Atitna Padchhaya - 6 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | અતીતના પડછાયા - 6

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અતીતના પડછાયા - 6

અતીતના પડછાયા

વ્રજલાલ હિરજી જોષી

. કોણ હતી તે આત્મા કે પછી

તે રાત્રીના રાજ કમરા પર રાજ તથા કદમ બેઠા હતા. ડૉ. દેવાંગીને સમજાવીને ઉજ્જવલાની સાથે તેમના કમરામાં સુવડાવી દેવાઈ હતી. લગભગ કલાકના સમય પછી માંડ માંડ દેવાંગી સ્વસ્થ થઈ હતી. ત્યારબાદ કોઈ જ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

"કદમ આ ઝંઝટને તારે જ ખતમ કરવી પડશે, નહીંતર મારા ઘરના કોઈનો ભોગ લેવાઈ જશે... " ચિંતિત સ્વરે રાજ બોલ્યો.

કદમે સિગારેટ સળગાવી પછી બોલ્યો, "રાજ મેં મારા સરની પરમિશન લઈ લીધી છે. અહીંના ડી. વાય. એસ. પી. ને મળી પણ આવ્યો છું. "

"થેન્ક ગોડ... કદમ મારી અડધી ચિંતા દૂર થઈ ગઈ. "

" આમાં ચિંતા કરવા જેવું કંઈ જ નથી. પણ રાજ કોઈ એવી વ્યક્તિ છે જે તમારા ઘરના લોકોને ડરાવીને હેરાન કરવા માંગે છે. બાકી ભૂત, પ્રેત, ચુડેલ એ બધી વાતો નબળા લોકોને ડરાવવા માટે છે પણ હકીકતમાં આવી કોઈ જ વસ્તુ આ ધરતીના પર નથી. "

કદમે સિગારેટનો એક ઊંડો કશ ભર્યો.

" હવે રાજ તારે મને ડેડી, તારી મમ્મી અને આ ડૉ. દેવાંગી તથા અહીંના નોકરો તથા ચોકીદારો વિશે રજેરજની માહિતી આપવી પડશે. મારે સૌના અતીતમાં ડોકિયું કરવું પડશે. "

રાજે, કદમને તેની માતા તથા ડેડી વિશે તે જાણતો હતો, તે માહિતી જણાવી.

"રાજ, તું તારા ડેડી અને મમ્મીનો ભૂતકાળ જાણતો નથી, તારી પરમિશન હોય તો તેમને જ પૂછી લઉં. તેમના જીવનમાં કોઈ એવી ઘટના બની હોય, જે અતીતના પડછાયા બની તેમને સતાવતી હોય, રાજ... કંઈક તો એવું છે જે તને મળે તે સ્ત્રીની વાત સાંભળી તારા ડેડીને એટેક આવી ગયો અથવા તો તારી મમ્મીના જીવનમાં પણ એવી કોઈ વ્યક્તિ આવી હોય જેને તારા ડેડી ધિક્કારતા હોય. "

" કદમ... તું મારા મમ્મી અને ડેડીનું ઇન્સલ્ટ કરી રહ્યો છે... " રાજ ગુસ્સાથી તમતમી ગયો.

"ગુસ્સે ન થા રાજ... હર એક વ્યક્તિના ભૂતકાળમાં કંઈક એવું બનતું હોય છે જે તેને ભવિષ્યમાં સતાવે છે અને રાજ જો તારે તેમને સંકટમાં મૂકવા ન હોય અને બનતી ઘટનાના પડછાયાને દૂર કરવા હોય તો મારે તેમનું અતીત જાણવું જરૂરી છે. "

"ઠીક છે કદમ... તું મારી મમ્મી ને બધુ પૂછી લેજે. હું વાત કરી તેને જણાવી દઈશ, પણ ડેડીને હમણાં પરેશાન ન કરતો, " કહેતાં રાજે એક ઊંડો નિશ્વાસ નાખ્યો.

"રાજ... તારા ડેડી જ્યાં સુધી એકદમ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમને આપણે કંઈ જ પૂછવું નથી. પણ રાજ તમે લોકો આ દેવાંગીને કેવી રીતે ઓળખો છો. મને લાગી રહ્યું છે કે તું અને ડૉ. દેવાંગી એકબીજાની ઘણા નજીક આવી ગયા છો. "

" હા, કદમ હું ડૉ. દેવાંગીને દિલથી ચાહવા લાગ્યો છું અને મેં તેમની સામે લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. પણ કદમ... "

કદમ રાજ સામે તાકી રહ્યો.

" પણ શું રાજ... ?"

" ખેર... પહેલાં તને જણાવી દઉં કે અમે ડૉ. દેવાંગીથી થોડા સમય પહેલાં જ કોન્ટેક્ટમાં આવ્યા છીએ. એક વખત મારા ડેડીની તબિયત ખરાબ થઈ હતી, અમારા ફેમિલી ડૉ. સુમંત પટેલ અંજારમાંથી મહેસાણા શિફ્ટ થઈ ગયા હોવાથી અમે ડેડીને ડૉ. દેવાંગી પાસે લઈ ગયા. ડૉ. દેવાંગીની ટ્રીટમેન્ટથી તેઓ જલદી સાજા થઇ ગયા. પછી અમારી અવરજવર વધવા લાગી. મારી મમ્મી તેને બહુ પસંદ કરે છે. તેઓ બંને કલાકો સુધી અમારા ઘરે બેસી રહેતાં. ત્યારબાદ ડૉ. દેવાંગી અમારા ઘરની સભ્ય જેવી બની ગઈ. "કહેતાં રાજ ચૂપ થઈ ગયો.

"તો તારા આ "પણ" નો પ્રશ્નાર્થ શું છે... ?"

"કદમ ડૉ. દેવાંગી અહીં એકલી રહે છે. તેના માતા-પિતા હયાત નથી, તે અનાથ-આશ્રમમાં મોટી થઇ છે અને તે પોતાની મહેનત અને લગનથી ભણી એમ. ડી. ની ડિગ્રી લઈ બોમ્બેની સાયન હોસ્પિટલમાં નોકરી કરતી હતી. ત્યાં બધા તેને પૂછતા રહેતા કે તમે કોણ છો... ?તમારા માતા-પિતા કોણ છે... ?આ અતીતથી છુટવા માટે જ તે સારી નોકરી મૂકી કચ્છ આવી છે અને અંજારમાં પ્રેક્ટિસ કરે છે... "

"રાજ... તને એક વાત સમજાય છે... "

"કઈ વાત... ?"ચમકીને રાજ બોલ્યો.

