ચેલેન્જ
કનુ ભગદેવ
પ્રકરણ - 1
કેસની શરૂઆત!
કેન્દ્રીય ગુપ્તચર વિભાગના ચીફ ઇન્સ્પેક્ટર નાગપાલનો સહકારી કેપ્ટન દિલીપ જયારે બલરામપુરથી હમણાં જ આવી પહોંચેલા પ્લેનમાંથી લલિતપુરના ભવ્ય, વિશાળ અને ખુબસુરત એરપોર્ટ પર ઉતર્યો ત્યારે ઝરમરિયો વરસાદ વરસતો હતો.
નાગપાલ અને દિલીપને એમની ભૂતકાલીન સેવાઓ જોઈને તેમની કદર રૂપે સરકારે તેઓને સ્પેશિયલ કેસ તરીકે, ખાનગી ગુપ્તચર તરીકે કામ કરવાની ખાસ પરવાનગી આપી હતી.
આજકાલ કરતા ઘણા વખતથી નાગપાલ અને દિલીપ બલરામપુરમાં હતા. દિલીપ એક ખાનગી કેસના અનુસંધાનમાં જ અત્યારે લલિતપુર આવ્યો હતો.
લલિતપુર ખુબ મોટું, આશરે પચીસેક લાખની વસ્તી ધરાવતું ઔધોગિક શહેર હતું.
એરપોર્ટમાંથી બહાર નીકળી, એક રિક્ષામાં બેસીને તે શહેરના માથાભારે અને બદનામ ઇલાકા તરીકે ઓળખાતા ઉસ્માનપુરામાં પહોંચી ગયો. અગાઉ તે ઘણી વખત અહીં આવી ગયો હોવાથી લલિતપુર શહેરથી તે પરિચિત હતો.
ઉસ્માનપુરા બેહદ ખતરનાક વિસ્તાર છે એ હકીકત તે જાણતો જ હતો.
ઉસ્માનપુરામાં દારૂ જુગાર અને નશાકારક દ્રવ્યોના છુપા અડ્ડાઓ હતા. દેશી શરાબથી માંડીને હેરોઇન, બ્રાઉન સુગર વિગેરે બધું જ અહીં મળતું હતું. અહીં વાત વાતમાં છુરીઓ ઉછળતી રહેતી હતી. પોલીસે અનેક વખત અહીં દરોડાઓ પાડ્યા હતા. પરંતુ કોણ જાણે કઈ રીતે અહીં વસતા બદમાશોને તેમના આગમનની અગાઉથી ખબર પડી જતી હતી. પરિણામે પોલીસના આગમન પહેલા જ તેઓ બધું સગેવગે કરી નાખતા હતા અને પોલીસ નિષ્ફળ થઇ, હાથ ઘસીને રહી જતી હતી.
રિક્ષાવાળને ભાડું આપીને વિદાય કર્યા પછી એણે એકાદ-બે રાહદારીઓને પૂછીને માયભુવન નામનું ત્રણ માળનું વિશાળ મકાન શોધી કાઢ્યું.
માયભુવનના દરેક માળ પર બંને તરફ ત્રણ ત્રણ ફ્લેટ હતા અને દરેકમાં લોખંડી ગ્રિલ્સ જડેલી અલગ અલગ બાલ્કની હતી.
પોતાની સૂટકેસ નીચે મૂકીને એણે આજુબાજુના મકાનો પર નજર દોડાવી.
માયા ભુવનની જમણી તરફ એક જર્જરિત મકાન હતું અને ડાબી તરફ માયા હોટલ હતી. હોટલ ત્રણ માળની અને નવા જેવી લગતી હતી પણ એનું બાંધકામ તો જૂની ઢબનું જ હતું. એ હોટલના પણ દરેક રૂમમાં ગ્રિલ્સ જડાયેલી બાલ્કનીઓ હતી. હોટલ અને માયા ભુવનની વચ્ચે માંડ આઠ-નવ ફૂટ જેટલું અંતર હતું તથા બંને ઇમારતોની બાલ્કનીની રેલિંગનો બહારનો ભાગ જાણે કે એકબીજાને સ્પર્શતો હતો.
