Budhvarni Bapore - 21 in Gujarati Comedy stories by Ashok Dave Author books and stories PDF | બુધવારની બપોરે - 21

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બુધવારની બપોરે - 21

બુધવારની બપોરે

(21)

મારામારી, એક ભૂલાઇ ગયેલી કળા

દુઃખ સાથે કહેવું પડે છે કે, વર્ષો જૂની પરંપરાસમી મારામારીની કળા આપણે સાવ ભૂલી ગયા છીએ (street fights) એક જમાનો હતો, જ્યારે કેવા છુટ્‌ટા હાથની મારામારીઓ જોવા મળતી! ગાળો અને ગુસ્સો તો એની બાય-પ્રોડક્ટ્‌સ હતી. એ બન્ને વગર વાત જામે જ નહિ.....ખાસ કરીને, આપણે એમાં ભાગ ન લીધો હોય ત્યારે! બંધ હાથની મારામારીઓ મેં જોઇ નથી અને છુટા હાથની કરી નથી. મારામારી છુટ્‌ટા હાથની એટલે શું, એની મને જાણ નથી.

ગુજરાતી ભાષામાં છુટ્‌ટા કાનની કે છુટ્‌ટા પગની મારામારીઓ જોઇ/સાંભળી નથી, તો હાથ જ છુટ્‌ટા કેમ? કદાચ એવું હોય કે, કુસ્તીમાં પહેલવાનો બથ્થંબથ્થે આવી જતા પહેલા તેલ ચોપડેલી પોતાની જાંઘો ઉપર હથેળીઓ પછાડીને દુશ્મનને લલકારવાથી વાતાવરણમાં ગરમાવો આવતો હશે. બે પગ પહોળા રાખીને પહેલવાનો પોતપોતાને ભાગે આવેલી જાંઘો ઉપર સટ્‌ટાઆઆઆ...ક, સટ્‌ટાઆઆઆ...ક કરતા હથેળી-પ્રહારોથી એકબીજાને પડકાર ફેંકે છે.

તો સવાલ એ થાય કે, જાંઘો ઉપર હાથ પછાડીને જ વાતાવરણ ગરમ કરવું હોય તો, સામા પહેલવાનની જાંઘો ઉપર આપણા હાથ શું કામ ન પછાડવા? તડ...તડ...તડ કરતા કેવા શૌર્યભર્યા અવાજો આવે કુસ્તી શરૂ થતા પહેલા! આમે ય, સારા કાર્યક્રમોનો પ્રારંભ તાળીઓના ગડગડાટોથી થાય છે, આમાં જાંઘોનો ગડગડાટ! દેશના ક્રિકેટર શિખર ધવન પણ કૅચ પકડે ત્યારે પોતાની એક જાંઘ ઉપર હાથ પછાડે છે, એ વિજયની નિશાની છે.

એ દ્રષ્ટિએ ગુજરાતી મારામારીઓ વધુ વાસ્તવિક, અર્થપૂર્ણ અને વૈજ્ઞાનિક છે કે, પહેલી બે થપ્પડો પોતાના ગાલે ખાઇને મારામારી શરૂ કરવી, એના બદલે ઊંધા હાથની સામેવાળાને ચોડી ન દઇએ? અહીં મોટો ફાયદો એ થતો કે, ચાર રસ્તે કે સોસાયટી/પોળમાં મારામારી શરૂ કરતા પહેલા ઘેર જઇને કુસ્તીવાળી ચડ્‌ડી પહેરી આવવાની હોતી નથી. શરીરે તેલ ચોપડીને ખુલ્લા થઇ જવું પડતું નથી, શેર માટી ઉપાડીને ખુલ્લા શરીર ઉપર ચોળવાની હોતી નથી. અહીં તો કાચી સેકંડમાં, ‘તારી મા ને.....! પણ મારી કોઇ ના માને’ના જયઘોષ સાથે સીધું આક્રમણ જ હોય. હાથોહાથની મારામારીઓમાં અનેક ગૌણકલાઓનો સમન્વય થતો. ગાળો બોલવી, કપડાં ફાડવા, એકબીજાને ખેંચીને હેઠે પાડવા તેમ જ તેમ જ, વાત ઠેઠ પોલીસ-ફરિયાદની આવે એ પહેલા ઘર ભેગા થઇ જવું.