"રાજ તને રાત્રીના મળેલ તે સ્ત્રીની વાત સાંભળી તારા ડેડીને હાર્ટ એટેક આવી ગયો અને આજ ડૉ. દેવાંગીએ જે સ્ત્રી જોઈ તે સ્ત્રી તેને બેટા કહીને બોલાવતી હતી અને તારા કહેવા મુજબ ડૉ. દેવાંગીએ તે સ્ત્રીનું કરેલું વર્ણન અને તને મળેલ તે સ્ત્રી જેવું જ હતું. "

કદમ ની વાત સાંભળી રાજ દંગ રહી ગયો.

આ વાતનો તો તેને ખ્યાલ પણ ન આવ્યો.

" રાજ ડૉ. દેવાંગીની સાથે લગ્ન કરવાની ઉતાવળ ન કરતો. હું કાલે જ દિલ્હી ફોન કરી મારી સાથે કામ કરતી તાનીયાને મુંબઈ મોકલાવી ડૉ. દેવાંગી વિશે બધી માહિતી મેળવું છું. "કહેતાં કદમ ઉભો થયો.

"રાજ... મને નીંદર આવે છે. તું પણ સુઈ જા અને ચિંતા ન કરતો. આજ કોઇ જ અનિચ્છનીય બનાવ નહીં બને. " કહી કદમ તેના કમરાની બહાર નીકળી ગયો. રાજ તેને જતો જોઈ રહ્યો.

@@@

ખુશનુમાભરી સવારનો ઠંડો મંદ મંદ વાતો પવન અને પ્રસન્ન સૂર્યનારાયણનાં વેરાતા કિરણોથી વાતાવરણ પુલકિત બની ગયું હતું.

ફાર્મ હાઉસની બહાર રોડની પેલે પાર ખેતરમાં કદમ એક બાવળના ઝાડ પાસે પડેલા પથ્થર પર બેઠો બેઠો સિગારેટ પી રહ્યો હતો.

સિગારેટનો છેલ્લો કશ ખેંચી અંગૂઠા અને આંગળીની મદદથી તેમણે સિગારેટનાં ઠૂંઠાંને "ઘા" કર્યો. પછી ખિસ્સામાંથી મોબાઈલ કાઢી તાનિયાને નંબર લગાવી સ્વીચ ઓન કરી.

હલ્લો... સામેથી રૂપાની ઘંટડી જેવો મીઠો તાનિયાનો અવાજ સંભળાયો.

"તાની... કેમ છો... ?

"હલ્લો કદમ કેમ છો... "

"બસ તને યાદ કરતો હતો. "

"જાને ધુતારા, તું અને મને યાદ કર... કેટલાય દિવસોથી ખોવાઈ ગયો છે. આજ ગરજ પડી હશે એટલે ફોન કર્યો. સાલ્લા તને ક્યારેય એમ થાય છે કે તને યાદ કરવાવાળાઓ તારો અવાજ સાંભળવા બેચેન થતા હશે... ?"

"તાની... મને ખબર છે કે તું મને આટલો બધો મીસ કરતી હોઈશ. "

"કદમ... તે ક્યારેય પ્રેમ કર્યો છે... ?તને દિલ - લાગણીનો અહેસાસ નથી એટલે આમ કહે છે. સોમદત્ત સર, પ્રલય, આદિત્ય દરરોજ તને યાદ કરે છે. પણ તને ક્યાં લાગણી જેવી વસ્તુઓની ખબર છે. "

"તાની... એવું ન બોલ... તાની, આ દુનિયામાં મારું તમારા સિવાય કોણ છે... ? બોલ તાની... ? છે... ? તાની ધરતીકંપમાં મારા મા, બહેન, ભાઈ દટાઈને મૃત્યુ પામ્યાં ત્યારે સોમદત્ત મારા બાપ બન્યા. તાની... પ્રલય અને આદિત્ય મને... મને... ભાઈનો પ્રેમ આપ્યો, અને તાની... તું મારા દિલમાં સમાઈ છો... તાની તને હું સાચા દિલથી પ્રેમ કરું છું... તમે સૌ મારું સર્વસ્વ છો, તાની... "કદમ ગળગળો થઈ ગયો તેની આંખોમાં આંસુ ધસી આવ્યાં.

"બસ, કદમ... તારા મોંમાંથી મારે આ જ શબ્દો સાંભળવા હતા. કદમ તું નથી તો અહીં દિલ્હીમા મારું મન લાગતું નથી. તારા વગર મન બેચેન થઇ જાય છે. કદમ... તું મને તારી સાથે કેમ નથી લઈ જતો... "

"તાની... આપણી જિંદગી જ એવી છે. "ડ્યુટી ઇઝ ડ્યુટી આપણા વિભાગમાં આપણી લાઈફ કરતા ડયુટીનું ઘણું મહત્વ છે. "

"સાચી વાત છે, કદમ... પણ અત્યારે તું ક્યાં છો... ?"

"અત્યારે હું અંજાર છું અને ભૂજ રોડ પર આવેલા એક ખેતરમાં બાવળના વૃક્ષના છાંયડામાં બેઠો છું. તાની... અહીં મારા મિત્ર રાજના પિતા હરિલાલ જેઓ મોટા ઉદ્યોગપતિ છે તેને એક વિચિત્ર પ્રોબ્લેમ ઊભો થયો છે... "કહેતાં કહેતાં બધી વિગત જણાવી પછી કહ્યું, "તાની તારે આજની ફ્લાઇટમાં મુંબઈ જવાનું છે. ત્યાં સાયન હોસ્પિટલમાં દેવાંગી ડૉક્ટર તરીકે ફરજ બજાવતી હતી, તેના વિશે બધી માહિતી એકઠી કરવાની છે અને તે ક્યાં અનાથાશ્રમમાં ઉછરીને મોટી થઈ છે, તે આશ્રમમાં કેવી રીતે આવી, તે બધી જ વિગત ખૂબ જ ચીવટ સાથે તારે જાણી લેવાની છે. તને સાયન હોસ્પિટલમાંથી તે આશ્રમનું સરનામું ચોક્કસ ડૉ. દેવાંગીની બાયોડેટામાંથી મળી જશે. પછી તારે ન્યૂ બોમ્બે (વાસી) જઈ હરિલાલ શેઠનો ભૂતકાળ અને તેમની પત્ની ઉજ્જવલાનો ભૂતકાળ ખોદી કાઢવાનો છે, ' બરાબર... !"

