મોત ની સફર
દિશા આર. પટેલ
પ્રસ્તાવના
સતત પાંચ હોરર ફિક્શન ની જ્વલંત સફળતા બાદ પોતાની જાતને કંઈક નવું લખવાં માટે ની સતત પ્રેરણા આપ્યાં બાદ મારાં રેગ્યુલર વિષય હોરર પરથી હટીને કંઈક નવી જ વિષય વસ્તુ સાથે લઈને આવી છું આ નોવેલ જેનું નામ છે મોત ની સફર.
મારાં મોટાં ભાઈ જતીન પટેલ ની નોવેલ આક્રંદ માં એમને જે મહેનત કરીને જીન્ન ની દુનિયાનાં રહસ્યો ને વાંચકો સમક્ષ ઉઘાડાં પાડ્યાં હતાં એ જ રીતે હું પણ આ નોવેલમાં અમુક એવી જ રહસ્યમયી વસ્તુઓ વિશે નું રહસ્ય તમારી સમક્ષ રજુ કરીશ. રિયાલિટી અને ફિક્શન નો એક સુમેળભર્યો સમન્વય કરીને આ નવલકથાનું સર્જન થયેલું છે.
નવલકથાનાં પ્રથમ ભાગથી જ એડવેન્ચર અને થ્રિલ ની જોયરાઈડ પર લઈ જતી આ નવલકથાને સૌ વાંચકો નો પ્રેમ અને પ્રતિસાદ મળે એવી આશા.
આ નવલકથામાં જેટલાં પર ઈન્ટરેસ્ટિંગ ફેક્ટ તમને જાણવાં મળશે એ બધાં પાછળ મારાં મોટાં ભાઈ શિવાય ની મહેનત છે.. તો ભાઈ તથા અન્ય વાંચકો એમાં ખાસ કરીને વિજયા નો આભાર માની આ નોવેલ આપ સૌ માટે રજૂ કરું છું.
- દિશા. આર. પટેલ
***
પ્રકરણ - 1
ચાર યુવકો અંદમાન નિકોબાર નાં છેક છેવાડે આવેલાં ટાપુ ગ્રેટ નિકોબાર નાં કૅમ્પલ ની ખાડી નજીકનાં દુર્ગમ વિસ્તારમાં ખભે ટ્રેકિંગ બેગ અને હાથમાં લાકડી લઈને જઈ રહ્યાં હતાં.. એ ચારેય યુવકોનાં પેન્ટ ની ઉપર લટકતાં રિવોલ્વર પોકેટમાં એક-એક રિવોલ્વર ભરાવેલી હતી. પગમાં કાઉબોય પહેરે એવાં છેક ઘૂંટણ સુધી આવતાં બૂટ અને શર્ટ ની ઉપર જેકેટ પહેરેલાં એ યુવકોને જોઈ ઈન્ડિયાના જોન્સ મુવી નાં હેરિસન ફોર્ડ ની યાદ આવતી હતી.
"એ વિરાજ હવે અહીંથી તો કોઈ રસ્તો જ નથી.. તું નકશામાં જોઈને જણાવ કે કઈ તરફ આગળ વધવું છે.. ? "હાથમાં નકશો લઈને આગળ વધતાં યુવક ની તરફ જોઈને એની જોડે ચાલતો કસરતી બાંધો ધરાવતો યુવક બોલ્યો.
એ મજબૂત અને સ્નાયુબદ્ધ શરીરનાં માલિક એવાં યુવક નો સવાલ સાંભળી વિરાજ નામનાં એ યુવકે ધ્યાનથી પોતાનાં હાથમાં રહેલાં જુનાં-પુરાણા નકશા ની તરફ જોયું.. આંખો ઝીણી કરીને એકધ્યાને નકશા નું અવલોકન કર્યાં બાદ વિરાજે પોતાને સવાલ કરનારાં યુવક ને ઉદ્દેશીને કહ્યું.
"ડેની, જો આ નકશા મુજબ આપણે ઉત્તર દિશામાં આશરે દોઢેક માઈલ જેટલું આગળ વધીશું એટલે ત્યાં એક ઝરણું નજરે પડશે.. એ ઝરણું ત્યાંથી પૂર્વ ની તરફ આવેલી પહાડીઓમાંથી નીકળે છે.. અને આપણે જે ગુફાઓ શોધી રહ્યાં છીએ એ એકસો ને એક ટકા એ પહાડીઓમાં જ હોવી જોઈએ.. "
વિરાજ ની વાત સાંભળીને ડેની એ પોતાની પાછળ ચાલી રહેલાં અન્ય બે યુવકોની તરફ જોઈને કહ્યું.
