cozi corner - 14 in Gujarati Classic Stories by bharat chaklashiya books and stories PDF | કોઝી કોર્નર - 14

Featured Books
Categories
Share

કોઝી કોર્નર - 14

         
હું અને બીટી જૂનાગઢ ડેપો પરથી બસમાં ચડ્યા ત્યારે રાતના નવ વાગ્યા હતા. મારી ખૂબ જ ઈચ્છા હતી કે માધવસિંહની સાથે વિભા રબારીના નેસડા પર જઈને પરેશ અને રમલીને છોડાવવામાં ભાગ ભજવવો.મને ખરેખર પરેશની ખૂબ જ ચિંતા થતી હતી, એક સમયે જેને ખૂબ જ નફરત કરી હતી એ પરેશ માટે શું કામ આટલો બધો પ્રેમ મારા દિલમાં ઉભરાઈ રહ્યો હતો એ મને સમજાતું નહોતું. પણ માધવસિંહે મારી આ ઈચ્છા પૂરી થવા દીધી નહી. અમને પરાણે જૂનાગઢ મોકલી દેવામાં આવ્યા અને બીજે દિવસે સવારે માધવસિંહે પોલીસ પલટનને સાથે લઈને વિભા રબારીના નેસડા પર છાપો માર્યો હતો. એ વખતે અમે અમદાવાદના ગીતામંદિર બસ ડેપો પર ઉતર્યા હતા.
   રીક્ષા પકડીને અમે કોઝી કોર્નર પહોંચ્યા ત્યારે ત્યાં જે વાતાવરણ સર્જાયું એનું વર્ણન થઈ શકે એમ નથી.અમને આવેલા જોઈને આખી હોસ્ટેલના છોકરા રૂમ નં 17માં ભેગા થયા હતા. આખો રૂમ ખીચો ખીચ ભરાઈ ગયો હતો.અનેક જાતના સવાલો અમારા એ દોસ્તોએ અમને હડબડાવીને પૂછ્યા હતાં
"પરેશ અને રમલી મળ્યા ?"
"ખરેખર પરેશ, રમલીને લઈને નાસી ગયો છે ?"
"અલ્યા, એના બાપાએ શુ કીધું..?''
"પરેશ તમને મળ્યો કે નહીં ?"
"અલ્યા મારી પાંહેથી બસ્સો લઈ ગ્યો છે..ઇ ક્યારે આવવાનો છે..? તમે જવાના હતા તો મને કે'વુ'તું યાર..."
   બધાએ આવા અનેક સવાલોનો વરસાદ અમારા પર વરસાવ્યો હતો.
 "ચુ... ઉ...ઉ ....પ..., મૂંગીના મરો બધા..અને પહેલા અમને જરીક શ્વાસ તો ખાવા દયો..સલ્લાઓ ગીધની જેમ તૂટી પડ્યા છો તે..
અમને પરેશ.. ય..નથી મળ્યો અને રમલી પણ નથી મળી." મેં ખિજાઇને કહ્યું એટલે બધા ચૂપ થઈ ગયા.થોડીવાર પછી પાછો ગણગણાટ શરૂ થયો. બીટીએ અમે નીકળ્યા ત્યાંથી લઈને અમે પાછા આવ્યા ત્યાં સુધીની કથા બધાને કહી સંભળાવી.એટલે સલાહોનો મારો શરૂ થયો અને બધા,અમને બન્નેને અહીં કોઝીમાં રહેવું કેટલું જોખમી છે એ સમજાવવા લાગ્યા.રૂમ નં 17 જાણે કે વોર રૂમ હોય એમ આખી હોસ્ટેલના વિદ્યાર્થીઓ, વારા ફરતી આવીને આ બધું કેમ બન્યું, ક્યારે બન્યું અને કેવી રીતે અમે ગટોર અને ભીમાને મા'ત આપીને નાસી આવ્યા એની દિલ ધડક કહાની સાંભળી ગયા. બીટીએ અમારી દસ્તાનમાં સારા એવા ગપ ગોળા ઉમેર્યા હતા.જેમાં અમે દીપડાઓને પથ્થર મારીને ભગાડ્યા, અમે ઝાડ ઉપર ચડ્યા હતા ત્યારે સિંહને પણ બીટીએ અમને મારવા ઝાડ પર ચડાવ્યો અને મેં ડાળખી હલાવીને સિંહને નીચે પાડ્યો, પછી પેલા શિયાળના તો પાછલાં ટાંગા પકડીને ગોળ ગોળ ફેરવીને ઘા કર્યો અને એ ઝાડની ડાળીમાં ફસાઈ ગયું.ત્યારબાદ એક મહાકાય અજગરને અમે બન્નેએ ચીરી નાખ્યો અને એના પેટમાંથી હરણના બચ્ચાને જીવતું બહાર કાઢ્યું, વગેરે ગોળા બિટિયો હાંકવા માંડ્યો. રમેશ સાવલિયાએ કહ્યું કે  "યાર બીટી કંઈક તો માપ રાખ, યાર અમે તારી ઈજ્જત કરીએ છીએ એનો મતલબ એવો નહિ કે તું સાવ અમને ગોબા જ સમજે ! તારો ડોહો સિંહ ઝાડ ઉપર ચડી જ ન શકે એટલું તો અમને ભાન પડે છે..અને ગીરના જંગલમાં વળી મહાકાય અજગર કોઈ દી કોએ જોયા હોય એવું મેં તો નથી સાંભળ્યું. તમે લોકો જંગલમાં પહોંચી ગયા હશો.પણ થોડું માપ રાખો તો સારું યાર..આવું બધું હજમ નહિ થાય મારાથી...."
