જવાબ આપવા પડતા, એ ઘટનાને ગુજરાતી ભાષામાં ‘સુભીપણું’ કહેવાય છે ને સુલુએ બધા કામો કરવા પડે, એ સિધ્ધિને ઈંગ્લિશમાં ‘હસબન્ડીઝમ’ કહે છે......! (બાય ધ વે, હજી ૩-૪ મિનિટ પહેલા જ આ રૂપાળો શબ્દ શોધાયો છે....!)

‘‘ઓહ...’’ સુલુએ એકાદ સેકન્ડ ટીવી સામે જોઇને કહ્યું, ‘‘ડાર્લિંગ, ટીવીની મૅઇન-સ્વિચ ચાલુ કરવી પડે.’’ સુભી ભોંઠી ચોક્કસ પડી ગઇ પણ સ્વિચ ચાલુ કરવા તો સુલુએ જ ઉઠવું પડે. સ્વિચ ઑન કરી. ટીવી ગરમ થાય ત્યાં સુધી થોડી વાર રાહ જોવી પડે. જોઇ જોઇ. રીમોટથી આ વખતે સુલુએ દબાવ્યું. એણે ય સુભીની માફક રીમોટને ચારેબાજુથી દબાવી મચડી જોયું. હઠીલું હતું. ચાલુ ન થયું. મત્સ્યવેધ કરતા પહેલા બાણાવળી અજુર્ન તીરના ભાથાને જરા ખખડાવી જુએ, એમ સુલુએ રીમોટને એક-બે વાર હળવેથી હથેળીમાં ખખડાવી જોયું. પણ રીમોટમાં ય સુભીનો સ્વભાવ ઉતરી આવ્યો હતો. તાબડતોબ તો માને કાંઇ? પ્રોબ્લેમ હાથમાં હશે, એમ સમજીને બીજા હાથમાં પછાડી જોયું. ‘યે હાથ મુઝે દે દે, ઠાકૂર....’ના અંદાજથી એણે સુભીનો હાથ માંગ્યા અને એના હાથમાં વારાફરતી હળવે હળવે પછાડ્યું.

‘‘....અઅઅ....સુબલા, આ બહાને ગલીપચી ના કર...’’ સુભી રૉમેન્ટિક સ્માઇલ સાથે બોલી.

‘‘હું ગાંડો થઇ ગયો છું.....તે ગામ આખામાં વાપરવાની ગલીપચીઓ ઘરમાં વાપરી નાંખું...’’ એવું તે કેવળ મનમાં બોલ્યો. બહાર તો એવું બોલ્યો કે, ‘‘ઓહ ડાર્લિંગ....હું તો હજી તને અડ્યો પણ નથી....કાશ...આવતા જન્મે હું તારૂં રીમોટ થાઉં....કેમ, રીમોટની માફક રોજ સુતા તારા પગ દબાવી આપતો નથી?’’ સુલુને જોક કરવાની બહુ આદત. અફ કૉર્સ, કાયદો સાથ નથી આપતો, નહિ તો એ પગ શું કામ....સુભીનું ગળું ન દબાવે? એ કાયમ માનતો કે, દુનિયાભરના રીમોટ-કન્ટ્રોલ વાઇફોના ગળા દબાવવાથી ઑપરેટ થવા જોઇએ.

‘‘યૂ નૉટી....આઇ’લ કિલ યૂ...’’ ઘણી વાર મશ્કરીમાં ય હ્રદયની વાત હોઠો પર આવી જતી હોય છે.

અલબત્ત, હવે બન્ને મૂંઝાણા હતા. બન્ને આવડે એ મુજબ રીમોટ દબાવે જતા હતા. ઘણી વાર તો, લગ્ન વખતે બન્નેએ હાથ સાથે પકડ્યા હતા (જેને બેવકૂફીની ભાષામાં ‘હસ્તમેળાપ’ કહે છે), એમ રીમોટ સાથે પકડીને દબાવ્યું. મૅઇન-સ્વિચ પણ બરોબર હતી....કામમાં નિષ્ફળતા. સુભીએ ટટ્‌ટાર ઊભા થઇને રીમોટ ટીવીને અડાડી જોયું.

‘‘એ સુભલી.....ઓહ સિલી...! અરે, રીમોટ-કન્ટ્રોલમાં બૅટરીના સૅલ પૂરા થઇ ગયા હશે....લાય લાય, જોવા દે જરી!’’ સુબુએ થાઇલૅન્ડની ખાણ હોનારતમાંથી છોકરાઓને બહાર કાઢવાના હોય એમ રીમોટનું પાછલું બારણું ખોલીને સૅલ હળવેથી બહાર કાઢ્યા. મહીં કચરો બહુ ભરાયો હતો, જે એણે ફ્લૉરની કાર્પેટ પર લૂછ્‌યો, એ સુભીને ન ગમ્યું. થાઈલૅન્ડના છોકરાઓને તો ફરીથી મહીં નાંખવાના નહોતા. આણે સૅલ પાછા નાંખ્યા.

