જો આપણે એવું ઈચ્છતા હોય કે આપણને બધા સમજે તો પહેલાં આપણે એમને સમજવા પડશે અને એમને બોલવા દેવું પડશે.આપણે તો કાયમ એવું જ ઇચ્છીએ છીએ કે આપણને જ બધા સાંભળે અને સમજે તો આપણે પણ ક્યારેક સામેવાળાને બોલવાની તક આપવી પડશે અને સમજવા પડશે.કાયમ આપણે જ સાચા છીએ, આપણને જ બધું ખબર છે એવું માનતા હોઈએ તો એ મિથ્યાભિમાન છે.વાસ્તવિક્તા એ છે કે દરેક પાસે એમના અનુભવો પ્રમાણેનુ જ્ઞાન હોય છે અને દરેક પાસેથી જ્ઞાન લેવા જેવું હોય છે પણ આપણે તો આપણા જ અભિપ્રાયો થોપીએ છીએ બીજા પર તો એ પણ ક્યારેક એના અભિપ્રાયો થોપશે ને આપણી પર? માટે જ કોઈ પર આપણા મત ન થોપીએ અને એમને એમના મતાનુસાર જીવવા દઇએ અને એમની જાતે જ જીવનના દરેક અનુભવો પ્રાપ્ત કરવા દઈએ.
આપણી અંદર ક્યારેક ઘણી બધી વાતો ધરપાયેલી જ રહે છે કારણ કે આપણને કોઈ એવું નથી મળતુ જે સમજી શકે અને એ ધરપાયેલી વાતો ક્યારેય ડુમા તરીકે પરિણમતી હોય છે અને જ્યારે એ વાતો કોઈ સમક્ષ રજૂ થઈ જાય તો એ દિવસે એક અલગ જ પ્રકારની હળવાશ અનુભવાતી હોય છે.ભલે દરેક જણ પોતાની જિંદગીને અલગ રીતે જોતી હોય પણ બધાને એમની વાતો વ્યક્ત કરવાની ઇચ્છા થતી જ હોય છે અને ક્યારેક એને ઘણી વાતોથી મૂંઝારો પણ થતો હશે પણ એને કોઈ સમજે તો એ કોઇને કંઇ કહે ને.એ એની વાતો વ્યક્ત કરે અને જો કોઈ એને નહીં સમજે તે ડરથી એ વ્યક્ત નથી કરતી હોતી માટે ક્યારેક આપણે ચૂપ રહીને એને બોલવાનો લ્હાવો આપીએ.આપણે ચૅટ કરવાવાળા તો શોધી લીધા છે પણ રડવા માટે આપણે ખભો ખોઈ દીધો છે.આ આધુનિક જમાનામાં જો આપણને રડવું આવતું હોય તો અંતે તો આપણે ઓશિકાનો સહારો લેતા હોઈએ છીએ.આખરે ક્યાં સુધી આપણે સોશ્યલ મીડિયાના દંભી આવરણમા લપટાતા રહીશું? આપણે સોશ્યલ મીડિયા પર આપણી ભાવનાઓ પૉસ્ટ કરવાની જરૂર એટલે પડે છે કારણ કે આપણે સામ-સામે બેસીને વાતો કરવાનું ભૂલી ગયા છીએ અને હવે તો એવું પણ થતું હશે કે કોઈ આપણી પાસે બેઠું હશે તો વાત કરવા માટે કોઈ વિષય જ નહીં હોય.એ વડીલને પણ ગળે ડુમા ભરાતા હશે જ્યારે એમના સંતાનો વ્યસ્ત છું એમ બહાના કાઢીને એમની જોડે વાતો નહીં કરતા હોય ત્યારે અને છેવટે એ જ સંતાનો કોઈ અજાણી વ્યક્તિ સાથે શબ્દોની આપ-લે કરતા હોય છે.આ કંઈ ખોટું નથી પણ જ્યારે આપણને પણ કોઈ સાંભળી શકે એવા વ્યક્તિની જરૂર પડે છે તો એ વડીલને પણ એવી જ વ્યક્તિની જરૂર પડે ને!એ વડીલ પાસે કોઈ એવી વ્યક્તિ ન હોય તો થોડોક સમય કાઢીને આપણે જ એમની વાતો સાંભળી લઇએ અને આપણે એટલા પણ વ્યસ્ત નથી હોતા કે આપણે કોઈ વડીલની વાતો ન સાંભળીએ.જેમ આપણે નાના બાળકોની હરકતો નાદાની સમજીને ચલાવી લઇએ છીએ તો શું એ વડીલ જોડે એવું ન કરી શકીએ આપણે??આના પર વિચારવા જેવું ખરું!! ભલે આ વ્યંગ છે કે પહેલાંના સમયમાં કવિઓ એટલા માટે થઈ ગયા કારણ કે એમને સાભળવાવાળુ અંગત રીતે કોઈ નહોતું અને આપણા જેવા શ્રોતાઓ જ એમને સાંભળીને ફૅન થતાં હોઈએ છીએ.જો આપણે કોઈ કવિ અથવા વક્તાને સાંભળી શકતા હોઈએ તો શું આપણે આજુબાજુના લોકોને ન સાંભળી શકીએ??
On This Note: ચાલ શોધીએ એવું જણ જેની સાથે સકારાત્મક ઊર્જા અનુભવાય,
ચાલ શોધીએ એવું જણ ,જે સમજી શકે આપણી ભાવનાઓને!!