કદાચ બંને ઈમારતનો માલિક કોઈક એક જ માણસ હતો. એણે એક બિલ્ડિંગમાં ફ્લેટ અને બીજામાં હોટલ બનાવી હતી. અને એ કારણસર જ બંને ઇમારતોના નામ પણ એણે કદાચ એકસરખા રખાવ્યા હતા. માયા ભુવન અને માયા હોટલ...!
સૂટકેસ ઊંચકીને દિલીપ હોટલના કાઉન્ટર પર પહોંચ્યો.
હોટલ બહારથી જેટલી બિસમાર લગતી હતી, અંદરથી એટલી જ સારી હતી.
કાઉન્ટર ઉપર એક દુબળો-પાતળો માણસ બેઠો હતો.
દિલીપ સામે જોઈને એના ચહેરા પર આવકારદાયક પણ ધંધાદારી સ્મિત ફરક્યું. પછી એણે એક મોટું રજીસ્ટર ઉઘાડીને દિલીપ સામે સરકાવ્યું.
‘મારે તમારી પાસેથી થોડી માહિતી જોઈએ છે.’ દિલીપે રજીસ્ટર પર ધ્યાન આપવાને બદલે હોટલના કાઉન્ટર રીશેપ્શનિસ્ટને કહ્યું.
‘ફરમાવો...’ એણે જવાબ આપ્યો.
‘આ હોટલની બાજુના મકાનનું નામ માયા ભુવન છે.’ દિલીપે પચાસ રૂપિયાની એક નોટને આંગળીઓ વચ્ચે ફેરવતા કહ્યું, ‘તમારી બાજુમાં જ એ મકાન હોવાથી તમને એની અંદરના ભાગનો ખ્યાલ હોવો જોઈએ એમ હું માનું છું.’
‘હા, છે. બોલો, તમારે શું જાણવું છે?’
‘પંદર નંબરનો ફ્લેટ ક્યાં છે એ મારે જાણવું છે?’
‘હા, હું જાણું છું.’ શિયાળ જે લોલુપતાભરી નજરે હાડકાને જુએ એ રીતે રીશેપ્શનીસ્ટની આંખો દિલીપના હાથમાં જકડાયેલી નોટ પર સ્થિર હતી.
દિલીપે નોટ નીચે દબાવીને મૂકી દીધી.
રીશેપ્શનિસ્ટએ નોટ ખેંચીને આંખના પલકારામાં ક્યાંક અદ્રશ્ય કરી કરી દીધી.
‘સાહેબ...’ એના ચહેરા પર સ્મિત ફરકતું હતું, ‘ફ્લેટ નંબર પંદર એ મકાનનાં ત્રીજા માળ પર પાછળના ભાગ તરફ પડે છે.’
‘વાહ…’ દિલીપના અવાજમાં પ્રશંશા હતી, ‘તમારી યાદદાસ્તનું કહેવું પડે હો ભાઈ! તો તો પછી તમે એ પણ જાણતા હશો કે પંદર નંબરનો એ ફ્લેટ તમારી હોટેલના કયા રૂમની સામે પડે છે.’
‘સાહેબ...’ કહેતાં કહેતાં રીશેપ્શનિસ્ટનાં ભવાં સંકોચાયા, ‘તમે અહીં રોકાવા માટે આવ્યા છો કે પછી માહિતી ભેગી કરવા?’
‘રોકાવા, મારા ભાઈ રોકાવા!’ કહી, સહેજ હસીને દિલીપે રજીસ્ટરમાં પોતાનું નામ-સરનામું લખી નાંખ્યું.
‘અમારી હોટલનો સત્તર નંબરનો રૂમ એ ફ્લેટની બરાબર સામે જ છે.’
‘એમ? તો તો મને એ જ રૂમ આપો.’