"ગુરુ, તું અને સાહિલ હજુ દોઢ માઈલ ચાલી શકો એમ છો ને.. ? "
"ડેની, હું તો ચાલી શકું એમ જ છું.. પણ આ કરોડપતિ બાપ ની ઓલાદ ને પૂછ કે એનાં ટાંટિયા હવે આગળ વધી શકે એમ છે.. "પાંચ ફૂટ હાઈટ અને ચીની વ્યક્તિ ની જેવી નાની આંખો અને માથે ટકલું એવાં ગુરુ નામનાં યુવકે પોતાની સાથે આવી રહેલાં કોઈ ફિલ્મી હીરો ની જેવાં લાગતાં યુવક સાહિલ ની ખેંચતા કહ્યું.
"સાહિલ, આગળ વધવાની શક્તિ બચી છે કે પછી તારી ફુલઝડી ની યાદોમાં વપરાઈ ગઈ.. ? "વિરાજે પણ સાહિલ ની મજાક કરતાં કહ્યું.
"ભાઈઓ.. મારો બાપ કરોડપતિ છે.. હું નહીં. મારે તો અબજોપતિ બનવું છે અને એ માટે હું દોઢ નહીં દોઢસો માઈલ પણ ચાલી શકું છું.. અને મને સોનાની સુગંધ આવી ગઈ છે એટલે અટકવાનો વિચાર પણ હવે તો શક્ય નથી.. "સાહિલે હસતાં હસતાં જવાબ આપ્યો.
"તો ચાલો ત્યારે હવે આ ઝાડીઓમાંથી રસ્તો કરતાં કરતાં ઉત્તર દિશામાં આવેલાં ઝરણાં તરફ આગળ વધીએ.. "વિરાજ નાં આમ બોલતાં જ ચારે યુવકો નું એ ટોળું નીકળી પડ્યું પોતાની આગળની મંજીલની શોધમાં.
આ ચાર યુવકો ગુજરાતનાં શ્યામપુર નાં રહેવાસી હતાં.. વિરાજ નાં પિતાજી ને શ્યામપુરમાં જ એન્ટિક વસ્તુઓની લે-વેંચ ની દુકાન હતી.. જ્યાં વિરાજ પણ પોતાનાં પિતાજીની ગેરહાજરીમાં બેસતો હતો. આ દુકાનમાં જ એને એક જુનાં પુરાણા એક એન્ટિક સાગનાં લાકડાનાં બોક્સમાંથી એની હાથમાં હતો એક નકશો મળ્યો હતો જેની અંદર અહીં છુપાયેલાં ખજાનાનું ચિત્રણ હતું.
નાનપણથી જ વિરાજને કંઈક નવું કરવાની ઈચ્છા હતી.. એને જીંદગી ની નિરસતા ને દૂર કરવાં માટે કંઈક ઍન્ડવેન્ચર આપે એવું કરવું હતું.. જેમાં મજા પણ આવે અને સારાં એવાં પૈસા પણ મળે. આ નકશો હાથમાં આવતાં જ એ સીધો જઈ પહોંચ્યો પોતાનાં ખાસ મિત્ર ડેની જોડે. ડેની ગેરેજમાં કામ કરતો અનાથ યુવક હતો.. જે પોતાની નવરાશ ની પળોમાં પોતાનાં શરીરને વધુ મજબૂત બનાવવાની કોશિશોમાં લાગ્યો રહેતો.
વિરાજે જ્યારે ડેની ને પોતાની જોડે રહેલો નકશો બતાવ્યો ત્યારે ડેની એ તુરંત જ આ નકશામાં બતાવેલી જગ્યાએ જઈને ખજાનો શોધવાની વાત વિરાજ ને કહી. વિરાજની પણ આ જ ઈચ્છા હતી એટલે એને ડેની ને કહ્યું.