પણ ભારે વેદના સાથે કહેવું પડે છે કે, આ હસ્તકલા (હૅન્ડીક્રાફ્ટ) હવે તદ્દન વિસરાઇ ગઇ છે. હવે ક્યાંય કોઇ મારામારી કરતું દેખાતું નથી. ઝગડા બંધ નથી થયા પણ ક્યાં ગઇ એ હાથોહાથની ફાઇટિંગો...? ક્યાં ગયા શર્ટના એ કૉલરો, જેને ખેંચી-ફાડીને સનસનાટીની શરૂઆત થતી? મને યાદ છે, ખાડીયામાં કોઇ છોકરો દરજી પાસે શર્ટ સિવડાવવા જાય, તો પહેલી ચીમકી એ આપે કે, કૉલર કોઇના હાથમાં ન આવે, એવો સિવજે. સૌથી પહેલો ખેંચાવાનો એ છે. દરજીઓ ય સમજીને ઠેઠ ગળા ઉપરનું એક બટન ઍકસ્ટ્રા આપતા, તે કાંઇ ટાઇ-ફાઈ પહેરવા માટે નહિ...આવી ઝપાઝપીમાં એકાદું છુટું પડી જાય તો બીજું શોધવા જવું ન પડે. મારામારીનો પહેલો ઉસુલ છે, દુશ્મનના શર્ટનો કૉલર પકડીને ખેંચાય એટલો ખેંચો. મહાન લડવૈયા સૅમસનની બધી તાકાત એના વાળમાં હતી, એમ ગુજરાતી સૅમસનોની કૉલરોમાં હોય છે. જગતભરના પાટલૂનોને કૉલર હોતા નથી, એટલે દુશ્મન કદી પાટલૂનની બાંય ખેંચીને વાર નથી કરતો, બન્ને હાથે આપણું પૅન્ટ ખેંચીને ઘસડતો નથી કે બગલમાં ગલીપચીઓ કરતો નથી....એનું પહેલું લક્ષ્ય આપણા શર્ટનો કૉલર હોય, જે મુઠ્‌ઠીમાં પકડીને ખેંચે, ગોળ ઘુમાવે અને આપણને આખેઆખો હલાવી નાંખે. એની દુશ્મની આપણી સાથે છે કે, આપણા દરજી સાથે તે વિશે ‘ગૂગલ-સર્ચ’માં જવાનો કોઇ મતલબ નથી. ટુંકમાં, આપણા કરતા આપણા શર્ટનો કૉલર વધુ મજબુત હોવો જરૂરી હતો.

કૉલરની જેમ દયાપાત્ર બની જતા માથાના વાળ. ભારતમાં માથે તેલ નાંખવાની શરૂઆત આ જ કારણે થઇ હતી કે, દુશ્મન ખેંચવા જાય તો હાથમાંથી લપસી જાય.

અમે નાના હતા ત્યારથી શીખવાડેલું હતું કે, જ્યાં મારામારી થતી હોય ત્યાં ઊભા રહેવું નહિ. જાતે મારામારી કરવાનું તો આજે ય ફાવે એવું નથી. કરવી જ પડે એમ હોય તો, સ્કૂલમાં અમારા મિત્રવર્તુળમાં પટેલો કે રાજપુતોને દોસ્તો બનાવીએ.... જૈન કે વૈષ્ણવ દોસ્તો ન રાખતા. એ લોકો તો અંદરઅંદરે ય ઝગડતા નથી, ત્યાં આપણને બચાવવા શું આવે? વ્યાપારી પ્રજા હોવાથી ઝગડો આપણો હોય કે એમનો, ઘટનાસ્થળ પહેલા છોડે એ લોકો! આ તો એક વાત થાય છે.