  બીટીએ એનો વિરોધ ગ્રાહ્ય રાખીને ફેરવ્યું કે યાર, મારી ભૂલ થઈ.અમે પાણકા મારીને દીપડાને નહી પણ સિંહને ભગાડેલો. અને ઝાડ ઉપર સિંહ નહી પણ દીપડો ચડેલો. હવે તો બરોબરને ? કે પછી હજી મોંઘું પડે છે ? મારી ઉપર વિશ્વાસ નો હોય તો પૂછને આ સમીરિયાને... એ તો સત વાદીનું પૂછડું છે, એણે જ શિયાળીયાના ટાંગા પકડીને ઝાડ ઉપર ઘા કરી દીધો'તો...મેં ઇ નજરો નજર , મારી આ સગ્ગી આંખ્યુંથી જોયું'તું અને તોય તમારે નો માનવું હોય તો નીકળો મારી રૂમમાંથી બારા.. મારા હાહરીના હાલી જ નીકળ્યા છે..કોક વાર જાવ તો ખરા ઇ ગીરના જંગલમાં..#$& ફાટી રે..જેવા તેવાનું કામ નથી..પૂછો આ બેઠો તમારો કાકો..."
 બીટીએ મને પણ હીરો બનાવી દીધો.અને જે લોકો એના આ ગપગોળા વિશે શંકા કુશંકા કરવા લાગ્યા એની ઉપર ગુસ્સે થવા લાગ્યો.એટલે રમેશ સહિતના બીજા કેટલાક મારી સામું પ્રશ્નાર્થ દ્રષ્ટિએ જોઈ રહ્યા.
 "જુઓ દોસ્તો, બીટીએ જરાક વધુ મોણ નાખ્યું છે...મેં કોઈ શિયાળીયા ના ટાંગા બાંગા પકડ્યા નો'તા..સિંહ અમારી પાછળ પાછળ આવતો હતો,એટલે અમે લીમડાના ઝાડ ઉપર રાત વિતાવી હતી,અને દીપડાઓને અમે હરણનો શિકાર કરતા જોયા હતા. અને અજગરને આપણે માઇનસ કરીએ છીએ, કારણ કે અમે કોઈ અજગર બજગર જોયો જ નહોતો.બાકી પાણકા તો કદાચ બીટીએ વાપર્યા હોય તો મને ખબર નથી, ઇની ફાટી ગઈ'તી એટલે કદાચ ડાટો મારવા પાણકો..." એમ કહી હું ખખડયો એટલે બધા હસી પડ્યા. બીટી મારી ઉપર ગરમ થયો. એ દિવસે અમે બધાએ ખૂબ વાતો કરી. હવે પરેશને શોધવામાં બધા જ વિદ્યાર્થીઓ રસ લેવા માંડ્યા. અમે બધા વાતો કરતા જ હતા ત્યાં શાંતા અમારી રૂમમાં આવીને જોર જોરથી રડવા લાગી.
"અરે છોકરા'વ તમે મારી છોડીને જોઈ સે ? તમારો કોઈ ભાઈબંધ ઈને લયને વયો ગીયો સે..? તમને ખબર હોય તો કઈ દયો...નકર હું પોલીસ ટેસને ફરિયાદ લખાવવા જાવ સુ..ભલા થઈને મને કોક કંઇક કયો'તો ખરા..."
"માસી તમે રોવાનું બન કરો..આ સમીરને અને બીટીને ખબર સે.."એક જણે શાંતાને કહ્યું અને મારી તરફ આંગળી ચીંધીને મને બતાવ્યો. શાંતા ઘડીભર મારી સામું જોઈ રહી.પછી એકાએક મારી પાસે આવીને મારો હાથ પકડીને રડવા લાગી..
