'' ફેમીલી પીક ''
રીની આજ સવારથી જ સારા મૂડમાં દેખાતી હતી . આજે એનાં લગ્નને પૂરું એક વર્ષ થયું. અંશ સાંજે બીઝી હતો, એટલે બંનેએ બપોરે જ લંચ લેવાનો અને પછી મુવી જોવાનો પ્લાન બનાવ્યો હતો .અંશને સારા અલી ગમે છે ,એટલે એમણે શીમ્બા જોવાનું નક્કી કર્યું . રીનીએ બાથરુમ માં જઈને સાવર ચાલું કર્યો , વાળ ધોયા પછી હેર ડ્રાયર લઇને ચેન્જીંગ રૂમમાં તૈયાર થવાં ગઈ. ક્લોઝેટમાંથી મનપસંદ ટી શર્ટ કાઢયું , સફેદ રંગનું..ઉપર બ્રોન્ઝ કલરથી લખ્યું હતું , ‘ક્રેઝી ફોર લવ ’...ઉપર હાફ શ્રગ ચઢાવ્યું લાઈટ બ્રોન્ઝ કલરનું જે આખું સીકવન્સ પેટર્નમાં હતું..સાથે સ્કીની જીન્સ પહેર્યુ. અંશ કહેતો, આ સ્કીની જીન્સમાં તું એકદમ હોટ લાગે છે. મીરરમાં જોઇને જોતી રહી પોતાનાં પ્રતિબીંબને, લાગુ છું ને, સારા અલી ખાન જેવી..! મન ભરીને માણી રહી પોતાનાં યૌવનને..પછી ઇતરાતી રહી થોડાં ગર્વથી, થોડી મસ્તીથી..ખરેખર એ ખુબ જ સુંદર લાગી રહી હતી..ભગવાને એને જે રૂપ આપ્યું તું , એને નીખારતા પણ એને આવડતું હતું; લાઈટ મેક અપથી એનાં ફીચર્સ વધુ શાર્પ લાગતાં હતાં. એ અલગ અલગ પોઝ આપીને ઊભી રહી, બે ચાર સેલ્ફી લીધી..વેઇટ , આ પીક મોકલું દિશાને , એને ગમે તો આ ડ્રેસ ડન..!નહી તો..બીજા બે ચાર ડ્રેસ ટ્રાઇ કરવાનાં..રીની ફુલ ઓંન એના” ‘હેપી ડે ’ની હેપી મોમેન્ટસનાં નશામાં મસ્ત હતી, અને એકદમ જ થંભી ગઈ, મીરરમાં જોઇને..ઓહ માય ગોડ..! આ શું..અનબિલીવેબલ..!. એની ફ્રન્ટ ફ્લીક્સમાં એક સફેદ વાળ હતો..રીનીને એ ખુબજ વીઅરડ લાગી રહ્યો હતો..એની નજર વારંવાર ત્યાં જ જતી હતી..એણે બે ત્રણ વાર એને ખેચી નાખવાનો પ્રયત્ન કર્યો , પણ વ્યર્થ..રીનીનું મન જાતજાતનાં વિચારોથી ભરાઈ આવ્યું, શું થશે..અંશ જોઈ લેશે તો..?કેવું લાગશે ? ફ્રેન્ડસ પણ મજાક ઉડાવશે , હવે એણે પણ મોમની જેમ હેર ડાઈ લગાવવી પડશે ?,હજું તો અંશ સાથે કેટલું ફરવાનું છે! પાર્ટીઓ કરવાની છે..અને અત્યાર થી આમ.. ઓહ ગોડ.. આ શું થઇ ગયું..! બેબાકળી થઈને એ રૂમમાં આમ થી તેમ ફરવાં લાગી, એનાં ઘવાયેલાં ઈગો સાથે . કંઈ જ સુઝ ન પડી તો એકદમ જ રૂમની બહાર ધસી ગઈ .
