Article 15 in Gujarati Film Reviews by JAYDEV PUROHIT books and stories PDF | ARTICLE 15

Featured Books
Categories
Share

ARTICLE 15

"સિને-GRAM ~ જયદેવ પુરોહિત"

~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~

ARTICLE 15 : રેપ અને ભેદભાવની વાત

"આર્ટિકલ ૧૫" સંવિધાનનું મહત્ત્વ સમજાવતું એક ક્રાઈમ ડ્રામા ફિલ્મ.

2018માં આવેલી એક હિન્દૂ-મુસ્લિમની ફિલ્મ "મુલ્ક" અને હવે "આર્ટિકલ 15" આ બન્ને ફિલ્મ અનુભવ સિંહાએ ડાયરેકટ કરેલી છે. છેલ્લા બે ફિલ્મથી અનુભવ સિંહના તેવર બદલાયા છે. સામાજિક ફિલ્મો તરફ નજર કરી છે.

ગામના કારખાનામાં કામ કરતી ત્રણ છોકરી ગાયબ થઈ જાય, એમાંથી બે છોકરીની લાશ ઝાડ પર લટકતી મળે. એ લાશની હાલત ખરાબ હોય છે. અને પૂજા નામની એક નાની છોકરી લાપતા હોય છે. એમને શોધવામાં આખું ફિલ્મ લખાયું છે. દલિતોનું ગામ અને આખા ગામને ઉચ્ચ-નીચની બીમારી. એ ગામના દલિત લોકોનું કોઈ પાણી પીવા પણ તૈયાર ન થાય. સાવ અછૂત ગણે પણ કામ કરાવવામાં એવા કોઈ બંધન એમને નડતા ન હોય.

એવામાં ડૉ.અયાન રંજન(આયુષમાન ખુરાના) અહીં પોલીસ અધિકારી તરીકે બદલી થઈને આવે છે. મધ્યપ્રદેશનું લાલગાવ નામનું આ ગામ ઉપરથી શાંત અને અંદરથી ઉફાણા મારતું. દલિતોની વસ્તી, અને એ લોકો આકરી મજૂરી કરીને જીવતા હોય છે અને શક્તિશાળીઓના શિકાર બનતા હોય છે. અયાન રંજન એટલે યુરોપથી હાયર સ્ટડી કરીને આવેલા ઓફિસર. એમને ગામડાના કલચરનો કોઈ જ અંદાજો નહિ. એમનું સ્વાગત પાર્ટી રાખીને થાય છે. એ પાર્ટી દરિમયાન એમનો એક જૂનો મિત્ર મળે છે સત્યેન્દ્ર, જે ખૂબ ગભરાયેલી હાલતમાં હોય છે. અંશુ નામના ટોયલેટ કામદાર સાથે પણ મુલાકાત થાય છે. જેમની પહોંચ ઉપર સુધી હોય છે. અને બીજી તરફ ગૌરા(સયાની ગુપ્તા) નામની છોકરી પોલીસ કર્મચારીઓ સાથે વાતચીત કરતી હોય છે. એ ગૌરા એટલે ખોવાયેલી અને મરેલી બે છોકરીની બહેન. અયાન ગૌરાને જોઈ જાય છે પરંતુ મુલાકાત થતી નથી.

અદિતિ(ઈશા તલવાર) સતત તેમના પતિ અયાનના સંપર્કમાં મેસેજ અને ફોન દ્વારા રહે છે. એમના સંવાદોને સારી રીતે મુકવામાં આવ્યા છે. ધીરે ધીરે અયાનને ખબર પડે કે પેલી બે લાશની કોઈએ F.I.R લખી નથી. એજ સમયે અયાનને ગાયબ થયેલી છોકરી પૂજાના ચંપલ ગામના દલદલમાંથી મળી આવે છે.

"અરે, સર. યહાઁ ઐસા ચલતા રહેતા હૈં.. એક દિન ગાયબ તો દુસરે દિન વાપસ આ જાતિ હૈ. યે ઉન લોગોકા(દલિતો) ચલતા રહેતા હૈ. ઇસમે મત પડો..."