"અરે..રે..મારી દીકરીને કોણ ભગાડી જયું સે ઇ મને કય દો.. હજી ઇ વાલામુઈ સાવ નાની મુઈ સે..વિહ વરહની માંડ હશે...ઇને કોણ ભગાડી જ્યો..ભગવાન ઇના ટાંગા ભાંગી નાખે..મારી મેલડી માં ઈને રાત દી એકધારું હંગણું કરવી નાખે... એ..માં..ઇ કપાતરના પેટનો કોણ મરી જ્યો...ઇની માં..અને ઇનો બાપ...મરો....ઇ..નિસ...." શાંતાએ કાળો કેર વર્તાવ્યો. હોસ્ટેલના કોઈ છોકરાએ એને માહિતી આપી હતી કે રમલીને ભગાડી જનાર પરેશ રૂમ નં 17 માં રહેતો હતો અને એના બે દોસ્તો એટલે કે હું અને બીટિયો એને શોધવા ગયા હતા અને એમને શોધીને આવી ગયા છીએ.એટલે એ અમારી રૂમ પર ધસી આવી હતી.વાલમસિંહ ઘમુસરને ફિયાટની ડીકીમાં રણ ગોલિંડો કરીને જામનગર બાજુના કોઈ ગામડાંની સીમમાં આવેલી રુપસિંહની વાડીમાં લઈ ગયો હતો અને ત્યાં જતી વખતે અબ્દુલની કારે ઓવરટેક કર્યો હતો.પણ વાલમસિંહને ખબર નહોતી કે અબ્દુલની એ કારમાં જ પરેશ અને રમલી હતા!!
 "જુઓ માસી, તમે જેમ ફાવે એમ અમારા ભાઈબંધને ગાળો ના દો. અમારો ભાઈબંધ જ તમારી છોડીને ઉપાડી ગયો છે કે તમારી છોડી અમારા ભાઈબંધને ઉપાડી ગઈ છે ઇ હજી નક્કી નથી. અને ઘમુસાહેબ પણ દેખાતા નથી..કદાસ ઘમુસર પણ તમારી છોડીને લય જ્યાં હોય.. કારણ કે તમારી છોડી તમારી જેમ હતી તો ભગાડવા જેવી.." બીટીએ થોડી શુદ્ધ અને થોડી દેશી ભાષામાં ચલાવ્યું.બિટીનો જવાબ સાંભળીને શાંતા વધુ ખિજાઈ, "તારી જાતના..શુ નામ સે તારું..બોલ જોઉં..મારી છોડીને સાયેબ લઈ જ્યાં ઇમ ભંહે છ તું ? મોઢું હંભાળીને બોલજે નકર એક અડબોથ ભેગું ફેરવી નાખીશ ઝાડું તારું....હાળા નખ્ખોદ જાય તમારા હંધાયનું...." 
"લે..આલે.. આ તો જો ? આતો ઉલટાની આપડને વળગી......... સમીરિયા તું હમજાવ આને..નકર મારો મગજ જાહે તો...." બીટી પણ ખીજાયો. કારણ કે શાંતાને, ખિજાતી અને બીટીને ગાળો દેતી જોઈને અમારા હોસ્ટેલિયા દોસ્તોને વગર પૈસે નાટક જોવા મળી રહ્યું હતું. થોડીવાર પહેલા ફાંકા મારતો બીટી શાંતામાં બરાબરનો ભેરવાયો હતો. પરેશનો પક્ષ લેવા જતા એને બિચારાને શાંતાની ગાળો ખાવી પડી.અને ઉપરથી હું સાવ મૂંગો મૂંગો આ ખેલ  જોઈ રહ્યો હતો.એટલે બીટીએ શાંતાના વવાઝોડાનું રૂખ મારી દિશામાં વાળ્યું, " શુ બન્યું સે, કોણ તમારી છોડીને લય જયું, અને ચ્યાં જયું ઇ બધી ખબર આ સમીરિયાને સે પણ બોલતો નથ..પૂછો ઈને..''
"હેં.. ભાઈ તું જરીક સારો માણસ લાગ્ય સો.માના આસિરવાદ મળસે ભાઈ તું જે હોય ઇ કે..." શાંતાએ થોડા નરમ અવાજે મને કહ્યું.
