Atitna Padchhaya - 4 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | અતીતના પડછાયા - 4

Featured Books
Categories
Share

અતીતના પડછાયા - 4

અતીતના પડછાયા

વ્રજલાલ હિરજી જોષી

. સફેદ છાયા

ઘનઘોર વાદળ વચ્ચે ચંદ્રમા છુપાઈ જતા સર્વત્ર ગાઢ અંધકાર છવાઈ ગયો. રાત્રીના અગિયાર વાગ્યાનો સમય થયો હતો. મેઘલી રાત હતી. વરસાદ હમણાં જ તુટી પડશે, તેવું લાગતું હતું. ' ગડ... ડુ... ડુ... ડુમ... ધડામ... ' કાળા ડિબાંગ આકાશમાં એકાએક ગર્જનાઓ થવા લાગી. આકાશમાં આગના લીસોટા વેરતી વીજળીના ચમકારાનો ઉજાસ ક્ષણ માટે ફેલાતો અને પછી અંધકાર... એકદમ અંધકારમાં ગર્જનના ભેદી ધડાકા ભલભલાની છાતીનાં પાટિયાં બેસાડી દે તેમ જ વાદળો ગરજતાં હતા.

સુમસામ હાઈવે પર અત્યારે ચકલું પણ ફરકતું ન હતું. રસ્તાની બંને તરફ બાવળનાં ઊગેલાં કાંટાળા વૃક્ષોમાંથી સુસવાટા મારતો પવન વિચિત્ર અવાજ પેદા કરતો હતો.

અચાનક એક જોરદાર કડાકો થયો અને પછી પવનના સુસવાટા અને ધુળોની ઊડતી ડમરીઓ વચ્ચે વરસાદ પુરજોશ સાથે વરસવા લાગ્યો.

અંજાર ગામમાં એકદમ સોપો પડી ગયો હતો. વરસાદ ચાલુ થતાં તરત વીજળી ગુલ થઇ ગઈ. રસ્તાઓ પર માણસ તો ઠીક કોઈ કૂતરું પણ દેખાતું ન હતું. દુકાનો હોટલો બંધ થઈ ગઈ હતી. લોકો પોતાના ઘરમાં ભરાઈ ને બેઠા હતા.

વરસાદ અને ભયંકર ગતિથી ફૂંકાતી હવાના સુસવાટા ભર્યા ઝાપટાં સિવાય સન્નાટો છવાયેલો હતો. વચ્ચે વચ્ચે થતો વાદળોનો ભીષણ ગડગડાટ વાતાવરણને વધુ બિહામણું ખોફનાક બંધ બનાવતું હતું.

અંજારથી ભૂજ વચ્ચેના વેરાન રસ્તા પર પૂરપાટ વેગે ગાડી દોડાવતો રાજ ભૂજ રોડ પર સ્થિત પોતાના ફાર્મ પર આવેલ બંગલા રત્નદીપ તરફ જઈ રહ્યો હતો.

કંપનીમાં કામ ઘણું હોવાથી તે આ જ ઘણો મોડો પડ્યો હતો નહીંતર તે નવ વાગ્યાના સમયે તો ઘરે પહોંચી જતો.

ભયાનક વરસાદ અને સુસવાટા ભેર ફૂંકાતા પવનભર્યા ખોપરીના વાતાવરણની જરાય પરવા કર્યા વગર તે ગીતની ધૂન સાંભળતો ગાડી હંકારી રહ્યો હતો. તેની ઇનોવા ગાડીમાં એ. સી. ની આહલાદક ઠંડક પ્રસરેલી હતી. ગાડીની હેડલાઇટના ઝળહળતા પ્રકાશમાં પણ બહારનું દ્રશ્ય એકદમ ધૂંધળું દેખાતું હતું. ગાડીના ઝડપથી ચાલતા વાયફર દ્રશ્યને ચોખ્ખું બનાવવાની નાકામ કોશિશ કરતા હતા.

રાત બેહદ ભયાનક અને ડરામણી હતી.

આવા બિહામણા વાતાવરણમાં અંજારથી ભૂજ જતા હાઇવેના રોડથી એકદમ નજીક એક મોટા વૃક્ષની નીચે એક છાયા ઊભી હતી. વરસતા વરસાદમાં તેનું પૂરું શરીર અને કપડાં પલળી ગયાં હતાં. તેના શરીર પરથી વરસાદનું પડતું પાણી નીતરતું હતું.

વરસતો વરસાદ, ગાજવીજ અને સુસવાટાભેર ફૂંકાતા પવનની તેના પર કોઈ જ અસર થતી ન હોય તેવું જણાતું હતું.

બિહામણા વાતાવરણમાં સફેદ સાડી પહેરીને સજ્જ થયેલી તે એક સ્ત્રીની છાયા હતી. ઘાટીલો બાંધો ધરાવતી તે છાયાના લંબગોળ ચહેરા પર કોઇ જાતના ભાવ ન હતા. તેનો ચહેરો એકદમ સફેદ અને કોરી સ્લેટ જેવો દેખાતો હતો. લંબગોળ ચહેરા પર તેને ગોળ અને મોટી આંખોમાં લાલાશ તરવરતી હતી. તેના ખુલ્લા વાળ કમર સુધી નીચે લહેરાતા હતા. તેનો પૂરો દેખા વિચિત્ર અને બિહામણો લાગતો હતો. દૂરથી આવતી ગાડી જોઈ તેની આંખોમાં વિચિત્ર ચમક ઉભરાઇ.

ગાડી ટર્ન લઈને આગળ વધતાં રાજની દ્રષ્ટિ સડકની એક તરફ ઉભેલી તે છાયા પર પડી. વરસતા વરસાદમાં દૂરથી તે છાયા એકદમ ધૂંધળી દેખાતી હતી.

મોટા વૃક્ષની નીચે ઊભેલી તે છાયાને જોઈ રાજ એકદમ ચોંકી ઉઠ્યો. તેના શરીરમાં એક આછી ઝણઝણાટી ફરી વળી.

"વરસતા વરસાદ ભરી ભયાનક રાત્રિના ત્યાં કોણ ઊભું હશે... ?શું કોઈ પ્રેતાત્મા હશે... ? વિચારથી જ રાજનું હૃદય ધડકી ઊઠ્યું. જેમ જેમ ગાડી આગળ વધતી જતી હતી તેમ તેમ ગાડીની હેડલાઈટના પ્રકાશમાં તે સ્ત્રીની છાયા સ્પષ્ટ દેખાતી જતી હતી. હવે તે સ્ત્રી સડકના કિનારા પાસે આવીને ઊભી હતી અને હાથ હલાવીને રાજને ગાડી ઉભી રાખવાનું કહી રહી હતી.