"ભલે હું આજે જ સોમદત્ત સર્ફની પરમિશન લઇને મુંબઇ જવા રવાના થઇ જઇશ. મેં પરમ દિવસના ટી. વી. ન્યૂઝમાં હરિલાલ શેઠ વિશે ઘણું સાંભળ્યું છે. આતેમને એટેક આવ્યો તેની મને ખબર હતી પણ આ તો ઘણી જ વિચિત્ર ઘટનાઓ બની રહી છે. ભલે કદમ... ફોન કરતો રહેજે. "

"ઓ. કે ... તાનિયા માય સ્વીટ હાર્ટ બાય... "

"બાય કદમ... સામેથી મોબાઇલમાં તાનિયાનો ' બાય કદમ ' નો અવાજ આવ્યા પછી મોબાઈલ ડિસ્કનેક્ટ થઈ ગયો. કદમે પોતાના મોબાઈલની કિસ કરી. "કોઈ આવી ગયું હશે એટલે તાનિયાએ જલદી વાત પૂરી કરી. "બબડતા મોબાઇલ ખિસ્સામાં નાખી ચાલતો થયો.

શહેરમાં ચક્કર લગાવી કદમ ફાર્મ હાઉસમાં પરત ફર્યો ત્યારે બપોરના બાર વાગી ગયા હતા. તે સીધો હરિલાલના રૂમ પર આવ્યો. ડૉ. દેવાંગી હરિલાલને ઇન્જેક્શન આપી રહી હતી અને ઉજ્જવલા હરિલાલ પાસે ખુરશી પર બેઠી હતી. હરિલાલ અત્યારે આનંદમાં જણાતો હતો. તેને બેઠા થવાની, વાતો કરવાની છૂટ મળી હતી એટલે તે હસતાં હસતાં કોઈ વાત કરી રહ્યો હતો.

" આવ બેટા... ક્યા ફરી આવ્યો... ?"કદમને જોઈ ઉજ્જ્વલા બોલી.

"આંટી અંજારમાં ચક્કર મારી આવ્યો. "કહેતાં કદમે હરિલાલ તરફ નજર ફેરવી, હલ્લો સર કેમ છો... ?" તે બોલ્યો.

"આવ બેટા... હું તો એકદમ મજામાં છું. જરૂર વગર તમે બધા વધુ ચિંતા કરી પરેશાન થાવ છો... "કહેતાં તે હસ્યો. ત્યાં પડેલા ટૂલ પર બેસતાં કદમે ડૉ. દેવાંગી તરફ નજર ફેરવી. ડૉ. દેવાંગી કોઈ ઇન્જેક્શન ભરી રહી હતી. ઇન્જેક્શન ભરી દેવાંગીએ તે ઇન્જેક્શન હરિલાલના બાવડા પર આપ્યું, આજ તે એકદમ ચૂપ રહીને પોતાનું કામ કરતી હતી, તેના ચહેરા પર પણ ફીકાશ વર્તાતી હતી.

"ઓ માં... "ઇન્જેક્શન લાગતાં હરિલાલને થોડી પીડા થતા તેણે ઊંહકારો ભર્યો. " પછી બોલ્યો, બીમાર દર્દીને સોયો ભોંકી ડોક્ટર વધુ હેરાન કરે છે... "કહેતાં તે હસી પડ્યો.

તેની વાત સાંભળી કદમના મનમાં કંઈક વિચાર આવ્યો અને તે એકદમ ચમકી ગયો પણ તેણે ચહેરા પર ભાવને આવવા ન દીધા.

"મેડમ... "

દેવાંગીએ પ્રશ્નાર્થભરી નજરે કદમ તરફ જોયું.

"મેડમ... તમે હરિલાલને શેઠને શાનાં ઇન્જેક્શન આપો છો... ? જલદી સાજા થઇ જાય તે માટેનાં કે પછી... "કદમે પોતાનું વાક્ય અધૂરું મૂકી દીધું અને ડૉ. દેવાંગીના ચહેરા સામે તાકી રહ્યો.

"મિ. કદમ ડોક્ટરોનું કામ પેશન્ટને જલ્દી સાજા કરવાનું અને તેમની તૂટતી વિખરાતી જિંદગીને જોડી ઊભા કરવાનું છે. "કડક નજરે તેની સામે જોતા ડૉ. દેવાંગી બોલી. તેને કદમના પ્રશ્નથી મજા નથી આવી અને તે ખિન્ન થઈ ગ્લાનિભર્યા ભાવ સાથે બોલી રહી છે તેવું કદમને લાગ્યું.

તેની વાત સાંભળી હરિલાલ ખડખડાટ હસી પડ્યો. પછી તે બોલ્યો, "બેટા, આ કદમ રાજનો જીગરી દોસ્ત છે, અને તેને આડું - ટેડું બોલી મજાક કરવાની ટેવ છે, તું ખોટું ન લગાડતી. બાકી બેટા દિલનો સાફ આદમી છે અને બેટા તેં તો મારી જિંદગી બચાવી છે. તું ન હોત તો હું આ દુનિયા છોડીને જઈ ચુક્યો હોત. "

ડૉ. દેવાંગી પણ હસી પડી.

"સર, હું પણ મજાક કરું છું. મને જરાય ખોટું નથી લાગ્યું કહેતાં, તેમણે ટીપોઈ પર પડેલ બે જાતની ટેબલેટ ઉઠાવી હરિલાલની આપી .

"હવે આવી કડવી દવાઓ તમે પેશન્ટને આપતા રહો તો પેશન્ટના સગા કંઇક તો બોલવાના જ છે ને... "હસતાં કદમ બોલ્યો.