આ સંદર્ભમાં એક કિસ્સો ગમતીલો છેઃ કાઠીયાવાડના કોક નનેકડા ગામમાં ડફેરો ત્રાઇટ્‌ક્યા. રાજપુતોનું ગામ અને એ લોકોએ સામનો કર્યો, એમાં બધા ભાગી ગયા, પણ જે એક ઝીલાણો, એના હાડકા-પાંસળા ખોખરા કરી નાંખ્યા. ગામમાંથી જે આવે, એ બધા બબ્બે ટપલી-ધપાટો મારતા જાય. ચોરા પાસે એક માળના નાનકડા ઘરમાં એકલો રહેતો વાણીયો સેવંતીલાલ ભારે બીકણ. ‘કોક હામી બે મારે તો...?’ એ ભય છતાં, અટાણે ડફેર મૂછરવસ્થામાં છે....હું હડી કાઢતો છાનોમાનો એકાદું ટપલું મારી આવું તો એને કિયાં ખબરૂં પઈડવાની છે?’

બીતો બીતો એ ટોળામાં ઘુસી સેવંતીલાલે એક નાનકડી ટપલી મારી. ‘દુષ્ટ ચોર....ચોરી કરે છે?’ એવું ય બોલ્યા વગર એને ટપલી અડી એનો સંતોષ થયો એટલે મેડી ઉપર પાછો આવી ગયો પણ ફફડી એવો ગયો કે, ત્યાંને ત્યાં એને ગરમ લ્હ્યાય જેવો તાવ આવી ગયો. આખી રાત એકલો કણસતો રહ્યો. આ બાજુ, અર્ધ-બેભાન હાલતમાં એ અધમૂવા ડફેરને ગામના ચોરે નાંખ્યો.

બીજા પરોઢે ગામલોકો ખેતરે જવા ગાય-ભેંહું લઇને નીકળ્યા ત્યારે ચોરા ઉપર આ ડફેર હજી કણસતો હતો. મોંઢામાંથી લોહીડાંવ વિહ્યા જાય, ઉંહકારાંવ નાંખે જાય. એના ય શરીરમાં ધગધગતો તાવ ભરાણોહ હતો.

પણ, આમ તો આ પાછા રાજપુતોને? દયા આવી ગઇ. કોઇકે પાણી-બાણી પાયું. ખમ્ભે હાથ ફેરવીને મમતા બતાઇવી. ‘આવા ચોરીડફેરીના ધંધા નો કરતો હો તો...?’

કોઇકે સલાહ આપી, જેના જવાબમાં ડફેર ઉંહકારા કાઢતો બોલ્યો, ‘અરે મારા બાપ.....મારી માંયું....તમે મને જી માયરો, એનો કાંય વાન્ધો નથ્થી...ઈ તો મારા લખ્ખણ એવા હતા, તી માર ખાવો પઈડો. પણ ઉપરની મેડીમાં હંતાઇ રહેલું મારૂં હાળું વાણીયું મને એક ટપલી મારી ગયું, એ આજ સુધી શહન નથી થાતું! કોઇ નંઇ ને વાણીયું મારી જાય? જીવનભર શહન નંઇ થાય, બાપ!’

મને મારામારી કરતા ફાવી જ નથી. સ્કૂલમાં હતો ત્યારે (‘સ્કૂલમાં હતો’, એ નિવેદનથી એટલું જ પૂરવાર કરવા માંગું છું કે, સ્કૂલ સુધી તો ભણ્યો છું.!) ક્લાસના છોકરાઓમાંથી કોઇ તાજી હજામત કરાવીને આવ્યું હોય તો પાછળથી એની બોચી ઉપર સટ્‌ટાઆઆઆ....ક’ કરતી એક લાફી મારી દેતા, જેને એ વખતની ભાષામાં ‘ચીકોટી’ કહેવાતી. અચાનકની ચીકોટીથી પેલો સમસમી જતો. સ્કૂલના લગભગ બધા એક એક ચીકોટી ઠોકી આવતા, પેલાની બોચી લાલઘુમ્મ થઇ ગઇ હોય તો પણ!

