બુધવારની બપોરે
(24)
પરવીણભ’ઇ ક્યાં બેસે છે?
- ઍક્યૂઝ મી.....પરવીણભ’ઇ ક્યાં બેસે છે?
- ઍક્યુઝ મી નહિ....ઍક્સક્યૂઝ મી બોલાય...
- હા, ઍક્સક્યૂઝ મી....પ્રવીણભ’ઇ ક્યાં બેસે છે?
- ખુરશી ઉપર....આ બૅન્કમાં જમીન પર બેસીને કામ કરવાની સીસ્ટમ શરૂ થઇ નથી.
- ઓહ સૉરી....મારો મતલબ કે આ બૅન્કમાં પરવીણભ’ઇ ક્યાં અને ક્યા ખાતામાં બેસે છે?
- હું પણ સૉરી....આટલી મોટી બ્રાન્ચ ઑફિસમાં મિનિમમ ૧૮-પરવીણભ’ઇઓ છે...એમાંના તમારે
ક્યા ને મળવું છે?
- અટક-બટકનો તો ખ્યાલ નથી, પણ એમણે કીધું હતું કે, બૅન્કમાં આવીને કોઇને બી પૂછશો તો પટાવાળો
ઠેઠ મારા ટૅબલ સુધી મૂકી જશે.
- એટલે જ તમને પૂછ્યું...પ્લીઝ, મૂકી જશો?
- નૉનસૅન્સ...હું તમને પટાવાળા જેવો લાગું છું?
- ના, પણ પરવીણભ’ઇ જેવા થોડા થોડા લાગો છો.
- હું...?
- આપનું નામ શું?
- જેન્તીભ’ઇ...
- જેન્તીભ’ઇ....યૂ મીન, બધા કહે છે, એ જેન્તી જોખમ?
- ઓહ ન્નો...મારૂં તો ફક્ત નામ જ જેન્તી છે....લોકો લેવાદેવા વગરના જેન્તી જોખમ કહીને બોલાવે છે...
- સ્ટુપિડ લોકો કહેવાય....તમને બોલાવે છે!
- હું તો ફક્ત જેન્તી જોખમ જ. બાકી બીજા બધું મળીને....વન-ટુ-થ્રી...ઓહ, બધું મળીને આઠ જેન્તીભ’ઇઓ
છે...અટકથી કોઇ ન ઓળખાય....તમે એમ કહો કે, બડે જોખમ, છોટે જોખમ, પાર્ટ-ટાઇમ જોખમ...વગેરે,
પણ તમે ચોક્કસ ફોડ પાડીને કહો કે, બગલમાં પાકીટવાળો જોખમ કે બબ્બે મિનિટે જેનો ખભો
હાલકડોલક થયે રાખે છે એ જોખમ....તો નાનું છોકરૂં ય એના ઘર સુધી મૂકી જાય...આઇ મીન, તમારા
આ પરવીણભ’ઇની એવી કોઇ ચોક્કસ આઈડૅન્ટીટી છે...?
- આઈડૅન્ટિટી? યૂ મીન કોઇ નિશાની? ઓહ યસ...તમે કીધું એમ...બબ્બે મિનિટે એનો ખભો તો નહિ,
પણ ડોકી હાલકડોલક થયે રાખે છે...
- એની વાઇફ અમારી બૅન્કના પટાવાળા સાથે ભાગી ગઇ’તી, એ પરવીણભ’ઇ?
- ઓહ ન્નો....હું ક્યાં હતો? આઇ મીન...ના ના ના...એની વાઇફ એવી નથી...પવલો ઘરમાં ના હોય તો ય
મને ચા-કૉફી માટે પરાણે બેસાડે.
- ધૅટ્સ ફાઇન...તો પછી એટલું કહો, તમે પૂછો છો, એ પરવીણભ’ઇને નાનપણમાં કૂતરૂં કઈડ્યું’તું...?
- ઓહ યસ....એ જ. એ જ પવલો!
- તો, એ હું જ. મારૂં નામ જ પરવીણભ’ઇ. મને ય કૂતરૂં કઈડ્યું---
- સૉરી, એ પરવીણીયો તમે નહિ...એ તો સારો માણસ છે....આઇ મીન, સામે ભસતા કૂતરા સામે ય
ભસે એવો નથી બિચારો.
- તો પછી એક કામ કરો....ત્રીજા માળે જાઓ....ત્યાં બે-ચાર પરવીણભ’ઇઓ છે. એક તો તમારાવાળો
હશે જ. કહેજો કે, પરવીણભ’ઇએ મોકલ્યા છે...
- અઅઅઅ....મારે પરવીણભ’ઇનું કામ છે.
- એ વૉશરૂમ ગયા છે.
- ઓહ હાઉ સિલી...? વૉશરૂમવાળા પરવીણભ’ઇ વિશે તો મને ય ખબર નથી....એ ત્યાં કામ કરે છે?
- માઇન્ડ યૉર લૅન્ગ્વૅજ...આ તો અમારા સીનિયર-ક્લાર્ક છે.