તે જ વખતે કોફી આવી. સૌ વાતો કરતા કોફી પીવા લાગ્યા. અડધો કલાકનો સમય પસાર થઈ ગયો. ત્યારબાદ ડૉ. દેવાંગી ઊભી થઈ. "મમ્મી હવે હું ક્લિનિક પર જાઉં છું. પેશન્ટને ચેક કરીને બે વાગ્યા સુધી પરત આવી જઈશ. "

" ભલે બેટા... જઈ આવ જલ્દી આવજે. તારા આવ્યા પછી સૌ સાથે ભોજન લઈશું... "કહેતાં ઉજજવલા ડૉ. દેવાંગીને બહાર સુધી મુકવા જવા માટે ઊભી થઈ. બહાર જતા ડૉ. દેવાંગી અને ઉજ્જવલાને કદમ તાકી રહ્યો.

તેઓએના ગયા બાદ પરત કદમે પોતાનો ડાબો પગ ટિપોય તરફ લંબાવ્યો, ત્યારબાદ તેનો પગ ટિપોયના પાયામાં ભરાઈ ગયો.

"સર... આપ આરામ કરો. હું થોડીવાર રાજ પાસે ફેક્ટરી પર જઇ આવું... " કહેતાં કદમ ઊભો થયો, તેના ઉભા થતાં જ 'કડાક'ના અવાજ સાથે ટીપોય ઊથલી પડી. આ તેના પગની કરામત હતી.

"અરે... અરે... શું થયું... ?"બેઠા થવાની કોશિશ કરતાં હરિલાલ બોલ્યા.

"સર... આપ... આપ... સુતા રહો કંઈ નથી થયું, મારો પગ લાગવાથી ટિપોય ઉથલી પડી છે. આ બે કપ તૂટી પડ્યા... "

" વાંધો નહિ બેટા... ખીમજીને બોલાવ તે સાફ કરી લેશે. "

" ના... સર... આટલું કામ તો હું કરી લઈશ. "કહેતાં કદમ નીચે બેસી ગયો અને કાચના ટુકડા ઉપાડવા લાગ્યો.

કાચના ટુકડા ઉપાડી કદમે બાજુમાં પડેલ કચરાની ટોપલીમાં નાખ્યા. કચરાની ટોપલીમાં નાખતાં - નાખતાં તેના હાથે કરામત કરી અને પકડવાના હેન્ડલ તથા હરિલાલને આપેલ ઇન્જેક્શનની ખાલી સિરિંજ તથા ટેબલેટના રેપર તેના કોટના ખિસ્સામાં આવી ગયાં. ત્યારબાદ બાકીના કાચના ટુકડા કચરાપેટીમાં પધરાવી તેણે ટિપોયને સીધી કરી.

"સર... હું થોડીવાર પછી એટલે કે બે વાગ્યા સુધી આવી જઈશ. "કહેતાં કદમ હરિલાલના કમરામાંથી બહાર નીકળી ગયો.

થોડા સમય પછી તેની ગાડી (જે અવરજવર કરવા માટે રાજે તેને આપી હતી) પૂરપાટ વેગે અંજાર શહેર તરફ દોડતી હતી. તે થોડી જ વારમાં અંજાર પહોંચી ગયો. પછી સીધો ડી. વાય. એસ. પી. સાહેબ ની ઓફિસમાં ગયો. સાહેબ સાથે વાત કરી તરત તે કાચના કપના હેન્ડલ તથા ખાલી સિરીંજ જેમાં ખુબ ઓછી માત્રામાં હરિલાલને આપેલ ઇન્જેક્શનનું પ્રવાહી હતું. તે ઉપરાંત ગોળીના ખાલી રેપર સાહેબને અલગ-અલગ કાગળોની થેલીમાં પેક કરી આપી દીધા. કાચના ટુકડા ફિંગરની પ્રિન્ટ માટે તથા ઇન્જેક્શનનું પ્રવાહી ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે તથા ગોળીના રેપર સરકારી મેડિકલ ઓફિસર પાસે તપાસ કરવા માટે મોકલવાના હતા. ડી. વાય. એસ. પી સાહેબે ત્રણે વસ્ત ના અલગ અલગ પાર્સલ બનાવી જુદી જુદી જગ્યાએ મોકલવા માટે રવાના કરી દીધા. સાહેબનો આભાર માની કદમ તેની ઓફિસમાંથી બહાર નીકળ્યો. ત્યારબાદ તેની ગાડી રાજની ફેક્ટરી પર જવા માટે દોડી રહી હતી

આજ રાજ ઘણો જ અપસેટ હતો.

સવારના તેમણે તેની મમ્મી પાસે પોતે ડૉ. દેવાંગીને પસંદ કરે છે અને તેની સાથે લગ્ન કરવા ઇચ્છે છે તે પ્રસ્તાવ મૂક્યો હતો.

"રાજ... ડૉ. દેવાંગીના માતા - પિતા નથી તેની તને ખબર છે... ?"

"હા, મમ્મી, તો તેનાથી શું થયું, તું તો તેને દીકરી માનસને .. ?"

"બેટા, તે અનાથ છે. અનાથાશ્રમમાં ઉછરીને મોટી થઈ છે. તેનાં માતા-પિતા કોણ છે... કઈ જ્ઞાતિનાં છે. તે આપણને ખબર નથી તેનું ખાનદાન... "

"મા... મારે તો ડૉ. દેવાંગી સાથે મતલબ છે. તે કોણ છે. તેના માતા-પિતા કોણ છે... તે ક્યાં ખાનદાનમાં જન્મી છે. તે મારે નથી જોવું... "તેની વાત કાપતાં ઉતાવળે રાજ બોલ્યો.