બહાર જોયું કે કામવાળી અંશને ટોવેલ આપી રહી હતી. કામવાળી બિચારી સીધી સાદી હતી . સાડીનો છેડો સાઈડ પર ખોસીને ઊભી હતી, અને સાઈડ પરથી એનું પેટ દેખાતું હતું. રીનીએ અંશની નજર ચેક કરી, એક ઇન્સ્પેકટરની જેમ; પછી એકદમ જ ટોવેલ ખેંચી લીધો કામવાળી પાસેથી..
“હું આપું છું ને ટોવેલ..જા તું તારું કામ કર. “
“પણ તમે નહોતા,ભાભી , ને ભાઈ ક્યારના ટોવેલ માટે બુમો પાડતા તા. " રીની આંખો કાઢીને જોતી રહી એની સામે, કામવાળી ડઘાઈ ગઈ રીનીના આવા વર્તનથી..બે ડગલાં પાછળ હટી
ગઈ , અને ચુપ ચાપ જતી રહી..
બેબાકળી રીની જલ્દી જલ્દી કિચનમાં મમ્મીને હેલ્પ કરવાં ગઈ. પણ મમ્મી બોલ્યાં,
“રીની, હવે તારી જરૂર નથી, બ્રેકફાસ્ટ રેડી છે , બસ હવે ટેબલ રેડી કરી દે.”
રીની ટેબલ જોરથી પકડીને ઊભી રહી ગઈ ,મમ્મીનાં શબ્દો એનાં મનમાં ઘુમી રહ્યાં હતાં..ચારે બાજું..હવે તારી જરૂર નથી..ટેબલ પર બેઠેલાં પપ્પા, અંશ,નીકી, દાદી,મમ્મી..બધાં જ જાણે કહી રહ્યાં હતાં.મનનાં પ્લે ગ્રાઉન્ડમાં ગોળ ગોળ ફરતાં ફરતાં આવું જ કહી રહ્યાં હતાં.. હવે તારી જરૂર નથી..! રીની માથું પકડીને ઊભી રહી ગઈ..
“રીની, શું થાય છે ? તબિયત સારી નથી? બેસી જા, નીકી સર્વ કરી દેશે.”.
રીનીને બેસાડીને અંશની બહેન નીકીએ બધાની ડીશ સર્વ કરી. કપલને વિશ કરીને બધાં વાતચીતમાં પડ્યા, પણ રીનીનાં મનમાં એ જ વાક્ય ઘુમતું રહ્યું, ચગળાતું રહ્યું , ગળાથી નીચે જ ન ઉતર્યું. સવારનો ઉત્સાહ ફાટેલા પતંગની જેમ નીચે આવી ચુક્યો હતો...
રીનીને લગ્ન કરીને આવ્યાંને બરાબર એક વર્ષ થયું. ઘરમાં બધાં જ સારા હતાં, અંશ ,મમ્મી, પપ્પા,નીકી ,દાદી..પણ રીનીને કોણ જાણે કેમ , હમેંશા એક ડર રહેતો..અસ્વીકારનો કે પછી પોતાનું સ્થાન ગુમાવવાનો..! રીનીનાં સાસરામાં કોઈ વાતની કમી નહોતી, પ્રેમની પણ નહી ; પણ રીની જાણે ગભરું પારેવાંની એમ ફફડતી રહેતી..આજે પ્રેમ છે , કાલે જતો રહે તો? તો મારું શું..?
રીની ડાઈનીંગ હોલમાં સામે લગાવેલાં વોલ સાઈઝના મોટાં ફેમીલી પીકને જોતી રહી..એક વર્ષ પહેલાંનો આ પીક...એને ખુબ જ પ્રિય હતો..કદાચ એટલે કે એમાં એણે એનું ફેવરીટ રીતુ શર્માએ ડીઝાઇન કરેલ પરપલ વેલ્વેટનું ગાઉન પહેર્યુ હતું..કે પછી એટલે કે એણે એનો ફેવરીટ ટેમ્પલ સેટ પહેર્યો હતો..કે કદાચ એટલે કે બધાનાં જ ચહેરા પર એક સરખું સ્માઈલ છે.. ખબર નહી પણ આ પીક એને ખુબ જ ગમતો અને ઘણી વાર એવો ડર પણ લાગતો ..હું આ પીકમાં રહીશને..આવતે વર્ષે પણ..!
