પ્રશ્ન: આપણને પાછલો જન્મ કેમ યાદ નથી રહેતો?
કારણ કે મોક્ષ મેળવવા માટે માટે પાછલો જન્મ યાદ રહેવો જરૂરી નથી.
એ વાત યાદ રાખો કે કર્મફળનોનો સિદ્ધાંત અને ઈશ્વરની ન્યાય વ્યવસ્થા એક શ્રેષ્ઠત્તમ પ્રક્રિયા છે. તેમાં કોઈપણ પ્રકારની નિરર્થકતાને સ્થાન નથી. જો આપણને પાછલો જન્મ યાદ રહેતો હોય તો આપણે મુક્તિ માર્ગમાં આગળ વધી ન શકત. પાછલા જન્મની વાત જ જવા દો, આપણને આ જન્મની પણ ઘણી બધી ઘટનાઓ યાદ રહેતી નથી. જેટલું જરૂરી હોય તેટલું જ આપણને યાદ રહે એ પ્રાકૃતિક નિયમ અને ઈશ્વરની ન્યાય વ્યસ્થાનો એક ભાગ છે. એનું એક ઉદાહર એ છે કે ભૂતકાળમાં જીવીને લોકો જયારે આ પ્રાકૃતિક નિયમનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમના આ અપ્રાકૃતિક વલણને લીધે તેમને ઘણી બધી માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ખરું જીવન તો વર્તમાનમાં જ જીવાય. વર્તમાનમાં રહી ઉત્તમ ભવિષ્યનાં નિર્માણ તરફ આપણાં વિચારો અને કર્મોને વાળીને જ આપણે સૌથી વધુ આનંદ મેળવી શકીએ છીએ. આથી જ કદાચ “ઘોસ્ટ“ અને “પાસ્ટ” શબ્દોનો અર્થ સંસ્કૃતમાં ‘ભૂત’ એવો થાય છે.
નોંધ: કર્મના સિદ્ધાંત અનુસાર ભૂત (ઘોસ્ટ) જેવું કશું હોતું નથી.
પ્રશ્ન: આપણને પાછલો જન્મ યાદ નથી રહેતો તો પછી આપણને પૂર્વ જન્મના કર્મોની સજા કેમ મળે છે?
કર્મના સિદ્ધાંતમાં સજા કે ઈનામ જેવું કંઈ હોતું નથી. તેમાં માત્ર કર્મફળ જ હોય છે. કર્મનો સિદ્ધાંત આપણને નિરંતર આનંદ આપવા માટે કોઈપણ પ્રકારના અવરોધ કે અંતરાલ ચાલતી શ્રેષ્ઠત્તમ પ્રક્રિયા છે.
લોકોના જીવનમાં ક્યારેય કોઈ આફત અચાનક આવી પડતી નથી. ઉદાહરણ તરીકે, ડાયાબીટીસનો રોગ. ડાયાબીટીસનો રોગ કોઈને એક રાતમાં જ થઇ જતો નથી. આનાથી ઉલટું, ખરાબ દિનચર્યા અને મીઠાઈઓ ખાવાની ખોટી આદતોને લીધે તે ધીમે ધીમે થતો જાય છે. જયારે અમુક ઉંમર પછી તેના લક્ષણો સ્પષ્ટ દેખાવા લાગે છે ત્યારે આપણે પોતાને રોગી માનીએ છીએ. પણ વાસ્તવમાં, આ બધું કોઈ એક જ દિવસમાં થતું નથી. જ્યારે સ્વાસ્થ્ય વિરોધી કોઈ ક્રિયા આપણે પહેલી વાર કરીએ છીએ ત્યારથી જ આપણી રોગી બનવાની શરૂઆત થઇ જાય છે. અને જયારથી આપણે આરોગ્ય સુધારવાની ટેવો પાડવા લાગીએ છીએ ત્યારથી આપણું આરોગ્ય સુધરતું જાય છે. રોગના અંતિમ લક્ષણો તો આ આખી મુસાફરી દરમિયાન એકત્રિત થયેલા સ્વાસ્થ્ય માટે હાનીકારક કર્મોના કર્મફળ છે.
પણ સમજવા જેવી વાત એ છે કે ડાયાબીટીસ માટે જવાબદાર આપણાં કર્મોમાંથી ૧% કર્મો પણ આપણને યાદ નહીં હોય. આપણને એ યાદ નથી હોતું કે આપણે શું ખાધું, કેટલું ખાધું, ક્યારે ખાધું. પણ તેમ છતાં આપણે ડાયાબીટીસના રોગી બનીએ છીએ.
