અતીતના પડછાયા
વ્રજલાલ હિરજી જોષી
૧. હરિલાલ શેઠ
સામખીયાળી સ્ટેશને ઊભેલી ટ્રેનને સિગ્નલ મળતાં જ તેનાં રાક્ષસી ચક્રો પાટા પર ધીરે ધીરે સરકવા લાગ્યાં. સાંજનો સમય પૂરો થતો હતો. સૂર્ય પૃથ્વીના ક્ષિતિજમાં ડૂબતો જતો હતો. ધીરે ધીરે અંધકાર છવાતો જતો હતો.
ધાક.... ધાક.... ધક.... ધક.... ના અવાજો સાથે જોરશોરથી વ્હિસલ વગાડતી ટ્રેન વેગ પકડી રહી હતી. સ્ટેશન છૂટી ગયું. ટ્રેન આગળ નીકળી ગઈ.
"જિંદગીની રફતાર પણ ટ્રેન જેવી જ છે. કેટલાય વર્ષો વીતી ગયાં... " જિંદગીની સંધ્યાએ પહોંચેલ રેલવે સ્ટેશન માસ્તર ટ્રેન ચાલી જતાં બબડતા પોતાના ઘર તરફ જવા પ્રયાણ કર્યું. ટ્રેન જતાં જ ચારે તરફ તીવ્ર સન્નાટો વ્યાપી ગયો. રેલવે સ્ટેશન પર બળતા ફાનસનો ગાઢ અને ગૂઢ પ્રકાશ અંધકારને દૂર કરવાનો મિથ્યા પ્રયાસ કરતો, વાતા પવનના સુસવાટામાં કંપતો બળી રહ્યો હતો.
નિરાશ વદને સ્ટેશન માસ્તરે ઘર તરફનો રસ્તો પકડ્યો. તેના ચહેરા પર જિંદગીની નિષ્ફળતા તરવરતી દેખાતી હતી. બસ... પોતાની જિંદગીની ઢળતી સંધ્યા ધીરે ધીરે અંધકાર ભરી રાત્રીમાં પ્રવર્તી જતી હતી. એક ઊંડો નિશ્વાસ તેના મોમાંથી નીકળી ગયો.
વર્ષો વીતી ગયાં. માસ્તરની પત્નીના વિદાયને તે જમાનામાં ટી. બી. એક મહા ભયંકર રોગ ગણાતો અને જયરામ માસ્તરના નસીબ પર તે કાળ બનીને આવ્યો, અને તેની વહાલી પત્ની જમના તેમાં હોમાઇ ગઇ. ત્યારે તેનો પુત્ર હરી લગભગ બે વર્ષનો હતો.
જયરામ માસ્તર પર તો દુઃખનું આભ તૂટી પડયું.
સામખિયાળીમાં તેનું પોતાનું કહી શકાય તેવું કોઈ જ ન હતું. પોતે સવા સો રૂપિયામાં સ્ટેશન માસ્તર તરીકે નોકરી કરતો હતો. સ્ટેશનનો માસ્તર કહો કે ટી. સી. કે પછી પટાવાળો બધા જ પાત્રો તેને નિભાવવાનાં આવતાં. તે સમયે સવા સો રૂપિયાની નોકરી પણ સારી લેખાતી, પોતે સાણંદ પાસ થયેલ (૭ ધોરણ). મૂળ ધનસુરાનો વતની અને લગ્ન પછી તરત નોકરી મળતાં સામખીયાળી આવ્યો હતો, અને જમના સાથે ખુબજ આનંદ સાથે સમય વિતાવતો હતો, પણ કમબખ્ત ક્ષયના રોગે તેની જિંદગીના આનંદની ક્ષણો છીનવી લીધી.
તે પોતાની પત્ની જમનાને ખૂબ જ પ્રેમ કરતો હતો. જમનાના મૃત્યુ પછી જિંદગી તેને એકદમ નિરસ લાગતી હતી પણ તેને જીવવું ન હતું, બલ્કી તેની જીવવું પડ્યું. એકમાત્ર પોતાના બે વર્ષના પુત્ર હરિ માટે. જમનાના મૃત્યુ પછી જયરામ ની આંખોમાં આંસુ ખૂટતા જ ન હતાં પણ નાનો હરિ જ્યારે હાથ હલાવી હસતો કે તરત જયરામ પોતાનાં બધાં જ દુઃખ ભૂલી જતો.
"મારા વ્હાલા સાચવજે જયરામ... હવે મારું શું હું તો ક્યારે ધામ પહોંચી જાઉં તે ક્યાં ખબર પડવાની... "ફિક્કું હસતાં જમના કહેતી કે તરત જયરામ ની આંખો રડી પડતી અને પછી હરિને જીવના ટુકડાની જેમ સાચવીને ઉછેરવાનો તે જમાનાને કોલ આપતો.
અને ત્યાર પછી તેને જિંદગીમાં એક હરિ અને બીજું રેલવે સ્ટેશન તે બંને સિવાય જયરામે કંઈ જ જોયું નહીં. નાના હરિને તે સ્ટેશને લઈ આવતો, પોતાની લાકડાના પાર્ટીશન અને માથે દેશી નળીયાની બનેલી કેબિનમાં એક ઘોડીયુ રાખ્યું હતું. કામ કરતાં કરતાં તે હરિને હિંચાળતો અને ત્યાંથી પસાર થતા ભરવાડો પાસે બકરીનું દૂધ ખરીદીને બોટલ વડે પીવડાવતો.