" ના... બેટા, તું ભારતના મોટા ઉદ્યોગપતિ હરિલાલનો દીકરો છો. અમારે સમાજને... લોકોને શું જવાબ આપવો. તારા લગ્ન નક્કી થશે કે તરત મીડિયાવાળા પ્રશ્નોનો મારો ચલાવશે, અમારે તેને શું જવાબ આપવો. ડૉ. દેવાંગીએ તારા ડેડીની ખરા દિલથી ટ્રીટમેન્ટ કરી છે... તે સારી છે. આપણા સાથે ઘરની સભ્ય બનીને રહે તેમાં મને વાંધો નથી. પણઆ તેની સાથે તારા લગ્ન કરવા માટે આપણે તેનું ખાનદાન ચોક્કસ જોવું પડે... "

"તો શું મારે ડૉ. દેવાંગી વિષે વિચારવાનું બંધ કરવું પડશે... ? તેને મેં લગ્ન કરવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. તેણે મને સહમતી આપી છે. હવે હું સામેથી તેને કહી દઉં કે મારે તારી સાથે લગ્ન નથી કરવા, મા એ શક્ય નહીં બને તમે વિચારી લેજો. "

"બેટા, તારા ડેડી બીમાર છે. તેને સાજા થઈ જવા દે. પછી આપણે બેસીને વાત કરશું. "

"ભલે મમ્મી, હું વાટ જોઈશ, પણ એટલું નક્કી રાખજે કે મેં ડૉ. દેવાંગીને લગ્નનો પ્રસ્તાવ મુકી દીધો છે. તેમણે સંમતિ આપતા આજ કરી હતી પણ મેં તેમને કહ્યું હતું કે મારે તો તારાથી મતલબ છે. બસ, મા હું લગ્ન કરીશ તો દેવાંગી સાથે નહિતર મારે લગ્ન નથી કરવાં. ડૉ. દેવાંગી સિવાયની બધી જ છોકરીઓ આ ભવ માટે તો મારી બહેનો જ છે. "કહેતાં રાજ કમરામાંથી બહાર નીકળી ગયો.

ઉજ્જવલા તેને જતો જોઈ જ રહી.

@@@

ગાઢ છવાયેલા અંધકારમાં કાળાં વસ્ત્રો પહેરીને કદમ તે વેરાન હવેલીની સામે ઊભો - ઊભો સિગારેટ પી રહ્યો હતો અને હવેલીનું નિરીક્ષણ કરી રહ્યો હતો. ફૂંકાતા પવનના સૂસવાટાના અવાજ સિવાય એકદમ સન્નાટો પથરાયેલો હતો.

વેરાન અને ખંડેર બનેલી હવેલીમાં કોઈ રહેતું હોય તે વાત કદમના મગજમાં ઉતરતી ન હતી. રાજે કહેલી વાતો સાંભળી તેમણે હવેલી ચેક કરવાનું નક્કી કર્યું હતું અને એટલા માટે તે રાત્રીના તે અહીં આવ્યો હતો. ટન... ટન... ટન... વેરાનીની ચૂપકીને તોડતાં ફાર્મ હાઉસ સ્થિત ટાવરમાં ડંકા જોર જોરથી વાગી ઉઠ્યા. અત્યારે બાર વાગ્યાનો સમય હતો.

સિગારેટનો છેલ્લો દમ ભરી કદમે સિગારેટને "ઘા" કરી પછી પોતાના કોટના ગજવામાં પડેલ રિવોલ્વર હાથ ફેરવી બીજા ગજવામાં પડેલી માઇક્રો ટોર્ચ બહાર કાઢી હાથમાં લીધી.

કાળાં વસ્ત્રોમાં સજ્જ હોવાથી તે વાતાવરણના ગાઢ અંધકારમાં ઓગળી જતો હતો. ધીમે-ધીમે દબાતે પગલે તે હવેલી આવેલી તરફ આગળ વધ્યો.

ભલભલાની છાતીનાં પાટિયાં બેસી જાય એવું ભયાનક ડરામણું વાતાવરણ હતું. તમારાંના અવાજો દિમાગને કોરી ખાતા હતા.

કદમ મક્કમ પગલે ઉગેલ બાવળની જાળીમાં માર્ગ કરતો આગળ વધતો હતો.

"સ.. રરર... સરર... ઝાડીમાં અચાનક સરસરાટીના અવાજથી તે ચમકી ગયો.

"કાંઈક તો છે... બબડતો તેમણે હાથમાંથી માઈક્રો ટોર્ચ ચાલુ કરી. ટોર્ચના પ્રકાશને ઝાડીમાં ચારે તરફ ફેરવી.

એક શિયાળ દોડતું ભાગતું તેની નજરે ચડ્યું. "છટ"તે બબડ્યો. તરત તેણે ટોર્ચ બંધ કરી ફરીથી આગળ વધ્યો.

હવેલીના લાકડાના તોતિંગ દરવાજા પાસે આવીને ઊભો રહ્યો. ત્યારબાદ એક હાથેથી જોર કરી દરવાજાની નાની ડેલીને ધક્કો માર્યો.

"ચિઈઈઈ... ના અવાજ સાથે ડેલી ખુલી ગઈ. બે-ત્રણ ક્ષણ માટે તે ત્યાં જ ઉભા રહી ડેલી ખોલવાથી શું પ્રક્રિયા થાય છે તે જોવા લાગ્યો. કોઈ પ્રતિસાદ ન મળ્યો. પછી તે જરાય અવાજ ન થાય તેનો ખ્યાલ રાખતો ડોક નીચી નમાવી ડેલીની અંદર પ્રવેશી ગયો.

હવેલીના પ્રાંગણમાં કાળઝાળ અંધકાર ફેલાયેલો હતો. પોતાના હાથને હાથ ન મળે તેવું ભયાનક અંધકાર અને પોતાના શ્વાસનો અવાજ પોતાને સંભળાય તેવી ચૂપકીદી.

વેરાન, જર્જરિત પુરાણી હવેલીમાં રાત્રીના ગાઢ અંધકારમાં પોતે એકલો ઊભો છે. તે વાત દિમાગમાં આવતાં કદમને રોમાંચનો અનુભવ થયો.

તેણે ફરીથી માઈક્રોટોર્ચ ચાલુ કરે પછી થોડા આગળ વધીને હવેલીની ઈમારત પર પ્રકાશ ફેરવતા જોવા લાગ્યો.

હવેલીના પ્રાંગણમાં ઘૂંટણ - ઘૂંટણ સુધીનું જંગલી ઘાસ ફૂટી નીકળ્યું હતું.

હવેલીના કાંગરા ખરી પડ્યા હતા. તે ભુકરિયા પથ્થરની બનેલી હતી. કેટલીયે જગ્યાએ દીવાલોમાં તિરાડો પડી ગઇ હતી અને તે તિરાડોમાં અમુક જગ્યાએ પીપળાનાં ઝાડ ફૂટી નીકળ્યા હતા. ટોર્ચનો પ્રકાશ ફરતો ફરતો હવેલીના ઝરૂખા તરફ ગયો. તે સાથે કદમની દ્રષ્ટિ પણ ટોર્ચના પ્રકાશ સાથે ફરતી હતી. ઝરૂખા પર નજર પડતા ક્ષણ માટે કદમ હેબતાઈ ગયો. તેના હાથમાંથી ટોર્ચ પડતાં - પડતાં રહી ગઈ.