"કોક ગટોર અને ભીમો કરીને બે બદમાશો મને અને બીટીને ઉપાડી જ્યાં'તા માસી....ઇ લોકોની ટ્રકમાંથી અમે રાતના ઊતરીને ભાગતા ભાગતા માંડ આયાં પહોંચ્યા છીએ.બીજી અમને કાઈ ખબર નથી." મેં શાંતાને ટૂંકમાં સમજાવીને રવાના કરી.શાંતા ગટોર અને ભીમનું નામ સાંભળીને ચમકી હતી.
 "કોણ ? ગટોર અને ભીમો ? ઇ બે'ય નકામીના તમને ચ્યાં ભટકાણા ? ઇવડા ઇ રમલીનું કાંઈ કેતા'તા ? ઇ હરામીના મારી છોડીને લઈ જ્યાં ઇમ ? ઉભાને ઉભા ચીરી નાખીશ હું ઇ બેયને, જો મારી સોકરીને હાથ અડાડયો હશે ને તો !!" એમ કહી એ એકદમ ઉઠીને ચાલતી થઈ.લગભગ દોડવા જ લાગી. જોત જોતામાં એ હોસ્ટેલની બહાર આવેલી કરીયાણાની દુકાને પહોંચી અને વાલમસિંહને ફોન કર્યો.વાલમસિંહે શાંતાને પોતાના ખાસ દોસ્તનો ફોન નંબર આપી રાખ્યો હતો. અને એ દોસ્ત ગમે તેમ કરીને વાલમસિંહનો સંપર્ક કરી શકે તેમ હતો. શાંતાએ રમલીને, ગટોર અને ભીમો ઉપાડી ગયા હોવાની વાત જણાવીને જલ્દીથી વાલમસિંહને ખબર કરવા કહી દીધું. અને હાંફળી ફાંફળી હોસ્ટેલમાં આવી.હવે એને ક્યાંય ચેન પડતું નહોતું.અમે એની છટપટાહટ જોઈ શકતા હતા.
*** **** **** *****
 ઝાડીઓમાં રખડી રખડીને થાકેલો હમીરસંગ આખરે જંગલના આડબીડ રસ્તે થઈને બીજા નેસડે જઈ પહોંચ્યો. વિભા રબારી અને ગટોર તથા ભીમાને માધવસિંહ નહી છોડે એની એને ખાતરી હતી.આ એક જ ફોરેસ્ટ ઓફિસર એને અને એની ટોળકીને ખૂબ જ નડતો હતો. થોડા ઘણા પૈસા લઈને જંગલમાંથી લાકડું ઉઠાવવાના અને જંગલી પ્રાણીઓનો શિકાર કરીને એના ચામડાની અને માંસની હેરાફેરીના એના ધંધા માટે માધવસિંહ આડખીલીરૂપ હતો. સામ, દામ, દંડ અને ભેદ એ ચારે'ય માંથી એકપણ શસ્ત્ર માધવસિંહને સ્પર્શી શક્યું નહોતું. એટલે ના છૂટકે એનાથી દૂર જ રહેવાનું હમીરસંગે મુનાસીબ માન્યુ હતું.પણ આજ ગમે તેમ માધવસિંહને શક જતા એણે વિભા રબારીના નેસડા પર છાપો માર્યો હતો.પણ પોતે ખૂબ જ સિફતથી બચી ગયો હતો અને જંગલમાં નાસી છૂટ્યો હતો.
  બીજા નેસડાનો રહેવાસી જગો રબારી પણ હમીરસંગનો દોસ્ત હતો. ગીરના જંગલનો એ ભોમિયો થઈ ગયો હતો અને નેસડાઓમાં વસતા માલધારીઓને શહેરમાંથી અવનવી વસ્તુઓ લાવીને એ ભેટ આપતો અને બદલામાં પોતાનું કામ કઢાવી લેતો.
માધવસિંહ જગા રબારીની મદદથી જુનાગઢ પહોંચ્યો હતો.અને પોતાના ખાસ વકીલ દ્વારા એણે ગટોર,ભીમા અને વિભા રબારીને જમાનત પર છોડાવી લીધા હતા. વિભાને એના નેસડા તરફ વળાવીને હમીરસંગ, ગટોર અને ભીમાને લઈને ઘમુસરની તપાસ કરવા અમદાવાદ જતી બસમાં ચડ્યો હતો. ગટોર અને ભીમાએ હમીરસંગને અમારા વિશે જણાવ્યું હતું. પણ પરેશ અને રમલીને પકડવામાં જે ધોલાઈ થઈ હતી અને કેટલી મુશ્કેલીને અંતે પરેશ અને રમલીને પકડી લાવ્યા હતા તેની બિલકુલ વાત કરી નહોતી. કારણ કે આખરે એમણે એ કામ પાર પાડ્યું હતું અને એથી જ ખુશ થઈને હમીરસંગે ઇનામ આપ્યું હતું, અને મને તથા બીટીને ઊંચકી લાવવાનું કામ સોંપ્યું હતું.પણ સદનસીબે અમે આ લોકોને માધવસિંહના પંજામાં સપડાવીને છટકી ગયા હતા. જો કે હજુ અમારે પણ એક ભયંકર લડાઈ લડવાની હતી, એ વાત અમે ગીરના જંગલની એ ચેક પોસ્ટ પરથી અમદાવાદ આવવા રવાના થયા ત્યારે જાણતા નહોતા..!