છુટા હાથની મારામારીઓ હવે ગઇ કાલની વાત બની ગઇ છે. ટ્રેનોમાં થતી જગ્યાની મારામારીઓમાં સાંકડી જગ્યાનો મહત્તમ ઉપયોગ કરવામાં ઘણા કૌશલની જરૂરત પડતી. ઉપર-નીચે આજુબાજુ ચોતરફ સામાન અને પૅસેન્જરો ઊભેલા હોય, એમાંથી મુક્કા મારવાની જગ્યા ઊભી કરવી, એ કોઇ નાની મા ના ખેલ નથી.

પોળમાં રહેતા ત્યારે પડોસીઓ વચ્ચે પાણીના મામલે ડોલે ને ડોલે એકબીજા સાથે મારામારીઓ થતી. ઉત્તરાયણમાં મકાનોના ધાબા કે છાપરાઓ વચ્ચે છુટ્‌ટા ઢેખાળાની મારામારીઓ થતી. હોળી તહેવાર રંગીન હતો, પણ મારામારીઓ કેવળ લાલ રંગની હોય...લોહીના લાલ રંગની! કોમી તોફાનો વચ્ચે મકાનના ધાબેથી એકબીજાના ઘરો ઉપર સળગતા કાકડા ફેંકવાની મારામારી, તો રસ્તા ઉપર બે વાહનો અથડાયા હોય ત્યારે એ બન્ને વચ્ચેની મારામારીમાં ૪૦૦-માણસનું પબ્લિક ભેગું હોય! એ લોકોને સાઇડમાં જગ્યા કરીને બન્ને હાથોની અદબ વાળી-એક પગ આગળ લંબાવીને ફક્ત ઊભું જ રહેવાનું હોય, પણ એમના પૈસા પડી જતા. ગુજરાતીઓની મારામારીઓમાં ઘાંટાઘાંટી અને ગાળો વધારે હોય, અસલ ઍક્શન ન આવે. કોઇ પહેલો હાથ ઉપાડે, તો જોનારાના ટાઈમનું વળતર

મળે. યસ. ગુજ્જુઓ લડતી વખતે રામ જાણે ક્યાંથી હિંદી શીખી લાવે છે કે, ઝગડા વખતે તો હિંદી જ વાપરવાનો આગ્રહ રાખવાનો. ‘બે, દેખ કે નંઇ ચલાતા..?’ જવાબમાં એ જ સવાલનું બીજું સંસ્કરણ હોય, ‘તુ દેખ કે નંઇ ચલાતા...?’

હિસાબ સીધો છે કે, બે ય ‘દેખ કે’ ચલાતા કે ચાલતા, તો આ નૌબત જ આવી ન હોત ને? આ ગુસ્સાબાજી તો મિનીટોની મિનીટો સુધી ચાલતી રહે છે, એમાં જોનારાના પૈસા પડી જાય છે. બેમાંથી એકે ય પાટર્ી પહેલો હાથ ઉપાડે, તો દર્શકોના પૈસા વસૂલ થાય ને!

મશિનગન અને મિસાઇલોના આ યુગમાં....ગમે તેવી તો ય એ છુટ્‌ટા હાથની મારામારીઓ વધુ સારી હતી કે નહિ?

સિક્સર

ચીકન ગુનીયા, સ્વાઈન ફ્લ્યૂ, ડૅન્ગ્યૂ.......

કમ-સે-કમ, ઘરના બાથરૂમમાં ભરેલી ડોલો તો ઊંધી વાળીને બાથરૂમ ચોખ્ખું કરો.

***