સમય ક્યાં વીતી ગયો, તે જયરામને ખબર ન પડી. ન તો હરિ ની ખબર પડી, રેલવે સ્ટેશનમાં જ રમતાં રમતાં તે મોટો થયો, હરિએ સાતમું ધોરણ સામખિયાળીમાં જ પાસ કર્યું. પછી તેને આગળ ભણાવી રેલવેનો મોટો અધિકારી બને તે માટે પોતાના દિલ પર પથ્થર મૂકી જયરામ તેને ભૂજ આગળ ભણવા માટે મૂકી આવ્યો. સ્વામિનારાયણ ગુરુકુળમાં તેને રહેવાની સગવડ પણ મળી ગઈ.
જ્યારે હરિ ભૂજ જવા માટે તૈયાર થઈને પોતાના પિતાને પગે લાગ્યો ત્યારે જયરામની આંખોમાં ઝળઝળિયા આવી ગયાં.
"બેટા, તારી માના ફોટા પાસે ચાલ. દીવો પ્રગટાવી તેને પગે લાગ, તેના આત્મા ને શાંતિ થશે. " કહેતાં જયરામ હરિને જમનાના ફોટા પાસે લઈ ગયો.
"જમના.. જોઈ લે તારો દીકરો, તારા જેવો જ લાગે છે... અને હા જમના તું કહેતી હતી ને કે મારા હરિને ભણાવજો, તો જો... આજ તારો હરિ ભણવા માટે ભૂજ જઈ રહ્યો છે... "કહેતાં કહેતાં હરિને બાથ ભરી ભરીને રડી પડ્યો.
"બેટા.... આજ પહેલી વાર તને મારાથી છૂટો કરું છું... તું લગનથી ભણજે અને તારી માની ઈચ્છા પૂરી કરજે... "
"બાપા... તમે જરાય ચિંતા ન કરશો, ક્યારેય મારી મા ને તમારે ફરિયાદ કરવી પડે તેવું કોઈ જ કાર્ય નહીં કરું... "રડતો હરિ બોલ્યો.
ભઉં... ભઉ... ભઉ... અચાનક જોર-જોરથી કુતરાઓના ભસવાના આવતા અવાજથી ચમકીને જયરામ પોતાના અતીતમાંથી પાછો ફર્યો. એક ઊંડો શ્વાસ લઇને તે ઘરની ડેલી ખોલી અંદર પ્રવેશ્યો.
ત્યારબાદ તે સીધો જ જમનાના ફોટા પાસે આવી ત્યાં પડેલી ખુરશી પર બેસી ગયો. હરિ ભૂજ જવાનો હતો એટલે બાપ-દીકરાએ વહેલું જમી લીધું હતું. એટલે જયરામને હવે અતીત વાગોળવા સિવાય કંઈ જ કામ ન હતું.
"જયરામ... મારી ભાભીની બહેન કંચનની દીકરી તેં જોઈ... ?" માથા પર વહાલથી હાથ ફેરવતાં મા બોલી હતી. ખરેખર જમનામાં કંઈક એવું હતું જે જયરામને તેના તરફ આકર્ષતું હતું. જમના માસીના ઘરે અવાર-નવાર આવતી ત્યારે જયરામ તેની સાથે વગડામાં ફરવા જતો, નદી પર કપડાં ધોવા મા તથા જમના સાથે જતો, જમનાનો અલ્લડ અને વાતોડિયો સ્વભાવ જયરામને ગમતો, મા ને જ્યારે લાગ્યું કે જયરામ અને જમના એકબીજાને પસંદ કરે છે. ત્યારે તરત ભાભી પાસે જઈને જયરામ માટે જમાનાનો હાથ માંગી લીધો. જયરામ સાણંદ પાસ હતો અને કંચનને ખબર હતી કે જયરામને ચોક્કસ સરકારી નોકરી મળી જશે એટલે કંચને તો તરત વાતને વધાવી લીધી. જયરામ અને જમનાનું સગપણ નક્કી કર્યું પણ ત્યારબાદ જમના માસીને ઘરે આવતી સદંતર બંધ થઈ ગઈ. ત્યાં રિવાજ હતો કે સગપણ નક્કી થયા પછી છોકરો અને છોકરી એકબીજાને મળી ન શકે.
જયરામને જમના વગર ચેન પડતું નહીં પણ શું થાય. તે તો સમાજના નિયમની બિડિએ બંધાઈ ગયા હતા.
તે જ અરસામાં જયરામને રેલવેમાં નોકરી મળી ગઇ અને રઘવાયેલો જયરામ સાટાનું પેકેટ લઇને જમનાના ઘરે પહોંચી ગયો. જમના તેને ગામના પાદરે જ મળી ગઈ. બંને કલાકેક ધેઘૂર વડ નીચે બેસી ધરાઈને વાતો કરી પણ પછી જમનાએ તેને ત્યાંથી જ પાછો વાળી દીધો. સાટા ગામનો માણસ આપી ગયો. એમ તેણે ઘરે કહી દીધું. પણ તે વાત વધુ વખત ગુપ્ત ન રહી શકી અને પછી "મારી છોળીને હથેવાળો કરી તારા આંગણાની જલ્દી લક્ષ્મી બનાવી દેવા ઈચ્છું છું. કહેતી ભાભીએ જયરામની મા આગળ વાત મેલી અને થોડા જ સમયમાં જયરામ અને જમના પરણી ગયાં અને સામખયાળી નોકરી મળતાં આવીને વસ્યાં.