"શું કરવું... ?ગાડી તો થોભવું કે જવા દઉં... ?"!રાજ નક્કી કરી શકતો ન હતો ગાડી થોભાવી જો તો ખરો તે કોણ છે... "મન મક્કમ કરી તે બબડ્યો. આમે રાજ એકદમ હિંમતવાન અને સાહસિક હતો. તેને એડવેન્ચર્સ અને અવનવું જાણવાનો શોખ હતો અને તે ભૂતપ્રેત જેવી વાતોમાં માનતો પણ ન હતો.

સફેદ કપડાં પહેરેલી છાયાની નજદીક આવતાં જ રાજના પગ બ્રેક પર દબાયા.

ચિ ઈ ઈ ઈ... ટાયર્સની ચિચિયારીના અવાજ સાથે ઈનોવાને બ્રેક લાગી.

ગાડી બ્રેક થઈ એટલે તરત રાજે વિન્ડો ગ્લાસની સ્વીચ દબાવી. આછો સરસરાથી સાથે કાચ નીચે સરી ગયો.

" સાહેબ... મને લિફ્ટ આપશો. મારે થોડા આગળ જવું છે... વરસાદ બહુ છે... કોઈ વાહન પણ મળે તેમ લાગતું નથી... "

રાજ તેની સામે જોઈ રહ્યો. રાજને તેનો અવાજ જાણે ઊંડા કૂવામાંથી આવતો હોય તેવો લાગ્યો. કદાચ ધોધમાર વરસાદને લીધે તેવું લાગ્યું હશે.

"સાહેબ... "પલળતા શરીરને સંકોચતાં ફરીથી બોલી.

રાજ વિચારમાંથી બહાર આવ્યો અને તરત ખાલી સાઈડનો દરવાજો ખોલી નાખ્યો.

"આવી જાવ... "

"પણ... સાહેબ મારાં કપડાં એકદમ પલાળેલા છે. તમારી ગાડીની સીટો... "

"તમે અંદર આવી જાવ... સીટો પલળવાની ચિંતા કરશો નહીં. "

તે સ્ત્રી તરત અંદર બેસી ગઈ. રાજે તરત દરવાજો બંધ કરવા હાથ લંબાવ્યો. તેણે દરવાજો તો બંધ કર્યો, પણ તે દરમિયાન તેનો હાથનો સ્ત્રીના કાંડા સાથે સ્પર્શ થયો.

રાજના પગથી માથા સુધી ભયની એક ઠંડી લહેર દોડી ગઈ. સ્ત્રીનો હાથ એકદમ ઠંડો હતો. જાણે કોઈ મૃત શરીરને સ્પર્શ થયો હોય તેવો રાજને અનુભવ થયો.

રાજે એક વખત તેની સામે જોયું પણ તે સ્ત્રીનો ચહેરો કોઈ માસુમ બાળા જેવો તેને લાગ્યો. રાજે ગાડીનું લીવર દબાવ્યું, ગાડી આગળ વધી.

"આભાર તમારો સાહેબ... નહીંતર કોઈ આટલી રાત્રે આવા ભયાનક વાતાવરણમાં ગાડી ઉભી જ ન રાખે. "

"તે નજર રાખે ને... તમારો દેખાવ, તમારાં સફેદ કપડાં અને રાત્રિનો સમય વેરાન વગડો... "

"હા... સાહેબ સૌ કોઈ મને પ્રેતાત્મા જ સમજે અને બીકથી મારી સામે જોયા વગર ગાડી દોડાવી નાખે... " કહેતાં તે હસી પડી.

તેની વાત સાંભળી રાજ પણ ખડખડાટ હસી પડ્યો.

અચાનક પોતાના હસવાને બ્રેક મારી રાજે તેમની સામે જોયું. "પણ મેડમ, તમે રાત્રીના આવા ભયાનક વરસાદ વચ્ચે અહીં કેમ ઉભા હતા અને તમારે ક્યાં જવું છે... ? મેડમ રાત્રીના આવી જગ્યાએ એકલા... તે કોઈપણ સ્ત્રી માટે હિતાવહ નથી. "

"સાહેબ મારે અહીંથી થોડે જ દૂર એક પુરાણી હવેલી આવેલી છે ત્યાં જવું છે. હું મુંબઈથી આવી છું. મારે મારા પિતાને મળવું છે... અને રહી વાત આ જગ્યાની તો હું અહીં પહેલીવાર આવી છું. મને ગાડીવાળો અહીં ઉતારી ગયો. કહ્યું કે સામે જ હવેલી છે. બે મિનિટનો રસ્તો છે. "

" પણ... પણ... મેડમ અહીં તો હાઇવેની બંને સાઇડ ફાર્મ હાઉસ બનેલા છે. તે સિવાય વાડીઓ અને ખેતરો છે. અહીં કોઈ હવેલી... "કપાળ પર આંગળી ટપટપવતા વિચારભર્યા અવાજે રાજ બોલ્યો.

" સાહેબ... થોડો આગળથી ક્યાંક જમણી તરફ એક કાચો રોડ જાય છે અને ત્યાં હવેલી આવી છે. હવેલી એકદમ પુરાણી છે. ત્યાં કોઈ જ જતું નથી અને તે કાચો રસ્તો જ્યાંથી ફંટાય છે ત્યાં મોટો ફાર્મ હાઉસ આવેલ છે. જેનું નામ કંઈક રત્ન... રત્ન... "

"રત્નદિપ... ?

"હા, સાહેબ... એ જ રત્નદિપ નામના ફાર્મ હાઉસ પાસેથી રસ્તો વળે છે.

"પણ ત્યાં આગળ તો જે હવેલી છે ત્યાં મારા ખ્યાલથી કોઇ જ રહેતું નથી અને તે હવેલી માત્ર ખંડેર બનીને રહી ગઈ છે.

"તમારી વાત સાચી છે પણ ત્યાં મારા પિતાજી ચોકીદાર તરીકે કામ કરે છે. તેનું નામ મોહનભાઈ છે. તેમને સૌ મોહનકાકા કહીને બોલાવે છે.

"ઠીક છે, ચાલો તમને હવેલી પાસે જ મૂકી આવીશ. બાકી ત્યાં કોઈ ચોકીદાર છે તેની મને ખબર નથી, પણ તમે જે રત્નદિપ ફાર્મ હાઉસનું નામ કહ્યું તે મારો જ ફાર્મ છે. "

" એમ... તે ફાર્મ તમારું છે... સારું ત્યારે કોઈ કોઈ વાર મળવાનું થશે. "

"જરૂર આવજો, મેડમ... ?

