Veer Vatsala - 23 in Gujarati Love Stories by Raeesh Maniar books and stories PDF | વીર વત્સલા - 23

Featured Books
Categories
Share

વીર વત્સલા - 23

વીર વત્સલા

નવલકથા

રઈશ મનીઆર

પ્રકરણ - 23

વત્સલા અને વીરસિંહ સામસામે ઊભાં હતાં. વત્સલાના હાથમાં પકડેલી કટારી વીરસિંહની છાતીમાં ખૂંપી રહી હતી. એ ભૂલીને વીરસિંહ બાળકનો કબજો લેવા તસુભર આગળ વધી રહ્યો હતો. ચંદનસિંહે ગર્જના કરી એટલે બન્ને અટક્યાં.

હતપ્રભ થઈ ગયેલા માણેકબાપાએ બેની વચ્ચેથી અભયને ઉઠાવી ખોળામાં લઈ લીધો. અત્યાર સુધી એ એમ માનતા હતા કે વત્સલાએ અભયનો રસ્તો કરી વીરસિંહને સ્વીકારવો જોઈએ. કયો બાપ એમ ઈચ્છે કે દીકરી સંસાર માંડવાને બદલે એક અનાથ બાળકને ઉછેરવા પાછળ પોતાનો ભવ બલિએ ચડાવી દે?

પણ આજે હવે દીકરીનું શૂર જોઈ એમનું હૃદય પલટાયું. માણેકબાપાની ભીની આંખોમાંથી આંસુઓએ માર્ગ શોધ્યો. અભયસિંહના ગાલ ભીંજાયા. માણેકબાપુ સૂઝ્યું એવું બોલ્યા, “વીરસિંહ, તમે બોલી શકો છો, તમે તમારે પક્ષે દલીલ કરી શકો છો, પણ આ અબુધ બાળક એનો જીવવાનો હક્ક કઈ રીતે પુરવાર કરે? એ જનમથી જેના ખોળે ઉછર્યું છે, એ માતાના પ્રેમ પરનો એનો હક્ક કેવી રીતે સાબિત કરે? તમે વત્સલાને તમારી તરફ ખેંચી શકો છો, આ બાળક વત્સલાને પોતાની તરફ કઈ રીતે ખેંચે?”

વીરસિંહે જોયું કે માણેકબાપુ ત્રીજી જ નજરથી પરિસ્થિતિને જોઈ રહ્યા હતા.

વત્સલા પોતાની બન્ને તરફ પોતાનાં બે ફેફસાં જેવા બે સિંહોને જોઈને બોલી, “વીરસિંહ અને અભયસિંહ! તમતમારે ખેંચો બન્ને! કે પછી હું જ મારા બે ટુકડા કરી નાખું?”

વત્સલાની વાત સાચી હતી એક તરફ પ્રેમ ખેંચી રહ્યો હતો, બીજીતરફ વાત્સલ્ય પોકારી રહ્યું હતું અને વત્સલા બેની વચ્ચે ચીરાઈ રહી હતી.

બાળક અને પ્રેમીની વચ્ચે ઊભેઊભા ચીરાઈ જવાનો ઈરાદો કરી, વત્સલાએ કટારી હાથમાં લઈ માથા ઉપર ઊઠાવી.

વીરસિંહના મનમાં અંદરથી અવાજ આવ્યો, “વીરસિંહ, એક તરફ તું છે, બીજી તરફ માણેકબાપુના ખોળે બાળક છે અને વચ્ચે વત્સલા ઊભી છે. બાળક અગર વત્સલાને પોતાની તરફ ખેંચી શકે એમ નથી, તો વીરસિંહ! તનેય વત્સલાને ખેંચવાનો હક્ક નથી. મામલો ન્યાયનો હોય તો માત્ર વત્સલા કઈ તરફ ખેંચાય છે એ જ મારે મૂંગા ઊભા રહીને જોવું પડે!”

જાણે માતાની અસ્વસ્થતા અને અકળામણ પારખી ગયો હોય એમ અભય અચાનક રડવા લાગ્યો. કટારીથી પોતાના દેહને ચીરવા તત્પર થયેલી વત્સલા એક પળ અટકી ત્યાં તો મારમાર ઘોડેસવારો ધસી આવતા દેખાયા.

“લો આવી ગયા તમારા સાથીઓ. બધા ભેળા થઈ સત્યનાશ વાળી દો માણેકબાપુના ટીંબાનું!” એમ કહી વત્સલા માણેકબાપુના હાથમાંથી અભયને લેવા દોડી.