જંગલમાં બનેલી હવેલી જે વર્ષોથી ખંડેર બની ગઈ હતી. જેમાં લાઇટની વ્યવસ્થા પણ ન હતી. તેવા સ્થળે રાત્રીના ગાઢ અંધકારમાં તે હવેલીના ઝરૂખામાં એક સ્ત્રી ઊભી હતી. સફેદ કપડાં, ખુલ્લા વાળ તે ગાઢ અંધકારમાં પડછાયા જેવી લાગતી હતી. તેના ખુલ્લા વાળથી તેનો અર્ધો ચહેરો ઢંકાયેલો હતો.

ટોર્ચનો પ્રકાશ તેના પર પડતાં જાણે એકાએક ઝબકી ગઈ હોય, તેવી રીતે તે સ્ત્રીએ અચાનક નજર ફેરવી પછી કદમ સામે જોયું.

કદમનાં રૂંવાટા ઉભા થઇ ગયાં.

" બાપ રે... આ... આ... આંખો છે કે અંગારા, કદમ બબડ્યો, પછી તેની સામે જોવા લાગ્યો. 'ખરેખર દૂધ જેવી રૂપાળી છે. ' કહેતાં તે હસ્યો. રૂપાળા સફેદ ચહેરા પર તેની અંગારા જેવી ચમકતી આંખો તેને રાસ ન આવી.

અચાનક તે સ્ત્રી કદમની સામે જોઇને હસી.

"ક... કોણ... છો... ? કોણ છે તું... ? બોલ... " ચીસભર્યા અવાજ કદમ બોલ્યો.

તે સ્ત્રી એકદમ સ્થિર બનીને તેની સામે જોતા ઉભી રહી, ન તે હાલી ન તેણે કોઈ પ્રતિસાદ આપ્યો.

"સાલ્લી... વંતરી... ત્યાં જ ઊભી રે જે... આજ તારા બધા જ નાટકો ખતમ કરી નાખીશ... "કહેતાં કદમ હવેલીની અંદરની તરફ જવા માટે દોડયો.

હવેલીના દરવાજા પર દાદા આદમના વખતનું મોટું તાળું લટકતું હતું. એકદમ ઝડપથી રિવોલ્વર બહાર કાઢી પછી તાળાના નકુચાનું નિશાન લઇ ગોળી છોડી. એક મોટો ધડાકો થયો અને તાળું તૂટીને લટકી પડ્યું. કદમ દરવાજાના આગરીયાને ખોલી દરવાજાને ખભા વડે ધક્કો આપી ઝડપથી અંદર ઘુસી ગયો. ખોફભર્યા વાતાવરણમાં તે ટોર્ચનો આછો પ્રકાશ રેલાવતો હવેલીના દીવાનખંડમાં ઊભો હતો.

"કોઈ છે... ?"કદમે જોરથી રાડ નાખી.

તેના અવાજના પડઘા પડ્યા પછી ફરીથી સન્નાટો છવાઈ ગયો. "જે હોય તે મારી સામે આવો. "તે ચિલ્લાયો.

૧૦૬-૧૨૦

શાંતિ એકદમ શાંતિ અને પછી...

શાંત વાતાવરણમાં અચાનક કોઈના હસવાનો અવાજ સંભળાયો. કદમના શરીરમાં ઝણઝણાટી પ્રસરી ગઈ. તે આવા જ કોઈ રોમાંચની રાહ જોઈ રહ્યો હતો.

હસવાનો અવાજ બંધ થયો. ફરીથી શાંતિ છવાઈ ગઈ.

કદમ ટોર્ચનો પ્રકાશ ચારે તરફ ઘુમાવ્યો. ક્યાંય કંઈ જ દેખાતું ન હતું. ખંડ એકદમ મોટો હતો. તેમાં લાકડાનું બનેલું જૂનું ફર્નિચર બનેલું હતું. તેના પર ધૂળનાં થર અને કરોળિયાનાં જાળા બાઝેલાં હતા.

અચાનક કોઈ ઝાંઝર પહેરીને ચાલતું હોય તેમ છમ... છમ... છમ... નો અવાજ વાતાવરણમાં ગુંજવા લાગ્યો.

તે અવાજ ઉપર જતી સીડી તરફથી આવતો હતો.

કદમ સીડી તરફ દોડ્યો.

લગાતાર આવતો છમ... છમ... છમ... નો અવાજ એકદમ બંધ થઈ ગયો અને ફરીથી ખોફનાક સન્નાટો છવાઈ ગયો.

કદમે ટોર્ચનોઆછો પ્રકાશ સીડીના ઉપરની તરફ ફેંક્યો, પણ ત્યાં કોઈ જ ન હતું. સીડી ગોળ વળાંક લઇ આગળ વધતી હોવાથી ટોર્ચનો પ્રકાશ આગળ વધી અટકી ગયો.

ટપ... ટપ... ટપ... એકાએક ફરીથી સીડીના વળાંક પર કોઈના ચાલવાનો અવાજ આવવા લાગ્યો.

તે અવાજ કોઈ પુરુષનો છે તેવું અનુમાન કદમે કર્યું. અવાજ ધીમો હતો. સૂનકારભર્યા વાતાવરણમાં તે વિસ્ફોટ જેવો લાગતો હતો.

દાંત કચકચાવી કદમ સીડી પર દોડતો વળાંક પાસે પહોંચ્યો, ત્યાંથી આગળ તેણે ટોર્ચનો પ્રકાશ ફેંક્યો.

ક્યાંય કોઈ નજર આવતું ન હતું.

તે આગળ વધ્યો અને વળાંક વટાવી ઉપરના માળ પર પહોંચો.

ઉપર સીડી પૂરી થતી હતી ત્યાં લોબીબનેલી હતી. લોબીના છેવાડે એક ઓરડો તેને દેખાયો.

તે ઝડપથી ઓરડા તરફ દોડ્યો.