"મારું નામ રૂપા છે. તમે મને મેડમ નહીં, રૂપા કહીને જ બોલાવજો. "

" તમારું નામ... ?

"મારું નામ રાજ છે, મારા પિતાનું નામ હરીલાલ... " તમે મારાથી ઉંમરના મોટા છો એટલે હું તમને રૂપા નહીં પણ રૂપાદીદી કહીને બોલાવીશ.

હજુ વરસાદ પૂરજોશ સાથે ચાલુ હતો.

લગભગ વીસ મિનિટમાં જ તેઓ ત્રિભેટ પાસે પહોંચ્યા. જ્યાં એક રસ્તો ભૂલી જતો હતો અને ત્યાંથી એક કાચો રસ્તો તે પુરાણી હવેલી તરફ જતો હતો. ત્રીભેટથી થોડે જ દૂર હરિલાલનું ફાર્મ હાઉસ હતું. રાજે ગાડીને ધીમી પાડી પછી હવેલી તરફ જતાં કાચા રસ્તા તરફ વાળી દીધી. ઊબડખાબડ રસ્તામાં ચારે તરફ વરસાદના પાણીનાં ખાબોચિયાં ભરેલા હતા.

" રૂપા દીદી... તે પુરાણી હવેલી અમારા ફાર્મહાઉસના પાછળના ભાગમાં જ આવેલ છે. અમારા બંગલાથી હવેલી જવું હોય તો વોકિંગ ડિસ્ટન્સ છે. પણ મારા પિતાજીને કોણ જાણે કેમ તે હવેલીથી એલર્જી છે કે પોતે પણ ક્યારેય તે તરફ જતા નથી અને અમને પણ તે હવેલી તરફ જવા દેતા નથી. "

"કેમ... ?શું તમારા પિતા સાથે એવો કોઇ બનાવ બનેલો છે, કે તેઓને તે હવેલીથી એલર્જી છે... ?"

"કોણ જાણે... પણ અમે આ ફાર્મ હાઉસ ખરીદ્યું, ત્યારે તેની પાછળ પુરાણી હવેલી આવેલી છે તે પિતાજીને ખબર ન હતી. ખરીદી લીધા પછી જ તેમણે હવેલી વિષે જાણ થઈ. તેઓ ત્યારે પણ કહેતા હતા કે હવેલી વિશે જો મને પહેલાથી માહિતી હોત તો હું ફાર્મ હાઉસ ખરીદત જ નહીં. "

ગાડી હવેલી પાસે પહોંચતા બંને ચૂપ થઈ ગયાં. ગાડી ત્રાંસી ઉભેલી હોવાથી હેડલાઇટનો પ્રકાશ હવેલી સુધી પૂરો પહોંચતો ન હતો. આછા પ્રકાશમાં રાજ હવેલીને તાકી રહ્યો.

જર્જરિત બની ગયેલી હવેલી લાલ પથ્થરની બનેલી હતી. આગળ લાકડાનો દરવાજો બનેલો હતો. પણ લાકડું ખવાઈ ગયું હતું. હવેલીની ચારેતરફ બંજર જમીનમાં જંગલી ઘાસ અને બાવળ ઊગી નીકળ્યા હતા. હવેલી બે માળની બનેલી હતી. ઉપરના માળા પર દરવાજા તરફના ભાગમાં ઊભા રહી બહારનું દ્રશ્ય જોઈ શકાય તે માટે બે મોટા ઝરૂખા બનેલા હતા. ચારે તરફ છવાયેલી વેરાની હવેલીની ભયાનકતામાં વધારો કરતી હતી. હવેલીમાં કોઈ રહેતું હોય તેવું એક પણ નિશાન રાજનેજોવા ન મળ્યું.

ગાડી થોભતા રૂપા તરત જ ગાડીનો દરવાજો ખોલી બહાર નીકળી અને કંઈ જ બોલ્યા વગર ઝડપથી હવેલી તરફ જવા લાગી. રાજ તેને પાછળથી તાકી રહ્યો...

@@@

વરસાદ પડી જતાં બીજા દિવસની સવાર એકદમ ખુશનુમા ભરી હતી. ફાર્મહાઉસમાં બંગલાની આગળ બનાવેલ બગીચો ફૂલોથી છવાઈ ગયો હતો. વાતાવરણમાં ભીની માટીની મહેક તથા ફૂલોની સુગંધ ફેલાયેલી હતી.

બગીચાની લોનની વચ્ચે ગ્રેનાઇટનું મોટું ટેબલ બનાવેલું હતું. ટેબલ ફરતાં ત્યાં પ્લાસ્ટિકની ખુરશીઓ ગોઠવેલ હતી. હરિલાલ તેના ઘરના સભ્યો સાથે દરરોજ સવારનો નાસ્તો ત્યાં જ લેતો.

અત્યારે ત્યાં હરિલાલ, ઉજ્જવલા અને રાજ બેઠાં હતાં.

ચા પીતાં - પીતાં અચાનક રાજને રાતવાળો બનાવ યાદ આવ્યો.

"ડેડી... "તે બોલ્યો.

૬૧-૭૫

"બોલ બેટા... "પ્રેમભરી દ્રષ્ટિએ વાત્સલ્ય સાથે રાજ સામે તાકી રહ્યો.

"ડેડી... કાલ રાત્રે હું આપણી મિલથી ઘરે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં રોડની એક તરફ મેં એક સ્ત્રીને જોઈ. તે સ્ત્રીએ સફેદ વસ્ત્રો ધારણ કર્યા હતાં.

"રોડ પર અર્ધી રાત્રીના વરસતા વરસાદમાં સ્ત્રી ઊભી હતી... ?"

"હા, ડેડી... "

" પછી... ?"

" ડેડી દૂરથી તે સ્ત્રી મને કોઈ પ્રેતાત્મા જેવી લાગી. મારી ગાડી નજીક આવી કે તરત તે સ્ત્રી રોડ પર આવી લિફ્ટ આપવા માટે હાથથી ગાડી થોભાવવા માટે સંકેત આપવા લાગી. પનજદીક આવ્યા પછી મને લાગ્યું કે ખરેખર તે કોઈ સ્ત્રી છે. પણ ડેડી તેનો ચહેરો એકદમ સફેદ લાગ્યો. આંખો મોટી અને લાલચોળ દેખાતી હતી. એક ક્ષણ તો મને થયું કે ગાડીને પૂરપાટ વેગે દોડાવી જાઉં પણ પછી મેં ગાડીને થોભાવી. "

"માય ગોડ... આવી વરસાદભરી ભયાનક રાત્રીના સુમસામ રોડ પર સફેદ કપડાં પહેરેલી સ્ત્રી... પછી... ?" ગભરાટભર્યા સ્વરે ઉજજવલા બોલી ઊઠી.