‘હું...જાણે વાત એમ છે સાહેબ કે અત્યારે તે રૂમ ખાલી નથી. કોઈક મારવાડી પેસેન્જર તેમાં ઉતર્યો છે. પણ જો તમારે એ જ રૂમનો આગ્રહ હોય તો મારે જરા દોડધામ કરીને એ મારવાડીને બીજા રૂમમાં ટ્રાન્સફર કરવા માટે સમજાવવો પડશે. પરંતુ...’ રીશેપ્શનીસ્ટે વાત અધૂરી મૂકીને ગજવામાંથી એક સિક્કો કાઢીને અંગુઠો અને બીજી આંગળી વચ્ચે સાંકેતિક રીતે ઉછાળ્યો.
‘ઓહો...એમાં તે શી મોટી વાત છે? તમને ખબર નહીં હોય દોસ્ત, પણ મારે તો નોટો છાપવાનું કારખાનું છે!’ કહીને દિલીપે પચાસવાળી વધુ બે નોટો કાઢીને કાઉન્ટર પર મૂકી દીધી.
‘આભાર સાહેબ! હવે તમને એ રૂમ મળી જ ગયો છે. એમ માની લો ને! પણ એક વાત કહું તમને! તમે ઘણા સજ્જન માણસ લાગો છો. તમને વાંધો ન હોય અને તમે કામ-ધંધામાં એકલાં ન પહોંચી શકતાં હો તો નોટ છાપવાનાં કારખાનામાં બેઆની મારો પણ ભાગ રાખોને!’
‘જુઓ ભાઈ…’ પોતે કરેલી મશ્કરીના જવાબમાં રીશેપ્શનિસ્ટ પણ પુરેપુરો દાંડ નીકળ્યો છે એ જોઈને દિલીપ સહેજ આશ્ચર્ય પામતો બોલ્યો, ‘મારી સાથે ભાગીદારી કરવાની તમારે કંઈ જ જરૂર નથી. મારુ કામ પતિ ગયા પછી હું આખે આખી ફેક્ટરી જ તમને સોંપી દઈશ. માટે હવે એની ફિકર કર્યા વગર મારે માટે રૂમની વ્યવસ્થા કરો.’
‘જરૂર...તમે થોડી વાર અહીં બેસીને રાહ જુઓ. હું મારવાડીને બીજા રૂમમાં ટ્રાન્સફર કરું છું.’ આટલું કહીને એણે થોડે દૂર ઉભેલ નોકરને બોલાવી, તેના હાથમાં એક ચાવી મૂકીને કંઈક સૂચના આપી.
નોકર હોઠમાં જ હસતો હસતો ખૂણામાં આવેલી લિફ્ટ તરફ ચાલતો થયો.
પાંચેક મિનિટ પછી લિફ્ટ નીચે આવીને ઉભી રહી. તેમાંથી આધેડ વયનો એક માણસ, એક જરૂર કરતા વધુ મેકઅપ કરેલી સ્ત્રી સાથે બહાર નીકળીને આજુબાજુમાં નજર કર્યા વગર સીધો જ પ્રવેશદ્વાર તરફ આગળ વધી ગયો. એના ચહેરા પર વ્યાકુળતા અને ચિકના સ્વભાવ છવાયેલા હતા. એથી ઉલટું યુવતીના ચહેરા પર રમતિયાળ સ્મિત ફરકતું હતું.
છેવટે એ બંને બહાર નીકળી ગયા.
થોડી પળો બાદ રીશેપ્શનિસ્ટે ચાવી આપીને ઉપર મોકલેલો નોકર પણ ત્યાં આવી પહોંચ્યો.
રીશેપ્શનિસ્ટે એની સામે જોઈને આશ્ચર્યજનક સ્મિત ફરકાવ્યું. પછી દિલીપને ઉદ્દેશીને તે સહેજ ઊંચા અવાજે બોલ્યો, ‘મિસ્ટર દિલીપ, સત્તર નંબરનો રૂમ ખાલી થઇ ગયો છે.’