- ઓહ સૉરી...તો પછી વૉશરૂમવાળા પરવીણભ’ઇ જુદા?
- અરે બાપા, કંટાળ્યો તમારાથી તો! પહેલા બૅન્કમાં કામ કરતા’તા?
- ક્યારે આવશે?
- પેલા કૅશીયરના કાઉન્ટર પાસે ફ્રૅન્ચ-કટ દાઢીવાળા ભ’ઇ ઊભા છે, એમને જઇને પૂછો, એ તમને બતાવશે
કે, પરવીણભ’ઇ અગીયારમા માળે બેસે છે....
--------
- પરવી...?
- એહ......તમે તો હાંફો છો...ઓહ ન્નૉ, આજે લિફ્ટ બંધ છે, એટલે તમારે દાદરા ચઢીને આવવું પડ્યું હશે...
- ઓહ યા....અહીં ઉપર સુધી તો ઓલા કે ઉબેર આવે નહિ ને..! એટલે...દાદરા ચઢીને આયો છું...
- લો....આ લો...
- આ શું છે?
- દાળવડાં....દાદરા ચઢતા હાંફી ગયો....છઠ્ઠા માળે કૅન્ટીન છે....ત્યાંથી મેં’કૂ...એકાદું દાળવડું લેતો જઉં..
- એકાદું...??? એકાદું કેમ?
- આ એક જ વધ્યૂં હતું...જેને જેને પૂછતો આવ્યો, એ બધાને કંઇક તો ધરાવવું પડે ને?
- કોણે તમને....પેલા ફ્રૅન્ચ-કટ દાઢીવાળાએ મોકલ્યા?
- એ હા....હાઉ ડીડ યૂ નો ધૅટ...?
- એ દાઢો જ સાલો.....આજે લિફ્ટ બંધ છે, એટલે બહારથી જે કોઇ કાંઇ પૂછતું આવે, એને આ અગીયારમા
માળે જ મોકલે છે.....બહુ હરામી છે એ...!
- કોણ છે એ? શું નામ એમનું?
- નામ તો એનું પરવીણભ’ઇ છે...પણ ક્યાં આપણાવાળા પરવીણભ’ઇ ને ક્યાં આ બદમાશ!
- યૂ મીન, તમે એને ઓળખો છો?
- બહુ સારી રીતે. બોલો, હવે છેલ્લા સવાલનો જવાબ આપો. તમે કહો છો એ પરવીણભ’ઇ છોકરીઓનો
શોખિન છે? આઇ મીન, સામેવાળી સ્ત્રી હોવી જોઇએ....જોઇને જ એ લટૂડોપટુડો થઇ જાય છે...હજી ગયા
મહિને જ એ માઉન્ટ આબુમાંથી કોઇ છોકરી સાથે પકડાયો’તો....
- ઓહ યસ યસ યસ....એ જ...એ જ! હું એ જ પરવીણભ’ઇ માટે પૂછી રહ્યો છું...એ જ! ક્યાં બેસે---?
- અરે યાર, પરવીણ ચડ્ડી કહો ને....ક્યારના શું પરવીણભ’ઇ-પરવીણભ’ઇ ઠોકે રાખો છો...ઓળખ્યો એને.
સવારના પહોરમાં ચડ્ડો પહેરીને દોડવા જાય છે એ ને?
- .....એટલું તો પહેરવું પડે ને? પણ હા....એ જ. બેવકૂફ ઘણીવાર તો બૅન્કમાં ય ચડ્ડો પહેરીને આઇ જાય છે
એટલે એનું નામ ‘પરવીણ ચડ્ડી’ પડ્યું....
- શું વાત છે....! હા તો એ ચડ્ડી ક્યાં ગઇ? આઇ મીન, ક્યાં મળશે?
- જુઓ....અહીં આવો. આ બારીમાંથી નીચે રોડ ઉપર જુઓ....ચા ની કીટલી દેખાય છે....? પેલા
૬૫-૭૦ વર્ષના માજીના માથામાં રૉમૅન્ટિક હાથ ફેરવે છે, એ માણસ દેખાય છે? જરા આ બાજુ આવો...
- હા...હવે દેખાયો....એ કોણ પરવીણભ’ઇની બા છે?
- સ્ટુપિડ....આવું પૂછશો તો તમારા બા ખીજાશે....આ માજી તો પરવીણ ચડ્ડીનું લૅટેસ્ટ મૂડીરોકાણ છે...
જાઓ...નીચે જઇને મળી લો....
- ઓહ થૅન્ક્સ....
- અરે હાંભળો બાપા....ચાવાળાના નાસ્તાપાણીના તમે ચૂકવજો....કામ થઇ જશે!
સિક્સર
- પૂરી કૉંગ્રેસમાં પાકિસ્તાનને દેશનું દુશ્મન ગણતી એકે ય વ્યક્તિ નથી?
- ઓહ....કૉંગ્રેસ એક જ વ્યક્તિની તો પાટર્ી છે...
-----