રાજે એક વખત મમ્મી સામે જોયું પછી તે હસી પડ્યો. "મમ્મી ખરેખર તે સ્ત્રી જ હતી અને તને તો ખબર છે કે હું ભૂત-પ્રેત માં માનતો નથી. આ દુનિયામાં એવી કોઈ જ વસ્તુ છે જ નહીં. "

"પછી શું થયું રાજ... ?"ઉત્સુકતા સાથે હરિલાલે પૂછ્યું.

" ડેડી મેં ગાડીને થોભાવી અને તેને લીફ્ટ આપી. તે ગાડીમાં બેસી ગઈ અને મેં દરવાજો બંધ કરવા હાથ લંબાવ્યો. ડેડી... ખરેખર મને ખૂબ જ વિચિત્ર અનુભવ થયો. "

" બેટા... રાત્રીનાં સમયે તારે ગાડી ઉભી રાખી કોઈને લિફ્ટ ન આપવી જોઈએ... શું ખબર ક્યારે શું થાય? તે સ્ત્રી... "

" ઉજ્જ્વલા, પહેલાં તું રાજની પૂરી વાત તો સાંભળી લે. "હરિલાલે તેની વાત કાપી નાખી. ઠપકાભર્યા ઉજજવલા સામે જોયું. ત્યારબાદ તેણે રાજ સામે દ્રષ્ટિ ફેરવી.

"તે સ્ત્રીના કાંડા સાથે મારા હાથનો સ્પર્શ થયો, ડેડી તેનું કાંડું એકદમ ઠંડા બરફ જેવું મને લાગ્યું, જાણે કોઈ મૃત સ્ત્રીનો હાથ હોય તેવો... "

હરિલાલ ચમકીને રાજ સામે જોઈ રહ્યો જ્યારે ઉજજવલાના ચહેરા પર ભયનાં કુંડાળા છવાયેલાં હતાં.

" ડેડી... તે સ્ત્રી મુંબઈથી અહીં આવેલી હતી. તે અંજાર રેલવે સ્ટેશને ઊતરી હશે અને તેમણે કોઈ ગાડીવાળાને અહીં મુકી જવાનું કહ્યું હશે. પણ તે ગાડીવાળો તેને અર્ધા રસ્તે ઉતારીને ચાલ્યો ગયો હતો. તે સ્ત્રીને હવેલી પર જવું હતું અને ગાડીવાળો હવેલીના નામથી જ બી ગયો હતો. "

" હવેલી કઈ હવેલી... ?"હરિલાલ ચોંકી ઊઠ્યો.

"ડેડી, આપણા ફાર્મ હાઉસ પાછળ જે હવેલી આવેલી છે તે હવેલી... "

"પણ રાજ તે હવેલી તો વર્ષોથી ખંડેર પડી છે. ત્યાં કોઈ જ રહેતું નથી... "હરિલાલના અવાજમાં ભયનો થડકો હતો.

" મેં પણ તે જ સવાલ પૂછ્યો હતો રૂપાને, પણ તેમણે કહ્યું કે મારા પિતાજી તે હવેલી પર ચોકીદાર તરીકે કામ કરે છે. "

"રૂપા... "હરિલાલને જાણે હજારો વીંછીઓએ સાથે ડંખ દીધો હોય તેમ રૂપાના નામથી તે હેબતાઈ ગયો.

" ડેડી તે સ્ત્રીનું નામ રૂપા હતું. તેના પિતા મોહનકાકા હવેલીમાં ચોકીદાર તરીકે કામ કરે છે. રૂપા તેના પિતાને મળવા માટે ઠેઠ મુંબઈથી અહીં આવી છે. "

"ઓ માય ગોડ"હરીલાલને પરસેવો વળી ગયો.

કેટલાય વર્ષો પછી તેને રૂપા અને મોહનકાકા યાદ આવી ગયા. ભૂતકાળમાં બનેલી તે ઘટના વર્ષો પહેલાં તે ભૂલી ગયો હતો. પોતાના કુકર્મ કર્યા અતીતના પોપડા એકાએક ઊખડી પડયા. અચાનક તેને લાગ્યું કે તેની છાતી પર કોઈ દબાણ આપી રહ્યું છે. તેનો શ્વાસ રુંધાવા લાગ્યો. તેની આંખો ભયના અતિરેકથી ફાટી પડી, થડકતું હૃદય જાણે બંધ પડી રહ્યું હોય તેવો અહેસાસ તેને થયો.

"રૂપા... !"ફરીથી તેના મોંમાંથી શબ્દ નીકળ્યા, પછી તરત તે બંને હાથ એકદમ છાતી પર ઘસવા લાગ્યો. ધીરે ધીરે તેની આજુ બાજુ અંધકાર ફરી વળ્યો.

ઉજજવલાના કંઠમાંથી હળવી ચીસ સરી પડી.

"તમને... તમને શું થઈ ગયું... ?"કહેતાં તે દોડી અને પોતાના પાલવડે હરિલાલનું પરસેવાથી રેબઝેબ શરીર લૂછવા લાગી.

" રાજ... રાજ... જલ્દી... જલ્દી... ડૉક્ટરને ફોન કર... ડૉ. દેવાંગીને જલ્દી આવવાનું કહે... "

"શું થાય છે... ?શું થાય છે... ?કંઈક તો બોલો... ? કહેતાં કહેતાં રડી પડી. રાજ પણ દોડીને હરીલાલને ફટાફટ ખુરશીમાંથી ઉચકી લીધા અને બાજુમાં બનેલ સિમેન્ટની બેંચ પર સુવડાવી દીધા. ત્યાર બાદ ઝડપથી ખિસ્સામાંથી મોબાઇલ બહાર કાઢી, ડૉ. દેવાંગીને ફોન લગાડવા લાગ્યો.

રાજ તથા ઉજ્જવલાને ખબર પડતી ન હતી કે હરિલાલને એકાએક શું થઈ ગયું. રાજે કહેલી ઘટના એટલી તો ભયંકર ન હતી કે તેની અસરને લીધે હરિલાલને એકાએક પ્રોબ્લેમ ઊભો થાય. તો શું થયું હશે... ?શું હાર્ટએટેક આવ્યો હશે... ?

"હલ્લો... હલ્લો... "મોબાઈલમાંથી દેવાંગીનો ઘંટડીના રણકાર જેવો અવાજ સાંભળી રાજ વિચારોમાંથી બહાર આવ્યો પછી તે ઝડપથી બોલ્યો.

