Ya mere bava mere maalik yaad rakkh in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | યા મેરે બાવા મેરે માલિક યાદ રખ્ખ

Featured Books
Categories
Share

યા મેરે બાવા મેરે માલિક યાદ રખ્ખ

યા મેરે બાવા મેરે માલિક, યાદ રખ્ખ..!

ટાઈટલ વાંચીને મદારી યાદ આવી ગયો ને..? યાદ આવે છે, મદારીના સમયમાં વાંદરીઓ પણ કેટલી હોંશિયાર હતી..? મદારી કહે એમ જ કરતી, પોતાનું ધારેલું નહિ..! ડુગડુગી જ વગાડવાની, એટલે એટેન્શઅઅઅન...! વાત જાણે એમ છે કે, અમુક નેતા હવે શોધેલા જડતાં નથી. કોણે કયા પક્ષના આધારકાર્ડ લીધાં, એના કોઈ વાવડ નથી. એમ મદારી પણ મહોલ્લામાંથી ગાયબ થઇ ગયાં..! ને એનો સાથી પરિવાર પણ ગાયબ...! જેમ કે, ભોજલું, વાંદરું, ચકલી, રીંછ, સાપ, સાપોલીયું, ઢોલક, બીન ને પેલો જંબુરો..! હજી એની ગુંજ કાનમાં ગુંજે છે, “ યા મેરે બાવા મેરે માલિક યાદ રખ્ખ, દુશ્મનકો ધોકે રખ્ખ..! “

એકપણ સરકારે મદારીના ઉદ્યમને ઉતેજન આપ્યું..? મદારી નો ડીપ્લોમાં કોર્ષ કાઢ્યા હોત તો, બેકારીની બુમ તો ઓછી થાત..? ડુગડુગી વગાડીને ગામે ગામ જઈ કુટી તો ખાત..? સવાલ છે, ‘મુઠ્ઠીભર હૈયું, ને ખોબાભર પેટ ‘ માટે ઝઝૂમવાનો. ભલે મદારી જેવાં ખેલ કોઈ ઉજળા ધંધામાં કરતું હોય, પણ એને મદારી કહીએ તો, સંસ્કારિતા લાજે. ધ્રાસકો એ વાતનો છે કે, ડાઈનોસરની માફક મદારી પણ નાબુદ થઇ ચાલ્યા..! નાના હતાં ત્યારે ચકલી બનાવી દેવાની વાત ફેંકતા, ત્યારે પસીનો છૂટી જતો. રાજા મહારાજા જેવાં વાઘા પહેરીને મદારી એટલું જ બોલે કે, તાલિયાંઆઆઆ.....! એટલામાં તો જાણે ગામમાંથી વાયુનું વાવાઝોડું પસાર થતું હોય એમ, તાળીઓનો વરસાદ પાડી દેતાં..! અંગ્રેજો જેમ અંગ્રેજી મુકતા ગયેલાં, એમ તાળીઓ પાડવાનું અમને મદારી શીખવી ગયેલાં. થયું એવું કે, સાપ ગયાં ને લીસોટા રહી ગયાં, એમ, મદારી ગયાં ને તાળીઓ ટકી ગઈ..! એક ચોક્કસ વર્ગ પ્રસંગોપાત ગામમાં આવીને, તળીઓ કેમ પાડવી એ બતાવી જતાં, એ છ નંબરની વાત છે...! પણ માત્ર તાળીઓ જ પાડતાં, વિરોધ પક્ષવાળાની માફક કાળા વાવટા નહિ કાઢતાં...!

