Once Upon a Time - 23 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 23

Featured Books
Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 23

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 23

‘હાં તો મૈં ક્યા કહ રહા થા....’

બ્લૅક લેબલનો વધુ એક ઘૂંટડો ગળા નીચે ઉતારીને પપ્પુ ટકલા બોલ્યો.

અમે કંઈ રિસ્પોન્સ આપીએ એ પહેલાં જ તેણે પોતાની આદત પ્રમાણે એના ટકલા ઉપર હાથ ફેરવીને એણે વાત આગળ ધપાવી, ‘મુંબઈમાં આમ તો પચાસના દાયકાથી જ વેપારીઓ પાસેથી પ્રોટેક્શન મનીને નામે પૈસા પડાવવાનું શરૂ થઈ ગયું હતું. પણ એ વખતે અત્યારની જેમ ખંડણીપેટે બેફામ પૈસા પડાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એવું નહોતું. વળી, પ્રોટેક્શન મની ઊઘરાવનારાઓ ટપોરી ક્લાસના ગુંડાઓ રહેતા. એમની દાદાગીરી એમના વિસ્તાર પૂરતી જ સીમિત રહેતી હતી. એમનું કામ ચપ્પુથી જ ચાલી જતું હતું. પણ સાંઈઠના દાયકામાં હાજી મસ્તાન સ્મગલિંગની દુનિયાના બેતાજ બાદશાહ તરીકે બહાર આવ્યો અને એની સાથે કરીમલાલાનું નામ પણ ઊભરી આવ્યું. અને અંડરવર્લ્ડના એકદમ ટોચના ‘માથાં’ રિવોલ્વર અને પિસ્તોલ રાખતા થયા.

સાંઈઠના દાયકાના ઉતરાર્ધ સુધીમાં વરદરાજન મુદલિયાર પણ અંડરવર્લ્ડમાં કાઠું કાઢી ચૂક્યો હતો. જોકે એણે શસ્ત્રોનો બહુ ઉપયોગ કર્યો નહોતો. 1969ના નવેમ્બર મહિનામાં હાજી મસ્તાને કરીમલાલાની મદદ લઈને યુસુફ પટેલ પર ગોળીબાર કરાવ્યો ત્યારથી રિવોલ્વરનો ઉપયોગ થવા માંડ્યો એવું કહી શકાય. એ દરમિયાન પણ ટપોરી ક્લાસના ગુંડાઓ તો ચપ્પુથી જ કામ ચલાવતા હતાં. એ વખતે પ્રોટેક્શન મનીને નામે પૈસા ઉઘરાવતા ટપોરીઓ એકબીજાના વિસ્તારોમાં ઘૂસીને વેપારીઓ પાસેથી પૈસા પડાવવાની કોશિશ કરે તો મિની ગેંગવોર ખેલાઈ જતી હતી. પણ ગેંગવોરમાં સોડા બોટલ અને પત્થરોનો અને વધીને ચપ્પુનો ઉપયોગ થતો હતો. એ અરસામાં મોટું મિશન પાર પાડવાનું હોય તો રામપુરીનો ઉપયોગ થતો હતો. એ વખતે બનતી હિન્દી ફિલ્મોમાંય વિલનના હાથમાં રામપુરી બતાવીને પ્રેક્ષકોને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ થતો હતો. સિત્તેરના દાયકામાં ય 1977 સુધી તો સઈદ બાટલા, આલમઝેબ, અમીરજાદા, શબ્બીર અને દાઉદ જેવા એ વખતના બી ગ્રેડના ગુંડા સરદારો પણ ચપ્પુ અને છરાનો ઉપયોગ કરતા હતા. પરંતુ શબ્બીર ઈબ્રાહીમની હત્યા પછી અંડરવર્લ્ડમાં અત્યાધુનિક શસ્ત્રો વાપરવાનો ટ્રેન્ડ શરૂ થયો. એમાંય સમદ ખાને બધાથી એક ડગલું આગળ ચાલીને માઉઝર અને સ્ટેનગનનો ઉપયોગ શરૂ કર્યો હતો.’