"હલ્લો... ડૉ. દેવાંગી તમે જલ્દી ઘરે આવી જાવ. અચાનક ડેડીને કંઈક થઈ ગયું છે. મને ખબર નથી પડતી કે અચાનક શું થયું. પણ કદાચ તેમને એટેક આવ્યો હોય તેવું લાગે છે. જરા જલદી. "

"રાજ તમે ચિંતા ન કરો હું હમણાં જ દસ મિનિટમાં ત્યાં આવી પહોંચ્યો છું. કહેતાં ડૉ. દેવાંગીએ મોબાઇલ સ્વીચઓફ કરી તરત બેલ મારી પોતાના આસિસ્ટન્ટને બોલાવ્યો અને ફટાફટ ગાડીમાં પલ્સ ઑક્સીમીટર, કાર્ડિયોગ્રાફ મશીન તથા બધી ડ્રગ્સ મૂકવાની સૂચના આપી. પછી તે ફટાફટ પોતાની ચેમ્બરની બહાર આવી રીસેપ્શનીસ્ટને દર્દીઓને સમજાવીને થોડીવાર માટે બેસાડવાની સૂચના આપે પોતાનું સ્ટેથોસ્કોપ અને બી. પી. ઇન્સ્ટ્રુમેન્ટ હાથમાં લઇ બહાર આવી અને લગભગ દોડતાં જ પોતાની ગાડી પાસે પહોંચી. આસિસ્ટન્ટને સાથે આવવાની સુચના આપતા તે ડ્રાઇવિંગ સીટ પર બેસી, પછી તેની ગાડી એક ઝાટકા સાથે ચાલુ થઈ અને સ્પીડ સાથે ભૂજ તરફ જતા રોડ પર દોડવા લાગી. તેની ગાડીનો સ્પીડ મીટરનો કાંટો સોના કાંટાની ઉપર થરથરતો હતો.

આ તરફ હરિલાલના ફાર્મ હાઉસમાં દોડાદોડી મચી ગઇ હતી.

રાજે પોતાના ઘરમાં કામ કરતા લોકોને બોલાવી હરિલાલને તેમના કમરામાં શિફ્ટ કર્યો. ઉજજવલાની આંખોમાંથી હજુ આંસુઓ વહી રહ્યાં હતાં.

હરિલાલનું પરસેવાથી રેબઝેબ થયેલું શરીર ઠંડું પડતું જતું હતું. તેને શું થઈ ગયું તેની તેને પોતાને પણ ખબર ન હતી. એની આંખો સામે હજુ ભૂતકાળ સજીવ બનીને ચલચિત્રની જેમ તાજો થઇ રહ્યો હતો. ઉજજવલા તેના પાલવથી હરિલાલના શરીર પર વળતો પરસેવો લુછી રહી હતી. રાજ પોતાની હથેળીમાં ડેડીનો હાથ લઈને ઘસતો હતો. તેમનો નોકર રામુ હરિલાલના પગ દબાવતો હતો.

બ્રેકની ચિચિયારીના અવાજો રત્નદીપમાં ગુંજી ઉઠ્યા. ડૉ. દેવાંગી ગાડીનો દરવાજો ખોલી બહાર આવી પછી તરત જ ઝડપથી બંગલાની અંદર દોડી ગઇ. તેની પાછળ તેમનો આસિસ્ટન્ટ મેડિકલ એક્યુમેંટ અને ઇમર્જન્સી મેડિસિનની બેગ લઈને આવતો હતો.

ડૉ. દેવાંગી સીધી હરિલાલના કમરા તરફ ધસી ગઈ.

" આવી ગઈ... ? બેટા જલ્દી જો આમને શું થઈ ગયું છે. "ડૂસકું ભરતા ઉજ્જવલા બોલી.

"તમે જરાય ચિંતા ન કરતા, હું આવી ગઈ છું ને... " કહેતાં તેમણે રાજ તરફ નજર ફેરવી મૂક આશ્વાસન આપ્યું. પછી ઝડપથી હરિલાલના હાથને હાથમાં લઇ તેના પલ્સ ચેક કર્યા. હરિલાલની નાડી ધીમે ધીમે ચાલી રહી હતી.

તરત ડૉ. દેવાંગીએ પોતાની બેગ ખોલી અને અંદરથી એટ્રોપીન અને મેફેનટીન ઇન્જેક્શનો કાઢીને સિરિંઝમાં ભરી હરિલાલની આપ્યા. તેમના આસિસ્ટન્ટ ફટાફટ બોટલ તૈયાર કરી લગાવી પછી પલ્સ ઑક્સીમીટર હરિલાલના ફિંગરમાં લગાવ્યું અને તરત કાર્ડિયોગ્રાફ લેવા લાગ્યો.

કાર્ડિયોગ્રાફનો રિપોર્ટ જોઈ ડૉ. દેવાંગીના કપાળ ઉપર પરસેવો વળી ગયો. તરત તેણીએ મોબાઇલ ઓન કરી બે-ત્રણ જગ્યાએ ફોન કર્યા પછી તે ઝડપથી હરિલાલની ટ્રીટમેન્ટમાં લાગી ગઈ.

હરિલાલના ફાર્મ હાઉસ રત્નદીપમાં જોરદાર ચહલપહલ મચી ગઇ હતી. જોરદાર સાયરનનો અવાજ ગુંજાવતી એમ્બ્યુલન્સ આવી. તેમાંથી બીજા બે ડોક્ટર સાથે ઓક્સિજન સિલિન્ડર, મલ્ટી પેરા જેવા અધ્યતન સાધનો સાથે ટીમ ઉતરી અને પછી હરિલાલનો બેડરૂમ I. C. C. U. બની ગયો. અંજારમાં જેમને જેમને ખબર મળ્યા તે બધા ફાર્મ હાઉસ પર દોડી આવ્યા. કંપનીના મેનેજરો, સીઈઓ, એન્જિનિયરો દોડી ત્યાં પહોંચ્યા, તો ગામના અગ્રણી નેતાઓ, સમાજસેવકો, પત્રકારો, વકીલો જેવા હરિલાલના કેટલાય મિત્રો તેના ફાર્મ હાઉસ પર પહોંચી આવ્યા.

હરીલાલને હાર્ટ એટેક આવ્યો હતો. તેની તબિયત ગંભીર હતી. ડૉ. દેવાંગીના નેતૃત્વમાં ડોક્ટરોની ટીમ સારવારમાં લાગી ગઈ હતી.

