Chintanni Pale - Season - 3 - 26 in Gujarati Motivational Stories by Krishnkant Unadkat books and stories PDF | ચિંતનની પળે - સીઝન - 3 - 26

Featured Books
Categories
Share

ચિંતનની પળે - સીઝન - 3 - 26

ચિંતનની પળે

કૃષ્ણકાંત ઉનડકટ

  • 26 - જિંદગી એટલે શું? રોમાંચ અને રોમાન્સ
  • ચારે તરફથી જ્યારે નિરાધાર હોય છે, માણસ એ વખતે સાચો કલાકાર હોય છે,

    દીવાનગીની વાતને સમજી શકે ન જે, મારી સમજ મુજબ એ સમજદાર હોય છે

    ઓજસ પાલનપુરી

    પૃથ્વી પર અવતરતું દરેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે ઈશ્વરે હજુ માણસજાત ઉપરથી શ્રદ્ધા ગુમાવી નથી. છતાં માણસ પોતાની જાત, કાયનાત અને કુદરત પરથી શ્રદ્ધા કેમ ગુમાવી દે છે? માણસ પ્રકૃતિનો એક ઉમદા અંશ છે. કુદરતની રચના વિસ્મયકારક છે. પૃથ્વી, આકાશ, ગ્રહો, સૂર્ય, ચંદ્ર, તારા, ઝરણાં, નદી, દરિયો, પર્વત, જંગલ, રણ, ટાઢ, તડકો, વરસાદ, ફળ, ફૂલ, રંગ, અસંખ્ય જીવો અને માણસ. લાંબો વિચાર કરો તો એવું લાગે કે કુદરતે કોઈ કમી નથી રાખી, છતાં પણ માણસ કેમ સતત અભાવમાં જ જીવે છે?

    હમણાં એક મિત્રનો એસએમએસ આવ્યો. તેમાં લખ્યું હતું કે આ દુનિયામાં સૌથી વધુ ખોટું બોલાતું વાક્ય કયું છે? તેનો જવાબ હતો, હું મજામાં છું! તમે પણ આવું અસંખ્ય વાર બોલ્યા હશો. આવું બોલીને તમે ક્યારેય વિચાર કર્યો છે કે હું ખરેખર મજામાં છું? મજામાં નથી તો શા માટે નથી? ત્રીજો સવાલ એ કે મજામાં રહેતા કોણ રોકે છે? મજામાં રહેવું એ માણસનો અબાધિત અધિકાર છે. પણ કેટલા લોકો આ અધિકાર ભોગવી શકે છે? મોટા ભાગે માણસની માનસિકતા જ એને મજામાં રહેવા દેતી નથી. આશ્ચર્યની વાત એ જ છે કે માણસ હંમેશાં પોતાની સમસ્યા, પોતાનાં દુઃખ અને પોતે મજામાં રહી શકતો ન હોવા પાછળ બીજાને જ દોષ દે છે! બધાને તરત જ કોઈના તરફ આંગળી ચીંધી દેવી છે. આપણી પાસે કારણ હોય છે પણ મારણ હોતું નથી.

    વિશ્વમાં જેટલા સજીવ છે તેમાં માણસ સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. તમને ક્યારેય એવો વિચાર આવે છે કે કુદરતે માત્ર માણસને જ શા માટે બુદ્ધિ અને વિચારવાની શક્તિ આપી? ઈશ્વરનો આશય બૂરો ન હોય. તેનો ઇરાદો કદાચ એવો જ હશે કે માણસ બીજા જીવો કરતાં વધુ સારી રીતે જીવે. માણસ પોતાનું સારું-નરસું વિચારે. સુખ અને દુઃખને સમજે. સારું અપનાવે અને નરસું ત્યજે. પણ માણસ આવું કરે છે? આપણે કાયમ મજામાં રહેવું હોય છે. છતાં આપણે કેમ મજામાં નથી રહી શકતા?