"ભાઈ, મારી પણ ઈચ્છા છે કે આપણે આ ખજાનો ગમે તે કરી શોધી કાઢીએ.. પણ આ ખજાનો છેક અંદમાન નિકોબાર ટાપુ નાં છેવાડે આવેલાં ગ્રેટ નિકોબાર ટાપુ પર છે.. હવે ત્યાં સુધી પહોંચવા અને ખજાનો શોધવા માટે જરૂરી સામાન ખરીદવા પૈસાની જરૂર પડે.. જે ના તારી જોડે છે.. ના મારી જોડે.. "
વિરાજ નો નિરાશ ચહેરો જોઈને ડેની એ થોડું વિચાર્યું અને પછી ચપટી વગાડીને બોલ્યો.
"ભાઈ આપણાં આ છુપા ખજાનાનું રહસ્ય શોધવા માટે નાં પ્રોજેકટ નો ફાયનાન્સર બનશે.. સાહિલ શાહ.. "
ડેની ની વાત સાંભળી વિરાજ મનોમન કંઈક વિચારીને બોલ્યો.
"તને લાગે છે એ કરોડપતિ બાપ ની સંતાન આપણી મદદ કરવાં તૈયાર થશે.. ? "
"અરે ભાઈ.. એ ભલે કરોડપતિ બાપની ઓલાદ છે પણ એને પોતાની રીતે કંઈક નવું કરવાની ચુલ છે.. આપણી વાત સાંભળી ચોક્કસ સાહિલ્યો આપણી માટે ફાયનાન્સ કરશે.. "ડેની ચહેરા પર સ્મિત સાથે બોલ્યો.
આ સાથે જ ડેની અને વિરાજ નીકળી પડ્યાં શ્યામપુરનાં સૌથી ધનવાન ઉદ્યોગપતિ હસમુખ શાહ નાં દીકરા સાહિલ ને મળવાં.. ડેની, વિરાજ અને સાહિલ પાંચમા ધોરણ સુધી સાથે હતાં.. અને પછી પણ સમય મળે ક્રિકેટ અને અન્ય રમતો વર્ષો સુધી જોડે જ રમતાં.. સાહિલ ભલે કરોડપતિ બાપ નો દીકરો હતો પણ એને પોતાની દોલત નું વધુ અભિમાન નહોતું.. છ મહિના પહેલાં જ એ જર્મની થી મેનેજમેન્ટમાં માસ્ટર ની ડીગ્રી મેળવીને આવ્યો હતો.. આમ તો સાહિલ હાલ પોતાનાં પિતા હસમુખ ભાઈ નાં બિઝનેસમાં એમની સાથે હતો પણ એનું મન પોતાનાં પિતાનાં બિઝનેસમાં નહોતું લાગી રહ્યું.
વિરાજ અને ડેની એ સાહિલ ને મળી જ્યારે પોતાની જોડે મોજુદ નકશામાં રહેલાં ખજાનાંને શોધવા માટેની વાત કરી ત્યારે સાહિલે એક જ સેકંડ માં વિરાજ અને ડેની ને આ ખજાનો શોધવા કરવો પડતો બધો ખર્ચ ઉઠાવવાની તૈયારી તો બતાવી અને સાથે એ પણ કહ્યું કે પોતે પણ એમની સાથે આવશે આ ખજાનો શોધવા માટે.
સાહિલ ને આ વાત ને ડેની અને વિરાજે રાજી ખુશીથી વધાવી લીધી.. કેમકે આ રીતે અજાણી જગ્યાએ આટલાં મોટાં કાર્ય પર જવું એનાં માટે જેટલાં વધુ લોકો સાથે હોય એટલું સારું એમ વિચારી ડેની અને વિરાજે સાહિલ ની પોતે એમની જોડે આવવાની વાતનો સહર્ષ સ્વીકાર કરી લીધો.
સાહિલે આ ખજાનો શોધવાનો બધો ખર્ચ ઉઠાવવાની તૈયારી તો બતાવી પણ આ નકશો સાચો છે કે ખોટો એ વાત પર સાહિલને સંદેહ હતો.. અને સાહિલ ની આ વાત ડેની અને વિરાજને પણ સત્ય લાગી.. કેમકે જો કોઈએ એમજ આ નકશો બનાવ્યો હોય તો એ લોકોની મહેનત અને સાહિલનાં પૈસા પર પાણી ફરી જાય. વિરાજ ને મળેલાં નકશા ની ખરાઈ કરવાં સાહિલ પોતાની સાથે ડેની અને વિરાજ ને લઈને જઈ પહોંચ્યો મુંબઈ.. જ્યાં એક એવો વ્યક્તિ રહેતો હતો જેની આ બધી બાબતો વિશે ની જોરદાર માહિતી હતી.. એનું નામ હતું હસન મલિક.