હરિલાલ બારમું ધોરણ સારા માર્ક્સ સાથે પાસ કરીને ભૂજથી સામખીયાળી આવી ગયો. જયરામે હરિ માટે નોકરી મેળવવા તનતોડ મહેનત આદરી પણ નસીબમાં કંઈક અલગ જ વિધાતાએ લખ્યું હશે, તે જયરામની નિષ્ઠાપૂર્વક વર્ષોથી કરેલી નોકરીના ફળરૂપે તો હરિને નોકરી ન મળી. એક દિવસ તે પોતાની કેબિનમાં નિરાશવદને બેઠો હતો, કે ગામનો વાણિયો મુંબઈની ટિકિટ લેવા આવ્યો.
"અલ્યા માસ્તર સાહેબ... આમ કાં વિલા મોંએ બેઠા છો... ? હવે શું ઉપાધિ આવી છે, તમને... ?"કહેતાં કહેતાં મુંબઈ જવા માટે પાલનપુરની ટિકિટ માંગી, તે વખતે કચ્છની બહાર જવા માટે સૂરજબારી પુલ બન્યો ન હતો અને બહાર જવા માટે ફક્ત બે જ રસ્તા હતા. એક તો કંડલા બંદરથી બોટમાં નવલખી જવાનું. ત્યાંથી મોરબી થઈ અમદાવાદ અને ત્યાંથી મુંબઈ, બીજો રસ્તો રેલવેનો જે કચ્છથી પાલનપુરથી રાજકોટ અને ત્યાંથી અમદાવાદ થઈ બોમ્બે જવાનો.
"નેમીચંદ ભાઇ... મારો હરિ બારમું પાણીને આવી ગયો છે, પણ... નેમીચંદભાઈ... હવે રેલવેમાં નોકરીનું ઠેકાણું પડતું નથી. મારી સાંખ ઉપરના સાહેબો સુધી છે. પણ હમણાં કોઈ જગ્યા ખાલી નથી... " ઊંડો શ્વાસ લેતા જયરામે ટિકિટ કાઢી નેમિચંદભાઈને આપી.
"માસ્તર સાહેબ... નોકરીમાં શું રાખ્યું છે. આ જુઓ તમે કેટલા વર્ષોથી નોકરી કરો છો, પણ શું ભેગું કર્યું.. ? તમારા હરિને મારી સાથે મુંબઈ મોકલી આપો. મુંબઈમાં આપણો કાપડનો ધંધો છે. તેમાં લગાડી દઈશ... આમે મારે વિશ્વાસુ માણસની જરૂર છે. તમે નક્કી કરો અને બને તો મારી સાથે જ ટ્રેનની ટિકિટ કાઢી લ્યો. તમારા હરિને આગળ વધારવાનું કામ મારુ... તમે જો- જો તે ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. "
રાત્રિના ઘોર સન્નાટામાં જયરામ ઘરના આંગણામાં ખાટલો પાથરીને બેઠો હતો. હવે સામખિયાળીમાં લાઈટ આવી ગઈ હતી. હરિલાલના આંગણામાં બળતા પચ્ચીસ વોલ્ટના બલ્બના પીળા પ્રકાશમાં તેની બાજુમાં ખાટલો ઢાળીને સૂતેલા હરિને નીરખી રહ્યો હતો.
વર્ષો વીતી ગયા. જુવાની ઢળતી ગઈ અને હવે... હવે તો તે વૃદ્ધ થઈ ગયો હતો.
"મારો શો ભરોસો ક્યારે દેવનો બોલાવો આવે અને મારે જવું પડે તો પછી પછી આ હરિનું કોણ... ?"
વિચારતાં -વિચારતાં જ જયરામના ચહેરા પર ગમગીની છવાઈ ગઈ, " માસ્તર... તમારા હરિને મારી સાથે મુંબઈ મોકલી આપો... " નેમચંદ જૈનના શબ્દો અત્યારે પણ જયરામના કાનમાં ગુંજતા હતા.
"ના... ના... મારા હરિને અળગો નથી કરવો. તે... તે તો મારા વૃદ્ધ અવસ્થાના દિવસોની લાકડી છે. હરિના ટેકે તો હવે મારે ચાલવાનું છે... "તેના મનમાં અવાજ આવ્યો.
"જયરામ... હરિ મોટો થયો હવે તેને આગળ વધારવો હોય, મોટો સાહેબ કે મોટો શેઠ બનાવવો હોય તો તેને સામખીયાળી છોડવું જ પડશે.... "આમે રેલવેમાં નોકરી મળશે તો થોડો તે સામખિયાળીમાં રહેવાન... રેલવેનું ખાતું તો આખા હિન્દુસ્તાનમાં ફેલાયેલું છે... તારે તેનું ઉજ્વળ ભવિષ્ય જોવું છે કે તેના ઉગતા સૂરજ પર વાદળ રૂપી છાયો બનવું છે. તું તારો સ્વાર્થ ન વિચાર જયરામ, તેને મુંબઈ જવા દે, તેને તેનું ભવિષ્ય બનાવવા દે... "જયરામના આત્માનો અવાજ તેને પોકારી ઉઠ્યો.
અને પછી જયરામે હરિને મુંબઈ મોકલી દેવાનો દ્રઢ નિશ્ચય કર્યો અને આજ હરી મુંબઈ જવા માટે શેઠે નેમિચંદ સાથે રવાના પણ થઈ ગયો.
જતાં જતાં બાપ દીકરો ખૂબ જ રડ્યા હતા. પણ હરિ મન મક્કમ કરી શેઠ નેમિચંદ સાથે ટ્રેનમાં બેસી ગયો.
હરી ક્યારેય કચ્છ મૂકી બહાર ગયો ન હતો. પહેલી જ વખત તે મુંબઈ આવ્યો. મુંબઈના ઝાકમઝાળથી તે એકદમ અંજાઈ જઈ પ્રભાવિત થઈ ગયો.