 "બાપુ, ઇ છોકરા મારા હાળા ગીરના જંગલમાં ચ્યારે ટરકમાંથી ઉતરી જ્યા ઈનું અમને ઓહાંણ જ નો રિયું...."(ખ્યાલ જ ન રહ્યો) ગટોરે બીતા બીતા હમીરસંગ સાથે નજર મિલાવ્યા વગર કહ્યું અને ઉમેર્યું, " અમે નેહડે પોગ્યા તારે ખબર પડી, અટલે અમે તરત જ એમને ગોતવા પાસા જંગલમાં વિભાને લઈને જ્યા... કાં ને ભીમા.."
"હા, બાપુ અમે તમે કીધું'તું ઇ પરમાણે જ ઇ બેય સોકરાને હોટલે થી જ બેભાન કરીને ગાડીમાં ઘાલી દીધાં'તા. પણ જૂનાગઢથી તમે ગાડી લઈ નો જ્યા હોત તો ઇ બેય ઇના ભાઈબંધ ભેગા જ હોત.."ભીમાએ કહ્યું.
 હમીરસંગથી હવે આ બેઉને ગાળો દીધા સિવાય બીજું કંઈ થઈ શકે તેમ નહોતું.
*** **** *** ***
 જ્યારે હમીરસંગની આ ટોળી જૂનાગઢથી બસમાં ચડી ત્યારે કોઝી કોર્નરમાં શાંતાને ક્યાંય ચેન નહોતું. અમે હજુ કોલેજ જવાના મૂડમાં નહોતા. રૂમ નં 17માં પરેશ અને રમલીની ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પરેશની ભાળ મેળવવા જતા મારી અને બિટીની જે હાલત થઈ હતી એની વાતો બીટીએ ચગાવી ચગાવીને ગાઈ હતી, એટલે હવે કોઈ પરેશની તપાસ કરવાનું જોખમ લેવા તૈયાર નહોતું.
  બીજા દિવસે ટૂંડિયા મૂંડિયા ટી સ્ટોલ પર સવાર સવારમાં વિદ્યાર્થીઓ હજુ પણ અમને વીંટળાઈને બેઠા હતા.પરેશની ઘેર જાણ કરવાની ખાસ જરૂર હતી. દરેક જણ નવી નવી સલાહ આપતું હતું.પણ મારા આશ્ચર્ય વચ્ચે કોઈને પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ લખવાનો વિચાર આવતો નહોતો.
  આખરે અમે લોકોએ જેમ તેમ કરીને સાંજ પાડી. સાંજે છ વાગ્યે અમે લોકો ગ્રાઉન્ડમાં વોલીબોલ રમતા હતા ત્યારે ગટોર અને ભીમો બીજા પાંચ જણ સાથે ત્યાં આવી ચડ્યા. હું અને બીટી વોલીબોલ રમવા માટે બંધાયેલી નેટની પાછળની ટીમમાં હતા.અમારી સામે છ પ્લેયર રમી રહ્યા હતા અને બીજા ઘણા છોકરાઓ અમને રમતા જોવા માટે ત્યાં બેઠા હતા. કેટલાક ક્રિકેટ રમવાના હોઈ બેટ અને બોલ લઈને આંટા મારતા હતા અને શાંતા પોતાની ઓરડીની બહાર છોટુ અને ગોટુને રમાડી રહી હતી.
  "હાલો એ...ય, તમે બેય આંય આવો..." ગટોરે કોઝીના ગેટમાં અંદર આવીને રાડ પાડી.
  વોલીબોલ રમતા હતા એ અને ગ્રાઉન્ડમાં બેઠા હતા એ સૌ ગટોરની એ રાડથી હરકતમાં આવ્યા હતાં.
"આ તો આયાં ઠેઠ આવી પુગ્યા, સમીર ! હવે ?" બીટીએ ગટોર તરફ હાથ લંબાવીને મને કહ્યું. મારુ ધ્યાન તો ગટોર તરફ હતું જ. અને આગળના દિવસે  અમારી સાહસકથા બીટીએ ઉલ્લી ઉલ્લીને હોસ્ટેલમાં ચગાવી હતી.પણ એ સાહસકથાનો આગળનો ભાગ આટલો જલ્દી ચાલુ થઈ જશે એ અમે જાણતા નહોતાં.
