marubhumi ni mahobbat - 6 in Gujarati Love Stories by Shailesh Panchal books and stories PDF | મરુભૂમીની મહોબ્બત - 6

Featured Books
Categories
Share

મરુભૂમીની મહોબ્બત - 6

@@@@@ ભાગ : 6 @@@@@

હું નર્સરી ની બહાર નીકળ્યો ત્યારે એ જ આગ ઓકતી ગરમી શરૂ થઈ હતી. સાચું કહું તો મે છેલ્લા કેટલાક વર્ષો અમનચમન મા વીતાવ્યા હતાં. મારો ઉછેર રણપ્રદેશ મા થયો છે અને મે ગ્રેજયુએશન પણ રાધનપુર કોલેજ થી કર્યું હતું.. એટલે, રણ તો મારા અસ્તિત્વ સાથે જોડાઈ ગયું હતું. આમ છતાં, મારે હાયર એજયુકેશન માટે અમદાવાદ જવુ પડેલું અને ત્યાં થી ક્રાઈમ બ્રાન્ચ ની સ્પેશિયલ એકઝામ અને ટ્રેનીંગ માટે દિલ્હી.... એટલે, રણ છૂટી ગયું હતું અને હું અલગ જ પરિવેશમાં વિચરતો થયો.એટલે જ આ ગરમી મને દઝાડી રહી હતી. મારા હાથરુમાલ વડે હું વારંવાર પસીનો સાફ કરતો કરતો બસસ્ટેન્ડ ભણી ચાલી રહ્યો હતો.

એપ્રિલ મે ની લાવારસ ઓકતી આ ધરતીમાં બપોરે બાર વાગ્યા પછી જે ઘરની બહાર નીકળે એને વીરચક્ર મળવું જોઈએ.

શરીર નો જે ભાગ કપડાં થી ઢંકાયેલ ન હોય એ ભાગ ઉપર કોઈએ સળગતા અંગારા પાથરી દીધાં હોય એવો અહેસાસ થતો.

મને તો એમ પણ લાગ્યું કે આટલી ખુલ્લી સરહદ હોવા છતાં અહીં આતંકવાદ નું પ્રમાણ શૂન્ય હોવાનું એક કારણ અહીની આગભરી ભૂમી પણ હશે..? આ થોડું કાશ્મીર હતું કે અહીં થોડાં સફરજન ના બગીચાઓ હતાં..? અહીં જીવન સ્વયં એક અગ્નિપથ જ બની રહે.

અહીં ની પ્રજા રુક્ષ ,થોડી કઠોર અને થોડી માયાળુ.. તેઓ સદીઓથી આ મરુભૂમી ને ચીપકી રહ્યા છે. પુષ્કળ ઓપ્શન હોવા છતાં તેઓ સ્થળાંતર નથી કરતાં.. કેમ કે તેઓ આ મરુભૂમી ને મહોબ્બત કરે છે.

અને, મને પણ મરુભૂમી મા મહોબ્બત મળી હતી... એક અનન્ય રુપયૌવના.... જેણે છેલ્લા બે દિવસ મા સ્મિત ના સમગ્ર અસ્તિત્વ ઉપર શાસન કર્યું હતું.

આખાય ગામમાં એ જ સ્મશાનવત શાંતિ પથરાયેલ હતી.. ગરમી થી બચવા માણસ તો શું.. પશુપંખીઓ પણ સલામત સ્થળ ની તલાશ કરતાં હતાં.અહીની ધરતીમાં જીવન ગુજારવા માટે છપ્પન ઈચ ની છાતી જોઈએ.

નિમ્બલા ગામ આમ તો બાળમેર ના બીજાં ગામડાની માફક સતત રેતની ચાદર ઓઢીને સૂતું હોય એવું જ જણાતું હતું. ધૂળ ની ઉડતી ડમરીઓ વડે એ પણ રેગીસ્તાન મા ગુમ થઇ જતું અને આપણી આખોને અજીબ શી ભ્રમણા કરાવતું... આ તો થઈ એની બાહ્ય બાબત..

