મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:22
હત્યારા દ્વારા રાજલ માટે પોતાનાં નવાં શિકાર વિશેની હિન્ટ સ્વરૂપે બે વર્ષ પહેલાં યોજાયેલી મિસ અમદાવાદ સ્પર્ધા વખતનો શબનમ કપૂરનો ફોટો રાખ્યો હતો..હરીશ ની ઘાતકી હત્યા બાદ એની લાશ ને સગેવગે કરવાં એ હત્યારો બેધડક પોલીસ ની વચ્ચે થઈને પોતાની કાર લઈને પસાર થઈ જાય છે.
સવારે રાજલ સ્લીપિંગ પીલ્સ ની અસર હેઠળ સુઈ રહી હોય છે ત્યારે એનાં ફોનની રીંગ વાગે છે..રાજલ રિંગ સાંભળી પોતાની આંખો ખોલવાનો પ્રયત્ન કરે છે પણ એનું માથું અત્યારે ભારે થઈ ગયું હતું અને આંખો પણ માંડ ખોલીને એને મોબાઈલ હાથમાં લીધો..અર્ધ ખુલ્લી આંખે રાજલે મોબાઈલની સ્ક્રીન તરફ નજર કરી..કોલ સંદીપનો હતો અને સંદીપનો જ્યારે-જ્યારે સવારે કોલ આવતો ત્યારે કોઈ અઘટિત ઘટના ઘટિત થઈ હોય એવું બનતું.
આ વિચાર આવતાં જ રાજલની આંખો એક ઝાટકે ખુલી ગઈ અને ફોન રિસીવ કરતાં જ રાજલે કહ્યું.
"Hello, ઓફિસર..શું ખબર છે..?"
"મેડમ..હરીશ દામાણી ની લાશ મળી આવી છે..સ્થળ છે રિવરફ્રન્ટ..પણ આ વખતે ઈસ્ટ રિવરફ્રન્ટ પસંદ કરવામાં આવ્યું છે લાશ ફેંકવા માટે..એકજેક્ટ એડ્રેસ છે સુભાષબ્રિજ ની જોડે આવેલાં નારાયણ ઘાટ ની જોડે ખાલી પડેલી જગ્યા.."સંદીપે એ ખબર જ આપી જે વહેલી મોડી ગમે ત્યારે આવવાની સંભાવના હતી.
"ઓફિસર તમે ત્યાં પહોંચો..હું પણ થોડીવારમાં ઘરેથી નીકળી સીધી ત્યાં આવું છું.."રાજલ ઉતાવળમાં બોલી અને પછી કોલ કટ કરી દીધો.
રાજલે ફટાફટ પલંગ ત્યજ્યો અને તૈયાર થઈ નીકળી પડી સીધી સંદીપે કહેલી જગ્યાએ...રાજલ જાણતી હતી કે હરીશની લાશ મળવાની વાત જ્યારે બહાર ફેલાશે ત્યારે એનાં મિત્રો અને સગાં સંબંધીઓ મોટી સંખ્યામાં ત્યાં આવી પહોંચશે..અને એવું બને તો પોલીસ તપાસમાં વિક્ષેપ પડે માટે જેમ બને એમ વહેલી તકે ત્યાં પહોંચવું જરૂરી હતું.
સંદીપ સાથે વાત થયાંનાં કલાક બાદ રાજલ એ જગ્યાએ જઈ પહોંચી જ્યાંથી લાશ મળવાની વાત સંદીપે એને ફોન ઉપર જણાવી હતી.રાજલે પોતાની બુલેટને ઉભી કરી અને ત્યાં તપાસ કરી રહેલી પોલીસ ટીમ તરફ આગળ વધી..રાજલને જોતાં જ ઇન્સ્પેકટર સંદીપ અને એની સાથે એક પોલીસ ઓફિસર રાજલની જોડે આવ્યાં.. સંદીપની જોડે મોજુદ પોલીસ અધિકારી રાજલથી દસેક વર્ષ મોટાં હતાં છતાં હોદ્દાની રુએ પોતાની સિનિયર ઓફિસર રાજલની ઈજ્જત કરતાં બોલ્યાં.
