રણમાં ખીલ્યું ગુલાબ
ડો. શરદ ઠાકર
(25)
અમે સમજી વ્હોરીને કરતાલ ઝાલી,
ખબર છે કે હજી કોઇ તાગે અવિરત
તાજેતરમાં જ હું સાત દિવસ માટે સમેત શિખરજી જઇ આવ્યો. તળેટીમાં પાંચસો કરોડના ખર્ચે નિર્માણ પામેલું અદભૂત સંકુલ. એક જ જિનાલયમાં એક સાથે ચોવીસેય તીર્થંકર પરમાત્માઓના જિનબિંબો. મકરાણાનો શુધ્ધતમ શુભ્રતમ આરસ. પર્યૂષણ પર્વ સંપન્ન થઇ ગયા પછી લગભગ શૂન્ય બની ગયેલી શ્રીવકોની હાજરી. માત્ર આર્ચય ભગવંતશ્રી અને એમનો શિષ્ય સમુદાય. આટલું એકાંત, આટલી શાંતિ મેં મારા છ દાયકાની જિંદગીમાં કદિયે અનુભવી નથી. પહેલીવાર મારી જાત સાથે વાત કરવાનો મને સમય મળ્યો. અને કેટલીયે સત્ય ઘટનાઓ મળી. અમેરિકામાં દોઢ કરોડનું વાર્ષિક પેકેજ કમાતી ગર્ભશ્રીમંત પરીવારની દીકરી બધી સુખ સાહ્યબી, કિંમતી પર્ફયુમ્સ, સેંક્ડો શેમ્પૂઝ, છલકાતો વોર્ડરોબ અને જયલલીતા કરતાં પણ વધુ સંખ્યામાં ચપ્પલ, સેન્ડલ ત્યજીને દીક્ષા ધર્મ સ્વીકારી લે તે પણ જોયું અને જાણ્યું. (તે સાધ્વીજી મહારાજનો ઇન્ટર્વ્યુ કરવાનો બાકી છે.) આનું સીધું પરીણામ એ આવ્યું કે મેં પણ મારી જિંદગીને એક યુ-ટર્ન આપવાનું નક્કી કરી લીધું. રાગ અને અનુરાગની જિંદગી બહુ જીવી લીધી; હવે વિતરાગની જિંદગી તરફ વળી ગયો છું. એ માટે મન સાથે ખૂબ યુધ્ધ કરવું પડ્યું છે, પણ આ આખરી યુધ્ધ હતું. લડી લીધું અને જીતી લીધું.
શિખરજીમાં એક તેજતર્રાર યુવાન સાથે પરીચય થયો. એની વાત અહીં વાર્તા રૂપે રજું કરું છું. નામો બદલ્યા છે.
“મિશા! બેટા, તને મુરતીયો કેવો લાગ્યો? ગમ્યો ને? અમને બધાને તો ખૂબ જ ગમી ગયો છે.” પારસભાઇએ દીકરીને પૂછ્યું. એમને પૂરો વિશ્વાસ હતો કે મિશા હા જ પાડવાની છે. ધૈર્ય હતો જ એવો કે કોઇ પણ યુવતીનાં દિલમાં વસી જાય.
પણ મિશાએ તો આવું કહીને પપ્પાને ચોંકાવી દીધા, “ના, પપ્પા! મારે એની સાથે મેરેજ નથી કરવું.
“હેં?!?” પારસભાઇના મોંમાંથી ફૂટેલો આ પહેલો સવાલ; પછી બીજો સવાલ આ છૂટ્યો: “કેમ નથી કરવું? કારણ જણાવ.”
“છોકરો કાંદા-લસણ નથી ખાતો મને તો એના વગર ચાલતું નથી. તમે તો જાણો છો, પપ્પા, કે હું કેવી બિન્દાસ રીતે ઊછરી છું! હરવા-ફરવા, લેટેસ્ટ ફેશનના કપડાં પહેરવા, શોર્ટ્સ પહેરીને બહેનપણીઓ જોડે ઘૂમવું- ફરવું, શુક્રવારે નવી રીલીઝ થયેલી ફિલ્મ જોવી, રોજ સાંજે બહારનું જ ફૂડ ખાવું; તમે આ બધું ચલાવી લીધું છે, પપ્પા. જિંદગીના બાવીસ-બાવીસ વર્ષ આ રીતે માણ્યા પછી અચાનક મારી ઉપર રીસ્ટ્રીક્શન્સ લાદવામાં આવે તો મને કેવી રીતે ફાવે?”