દિલીપ ઉભો થયો. નોકર એની સૂટકેસ ઊંચકીને લિફ્ટ તરફ આગળ વધ્યો.
દિલીપ તેની સાથે લિફ્ટમાં ત્રીજા માળ પર પહોંચ્યો. બંને લિફ્ટમાંથી બહાર નીકળ્યા.
ત્રીજા માળની લોબીના છેડે પહોંચીને નોકરે એક રૂમનું બારણું ઉઘાડયા પછી અદબભેર એક તરફ ઉભો રહીને એ બોલ્યો: ‘આવો સાહેબ!’
દિલીપ રૂમમાં દાખલ થયો. એણે ચારેય તરફ શોધપૂર્ણ નજર દોડાવી. પરંતુ થોડી વાર પહેલાં આ રૂમમાં કોઈ રહેતું હોય એવું ચિહન પણ દેખાયું નહીં. રીશેપ્શનિસ્ટ પોતાને મૂરખ બનાવી ગયો છે એ વાત તરત જ તેને સમજાઈ ગઈ. નોકરે તેની સૂટકેસ નીચે મૂકી દીધી.
દિલીપે તેને ટીપ તરીકે પાંચની નોટ આપીને બરફ લાવવાનું કહ્યું.
નોકર તેને સલામ કરીને ત્યાંથી બહાર નીકળી ગયો.
દિલીપે આગળ વધીને, રૂમની બારી ઉઘાડીને આજુબાજુની ઇમારતોનું નિરીક્ષણ કર્યું. પછી એણે બાલ્કની તરફ ઉઘડતું બારણું પણ ખોલી નાખ્યું. વરસાદ હવે રહી ગયો હતો. વાતાવરમાં ઠંડક ફેલાયેલી હતી.
બાલ્કનીની લંબાઈ રૂમની લંબાઈ કરતાં થોડી ઓછી હતી. એની પહોળાઈ ત્રણેક ફૂટ જેટલી હતી. બાલ્કનીમાં ત્રણ ફૂટ ઊંચી લોખંડની ચપટી રેલિંગ હતી.
દિલીપ બાલ્કનીમાં ગયો પરંતુ ત્યાં પહોંચતા જ તેના મોંમાંથી આશ્ચર્યોદગાર સરી પડ્યો. એની બરાબર સામે માયા ભુવનના ત્રીજા માળની બાલ્કનીમાં એક આરામખુરશી પર એક યુવતી બેઠી હતી. બંને બાલ્કની વચ્ચે માંડ બે ફૂટ જેટલું અંતર હતું. દિલીપ હાથ લંબાવીને આરામથી એ બાલ્કનીને અડકી શકતો હતો. સામેની બાલ્કનીમાં પણ ત્રણ ફૂટ ઊંચી લોખંડની ચપટી રેલિંગ હતી.
દિલીપે રેલિંગ પર નમીને એ યુવતીનો ચહેરો જોવાનો પ્રયાસ કર્યો.
પરંતુ યુવતીએ તેની તરફની બાજુ પડખું ફેરવ્યું હતું. એનો ડાબો ગાલ, પોતાના કોણીએથી વળેલા ડાબા હાથ પર હતો. એણે ખુબ જ ઓછા વસ્ત્રો પહેર્યા હતા. યુવતી ખુબ જ સુંદર હતી. એનાં કાળા વાળ ખભા સુધી કપાયેલા હતા. એની જમણી આંખ બંધ હતી. કદાચ તે ખરેખર ઊંઘતી હતી અથવા તો પછી ઊંઘવાનો ડોળ કરતી હતી.
દિલીપે એકીટશે મંત્રમુગ્ધ બનીને તેને તાકી રહ્યો. એ તો યુવતીને ઓળખી ચુક્યો હતો. પોતે જે યુવતીની શોધમાં અહીં આવ્યો હતો, એ જ આ યુવતી છે એની તેને ખાતરી થઇ ગઈ હતી.