"મેડમ,મારું નામ મુકેશ ચૌધરી છે..હું ઈસ્ટ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનનો ઈન્ચાર્જ છું..સવારે જ્યારે મને ખબર પડી કે રિવરફ્રન્ટ પર એક લાશ મળી આવી છે તો હું સમજી ગયો કે આ જરૂર એ રિવરફ્રન્ટ સિરિયલ કિલર દ્વારા જ કરવામાં આવેલી હત્યા છે..મેં તુરંત જ સંદીપને આ વિશે જાણ કરી દીધી..મેડમ હવે તમે તમારી રીતે તપાસ કરી શકો છો.."
વિનય મજમુદાર કરતાં ઉંમર વધુ હોવાં છતાં મુકેશભાઈ ની વાણી માં રહેલી વિનમ્રતા રાજલને ગમી..રાજલે એમનો શાબ્દિક આભાર માન્યો અને પોતે હરીશની લાશ જ્યાં પડી હતી એ દિશામાં આગળ વધી.રાજલે જોયું કે ત્યાં mr.ગૌતમ મિત્રા પણ મોજુદ હતાં જે પોતાની રીતે લાશ ની ચીવટથી તપાસ કરી રહ્યાં હતાં.
રાજલની પાછળ-પાછળ સંદીપ અને એને અનુસરતો હરીશની લાશ તરફ અગ્રેસર થયો..રાજલે ચાલતાં-ચાલતાં સંદીપ ની તરફ ગરદન ઘુમાવી પૂછ્યું.
"લાશ જોડેથી કોઈ ગિફ્ટ બોક્સ મળ્યું છે..?"
"હા મેડમ..ગિફ્ટબોક્સ અને જોડે એક લેટર...દર વખતની માફક આ વખતે પણ આ બંને વસ્તુઓ વિકટીમ ની લાશ જોડે મળી આવી છે."સંદીપ બોલ્યો.
"Ok.."રાજલ ટૂંકમા સંદીપની વાત નો પ્રતિભાવ આપી હરીશ ની લાશ જોડે તપાસ કરી રહેલાં ગૌતમ મિત્રા જોડે ઉભી રહી..રાજલને જોતાં જ ગૌતમ ઉભો થયો અને બોલ્યો.
"મેડમ આખરે એ કિલરે ચોથી હત્યા પણ કરી જ લીધી..આને પણ મર્યા પહેલાં ટોર્ચર કરવામાં આવ્યો છે..એનાં ચહેરા અને શરીર નાં અન્ય ભાગો પર માર નાં નિશાન છે..આ વખતે પણ વિકટીમ ની આંગળી કાપવામાં આવી છે..મોત નું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ જાણી શકાશે.."
"આભાર આપનો..હું પુરી લગનથી એ સિરિયલ કિલર શોધી પહોંચવાની કોશિશ કરી તો રહી છું પણ ખબર નથી પડતી કે ક્યાં ઉણપ રહી જાય છે.."રાજલ હતાશ વદને બોલી.
રાજલ અને ગૌતમ મિત્રા વાતચીત કરી રહ્યાં હતાં ત્યાં સંદીપ રાજલની નજીક આવ્યો અને રાજલનાં કાન જોડે પોતાનો ચહેરો લઈ જઈને બોલ્યો.
"મેડમ..એક વ્યક્તિ આવ્યો છે..એ કહે છે એને કાતીલ ને જોયો હતો.."
રાજલ તો સંદીપ ની વાત સાંભળી ચમકી ગઈ..એને સંદીપ ને કહ્યું હું આવું બે મિનિટમાં..આટલું કહી રાજલે ગૌતમ ને કહ્યું.
"તમે તમારું કામ કરો હું એક કામ પતાવીને આવું.."