બહુ બટનો દબાવવાની આદતને કારણે સુબુ લિફ્ટ પાસે ઊભો હોય ત્યારે ય લિફ્ટના બટન ઉપર આંગળા ઘોંચ ઘોંચ કરે. આમ તો એને ય ખબર કે, બટન એક વાર દબાવો તો ય ચાલે. લિફ્ટ પાસે ઊભેલાઓને ઘણી વાર તો નવરા ઊભા ખાસ કાંઇ કરવાનું હોતું નથી એટલે, ‘આવો ત્યારે એકાદું બટન દબાવી લઇએ...’ એવા મનોરથ સાથે ઓરતા પૂરા કરે છે. ઘણીવાર કેવળ મઝા પડતી હોય માટે બટનો દબાવાય ને કેટલાક તો ત્યાં નવરા ઊભા ઊભા બીજું કરવું શું, એનો ખ્યાલ ન આવવાથી આવા વર્તનો ‘છડેલિફ્ટ’ કરે છે....(ઓહ....છડે ચોક!)

સુભી હવે કંટાળી હતી અને ચોક્કસ માનવા માંડી હતી કે, સુલીયાથી શેક્યું રીમોટે ય ભંગાવાનું નથી.....પાપડ તો બહુ દૂરની વાત છે.

....અચાનક એને પોતાની ભૂલ સમજાઇ કે, પાપડને બદલે ‘રીમોટ’ શબ્દ મૂકીને આવો મહાવરો ન મૂકાય. પાપડ શેકવાની ચીજ છે, રીમોટ નહિ. એ જ ઘડીએ તેને યાદ આવ્યું હતું કે, એની કોઇ સખીએ મોકલેલા વૉટ્‌સઍપમાં, રીમોટ ચાલતું ન હોય તો ગૅસ ચાલુ કરીને ઉપર ઉપરથી થોડું થોડું શેકો તો રીમોટ ચાલુ થઇ જશે. વરસાદની આ સીઝનમાં તો ભલભલું રીમોટ હવાઇ જાય, એને થોડું તપાવવું પડે, એવો મૅસેજ હતો.

આવો બેવકૂફીભર્યો આઇડિયો સાંભળીને સુબુ સખ્ત ખીજાયો અને ઘેર બેઠા રીમોટથી સુભીની સખીનું ગળું દબાવી દઇ શકાતું હોય તો દબાવી જ નાંખુ, એવો ગુસ્સો ચઢ્યો. પણ પેલી ય સખી તો સુભીની જ હતી ને? લાંબી કેટલી હોય, એમ માનીને સુબુએ પેલીને જીવતેજીવતા માફ કરી દીધી. હિંદુઓમાં દાટવાની પ્રથા નથી....!

હવે આ બન્ને મરણીયા થઇ ચૂક્યા હતા. રીમોટ વગર ટીવી પર ચૅનલો બદલતા કે અવાજ નાનોમોટો કરતા ન આવડે. એ લોકોએ ઈન્ટરનૅટ પર, બંધ રીમોટ ચાલુ કરવાના કોઇ ઉપાયો હોય તો શોધી જોયા. ટીવી લીધું હતું એ ડીલરને ફોન કરી જોયો. આપણા કરતા આજકાલના છોકરાઓ આવા ઈલૅક્ટ્રોનિક્સ મામલે વધુ સ્માર્ટ હોય છે, એમ સમજીને સોસાયટીના છોકરાઓને બોલાવી જોયા. એ લોકોએ પણ રીમોટ મચડે રાખ્યું.....કાંઇ કાંદા ય ના નીકળ્યા.

વાર્તા પૂરી કરવાની હતી, એટલે છેલ્લા અંકમાં ધૂળજી પ્રગટ થયો. એ આમ તો ઘરમાં આડુંઅવળું ક્યાંય જુએ નહિ, પણ આ બન્ને રીમોટ મચડતા જોઇને કાંઇ બોલ્યા વગર સામેના ટૅબલ પરથી ટીવીનું રીમોટ-કન્ટ્રોલ લઇ આવ્યો.....

આ લોકો ક્યારના મચડતા હતા, એ એ.સી.નું રીમોટ-કન્ટ્રોલ હતું.

---------