Ajvadana Autograph - 19 in Gujarati Motivational Stories by Dr. Nimit Oza books and stories PDF | અજવાળાંનો ઓટોગ્રાફ - 19

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

અજવાળાંનો ઓટોગ્રાફ - 19

અજવાળાંનો ઓટોગ્રાફ

(19)

જગતનું ઈમાન

અસ્મિતાપર્વ ૨૧માં વિચરતી જાતિઓ વિશે વાત કરતી વખતે મિત્તલબહેન પટેલે રુંવાડા ઉભા થઈ જાય એવી એક વાત કરેલી. આ જાતિના લોકો નહાતા નથી. તેમને પાણીની સુવિધા આપવામાં આવે તો પણ નહિ. અને તેના કારણે તેમનામાંથી એક ચોક્કસ પ્રકારની બદબુ આવવા લાગે છે. તેમનું ન નહાવા પાછળનું કારણ એ હતું કે તેમની જુવાન દીકરીઓ જો નિયમિત નહાવા લાગે તો એમનો વાન અને રૂપ ઉઘડવા લાગે. જુવાન દીકરીઓને ઢાંકવા માટે તેમની પાસે પૂરતા કપડા અને ઘર ન હોવાથી, દીકરીઓની સલામતી માટે તેઓ ગંદા અને બદબુદાર રહેવાનું પસંદ કરે છે. આ વાત ધ્રુજાવી નાખનારી છે.

આ જગત પર સૌથી કાચી ઊંઘ કદાચ એક દીકરીના પિતાની હોય છે. દીકરીના જન્મની ઉજવણી કરતી વખતે દરેક પિતાના અંતરમાં ઊંડે ઊંડે ક્યાંક એની સલામતીની ચિંતાના બીજ પણ રોપાય જતા હોય છે. દીકરીઓ યુસેન બોલ્ટની સ્પીડ કરતા પણ વધારે ઝડપથી મોટી થઈ જાય છે.

આપણા સમાજમાં શિક્ષણનું સ્તર ગમે તેટલું ઊંચું આવે, આજે પણ આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં ઘરની બહાર નીકળેલી દીકરી સહી-સલામત પાછી ન ફરે ત્યાં સુધી ઘરમાં અજંપાભરી શાંતિ રહ્યા કરે છે.

કેટલીક દીકરીઓને શિક્ષણ મેળવવા માટે કે વ્યવસાયના ભાગ રૂપે ઘરથી દૂર કોઈ બીજા શહેરમાં રહેવું પડે છે. આ એક એવો સમય હોય છે જ્યાં ઘરના બંધ બારણાની પાછળ સુરક્ષિત રહેલા મા-બાપના વિચારોમાં સતત દીકરીની ચિંતા અને અસલામતી પહેરો ભરતી હોય છે.

દીકરી ઘરની બહાર હોય ત્યારે દરેક મા-બાપ આંખો ખુલ્લી રાખીને સુતા હોય છે. ઘરના કોઈપણ ખૂણામાં ફોન મૂકીને ભૂલી જનારી મમ્મી, અચાનક તેનો ફોન સતત પોતાની પાસે રાખવા લાગે છે. દિવસના કેટલાક પ્રહર એવા હોય છે જે સમયે જો દીકરીનો ફોન આવે તો હાશકારાને બદલે ધ્રાસકો પડતો હોય છે.

દીકરીના જુવાન થયાની જાણ જગતને પહેલા અને પિતાને પછી થાય છે. આસપાસના લોકોની નજર અને વર્તન એક પિતાને પ્રતીત કરાવે છે કે દીકરી હવે મોટી થઈ ગઈ છે. દીકરી મોટી થાય ત્યારે ઢોલ-નગારા ઓછા ને ભણકારા વધારે વાગે છે.

જગતના શારીરિક હુમલાઓથી બચાવવા માટે તો દીકરીને કરાટે શીખવી શકાય પણ આંખોથી થતા ચીરહરણ સામે હજુ સુધી કોઈ ઉપાય સુજતો નથી. પોતાનો ગમે એવો પહેરવેશ અને મેક-અપ કરીને ઘરેથી બહાર જતી દીકરીને જોઈને આનંદ થવો જોઈએ કે ચિંતા, એ મને હજુ સુધી સમજાતું નથી.

દીકરીને છૂટ આપતી વખતે દરેક મા-બાપ એવું વિચારી લેતા હોય છે કે જેણે દીકરી આપી છે, રક્ષણ પણ એ જ આપશે. પણ એવું માની લેવાથી દીકરીઓ પ્રત્યે એક સમાજ તરીકે આપણી જવાબદારી ઓછી નથી થઈ જતી.

દીકરી એ કોઈપણ પિતાની અંગત ચિંતાનો વિષય ન હોવો જોઈએ. દીકરી એ સમાજની સામુહિક જવાબદારી છે. કવિ ભાવેશ ભટ્ટના એક શેર સાથે આ જવાબદારીનો સ્વીકાર કરીએ.

મારી દીકરીનો વાન બદલી નાખ ; કાં જગતનું ઈમાન બદલી નાખ.

આવનારા દિવસોમાં દીકરીઓનો વાન જ નહિ, તેમનું માન-સન્માન અને જગતનું ઈમાન પણ સુધરે, ઈશ્વરને એવી પ્રાર્થના.

-ડૉ. નિમિત્ત ઓઝા