મુંબઈનાં ભીંડી બજારમાં આવેલાં હસનનાં મકાને જ્યારે વિરાજ, ડેની અને સાહિલ જ્યારે પહોંચ્યા ત્યારે મકાનની અંદર લાગેલાં વિવિધ નકશાઓ અને જાત-જાતની વસ્તુઓને જોઈને વિસ્મય પામી ગયાં.. હસને આ નકશો જોતાં જ કહી દીધું કે આ નકશા ની અંદર આપેલી માહિતિ સાચી છે અને આજથી લગભગ દોઢસો વર્ષ પહેલાં જોય ફ્લેમિંગ નામનાં અંગ્રેજ દ્વારા બનાવાયેલાં આ નકશા મુજબ ત્યાં હજુપણ અઢળક સુવર્ણ ભંડાર હોવો જોઈએ.
વયોવૃદ્ધ હસન ની વાત સાંભળી વિરાજ, ડેની અને સાહિલનાં ચહેરા ખીલી ઉઠયાં.. સાહિલે હસનની આ મદદ માટે એનો આભાર માન્યો અને દસ હજાર રૂપિયા હસનનાં હાથમાં રાખતાં ત્યાંથી વિદાય ની અનુમતિ માંગી. હસને એમને ત્યાંથી જવાની રજા તો આપી પણ દસ હજાર રૂપિયા સાહિલ ને પાછા આપતાં કહ્યું.
"મારે આ પૈસા ની જરૂર નથી.. ખુદા એ જેટલું આપ્યું એમાં હું ખુશ છું.. પણ તમે ત્રણેય જો આ ખજાનો શોધવાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવાં ઇચ્છતાં જ હોય તો આ વ્યક્તિને જઈને મળો.. "હસનનાં હાથમાં એક વિઝીટિંગ કાર્ડ હતું.
હસન જોડેથી વિઝીટિંગ કાર્ડ લઈને વિરાજે એમનો આભાર માન્યો અને કાર્ડ ઉપર લખેલું નામ વાંચ્યું.. નામ હતું ગુરુ.. અને સરનામું હતું દુકાન નંબર 21 ચોર બજાર.
ભીંડી બજારથી નીકળીને ડેની, વિરાજ અને સાહિલ નીકળી પડ્યાં ચોર બજારમાં આવેલી ગુરુની દુકાન તરફ.. કાર્ડ માં મોજુદ એડ્રેસ પર પહોંચતાં જ એ ત્રણેય મિત્રો જૂની પુરાણી કબાડી વસ્તુઓની દુકાનમાં બેસેલાં એક પચ્ચીસેક વર્ષનાં પણ દેખાવે વિચિત્ર લાગતાં યુવકને જોઈને મનોમન વિચારવા લાગ્યાં કે હસને એમને આ વ્યક્તિ જોડે કેમ મોકલ્યાં હતાં. ?
સાહિલ, ડેની અને વિરાજે પોતપોતાની ઓળખાણ ગુરુ ને આપ્યાં બાદ પોતે ત્યાં કેમ આવ્યાં છે એ વિશે જ્યારે ગુરુ ને જણાવ્યું તો ગુરુ એ વિરાજ જોડેથી એ નકશો જોવાં માટે માંગ્યો.. વિરાજે ખચકાતાં મને ખજાનાં નો નકશો ગુરુ નાં હાથમાં મુક્યો.. ગુરુએ બિલોરી કાચ હાથમાં લઈને એ નકશામાં રહેલ રસ્તા અને સંજ્ઞાઓ ધ્યાનથી જોઈ અને પછી નકશા ને નાક જોડે લાવી સૂંઘતા કહ્યું.