ત્યારબાદ સંદીપ જ્યાં ઉભો હતો ત્યાં રાજલ જઈ પહોંચી..સંદીપ ની જોડે મેલાં કપડામાં એક વ્યક્તિ ઉભો હતો..એને જોતાં જ સમજી શકાતું હતું કે એની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હતી.
"મેડમ,આ ભાઈ નું નામ વાલજી છે..વાલજી નું કહેવું છે કે એને ગઈકાલે રાતે એ સિરિયલ કિલર ને જોયો હતો.."એ વ્યક્તિની ઓળખ રાજલને આપતાં સંદીપ બોલ્યો.
સંદીપ ની વાત સાંભળી રાજલ વાલજી નામનાં એ શખ્સ તરફ ફરી અને એને ઉદ્દેશીને શાંતિથી પૂછ્યું.
"હા તો વાલજી ભાઈ..તમે રાતે અહીં કોને જોયો હતો..?"
વાલજી રાજલની વાતનો જવાબ આપતાં બોલ્યો.
"મેડમ,મારે વટવા GIDCમાં એક કેમિકલ ફેકટરીમાં નોકરી છે..અમારે ટાઈમનું નક્કી ના હોય કેમકે કામ વધુ હોય તો શેઠ કહે એટલાં વાગ્યાં સુધી રોકાવું પણ પડે..કાલે પણ કેમિકલ કન્ટેન્ટર ની ગાડી મોડાં આવી હોવાથી આખી ગાડી ખાલી કરતાં રાતનાં બે વાગી ગયાં..ત્યાંથી નીકળી હું જ્યારે ઘરે પહોંચ્યો તો ત્રણ વાગવા આવ્યાં હતાં..મારું ઘર અહીં જ ઝૂંપડપટ્ટીમાં આવેલું છે..હું ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે મેં જોયું કે એક કાર આવીને અહીં ઉભી રહી અને એમાંથી એક વ્યક્તિ નીચે ઉતર્યો.."
"અમારાં બંને વચ્ચેનું અંતર વધુ હતું એટલે મને એનો ચહેરો તો ના દેખાયો..પણ મેં જોયું કે એને પહેલાં એક સિગારેટ સળગાવી અને થોડો સમય આજુ-બાજુ જોતો ઉભો રહ્યો..મને એમ કે કોઈ ગંજેરી હશે એટલે મેં વધુ ધ્યાન ના આપ્યું અને ઘરે જઈને સુઈ ગયો..મને લાગે છે મેડમ એજ વ્યક્તિ અહીં આ લાશ ને ફેંકીને ગયો હશે.."
વાલજી ની વાત સાંભળી રાજલે વાલજીનાં કહ્યાં મુજબ ઝૂંપડપટ્ટી તરફ નજર કરી..રાજલે અંદાજો લગાવ્યો કે સાચેમાં ઝૂંપડપટ્ટી અને હરીશ દામાણી ની લાશ મળી એ સ્થળ વચ્ચેનું અંતર ઘણું વધુ હતું..થોડું વિચાર્યા બાદ રાજલે વાલજી તરફ જોઈને કહ્યું.
"વાલજી તે એ વ્યક્તિનો ચહેરો નથી જોયો..પણ એ સિવાય બીજું કંઈ જે તારાં ધ્યાનમાં આવ્યું હોય..?"
રાજલની વાત સાંભળી વાલજી મગજ પર જોર આપી કંઈક વિચારી ને બોલ્યો.
"મેડમ એની કાર નો રંગ ચાંદી જેવો હતો..અને એ વ્યક્તિ વારંવાર પોતાની ગરદન ક્યારેક ડાબી તો ક્યારેક જમણી તરફ ઝુકાવતો હતો.."
"સિલ્વર કલરની કાર.."મનોમન આટલું બોલી રાજલે વાલજી ને કહ્યું.
