khali ganju in Gujarati Short Stories by Ashoksinh Tank books and stories PDF | ખાલી ગંજુ

Featured Books
Categories
Share

ખાલી ગંજુ

હું મારી બાઇક લઇને નીકળ્યો. રોડ પર એક ગામડાનો માણસ ઊભો. હતો વધી ગયેલા અને અડધો અડધ સફેદ વાળ, જે ઉંમર કરતા ઉપાધિના વધારે લાગતા હતા. થોડા દિવસની ચડી ગયેલી દાઢી હતી .ચોળાઈ ગયેલા કપડા પહેર્યા હતા. હાથમાં મેલી થઈ ગયેલી થેલીમાં ટિફિન હતું.હું જે તરફ જતો હતો તે તરફ જ તેને જવું હતું. એવું મને લાગ્યું તેને લિફ્ટ જોતી હતી પણ આવા માણસોએ કોઈ પાસે ક્યારેય કહી માગ્યું ના હોય એટલે તેમને સંકોચ થતો હોય, તેની નજરથી મને આ વાત સમજાઈ ગઈ. મેં મારી બાઈક ઉભી રાખી ને કહ્યું, "કઈ બાજુ જવું છે ભાઈ?" તે થોથવાતા બોલ્યા, "ડેરી બાજુ જવું છે" મેં બેસારી લીધા.
તેને જોઈનેેે મને યાદ આવ્યું, હું જ્યાં નોકરી કરવા જાવ છું તેની બાજુના જ ગામના તે હતા. તેમનું ખેતર રોડની બાજુમાં આવેલું છે. મેં તેને ઘણી વખત ખેતરમાં સાંતિ હાકતા, નિંદામણ કરતા, પાણી વાળતા જોયેલા, વળી ક્યારેક શેઢે ભેંસો, ને બળદ ચરાવતા પણ જોયેલા.


મેં તેને પૂછ્યું, " મને ઓળખ્યો?" "ના.... ભાઈ" તેણે કહ્યું, પછી મેં કહ્યું, " હું તમારા બાજુના ગામ માં નોકરી કરું છું. મેં તમારું ખેતર જોયું છે તમને પણ ત્યાં રોજ કામ કરતા જોઉં છું. એટલે જ તો ઓળખી ગયો" તે કહેવા લાગ્યા, "સારું થયું ભાઈ ઓળખી ગયા હું ટેમે પોગી તો શકીશ. તમે ન મળ્યા હોત તો હું ચાલવા લાગેત. ભાઈ.. આ વરહે વરસાદ ઓછો છે એટલે આ બધા વૈતરા કરવા પડે છે. નકર હું તો દસ વીઘા જમીનનો ખાતેદાર ખેડૂત છું. મારે બે ભેંસો અને બે બળદો છે. પણ કુવે પાણી આ વર્ષે નથી થયું.

મારે સાત જીવનું પુરુ કરવું આ વર્ષે અઘરું પડે છે. " મને નવાઈ લાગી, ને થોડી ચીડ પણ ચડી કે આ લોકો આટલા બધા છોકરાઓ શું કામ કરતા હશે? મેં કહ્યું, "ભાઈ તમારે સાત છોકરાઓ છે?" તે બાઈક પાછળ બેઠા બેઠા હસ્યા, ને કેહવા લાગ્યા, "ના ભાઈ... ના.. બે છોકરા, એક બૈરુ, બે ભેંસ, ને બે બળદો... થઈ ગયા ને સાત ?" મને માન થયું. ગામડા ગામનો એક ખેડૂત પોતાના પશુધનને પણ પરિવારના જ સભ્યો ગણે છે. તેણે આગળ વાત કરી, "મારા છોકરાઓ દૂધ છાશ વાટકા ભરી ભરીને ખાતા હોય, ને મારી ભેંસોને બળદની ગમાણ ખાલી હું કેમ જોઈ શકુ?
આ વરહે ખાતર બિયારણ માં બધી બચત વપરાઈ ગઈ. ખેતી માં કાંઈ ઉપજ ના આવી એટલે આ બધા જીવના પેટ ભરવા આ ડેરીની નોકરીમાં લાગી ગયો છું. રાતે નોકરી ચાલુ થાય સવારે ચાર વાગ્યે પુરી."મેં પૂછ્યું, "કામ શું કરવાનું?"તેણે કહ્યું, "કામમાં તો દુધના ખાલી કેન ગરમ પાણીથી ધોવાના. સવારે ચાર વાગે છૂટો થઈ જાવ. હાલીને આયા સુધી આવી જાવ. એટલે કોક વાહન મળે એનાથી ઘરે પોગી જાવ. ઘડીક પોરો ખાઈને ખેતરે પાછો કામે લાગી જાવ.

ડેરીવાળા રોજના બસો રૂપિયા આપે છે. એમાં હું સાત જીવનું ગુજરાન હકાવ્યે રાખું છું. આવતા ચોમાસે ભગવાન વરસાદ સારો આપશે. એટલે હે.....યને બધા સારા વાના થઈ જશે"

આટલી વાત કરી ત્યાં ડેરી આવી ગઈ. તે ઉતરી ગયા. ગામડાના માણસ એટલે આભાર વ્યક્ત કરતા નો આવડ્યો. ઉતરીને મારી સામે જોઈ રહ્યા. તેની આંખો પરથી હું તેનો આભાર નો ભાવ સમજી ગયો. તેણે કહ્યું, "ભાઈ, સામે હોટલે તમને ચા તો પાવી છે, પણ.... ગંજુ ખાલી છે!!!"એમ કહી મારી સામે ફિક્કુ હસીને ટિફિન ઝુલાવતા ડેરી ના ગેટ તરફ ચાલવા લાગ્યા.

લેખક:
અશોક સિંહ ટાંક.
(પ્રતિલિપિ વાર્તા મહોત્સવમાં 32માં સ્થાને આવેલી વાર્તા)