એ જ વખતે ડોરબેલનો અવાજ સાંભળીને દિલીપ રૂમમાં પાછો ફર્યો. બારણાના મુખ પર એ જ નોકર બે ગ્લાસ અને બરફની પ્લેટ સાથે ઉભો હતો.
દિલીપે એની પાસેથી બંને વસ્તુઓ લઈને બારણું બંધ કરી દીધું.
ત્યારબાદ ગ્લાસ અને બરફની બંને વસ્તુઓ લઈને બારણું બંધ કરી દીધું.
ત્યારબાદ ગ્લાસ અને બરફની પ્લેટ ટેબલ પર મૂકીને એણે પોતાની સૂટકેસ ઉઘાડી. પછી તેમાંથી એક ફોટો કાઢીને ધ્યાનથી એનું નિરીક્ષણ કર્યા બાદ સંતોષથી માથું હલાવ્યું. એ ફોટો ટેબલ પર જ મૂકી દીધો. પછી સુટકેસમાંથી વ્હીસ્કીની બોટલ કાઢી. આમ તો તેને શરાબ પીવાની ટેવ નહોતી. પરંતુ ક્યારેક પ્રસંગોપાતથી પણ લેતો હતો. એક પેગ બનાવીને તે ફરીથી બાલ્કનીમાં આવ્યો.
સામેની બાલ્કનીમાં યુવતી હજુ પણ પૂર્વવત હાલતમાં જ બેઠી હતી.
વ્હીસ્કીના ઘૂંટડા ભરતો ભરતો દિલીપ વિચારવશ નજરે તેની સામે તાકી રહ્યો.
‘મેડમ...!’ છેવટે મનોમન કંઈક નિર્ણય કરતાં તે એ યુવતીને ઉદ્દેશીને બોલ્યો, ‘અત્યારે સાંજના સમયે ઝોકા ખાવા એ તમારા જેવી ખુબસુરત છોકરીઓ માટે હાનિકારક છે!’
જવાબમાં યુવતીની જમણી પાંપણ ફરકી. એનો દેહ ટટ્ટાર થઇ ગયો. પરંતુ એકાદ મિનિટ સુધી પૂર્વવત સ્થિતિમાં જ શાંત બેસી રહી. પછી એને આળસ મરડી અને પીઠભેર ટટ્ટાર થઈને પોતાનાથી ત્રણેક ફૂટ દૂર બીજી બાલ્કનીમાં ઉભેલા દિલીપ સામે જોયું.
‘આ બંને બાલ્કનીઓ એકબીજાની ખુબ જ નજીક છે!’ એ બોલી.
‘હા…’ દિલીપે પોતાના પેગમાંથી ઘૂંટડો ભરતાં કહ્યું, ‘અને એ નજીક છે તે સારું જ છે.’
‘હું…’ કહીને યુવતી હવે દિલીપની સામે બેસી ગઈ. હવે તેનો ચહેરો દિલીપ સ્પષ્ટ રીતે જોઈ શકતો હતો.
એનો ચહેરો જોઈને, પોતે જે યુવતીને શોધવા માટે અહીં આવ્યો છે તે સામે બેઠી છે, એજ છે તેની દિલીપને સોએ સો ટકા ખાત્રી થઇ ગઈ.
‘માફ કરજો...’ સહસા યુવતી ઉભી થઇ, દિલીપ સામે જોઈને બોલી, ‘મારે ચાર પાંચ ખુબ જ અગત્યના ફોન કરવાના હતા. એ તો હું સાવ ભૂલી જ ગઈ હતી. હું દસેક મિનિટમાં જ પાછી આવું છું. ત્યારબાદ બાકીની વાતો આપણે નિરાંતે કરીશું.’
અને દિલીપ કંઈ જવાબ આપે તે પહેલા એ પીઠ ફેરવીને અંદરના ભાગમાં ચાલી ગઈ.
