ક્રિષ્ના એની મમ્મીની પ્રેમકહાની સાંભળીને અચંબિત થઈ ગઈ હતી. હજી થોડા વખત પહેલાં જ એના પપ્પાએ એને કહેલું કે, એમણે એની મમ્મીની સાદગી જોઈને એને પસંદ કરેલી! એ દિવસની મમ્મીની સાદગીનું રહસ્ય આજે ખુલ્યું હતું. જો એ દિવસે મમ્મી બની ઠનીને આવી હોત, પપ્પા સાથે વધારે ચર્ચા કરી હોત તો પપ્પાએ એને ‘ના ’ જ કહી હોત! તો શું આ બધું નિયતિએ પહેલાથી જ ગોઠવી રાખ્યું હતું જે પણ થાય છે, જે પણ થવાનું છે એ બધું જ જો પહેલાથી નક્કી જ હોય તો પછી આપણા કર્મનું મૂલ્ય શું કે પછી નિયતિ જ આપણાં કર્મ પણ નિશ્ચિત કરે છે એવા સંજોગ ઊભા કરે કે આપણે એનું ધારેલું જ કરવું પડે. મારી કિસ્મતમાં કોનો સાથ લખ્યો હશે, મુરલીનો કે પાર્થનો?
મમ્મીનો પ્રેમ ખરેખર તો પ્રેમ હતો જ નહીં. યુવાવસ્થામાં એના જીવનમાં આવેલો એ પહેલો પુરૂષ હતો જે એને ગમ્યો હતો. એને એકજાતનું આકર્ષણ કહી શકાય, જે દરેકને એની યુવાનીમાં પગ મૂકતાંની સાથે થતું હોય છે! પાછળથી એના જીવનમાં પપ્પા આવ્યા અને એને પપ્પા સાથે પ્રેમ થઈ ગયો. પેલો ભુલાઈ ગયો. આસાનીથી. પણ, પોતાના જીવનમાં એવું નથી. એના જીવનમાં ઘણા પુરુષો આવ્યા અને ગયા. ટીવી સ્ટારથી લઈને ફિલ્મી સિતારા સુંધી કંઈ કેટલાયે એને એની ઉંમરના પ્રમાણે જે તે સમયે ગમી ગયેલા પણ એ પ્રેમ ન હતો! છેલ્લે પાર્થ સાથેનો એનો સબંધ એ પણ પ્રેમ તો નહતો જ! જો મુરલી એના જીવનમાં ના આવ્યો હોત તો, તો ચોક્કસ એ પાર્થને જ પોતાનો પ્રેમ સમજીને આખી જિંદગી એની સાથે ખૂશી ખુશી ગુજારી દેત! પણ નિયતિને એ મંજૂર ન હતું. એણે જ તો આ બધું ગોઠવ્યું, કેટલી લાંબી ચાલ ચાલી એને મુરલી સાથે મેળવવાં! ક્યાં અમદાવાદના એક ખૂણામાં રહેતી પોતે અને ક્યાં બેંગલોર રહેતો મુરલી! હા, આ બઘું નિયતિનું જ ગોઠવેલું છે. એણે જે નક્કી કર્યું છે તેજ થવાનું હોય તો પછી હું શું કરવા આટલી દુઃખી થઉ છું......!! પપ્પાને અચાનક બિમાર પાડી દેવા પાછળ એનું શું કારણ હસે કોણ આ નિયતિને ઉકેલી શકે કોઈ છે જે નિયતિને પૂરું સમજ્યો હોય અને મને પણ સમજાવી શકે?
રાતના દસ વાગ્યા હશે. ક્રિષ્ના એના ઘરે બહાર રાખેલા જુલા પર બેસી મોબાઈલ પર મુરલીનું ફેસબુક એકાઉન્ટ ખોલી જોઈ રહી હતી. ઘણા ફેક આઇડી વાળાય એના મિત્રો હતા. કેટકેટલી શાયરી અને જોકસથી એની ફેસબુક દીવાલ ભરાયેલી હતી. ક્યાંક ક્યાંક નોનવેજ જોક્સ અને હિરોઇનના પિકચર જોઈને એને ગુસ્સો પણ આવ્યો અને હસવું પણ આવી ગયું! એના મમ્મી પપ્પા એમના રૂમમાં હતાં. થોડો થોડો વરસાદ ચાલું થયેલો. એના ઘરનો દરવાજો ખોલીને કોઈ અંદર પ્રવેશ્યું. અંધારામાં આવનારની ઓળખ ના થઈ શકી. ક્રિષ્ના ઊભી થઈ અને ઓટલાની ધાર પર આવીને ઊભી રહી. ત્યાંથી અંદર આવનાર વ્યક્તિને એ જોઈ રહી. એક વીજળી ચમકી ગઈ આકાશમાં અને બીજી ક્રિષ્નાના મનમાં! આવનાર વ્યક્તિ મુરલી હતો, વીજળીના ચમકારામાં ક્રિષ્ના એને ઓળખી ગઈ......અડધો ભીંજાયેલો એ એનું માથું હલાવી, વાળમાં ભરાયેલું પાણી ઉડાડતો હતો. દરવાજો બંધ કરી એ અંધારામાં રસ્તો બરોબર જોતો આગળ વધતો હતો. હજી એને ઓટલા પર ઊભેલી ક્રિષ્ના દેખાઈ ન હતી.