શેઠને નેમિચંદ મુલુંડમાં રહેતા હતા. મુલુંડની બજારમાં જ તેમના કાપડના હોલસેલ ધંધાની દુકાન હતી. તેઓ રવિવારના મુલુંડ પહોંચ્યા. રજાનો દિવસ હતો, એટલ નેમિચંદે શેઠે તેને મુંબઈ ફેરવ્યો. તે રાતે હરિ નેમિચંદ શેઠના ઘરે જ રોકાયો. શેઠાણી ચારૂલતા પણ પ્રેમાળ અને મિલનસાર સ્વભાવની હતી. તેણે હરિને રાત્રિના પ્રેમપૂર્વક જમાડ્યો અને જમતાં જમતાં કેટલીય જાતની ભલામણો પણ કરી.
બીજા જ દિવસે હરિ નેમિચંદની દુકાને કામ પર લાગી ગયો.
હરિ નેમિચંદ શેઠ સાથે તેની દુકાને ગયો. દુકાન દસ બાય બારના માપની હતી. દુકાન ઉપર નાની બંગલી બનેલી હતી.
નેમિચંદ દુકાન પર તો સેમ્પલ પૂરતો જ માલ રાખતો. બાકી ઓર્ડર પ્રમાણે કાપડની મિલમાંથી માલ મંગાવીને આપતો. હરિ નેમિચંદ શેઠની દુકાને કામ પર લાગી ગયો.
નેમિચંદ શેઠની દુકાને બીજા બે માણસો કામ કરતા હતા. તેમાં એકનું નામ મોહન હતું, બીજાનું નામ કાનજી, કાનજી હરિથી એક વર્ષ નાનો હતો, પણ મોહન મોટી ઉંમરનો હતો. મોહન દુકાનથી થોડે દુર ઠાકર ભૈયાની ચાલ પર ભાડાની ખોલી પર પોતાની પત્ની અને પુત્રી સાથે રહેતો હતો.
કાનજી દુકાન પર જ રહેતો. હરિને પણ તેની સાથે રહેવાનું હતું. જમવાનું ટિફિન બાજુમાંથી આવતું અને બંને દુકાન પર આવેલી બંગલી માં રહેતા.
હરિ તનતોડ મહેનત અને પૂરી લગન સાથે કામ કરવા લાગી ગયો. ધીરે ધીરે તેને ધંધાની સમજ પડતી ગઈ.
મોહન અને કાનજી છ થી સાત ચોપડી સુધી જ ભણેલા હતા. જ્યારે હરિ તો બાર પાસ હતો. તે કાપડની મિલોમાંથી ખરીદી કરવા જતો, હોલસેલમાં સોદા કર, ધીરે-ધીરે હરિ કામમાં એટલો બધો ગળાડૂબ થઈ ગયો કે કામ સિવાયનું બધું જ ભૂલી ગયો. છેલ્લે ચાર મહિના થવા આવ્યા હતા, પણ તે તેના પિતાને જયરામને મળવા સામખીયાળી પણ ગયો ન હતો
નેમીચંદ શેઠ હરીપર બહુ જ ખુશ હતા.
હરિના આવ્યા પછી હરિની સૂઝ, સમજથી તેના ધંધામાં ચાલીસથી પચાસ ટકા જેટલો વધારો થયો હતો.
ખુશ થયેલા નેમિચંદ શેઠે એક દિવસ હરિને ઘરે બોલાવી કહ્યું, "હરિ તારી મહેનત અને સૂઝથી આપણા વેપારમાં ખાસી એવી પ્રગતિ થઈ છે. હું તારાથી ખૂબ ખુશ છું. હવે તને મારા ધંધામાં દસ ટકાનો ભાગીદાર બનાવું છું. "
વર્ષો વીતતા ગયા. શેઠ નેમિચંદને કોઈ સંતાન ન હતું અને તેની ઉંમર પણ ઢળવા લાગી હતી. એટલે નેમિચંદ ધીરે ધીરે પોતાનો કારોબાર સંકેલવા લાગી ગયો અને પોતાની દુકાન અને વેપાર હરિને હવાલે કરી દીધાં.
હરિમાંથી હરિલાલ બનેલો તે હવે માર્કેટમાં હરિલાલ શેઠના નામે ઓળખાવા લાગ્યો. ધંધામાં હરિલાલ ગળાડૂબ થઈ ગયો હતો કે તેની ઉંમર ૩૦ વર્ષે પહોંચી છતાં તેને લગ્ન કરવાનો સમય મળતો ન હતો.
તે અરસામાં જયરામનું નિધન થઈ ગયું. કેટલાંય વર્ષો પછી તે સામખીયાળી આવ્યો પણ ફક્ત તેર દિવસ માટે જ પિતાનું બારમું-તેરમું પતાવી સામખીયાળીનું મકાન વેચી ફક્ત તેની માતા અને પિતાનો ફોટો લઈ તે ફરીથી મુંબઈ ચાલ્યો ગયો.
નેમિચંદ શેઠ મુંબઈથી સામખિયાળી આવવા માંગતા હતા. એટલે તે દુકાન અને મકાન વેચી નાખવાનું નક્કી કરી હરિલાલને વાત કરી કે તરત તેમનાં મકાન અને દુકાન ખરીદી લીધાં. શેઠ નેમિચંદ મુંબઈને છેલ્લી સલામ ભરી સામખીયાળી રહેવા કચ્છ ચાલ્યો ગયો.
