Kaka ane kada rangni Mercedes - 2 in Gujarati Short Stories by Pratik Barot books and stories PDF | કાકા અને કાળા રંગની મર્સિડીઝ - ભાગ ૨

Featured Books
Categories
Share

કાકા અને કાળા રંગની મર્સિડીઝ - ભાગ ૨


માણસનુ મન કાં તો મૂંઝવણનુ મરીઝ હોય કાં તો મસ્તી કરતુ માંકડુ. આ બનાવ પછી મારૂ મન પણ કદાચ મૂંઝવણ નુ મરીઝ બની ગયુ હતુ. ખબર નહી શા કારણે પણ એ કાકા વિશે જાણવાની મારી તાલાવેલી દિવસે ને દિવસે ઉનાળાની ગરમીની જેમ વધતી ચાલી. એ દિવસના બનાવ પછી કેટલાય દિવસો સુધી હું ડેરી ડેન જઈ કલાકો સુધી બેસતો અને કાકાની રાહ જોતો. ભીખાને પૂછતા હંમેશા એનો એક જ જવાબ મળતો, "મને શી ખબર"

એક દિવસ મારી દિકરી આયુષી સાથે સાંજે અંદાજે સાળા આઠ વાગ્યે ડેરી ડેનમાં આઇસક્રીમ લેવા ગયો, ત્યારે અચાનક મારી નજર પેલા કાકા પર પડી. નવા જ આણેલા ઝભ્ભા લેંઘામા કાકા અલગ જ ખાનદાન માણસ લાગતા હતા. એમના ચહેરા પરની અશાંતિ અને અમર્ષ જાણે ક્યાંક ગાયબ થઇ ગયા હતા. કાકા નાના ભૂલકાંઓ ને ચોકલેટ વંહેચતા બેઠા હતા અને દરેક ચોકલેટ લેવા આવતા બાળકને વ્હાલ કરતા હતા. આયુષીને ફટાફટ આઈસ્ક્રીમ અપાવી હું બહાર આવ્યો ને ભીખા સામે જઈ પ્રશ્નાર્થ સંજ્ઞા કરી.

ભીખો તરત સમજી ગયો ને કાયમની જેમ કંટાળાનો ભાવ લાવી એનો એ જ જવાબ દીધો, "મને શી ખબર?"

એનો જવાબ સાંબળી એક બાજુ ભીખાને પીટવાની ઈચ્છા થઈ તો બીજી બાજુ મારી જીજ્ઞાસાવૃતિ વધુ ને વધુ બળવત્તર થતી લાગી ને મેં જાતે જઈને કાકા સાથે વાત કરવાનો જોખમી નિર્ણય કર્યો.

આયુષીને ચોકલેટ અપાવવાના બહાને હું કાકાની પાસે જઈને બેઠો. "કેમ છો કાકા, ઓળખાણ પડી કે નહી?" એવુ પૂછવા છતા કાંઈ જવાબ ન મળ્યો. જવાબ માં માત્ર નિખાલસ નાના બાળક જેવુ સ્મિત મળ્યું. આયુષીને પાસે બોલાવી મે ઓળખાણ આપી તો એજ સ્મિત સાથે આયુષીને ચોકલેટ આપીને વ્હાલ કર્યુ.

કંઈ આગળ પુછું તે પહેલાં તો મારી નજર સામેથી પસાર થઈ રહેલી કાળા રંગની કાર પર પડી. પેલા દિવસનો પ્રસંગ અને કાકાનો કાળા રંગની ગાડી સાથેનો વ્યવહાર યાદ આવતા જ હું ગભરાયો, આયુષીને તેડી હું મારા બાઈક તરફ દોડયો, પણ મારા આશ્ર્ચર્ય વચ્ચે આ વખતે બેફામ ગાળોના અને કાચ તૂટવાના અવાજ ની જગ્યાએ મને કોઈકના ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો. પાછુ વળીને જોઉ છુ તો એજ કાકા મારી સામે જોઈને અટ્ટહાસ્ય કરી રહયા છે. આયુષી કાકાને જોઈ થોડી ડરી ગઈ હતી. એને શાંત કરીને હું પાછો ડરતા ડરતાં પેલા કાકા પાસે જઈને બેઠો. કાકાને કઈ રીતે પૂછવુ અને એમનો જવાબ મળશે કે નહી એની મનોમન ગડમથલ કરતો હું ફરી એમની પાસે જઈ બેઠો.

પણ આ વખતે એમના સ્મિત એ મનને થોડી ધરપત બાંધી આપી એટલે ધીરે રહીને જરાક હસીને મે સવાલ પૂછી લીધો,
"કેમ કાકા, આજે આ કાળી ગાડીનો કાચ નથી ફોડવો તમારે?" સામે પડેલી કાળા રંગની કાર તરફ મેં આંગળી ચીઁધી.

"ના બેટા, હવે મારે કાચ તોડવાની જરૂર નથી. રોય એન્ડ સન્સ ઈઝ બેક ટુ પેવેલિયન નાઉ" ખુમારીભર્યા અવાજે એમણે કીધું.

"હું કાંઈ સમજયો નહી." કાકાને ફાંકડુ અંગ્રેજી બોલતા સાંભળી દિગ્મૂઢ ની જેમ મેં વાતનો તાળો મેળવતા મેળવતા પૂછયુ.

"તુ સાંજે આ બાજુ આવવાનો હોય તો મળજે, બેટા. હું બધી વાત કરીશ તને, અત્યારે મારે ઘરે જવાનુ છે." કહી કાકા ઉભા થઈ ચાલવા લાગ્યા.

આજની કાકા સાથેની વાતચીત, પેલા દિવસની ઘટના, રોય એન્ડ સન્સ આ બધામાં મારૂ મગજ ચકરાવે ચડી ગયુ ને આ બધી ભાંજગડ માં આયુષીનો આઈસ્ક્રીમ પીગળી ગયો ને એ રડવા લાગી. એને નવો આઈસ્ક્રીમ કોન અપાવી અમે બાપ-દિકરી ઘરે ઉપડયા.