હકીકતમાં આ ગામ ભારેલા અગ્નિ હેઠળ જીવતું હતું..1971 ના યુદ્ધ મા પાકિસ્તાન થી આવેલ સોઢા દરબારો નો અહીં કસ્બો હતો. સોઢાઓ ખૂબ જ ઝનુની હતાં. ગામલોકો એ એમની વસાહત ગામથી એક કિલોમીટર જેટલી દુર રાખી હતી. જેથી, તેઓનો વહીવટ ગામ સાથે કપાઈ ગયો હતો. ખાલી પ્રસંગોપાત તેઓ મા આપ લે થતી. સોઢાઓ ના કસ્બા મા આવવાની હિંમત કોઈ ન કરતું.

નર્સરી એમનાં કસ્બા થી નજીક હતી અને ગામ થી દુર... નર્સરી થી નીકળીએ તો સૌથી પહેલાં સોઢા રાજપૂતો નો એરિયા આવે.. હું ત્યાં થી પસાર થઈ રહ્યો હતો.

આટલી ગરમીમાં પણ ત્રણ ચાર યુવાનો મારી સામે થી આવતાં જણાયા ત્યારે મને લાગ્યું કે આ પૃથ્વી ઉપર મારા સિવાય બીજી માનવસૃષ્ટિ છે ખરી..?

એમાં સૌથી આગળ ચાલતો યુવાન ઉચી હાઈટ ધરાવતો તેમજ સશક્ત શરીર સૌષ્ઠવ નો અધિપતિ પચ્ચીસ વર્ષ નો લાગતો હતો. એ સૌ બિલકુલ મારી પાસે આવી ઉભાં રહ્યા.

" કયાં થી આવો છો..? " પેલાએ જે રીતે મને સવાલ કર્યો... મને રીતસર નો ગુસ્સો આવ્યો ..
" કેમ....તમારે શું મતલબ..? " મે સંયમ ગુમાવ્યો.

" અરે...આ જુવાન તો આજે સવારે છેક ધોરા ની ફરતે જોવા મળેલાં... લાગે છે.. બહું શોખ છે..ફરવાનો.." એમાંથી એક જણ બોલ્યો..

મને એ પળે સૌથી પહેલો વિચાર એ આવ્યો કે ભારત ના ગામડાઓ બિચારા આવી જ વિચારધારા રાખે તો ગમે તેટલું ડેવલપમેન્ટ થાય તોય એમની માનસિકતા નહીં બદલાય.. ગામડાઓમાં લોકો ને એમાં જ રસ હોય છે કે અહીં થી કોણ નીકળ્યું... કોણ કોની સાથે વાતચીત કરે છે..? એકંદરે, એનાથી એલર્ટનેસ જળવાય છે..સરહદ ના ગામડાઓમાં તો આ લોકો ક્રાઈમ બ્રાન્ચ ના ઓફિસર જેવી કામગીરી બજાવે છે... હું મનોમન મલકયો.

" હું આ નર્સરી મા જ રહેવાનો છું... થોડા દિવસ... આપ ગમે ત્યારે મને મળી નકો... ફોરેસ્ટ ઓફિસર મારા બનેવી થાય... આપને મળીને આનંદ થયો... આપનું નામ..." અચાનક જ મે આખીય બાજી પલટી નાખી.

મારી બોલવાની સ્પીચ થી તેઓ ઞંખવાયા.

તેઓને સમજાયું નહીં કે શું બોલવું..! છેવટે પેલો ઉચો, કાળો શખ્સ આગળ આવ્યો.

" જુઓ.. અમારી વાત નું ખોટું ન લગાડશો... અહીં કોઈ અજાણ્યા માણસ આવે તો એમને પુછવાની અમારી ફરજ છે.. જો રહેવાના હો તો ઘેર ચાય પીવા આવજો.. મારુ નામ નખતસિહ છે...આ સામે દેખાય એ ઘર મારું... તમે અજાણ્યા છો...એટલે, કોઈ કામ હોય તો કેજો... " પેલા ની ભાષા પણ પલટાઈ.