દિલીપ રૂમમાં આવીને પલંગ પર બેઠો બેઠો, પોતે જે કેસ માટે બલરામપુરથી અહીં લલિતપુર આવ્યો હતો એના વિચારમાં ગરકાવ બની ગયો. એની આંખો સામે ગઈ કાલનું સોમવારનું વાતાવરણ ચલચિત્રની જેમ ઉપસી આવ્યું.
***
-સોમવાર:
સાંજના સમયે દિલીપ પોતાની ઓફિસમાં બેઠો હતો.
લગભગ સાતેક વાગ્યે એનો મિત્ર દિવાકર એક માણસને લઈને અંદર આવ્યો. દિલીપે બંને સામે જોઈ, આવકાર દાયક સ્મિત ફરકાવી, તેમને બેસવા માટે સામે પડેલી ખુરશીઓ તરફ સંકેત કર્યો.
એ બંને બેસી ગયા.
‘દિલીપ...!’ દિવાકરે પોતાની સાથે આવેલા આગંતુકનો પરિચય કરાવતાં કહ્યું, ‘આ સાહેબ મારા એક પરિચિતના ખાસ સ્નેહી છે. એમનું નામ છે મિસ્ટર દીનાનાથ! તેઓ વડોદરા રહે છે અને ત્યાં ટી.વી ફિલ્મોનું નિર્માણ કરે છે. અહીં ખાસ તને જ મળવા માટે આવ્યા છે. એમને તારું જરૂરી કામ છે!’ વાત પુરી કરીને દિવાકરે પછી દીનાનાથને દિલીપનો પરિચય આપ્યો.
બંનેએ હાથ મિલાવ્યા.
‘ફરમાવો...’ છેવટે દિલીપે દીનાનાથને પૂછ્યું.
‘વાત એમ છે સાહેબ, કે મારી પુત્રી ખુબ જ મુશ્કેલીમાં છે અને અત્યારે તેની સલામતીની વ્યવસ્થા કરવાની ખાસ જરૂર છે.’
‘તમારી પુત્રી અહીં છે કે પછી વડોદરા?’
‘બંનેમાંથી એકેય શહેરમાં તે નથી.’
તો પછી ક્યાં છે એ?’
‘લલિતપુરમાં છે સાહેબ...’
‘શું નામ છે તમારી પુત્રીનું?’
‘રાજેશ્વરી...!’ દીનાનાથનો અવાજ બેહદ ગમગીન અને ઉદાસ હતો, ‘હું તમને શરૂઆતથી બધી જ હકીકતો કહું છું. રાજેશ્વરી ખુબ જ બેદરકાર, જિદ્દી, હઠાગ્રહી અને પોતાનું ધાર્યું કરવામાં માને છે. એ મારી સગી પુત્રી હોવા છતાંય આજ સુધીમાં હું તેને નથી ઓળખી શક્યો. રાજેશ્વરીની માં, એ ચાર વર્ષની હતી ત્યારે જ મૃત્યુ પામી હતી. મેં એને બાપની સાથે સાથે માનો સ્નેહ આપવાનો પ્રયાસ કર્યો પણ મારી એ વખતની નોકરી અને બીજા કામના બોજ હેઠળ જોઈએ તેટલી એની કાળજી ન રાખી શક્યો. ખેર, હવે મૂળ મુદ્દાની વાત પર આવું છું. રાજેશ્વરી ખુબ જ મહત્વકાંક્ષી છે. બચપણથી જ એને ફિલ્મમાં કામ કરવાનો શોખ વળગ્યો છે. હું પણ જાણું છું કે તે અભિનેત્રી તો ઠીક, એક અતિ સામાન્ય ભૂમિકા પણ ભજવી શકે એમ નથી. એણે ઘણીવાર મને ટી.