  "ઓ હીરો.... હંભલાયું લ્યા..?" ગટોરે મારી તરફ હાથ લંબાવીને ફરી રાડ પાડી. ટ્રકમાંથી ભાગી જઈને એ લોકોની આખી યોજના ઉપર અમે જે પાણી ફેરવ્યું હતું એનો ગુસ્સો એની લાલઘુમ આંખોમાં સ્પષ્ટ જોઈ શકાતો હતો.
"કોણ હું..? તો બોસ તમે આયાં સુધી આવી ગયા એમને ! " હું ગટોર અને ભીમા તરફ આગળ વધ્યો એટલે બીટી અને હોસ્ટેલના ગ્રાઉન્ડમાં હાજર બધા જ મારી સાથે સાથે ચાલ્યા. દસ ડગલાં ચાલીને હું અને બીટી, ગટોર અને ભીમાની સામે ઊભા રહી ગયા.અમારા હોસ્ટેલિયા દોસ્તોએ ગટોર અને ભીમાને ઘેરી લીધા.
 "આ બે હરામજાદાઓ અમને પકડવા ફરીને આવ્યા છે, મારો ઠોકીના'વને..."બિટીની અંદર ન જાણે ક્યાંથી ઝનૂન પ્રગટ થયું ! એણે ભીમનો કાંઠલો પકડીને એના પેટમાં ગુસ્તો માર્યો.એ સાથે જ જાણે રણશીંગુ ફૂંકાયું હોય એમ, અમે લગભગ 20 થઈ 25 જણ ગટોર અને ભીમાં ઉપર ફરી વળ્યાં.મેં પણ ગટોરના નાક ઉપર મુક્કો માર્યો. પાછળથી બે જણાએ ગટોરના શર્ટનો કોલર પકડીને ખેંચ્યો.એ સાથે જ એનો શર્ટ ફાટી ગયો.
"તમારી માને...મૂકી દો મને..નકર જીવતા નહિ મેલું...$@#$ના'વ.."ગટોરના મોં માંથી ગાળો નીકળવા લાગી.એ સાથે જ અમે બધા એની ઉપર તૂટી પડ્યા.
ગટોર અને ભીમાએ બહુ મોટી ભૂલ કરી હતી.કોઝી કોર્નરમાં અમે સૌ વિદ્યાર્થીઓએ આ બન્નેને મારી મારીને ચીંથરે હાલ કરી મૂક્યાં. શાંતાએ દૂરથી આ તમાશો જોયો હતો.અને એ પણ અમારી સાથે જોડાઈ હતી. બન્નેની સારી એવી ધુલાઈ કરીને અને લોકો રૂમ નં 17 માં બન્નેને લાવ્યા હતા.
"બોલ, અમારું અપહરણ તમે લોકોએ શુ કામ કર્યું ? અમે તો પરેશના ગામડે જતા હતા. તમે અમારો પીછો શુ કામ કર્યો ?" મેં ગટોરને તમાચો મારીને પૂછ્યું.એટલે બીટીએ પણ એક પાટું ભીમાને મારતા પૂછ્યું, "તારી માને @#%% બોલ ઝટ.અમે તારા બાપનું શુ બગાડ્યું હતું ? અમને તારો ડોહો ઓલ્યો સિંહ ખાઈ ગ્યો હોત તો ?" 
 બીજા વિદ્યાર્થીઓએ પણ ફરી મારવાનું ચાલુ કર્યું. બધાને મારવાની મઝા આવતી હતી.મેં એ લોકોને રોકતા કહ્યું, "અલ્યા બસ કરો હવે. આ હાળા મરી જાશે તો આપણે સલવાઈ જશું.મને પૂછવા તો દો.."
પછી ગટરના ખુલ્લા ખભા પર મેં બુટ પહેરેલો પગ મૂક્યો, " ચાલ ભઈ બોલવા માંડ..નકર પોલીસને ફોન કરું છું..."
 એ લાલઘૂમ આંખોથી મને ઘુરકી રહ્યો. એના ખભા પરથી મારો પગ હતાવતા એ બોલ્યો "જેટલો મારવો હોય એટલો મારી લે..હું તારા કોઈ પર્સનનો (પ્રશ્નનો) જવાબ દેવાનો નથી.અમે પોલીસના ડંડા ખાઈને પણ મોઢું ખોલતા નથ તો તમે શું પુસી લેવાના ? એકવાર અમે આંયથી જાવી પસી જોઈ લેજો..એક એકને વીણી વીણી ને ટાંટિયા નો ભાંગી નાખું તો સમજજો કે હું કૂતરીને ધાવ્યો'તો...અતાર તમે હંધાય ભેગા થઈને મારી નાખો મને.. જીવતો જાવ દેશો તો પસ્તાશો.." 