સમાચારપત્રો અને મીડિયા, ટી. વી. ચેનલવાળાઓ પણ ત્યાં પહોંચી આવ્યા હતા અને ટી. વી. ચેનલોમાં ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિની તબિયત નાજુક છે, તેમને હૃદયનો દોરો પડ્યો છે, તેમની સારવાર માટે અમદાવાદથી સ્પેશિયલ ડૉક્ટરો અંજાર બોલાવવામાં આવ્યા છે, જેવા સમાચારો સતત બ્રેકિંગ ન્યુઝમાં આવતા હતાં.

લગભગ સાંજના ચાર વાગ્યાના સમયે ડોક્ટરોએ તેમને aaut' ઓફ ડેંજરસ' બતાવ્યા.

સાંજ પછી હરિલાલ થોડો સ્વસ્થ થયો હતો. પણ તેમના ચહેરા પર ઘેરી હતાશા કોઈક અજ્ઞાત ભયના પડછાયા ફરી વળ્યા હતા. તેનો ચહેરો એકદમ જાણે મહિનાઓથી બીમાર હોય તેવો લેવાઈ ગયો હતો.

ડૉ. દેવાંગી, રાજ અને ઉજજવલા સતત હરિલાલ પાસે જ હતા. ત્રણેયમાંથી કોઈએ સવારથી પાણી પણ પીધું ન હતું.

ઉજજવલા ડૉ. દેવાંગીને અહોભાવ સાથે જોઇ રહી. દેવાંગીએ પોતાના પિતાની સારવારની જેમ જ હરિલાલની શુશ્રુષા કરી હતી. રાજની નજરમાં દેવાંગી માટે અનેરો પ્રેમ છલકાતો હતો. દેવાંગીની કાર્યક્ષમતા અને તાત્કાલિક નિર્ણય લઇને ડોક્ટરોની ટીમ બોલાવી અને સતત પાણી પીધા વગર હરિલાલને મોતમાંથી બચાવવા માટે ઝઝુમવું... રાજ ડૉ. દેવાંગી માથે આફરીન થઈ ગયો હતો. જો આજ ડૉ. દેવાંગી ન હોત તો ડેડીની જાન બચી ન હોત, તેવું તે ચોક્કસપણે વિચારતો થઈ ગયો હતો.

સાંજ પછી હરિલાલના સ્નેહી મિત્રોને મળવાની ડૉ. દેવાંગીએ છૂટ આપી પણ હરિલાલને બોલવાની તેમણે મનાઈ ફરમાવી હતી. સૌ કોઈ તેના બેડરૂમમાં આવતા અને પાંચ મિનિટ થોભ્યા બાદ બહાર નીકળી જતા.

રાત્રી સુધીમાં હરિલાલ સ્વસ્થ થઇ ગયા હતા. ત્યારબાદ રાજના આગ્રહથી ઉજ્જવલા અને દેવાંગીએ તેની સાથે જ્યૂસ પીધો હતો. ત્યારબાદ ત્રણેય પૂરી રાત્રી હરિલાલ પાસે જાગતા બેસી રહ્યા હતા. જો કે રાજ થોડા સમય માટે જરૂરી કામકાજ હોવાથી રાત્રે બહાર ગયો હતો. પણ તે ક્યાં ગયો હતો તેની કોઈને પણ ખબર ન હતી.

@@@

કદમ... 'રો' નો નંબર ટુ એજન્ટ.

કદમનું વતન અંજાર હોવાથી તે અવારનવાર અંજાર મિત્ર વર્તુળને મળવા આવતો. ખબર નહીં પણ અંજારની ધરતી પર પગ મૂકતાં તેના કલેજામાં એક અનેરી ઠંડક મળતી.

આમ તો અંજારમાં પોતાના મિત્ર વર્તુળ સિવાય કોઈ જ હતું નહીં.

અંજારમાં આવેલા ભયાનક ધરતીકંપમાં તેના માં, ભાઈ અને બહેન મૃત્યુ પામ્યાં હતાં. તે એકદમ નાનો હતો, ત્યારથી તેના માથા પરથી બાપની છાયા ઊડી ગઈ હતી.

ધરતીકંપમાં તેનું ઘર તૂટી પડયું હતું. તેની મા, બેન, ભાઈ મલબામાં દટાઈ ગયા હતા. રોકકળ કરતો ખાધા-પીધા વગર મલબામાંથી જીવતા નીકળવાની વાટ જોતાં નાના બાળકની મેજર સોમદત્ત દરરોજ જોતા પછી મલબો હટતા જ તે બાળકની માતા, ભાઈ-બહેનના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા, ત્યારે તે બાળકનું રૂદન અને સ્થિતિ મેજર સોમદત્ત જોઈ ન શક્યા અને તે બાળકને તેઓ તેની સાથે દિલ્હી લઈ આવ્યા. આટલી મોટી દુનિયામાં કદમનું પોતાનું કોઇ જ બચ્યું ન હતું. મેજર સોમદત્ત તેની માં, બાપ, ભાઈ, મિત્ર બની રહ્યા. તેમણે કદમને ભણાવી "રો"નો ઓફિસર બનાવ્યો. કદમના જીવનની દુઃખદ ઘટનાઓ અને અંજારના ધરતીકંપને ચકરાવો લેતી રહસ્યકથા એટલે 'ધરતીનું ઋણ' અચૂક વાંચો.

કેશના અનુસંધાનમાં કદમ મુંબઈ ગયો હતો. સમય મળતાં તે મુંબઈથી કચ્છ આવ્યો હતો. અત્યારે તે તેના જીગરી મિત્ર ભાર્ગવના ઘરે બેઠો - બેઠો ચા પી રહ્યો હતો. તેના હાથમાં આજનું સમાચાર પત્ર હતું. સમાચાર પત્રના મુખ્ય પેજ પર ઉદ્યોગપતિ હરિલાલ પર થયેલ હદયરોગના હુમલા વિશે સમાચાર હતા. સમાચાર વાંચી કદમે તરત ભાર્ગવને કહ્યું "મારે હરિલાલ શેઠને મળવા જવું પડશે. રાજ મારો ખાસ મિત્ર થાય, અમે દિલ્હીમાં સાથે ભણ્યા છીએ.

" તો પાછો ક્યારે આવીશ... ?" બ્રેડનો ટૂકડો મોમાં નાખતાં ભાર્ગવ બોલ્યો.

" તું તારે ચાલ્યો જજે , હું રાજ પાસે આજ રોકાઈ જઈશ અને પછી કદાચ એકાદ દિવસમાં મારે દિલ્હી જવાનું થશે. મારો પ્રોગ્રામ જે રીતે નક્કી થશે તે તને મોબાઈલથી જાણ કરી દઈશ.

કલાકમાં કદમ તૈયાર થઈ રાજના ફાર્મ હાઉસ પર જવા માટે રવાના થયો.