બ્રહ્મદત્ત(મનોજ પહોવા) નામનો પોલીસ વારે વારે અયાનને આ કેસથી દૂર રાખવાના પ્રયાસો કરતો હોય છે. લાશની તપાસ થાય અને રિપોર્ટ આવે કે "પહેલા રેપ થયો અને પછી ફાંસી આપી". અહીંયાંથી ફિલ્મ રફતાર પકડે છે. ડાયરેકટરે વચ્ચે વચ્ચે છૂત-અછૂત-જાતિ વગેરે જેવા દુષણોના દર્શન પણ આબેહૂબ કરાવ્યા છે.

જયારે અયાનને ખબર પડે કે, "માત્ર ત્રણ રૂપિયા વધુ માગ્યા કામના એમાં એમનો રેપ કર્યો..." ત્યારે એ ધ્રુજી ઉઠે છે. જેમ જેમ ફિલ્મ આગળ વધે તેમ તેમ ગુનેગારો બહાર આવતા જાય છે. આ સ્ટોરી દરમિયાન જ આર્ટિકલ 15નો ઉલ્લેખ કરવામાં આવે છે. સમાનતાનો અધિકાર. કોઈ સાથે ભેદ ન રાખવાનો અધિકાર..

આર્ટિકલ 15નો સામાન્ય અર્થ..

"राज्य, किसी नागरिक के विरुद्ध के केवल धर्म, मूलवंश, जाति, लिंग, जन्मस्थान या इनमें से किसी के आधार पर कोई विभेद नहीं करेगा। "

અંશુ નામના કામદારે રેપ કર્યો હોય એ માહિતી મળતા તેને પકડવા જાય છે પરંતુ એમને બ્રહ્મદત્ત પહેલા જ મારી નાખે છે. બીજી તરફ અયાનને ઓર્ડર મળે છે કે તે આ કેસથી દૂર રહે. પરંતુ તે કોઈનું સાંભળતો નથી. સસ્પેન્સ કરી નાખે છે. પરંતુ દલિતો માટે લડે છે. છેલ્લે દલદલમાં ચાલીસ પચાસ પોલીસો ઉતરી પેલી છોકરીને શોધી કાઢે છે. અને ફિલ્મ અહીં પૂરું થાય છે.

ખરેખર શું આવું બનતું હશે? એવો પ્રશ્ન થાય. પરંતુ હજી એવા વિસ્તારો ભારતમાં છે કે ત્યાં ભેદભાવ અને ઉચ્ચનીચ જીવે છે.

અહીં વાત રેપની છે. નાની છોકરી પર અત્યાચારની વાત છે. ડાયરેકટરએ રિયાલિટી દેખાડવાનો સારો એવો પ્રયાસ કર્યો છે.

ઘણા સીનને ઇમોશનલી વર્ણવ્યા છે. આયુષ્માનની એક્ટિગમાં મજા આવશે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મને પકડી રાખે છે. બીજા કિરદારોએ પણ પોતાનું કામ બખૂબી નિભાવ્યું છે. ગૌરા બનેલી સયાની ગુપ્તાએ આ પાત્ર કરી પોતાની ક્ષમતા સાબિત કરી છે.

ફિલ્મ સારું કે ખરાબ એ ન કહું અને એમ કહું કે.. સામાજિક જાગૃતિ માટેનું ફિલ્મ છે એ વધુ યોગ્ય રહેશે.

રેપની ફિલ્મો કોઈ નવી વાત નથી પરંતુ અહીં છૂત-અછૂતની વાત ઉમેરી છે જે ફિલ્મને ચર્ચિત બનાવે છે. આયુષ્માનનું પાત્ર બ્રાહ્મણ હોવાથી ઘણી જગ્યાએ વિરોધ થયો છે.

અંતે ફિલ્મના એક ડાયલોગ્સ સાથે રીવ્યુ પૂર્ણ કરીએ..

"કભી હમ હરિજન બન જાતે હૈ, કભી હમ બહુજન બન જાતે હૈ લેકિન હમ જન-ગણ મનમેં નહિ આતે...!!"

ફરી મળીશું નવા રીવ્યુ સાથે.. વાંચતા રહો અને પ્રોત્સાહન આપતા રહો.

- જયદેવ પુરોહિત