    માણસના અંગૂઠાની છાપ એકસરખી નથી હોતી. એ જ બતાવે છે કે માણસ એકબીજાની કાર્બન કોપી નથી હોતા. અંગૂઠાની છાપની જેમ માણસનાં મગજ પણ એકસરખાં નથી હોતાં. આપણે બધાં જ એકબીજા કરતાં જુદં અને મોટા ભાગે ઊંધું વિચારીએ છીએ. તમે બીજા જીવોનું નિરીક્ષણ કરજો. મોટા ભાગે બધાં એકસરખું કરતાં હશે, એકસરખી રીતે જ જીવતાં હશે. માણસ જ જુદી જુદી રીતે જીવે છે. કયો માણસ ક્યારે શું કરશે એ કળી શકાતું નથી. આપણાં બધાનાં મગજમાં કોઈ ને કોઈ રમત ચાલતી હોય છે અને બધાંને પોતાની રમતમાં જીતવું જ હોય છે! આપણું મન એ સોગઠાં ગોઠવવાનું મશીન નથી. છતાં આપણે ચાલ રમતા રહીએ છીએ. થાપ આપવાનો મોકો શોધતા રહીએ છીએ અને થાપ ખાતા રહીએ છીએ.

    માણસની જિંદગી રમત રમવા માટે નથી. દરેક ક્ષણ ઉમદા રીતે જીવવા માટે છે. માણસ પ્રકૃતિના અનુપમ સૌંદર્યનો જ એક હિસ્સો છે. તમે છો તો પ્રકૃતિ છે. તમે છો તો સૌંદર્ય છે. આપણે આપણામાં કુદરતે રોપેલી સુંદરતાને કેટલા અંશે જીવીએ છીએ? કુદરતની દરેક રચનાને આપણે માણીએ છીએ. સુંદર દૃશ્ય જોઈને આપણા મોઢામાંથીવાહ’ શબ્દ સરી પડે છે. આપણું એવું કયું વર્તન છે કે બીજા માણસના મોઢામાંથી આપણા માટેવાહ’ શબ્દ સરી પડે.

    સંસ્કૃતમાં એક વાક્ય છે. યથા પિંડે તથા બ્રહ્માંડે. જે શરીરમાં છે એ જ બ્રહ્માંડમાં છે, એ જ પ્રકૃતિના કણેકણમાં છે. એક સંતે કહ્યું કે, આપણું શરીર પંચમહાભૂતમાંથી બનેલું છે. બ્રહ્માંડનાં પાંચ તત્ત્વોથી આપણું શરીર બનેલું છે, એટલે જ આપણે પ્રકૃતિના એક હિસ્સા જેવા છીએ. આપણા શરીરમાં ૭૦ ટકા પાણી છે. આ વાત સાંભળીને એક શિષ્યે સંતને પૂછયું, આપણા શરીરમાં ૭૦ ટકા પાણી છે તો પછી આપણને કોઈ ઘા લાગે ત્યારે લોહી કેમ નીકળે છે, પાણી કેમ નીકળતું નથી?

    સંત હસવા લાગ્યા. તેણે કહ્યું કે, પાણીનો સંબંધ સંવેદના સાથે છે અને કોણે કહ્યું કે ઘા વાગે ત્યારે પાણી નથી નીકળતું? દિલ દુભાય ત્યારે આંખમાંથી જે સરી પડે છે એ શું છે? ઘા લાગે ત્યારે પાણી નથી નીકળતું, પણ રડીએ ત્યારે આંખમાંથી લોહી પણ નથી નીકળતું. એ જ વસ્તુ બતાવે છે કે પ્રકૃતિનો દિલ સાથે સંબંધ છે, વિચારો સાથે સંબંધ છે, વર્તન સાથે સંબંધ છે. તમે કેવા છો એ તમારા લોહી પરથી નહીં પણ તમારા દિલ પરથી ઓળખાય છે.

    વિજ્ઞાન ખૂબ આગળ વધી ગયું છે. લોહીના કણેકણનુંં પૃથક્કરણ કરી નાખે છે. છતાં લોહી વિશે એક વાત કોઈ વિજ્ઞાન કરી શકતું નથી. એવી કઈ લેબોરેટરી છે જે કહી આપે કે આ લોહી કોનું છે. આ લોહી કોઈ સંતનું છે કે શેતાનનું? સારા માણસનું છે કે ખરાબ માણસનું? અને વિજ્ઞાન તો એ પણ નથી કહી શકતું કે લોહી સ્ત્રીનું છે કે પુરુષનું! સરવાળે માણસની સંવેદના જ તેનું મુખ્ય તત્ત્વ છે. તમે તમારી સંવેદનાને ઓળખો છો? માણસ વેદનાને જ પંપાળે રાખે છે. તમારામાં ધબકતી પ્રકૃતિને તમે કેટલી જીવો છો?