રીનીને એકદમ એની મોમનું ઘર યાદ આવી ગયું. ત્યાં પણ આવી જ પરફેક્ટ ફેમીલીની તસવીર લટકતી રહેતી, પણ શું મતલબ? પાપાનાં વોલેટમાં તો બીજો જ પીક રહેતો. ભલેને લટકતી તસવીરમાં મોમ ,પાપાની એકદમ ક્લોઝ હોય, પણ પાપા એ એમનાં વોલેટમાં અને એમનાં દિલમાં મોમને ક્યારેય સ્થાન ન આપ્યું. મોમ સતત એવાં જ ડરમાં રહેતી કે ખબર નહી કઈ ઘડીએ આ પીક માંથી ને આ ઘરમાંથી એ આઉટ ને પેલી આંટી ઇન થઇ જાય. પાપા કંઈ પણ કરી શકે. પાપા નાં ડીસીઝન સામે કોઈ અવાજ નહી ઉઠાવતું, દાદા પણ નહી..
પાપા દર શુક્રવારે બોમ્બે જતાં. રવિવારે ફરી અમારી સાથે..બોમ્બેથી સુરતનું અંતર કેટલું ..? એટલું જ જેટલાં વોલેટથી દિવાલ પર લટકતા ફેમીલી પીકનું.! મોમ સતત પાપાને રીઝવવા એમનાં ફેવરીટ ફુડ બનાવતી, એમને હાથમાં કપડાં આપતી, બુક્સ આપતી; ક્યાંય કઈ ચુક થઈ જાય..અને....!
કરિયાવરમાં મોમએ રીનીને ઘણું આપ્યું..સાથે આ ફેમીલી પીકવાળો ડર પણ..આપ્યો તો નહોતો , રીની જાતે જ લઈ આવી હતી , અજાણતાં જ..
ડાઇનીગ ટેબલ પાસે ઉભેલી રીની કંટાળી ગઈ, આ વિચારોની ભીડથી..આજે એનાં મનનું પ્લે ગ્રાઉન્ડ વિચારોથી ઓવરક્રાઉડેડ થઈ ગયું હતું..જેને રીની સંભાળી ન્હોતી શકતી. ડાઈનીંગ ટેબલ ખાલી કરતાં કરતાં રીનીનાં હાથમાંથી એક પ્લેટ સીધી નીચે.. રીનીએ શરમથી મોઢું છુપાવી દીધું..આજે તો મમ્મી જરૂર લડશે..પણ વિચારોમાં ખોવાયેલી રીનીને ખબર પણ ન પડી કે મમ્મીએ આવીને એનાં હાથમાંથી છટકેલી પ્લેટ કેચ કરી લીધી .. રીની અને મમ્મીની આંખો મળી, રીનીએ નજર ઝુકાવી દીધી.. મમ્મીની અનુભવી આંખો બધું જ જોઈ રહી હતી..બધું જ
“અંશ તેયાર થાય છેને..! જા તું બહાર હોલમાં જઈને બેસ ,હું આવું હમણાં...”
રીનીને થયું ,આજે તો ગઈ કામથી, સવારથી ભૂલ પર ભૂલ થાય છે...મમ્મી જરૂર લડશે..