એ પહેલા વીરસિંહે અચાનક માણેકબાપાના હાથોમાંથી બાળકને ઊઠાવ્યું અને મોટી છલાંગો ભરીને એ મંદિર પાસે થઈને ઘરની પાછળના ભાગે દોડી ગયો. વત્સલા અવાક થઈ જોતી રહી.

વીરસિંહ શું કરવા માંગતો હતો? વીરસિંહ વત્સલાના બાળકને નુકશાન પહોંચાડી શકે? કદી નહીં! પણ દિલિપસિંહના બાળકને રાજનો સિપાહી વીરસિંહ નદીમાં પધરાવી શકે? કદાચ હા!

વીરસિંહની પાછળ દોડવા માંગતી વત્સલાને માણેકબાપુએ માંડ ઝાલી રાખી. છૂટવા માટે જોર લગાવી રહેલી વત્સલાને પકડવા જતાં માણેકબાપુ સંતુલન ગુમાવી ફરી ગયા. બાપુની સાથે વત્સલા પણ લગભગ ફૂદરડી ફરી ગઈ. એટલે વત્સલાના મોંની દિશા બદલાઈ અને એને આવી રહેલી ટોળકી દેખાઈ. ટોળકીના મોખરે દુર્જેયસિંહ, ઉધમસિંહ, જુગલસિંહ અને હુકુમસિંહ પરખાયા. ચારેયને બાળકની તલાશ હતી. પાછળ શસ્ત્રસજ્જ સિપાહીઓની ટોળકી હતી. જાણે દુશ્મનનો કિલ્લો સર કરવા આવ્યા હોય એમ સહુ ઘેરી વળ્યા.

વીણા અને ચંદનસિંહે બાપુને ટેકો આપ્યો. વત્સલા નિરૂપાયે જરા શાંત પડી.

કાકડીઓના વેલા પર અકારણ તલવારના વાર ઝીંકતો દુર્જેયસિંહ બોલ્યો, “નાલાયકો! બાળક ક્યાં છે?”

ત્યાં જ વીરસિંહ ઘરની બાજુમાંથી બહાર આવ્યો. વત્સલાએ જોયું કે એના હાથમાં બાળક નહોતું. વીરસિંહે બાળકનું શું કર્યું? છુપાવ્યું? કે પછી નદીમાં..? વત્સલાને દોડી જવાનું મન થયું. પણ વીણાએ એને પકડી રાખી.

બહાર આવેલા વીરસિંહે ચંદનસિંહ સાથે આંખ મેળવી.

વીરસિંહ બાળકનું શું કરશે, ચંદનસિંહને એનો તો અંદાજ નહોતો પણ ચંદનસિંહ એટલું તો સમજી ગયો કે પોતાનો મિત્ર વત્સલા અને બાપુને બચાવવા માટે જાન આપી દેતાંય નહીં અચકાય.

કટોકટીની ક્ષણમાં વફાદારી અને વિશ્વાસ બતાવવા માટે શબ્દોની જરૂર નથી હોતી.

ઈશારાથી બન્ને મિત્રોએ વાત કરી લીધી કે હવે અહીં સામી છાતીએ લડી શકાય એમ નથી.

દુર્જેયસિંહ વીરસિંહ સામે જોઈ ગર્જ્યો, “તું આંયા શું કરે છે?”

વીરસિંહના બદલે હવે ચંદનસિંહ બોલ્યો, “બાપુ, ઈ બાળકને જ શોધીએ છીએ..”

આજુબાજુ નજર નાખીને આવેલો હુકુમસિંહ બોલ્યો, “બાળક આસપાસ ક્યાંય નથી, ઘરમાં જ છુપાવ્યું હશે.”

ઉધમસિંહ અને હુકુમસિંહ ચોગાનમાંથી ઓટલા નજીક ધસી ગયા. રસ્તે જે કંઈ હડફેટમાં આવ્યું, જે દેખાયું તે ફેંદવા લાગ્યા. ઘરવખરી તારાજ થાય એની ફિકર કરતાં અભય ક્યાં હશે એની ચિંતા વત્સલાને વધુ હતી.

આ કાળમુખા સિપાહીઓ સામે ધસી રહેલી વત્સલાને માણેકબાપાએ પકડી રાખી. બાપદીકરી એકબીજાને નિસહાય થઈ જોઈ રહ્યા. ઉધમસિંહે ખાટલીને ઊંચકી એનો ઘા કરી એના સાંધેસાંધા છૂટા પાડી દીધા. હુકુમસિંહે બંદૂકના કુંદાથી માટલું ફોડી નાખ્યું. દુર્જેયસિંહે દરવાજા પર નિષ્ફળ પ્રહાર કરી જોયો. વીરસિંહ ઘર અંદરથી બંધ કરીને આવ્યો હશે?