કોઈ જાણતલ મદારીએ મૂઠ મારી હોય, એમ હું આજકાલ મદારીના રવાડે ચઢી ગયો છું દાદૂ..! લોકોને ઊંઘે ત્યારે વિશ્વ સુંદરીઓના સ્વપ્ના આવે, ત્યારે મારે મદારીના સ્વપ્ના જોવાના. ઘડીક તો એવું થાય કે, હું તો સાલો માણસ છું કે, સાપણ..? સ્વપ્નમાં પરસેવો તો એવો છોડી નાંખે કે, પથારી ભીની કરીને જાય...! કેરોસીનના ખાલી ડબ્બો ઠોકતો હોય, એમ અમરીશપુરી જેવો અવાજ પણ એવો ભરાઉદાર કે, બોલે એટલે કાર્ડિયોગ્રામ સીધો થવા માંડે. સાપોલીયું હોઈએ તો દર શોધીને ગમે ત્યાં ઘુસી પણ જઈએ, પથારીમાં તો જઈએ પણ ક્યાં..? ઓશીકું કાઢીને એના ગલોફામાં મોઢું સંતાડવાનું..! અડધી રાતે જેમ ગુન્હેગારને દબોચવા પોલીસ આવે એમ, બારના ટકોરા થાય, એટલે મદારીઓની પરેડ ચાલુ...! શંકા તો એવી ઉઠે કે, ક્યાંક ગયાં જનમમાં હું મદારી તો ના હોઉં..? બનવાજોગ છે કે, ગયાં જનમમાં મદારીના ખેલ કરવા માટે, કોઈ નાગની નાગણને ઉઠાવી લાવ્યો હોય, ને એનો બદલો લેવા નાગ મદારીનો વેશ ધરીને આવતો હોય..! ક્યાંતો નાગે જ મદારીને સોપારી આપી હોય, એવું પણ બને..!

અઠવાડિયાથી આખા શરીરે ગૂમડા ઉઠ્યાં હોય એમ, તાવીજો બાંધીને સુઉં છું દાદૂ..! કોઈએ કહ્યું કે, કાંટો જ કાંટાને કાઢે, પણ એવો કાંટો મળવો પણ જોઈએ ને..? લાવવો ક્યાંથી ? નિર્મલબાબા પણ આજકાલ ટીવી ઉપર દેખાતા નથી, થાય કે લાવ એમને જ પૂછું ને એમની સારવાર લઉં...! એવો હેરાન થઇ ગયો છું મામૂ કે, વાઈફ પણ આટલી પરેશાન નથી કરતી. સાલું રોજ પથારીમાં ઊંઘે ચઢું ને ઉંધે માથે પડું. મદારી બીન વગાડતો આવી જ રહે કે, ‘મન ડોલે મેરા તન ડોલે, મેરે દિલકા ગયા કરાર રે..કૌન બજાયે બાંસુરિયા....! ‘ એના કપાળમાં કાંદા ફોડું. બીનમાં ફૂંફાડા તો એવાં મારે કે, એટલાં ફૂંફાડા તો, આ ગીતની મ્યુઝીક માટે કલ્યાણજી-આણંદજી કાકાએ પણ નહિ માર્યા હોય...! ધ્રુજાવી નાંખે યાર..? એક બાજુ બીન વાગે ને બીજી બાજુ આંખમાં સંતાયેલા સાપોલિયાં કબડ્ડી રમવા માંડે. ભેજું તો ત્યારે એવું ભમે કે, હું તો રમેશ્શ્શશ્શ છું કે સાપણ છું..? ભાનમાં હોવા છતાં, બેભાન જેવી હાલત થઇ જાય દાદૂ...?

અમારા બારોટ કહેતાં કે, “ તારી ૭૨ પેઢીમાંથી એક પણ પેઢીમાં કોઈ મદારી થયું નથી. રાજા-મહારાજા કે વડાપ્રધાન થવાની તો લાલસા તો રાખતો જ નહિ..! નવરો પડે તો, વરસાદી પાણી કાઢવા મહોલ્લાની ગટર ખોદજે, પણ કોઈની ઘોર નહિ ખોદતો. ને મદારી જેવાં ખેલ તો કરતો જ નહિ..! એવું દાદા કહી ગયેલાં...! કામ કરવાની ખંજવાળ ખુબ જ આવે તો, ઉપરછલ્લા રાજકારણના ખેલ ખેલજે, , પણ મદારીના રવાડે તો ચઢતો જ નહિ. કારણ કે, મદારી બનતા નથી જનમતા હોય છે. બનવા ગયો તો, ચકલી બનાવી દેશે...! કદાચ એટલે જ અમારી પેઢીમાં સાપોલિયાં તો ઠીક કોઈએ છછુંદર પણ નથી પકડયાં...!