ત્યારબાદના છેલ્લા બે-ત્રણ વર્ષમાં હરિલાલનો ધંધો એટલો ચાલ્યો કે માર્કેટમાં સૌથી ધનાઢ્ય શેઠ તરીકે નામના મેળવી. કેટલાક વેપારીઓ તેની સલાહ લેવા પણ આવતા.
હરિલાલ સાથે કામ કરતા મોહન અને કાનજી તેના વિશ્વાસુ બની રહ્યા. હરિલાલ તેઓનો બહુ જ ખ્યાલ રાખતો. મોહનકાકા કે તેના ઘરના કોઈ બીમાર પડે તો હરિલાલ પોતાની ગાડી લઈને જાતે જ પ્રાઇવેટ દવાખાને લઈ જતો, મોહન કે કાનજીને તે પૈસે ટકે ક્યારેય તકલીફ પડવા દેતો ન હતો .
સમય વીતતો ગયો. હરિલાલે મુલુંડમાં મોટું શોપિંગ સેન્ટર બનાવ્યું. પોઝ એરિયામાં એક સારો બંગલો પણ ખરીદી લીધો. વિશાળ બંગલાના આઉટ હાઉસમાં મોહનલાલ પોતાની પત્ની અને પુત્રી સાથે રહેવા આવી ગયો અને સાથે કાનજી પણ ખરો. આનંદ ઉલ્લાસ સાથે દિવસો પસાર થવા લાગ્યા. કાનજી અને મોહન હરિલાલને લગ્ન કરી લેવા સમજાવતા પણ હરિલાલ હસીને રહી જતો.
અચાનક એક દિવસ મોહનલાલ માથે દુઃખના ડુંગરો તૂટી પડ્યા. અચાનક તેની પત્ની લક્ષ્મી બીમાર પડી અને પછી તેણે ખાટલામાંથી ઉભું થવાનું નામ જ ન લીધું.
હરિલાલે મોહનની પત્નીને મુલુંડની સારી હોસ્પિટલમાં દાખલ કરાવી. સારવારમાં કોઈ જ કચાશ ન રહે તે માટે ડોક્ટરને મળી અને પૂરો ખર્ચો પોતે આપશે તે જણાવ્યું, અને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે તે માટે ડોક્ટરને ભલામણ કરી પણ સમયનો કાળ કોઈને નથી મુકતો. લક્ષ્મી મોહનલાલ તથા તેની વ્હાલસોઈ પુત્રી રૂપાને રડતાં છોડીને પરલોક સિધાવી ગઇ.
મોહનલાલ માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો, પણ તેની પુત્રી રૂપા જલ્દી દુઃખમાંથી બહાર આવી ગઈ અને તેના પિતાને પણ સંભાળી લીધા. અઢાર વર્ષની રૂપાએ બધું કામ સંભાળી લીધું.
ધીરે ધીરે બધું થાળે પડી ગયું. બંગલાનું બધું કામ તથા રસોઈ બનાવી બધાને પ્રેમથી ખવડાવવાનું સૌને સાચવવાનું કામ રૂપા કરવા લાગી. દિવસો વીતતા ગયા.
હરિલાલ પાસે અઢળક સંપત્તિ એકઠી થઈ ગઈ.
એક દિવસ અચાનક તે જે મિલમાંથી કાપડ ખરીદતો તે મિલ ખોટમાં જતા તેનો બધો કારોબાર તૂટી ગયો. મિલમાં કામ કરતા મેનેજરો અને એન્જિનિયરો તથા એકાઉન્ટન્ટ સૌની મીલી ભગતથી મીલનું દેવાળું ફૂંકાઇ ગયું અને આ તકનો લાભ હરિલાલે ઉઠાવ્યો અને તે મિલને ખરીદી લીધી, મિલ ખરીદી લીધા બાદ પહેલું કામ હરિલાલે કર્યું કે મિલનો આખો સ્ટાફ બદલાવી નાખ્યો. નવી ભરતી કરાવી. મિલનું રિનોવેશન કરાવ્યું. તેની જિંદગીનો ધ્યેય આજ પૂરો થયો હતો. તે મહેનત અને લગનથી આજ મિલ માલિક બની ગયો.
હરિલાલની ઉંમર પાંત્રીસ વર્ષની થઈ ગઈ. પણ તેને ખ્યાલ ન આવ્યો. શરીરે તે હષ્ટપુષ્ટ હતો. ન તો કોઈ વ્યસન હતું તે ઘણી સંસ્થાઓમાં દાન આપતો, તો કેટલીય સંસ્થાઓના પ્રમુખ, મંત્રી કે ટ્રસ્ટી જેવા હોદ્દા પર તેમની નિમણૂંક થયેલી હતી.
આજ તેની મિલનું ઉદઘાટન હતું. વહેલી સવારના જ હરિલાલ નાહી-ધોઈ પૂજા પાઠ કરી માતા પિતાના ફોટા પાસે દીપ પ્રગટાવી આશીર્વાદ લીધા. કેટલાંય વર્ષો પછી તેને પોતાના માતા-પિતા યાદ આવતાં હતાં. ફોટા પાસે બેસીને રડી પડ્યો.
"પિતાજી... આજ તમારું સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું છે. જુઓ આજ હું મોટો ઉદ્યોગપતિ બની ગયો. તમે મારી માતાને આપેલ વચન પ્રમાણે આજ એક પછી એક ધ્યેય પર પ્રગતિ કરી, હું મારી માની આશાઓ અને સ્વપ્ન પર ખરો ઊતર્યો છું. મને આશીર્વાદ આપો, હજુ મારે ખૂબ ખૂબ પ્રગતિ કરવી છે.