“તોડી નાખો દરવાજો!” દુર્જેયસિંહ ચિલ્લાયો. પાછળની દીવાલ તૂટેલી હોવાને કારણે ઘર પાછળથી ખુલ્લું જ હતું, એ હકીકતથી એ બેખબર હતો.

દુર્જેયસિંહના હુકમની રાહ જ જોતા હોય એમ બાકીના ત્રણે દરવાજે ફટકા મારવા લાગ્યા. બાપદીકરી બન્નેને એ દિવસ યાદ આવી ગયો જ્યારે દિલિપસિંહ અને તેજલબાની હત્યા થઈ હતી. માણેકબાપા વત્સલાને હૈયાસરસી ભેટીને ઊભા રહ્યા.

દરવાજો તોડવા ધસી રહેલા દુર્જેયસિંહને આડે આવતાં વીરસિંહ બોલ્યો, “તમારું દુશ્મન એ બાળક નથી!”

રઘવાયો થયેલો દુર્જેયસિંહ બંદૂક ઉગામતાં બોલ્યો, “હવે તો ઈ બાળક અને મારી આડે જે કોઈ આવે, ઈ ય મારો દુશ્મન..”

પોતાના જીવની પરવા કર્યા વગર નિ:શસ્ત્ર વીરસિંહે દુર્જેયસિંહના બાવડાં હચમચાવી નાખ્યા, “બાપુ! માલવપુર તરફથી લીલાપોરની સેના આવી રહી છે, ત્યાં ધ્યાન આપો! પરજા નારાજ છે, એની સુખાકારી પર ધ્યાન આપો! આમ ખોટી..”

દુર્જેયસિંહે વીરસિંહને ન ગણકારતાં દરવાજા પર કૂંદો માર્યો. વીરસિંહે એની બંદૂક પકડી લીધી.

હુકુમસિંહ દુર્જેયસિંહને ઉશ્કેરવા બોલ્યો, “વીરસિંહ, રાજના હુકુમને આડે ન આવ! જીવ ખોવાનો વારો આવશે!”

મરણિયા થયેલા દુર્જેયસિંહને પકડવા મથતાં ચંદનસિંહ બોલ્યો, “પરજાનો અવાજ સાંભળો, બાપુ!”

ચંદનસિંહને જોશભેર હડસેલીને દુર્જેયસિંહ દરવાજા સામે ધસી ગયો. ચંદનસિંહનું માથું પાળી સાથે ભટકાયું. એ નીચે પડ્યો. એના કપાળેથી લોહી નીકળ્યું. એને ઉઠાવવા વીરસિંહ અને વીણા દોડ્યાં.

એટલીવારમાં તો ચારેય દરવાજા પર બંદૂકના કુંદાના પ્રહારથી મચી પડયા.

કડડડ અવાજ સાથે દરવાજો તૂટ્યો, સાથે સાથે દીવાલ પણ તૂટી.

એ વજનદાર દીવાલ હુકુમસિંહ, જુગલસિંહ અને ઉધમસિંહ પર પડી. દીવાલના મલબા તળે ત્રણે દબાયા. દુર્જેયસિંહ દરવાજાના ભાગે હતો તેથી એ બચી ગયો.

પાછળની દિવાલ તો રાતથી જ તૂટેલી હતી, હવે આગળની પણ તૂટી. હવે મોભ માત્ર બન્ને બાજુની દિવાલના થાંભલાના ટેકે ટકેલો હતો. મોભની બન્ને તરફ વાંસની બનેલી છત હવે હાલવા લાગી, પણ બાળકને શોધવાની લ્હાયમાં દુર્જેયસિંહ ત્યાંથી ખસ્યો નહીં. છતના વજનથી અચાનક એક તરફનો કમજોર થયેલો થાંભલો ડગ્યો અને મોભનું લાકડું એ તરફથી ખસીને પડયું. મોભનું જાડું લાકડું કડાકાભેર દુર્જેયસિંહના માથે ટકરાયું.