  ગટોરે અમને બીવડાવવા કહ્યું. પણ એની વાત સાંભળીને મને ખુબ ગુસ્સો આવતો હતો. મેં એના વાળ પકડીને એનું માથું કોટના પાયા સાથે ભટકાડ્યું , " તારી જાતનો #@$# મારું.. તું શું સમજે છે અમને...તને પોપટની જેમ બોલતો કરું છું જો હમણે..." એને મેં ભીમાને હાથ પર લીધો.
  ભીમો ગટોર જેટલો હિમતવાળો નહોતો.એની આંખોમાં અમે ડર જોઈ શકતા હતા.અને એ બે હાથ જોડીને "ભઈ મારશો નઈ, અમને....જાવા દયો બાપુ...હવે આયાં કોય દી.. નય આવવી.."એમ કરગરતો હતો. 
 "હાલ્ય એઇ તારું નામ બતાવ..'' મેં ભીમાને પૂછ્યું એટલે એણે ગટોર સામે જોયું.બીટીએ તરત જ એને ઝાપટ મારી, "એની સામું જોયા વગર તારો આ બાપ પૂછે ઇનો જવાબ દે ને...નકર હમણાં ..."
"મારું નામ ભીમો સે..ભૈશાબ જાવ દયો...મારશો નઈ.."
"તો તારું નામ ગટોર..બરોબર ? "મેં ગટોરને કહ્યું. બોલો હરામીનાવ  અમારો ભાઈબંધ અને ઓલ્યા વાલમસિંહની છોકરી ક્યાં છે..?"
"અમને નથી ખબર ભાઈ..અમે કોઈને નથી ઓળખાતા..અમને જાવા દયો...." ભીમો રડમસ અવાજે કરગરી પડ્યો 
"તો તમે લોકો અમને ઘેનવાળો નાસ્તો કરાવીને શુ કામ ઉપાડી ગ્યા'તા ઇ તો તને ખબર જ હશે ને.." મેં ખિજાઇને કહ્યું.
"ભાઈ શાબ હું તો આ ગટોરનો માણસ છું, મને નો મારશો..હું તો આ ગટોર જે કામ સોંપે ઇ કરું છું..મને ઇ પૈસા આપે છે.." ભીમાએ ફરી હાથ જોડ્યા. વળી બીટી એને પીઠમાં પાટું મારી તાડુંક્યો, "પૈસા હાટુ તમે તમારી માં ને'ય વેચી આવો ને ? @#$ના'વ અમે તમારા બાપનું શુ બગાડ્યું હતું તે અમને ગીરના જંગલમાં લઈ જાતા'તા તમે ? બોલ એઇ કુતરીના પેટના..."બીટીએ ગટોરને લાફો ઝીક્યો.
  ઘણી બધી મારપીટ કરવા છતાં ગટોર એક શબ્દ પણ બોલ્યો નહીં.એ બન્નેને અમે મારી મારીને થાકી ગયા.પણ ગટોરે કહ્યું હતું એ પ્રમાણે એણે અમને એક શબ્દ પણ કહ્યો નહીં. હવે અમારે એ લોકોનું શુ કરવું એ અમને સમજાતું નહોતું.આખરે અમે બધાએ હોસ્ટેલમાં ચોરી કરવા આવેલા ચોર તરીકે પકડાવી દેવા પોલીસને બોલાવવાનો નિર્ણય કર્યો.પણ મારું મન આમ સાવ મફતમાં આ લોકોને જવા દેવા તૈયાર નહોતું. એટલે મેં બીટીને કહ્યું કે આપણે આ બેય પાસેથી માહિતી તો કઢાવવી જ પડે કે શું કામ આપણું અપહરણ આ લોકોએ કર્યું. બીટી અને બીજા દોસ્તો પણ આ બાબતે સંમત થયા.અને અમે ગટોર અને ભીમાને રૂમ નં 17 ની અંદર આવેલા પેટા રૂમમાં બંધક બનાવીને પુરી દીધા.
 ** **     ***** ****
  શાંતાએ મોકલેલો સંદેશો વાલમસિંહને મળ્યો ત્યારે એ લોકો જામનગર જિલ્લાના કોઈ ગામડાની સીમમાં આવેલી રુપસિંહની વાડીમાં ઘમુસરની ચામડી ઉતરડી રહ્યા હતા.ડીકીમાંથી જ્યારે ઘમુસરને બહાર કાઢવામાં આવ્યા ત્યારે એ લગભગ બેહોશ થઈ ગયા હતા.એના હાથપગ છોડીને એને ખાવાનું આપવાની દયા પણ કરવામાં આવી હતી.