" આભાર... મારું નામ સ્મિત...તમને મળીને આનંદ થયો... નખતસિહ.." મે હાથ મીલાવ્યો..

મારી કોમ્યુનિકેશન સ્કીલ હંમેશા થી લાજવાબ રહી છે. વિવિધ પ્રકારના લોકો સાથે આસાનીથી ભળી જવાની મારી આદત ને કારણે જ મે દિલ્હી મા ઈન્ટેલિજન્સ બ્યૂરોના ઉચ્ચ ઓફિસરોનુ ધ્યાન ખેચ્યુ હતું. મારી જોબમાં આ એક અત્યંત આવશ્યક બાબત ગણાતી.

મે એ સોઢા યુવાન નો નજીવો પરિચય કેળવ્યો હતો.. જો કે એ વખતે મને ખયાલ નહોતો કે નખતસિહ સોઢા મારા માટે દોસ્તી ની નવી મિશાલ ખડી કરશે.

જેસલમેર થી બાળમેર જતી બસમાં હું બેઠો ત્યારે બપોરના બે વાગ્યા હતાં. સખત તાપ ના લીધે મારું માથું ધમધમતું હતું.
ત્રાસી નજરે મે જોઈ લીધું કે આખી બસમાં વીશેક પેસેન્જર હતાં. સૌ પોતાની માયાજાળમાં મશગૂલ હતાં.

અચાનક મારો મોબાઈલ રણકવા લાગ્યો.. મે નંબર જોયો.... મારા પિતા નો ફોન હતો.એમણે જણાવ્યું કે મારા ઘરમાં મેરેજ ની વાત થતી હતી.

જાણે વીછી નો ડંખ માર્યો હોય એવી અનુભૂતિ મને થઈ આવી. મને એ સમજાતું નહોતું કે મારા સાસરીયા ને લગ્ન ની આટલી ઉતાવળ કેમ છે..? હજું તો મે મારી થનારી ધર્મ પત્ની નો મોઢું પણ જોયું નહોતું...

અલબત્ત, આ બધાં વિચારો હું મનમાં જ કરી શકું એમ હતો. મારા પિતા સામે આ શબ્દો ઉચ્ચારણ કરવાની હિંમત હું સાત જન્મ મા પણ ન કરી શકું.અને, હવે તો બાજી પણ પલટાઈ ચુકી હતી. કોઈ વાવાઝોડા ની માફક મારા જીવનમાં મહેક નો પ્રવેશ થયો હતો અને હું હેતલ ની જિંદગી સાથે રમત રમતો હતો.મનોમન હું મારી જાતને ધિકકારી રહ્યો.. મારે થોડી સાવધાની રાખવાની જરૂર હતી. કમસેકમ હવી પછી ના દરેક પગલાં ફુકી ફુકીને ભરવાના હતાં.

" જે આપને યોગ્ય લાગે એ...હું સંમત છું.."

" મને આપની પાસે આ જ આશા હતી.."

" જી...પણ,એક સમસ્યા છે.." મે હવે મારા પ્રભાવશાળી પિતા ની સામે નવો દાવ ફેકવો શરુ કર્યો .

" શેની સમસ્યા... "

" એક શુભ સમાચાર છે.મારું એટીએસ ની ટીમમાં સિલેક્શન થયું છે..."

" ઓહ....અભિનંદન.."

" જી...આભાર... પણ, હું છ મહીના સુધી ટ્રેનિંગ બેઝ પર છું. એટલે...." મે વાક્ય અધુરું છોડી દીધું.

" સમજી ગયો... હું વેવાઈ ને સમજાવી દયીશ... સૌથી પહેલાં દેશ..." મારા પિતા એ ફોન કટ કર્યો.

મે નિરાત નો શ્વાસ લીધો. આગામી છ મહીના સુધી હું આ ઞંઞટ થી મુક્ત રહીશ.. ત્યાં સુધી હું ગમે તે પ્રકારે પરિસ્થિતિ થાળે પાડી દયીશ.આમ છતાં, એક વીક બાદ કચ્છ મા એક સંબંધી ના મેરેજ મા મારી અને હેતલ ની મુલાકાત નક્કી હતી.. એ વખતે હેતલ સામે મારે કેમ વાત કરવી એની થિયરી હું મનોમન ઘડવા લાગ્યો.