ઓરડા પાસે આવી તેણે દરવાજાને જોરથી લાત મારી ' ધડામ ' અવાજ સાથે દરવાજો ખુલી ગયો.

દરવાજો ખૂલતા જ.

ફરર... ના અવાજ સાથે અચાનક કેટલાય ચામાચીડિયા તેના માથા પરથી પસાર થઈ ગયાં.

ક્ષણ માટે તો તે હેબતાઈ ગયો, પણ પછી હાથને ઉંચો કરી હલાવતો તે ઓરડામાં પ્રવેશ્યો.

ઓરડામાં ભેંકાર સન્નાટો છવાયેલો હતો.

કદમે ટોર્ચના પ્રકાશમાં ચારેતરફ નિરીક્ષણ કર્યું.

ઓરડામાં વચ્ચે ઢોલીયો (પલંગ) મુકેલો હતો. જે રાજાશાહીમાં વપરાતો તેના પર મખમલ મઢેલ એક મોટો ગાદલો બિછાવેલ હતો. પણ તેના પર એટલી બધી ધૂળ બાઝી ગઈ હતી કે તેનો કલર પણ દેખાતો ન હતો. રૂમમાં ચારે તરફ કરોળિયાનાં જાળા બાઝેલાં હતાં અને પક્ષીઓની ભઠ્ઠની દુર્ગંધ ફેલાયેલી હતી.

કદમે ટોર્ચને નીચે કરીને ફર્શ તરફ નજર કરી પણ ત્યાં કોઈ જ પગલાંના નિશાન ન હતાં. ફર્શ પર એટલી ધૂળ બાઝેલી હતી કે જો કોઈ ઓરડામાં આવ્યું હોય તો તેના પગલાનાં ચોક્કસ નિશાન પડ્યા હોય. કદમ ને લાગ્યું કે વર્ષોથી આ કમરામાં કોઈ જ આવ્યું નહીં હોય.

વિચારતાં-વિચારતાં તે કમરામાંથી બહાર લોબીમાં આવ્યો.

ટોર્ચના પ્રકાશમાં લોબીનું નિરીક્ષણ કર્યું. લોબીના પણ કમરા જેવા જ હાલ હતા.

નીચેથી ઉપરના માળ પર તે જે સીડી પર થઈને આવ્યો હતો, તે સીડી લોબીના ખૂણામાં થઈને ઉપર જતી હતી.

તે ઝડપથી તે તરફ લપક્યો અને સીડીનાં પગથિયાં ચડી ઉપરના ભાગ દોડ્યો.

સીડી જ્યાં પૂરી થતી હતી ત્યાં અચાનક તેના પગ પર એકદમ બ્રેક લાગી ગઈ. સીડીના એન્ડ પાસે આવેલ ખૂણાની ઉપર બળતા પ્રાઈમસના ફંડાડા જેવો અવાજ સાંભળીને એકદમ ચમકી ગયો.

અવાજ તથા માથાની ઉપરની તરફ આવતો હતો.

કદમે ટોર્ચ ઘુમાવી પછી ડોકને ઉંચી કરી તે તરફ નજર ફેરવી.

તે ભયના કારણે ધ્રૂજી ઊઠ્યો.

તેનાથી બે ડગલા દૂર ઉપરે લાકડાની તૂટેલી આડી પરથી મોટો કાળોતરો નાગ નીચેની તરફ લટકતો હતો અને તેને ડંખવા ની તૈયારી કરતો હતો.

કદમ ઝડપથી નીચે બેસી ગયો અને ઝડપથી રિવોલ્વર ખેંચી કાઢી ટોર્ચના આછા પ્રકાશમાં તેણે નાગનું નિશાન લઇ ફાયર કર્યો. "ધડામ" વાતાવરણના સન્નાટાને ચીરતો અવાજ ગુંજી ઉઠ્યો. જોરદાર ધડાકાથી હવેલી ધ્રુજી ઉઠી હોય તેવો કદમને ભાસ થયો.

ગોળી વાગવાથી નાગની ફેણ છુંદાઈ જતાં તે ધડાક કરતો નીચે ફર્શ પર પટકાયો.

ગળામાં અટકેલ થૂંક ગળતો કદમ ઊભો થયો.

અચાનક તેની ટોર્ચમાં કંઇક ખટકો થયો અથવા ટોર્ચના સેલ પુરા થયા.

ટોર્ચનો રેલાતો પ્રકાશ એકદમ બંધ થઈ ગયો.

ભેંકાર સન્નાટા સાથે ખોફનાક અંધકાર ચારે તરફ ફરી વળ્યો.

અને પછી...

એકાએક કદમને અનુભવ થયો કે તેની બાજુમાં કોઈક ઉભું છે અને એકદમ હાંફી રહ્યું હોય તેવો શ્વાસ લેવાનો અવાજ સંભળાવા લાગ્યો.

એ ક્ષણ માટે કદમનાં રૂંવાટા ઉભા થઇ ગયાં. ઉકળાટ સાથે દહેશતથી તેના ચહેરા પર પરસેવો બાઝી ગયો.

બે-ચાર કરો એમ ને એમ વીતી ગઈ.

અચાનક દૂર-દૂરથી કૂતરાઓેની ઓનાયુના ભય ભર્યા અવાજ સંભળાવા લાગ્યા. જાણે કેટલાંય કૂતરાઓએ એકસાથે પ્રેત કે ચુડેલ જોઈ હોય અને બીકથી રડી રહ્યાં હોય તેવું બિહામણું વાતાવરણ લાગી રહ્યું હતું.

હવે શ્વાસોશ્વાસનો અવાજ એકદમ નજીક સંભળાતો હતો.

બીક દહેશત અને ભયનો પહેલીવાર કદમને અનુભવ થયો.

કદમના બદલે બીજો કોઈ હોય તો અત્યાર સુધી બીકથી બેભાન થઈ ઢળી પડ્યો હોત. પણ કદમ તો ભારતીય જાસૂસ સંસ્થાનો એજન્ટ હતો. છતાં પણ બીક એવી વસ્તુ છે કે વધુ નહીં તો થોડી દિલ પર અસર તો ચોક્કસ કરે છે. મોતનો ભય વધુ કે થોડો સૌના દિલમાં હોય જ.

