અજવાળાંનો ઓટોગ્રાફ
(18)
કોઈ ભવિષ્ય નથી
કેટલાક લોકો સંબંધો પાસેથી જ્યોતિષવિદ્યા કે ટેરો કાર્ડ્સ જેવી અપેક્ષા રાખતા હોય છે. તેઓ પોતાના સંબંધમાં સતત ભવિષ્ય શોધવાનો પ્રયત્ન કરતા હોય છે. જે સંબંધનું કોઈ ભવિષ્ય જ નથી, એ સંબંધનો વર્તમાન પણ ન હોવો જોઈએ એવું માનીને કેટલાય લોકો ‘કન્સીવ’ થયેલા એક નવા સંબંધની ભ્રૂણહત્યા કરી નાખતા હોય છે. પ્રેમ હોય કે મિત્રતા, કેટલાક સંબંધો જ એવા હોય છે જેમાં ક્યાંય પહોંચવાનું નથી હોતું. અમૂક લોકો એટલા બધા ગમતા હોય છે કે કોઈપણ જાતની અપેક્ષા રાખ્યા વગર આપણા જીવનમાં એમની સૂક્ષ્મ હાજરી જ આપણને ધન્ય કરી નાખતી હોય છે.
કોઈ મને ચાહે છે, એવી અનુભૂતિ જીવતા રહેવા માટે હવા જેટલી જ જરૂરી છે. એ વ્યક્તિ દિવસો કે મહિનાઓ સુધી ન મળે તો પણ એ અનુભૂતિ આપણને જીવાડ્યા કરે છે કે કોઈને મારી જરૂર છે. ભવિષ્યની અસલામતીના ભયને કારણે આપણા સુંદર વર્તમાન પર બુલડોઝર ફેરવી દેનારા દરેક લોકોને એટલી જ વિનંતી છે કે આ ‘ગમતા રહેવાની’ ફીલિંગને જીવતી રાખજો.
શું સાથે રહેવું એ જ કોઈપણ સંબંધનું અલ્ટીમેટ ભવિષ્ય હોય શકે ? એ સિવાયની કોઈપણ શક્યતાઓને આપણે ભવિષ્ય ગણતા જ નથી ? દૂર હોવા છતાં પણ એકબીજાને કાયમ ગમતા રહેવાની અનુભૂતિ કોઈપણ સંબંધનું શ્રેષ્ઠ ભવિષ્ય છે. ભવિષ્યમાં સાથે ન રહી શકવાના ડરને કારણે આપણે કેટલીક વાર ગમતી વ્યક્તિના વર્તમાન લગાવ અને સથવારાને નામંજૂર કરતા હોઈએ છીએ.
એ આપણી ગેરમાન્યતા છે કે ગતિશીલ ગુજરાતની જેમ કોઈ વ્યક્તિ સાથેના આપણા સંબંધો પણ સતત વિકાસ પામતા રહેવા જોઈએ. આપણા મેઈનસ્ટ્રીમ જીવનની સમાંતરે અને શાંતપ્રવાહે ચાલી રહેલા કેટલાય સંબંધો આપણા વ્યક્તિગત વાતાવરણને રમણીય બનાવે છે. સાગરમાં ભળતા પહેલા નદી પણ મનોમન એકવાર એ રસ્તાને યાદ કરી લેતી હશે, જે રસ્તો નદીનું ભવિષ્ય જાણતો હોવા છતાં પણ એની સમાંતરે ચાલતો રહીને એને ચુપચાપ દરિયા સુધી મૂકવા આવ્યો. સમાંતરે ચાલતા રસ્તાની એવી અપેક્ષા ક્યારેય નથી હોતી કે નદી તેના તરફ વળી જાય. એ તો નિશ્ચિત કરેલા અંતરેથી નદીને જોયા કરે છે. કોઈને પામવાની અપેક્ષા વગર તેની સાથે રહી શક્યાની ક્ષણો વધારે આનંદદાયક હોય છે. અપેક્ષા તો ખાલી એટલી જ હોય છે કે જ્યાં સુધી ભૌગોલિક પરીસ્થિતિઓને કારણે દિશાઓ ન ફંટાય ત્યાં સુધી સાથે રહી શકાય.
ધન, વૈભવ, નામ, પ્રસિદ્ધિ, સફળતા અને આ દુનિયાની તમામ વસ્તુઓ કમાઈ ચુકેલો માણસ પણ આ એક અનુભૂતિ માટે કાયમ તરસતો હોય છે કે કોઈ એને પ્રેમ કરે છે. આપણા દરેકના જીવતા રહેવા માટેનો આ લઘુતમ સામાન્ય અવયવ છે. નસીબદાર હોય છે એ લોકો જેમને કોઈ કહેતું હોય કે આઈ લવ યુ. અને બહુ જ નસીબદાર હોય છે એ લોકો જેમને કોઈ એવું મળી જાય જે કહેતું હોય, આઈ લવ યુ ટુ.
કેટલાક સંબંધો ચલણ જેવા હોય છે. એનાથી આપણું ગુજરાન ચાલતું હોય છે. પણ ભવિષ્યમાં થનારી નોટબંધી વિશે વિચારીને આપણા ખિસ્સામાં રહેલું ચલણ આપણે અત્યારથી તો બંધ ન કરી દેવાય ને !
-ડૉ. નિમિત્ત ઓઝા