પારસભાઇ ત્યારે તો ચૂપ રહ્યા, પણ રાત્રે બેડરૂમમાં ગયા પછી પત્નીને સમજાવવા લાગ્યા, “શ્રાવિકા, આ છોકરી મારું કહ્યું નહીં માને; તું એને સમજાવવાનો પ્રયત્ન કરજે. ધૈર્ય કેવો હોશિયાર છે, એણે સ્વ પ્રયત્ને પોતાનો બિઝનેસ કેવો જમાવ્યો છે, એ દસ જ વર્ષ દરમ્યાન ક્યાંથી ક્યાં પહોંચ્યો છે એની આ છોકરીને ગતાગમ જ નથી. કાંદા-લસણના એક મામુલી મુદાને લઇને એ આવા સંસ્કારી, ધનવાન અને તેજસ્વી મુરતીયાને ઠુકરાવી દેશે એને પછી કોઇ એવાને પસંદ કરશે જેની પાસે ભાડાનું ઘર પણ નહીં હોય! પછી આખી જિંદગી બાજરાનો રોટલો અને ડૂંગળી ખાવાનો વારો આવશે. સમજાવ એને!”
બીજું બધું તો સમજ્યા પણ પારસભાઇની એક વાત સાવ સાચી હતી કે ધૈર્ય બિઝનેસની બાબતમાં સેલ્ફ મેઇડ હતો અને ખૂબ તેજસ્વી હતો. સતરમા વરસે બારણા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં ખૂબ સારા માર્ક્રસ લઇ આવ્યો હતો. ધાર્યું હોત તો કોમર્સ ગ્રેજ્યુએટ થઇને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની શકતો હતો, પણ એણે હીરાના ધંધામાં ઝૂકવવાનું પસંદ કર્યું.
ધૈર્ય મુંબઇ ચાલ્યો ગયો. પૂરા બે વર્ષ બિઝનેસની આંટીઘૂંટી સમજવામાં પસાર કરી દીધી. પછી એણે પોતાના મનમાં એક એક નકશો દોરી લીધો, “ નાના નાના હીરાના પડીકામાં હાથ નથી નાંખવો. આખા વર્ષમાં માત્ર ચાર-પાંચ જ સોદા પાર પાડવા છે, પણ મોટા હીરાના વેપારમાં જ પડું છે.”
2004માં ધૈર્ય એક હીરો ખરીદ્યો. પંદર લાખમાં . પછી ગણતરીના દિવસોમાં એ જ હીરો ત્રીસ લાખમાં વેંચાયો . એક સાવ નવા નિશાળીયાની જેબમાં હવે પૂરાં પંદર લાખનું વજન બોલતું હતું.
બીજા અઠવાડિયે ધૈર્ય હોંગકોંગ પહોંચી ગયો. પપ્પાએ પૂછ્યું, “શું વિચાર છે?”
“પપ્પા, સાંભળ્યું છે કે હોંગકાંગમાં હીરાના આંતરરાષ્ટ્રિય સોદાઓ થાય છે. હું ત્યાં જઇને મોટો સોદો કરવા માંગું છું.”
“બેટા, જોજે હં! વધારે કમાવાની લાલચમાં આપણું ઘર વેંચવાની નોબત ન આવે!”
“એવું નહીં થાય, પપ્પા. હું મારી હેસિઅતની અંદર જ રમીશ.” ધૈર્ય એ એક ફેરામાં એક કરોડ કમાયો. પછી તો એ ધંધામાં એવો ખૂંપી ગયો કે રાત-દિવસ એના મનમાં એક જ વાતની ધૂન ચાલતી રહેતી: હીરા! હીરા! હીરા!
રાત્રે ત્રણ વાગ્યા હોય, ધૈર્ય પથારીમાં નસકોરા બોલાવતો હોય અને પરદેશની કોઇ પાર્ટીનો ફોન આવે તો પણ ધૈર્ય પહેલી જ રીંગે ફોન રીસીવ કરી લે. હીરાનો સોદો એવી શાંતિથી પાર પાડી લે જાણે સવારે ફ્રેશ થઇને એની ઓફિસમાં બેઠો હોય!