"આ નકશો આજથી દોઢસો વર્ષ પહેલાં બનાવાયેલો છે.. આ નકશો બનાવનાર જોય ફ્લેમિંગ ડાબોડી હતો.. આ નકશો એક સુવર ની ચામડી પર બન્યો છે.. જેને એક લાકડાંનાં સાગ નાં બોક્સમાં રાખવામાં આવ્યો હતો.. જે બનતાં સુધી સમુદ્રમાં ડૂબી ગયું હતું.. "
ગુરુ નામનાં એ વિચિત્ર વ્યક્તિએ બે મિનિટમાં આ નકશો જોઈ જે વિશ્વાસથી આ વાતો કહી એ સાંભળી વિરાજ, ડેની અને સાહિલ છક થઈ ગયાં.. હસનનાં કહ્યાં મુજબ આ ગુરુ આગળ જતાં એમને ઘણો ઉપયોગી થઈ શકે એમ હોવાથી વિરાજે ગુરુની આગળ પોતાની સાથે આવવાનો પ્રસ્તાવ રાખ્યો.. ગુરુ એ ખજાનામાં પોતે પણ ચોથા ભાગનો હકદાર બનશે એ શરતે એમની સાથે આવવાની હામી ભરી દીધી.
આખરે એક ખજાનાંને શોધવાની મુહિમમાં વિરાજની સાથે ડેની, સાહિલ અને ગુરુ જોડાઈ ચુક્યાં હતાં.. ગુરુ ની મદદથી સાહિલે એમને આ અભિયાનમાં જરૂર પડે એવી બધી વસ્તુઓ ખરીદી લીધી.. જેમાં ચોર બજારમાંથી ખરીદેલી ચાર રિવોલ્વરનો પણ સમાવેશ થતો હતો.
મુંબઈથી પ્લેન મારફતે ચેન્નાઇ ને ચેન્નાઈથી એક પ્રાઇવેટ બોટ મારફતે ચારેય મિત્રોની ખજાનો શોધવાનાં અભિયાનમાં નીકળેલી એ ટોળી જઈ પહોંચી અંદમાન નિકોબાર દ્વીપ સમુહનાં દક્ષિણમાં છેક છેવાડે આવેલાં ગ્રેટ નિકોબાર ટાપુ ઉપર.. વિરાજ જોડે રહેલાં નકશા મુજબ એ લોકો એ પોતાની બોટ ને કેમ્પલ ની ખાડીનાં વિસ્તારમાં લાવીને ઉભી કરી દીધી અને પછી બોટ ને મજબૂત દોરડાથી કિનારે મોજુદ વૃક્ષો સાથે બાંધી જરૂરી સામાનની બેગો ખભે લટકાવી ચાર યુવકોની એ ટીમ નીકળી પડી હતી પોતાની જીંદગીનાં સૌ પ્રથમ ખજાનાં ને શોધવાનાં અભિયાન ઉપર.
આ સફર દરમિયાન ગુરુ ને પણ વિરાજ, ડેની અને સાહિલ સાથે સારું એવું ફાવી ગયું હતું.. એકરીતે સંજોગો નાં લીધે એમની સાથે જોડાયેલો ગુરુ હવે એ ત્રણેય મિત્રોની સાથે બરોબરનો ભળી ગયો હતો.. એમની વચ્ચે હવે મિત્રતા ની લાગણી અંકુરિત થઈ ચૂકી હતી. ગુરુ રહસ્યમયી લિપિ અને ભાષાઓ વાંચી જાણતો હતો એ જાણ્યાં પછી તો વિરાજ ને ગુરુનાં પોતાની સાથે આવવાની વાતનો બમણો આનંદ થઈ રહ્યો હતો.
આ ખજાનો શોધવાનું અભિયાન આગળ જતાં એમની જીંદગી ને એક નવો જ વળાંક આપવાનું હતું એ વાતથી અત્યાર સુધી તો એ યુવકો બેખબર જ હતાં.
***
ચાર દિવસ સુધી ભારે હાડમારી વેઠીને એ ચાર લોકોની ટુકડી અત્યારે ખજાનો જ્યાં હોવાનું અનુમાન હતું એ ગુફાથી નજીક આવી પહોંચી હતી.. ઉત્તર દિશામાં આવેલાં ઝરણાં નો અવાજ પણ હવે થોડું ચાલ્યાં બાદ સ્પષ્ટ એમની કાને પડી રહ્યો હતો.. ઝરણાં નાં પાણીનાં વહેવાનો આ અવાજ સાંભળી એ ચારેય મિત્રો નવી ઉર્જા સાથે નકશામાં બતાવેલી દિશા તરફ આગળ વધી રહ્યાં હતાં.