પંદરથી વીસ મિનિટ સુધી રડતાં રડતાં માતા-પિતાની તસવીરને તે નીરખતો રહ્યો.
"શેઠજી... નાસ્તો કરી લ્યો... આજ તમારી જલ્દી જવાનું છે... "ઘંટડી જેવા અવાજ સાથે હરિલાલ એકદમ ચોંકીને વિચારધારામાંથી બહાર આવ્યો.
હરિલાલે પાછળ ફરીને જોયું અને તે જોતો જ રહી ગયો.
સામે જ સોળે શણગાર સજીને રૂપા ઊભી હતી.
રૂપાએ આજ પહેલી વખત સાડી પહેરી હતી.
ગુલાબી સાડીમાં તે એકદમ આકર્ષક લાગતી હતી. મોહક ચહેરો, ગુલાબી ગાલ, ઊછળતા સમુદ્રના પાણી જેવી અનેરી આંખો, સુડોળ કંચન જેવી કાયા.
આજ પહેલીવાર હરિલાલને લાગ્યું કે રૂપા જુવાન થઇ ગઇ છે અને તે સ્વર્ગની અપ્સરા જેવી સુંદર લાગી રહી છે.
"શેઠજી... શું વિચારમાં પડી ગયા... ? આજ તમારી મિલનું ઉદ્ઘાટન છે. જલ્દી જવાનું છે... "રણકારભર્યા આદેશાત્મક અવાજ સાથે રૂપા બોલી.
"હેં... હા... હા... ચાલ જલ્દી નાસ્તો ટેબલ પર મૂકી દે, હું જલ્દી આવું છું અને સાંભળ તારે મારી સાથે આવવાનું છે. હરિલાલ હજુ તેને નીરખી રહ્યો હતો.
"તે આવીશને ઘરની મિલનું ઉદ્દઘાટન હોય તો આવવું જ પડે, જુઓ... એટલે તો હું તૈયાર થઈ છું... " આંખો નચાવતાં તે બોલી, પછી નાના બાળકની જેમ ઠેકડા મારતી પૂજા રૂમની બહાર નીકળી ગઈ.
હરિલાલ તરસી નજરે પાછળથી તેના દેહને જોતો જ રહ્યો.
આજ સુધી તેના મનમાં રૂપા માટે કોઈ જ ભાવ જાગ્યો ન હતો. હા, તે રૂપાને પ્રેમથી રાખતો પણ મોહનકાકાની દીકરી સમજી ને બસ... તેનાથી આગળ કંઈ જ નહીં. તે હંમેશા મોહનકાકા તથા રૂપા કાનજીને પોતાના ઘરના જ સમજતો. તેને ઘણી વખત એવો વિચાર પણ આવ્યો હતો કે મોહનકાકાને સમજાવીને રૂપાનાં લગ્ન કાનજી સાથે કરાવી આપશે. જેથી તેનો પરિવાર સચવાઈ જાય અને સૌ સાથે મળીને તેના બંગલા પર રહી શકે. આમે બધાનું ભોજન રૂપા બનાવતી, અને તે એટલું સ્વાદિષ્ટ ભોજન બનાવતી કે રૂપા પરણી જાય તો તેના સિવાય બીજાના હાથનું ભોજન ખાવાનું હરિલાલ સ્વપ્નમાં પણ ન વિચારી શકે.
હરિલાલ ફટાફટ નાસ્તો કરીને ઊભો થયો. અત્યારે રેશમના ઝબ્બા-કુર્તામાં તેનું વ્યક્તિત્વ અનેરું લાગતું હતું.
"ચાલો રૂપા... મોહનકાકાને બોલાવ, આપણે જલદી નીકળી જવાનું છે. "કહેતાં કહેતાં હરિલાલ બંગલાના પોર્ચ પર ઉભેલી પોતાની ફિયાટ ગાડી તરફ જવા લાગ્યો.
"શેઠ... પોતાની પિતાજીની તબિયત બરાબર નથી. તેનું અંગ તાવથી ધગધગે છે. તેથી તેઓ આરામ કરે છે... "
"મોહનકાકાની તબિયત બરાબર નથી... ?મને કહ્યું કેમ નહીં... ?ચાલો પહેલાં તેને દવાખાને લઈ જઈએ પછી મિલ તરફ જઈશું... "કહેતાં હરિલાલ આઉટ - હાઉસ પર આવેલ કમરા તરફ જવા લાગ્યો.
"શેઠ... કાનજી મિલ પર જતા પહેલા પિતાજીને દવાખાને લઈ ગયો હતો અને ડોક્ટરે એક ઈન્જેક્શન પણ આપ્યું છે. કહ્યું છે કે વાયરલ ફીવર છે. ચિંતા જેવું કંઈ જ નથી. માટે ચાલો આપણે જલ્દી મિલ પર પહોંચીએ, ત્યાં બધા આપની વાટ જોતા હશે, ચાલો... ચાલો... " કહેતા રૂપાએ બાલ સુલભ રીતે જ હરિલાલનો હાથ પકડીને ગાડી તરફ જવા માટે ખેંચ્યો.
હરિલાલના તનબદનમાં મીઠી ઝણઝણાટી ફેલાઈ ગઈ. જિંદગીમાં પહેલીવાર કોઈ સ્ત્રીના હાથનો તેને સ્પર્શ થયો હતો.
"ચાલો હવે... " રૂપા એ છણકો કર્યો.