એક કામણગારી સ્ત્રી ના મોહપાશમા ફસાઈ ને હું મારી થનારી પત્ની સાથે દગો કરી રહ્યો હતો એનો અહેસાસ મને થતો હતો.. એક પ્રકારની " ગીલ્ટી " પણ ઉભરાતી.. શા માટે હું મારા પરિવાર સામે પ્રપંચ કરતો હતો..? આ સવાલ નો મારી પાસે જવાબ નહોતો. મને મહેક નો મોહક ચહેરો યાદ આવતો ને મારા જીગરમા નશો છવાતો.

શું ખરેખર મહેક માયાવી ઔરત હતી..?

શું ખરેખર હું કોઈ કળણ મા ખુપી રહ્યો હતો..?

ના....ના...એ બધી વાતો મા બિલીવ કરું એવો હું મૂરખ નહોતો.. મંગળ ગ્રહ પર જનારી પેઢીમાં શ્વાસ લેતાં લેતાં મોહમાયા ની ડબલી વગાડવાનો શું અર્થ..? આ ભારત છે. અહીં દરેક પ્રદેશ પાસે પોતાની રીતે જીવવાના અલગ અલગ અભિગમ હોય છે. અહીં માન્યતાઓ નો દુષ્કાળ નથી..

વિચારો મા ને વિચારો મા બાળમેર આવી ગયુ.

બાળમેર શહેરમાં સેવાસદન ધર્મશાળા શોધવામાં મને ખાસ તકલીફ ન પડી. કદાચ, રેગીસ્તાન મા વસેલા આ નગર ની સૌથી જૂની એ ધર્મશાળા છે.લગભગ સો જેટલા રુમો ધરાવે છે અને છાસવારે અસંખ્ય મુસાફરો અહીં ઉતરે છે.

રુમ નંબર 24 આગળ ઉભાં રહીને મે બારણું ખટખટાવ્યુ. દરવાજો ખુલતાં જ મારી આખો આશ્ચર્ય થી પહોળી થઇ ગઇ.

" હીના....." મે લગભગ બૂમ પાડી હતી.

સામે ઉભેલી પાતળી છોકરી મારી સામે સ્મિત ફરકાવી રહી. લંબગોળ ચહેરો... નશીલી ,ભૂરી આખો...એથ્લેટીક્સ ફિગર..

એ હીના હતી.. . દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ ની ટ્રેનિંગ દરમિયાન અમારી મુલાકાત થઈ હતી અને થોડા જ સમયમાં અમે સારા મિત્રો બન્યા હતા.

" બૂમો ના પાડ... સ્મિત.. આ તારું ઘર નથી.." બારણું બંધ કરતાં હીના બોલી.
પણ,મારી ખુશીનો પાર નહોતો. હીના મને કેટલા સમય બાદ મળી હતી..! સમગ્ર કેમ્પસમાં અમારી દોસ્તી ચર્ચા નો વિષય બની હતી...એનું સૌથી મોટું કારણ હીના પોતે હતી. એક તો આવી અન્ડરગ્રાઉન્ડ ની ટ્રેનિંગ માટે દેશભરમાં થી કેટલીક ખાસ છોકરીઓ સિલેક્ટ થતી.. એમાં પણ ટેરિરિઝમ એકટીવીટી સામે લડવાની તાલીમ હોય એટલે ગણતરીની છોકરીઓ પસંદ થતી..આજકાલ ની સુંદર છોકરીઓ મોડલ બનવાની દોડ મા સામેલ હોય એટલે આવાં મોતને મુઠ્ઠી મા લયીને ફરવાના ફિલ્ડમાં કોણ આવે..?

હીના દેશ ની આવી એક બહાદુર બેટી હતી જેણે સાહસભરી કેરિયર પસંદ કરી હતી. એનો રુપાળો ચહેરો જોઈને કોઈને ખયાલ ન આવે કે આ છોકરી કેટલી ખતરનાક છે..!