આખરે ત્રણેક કલાક જેટલાં જહેમત ભર્યા દુર્ગમ વિસ્તારને પાર કરી વિરાજ, ડેની, સાહિલ અને ગુરુ આવી પહોંચ્યા હતાં ઝરણાં નાં કિનારે. અહીં પહોંચી એ ચારેય મિત્રોએ ઝરણાં નાં શીતળ જળમાં સ્નાન કર્યું અને પછી જમવાનું બનાવવાની તૈયારી આરંભી.. સૂરજ હવે ઢળવા આવ્યો હતો એટલે પોતાની આ સફર ની મંજીલ તરફ એ લોકો સવારે જ પ્રયાણ કરશે એવું એ ચારેય મિત્રોએ મળીને મન બનાવી લીધું હતું.
રાતભરનાં આરામ બાદ સૂર્યોદય થતાં જ ચાર મિત્રોનું ખજાનો શોધવા નીકળેલું એ ગ્રુપ બમણી સ્ફૂર્તિ સાથે ઝરણાં નાં ઉદગમસ્થાન તરફ ચાલી નીકળ્યું.. આ છેલ્લી સફર દરમિયાન ગુરુ હાથમાં નકશો લઈને એમની ટીમ ને લીડ કરી રહ્યો હતો.. પાંચેક કલાક સુધી સતત ઝરણાં નાં કિનારે કિનારે આગળ વધતાં એ ચારેય મિત્રો આખરે નકશામાં બતાવેલી ખજાનાની જગ્યાએ આવી પહોંચ્યા.
આ ઝરણું જ્યાંથી નીકળતું એ પહાડી ની બીજી તરફ આવેલી ગુફાઓની અંદર ખજાનો આવેલો હોવાનું ગુરુએ કહ્યું એટલે રસ્સી નો ઉપયોગ કરી વારાફરથી એ ચારેય મિત્રો પહાડીની ચોટી ઉપર જઈ પહોંચ્યાં.. અહીંથી હવે નીચે પથરાળ રસ્તો પાર કરીને નીચે પહોંચવાનું હતું.. જ્યાં વિશાળ વૃક્ષોની ઘટમાળ વચ્ચે એક ગુફાનું મુખ હોવાનું નકશા પરથી લાગતું હતું.
એક એક ડગલું સાચવી સાચવીને આગળ વધતાં આખરે એ ચારેય મિત્રો આખરે ખજાનો હતો એ ગુફાનાં મુખ આગળ આવી પહોંચ્યા. ગુરુ એ ગુફાનાં પ્રવેશદ્વાર ની નજીક બનેલાં ચિત્રો પરથી એ ક્યાસ લગાવ્યો છે એ ગુફાઓ આજથી હજારો વર્ષ પહેલાંથી અસ્તિત્વ ધરાવે છે.. થાઈલેન્ડનાં રાજા દેવ વર્મને પોતાનાં રાજ્ય પર હુમલો થવાંની ભીતિથી આ ગુફાની અંદર ખજાનો છુપાવ્યો હોવાની વાત ગુફા ની દીવાલો પર બનેલાં ભીંતચિત્રો થકી જણાવી.
"તો હવે ચલો અંદર.. મારી આંખો બેતાબ છે અહીં રહેલાં ખજાનાને નિહાળવા.. "ગુરુ ની વાત સાંભળ્યાં બાદ સાહિલ ખુશ થતાં બોલ્યો.
સાહિલ નાં આમ બોલતાં જ ગુરુ એ બધાં મિત્રોને ટોર્ચ ચાલુ કરી સાચવીને આગળ વધવાનું જણાવ્યું.. ગુરુ ની સલાહ સાંભળી બધાંએ પોતાની બેગમાંથી ટોર્ચ નીકાળી અને ખૂબ ધ્યાનથી આગળ વધવાનું શરૂ કર્યું.. રસ્તામાં જમીન પર પડેલાં નાસ્તા નાં પ્લાસ્ટિક પાઉચ પર નજર પડતાં જ વિરાજે એ પેકેટ ને ટોર્ચની નજીક લાવીને એની મેન્યુફેક્ચરિંગ ડેટ જોઈ.. એ જોતાં જ વિરાજ પોતાનાં મિત્રો તરફ જોઈને ચમકીને બોલ્યો.
"અહીં આજથી બે વર્ષ પહેલાં પણ કોઈક આવી ચૂક્યું છે.. આ નાસ્તા નાં પેકેટ ની મેન્યુફેક્ચરિંગ ડેટ આજથી બે વર્ષ પહેલાંની તારીખ છે જેનો મતલબ અહીં કોઈક તો આપણી પહેલાં આવી ચૂક્યું છે.. અને જો એવું થયું હોય તો શક્ય છે બધો ખજાનો આપણી પહેલાં કોઈક આવીને લઈ ગયું હોય એવું બની શકે... "
"તો હવે શું કરીશું.. ? "ચહેરા પર ઘોર હતાશા સાથે ડેની બોલ્યો.