"હવે તારે જવું હોય તો જઈ શકે છે..તારો નંબર અને એડ્રેસ તું ઇન્સ્પેકટર ને લખાવતો જા..ભવિષ્યમાં જરૂર પડશે તો તને બોલાવીશું.."
રાજલની વાત સાંભળી વાલજી એ પોતાનું એડ્રેસ અને મોબાઈલ નંબર ઇન્સ્પેકટર સંદીપને નોટ કરાવી દીધાં..અને પછી ત્યાંથી નીકળી ગયો..એનાં જતાં જ રાજલ સંદીપ ની તરફ જોઈને બોલી.
"ઓફિસર,તમે હરીશ નાં મૃતદેહ ને વહેલી તકે પોસ્ટમોર્ટમ માટે મોકલવાની વિધિ પૂર્ણ કરો..કેમકે નજીકમાં જો એનાં સગાં કે મિત્રો આવી પહોંચશે તો નકામી મહાભારત ઉભી થશે.."
"Ok મેડમ..તમે જાઓ હું હમણાં જ એમ્બ્યુલન્સ બોલાવી લઉં છું..અને આ લાશ જોડેથી મળેલું બોક્સ જીપમાં પડ્યું છે..એ લેતાં જજો.."સંદીપે કહ્યું.
"એ તો ઠીક..પણ મેં તમને કાલે એક કામ સોંપ્યું હતું એ થયું કે નહીં..?"રાજલને કંઈક યાદ આવતાં એ બોલી.
"હા,મેડમ મેં ગઈકાલ રાતે જ એ વખતની મિસ અમદાવાદ સ્પર્ધા ની નાનામાં નાની ડિટેઈલ એકઠી કરીને તમારાં ટેબલ પર રાખી દીધી હતી.."સંદીપે જવાબ આપતાં કહ્યું.
"Very good ઓફિસર,હું નીકળું પોલીસ સ્ટેશન જવા..અને તમે પણ આ ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી તુરંત પોલીસ સ્ટેશન આવો.."રુવાબભેર રાજલ બોલી અને પછી જીપમાંથી લાશ જોડેથી મળેલું ગિફ્ટ બોક્સ લઈને રવાના થઈ ગઈ.
રાજલ માટે હવે સૌથી મોટી ચિંતા કાતીલ સુધી પહોંચવાની નહીં પણ મીડિયા અને ઉપરી અધિકારીનાં સવાલોનાં જવાબ આપવાની હતી.
*********
રાજલ ત્યાંથી નીકળી સીધી પોલીસ સ્ટેશન પહોંચી..પોલીસ સ્ટેશન પહોંચતાં જ રાજલ ને માલુમ પડ્યું કે હરીશ નાં પરિવારજનો નાં દબાણને વશ થઈને ડીસીપી રાણા બપોરે 1 વાગે પ્રેસ કોનફરન્સ કરવાનાં છે..જેમાં એ કંઈક ધડાકો કરવાનાં છે.
રાજલે પોલીસ સ્ટેશન પહોંચી સૌથી પહેલું કામ કર્યું સંદીપ દ્વારા શબનમ કપૂરની હાજરી વખતની મિસ અમદાવાદ કોમ્પીટેશન વખતની ડિટેઈલ ધ્યાનથી વાંચવાનું.
"7 ઓક્ટોબર 2016 ટાગોર હોલ,અમદાવાદ સાક્ષી બનવા જઈ રહ્યું હતું પાંચમી મિસ અમદાવાદ કોમ્પીટેશનનો..એક રીતે હવે આ કોમ્પીટેશન મિસ ગુજરાત કોમ્પીટેશન બની ચુકી હતી..કેમકે ગુજરાતનાં અલગ-અલગ વિસ્તારમાંથી 56 યુવતીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો..ફોટોગ્રાફ અને રેમ્પ વોક સેશન પછી જજ પેનલ દ્વારા ફક્ત 16 યુવતીઓને આગળનાં રાઉન્ડ માટે યોગ્ય ગણવામાં આવી."