@@@

હવે આપણે થોડા પાછા ફરીએ, જે દિવસે હરિલાલને હાર્ટ એટેક આવ્યો તે દિવસની રાત્રે હરિલાલ સ્વસ્થ થતાં સૌએ હાશકારો અનુભવ્યો પણ રાજને ચેન પડતું ન હતું.

આગલી રાત્રીની બનેલી ઘટના સાંભળ્યા પછી જ હરિલાલની આ હાલત થઇ હત. ડેડી અને પોતાના સાથે બનેલી ઘટના વચ્ચે જરૂર કોઈક સંબંધ છે. તેને રાત્રીના મળેલી સ્ત્રી જેનું નામ રૂપા હતું. તેને ડેડી જરૂર ઓળખે છે. પોતાના ફાર્મ હાઉસની પાછળ આવેલ તે પુરાણી હવેલી અને તે હવેલીનો ચોકીદાર મોહન, તેની પુત્રી રૂપા અને ડેડી વચ્ચે જરૂર કોઈ સંબંધ રહેલો છે. ભૂતકાળમાં કોઈ ભયાનક ઘટના પણ બની હોય જેની યાદ તાજી થતાં, ડેડીની આ હાલત થઇ. ડેડીની આવી હાલતનું કારણ મારે શોધવું જ પડશે. પણ કેવી રીતે... ?ડૅડીને તે બારામાં પૂછપરછ કરવાથી તેનું ટેન્શન વધી જાય તો ફરીથી પ્રોબ્લેમ ઊભો થાય. "

રાજે હરિલાલના ચહેરા તરફ નજર ફેરવી. અત્યારે પણ હરિલાલના ચહેરા પર ઘેરી હતાશા અને તણાવના ભાવ સ્પષ્ટ વંચાતા હતા.

"ના, મારે ડેડીને તે બારામાં કાંઈ જ પૂછવું નથી. પણ... પણ ડેડીની આવી હાલત થવાનું કારણ ચોક્કસ શોધી કાઢવું છે. પણ કેવી રીતે... ?અરે હા... ?રૂપાને તે હવેલી પર રાત્રે મૂકી આવ્યો હતો. જો તે હવેલી પર જઈને તપાસ કરે તો ચોક્કસ કંઈક જાણવા મળે. "તે વિચાર આવતાં રાજ ઉભો થઇ ગયો.

" કેમ બેટા... ?" ઉજજવલાએ તેની તરફ નજર ફેરવી જોયું.

"મમ્મી મને થોડું અરજન્ટ કામ છે. હું અડધા કલાકમાં આવું છું અને વચ્ચે જરૂર પડે તો મને મોબાઈલ કરજો, પાંચ જ મિનિટમાં હું પહોંચી આવીશ. "

"તમે તમારું કામ આરામથી પૂરું કરી આવો અહિંની ચિંતા ન કરશો. હું બેઠી છું ને... "ડૉ. દેવાંગી બોલી.

ક્ષણભર રાજ દેવાંગીને તાકી રહ્યો. તેની નજરમાં દેવાંગી માટે પ્રેમ અને અહોભાવ છલકાતા હતા. પછી તે ધીમા કદમે કમરાની બહાર નીકળી ગયો.

ડૉ. દેવાંગી તેને પાછળથી તાકી રહી, અત્યારે તેની આંખોમાં એક અનેરી ચમક અને પ્રેમ નીતરતો હતો.

કોઈનેય તે હવેલી તરફ જાય છે , તેની જાણ ન થાય તે માટે રાજ ફાર્મ હાઉસના મેઇન ગેટમાંથી બહાર આવી અંજાર તરફ જતાં હાઈવે પર ગાડીને વાળી તે એક લાંબુ ચક્કર કાપી હવેલી તરફ વળી ગયો.

હવેલીના ગેટ પાસે આવી તેણે ગાડીની હેડલાઇટનો પ્રકાશ હવેલી તરફ પડે તે રીતે ગાડી ને ઉભી રાખી, લાઈટ ચાલુ રહેવા દઈ, રાજે ગાડીના ડેસ્ક બોર્ડમાંથી પેન્સિલ ટોર્ચ બહાર કાઢી તે નીચે ઊતર્યો.

ચારેતરફ તીવ્ર સન્નાટો વ્યાપેલો હતો.

ગાઢ અંધકારમાં તમારાં અને દેડકાંઓનો વિચિત્ર અવાજ ભય ફેલાવતા હતા, તેમને સાથ આપવો હોય તેમ બાવળની કાંટાળી ઝાડીમાંથી પસાર થતો પવન હ... ઉ... ઉ... ઉ... નો ભયભર્યો વિચિત્ર અવાજ પેદા કરતો હતો.

ગાડીમાંથી નીચે ઉતરી રાજ ત્યાં જ ઊભો રહી હવેલીનું નિરીક્ષણ કરવા લાગ્યો.

ભયંકર ભૂતાવળવાળી ફિલ્મો બનાવતા 'રામસે બ્રધર્સ ને આ હવેલી બતાવવી જોઈએ. ખરેખર પ્રેત મહેલ જેવી જ લાગે છે. બબડતાં રાજ હવેલી તરફ મક્કમ પગલે આગળ વધ્યો.

સૂસવાટા મારતા પવન સાથે દૂરદૂરથી શિયાળોની લાળીઓનો અવાજ સંભળાઈ રહ્યો હતો.

" કોઈ છે... ?"

હવેલીના દરવાજા પાસે ઊભા રહી રાજે જોરથી રાડ પાડી, "ખામોશી... એકદમ ખામોશી છવાયેલી હતી. "

કોઈ જ જવાબ નહીં.

થોડીવાર એમ ને એમ ઉભા રહ્યા પછી રાજે હવેલીના લાકડાના તોતિંગ દરવાજા વચ્ચે બનેલી નાની ડેલીને જોર કરી ધક્કો માર્યો.

ચિચિયારીના અવાજ સાથે ડેલી ખુલી ગઈ.

ડેલી ટપી રાજ અંદર આવ્યો, પછી ટોર્ચ ચાલુ કરી ચારે તરફ નજર ફેરવી.

વર્ષોથી હવેલીમાં કોઈ જ આવ્યું ન હોય તેમ ચારે તરફ ઝાળા બાઝેલાં હતાં અને જંગલી ઘાસ ઊગી નીકળ્યું હતું.

અચાનક ટોર્ચ બંધ પડી ગઈ. ચારે તરફ અંધકાર ફેલાઈ ગયો.

તે જ પળે હવેલીના અંદરથી ટક... ટક... ટક... અવાજ આવવા લાગ્યો.

રાજનું હૃદય થડકી ઊઠ્યું.