પૂરક માહિતી આપ્યા પછી પપ્પુ ટકલાએ નવી ફાઈવ ફાઈવ સળગાવી અને અંડરવર્લ્ડની ગૅંગવોરનો ઈતિહાસ આગળ ધપાવ્યો: ‘4 ઓક્ટોબર, 1984ના દિવસે ખલીલ મહમ્મદ, શમીમ ખાન અને નસરીન ખાન સાથે સમદ ખાન લિફટમાં નીચે ઉતર્યો ત્યારે સવારના સાડા પાંચ વાગી ગયા હતા. સમદ, ખલીલ, શમીમ અને નસરીન લિફ્ટમાંથી બહાર આવીને કોરિડોરમાં ચાલવા માંડ્યા. તેઓ કોરિડોરના સામા છેડે આવે એ અગાઉ જ કોરિડોરના સામા છેડેથી અંધાધૂંધ ગોળીબાર શરૂ થયો હતો. સમદ કંઈ સમજે એ અગાઉ તો તેના શરીરમાં ગોળીઓ ઘૂસવા માંડી હતી. સમદની સાથે ચાલી રહેલી નસરીન ઉર્ફે સીમા આંખના પલકારામાં દીવાલ સરસી થઈ ગઈ હતી. શમીમ ખાન બીજી બાજુની દીવાલ લગોલગ નીચે બેસી ગઈ. પણ એક ગોળી એના શરીરમાંય ઘૂસી ગઈ. લિફ્ટમેન ગોવિંદ મહાડિકને પણ બે ગોળીઓ વાગી. ખલીલ સ્ટેનગનનું નાળચું સામી દિશામાં કરીને ટ્રિગર ઉપર હાથ દબાવે એ પહેલાં તો એય ગોળીઓથી વિંધાઈ ગયો હતો. સમદ થોડા ડગલાં પાછળ હટી ગયો. તેણે પોતાના શરીરને સ્થિર રાખવાની મથામણ કરી, પણ અંતે એણે બૅલેન્સ ગુમાવ્યું. એણે દીવાલનો સહારો લીધો. પણ હાથ-પગ સ્થિર રહી શકતા નહોતા. તે ધડામ દઈને કોરિડોરમાં પડી ગયો. આ બધો ખેલ આઠથી દસ સેકન્ડમાં પૂરો થઈ ગયો હતો.

એ એટેકમાં નસરીન ઉર્ફે સીમાનો વાળ પણ વાંકો થયો નહોતો. બાકીના બધાને ગોળી વાગી હતી. સમદના બોડીગાર્ડ ખલીલ અહમદ અને લિફ્ટમેન ગોવિંદ મહાડિક જમીનદોસ્ત થઈ ગયા હતાં. સમદના શરીરમાં બે ચાર નહીં, પૂરી ઓગણીસ ગોળીઓ ઘૂસી ગઈ હતી. અને સમદનો દેહ થોડી ક્ષણ તરફડિયાં મારીને નિશ્ચેતન બની ગયો હતો.

સમદ ખાન સિક્કાનગરના ‘ઈ’ બ્લોકમાં ગુજરાતી બિઝનેસમેન શાહના ઘરે જવાનો હોવાની પાકી માહિતી દાઉદ ઈબ્રાહીમને મળી ગઈ હતી. અને દાઉદે પોતાનું ભેજું અને માણસોને દોડાવ્યા હતા. સમદ એની બહેનના સગપણ માટે સિક્કાનગર ગયો હતો. ઇન્દોરથી આવેલી શમીમ ખાનના દીકરા અને નસરીન ઉર્ફે સીમાના ભાઈ સાથે સમદની બહેનની સગાઈ થઈ હતી પણ પછી એ સગાઈ તૂટી ગઈ હતી. બહેનની સગાઈ ફરી એ જ છોકરા સાથે કરવા માટે સમદે શમીમ ખાન અને નસરીન સાથે બેઠક ગોઠવી હતી મધરાતે સિક્કાનગરમાં બધા સગપણની વાત કરી રહ્યા હતાં ત્યારે દાઉદના માણસો અને વાહનો મુંબઈના રસ્તાઓ પર દોડાદોડ કરી રહ્યા હતા.

સમદ, શમીમ ખાન, નસરીન અને ખલીલ મહમ્મદ લિફ્ટની બહાર આવીને કોરિડોરમાં આગળ વધ્યા ત્યારે કોરિડોરમાં સામા છેડે અચાનક છ શસ્ત્રધારી માણસ ફૂટી નીકળ્યા હતા. એમાં વચ્ચોવચ ઊભેલા દાઉદને સમદે આછા અજવાળામાં ય ઓળખી લીધેલો. સમદનો હાથ કમર તરફ વળ્યો હતો. પણ એનો હાથ કમર સુધી પહોંચે એ પહેલાં તો દાઉદ અને તેના માણસોએ ધાણીફૂટ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સમદ બચી જાય એવી કોઈ શક્યતા ન રહે એ માટે એ પડી ગયો પછી એની નજીક જઈ દાઉદે વધુ અડધો ડઝન ગોળી એના શરીરમાં ધરબી દીધી. સમદનાં શરીરમાં કુલ ઓગણીસ ગોળી ઉતરી ગઈ હતી. ‘ઓપરેશન’ પૂરું કરીને દાઉદ અને એના સાગરીતો ત્યાંથી રફુચક્કર થઈ ગયા.