"હે જગત જનની માં ભવાની. "માતાનું સ્મરણ કરતાં કદમે પોતાના મનને મક્કમ કર્યું. તેનાં જડબાં એકદમ ભીંસાઈ ગયાં. તેના પર એક ઝનુન સવાર થઇ ગયું.

"જે હોય તે સામે આવો... આમ છુપાઈને શું નાટક કરશ... આવ... સામે આવ... "કદમે જોરથી ત્રાડ નાખી.

તેની ત્રાડના પડઘા ગુંજી ઊઠ્યા.

પછી ફરીથી ખોફભર્યો સન્નાટો છવાઈ ગયો.

કોઈ હાંફતું હોય તેવો આવતો અવાજ પણ બંધ થઈ ગયો.

કદમ બંને હાથને ચારે તરફ ઘુમાવતો આગળ વધ્યો. સીડી પૂરી કરીને બીજા માળ પર આવ્યો.

તે એક મોટો હોલ હતો અને આગળની તરફ અર્ધ રાઉન્ડ આકારમાં ઝરૂખો બનેલો હતો. જ્યાં કદમે નીચેથી કોઈ સફેદ વસ્ત્ર પહેરેલી સ્ત્રીને ઊભેલી જોઈ હતી.

પણ અત્યારે ત્યાં કોઈ જ ન હતું.

કદમ દોડીને શરૂ કરવામાં આવ્યો અને ઝરૂખાની રેલિંગ પકડીને ઊભો રહ્યો.

બહારથી આવતો ઠંડો પવન તેના શરીરને સ્પર્શતાં આહલાદક ઠંડક આપવા લાગ્યો. છવાયેલી ચીર ખામોશીમાં હાંફતો કદમ કેટલીય વાર સુધી ઝરૂખામાં ઊભો રહ્યો. ત્યાં તેના સિવાય કોઈ જ ન હતું. ફક્ત હવાના સૂસવાટાનો અવાજ ગુંજતો હતો. લગભગ પંદરથી વીસ મિનિટ કદમ ઝરૂખામાં ઊભો રહ્યો, પછી તે નીચે ઉતરવા લાગ્યો. ગાઢ અંધકારમાં હતી સીડી ઊતરી નીચેના દીવાનખંડમાં આવ્યો , પછી ઝડપથી હવેલીની બહાર નીકળી ગયો.

તેની પાછળ બે ખોફભરી આંખો તેને જતો જોઈ રહી.

લગભગ અડધા કલાકમાં તે રાજના ફાર્મહાઉસ પર પહોંચી આવ્યો. પછી ચૂપચાપ તે પોતાના કમરા પર ઘૂસી ગયો. ઝડપથી તેણે વસ્ત્રો કાઢી નાખી સ્નાન કર્યું. વસ્ત્રો બદલાવી તે બાથરૂમમાંથી બહાર આવ્યો. ત્યાં પડેલી ચેર પર બેસી તેણે સિગારેટ સળગાવી ત્યારબાદ રિમોટથી એ. સી. ચાલુ કર્યું.

સિગારેટનો ઊંડો દમ ભરી તે કેસ વિશે વિચારવા લાગ્યો. ખરેખર, વિચિત્ર કેસ હતો. તેની લાઇફમાં ક્યારેય આવો કિસ્સો તેની સામે આવ્યો ન હતો.

તે સ્ત્રી કોણ હતી જેણે રાત્રીના રાજની ગાડીમાં લિફ્ટ માંગી તે ખંડેર જેવી હવેલીમાં ગઈ હતી. જે હવે એટલી ખરાબ પરિસ્થિતિમાં હતી કે ત્યાં રહેવાનું કોઈ પણ માણસ વિચારી ન શકે. છતાં તે સ્ત્રી હવેલી પર ગઈ. બીજા દિવસે રાજે તેના ડેડીને વાત કરી તો વાત સાંભળીને હરિલાલ શેઠને એટેક આવી ગયો.

તે વાતનો તાગ લેવા રાજ હવેલી પર ગયો, તો હવેલી પર તે સ્ત્રીને બદલે સ્ત્રીના જણાવ્યા પ્રમાણે તે હવેલી પર ચોકી કરતા તેના પિતા સાથે મુલાકાત થઈ, તે સ્ત્રીના પિતાના જણાવ્યા પ્રમાણે તે સ્ત્રી એટલે કે તેની પુત્રી, જેનું નામ રૂપા હતું તે વર્ષો પહેલા મૃત્યુ પામી હતી.

અને પછીના દિવસોમાં ડૉ. દેવાંગીને ફાર્મ હાઉસ પર તે સ્ત્રીએ દેખા દીધી.

અને ત્યાર બાદ પોતાને આજ તે ખંડેર હવેલી પર થયેલ વિચિત્ર અનુભવ... કદમ કેટલીય વાર સુધી કેસનો તાળો મેળવવાની કોશિશ કરતો રહ્યો.

છેવટે તેણે સિગારેટ એશટ્રેમાં હોલવી પછી તે પલંગ પર લેટી ગયો. થોડી વારમાં જ તેને ઊંઘ આવી ગઈ.

" વાચકમિત્રો... સમજ્યા તમે કાંઈ... ?"

"કેમ ન સમજ્યા... !"

"અરે કદમ જેવો જાંબાઝ ચાલક ' રો ' નો ખતરનાક એજન્ટ પણ આ કેસમાં ગૂંચવાઇ ગયો છે, તો... તો આપણને તો સાલુ આ બધું ક્યાંથી સમજાય... છતાં કદમ કરતા તમે વધુ જાણો છો... કેમ બરાબરને... ?હા... હું હરિલાલના ભૂતકાળની બનેલી ઘટના વિશે તમને કહું છું. જે ઘટના વિષે કદમ અજાણ છે, પણ તમે... તમે તો ચોક્કસ જાણો છો અને હા... અપરાધી હર એક પાના પર તમારી સામે ફરી રહ્યો છે. માત્ર તેને ઓળખવા માટે તીવ્ર બુદ્ધિ ધરાવતું દિમાગ હોવું જોઈએ. મિત્રો આજ તો ઇન્ટરનેટનો જમાનો છે. હરેક માણસનું દિમાગ એકદમ થઈ ગયું છે. ચાલો ઝડપથી તમારા દિમાગને કામે લગાડી દ્યો.

***