"હે... હા... ચાલ... ચાલ... કહેતાં જરાય આનાકાની કર્યા વગર આને રૂપાના હાથમાંથી હાથ છોડાવ્યા વગર તે ફિયાટ તરફ જવા લાગ્યો. પોતે ફિયાટની ડ્રાઇવિંગ સીટ પર બેઠો અને આગળની સીટ પર તેણે રૂપાની બેસાડી.
પછી ફિયાટ ચાલુ કરી અને પુરપાટ વેગે દોડાવી મૂકી.
આજ હરિલાલ અનોખા મૂડમાં હતો. તેના મોંમાંથી સીટી વાગતી હતી. તે કોઈ ફિલ્મની ધૂન ગાઈ રહ્યો હતો.
તેની મિલનું નામ "જયરામ ક્લો મિલ" રાખવામાં આવ્યું હતું. તેની મિલનું ઉદ્દઘાટન કરવા મહારાષ્ટ્રના ઉદ્યોગમંત્રી આવવાના હોવાથી મિલ પર પુષ્કળ ગિરદી હતી અને એકદમ સિક્યુરિટી પણ હતી.
તેની ગાડી મિલના ગેટ પાસે પહોંચી કે તરત લોકો એક બાજુ ખસી જઇ તેને રસ્તો આપવા લાગ્યા. જાણે કોઈ મહારાજાની સવારી આવી હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. સાથે સાથે હરિલાલની ગાડીમાં બેઠેલી રૂપા જાણે કોઈ રાજકુમારી હોય તેવી લાગી રહી હતી. લોકો એકીટસે તેને નિરખી રહ્યા હતા.
સિક્યુરિટીવાળા સિસોટીઓ વગાડતા આમથી તેમ દોડી રહ્યા હતા અને આવતી ગાડીઓને રસ્તો મળે તે માટે પબ્લિકને હટાવી રહ્યા હતા અને આવેલાં વાહનોને મિલના પાર્કિંગ ઝોનમાં રખાવી રહ્યા હતા.
અચાનક "વાઉ... વાઉ... વાઉ... "સાયરનનો તીણો અવાજ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો. ત્યાં દોડાદોડ અને ધમાલ મચી ગઈ. હરિલાલ ફટાફટ ગાડીમાંથી નીચે ઉતર્યો અને ગાડીની ચાવી ત્યાં તેને લેવા સામે આવતા કાનજીને આપી.
"કાનજી... તું ગાડીને પાર્ક કરી જલ્દી આવ, મિનિસ્ટર આવી ગયા છે... "કહેતાં કહેતાં તે મિલના દરવાજા તરફ ધસી ગયો.
મિનિસ્ટર આવતાં તે થોડી વાર માટે રૂપાને ભૂલી ગયો અને મિનિસ્ટરના આગતા-સ્વાગતામાં પડી ગયો.
તેની મિલનું ઉદ્દઘાટન ખુબ જ જોરદાર રીતે થયું.
તેમાં ગીત કલાકારોએ ઓરકેસ્ટ્રાના સથવારે ડાન્સ અને અલગ-અલગ સંગીતના ભરપૂર કાર્યક્રમો રજૂ કર્યા પછી છેલ્લે ઉદ્યોગપ્રધાને રિબીન કાપીને ઉદ્ઘાટન કર્યું તે સાથે જ તાળીઓના ગડગડાટ વચ્ચે ચારે તરફ સુગંધિત ફૂલોની બૌછાર વાર થઈ.
કાર્યક્રમમાં ભાગ લેવા મિનિસ્ટર ફિલ્મ જગતના કલાકારો અને કેટલાય ઉદ્યોગપતિઓ સામેલ રહ્યા હતા.
આખો દિવસ ધમાલ ધમાલમાં નીકળી ગયો કે કોઈને ખ્યાલ જ ન આવ્યો.
વાદળો વચ્ચે લુક્કા -છુપી ઘેલી ને થાકી ગયેલ સૂર્ય પશ્ચિમ તરફ ઢળતો જતો હતો. આજ અષાઢી બીજ હતી. કચ્છનું નવું વર્ષ હતું. એટલે જ હરિલાલે કાપડની મિલના ઉદ્દઘાટન માટે આજનો દિવસ પસંદ કર્યો હતો.
ધીરે-ધીરે સૂર્ય આથમી ગયો અને ધરતી પર સર્વત્ર અંધકાર છવાઈ જવા લાગ્યો. પણ હરિલાલની મિલ તો રોશનીથી ઝળહળી ઊઠી હતી. ચારે તરફ ફેલાયેલા પ્રકાશના ધોધ વચ્ચે રંગબેરંગી તારલિયાઓ ચમકતા હતા.
હરિલાલે ખાસ મિત્રો માટે રાત્રીના ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. મિલના મોટા ગ્રાઉન્ડમાં જબરદસ્ત સામિયાણું બાંધી હતું અને તેની એક તરફ સ્ટેજ બનેલો હતો. સ્ટેજ પર અપ્સરા જેવી ડાન્સરો આછાં કપડાં પહેરીને સંગીતની ધૂન પર નાચી રહી હતી.
ચારે તરફ બનેલા કાઉન્ટર પર ભોજન સામગ્રી સાથે સાથે અતિ ઉત્તમ પ્રકારની દારૂઓની બોટલો પણ ગોઠવવામાં આવી હતી. તેથી સાથે લિમ્કા, વિમટો, કોકાકોલાની બોટલો પણ હતી, જેને જે ફાવે તે સર્વ થઈ રહ્યું હતું.