આ જ પ્રમાણે, આપણને આપણો પૂર્વ જન્મ યાદ ન હોવાં છતાં એ વાત તો નક્કી છે કે આપણાં આ જન્મની પરિસ્થિતિઓ આપણાં પૂર્વ જન્મનું કર્મફળ છે. કર્મની વિગત યાદ રહે તે અગત્યનું નથી. આપણી વર્તમાનની પરિસ્થિતિ, જેને આપણે સજા કહીએ છીએ, એ ભૂતકાળમાં કરેલા આપણાં જ દુષ્કર્મોનું ફળ છે.
આમાંથી બહાર નીકળવાનો રસ્તો સરળ છે. તમારી વિચારસરણીને શુદ્ધ કરો. જયારે આપણી વિચારસરણી શુદ્ધ થાય છે અને આપણે વધુ આનંદ મેળવવા માટે સત્કર્મો કરવા માટે આપણી ઈચ્છાશક્તિનો ઉપયોગ કરતાં શીખીએ છીએ ત્યારે દુષ્કર્મોથી પેદા થતા સંસ્કારો ઘટે છે અને આપણી સજા (દુષ્કર્મોનું ફળ) ઓછી થતી જાય છે.
પ્રશ્ન: જો આપણે માંફી માગીએ તો શું ઈશ્વર આપણાં ભૂતકાળના પાપકર્મો માફ કરી દે છે?
જરા વિચાર કરો, શું આવું વાસ્તવિક જીવનમાં બને છે? જયારે બેપરવાહ રીતે વાહન ચલાવવાથી આપણો અકસ્માત થાય છે ત્યારે શું માંફી માગવાથી આપણાં ઘા નું નિદાન થઇ જાય છે?
જો કોઈ આમ માંફી માંગીને છટકી જતું હોય તો, લોકો બહુ આળસુ બની જાય અને મુશ્કેલીઓમાં માત્ર માંફી માગી તેમાંથી બહાર આવી જાત. પ્રકૃતિ અને તેના અપરિવર્તનશીલ નિયમો બીજું કંઈ નહીં પણ ઈશ્વરની વ્યવસ્થાનું ભૌતિક સ્વરૂપ છે. અહીંયા જે કાયદાઓ લાગુ પડે છે તે બીજા સ્થાને પણ લાગુ પડે છે. વેદોની ભાષામાં તેને “યત પિંડે તત બ્રહ્માંડે” કહે છે. એટલે કે ઈશ્વરના જે અપરિવર્તનશીલ નિયમો સુક્ષ્મ સ્તરે કામ કરે છે તે અપરિવર્તનશીલ નિયમો વિશાળ સ્તરે પણ કામ કરે છે.”
કર્મના સિદ્ધાંતમાં માંફીને સ્થાન નથી. તેમાં માત્ર સુધરવાનો જ વિકલ્પ છે. આ વર્ષો પછીની આળસ પછી કસરત કરવા જેવું છે. તેમાં શરૂઆતમાં થોડી પીડા થાય છે. અને શરીરને તેને અનુકુળ થતા થોડી વાર લાગે છે. પણ કસરત કરવાનો જેટલો વધારે પ્રબળ આપણો સંકલ્પ હશે તેટલું વધારે ખડતલ આપણું શરીર બનશે. આમ કર્મના સિદ્ધાંતમાં કોઈપણ ચમત્કાર કામ કરતો નથી માત્ર પ્રબળ ઇચ્છાથી જ પ્રગતિ થાય છે.
પ્રશ્ન: સારા લોકોના વિચારો અને કર્મો સારા હોવાં છતાં શા માટે તેઓને આટલું બધું દુ:ખ સહન કરવું પડે છે?
સુખ એ મનોસ્થિતિ છે. જેને આપણે દુ:ખ સમજી બેસવાની ભૂલ કરીએ છીએ તે ટૂંક સમય માટેની અગવડો છે. આપણે મોટા સુખ કે આનંદ માટે થોડી અગવડોનો ભોગવવા રાજી થઇ જઈએ છીએ.
ઉદાહરણ તરીકે, જયારે આપણે કોઈ રમત રમતા હોઈએ છીએ ત્યારે આપણે હાંફીએ છીએ, થાકી જઈએ છીએ, કોઈક વાર આપણને વાગે પણ છે. પણ તેમ છતાં આપણે રમવાનું બંધ નથી કરતાં. કારણ કે રમવાનો આનંદ આવી સામાન્ય તકલીફો, પીડા કે અગવડોની સરખામણીમાં ઘણો વધારે હોય છે!
આવાં લોકોના જીવનમાં આવતા મોટા ભાગના દુઃખ તેનામાં પાછલા કર્મોના કર્મફળનું જ રૂપ હોય છે.