ક્રિષ્નાનું મન એકસાથે ખુશ પણ થઈ રહ્યું, ઉદાસ પણ! એકબાજુ એને થયું કે આગળ વધે અને એના પ્રેમને એની બાહોમાં ભરી લે.... એની છાતીમાં માથું ઢાળીને મન ભરીલે રડી લે! પણ, હાયરે આ જમાનો! આ સમાજ! ખોટાં ખોટાં સંસ્કાર અને છોકરીઓને પગમાં નાનપણથી જ પહેરાવી દેવાતી અદ્રશ્ય બેડીઓ.... જે એને એના સંવેગો જાહેરમાં દર્શાવવાની પરવાનગી નથી આપતી! ક્રિષ્ના રડમસ ચહેરે ઊભેલી જ રહી ગઈ અને મુરલી છેક એની પાસે આવીને ખડો રહી ગયો......!
ક્રિષ્નાની સમજમાં નથી આવતું કે મુરલી સાથે એણે કેવી રીતે વર્તવું! એકબાજુ દિલ અને બીજી બાજુ દિમાગ, બંને વચ્ચે પીસાતી ક્રિષ્ના ચૂપચાપ સ્તબ્ધ બનીને ઊભી હોય છે...
“તેરે દર પર સનમ...ચલે આયે..., તુના આયાતો હમ, ચલે આયે.....! ચલે આયે.. ચલે આયે! !”
મુરલીએ ક્રિષ્નાને પૂતળાની જેમ સ્તબ્ધ ઊભેલી જોતા જ ગીત ગાવાનું શરુ કર્યું. એ છેક પાસે આવી ગયો ત્યારે ક્રિષ્નાએ પોતાના હોઠ પર આંગળી મૂકીને એને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. મુરલી ચૂપ થઈ ગયો. એ એક કૂદકો મારી ઓટલા પર ચડી ગયો અને ક્રિષ્નાની સામે ઊભો રહી ગયો.
“તું અહીંયાં શું કરે છે, કેવી રીતે આવ્યો, શું કરવા આવ્યો?”ક્રિષ્ના કોઈ સાંભળી ના જાય એટલા ધીમા અવાજે બોલી.
“અરે! કોઈ ઘરે આવેલા મહેમાનને આવી રીતે આવકારે? ના હાય ના હેલ્લો ને સીધું બાય! તું મારા ઘરે ચોરોની જેમ ઘૂસી ગયેલી તોય મેં તારું સ્વાગત કેવી રીતે કરેલું, ભૂલી ગઈ?”
“યાદ છે હોં પણ હું એવું સ્વાગત નહિ કરું!” ક્રિષ્નાએ એની સામે જીભડી કાઢી અંગૂઠો બતાવ્યો.
“સાડા આઠ વાગ્યાનો રિક્ષામાં રખડું છું ત્યારે હવે મેડમનું ઘર મળ્યું. થાકીને ઠૂસ થઈ ગયો. જરીવાર બેસવા મળશે કે ચાલતો થાઉં?” મુરલીએ હીંચકા પર બેસતાં કહ્યું.
ક્રિષ્નાને હવે પોતાના વર્તન માટે શરમ આવી. એ પણ હીંચકા પર બેસી. “જમવાનું બાકી છે?”
“હા, પણ થોડો નાસ્તો કરેલો પ્લેનમાં. ઓલી એરહોસ્ટેસ એટલો આગ્રહ કરતી હતી કે કરવો જ પડ્યો. આમેય રૂપાળી છોકરીઓને ના કહેતા મારો જીવ નથી ચાલતો." મુરલી જરા હસીને કહ્યું.
“સરસ! એટલે મારે હવે સાહેબને માટે જમવાની વ્યવસ્થા નહિ કરવી પડે." ક્રિષ્નાએ હસીને કહ્યું.