પરીણામ જે આવવું જોઇએ એવું જ આવ્યું. ડાયમન્ડ માર્કેટમાં ધૈર્યની ધાક જામી ગઇ. એ કરોડોમાં રમવા લાગ્યો. જે ઊંમરે બીજા છોકરાઓ એમ.બી.બી.એસ, આઇ.આઇ.ટી. કે આઇ.આઇ.એમ. ની શાખામાં ઊંધા પડીને ઊજાગરા કરતા હોય તે ઉંમરે ધૈર્યની તિજોરીમાં રૂપીયા રાખવાની જગ્યા રહી ન હતી. એક દિવસ ધૈર્યની મોટી ભાભીએ પૂછ્યુ, “દિયરજી, તમે આટલું બધું કમાવ છો એ શેના માટે? તમને રૂપીયા વાપરતાં તો આવડતું નથી.”
“આવડે છે ને ભાભી. મને સારા કપડાંનો શોખ છે. હરવા-ફરવાનો શોખ છે. સારી કાર પણ મેં ખરીદા છે. પણ હું જે કંઇ ખર્ચું છે તે પીરા પરીવાર માટે ખર્ચું છું. મારી કાર મારા કરતાં તમે બધાં વાપરશો તો હું વધારે ખૂશ થઇશ. મેં નવ બેડરૂમવાળું મકાન ખરીદ્યું છે. એમાં હું બે-અઢી કરોડ રૂપીયાનું ઇન્ટીરીઅર બનાવી રહ્યો છું. એમાં આપણે બધાં રહીશું. હા, હું કબુલ કરું છું કે મને શરાબ, જુગાર, છોકરીઓ કે ચરસ-ગાંજાની પાર્ટીઓમાં પૈસા ઉડાડવાનું નથી ફાવતું. હું આજે પણ ઘરનું બનાવેલું જ જમું છું અને ચૌવિહાર કરું છું. એમાં હું ક્યારેય બાંધછોડ કરવાનો નથી.”
ભાભીએ ટીખળી કરી, “ આ બધું તમારી સાથે પરણીને આવનારીને ગમશે ખરું?”
“ભાભી, જે છોકરી મારી પત્ની બનશે એણે જૈન ધર્મના સામાન્ય આચારો તો પાળવા જ પડશે. હું એવી જ છોકરીને પસંદ કરીશ. અને આ બાબતની ચોખવટ હું સગાઇ કરતાં પહેલાં જ એની સાથે કરી દઇશ. એને ના પાડવાની સ્વતંત્રતા છે.”
ધૈર્ય મિશાને પણ આ જ વાત જણાવી દીધી હતી. એટલે જ મિશાએ પપ્પાને કહી દીધું, “મારે એની સાથે મેરેજ નથી કરવા; કાંદા અને લસણ વદર તો કેવી રીતે જીવાય?!
પપ્પા-મમ્મીએ દીકરીને ખૂબ સમજાવી; થોડું-ઘણું દબાણ પણ કર્યું કચવાતા મન સાથે મિશા માની ગઇ. ધામધૂમથી સગાઇ અને પછી લગ્ન પણ થઇ ગયા.
મિશા માટે પણ એક-બે વાત કહેવી પડશે. એ મુક્ત હવામાં જીવતી ચકલી ભલે હતી, પણ એ એક સંસ્કારી છોકરી હતી. એ સ્વતંત્રતામાં ઊછરેલી હતી, સ્વચ્છંદતમાં નહીં. પરણીને સાસરે આવી એટલે તરત જ નવાં વાતાવરણમાં એ ભળી ગઇ.
ધૈર્ય એને ખૂશ રાખતો હતો. સામેથી પૂછી લેતો હતો, “તારે નવાં કપડાં લેવા છે? લે, આ પચાસ હજાર રૂપીયા.”
“ના, લગ્ન વખતે પિયરમાંથી હું એકાવન જોડી લઇને જ આવી છું. હમણાં નવાં કપડાંની જરૂર નથી.”
“તારે ફિલ્મ જોવા જવું છે? ચાલ, હું સાથે આવું.”
“હા, એ મને ગમશે.” મિશા ખૂશ થઇ ઊઠતી. ધૈર્ય એને જાણીતા સ્થળોએ ફરવા માટે પણ લઇ જતો હતો. કાંદા-લસણની શરતને બાદ કરતાં એ પત્નીની ઉપર બીજી એક પણ મર્યાદા ઠોકી બેસાડતો ન હતો. સૂર્યાસ્ત પહેલાં જમી લેવાનું પણ દબાણ કરતો ન હતો. પણ પ્રેમ એની અસર બતાવ્યા વગર રહે ખરો? મિશા પણ ધીમે-ધીમે પતિના માર્ગને અનુસરવા લાગી. સાસુમા સાથે તો એને એવું ફાવી ગયું જાણે સગાં મા-દીકરી! ઘરમાં જેઠાણીની સાથે મળીને બધું જ કામ પણ કરે. કિચનમાં રાંધતાં રાંધતાં મોબાઇલ ફોનમાં ગીતો પણ સાંભળે. જેઠાણીનાં નાનાં-નાનાં બે બાળકોને રમાડે પણ ખરી. અને રોજ દેરાસરમાં પણ જાય. સામાંચક અને પ્રતિક્રમણ પણ કરવા લાગી.