"મને લાગે છે આપણે અહીં સુધી આવી જ ગયાં છીએ તો આગળ વધવું જ જોઈએ.. "ગુરુ એ કંઈક વિચારતાં કહ્યું.
"હા દોસ્તો, ગુરુ સાચું કહી રહ્યો છે.. આટલે સુધી પહોંચ્યાં પછી પાછું વળવું ખોટું છે.. "સાહિલે ગુરુની વાત માં સહમતી દર્શાવતાં કહ્યું.
આ સાથે જ બધાં મિત્રો પુનઃ ગુફામાં આગળની તરફ ચાલવા લાગ્યાં.. ગુફાનો આગળનો રસ્તો સાંકડો હતો જેમાં નીચું નમીને આગળ વધવું પડે એવી પરિસ્થિતિ હતી.. અડધો કલાક સુધી એ રીતે આગળ વધ્યાં બાદ હવે આગળ નો રસ્તો પ્રમાણમાં સારો હતો.. અહીં એક મોટો પથ્થર કોઈએ ખસેડયો હોય એમ રસ્તાની એક તરફ હતો.
આ વિશાળ પથ્થર ઓળંગીને હજુ તો એ લોકો અડધો કિલોમીટર આગળ વધ્યા હતાં ત્યાં ગુફાનો આગળનો રસ્તો પથ્થરોથી ઢંકાયેલો મળ્યો.. આ પથ્થરો ની છેક ઉપર થોડો રસ્તો હતો જ્યાં સરકીને આગળ વધાય એવું હતું.. ગુરુ ની પાછળ પાછળ બધાં મિત્રો પેટે સરકીને આગળ વધી પથ્થરોનો ઢગ ઓળંગી બીજી તરફ જઈ પહોંચ્યા.
બીજી તરફ પહોંચતાં જ એ ચારેય યુવકો ની આંખો આશ્ચર્ય સાથે પહોળી થઈ ગઈ.. આ જગ્યા એક ખુલ્લા ચોક જેવી હતી જ્યાંથી આગળ કોઈ રસ્તો નહોતો જતો. આ ચોક ની મધ્યમાં એક ઊંચા ઓટલાં જેવાં ભાગ પર એક પથ્થરની પેટી હતી અને ઓટલાં ની આજુબાજુ પડેલી ચટ્ટાનો જોડે પડ્યો હતો અઢળક ખજાનો.. આ ખજાનામાં સુવર્ણ મુદ્રીકાઓ, આભૂષણો અને રત્નો હતાં.
આટલી અપાર દોલત જોઈને વિરાજ, ડેની, સાહિલ અને ગુરુએ ખુશખુશાલ થઈ એકબીજાને ગળે લગાવી દીધાં.. આ ખજાનાં ને હાથમાં લઈને નજીકથી જોવાં એ ચારેય મિત્રો જેવાં આગળ વધ્યા ત્યાં એમની નજરે ત્રણ વિકૃત હાલતમાં, અર્ધ કોહવાયેલાં મૃતદેહ નજરે ચડ્યાં.. આ ત્રણ મૃતદેહ માં એક મૃતદેહનાં હાથમાં કોઈ પુસ્તકનાં પન્ના હતાં.. જેને જોતાં જ ગુરુ વિસ્મય અને ડરનાં ભાવ સાથે બોલી ઉઠ્યો.
"કોડેક્સ ગીગાસ.. ડેવિલ બાઈબલ.. "
★★★
વધુ નવાં ભાગમાં.
શું છે ડેવિલ બાઈબલ અથવા કે કોડેક્સ ગીગાસ... ? શું એ યુવકો ખજાનો ગુફાની બહાર લઈ જઈ શકશે.. ? ત્યાં મોજુદ ત્રણ મૃતદેહ કોનાં હતાં.. ? અને એ લોકો ત્યાં કેમ અને કઈ રીતે પહોંચ્યા.. ? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.
આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.
માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક
ડણક
અનામિકા
The haunted picture
સેલ્ફી: the last ફોટો... પણ વાંચી શકો છો.
-દિશા. આર. પટેલ
***