બીજા ઘણાં દુ:ખ કસરત કરવાને લીધે થતા દુખાવા જેવા હોય છે. એટલે કે આપણાંમાં દુઃખ સહન કરવાની શક્તિ હોતી નથી. જેમ કે આપણે જ્યારે નવી-નવી કસરત કરવાનું ચાલુ કરીએ છીએ ત્યારે શરીરમાં ઘણો દુખાવો થાય છે. પણ જો આપણે નિયમિત કસરત કરતાં રહીએ તો થોડા સમય પછી દુખાવો થતો નથી. ઉલટાનું, કસરત કરવાથી શરીર મજબુત અને ખડતલ થયાનો આનંદ મળે છે.
ક્યારેક એવા દુઃખ પણ જીવનમાં આવે છે કે જેનું નિવારણ શક્ય હોતું નથી. આવી પરિસ્થિતિમાં પ્રબળ ઈચ્છાશક્તિના પ્રયોગથી પરિસ્થિતિઓ આપણાં પર હાવી ન થાય તેનું ધ્યાન રાખવાનું હોય છે.
બીજા કેટલાંક દુ:ખોનું કારણ એ પણ છે કે સારા લોકો બધી જ રીતે સારા હોતા નથી. જેમકે કોઈ વ્યક્તિ ખુબ જ પ્રમાણિક હોય પણ તે સશક્ત અને ખડતલ ન હોવાથી ગુંડાઓ સામે આત્મરક્ષણ કરી શકતો નથી. આ પાછળનું કારણ શરીર મજબુત બનાવવાની અને આત્મરક્ષણ કરવાની બાબતમાં તેની ઈચ્છાશક્તિનો અભાવ છે.
યાદ રાખો, સત્ય અને શક્તિ સિવાય આનંદ મળવો શક્ય નથી.
પ્રશ્ન: આપણે ખરાબ લોકોને શક્તિશાળી બનતા કેમ જોઈએ છીએ?
મોટા ભાગે સત્ય આનાથી ઉલટું હોય છે.
આવાં લોકોને ક્યારેય માનસિક શાંતિ મળતી નથી. ઈશ્વરે ભ્રષ્ટ, અપરાધી કે કપટી બનવા માટે આપણને આ પૃથ્વી પર જન્મ નથી આપ્યો. તેઓ ભલેને આવાં અવગુણોની અવગણના કરે પણ આ અવગુણો તેની આડઅસરો ઉત્પન્ન કરીને જ રહે છે. તેમની પાસે ભૌતિક સંપત્તિ અને સત્તા હોવા છતાં આ લોકો ખુબ જ દુ:ખી હોય છે. કારણ કે તેઓ હંમેશા પોતાને અસુરક્ષિત અનુભવતા હોય છે. તેઓ સહેલાયથી કોઈના પર વિશ્વાસ મૂકી શકતા નથી. તેમનું જીવન માનસિક તણાવથી ઘેરાયેલું હોય છે
આ વિશ્વ બહુ-પરિમાણીય છે. આથી સારું કે ખરાબ એ કોઈના માટે વપરાતા એકવચની વિશેષણ નથી. એટલે કે કોઈ વ્યક્તિ બધી જ રીતે ખરાબ કે સર્વગુણ સંપન્ન ન હોય શકે. વ્યક્તિ તેના જીવનના કેટલાંક ક્ષેત્રોમાં ખરાબ હોય શકે પણ જો તેનામાં આત્મવિશ્વાસ, વ્યવહારિકતા, વાત ચાતુર્ય જેવા સારા ગુણો હોય તો તે જીવનનાં અન્ય ક્ષેત્રોમાં સફળતા મેળવે છે.
પ્રશ્ન: કર્મના સિદ્ધાંતનો શો ઉદ્દેશ છે?
કર્મનાં સિદ્ધાંત આપણને મુક્તિ માર્ગમાં આગળ વધારવા માટે કર્મ કરવાનું કહે છે. કર્મનાં સિદ્ધાંતમાં માત્ર લાયકાતને જ સ્થાન છે. તેમાં પક્ષપાત કે લાગવગને કોઈ સ્થાન નથી. આપણાં વિચારો જ આપણું વ્યક્તિત્વ નક્કી કરે છે. બધું જ આપણાં વિચારોની દશા અને દિશા પર આધારિત છે. જો આપણે જીવનનું બારીકાઈથી અવલોકન કરીએ તો કર્મનાં સિદ્ધાંત ખુબ જ અસરકારક રીતે કામ કરતાં હોવાના ઘણાં પુરાવા મળશે. અને એ પણ ખ્યાલ આવી જશે કે આપણે પરિસ્થિતિઓના ગુલામ નથી. આપણી પરિસ્થિતિઓ આપણું કર્મફળ છે.