" વોટ આ સરપ્રાઈઝ... હીના..! તું અહીં કયાથી.."

" મને મારા દોસ્ત ની યાદ આવતી હતી એટલે.."

" મજાક છોડ ને યાર....તું આસામ હતી ને.."

" હા...તો શું તારો ઈરાદો એવો છે કે હું આખી જિંદગી એ કાળા માસ્ક પહેરનાર નકસલવાદીઓ વચ્ચે પડી રહું..?"

" એમ નહીં.. પણ,"

" પણ ને બણ....સ્મિત.. તારે અગામી છ મહીના સુધી મારી સાથે કામ કરવાનું છે... સમજયો.."

"યસ..મેડમ... ફરમાવો.."

" મેડમ ના બચ્ચાં... પહેલાં મને એ જણાવ કે તું અહીં આ રેગીસ્તાન મા શું કરે છે..? "

" હવે તું મારી ઉલટતપાસ લયી રહી છે.. હીના.."

" એમ જ સમજ... તને ખબર નથી..બધી જ ગુપ્તચર એજન્સીઓ અંદરથી હલી ગયી છે..સુત્રો અનુસાર કુલ ચાર આતંકવાદી ઓ આ રેગીસ્તાન વાટે ઘુસ્યા છે અને કશોક મોટો ધમાકો થશે...સ્મિત...હજજારો નિર્દોષ લોકો મરી જશે...આ આખોય વિસ્તાર આઈ બી તરફ થી એલર્ટ પર છે..અને, તને મજાક સુઞે છે...ફટાફટ જવાબ આપ.."

" ઓકે...હું અહીં મારી માસીની દીકરી ને મળવા આવ્યો હતો."

" તું મજાક નથી કરતો ને...સ્મિત.."

" તારી સૌગંધ.."

" ઓકે...તું કયારેય જેસલમેર ગયો છે..? "

" એક વખત ફરવા ગયેલો..."

" તું કેટલા દિવસ થી અહીં છે..? "

" બે દિવસ થી.."

" અહીં કોઈ વ્યક્તિ ને તું ઓળખે છે..? "

મને મહેક યાદ આવી ગઈ.. પણ,મે વાત પલટી નાખી.

" કેવો સવાલ કરે છે.. હીના...બે દિવસ મા હું કોને ઓળખું..! "

"મારો મતલબ કે કોઈ સાથે વાતચીત થઇ હોય... તું કોઈના પરિચય મા આવ્યો હોય..."

"હા..એક નખતસિહ સોઢા નામ ના યુવાન નો પરિચય થયો..."

હીના મને એ રીતે સવાલ પુછતી રહી... જાણે કે હું ગુનેગાર હોઉ... પણ,મારી એ દોસ્ત ને હું સારી રીતે સમજતો હતો...ઈન્વેસ્ટીગેશન નો સવાલ આવે ત્યારે એ સગા બાપની પણ શરમ ન રાખે એટલી હદે કઠોર બનતી.

આ કઠોર યુવતીની ભીતર એક ભીનું ભીનું હદય રહેતું.

એ ભીના હદયના એક ખુણે મારી... એનાં બેસ્ટ ફ્રેન્ડ ની એક તસ્વીર રહેતી....એની ઘણા લોકો ને ખબર હતી.

એ મારી જિંદગી નો સૌથી સુવર્ણ કાળ હતો...

ત્રણ ત્રણ ખૂબસુરત સ્ત્રીઓ થી ઘેરાયેલું મારુ. જીવતર આજે અંધારી ખીણમાં એકાત ભોગવી રહ્યું છે.

હીના...

હેતલ...

મારવાડ ની મહેક....

આ ત્રણ નામોથી એ દાસ્તાન શરૂ થઈ હતી અને મારી જિંદગી ને એવી કશ્મકશ મા ધકેલી ગયી કે આજે મારા ગામ ને છેવાડે આવેલા મારા ઘરની મેડીએ બેઠો બેઠો હું યાદોની આગ મા સવાર સાજ સળગી રહ્યો છું...