વી ફિલ્મમાં લેવા માટે આગ્રહ કર્યો પણ એનામાં અભિનયની સહેજ પણ આવડત ન હોવાને કારણે દરેક વખતે મેં એની માંગણીને હસી કાઢી. છેવટે એક દિવસ મેં તેને સ્પષ્ટ કહી દીધું કે તું ક્યારેય અભિનેત્રી નહીં બની શકે. મારી આ વાતને તે પોતાનું હડહડતું અપમાન માની બેઠી. મારી આ વાત એને બિલકુલ ગમી નહીં. એનામાં રહેલી અભિનય ક્ષમતાને હું ઓળખી જ નથી શક્યો એ વાત તેના મગજમાં ઘર કરી ગઈ. એને માનસિક રીતે ખુબ જ લાગી આવ્યું. અને લગભગ એક મહિના પહેલા એણે આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે એનો એ પ્રયાસ સફળ નહોતો થયો. પરંતુ આપઘાત કર્યા પહેલા એણે એક સુસાઇડ નોટમાં લખ્યું હતું કે હું એક સફળ ફિલ્મ અભિનેત્રી બની શકું તેમ ન હોવાથી મને જિંદગીમાંથી રસ ઉઠી ગયો છે. આ જીવન હવે મને આકરું લાગે છે એટલે હું આપઘાત કરું છું.’ સહેજ અટકીને દીનાનાથે ચિંતાતુર નજરે દિલીપના ચહેરા સામે જોયું. દિલીપ પોતાની વાતમાં રસ લે છે કે નહીં, એ જાણવા કદાચ તે ઈચ્છતો હતો.
‘રાજેશ્વરીની ઉંમર કેટલી છે?’
‘બાવીસ વર્ષ...!’ દીનાનાથે જવાબ આપ્યો, ‘હું એને એકાદ મહિના પહેલા અહીં મારી સાથે બલરામપુર તેડી લાવ્યો હતો. મને એમ હતું કે વાતાવરણ બદલાવવાથી એના વિચારોમાં ફેરફાર થશે પરંતુ અહીં આવ્યા પછી ત્રીજે જ દિવસે તે સુસાઇડ નોટ અને પોતાની તમામ ચીજ-વસ્તુઓ છોડીને ચાલી ગઈ હતી.’ દીનાનાથે ગજવામાંથી રૂમાલ કાઢીને કપાળ પર ફેરવ્યો, ‘એના આવા અવિચારી અને ભયંકર પગલાંથી હું એકદમ હેબતાઈ ગયો હતો.’
‘દિલીપ...!’ અચાનક દિવાકર વચ્ચેથી બોલ્યો, ‘શહેરના બહારના એક અવાવરું કુવામાંથી, એ યુવતીની લાશ મળી આવી હતી એ તો તને યાદ જ હશે.ત્યારે લાશને ઓળખ માટે હું પણ મિસ્ટર દીનાનાથ સાથે લાશધારમાં ગયો હતો.’
‘હા, મેં એ વિષે અખબારમાં સમાચાર વાંચ્યા હતા.’ કહીને દિલીપે દીનાનાથ સામે જોતા પૂછ્યું, ‘એ લાશ તમારી...’
‘નહીં....નહીં...’ દીનાનાથ સર્વાંગે કંપી ઉઠતો બોલ્યો, ‘એ લાશ કોઈક બીજી જ યુવતીની હતી. મારનાર રાજેશ્વરી નહોતી. હવે આગળ સાંભળો. એક દિવસ મને લલિતપુરથી તેનો પત્ર મળ્યો. એણે લખ્યું હતું. - ‘પપ્પા, મેં આપઘાત કરવાનો વિચાર કર્યો હતો પણ છેક છેલ્લી ઘડીએ મારી હિમ્મત નથી ચાલી એટલે ભય અને ગભરાટને કારણે મેં ઘર છોડ્યું છે પણ હવે પછી હું મારી જિંદગીના દિવસો મારી રીતે જ પસાર કરવા માંગુ છું. મેં મારુ એક ઉપનામ રાખ્યું છે આરતી જોશી! આ નામથી હું ફિલ્મોમાં કામ મેળવવાનો પ્રયાસ કરીશ અને ક્યાંય તમારી પુત્રી તરીકે ઓળખાણ નહીં આપું. બસ, મારી ચિંતા કરશો નહીં. લી. રાજેશ્વરી.’ કહેતાં કહેતાં દીનાનાથની ઉદાસ આંખોમાં ઝળઝળિયાં ભારત એનો અવાજ એકદમ ભીનો અને ખોખરો થઇ ગયો હતો.