આ મોભ પરથી લટકાવેલી જ ઝોળીમાં અભય હતો. મોભનો એક છેડો ઉપર જોડાયેલો હતો. મોભનો બીજો છેડો જમીનના ટેકે ઊભો રહ્યો. વચોવચ અભયસિંહની ઝોળી સલામત હતી. દુર્જેયસિંહના લોહીલુહાણ માથાની બરાબર સામે અભયની ઝોળી ઝૂલી રહી. મોભના પ્રહારથી તમ્મર ખાઈ રહેલા દુર્જેયસિંહને ઝોળીમાં રાજના દુશ્મનનાં દર્શન થઈ ગયાં. પલકભરમાં આ ઘટના બની ગઈ. વત્સલા દોડી ગઈ. અભય ઝોળીમાં સલામત હતો. એણે ઉતાવળે અભયને બહાર કાઢ્યો. ઝોળીની દોરીમાં ભેરવાયેલો અભય હાથનો પંજો ઉતાવળે છૂટતાં દુર્જેયસિંહના લોહીલુહાણ ચહેરા પર સહેજ ઝાટકા સાથે વાગ્યો. માથાની ઈજાથી લડખડી રહેલો દુર્જેયસિંહ જાણે બાળકના પ્રહારથી જ ધરાશાયી થયો.

વત્સલાએ છેલ્લા શ્વાસ લઈ રહેલા દુર્જેયસિંહને કહ્યું, “જો આ બાળકની આંખ! દેખાય છે એમાં દિલિપસિંહ અને તેજલબા?”

વીરસિંહ, ચંદનસિંહ, માણેકબાપુ, વીણા, સિપાહીઓ સહુ પલક ઝપકાવ્યા વગર જોતાં રહી ગયાં. ઘટના તો કુદરતી રીતે અકસ્માતે જ બની હતી, તોય સહુને ઘડીભર ભ્રમણા થઈ કે જાણે બાળકે જાતે જ ઘરનો મોભ ઊંચકીને દુર્જેયસિંહને માથે ફટકારી ન દીધો હોય!

વત્સલા હવે નિશ્ચિંત થઈ બાળક વીરસિંહના હાથમાં સોપતાં સિપાહીઓ સામે જોઈ મોટેથી બોલી, “હવે આ જ છે રાજનો વારસ! કુંવર અભયસિંહ! છે કોઈને શક?”

દુર્જનોનો ખાત્મો અને કુદરતનો કરિશ્મો જોઈ રહેલા સિપાહીઓની લાગણી પણ વહી નીકળી. એક સિપાહીએ લલકાર્યું, “પરાક્રમી કુંવર અભયસિંહનો જય હો!” જય હોના નાદ ગામ અને વગડામાં પડઘાઈ રહ્યા.

દિલિપસિંહ અને તેજલબાનું બાળક સલામત છે એ વાતને ફેલાતાં કેટલીવાર લાગે? બીજા એક કલાકમાં તો લીલાપોરની સેનાની મદદથી વશરામના સાથીઓએ સૂરજગઢ પર કબજો જમાવી દીધો. દુર્જેયસિંહના જૂજ મળતિયાઓ બચ્યા હતા, એ ક્યાં તો હણાયા, ક્યાં તો ભાગી છૂટ્યા. અને સહુ સમજદારોની સંમતિથી અભયસિંહ પુખ્ત થાય ત્યાં સુધી વીરસિંહના હાથમાં રાજની કમાન સોંપાઈ.

વીરતાનો અને વાત્સલ્યના ઝૂલે ઝૂલી અભયસિંહનું બાળપણ વીત્યું અને યુવાની બેઠી. અભયસિંહના મનમાં ક્યારેક એ વાતે કૌતુક થતું કે સૂરજપુરનો ગઢ મજબૂત કે મારા પાલક માવતરના સ્નેહનો ગઢ વધુ મજબૂત! ઘરડા થયેલા મંગુ માસ્તર એને એના પિતાજી દિલીપસિંહના મોહનદાસ સાથેના પત્રવ્યવહારની વાત કરતા. અને અભયસિંહને રોમાંચ થતો.

વીરસિંહને શાસન કરવા દઈ કુંવરે ત્રીસ વરસની ઉંમર સુધી દેશવિદેશમાં અભ્યાસ કર્યો. વીરસિંહ હવે ત્રીસી વટાવવા જઈ રહેલા યુવાન પાલ્યને સત્તા સોંપવા ઉતાવળો થયો હતો. એવામાં એક દિવસ અભયસિંહે વીરસિંહને કહ્યું, “બાપુ! રાજના કાગળિયા લાવો ને! તમારી આજ્ઞા હોય તો મારે એ કાગળિયા હવે સરદાર પટેલને સોંપવા છે.”

એ એક ક્ષણમાં અભયસિંહની મક્કમ આંખોમાં એના પિતા શહીદ દિલિપસિંહ જીવંત થઈ ગયા.

(સમાપ્ત)

રઈશ મનીઆર

amiraeesh@yahoo.co.in