"બિકીની અને સ્વિમિંગ કોમ્પીટેશન રાઉન્ડ બાદ બીજી 8 જેટલી યુવતીઓની બાદબાકી થઈ ગઈ..અને વધી હતી ફક્ત 8 યુવતીઓ..હવે છેલ્લાં બે રાઉન્ડ બાકી હતાં જેમાં એક હતો જનરલ નોલેજ અને બીજો હતો એક્ટિંગ રાઉન્ડ..અત્યાર સુધી આ સ્પર્ધા ખૂબ સરસ રીતે ચાલતી રહી પણ છેલ્લાં બે રાઉન્ડ પહેલાં જે કંઈપણ ત્યાં થયું એ વસ્તુએ ભારે હોબાળો મચાવી દીધો હતો.."
"બન્યું એવું કે બ્રેક ટાઈમમાં કોમ્પીટેશનમાં જીતની દાવેદારમાં એક એવી નિતારા દલાલ પર કોમ્પીટેશનમાં ભાગ લઈ રહેલી બીજી સ્પર્ધકો એ આરોપ મૂક્યો કે એને સ્પર્ધા નાં એક જજ યોગેશ ટેઈલર ને શારીરિક સંબંધ માટેની ઓફર રાખી પોતાને આ સ્પર્ધામાં જીતાડવા માટેનું પ્લાનિંગ કરવામાં આવ્યું..ભારે માથાકુટ પછી નિતારા દલાલ ને આ કોમ્પીટેશનમાંથી ડિસ્ક્વોલિફાય કરવામાં આવી.યોગેશ ટેઇલર ને પણ જજ પેનલમાંથી દૂર કરી એની જગ્યાએ ગીતા માથુર ને જજ બનાવવામાં આવ્યાં..આખરે નિત્યા મહેતા આ સ્પર્ધામાં વિજયી બની અને શબનમ કપૂરનાં હસ્તે એને મિસ અમદાવાદનો તાજ અને પાંચ લાખ રોકડા આપવામાં આવ્યાં.."
"નિતારા એ પોતાનો ઘણો બચાવ કર્યો પણ એનાં યોગેશ ટેઇલર જોડેનાં અમુક ફોટો વાઈરલ થઈ ગયાં હોવાથી એનું આ જુઠ લાંબો સમય ના ટક્યું..આમ છતાં નિતારા અત્યારે ટોચની મોડલમાં સામેલ છે..અને હાલ માં જ એની એક ગુજરાતી મુવી 'તારાં માટે' રિલીઝ થઈ જે સુપર હિટ રહી.."
"આ સ્પર્ધા ની વિજેતા નિત્યા મહેતા ને એક બૉલીવુડ મુવીમાં કામ કરવાનો અવસર મળ્યો..જેનું નામ હતું 'નામ તુમ્હારા હૈ..'..જે મુવી ફ્લોપ ગઈ અને એ સાથે જ નિત્યાનું કેરિયર ડામાડોળ થઈ ગયું..એ પછી એ લંડન સ્થિત એક બિઝનેસમેન જોડે પરણી ગઈ..પણ ચાર મહિના પહેલાં જ એનાં ડાયવોર્સ થઈ ગયાં અને હાલ એ પોતાની એક એડ કંપની ચલાવે છે.."
"શબનમ કપૂર વિશે વાત કરીએ તો એ પણ હાલ પોતાની એક ફિલ્મનાં શૂટિંગ માટે અમદાવાદ હોટલ ફોર્ચ્યુનર લેન્ડમાર્કનાં રૂમ નંબર 402 માં રોકાઈ છે.."
આટલું વાંચ્યા બાદ રાજલ મનોમન સંદીપ ની કામગીરનાં વખાણ કરતાં બોલી.
"ખરેખર સરાહનીય કામ કર્યું છે ઓફિસર સંદીપે.."