‘મિસ્ટર દીનાનાથ...’ દિલીપ સહેજ હસ્યો, ‘તમારા કહેવા પ્રમાણે તમારી દીકરીમાં આપઘાત કરવાની હિમ્મત નથી, અને એટલે હવે તમારે એમાં ચિંતા કરવા જેવું પણ નથી. માટે એને એના હાલ પર છોડી દો. જો ખરેખર એનામાં આવડત હશે તો તે એક દિવસ જરૂર તે સફળ અભિનેત્રી બની જશે.’
‘લલિતપુરના ઉસ્માનપુરા જેવા બદમાશીથી ધીકતા ઇલાકામાં હું એને એના હાલ પર છોડી શકું તેમ નથી.’ દીનાનાથના અવાજમાં દુઃખની સાથે ભય પણ હતો, ‘ખાસ તો એટલા માટે કે તે હવે નશાખોર (ડ્રગ એડિક્ટ) બનતી જાય છે.’
‘એ વાત તમે કેવી રીતે જાણો છો?’
‘થોડા વર્ષ પહેલા તે ખુબ જ બીમાર પડી ગઈ હતી. એ અસહ્ય પીડાથી તરફડતી હતી અને ત્યારે એ રોગથી છુટકારો કરવા માટે ડોક્ટર તેને મોર્ફિનના કોઈક કમ્પાઉન્ડનું ઇન્જેક્શન આપતાં હતા. પાછળથી જયારે એ સાજી થઇ ગઈ ત્યારે મને ખબર પડી કે તે મોર્ફિન માટે વલખા મારતી હતી. પરંતુ મેં એને ડ્રગ્સ આપ્યું જ નહીં. થોડા દિવસના તરફડીયા પછી તેની વ્યાકુળતા ધીમે ધીમે શમી ગઈ અને સાજી-સારી થઇ ગઈ. પરંતુ આઠેક મહિના પહેલા મેં એનામાં નશાની તાલાપના લક્ષણો ફરીથી જોયા. તે અચાનક જ કારણ વગર ઉદાસ અને સુસ્ત થતી જતી હતી તો ક્યારેક વગર કારણે હો...હો...કરીને હસ્તી પડતી હતી...ક્યારેક ક્યારેક એકાએક જ જોરજોરથી રડવા લગતી હતી.’
‘જુવાન છોકરીઓનાં મૂડમાં આવા ફેરફારો થતાં જ હોય છે મિસ્ટર દીનાનાથ! ખેર, રાજેશ્વરી નશાખોર થતી જાય છે એનો બીજો કોઈ પુરાવો છે તમારી પાસે?’
મિસ્ટર દિલીપ, આવા મામલામાં પુરાવાઓ રજુ કરવાનો કોઈ સવાલ જ ઉપસ્થિત નથી થતો.’ દીનાનાથે કહું, ‘કોઈ પણ પોતાનાં સંતાનોની હાલત અને એના રંગઢંગ જોઈને સમજી શકે તેમ છે કે એનો પુત્ર ડ્રગ એડિક્ટ છે કે નહીં? હું આ વિષે તમને બરાબર સમજાવી શકું તેમ નથી. પણ આંખોમાં એક ખાસ પ્રકારની વિશેષ ચમક, ખેંચાયેલો ચહેરો, ભયભીત હાવભાવ, અપરાધ ભાવના, માનસિક તાણ, સુસ્તી, આળસ અથવા જરૂર કરતા એકદમ વધારે ચપળતા, સ્ફૂર્તિ, કસમયે ઘેર આવ-જા કરવી, એકાંત વિગેરે લક્ષણો પરથી જ તે વ્યક્તિ નશાખોર હોવાની ખબર પડી જાય છે.’
‘હૂં…’ દિલીપે માથું હલાવ્યું.
***