રૂપા માટે આ પાર્ટી નવી હતી. તે તો ક્યારે આવા ડાન્સ ટી. વી પર પણ જોતી નહીં. પાર્ટી પ્લોટના એક કોર્નર પર તે બેઠી બેઠી લિમ્કા પી રહી હતી. શેઠ સાથે જ આવેલ જોઈને સૌને તેની દોડીદોડીને પૂછયા કરતા હતા. હરિલાલના કેટલાય મિત્રો પણ તેને પી જવાની નજર સાથે તાકી રહ્યા હતા.
અઢાર વર્ષની થયેલ રૂપા વધુ સમજતી હતી અને આવી નજર પણ પિછાનતી હતી, પણ આ તો પોતાના ઘરનો પ્રસંગ છે. આવું થોડું તો સહન કરવું પડે તેમ વિચારી મનને મનાવતી હતી.
હરિલાલ ઉત્સાહ સાથે ચારે તરફ ફરતો -ફરતો મિત્રોને મળતો અને કોઈને મીઠાઈ તો કોઈને ઠંડા પીણા તો કોઈને વ્હાઈન પીવડાવતો જતો હતો.
તેના ચાર ઉદ્યોગપતિ મિત્રો સાથે તે અત્યારે ઉભો હતો અને વ્હાઈન આગ્રહ સાથે પીવડાવતો જતો હતો.
"અરે... હરિલાલ શેઠ, તમારે પણ થોડો વ્હિસ્કી પીવો પડે યાર... "તેનો એક મિત્ર બોલ્યો.
"શું... ના... ના... દોસ્ત મેં ક્યારેય નથી પીધો. " કહેતા હાથ આડો કરી હરિલાલ પાછળની તરફ થોડું હટી ગયો.
"તો પછી અમને શું કામ પીવડાવસ ભાઈ... ?"એક મિત્ર વેધક નજરે હરિલાલ સામે જોતાં બોલ્યો, અત્યારે તે ત્રણ-ચાર પેગ પી ને બેઠો હતો.
"અરે રૂપાલાલ... આ બધું તમારા માટે તો આયોજન કર્યું છે... "હરિલાલ હસી પડતા બોલ્યો.
"એ ના ચાલે... જો અમને પીવડાવવો હોય તો ખુદ તારે પીવો પડશે નહીંતર અમે આ હાલ્યા... " તિવારી નશાની ખુમારી સાથે બોલ્યો, અને ગ્લાસને ટેબલ પર પછાડ્યો.
"અરે... અરે... તિવારી શેઠ આમ નારાજ ન થાવ યાર... હું તો પીતો જ નથી એટલે... "
"એટલે... એટલે... ન કર અને અમારી સાથે એક પેગ પી લે શું છોકરીવેડા કરે છે. એક પેગ પીવાથી કાંઈ તું ભ્રષ્ટ નથી થઈ જવાનો... "
"એવી વાત નથી પણ... " હરિલાલ અચકાયો.
"અરે ચાલ પી લે ને એટલે તિવારીને સંતોષ થઇ જાય. " એક સ્ટ્રોંગ પેગ બનાવી રૂપાલાલે હરિલાલના હાથમાં મૂક્યો અને પછી હરિલાલ આનાકાની ન કરી શક્યો.
હરિલાલ એક જ ઝાટકે શરાબ ગટગટાવી ગયો. જીવનમાં પહેલીવાર શરાબ તેના પેટમાં ગયો હતો.
ગળાથી છે કે છાતી સુધી આગની એક લકીર ખેંચાઈ હોય તેવો તેને અનુભવ થયો. મોં કડવાશથી ભરાઈ ગયું. ધીરે-ધીરે તેનું દિમાગ ભારે થવા લાગ્યું અને શરીર પાણી પાણી થઇ ગયું. પણ તે સ્થિતિ થોડીવાર માટે જ રહી. ધીરે ધીરે તેના તેના દિમાગમાં નશો છવાતો ગયો અને મન પર પ્રસન્નતા આવતી ગઈ.
અને પછી તો એકમાંથી બે, બે માંથી ત્રણ અને ચાર... બેઠા-બેઠા મિત્રોના આગ્રહ સાથે ચાર પેગ પી ગયો.
ત્યારબાદ મિત્રો સાથે વાતો કરતા કરતા સ્ટેજ પર નાચતી નૃત્યાંગના તે જોઇ રહ્યો.
નૃત્યાંગનાનાં પારદર્શક પહેરેલાં કપડાંની પાછળથી તેના ઉભરાતાં અને મરડાતાં અંગોને નીરખી રહ્યો.
આજ સવારથી જ રૂપાને જોયા પછી તેના શરીર અને દિમાગમાં કંઈનું કંઈ થઈ રહ્યું હતું પણ આખા દિવસ ના પ્રોગ્રામમાં વ્યસ્ત રહેતા તે બધું ભૂલી ગયો હતો. તે ધીરે-ધીરે તેના દિમાગમાં આવવા લાગ્યું.
તેના દિમાગમાં દારૂના નશા સાથે સાથે વાસનાનો કામોત્તેજક નશો છવાતો જતો હતો. તેની આંખોમાં ગજબની વિહવળતા ભરી લાલસા છવાઈ જઈ રહી હતી. તેનું અંગે અંગ વાસનાથી ધ્રુજી રહ્યું હતું. દિમાગ વાસનાના નશાથી ઉત્તેજીત થઈ ગયું. નૃત્ય કરતી અપ્સરાઓનાં અંગો -ઉપાંગો ને તાકી જ રહ્યો.
મુંબઈ ગારાના આકાશમાં ઘેરાયેલા વાદળો વરસી પડવાની તૈયારી કરતાં હતાં. પશ્ચિમ દિશામાં દૂર વીજળીના ચમકારા થવા લાગ્યા.
***