એક દિવસ ધૈર્ય પત્નીને કહ્યું, “હું સમેતશિખજી જઉં છું; ત્યાં પર્યુષણ મહાપર્વની આરાધના પૂ. આ.શ્રી. વિજયકીર્તિયશ સૂરીજી મહારાજ સાહેબની નિશ્રામાં કરવાનો છું.”
“હું પણ આવીશ.” મિશાએ કહ્યું. આજથી બે વર્ષ પહેલાંની આ ઘટના. ઘગઘદતી જુવાની માથે ઓઢીને આ શ્રાવક યુગલ યાત્રાધામમાં જઇ પહોંચ્યું. ત્યાં ગયા પછી મિશા તો પતિથી અલગ સાધ્વીજી મહારાજોની સાથે રહીને આરાધના કરવા લાગી. ધૈર્ય સાધુ ભગવંતોની નિશ્રામાં હતો. સમય ક્યાં પસાર થઇ ગયો એની જ ખબર ન રહી.
જ્યારે પાછા ઘરે આવવાનો સમય થયો ત્યારે મિશા એકાંતમાં પતિની સામે, રડી પડી, “મારે ઘરે નથી આવવું. અહીં જરહી જવું છે. દીક્ષા લેવી છે.”
“કેમ? શું થયું? સાસરીમાં નથી ગોઠતું?” મજાક કરી. “સાસરીમાં તો સુખ જ સુખ છે, પણ સંસારમાં મન નથી ચોટતું. અહીં રહ્યા પછી સમજાય છે કે છોડવો તો સંસાર અને લેવી તો દીક્ષા! પરમાત્માએ આપણને પૃથ્વી પર શા માટે મોકલ્યા છે? વાસનાની પૂર્તિ કરવા માટે? બાળકો પેદા કરવા માટે? ભૌતિક મોજશોખ પીરા કરવા માટે? હવે મને સમજાયું છે કે મોજશોખ માણતા રહેવાથી ક્યારેય ઇચ્છાઓ પૂરી થતી જ નથી. ઊલટાનું વધતી જાય છે. ખરું મહત્વ ત્યાગનું છે, સ્વૈચ્છિક સંયમનું છે, આ માર્ગે ચાલવાથી જ આત્માનું કલ્યાણ થશે.”
ધૈર્ય ઊછળી પડ્યો, “ શ્રાવિકા! તે તો મારા મનની વાત કરી નાંખી. ચાલ, આપણે બાળકો નહીં થવા દઇએ. નવા ઘરમાં પણ હવે રહેવા નથી જવું. હું મારો બિઝનેસ સમેટી લઉં છું. ઘરનાં મોટા ભાગના સભ્યો આપણાં આ નિર્ણયને સ્વીકારી લેશે....”
“પણ મમ્મી નહીં સ્વીકારે. મારાં સાસુજી મને દીકરીની જેમ ચાહે છે. પણ હું એમને મનાવી લઇશ.” મિશાની આંખોમાં જિનાશાસનનું તપ, ત્યાગ અને વૈરાગ્ય ચમકતા હતા.
આ યુવાન પતિ-પત્નીનાં લગ્નને હજુ દોઢ-બે વર્ષ જ થયા છે. પણ શી એમની દૃઢતા! શો એમનો સંયમ! દોમ-દોમ સાહ્યબીને ઠોકર મારીને કઠોર દીક્ષા માર્ગ અપનાવવા માટેનો કેવો એમનો થનગનાટ! મને આ પંક્તિઓ યાદ આવી ગઇ: હાથમાં ખાલી જામ હોય ત્યારે તો પ્યાસને સહુ રોકી શકે/ પણ સંયમ તો હું એને કહું, દોસ્ત, કે જ્યારે હાથમાં ફૂલ હોય અને કોઇ શ્વાસને રોકી શકે!
(શીર્ષકપંક્તિ: મનોજ ખંડેરિયા)
---------