હવેલીથી દૂર - દૂર ભાગી જવા માટે તેનું મન પોકારી ઉઠયું.

લાકડી જમીન પર પછાડતાં પછાડતાં કોઈ તેની તરફ આવી રહ્યું હોય તેવો અવાજ અંદરથી આવતો હતો.

રાજના ચહેરા પર પરસેવો બાઝી ગયો.

ઝડપથી રાજે ટોર્ચને હાથની હથેળી પર બે-ત્રણ વખત પછાડી, ટોર્ચ ચાલુ થઈ પણ તેનો પ્રકાશ એકદમ મંદ પડી ગયો હતો.

"ક... કોણ... ?કોણ છે... ?"હેબતાયેલા અવાજે તેણે અવાજની દિશામાં ટોર્ચને ઘુમાવી. ટોર્ચનો આછો પ્રકાશ તે તરફ ફેંકાયો. રાજના હાથમાંથી ટોર્ચ પડતાં પડતાં રહી ગઈ.

હવેલીના અંદરથી એક વૃદ્ધ માણસ તેના તરફ આવી રહ્યો હતો. ચહેરા પર સફેદ દાઢી એકદમ વધી ગઈ હતી. તેના માથાના લાંબા વાળ તેના ખભા સુધી વિખરાયેલા હતા. તેનો ચહેરો એકદમ નિસ્તેજ અને બરફમાંથી જાણે હમણાં જ તેને બહાર કાઢ્યો હોય તેવો સફેદ પડેલો હતો.

" કોણ છો ભાઈ... ?આવી ભયાનક ખોફભરી અંધારી અર્ધરાત્રિના અહીં શા માટે આવ્યા છો... ?"કહેતાં તેની લાલ અને વિચિત્ર ચમકભરી આંખો રાજ સામે તાકી રહી. તેનો અવાજ કોઈ ઊંડી ગુફાના છેક અંદરથી આવતો હોય તેવો ડરામણો હતો.

"કાકા... તમે અહીંના ચોકીદાર છો... ?"મનને માંડ - માંડ મક્કમ કરતાં રાજે ધ્રૂજતા અવાજે પૂછ્યું.

"ચોકીદાર... ?અહીં ચોકી કરવા જેવું છે શું કે ચોકી કરું, વર્ષો વીતી ગયા, ક્યારેય કોઈ જ અહીં નથી આવતું, કેટલાય વર્ષો પછી આ વેરાન હવેલીમાં કોઈ માણસના આજ પગલાં પડ્યાં છે, છતાંય ચોકી કરું છું. આ વગડો, આ ખોફભર્યા અંધકારના પડછાયા, વેરાન બંજર જર્જરિત હવેલી, જંગલી રાની પશુઓના ઘુરઘુરાટ, શિયાળોની લાળીઓ વચ્ચે રહીને હું પણ તેમના જેવો જ બની ગયો છું... " કહેતાં તે હસ્યો.

" કાકા... મારે રૂપાને મળવું હતું... હું તેને મળવા માટે અહીં આવ્યો છું... "ધડકતા દિલે રાજ બોલ્યો.

" હા... હા... હા... હા... "તે ખડખડાટ હસવા લાગ્યો. તેનું ખોફનાક હાસ્ય ખંડેર હવેલીમાં ચારે તરફ ગુંજી ઉઠયું. તે કોઈ પિશાચની જેમ હસતો રહ્યો.

રાજના પગથી માથા સુધી એક ખોફભરી ઠંડી લહેર ફરી વળી, તેણે ગળામાં અટવાયેલી થોડુંક ને ગળી, પછી દહેશતભરી નજર એ વૃદ્ધ સામે જોયું.

અટ્ટહાસ્ય કરતા તે વૃદ્ધના હાસ્યને એકાએક બ્રેક લાગી ગયો. તેની સામે કોઈ પાગલ આદમી ઊભો હોય તેમ તે રાજ સામે જોવા લાગ્યો.

"રૂપા ... કોણ રૂપા.... ?"

" રૂપા... તમારી દીકરી રૂપા... "

"મારી દીકરી રૂપાને તારે મળવું છે... ?"આશ્ચર્ય સાથે તે રાજ સામે જોવા લાગ્યો.

"હા, કાકા મારે રૂપાને મળવું છે... "

"રૂપાને મળવું હોય તો તારે પહેલાં મરવું પડશે, કેમકે રૂપા વર્ષો પહેલા મૃત્યુ પામી છે... ""મૃત્યુ પામી છે"શબ્દ પર એકદમ ભાર આપતા ધ્રૂજતા અવાજે તે બોલ્યો.

"પણ... પણ... કાકા રૂપા તો મને ગઈકાલે મળી હતી. અંજારથી ભૂજ હાઇવેના રસ્તા પર તે ઉભી હતી. હું ગાડી લઈને પસાર થયો, તેમણે મારી ગાડીમાં લિફ્ટ માંગી અને, અને હું રૂપાને હવેલીમાં મૂકી પણ ગયો હતો. તે કહેતી હતી કે હું મારા પિતાને મળવા મુંબઈથી આવી છું. "

"રૂપા... રૂપા આવી હતી... ?" તે વૃદ્ધના અવાજમાં એકદમ ધ્રુજારી છવાઇ ગઈ.

" રૂપા... મારી દીકરી રૂપા... તું મને મળવા આવી છો... ?રૂપા ક્યાં છો તું... રૂપા. "તે વૃદ્ધના દિમાગમાં પાગલતા ભરી ઘેલછા છવાઇ ગઇ હોય તેમ તે વિહ્વળ આંખોમાંથી ચારે તરફ જોવા લાગ્યો.

"રૂપા... બેટા રૂપા ક્યાં છો.. ?"કહેતાં તે વૃદ્ધે હાથમાં રહેલી લાકડીને ઘા કરી પછી તે "રૂપા... રૂપા... "રાડો નાખતો હવેલીની અંદર દોડી ગયો. તેની ધ્રુજારી ભરી ચીસોના ધ્વનિ નિરંતર હવેલીમાં ગુંજતા હતા.

રાજને આખી હવેલી ગોળ ગોળ ફરતી હોય તેવું લાગી રહ્યું હતું.

"રૂપા... " વધુ એક જોરદાર ચીસ ખોફ ફેલાવતી ગુંજી ઉઠી.

રાજ જાણે સંમોહનમાંથી બહાર આવ્યો હોય તેમ એકાએક ધ્રુજી ઉઠ્યો, પછી વળતી પળે તે હવેલીની બહાર દોડી ગયો. તેના હાથમાં રહેલી ટોર્ચ કોણ જાણે ક્યાં પડી ગઈ હતી?

***