“તું એકલી અહીં બેઠી બેઠી શું કરતી હતી તારા દિલમાંથી અવાજ આવેલો કે હું આવવાનો છું, તું મારી રાહ જોતી હતી?” મુરલીએ એનો હાથ ક્રિષ્નાના ખભા પર મૂક્યો.
“તારી રાહ નહતી જોતી પણ, તારી જાસૂસી કરતી હતી,”
ક્રિષ્નાએ એનો મોબાઈલ ઓન કરી મુરલીને દેખાય એ રીતે પકડી કહ્યું, “ફેસબુક પર!”
“ઓહ! તે શું નવું ખોળી કાઢ્યું મારા વિષે?”
“આ તારી પ્રોફાઇલ છે કે શું છે કોઈ તારા વિશે કેવું ધારે?”
“કેવું ધારે?” મુરલી હસી પડ્યો. “ચલ કોઈને જવા દે તે શું ધાર્યું એ કહે. ”
“સાવ લબાડ છે તું!" ક્રિષ્ના પણ હસી પડી. “કોઈ પણ તારી વૉલ પરના મેસેજીસ વાંચીને હસી હસીને ગાંડું થઈ જાય."
“તે છોને કોઈ બિચારું રાજી થતું.”
“આ તારા દોસ્તોના નામ જ જોઇલે. મોટાભાગના ફેક આઈડી છે! નટખટ વાંદરું, હસાવવાનું મસીન, હવાઈ આદમી, બાબા આયા, ડ્રીમ ગર્લ આવા આવા તો દોસ્તોના નામ! નકલી બધા. એમના ફોટાય નકલી! આને જ જોને ભારત ભારત નામ રાખ્યું છે અને પ્રોફાઈલમાં બે માથા, બે હાથમાં લઈને ઊભો છે. એક હસતું અને એક રડતું! એજ બતાવે છે એ માણસ જ કેવો હશે!”
“એ માણસ બહુ સારો છે. એતો મારો જીગરી ભરતો છે! કોઈના પ્રોફાઈલ પિક પરથી એ માણસ કેવો છે એનો અંદાજો ના લગાવાય. આ જેટલા લોકો પ્રોફાઈલમાં ભગવાનના કે નાના બાળકોના ફોટા રાખે છે એ બધા શું સારા જ હશે આ નટખટ વાંદરું જ જોઈ લે એની પોસ્ટ તો જાણકારીના ખજાના જેવી હોય છે.”
“તો પછી એમના સાચા આઇડી વાપરતા શું જોર પડે છે મારું કે પાર્થનું ફ્રેન્ડ લીસ્ટ જોઇસને તો એકેય આવો નમૂનો જોવા નહીં મળે. પાર્થના પણ બોવ બધા દોસ્ત છે, બધા એકદમ વ્યવસ્થિત, જો નિમિષ અંબાસાના, ધર્મેશ પટેલ, પ્રજ્ઞેશ, કેતુલ અને આ ભરત ઠાકોરને તો હું હમણાં જ મળી હતી, એના લિસ્ટમાં નમૂના જેવું એકે નામ નહી મળે.”
“તમે બે જ મોટા નમૂના છો. ”
“શું કહ્યું?”
“કંઈ નહીં...."
“જુઠ્ઠા!”
“હું કોઈ દિવસ જુઠ્ઠું નથી બોલતો...એ બધું તારું જ કામ છે!”
વાતોમાં ને વાતોમાં સમય ક્યાં પસાર થઈ ગયો બંનેમાંથી એકને પણ જાણ ના થઈ...મોબાઈલમાં નજર જતાં ખબર પડી કે રાતના, એટલે કે સવારના પોણા ચાર વાગી ગયા હતા. બંને જણાં અંદર ગયા. મુરલી બેઠક રૂમમાં જ સોફા પર આડો પડ્યો અને ક્રિષ્ના પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ......
સવારે જશોદાબેને બેઠક રૂમમાં મુરલીને સૂતો જોયો. પહેલાતો એમને થયું કે ઘરમાં ચોર ગુસ્યો, એ બૂમ પાડવા જ જતા હતા પણ, પછી વિચાર આવ્યો કે ચોર હોય તો અહીંયા ઊંઘી થોડો જાય! એમણે ક્રિષ્નાના રૂમમાં જઈને એને જગાડી.
“બહાર સોફા પર કોઈ ઊંઘી રહ્યું છે!”
એમણે એકદમ ધીરા અવાજે કહ્યું હતું છતાં ક્રિષ્ના ચમકી ગઈ...