પણ મમ્મીનાં કહેવાથી એ જઇને સોફા પર બેઠી. મમ્મીના શબ્દો ફરી યાદ આવ્યાં, ‘હવે તારી જરૂર નથી ’ ; સવારના સફેદ વાળનું દેખાવું, કામવાળી નું અંશને ટોવેલ આપવું, નીકીનું બ્રેકફાસ્ટ સર્વ કરવું, મમ્મીનું ડીશો ઉઠાવવું, ..ખરેખર એની ઘરમાં શું જરૂર છે..અને અંશ તો એકદમ હેન્ડસમ , ડેશિંગ , યંગ મેન..એને તો કોઈ પણ મળી જાય..એટલામાં વળી એને એનાં લગ્નનો સીન યાદ આવી ગયો.
‘ અંશ અને રીની બંને રીસેપ્શનનાં સ્ટેજ પર ફૂલોથી સજેલી ચેર પર બેઠાં હતાં. અંશની બાજુમાં નીકી સાથે એક લાંબી અને સુંદર છોકરી બેઠી હતી. બંને અંશ સાથે ખુબ જ મસ્તી કરતાં હતાં. અંશ પણ એની સાથે ક્લોઝ હતો. પછી ઘણી વાર એ ઘરે પણ આવતી જતી જોયેલી. કોઈવાર તો એ બધાં સાથે લંચ લેવાં બેસી જતી. નીકીએ કહેલું , એ છોકરી નર્સરી થી અંશની સાથે ભણતી, નાનપણમાં બંને સાથે જ ભણતાં.. તો શું એ અને અંશ...? ’
“બેટા, હું જોઈ શકું છું કે તું અંશને કેટલો પ્રેમ કરે છે ! અને જેને આપણે પ્રેમ કરીએ, એને ગુમાવવાનો ડર હોય જ ... રીની મમ્મીનાં શબ્દો સાંભળી સફાળી થઇ ગઈ , પોતાને સહેજ સંકેલીને મમ્મી માટે જગ્યા કરી સોફા પર. મમ્મીએ એનાં ખભે હાથ મુકયો ,
“ આપણા બે વચ્ચે ક્યારેય વધુ વાત નથી થઇ , પણ હું તને જોતી રહું છું , બિલકુલ નીકીને જોઉં છું એમ જ . સાંભળ.. પ્રેમ નામનાં સિક્કાની બીજી બાજું છે ડર .. પણ પ્રેમ માત્ર બાહ્ય સુંદરતાથી નહી, પણ આંતરિક સુંદરતાથી વધુ પાંગરતો હોય છે..જયારે તું નીકીને સ્ટડીમાં મદદ કરે છે, અંશનાં ડાએટનું ધ્યાન રાખે છે, દાદીને દવાઓ કાઢી આપે છે..આ બધું જ તારી આંતરિક સુંદરતાનું સ્વરૂપ છે..જે બાહ્ય સુંદરતા કરતાં વધું જોરથી પોકારતું હોય છે.
બેટા, દરેક ઘરનો ફેમીલી પીક અલગ હોય છે. તારા પિયરના ફેમીલી પીકને મેં જોયો નથી, પણ આપણા ઘરનાં ફેમીલી પીકને તું ધ્યાનથી જો, એમાં દરેક સભ્યનાં ચહેરા પર એક મસ્ત સ્માઈલ છે., અને આ સ્માઈલ બધાની એકબીજા સાથે જોડાઈ રહેવાની છે.આ ફેમીલી પીકમાં ટકી રહેવાં માટે ફેમીલીની સાથે પ્રેમ થી જોડાઈ રહેવું..એ જ જરૂરી હોય છે.. પ્રેમ એની જગ્યા બનાવી જ લે છે.. બીજું બધું સહજ જ થતું જાય છે ;આપમેળે ...
અને રહી વાત આ એક સફેદ વાળની ; તો બપોરે ઘરે આવીને એને હાઈ લાઈટ કરાવી આવ..બેટા, જીંદગી બહુ વિશાળ છે, આવી નાની નાની વાતોમાં અટકવાથી કેમ આગળ વધશે?
બંનેની આંખો મળી, બંને ખળખળાટ હસ્યા, ને એકબીજાને વળગી પડ્યા...
------------------------------------------------------------------------------------