સંદીપ દ્વારા એકઠી કરેલી ડિટેઈલ વાંચ્યા બાદ રાજલે હવે એ કોમ્પીટેશનનો રિવરફ્રન્ટ સિરિયલ કિલરનાં નવાં શિકાર જોડે શું સંબંધ છે એ ચેક કરવાં માટે હરીશ દામાણીની લાશ જોડેથી મળી આવેલ ગિફ્ટ બોક્સ હાથમાં લીધું.
દર વખતની જેમ કાતીલ દ્વારા આ ગિફ્ટ બોક્સમાં પણ એનાં નવાં શિકાર વિશે કંઈક ફોડ પાડવામાં જરૂર આવ્યો હશે એમ વિચારી રાજલે કટર વડે ગિફ્ટ બોક્સ ઉપરનું ગિફ્ટ પેપર દૂર કર્યું અને બોક્સ ખોલ્યું.
આ વખતે બોક્સમાંથી દર વખતની જેમ એક વાદળી કલરની રીબીન નીકળી..આ રીબીન અત્યાર સુધીનાં દરેક ગિફ્ટબોક્સમાં નીકળતી હતી..પણ દર વખતે એનો રંગ જુદો-જુદો હોતો..આની ઉપરથી એ કિલર શું કહેવા માંગતો હતો એ હજુ પણ એક ગાઢ રહસ્ય જ હતું.
બોક્સની અંદરનાં ભાગમાં લગાવેલું હતું એક વીંછીનું પોસ્ટર..રાજલે આ પોસ્ટર પાછળનો મતલબ શું હતો એ શોધી કાઢ્યું હતું..એટલે એને આ વીંછી નું પોસ્ટર જોતાં જ નક્કી કરી લીધું કે એ સિરિયલ કિલરનાં નવાં શિકાર ની રાશી વૃશ્ચિક હશે..વૃશ્ચિક રાશિનાં જાતકો નાં નામ ન અને ય ઉપરથી શરૂ થાય છે એ રાજલે ગૂગલ પર સર્ચ કરીને જોઈ લીધું.
અંદર એક રમકડું હતું..પણ આ રમકડું જોઈને એ ખ્યાલ લગાવવો અશક્ય હતો કે એ આખરે સ્ત્રી નું હતું કે પુરુષનું..કેમકે આ વખતે એક ડમી હોય એ પ્રકારનું રમકડું હતું..જેનાં માથે તાજ હતો..એક રીતે જોતાં તો એવું જ લાગતું હતું કે આ એક સ્ત્રી નું જ રમકડું હતું પણ એનો શારીરિક ઢાંચો જોઈ એમ કહેવું યથાયોગ્ય તો નહોતું જ.
રાજલ આ બધું જોતી હતી એટલામાં બાર વાગી ગયાં હતાં..એટલામાં ત્યાં ઇન્સ્પેકટર સંદીપ રાજલની કેબિનમાં આવ્યો અને પોતે હરીશ ની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હોવાની જાણ રાજલને કરી..રાજલ આ વખતનાં ગિફ્ટ બોક્સમાં શું નીકળ્યું હતું એનું ડિસ્કશન સંદીપ જોડે કરતી હતી ત્યાં એનાં મોબાઈલમાં રિંગ વાગી..રાજલે મોબાઈલ સ્ક્રીન તરફ નજર કરી તો લખેલું હતું.
"Dcp sir..."
★★★★
વઘુ આવતાં ભાગમાં.
ડીસીપી રાણા પ્રેસ કોનફરન્સમાં શું ફોડ પાડવાનાં હતાં..?કોણ હતો એ સિરિયલ કિલર..?કોણ હતો એ હત્યારા નો નવો ટાર્ગેટ..?આ વખતે ગિફ્ટબોક્સમાં રાજલને શું મળશે..?ગિફ્ટ બોક્સમાં આવતી અલગ-અલગ રંગની રિબિનનું રહસ્ય શું હતું .?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે.
જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
~જતીન.આર.પટેલ (શિવાય)