પ્રશ્ન: જીવનનો ઉદ્દેશ શું છે?
જીવનનો ઉદ્દેશ કર્મના સિદ્ધાંત અનુસાર સત્કર્મો કરી મુક્તિ પ્રાપ્ત કરવાનો છે.
પ્રશ્ન: કામવાસના, વ્યસન વગેરે પણ આનંદ આપે છે. તો શું આમ કરવું એ કર્મના સિદ્ધાંત અનુસાર યોગ્ય છે?
ના. આ બધી વસ્તુઓ આપણને આનંદ આપતી નથી. આ બધી વસ્તુઓ આપણી ઇન્દ્રિયો અને બુદ્ધિને મંદ પાડી આનંદ આપ્યા હોવાનો ભ્રમ પેદા કરે છે. જે વસ્તુ કે વ્યક્તિ આપણને બુદ્ધિનો પ્રયોગ કર્યા વગર કામ કરવા માટે ઉત્તેજિત કરે છે તે અંતે ચોક્કસ દુ:ખ આપે છે.
આપણેને ખરો આનંદ ત્યારે જ મળે છે કે જ્યારે આનંદ માટે આપણે બહારની ભૌતિક વસ્તુઓ પર આધાર ન રાખવો પડે. આ ત્યારે જ શક્ય બને છે કે જયારે આપણી પાસે પૂરતું જ્ઞાન હોય અને આપણી ઇન્દ્રિયો પર આપણાં નિયંત્રણમાં હોય.
આ જ સત્યને બીજી રીતે જોઈએ તો દરેક કર્મ કરતાં પહેલાં આપણે આપણી જાતને પ્રશ્ન કરવો જોઈએ કે “આ કર્મનો ઉદ્દેશ શો છે?” અને જો આ પ્રશ્નનો જવાબ તમને ખોટા મનોરંજન માટે, ખોટી આદતની પુરતી કરવા માટે કે પછી કામ વાસના સંતોષવા જેવા બહાનાઓના રૂપમાં મળે તો કર્મના સિદ્ધાંત અનુસાર તે યોગ્ય કર્મ નથી. તેનાથી માત્ર દુઃખ જ મળશે.
જીવનનો ઉદ્દેશ આવી બહાનેબાજીમાંથી બહાર નીકળી જ્ઞાનમાં વૃદ્ધિ કરી મુક્તિ તરફ આગળ વધવાનો છે. જે કર્મો આપણી ઇન્દ્રિયો અને બુદ્ધિને મંદ કરે છે તે આપણી અધોગતિને નોતરે છે.
પ્રશ્ન: ઈચ્છાનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે સમજવા માટેનું કોઈ માળખું છે?
આના માટે વૈદિક યોગનું માળખું છે. પણ વૈદિક યોગને હાલમાં પ્રચલિત શારીરિક કસરતો અને મુદ્રાઓ સાથે કોઈ સંબંધ નથી. વૈદિક યોગ સ્વયમને (જીવાત્માના ગુણ, કર્મ અને સ્વભાવને) સમજવાની કળા છે. વૈદિક યોગ કર્મના સિદ્ધાંતને અનુસરીને જીવનની દરેક ક્ષણને આનંદમય બનાવવાનું વિજ્ઞાન છે.
આ એક સહજ જ્ઞાન છે. દરેક વ્યક્તિ જેનું મૂલ્યાંકન અને અનુભૂતિ કરી શકે તેવા ગાઢ સિદ્ધાંતો પર વૈદિક યોગ આધારિત છે. માત્ર આ જ વ્યવહારિક, વાસ્તવિક અને વૈજ્ઞાનિક જ્ઞાન છે જેનો વિજ્ઞાનના વિષયોની જેમ અભ્યાસ કરવો પડે છે.
વૈદિક યોગ સહજ જ્ઞાન હોવાથી તેની અનુભૂતિ કરવાની હોય છે. આથી કોઈ ગુરુ કે બાબા તમને આ વિષયનું સંપૂર્ણ જ્ઞાન નહીં આપી શકે. તે માત્ર તમને માર્ગદર્શન આપી શકે. પણ વૈદિક યોગના માર્ગ પર અંતે તો તમારે તમારી બુદ્ધિનો પ્રયોગ કરીને જ આગળ વધવાનું હોય છે.
યાદ રાખો કે કર્મના સિધ્ધાંતમાં જવાબદારીઓની આપ લે થતી નથી.