 વાલમસિંહ ઘમુસરને ખૂબ રિબાવવા ઇચ્છતો હતો. આને વિરસિંહ તથા રૂપસિંહ ઘમુસરનું ચેપટર ક્લોઝ કરીને અમદાવાદ જવા માંગતા હતા. ઘમુસર હવે એક પણ શબ્દ બોલતા નહોતા.એમને ખ્યાલ આવી ગયો હતો કે દયાની ભીખ માંગવાનો હવે કોઈ અર્થ નથી.પોતે વાલમસિંહ સાથે જે કર્યું એનો બદલો ચૂકવવા સિવાય છૂટકો નહોતો એ વાત ઘમુસર બરાબર સમજતા હતા.
અમદાવાદથી શાંતાનો સંદેશો લઈને જે માણસ આવ્યો હતો એ વિરસિંહનો ખાસ માણસ હતો. એને જ્યારે વાલમસિંહને સંદેશો આપ્યો કે રમલી ગુમ થઈ ગઈ છે ત્યારે એ ઘમુસર પર તૂટી પડ્યો હતો. વાલમસિંહના મારથી આખરે ઘમુસરે મોં ખોલ્યું હતું અને પોતે જ હમીરસંગ દ્વારા રમલીને ઉઠાવી હોવાનું કબુલ્યું હતું અને ગીરના જંગલમાં જગા રબારીના નેસડામાં સાચવવાનું કહ્યું હતું.અને આગળ શુ કરવું એ સૂચના આપ્યા પહેલા જ ઘમુસરને વાલમસિંહે ઉઠાવી લીધા એટલે અત્યારે હમીરસંગે રમલીનું શુ કર્યું એની એને ખબર ન હોવાનું જણાવીને ઘમુસર બેહોશ થઈ ગયા હતા.
 હવે વાલમસિંહને ગીરના જંગલમાં જગા રબારીના નેસડે જ જવું પડે એમ હતું. રમલી સાથે પરેશ હોવાથી એને પણ ઉપાડી લેવામાં આવ્યો હતો એ વાતની ખબર ઘમુસરને પણ નહોતી. ઘમુસરને ફરીવાર ડીકીમાં ઘુસાડીને વિરસિંહે રેડ ફિયાટ સાસણ ગીર તરફ હંકારી મૂકી. 
 "આપણે અમદાવાદ જવું પડશે..વિરસિંહ, તારી ભાભી અને છોકરાઓને સલામત ઠેકાણે પહોંચાડવા પડશે...." વાલમસિંહે વિરસિંહને કહ્યું. પણ જામનગરથી ગીરમાં જવું સરળ હતું, જ્યારે અમદાવાદ જવામાં ખૂબ મોટો ધક્કો પડે એમ હતું.વાલમસિંહ પણ એ જાણતો હતો.આખરે જે માણસ શાંતાનો સંદેશો લાવ્યો હતો એને જ અમદાવાદ પાછો મોકલવામાં આવ્યો, શાંતા અને બાળકોને સલામત સ્થળે પહોંચાડવાની જવાબદારી સોંપીને.
 જો વાલમસિંહ તે દિવસે સીધો ગીરમાં જવાને બદલે અમદાવાદ આવ્યો હોત તો કોઝીમાં જ એનો ભેટો ગટોર અને ભીમા સાથે થઈ જાત. અને અમે લોકો એ બન્ને હરામખોરો, વાલમસિંહને સોંપી દેત.
તો એક ભયાનક લડાઈ અમારે લડવી ન પડી હોત. પણ જે બનવાનું હોય છે એ કદાચ પૂર્વ નિર્ધારિત હોતું હશે !!
(ક્રમશ :)

વાચકમિત્રો, આ પ્રકરણ માટે આપ સૌને ખૂબ જ રાહ જોવડાવવા બદલ ક્ષમા યાચું છું. કામની અતિ વ્યસ્તતાને કારણે મને બિલકુલ સમય મળતો નહીં હોવાથી આમ બન્યું છે.હવે પછીની નવલકથામાં હું આગળથી જ પાંચ પ્રકરણ લખી રાખીશ, જેથી આપને નિયમિત રીતે વાર્તા વાંચવા મળતી રહે. આપ સૌ મિત્રોનો હૃદયપૂર્વક આભાર સહ..

ભરત ચકલાસિયા.