સાલી શું મદારીઓની જાહોજલાલી હતી..? મદારીને બદલે કાળઝાળ ગરમીમાં જાણે વેવાઈ આવ્યા હોય, એમ આનંદ આનંદ થઇ જતો. એના કરંડિયાના સૂતેલા સાપ તો પછી જાગતા, તે પહેલાં ડુગડુગી સાંભળીને અમે જાગી જતાં. મદારીના બીનની એ નાગીનવાળી ધૂન, ને ડુગડુગીની ગૂંજ, હજી પણ કાનમાં ગુંજે...! કદાચ એ ગુંજને કારણે જ લાલુ પ્રસાદની માફક અમારા કાનમાંથી બાલના ગુચ્છા ડોકાં કાઢતાં નથી..! મોબાઈલે ઘણાની ઘણી પથારી ફેરવી નાંખી, એમ મદારીના ખેલની પણ પથારી ફેરવી નાંખી. નુતન પેઢી મોબાઈલમાં ગેઈમ રમવા જાય કે, મદારીના ખેલ જોવા જાય..? પરિણામ એ આવ્યું કે, જેમ સિકંદરના વારસો શોધેલા જડતાં નથી, એમ મદારીઓ પણ ગામમાંથી એવાં ગાયબ થઇ ગયાં કે શોધેલાં મળતાં નથી..! સાપ સાપોલિયાં,નોળિયા, રીંછ, ભોજલાં, ને જગલરીના ખેલ જોવાનો એક લહાવો હતો યાર...?

શ્રી રામ જાણે, એક યે તાકત કહાંસે આઈ, એકદિન મૈને ઉસકી બોચી પકડ લી..! બોલ, તુ કૌન હૈ..? કયું મેરે પીછે પડે હૈ..? મેરે પાસ તુ ચાહતા ક્યા હૈ..? એણે ગુજરાતીમાં જવાબ આપ્યો, ત્યારે મને ભાન થયું કે, હિંદી ભાષાનો ખોટી જગ્યાએ ઉપયોગ કર્યો. મને કહે, અમે પરવારી ગયાં. સમાજમાં અમારું તો નામોનિશાન મટી ચાલ્યું. કોઈ અમને ઓળખતું નથી. હું જાણું છું કે, તું લખિયો (લેખક) છે, એટલે રોજ તારાં સ્વપ્નમાં આવું છું કે, તુ કંઈ અમારા માટે લખ...! નહિ તો અમે આમ જ ડાયનોસોરની માફક પૃથ્વી ઉપરથી સાફ થઇ જવાના..! આવનારી પેઢી કેમ જાણશે કે, લોકોના બપોરિયા મદારી પણ ખેલ કરીને સુધારતા હતાં...! મને એની વાતમાં વિટામીન તો લાગ્યું. પણ તકલીફ એ વાતની થઇ કે, કોઈ નેતા કે, મોંઘવારી ઉપર લખવા કહે તો, છાપું ભરાય એટલું લખું, પણ એના કપાળમાં કાંદા ફોડું, મદારી વિષે લખું શું...? મદારીની મિલકત એટલે સાપ. સાપોલીયું, કોથળો, કરંડીયુ, ને બીન...એના ઉપર લખવા બેસું તો પોસ્ટકાર્ડ પણ પોણો કોરો જાય..! ને લખું તો આ ચોકલેટી પેઢી વાંચે ખરી..? એ પોતે જ એવી ખેલંદી ને ભવ્ય ખેલ કરવાવાળી કે, કે મદારીના ખેલનું પાંચિયું પણ નહિ આવે..! ધ ડેઈઝ આર ગોન...! આજે એવો સમય છે કે, સળગતી રીંગમાંથી માણસ નીકળે છે, પણ એને મદારી કહેતાં નથી. હાથચાલાકીના ખેલ કરીને આંજી જાય છે, પણ એને મદારી કહેતાં નથી. એક રૂપિયામાંથી દશ રૂપિયા બનાવી જાય છે, પણ એને મદારી કહેતાં નથી. છોડો યાર...! માણસને જ માણસ કહેતાં નથી, તો મદારીને માણસ કહેવાનો તો સવાલ જ ક્યાં..? અપેક્ષા રાખીએ કે, કેલેન્ડરમાં એકાદ દિવસ કોઈ બચ્યો હોય તો, ‘આંતર રાષ્ટ્રીય મદારી-દિવસ’ જેવું પણ આવશે ...!!

હાસ્યકુ :

હું માણસ છું

પેટે વેઠ કરાવી

મદારી થયો

___________________________________________________________________________