    માણસની જિંદગીનાં સૌથી મોટાં બે તત્ત્વો અને તથ્યો કયાં છે? રોમાંચ અને રોમાન્સ. આ બે વસ્તુ જ્યાં સુધી આપણામાં જીવતી છે ત્યાં સુધી જિંદગી છે. એ બે વસ્તુ ખતમ થઈ જાય તો માણસ માત્ર શ્વાસ લેતો હોય છે, જીવતો હોતો નથી. નાના બાળકની આંખમાં રોમાંચ હોય છે. આંખનું મટકું માર્યા વગર એ કોઈ વસ્તુ જોયા રાખે છે. તેની આંખમાં કુતૂહલતા હન્ડ્રેડ પર્સન્ટ હોય છે. મોટા થતાં જઈએ એમ એ રોમાંચ ક્યાં ચાલ્યો જાય છે? રોમાંચ એટલે રોમેરોમમાં જિંદગી. આપણા આખા શરીરમાં લોહી ફરે છે પણ જિંદગી ફરતી નથી.

    પ્રકૃતિની કોઈ પણ રચના જુઓ. એમાં કેવી હળવાશ છે? દરેક કણમાં એક ‘રિધમ’ છે, એક ‘સિમ્ફની’ છે. આપણે એ જોઈએ તો ટાઢક થાય છે. એવા કેટલા લોકો હોય છે જેને જોઈને આપણને ટાઢક થાય? આપણે કુદરતની રચના છીએ તો કેમ ટાઢક નથી થતી? તેનું સૌથી મોટું કારણ એ છે કે આપણે કુદરતની આ રચના એટલે કે આપણી જાતને જ પ્રદૂષિત કરી નાખી છે. વાતાવરણના પોલ્યુશનની આપણે જેટલી ચિંતા કરીએ એટલી ચિંતા આપણા વ્યક્તિત્વના પોલ્યુશનની કરીએ છીએ? આખી દુનિયાના લોકોમાં ઉચાટ અને ઉશ્કેરાટ છે, આ કયા પ્રકારનું ‘ગ્લોબલ ર્વોમિંગ’ છે? આ ઉકળાટ આપણને સતત બાળતો રહે છે.

    તમારે તમારી જિંદગી, તમારા દિલ અને તમારા વ્યક્તિત્વને આ પ્રદૂષણથી દૂર રાખવું હોય તો જિંદગીને હળવી રાખો, મનને મુક્ત રાખો. આપણા વિચારો પર કેટલાં બધાં પડ જામી ગયાં છે? આપણે જડ જેવા થઈ ગયા છીએ. કોઈ જ બાંધછોડ નહીં, કોઈ જ સમાધાન નથી, હું કરું એ જ સાચું, હું કરું એ જ સત્ય. કોઈની વાત આપણને અસર ન કરે એટલું પ્રદૂષણ થઈ જાય એ પહેલાં સંવેદનાને થોડીક ઢંઢોળવાની જરૂર લાગે છે.

    રોમાંચ અને રોમાન્સને તમારામાં જીવતો રાખો. પ્રેમ હોય ત્યારે જે રોમાંચ અને રોમાન્સ હોય છે એ થોડાં જ સમયમાં ક્યાં અલોપ થઈ જાય છે? લગ્નને સમજીએ એ પહેલાં આપણે છૂટાછેડાને સમજવા કેમ મથવા લાગીએ છીએ. આપણે લગ્ન તો સારી રીતે કદાચ કરી લેતા હોઈશું પણ છૂટાછેડા ક્યાં સારી રીતે લઈ શકીએ છીએ? સતત કડવાશ, નારાજગી અને ગુસ્સો આપણને શાંતિથી જીવવા નથી દેતો.

    જિંદગીને આપણે જ ગંભીર અને ભારે બનાવી દઈએ છીએ અને પછી એ ભારનો બોજ આપણે જ સહન નથી કરી શકતા. જિંદગી ગભરાઈ જાય એટલી તીવ્રતાથી આપણે તેને પકડી રાખીએ છીએ. જિંદગીને તમારી માન્યતાઓ, તમારી જીદ અને ‘હું’થી જરાક મુક્ત કરો. પ્રકૃતિના એક અંશની જેમ જીવો. બગીચામાં કોઈ ફૂલને રડતું કે ઝઘડતું જોયું છે? કોઈ ફૂલે કાંટા સામે ફરિયાદ કરી છે? એ તો એના ‘રોમાંચ’ અને ‘રોમાન્સ’માં જીવે છે. આપણે એવું કરીએ છીએ ખરાં?

    છેલ્લો સીન

    માણસ કેવો ગજબનો છે? એને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે પણ પોતાના અભિમાનનું જ્ઞાન હોતું નથી!

  • - કેયુ
  • ***