દાઉદે સમદનું ખૂન કરવા માટે પ્લાન ઘડ્યો ત્યારે નવ કાર અને અઢાર શૂટર્સ સહિત કુલ ત્રણ ડઝનથી વધુ માણસોને સમદની પાછળ લગાવી દીધા હતા. સમદ, શમીમ ખાન અને નસરીનને મૂકવા એરપોર્ટ જવાનો હતો અને એ પહેલાં જુહૂની ફાઈવ સ્ટાર હોટેલ સન એન્ડ સેન્ડમાં પાંચ-દસ મિનિટ માટે રોકાવાનો હતો. એવી તમામ ઝીણવટભરી માહિતી દાઉદને મળી ગઈ હતી. દાઉદે સિક્કાનગરના ‘ઈ’ બ્લોકની બહાર ચુનંદા શૂટર્સ સાથે સવારના ચાર વાગ્યાથી ધામો નાખી દીધો હતો. પાંચ શૂટર દાઉદની સાથે હતાં અને બાકીના પાંચ ઈ-બ્લોકની આજુબાજુ ગોઠવાઈ ગયા હતાં. કોઈ પણ સંજોગોમાં સમદ બચવો ન જોઈએ. એવો ઓર્ડર દાઉદે બધા શૂટર્સને આપી રાખ્યો હતો. ભૂલેચૂકે ય સમદ દાઉદના હાથમાંથી છટકી જાય તો બીજા શૂટરોએ સમદનું કામ તમામ કરવાનું હતું.

સમદ કદાચ વિચાર બદલીને શાહના ઘરે ન પણ જાય તો જુહુમાં ‘સન એન્ડ સેન્ડ’ની બહાર એને ‘વધાવવા’ માટે ચાર શાર્પ શૂટર સહિત નવ ગુંડા ત્રણ કારમાં રસ્તાના એક કિનારે થોડા થોડા અંતરે ગોઠવાઈ ગયા હતા. ત્યાંથી પણ કદાચ સમદ જીવતો નીકળી જાય તો વેસ્ટર્ન હાઈવેથી એરપોર્ટ જવા માટેના રસ્તા પર ખૂણામાં બીજા દસ ગુંડા ટાંપીને બેઠા હતાં. સમદે સ્ટેનગનનો ઉપયોગ શરૂ કર્યો હતો અને એના ગમતા શસ્ત્ર સ્ટેનગનથી જ એ કમોતે મરવાનો હતો. જુહૂ અને એરપોર્ટ બહાર ગોઠવાયેલા ગુંડાઓને શસ્ત્રો ચલાવવાની જરૂર જ ન પડી. સિક્કાનગરમાં જ સમદનો જીવનખેલ પૂરો થઈ ગયો હતો.’

પપ્પુ ટક્લાએ નાનકડો બ્રેક લઈને નવી ફાઈવફાઈવફાઈવ સળગાવી અને એનો એક ઊંડો કસ ખેંચીને હોઠો વચ્ચેથી વર્તુળાકારે ધુમાડો બહાર ફેંક્યો અને પછી આદતવશ અમને પૂછી લીધું, ‘ આપણે ક્યાં પહોંચ્યા હતા?’

અમે કશું બોલીએ એ પહેલા જ તેણે પોતાની ટેવ પ્રમાણે વાત આગળ ધપાવવા માંડી: ‘ભરજુવાનીમાં સમદ ખાનની જિંદગી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હોવાની ખબર કરીમલાલાને પડી ત્યારે તે હતપ્રભ બની ગયો હતો. કરીમલાલાની સાથે જ પોલીસ કમિશનર જુલિયો રિબેરો અને ફિલ્મ અભિનેતા દિલીપકુમારને પણ સમદના કમોતની જાણ થઈ હતી. દિલીપકુમાર એમના ભાઈ એહસાન ખાન સાથે પહેરેલા કપડે કરીમલાલા પાસે દોડી ગયા હતા. કરીમલાલા અને સમદના પિતા રહીમખાનને કેમ આશ્વાસન આપવું એ દિલીપકુમારને સમજાતું નહોતું, પણ દિલીપકુમારે દોસ્તી નિભાવી હતી. આખો દિવસ એ કરીમલાલા અને રહીમખાનની સાથે રહ્યા હતા. સમદ ખાનની અંતિમક્રિયા વેળા કરીમલાલાની સાથે ખભો મિલાવીને ચાલી રહેલાં ટ્રેજેડી કિંગની આંખોમાં એ દિવસે સિલ્વર સ્ક્રીનની બહાર આંસુ જોવાં મળ્યાં હતાં!

સમદની અંતિમયાત્રા મુંબઈના નારિયેળવાડી મુસ્લિમ કબ્રસ્તાન તરફ શરૂ થઈ ત્યારે દિલીપકુમારની સાથે મુસ્લિમ લીગના જનરલ સેક્રેટરી જી. એમ બનાતવાલા અને હાજી મસ્તાન પણ ભારે પગલે કરીમલાલાને સાથ આપી રહ્યા હતા. એ વખતે એમાંથી કોઈને અંદાજ નહોતો કે થોડા સમય બાદ જ ફરી એક વાર સુરતની એક છોકરીને કારણે પઠાણ ગૅન્ગે કેટલો મોટો કુઠારાઘાત સહન કરવો પડવાનો હતો!’

(ક્રમશ:)