સિને-GRAM - જયદેવ પુરોહિત
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~
KABIR SINGH : તેરા હી ખયાલ આયે
"કબીરની પડે એન્ટરી..." ધુમાડા ઉડાવતો કબીર જ્યાં દરવાજો ખોલે ત્યાં તો આખું સિનેમા સિટીઓથી ગર્જી ઉઠે. જમાવટ બોસ. ઘણા ઘણા સમયબાદ આવું મજેદાર, મસાલેદાર ફિલ્મ આવ્યું કે જેનો નશો વ્યક્તિ પર હાવી થઈ જાય. ઘણા તો એટલા કેફીયતમાં ગળાડૂબ છે કે કબીર સિંહને એક સમાજ-સુધારક ફિલ્મ માની એમના વિપક્ષી બની બેઠા.
અરે ભાઈ, ફિલ્મો જોવાની હોય, માણવાની હોય, કઈક ગમી જાય તો અપનાવો, ન ગમે તો જોઈને ભૂલી જાઓ. ઈન શોર્ટ, દરેક ફિલ્મ આત્મસાત કરવાની ન હોય. મનોરંજનનો ટેસડો થતો હોય ત્યાં મગજભંજન ન થવા દેવાય. ખેર જવા દો.. આપણે તો કબીર સિંહની વાતો કરીએ..
જેણે કબીર સિંહ જોયું હશે એમના મન-તનમાં હજી એનો કેફ ઉતર્યો નહિ હોય. એવી નશીલી ફિલ્મ છે. નિર્માતા સંદીપ વાંગાએ પોતાની જ તેલુગુ ફિલ્મની નકલ(રિમેક) કરી પણ અક્કલ સાથે કરી. શાહિદને કબીર સિંહ દેખાડવા કાયદેસરનો નીચવ્યો હશે. સ્ક્રીપ્ટ તૈયાર હતી માત્ર હિન્દીમાં જ દેખાડવાની હતી. ફિલ્મનો પહેલો સીન કબીર અને પ્રીતિ દરિયા કિનારે પલંગ પર અર્ધનગ્ન પ્રેમાસનમાં સૂતા હોય અને બેકગ્રાઉન્ડમાં ખુશરો અને કબીરના દુહા સંભળાય ત્યારથી જ ફિલ્મ દર્શકને પકડી લે છે. અને છેલ્લે પાછો એજ સીન ન આવે ત્યાં સુધી કેદ રાખે છે. એજ તો છે એક સક્સેસ ફિલ્મની રેસિપી.
કિઆરા અડવાણી ઉર્ફે પ્રીતિએ લાજવાબ રોલ સ્વીકાર્યો છે. જે રોલ 'તેરે નામ' ફિલ્મમાં ભૂમિકા ચાવલાએ કર્યો હતો, બસ કઈક એને લગતો જ રોલ અહીં છે. આંખોના હાવભાવથી જ દિલ જીતી લે છે. કબીર તો પાગલપ્રેમી બની જાય છે. બન્ને પાત્ર લિજ્જતદાર છે.
"અગર તુમ મિલ જાઓ, જમાના છોડ દેન્ગે હમ..." આ ગીતને કબીર સિંહ ફિલ્મમાં અનુભવે છે. "પ્યાર કીયા તો ડરના ક્યાં" કબીર આજ એટીટ્યુડમાં પ્રીતિને બેશુમાર ચાહે છે. અને પ્રીતિના મેરેજ પછી એમને ઝંખે છે. એક સર્જન(કબીર) પ્રેમ વિયોગમાં જાતને વિસર્જન કરવા મથ્યો હોય છે અને એમનો શ્વાસ સમાન મિત્ર શિવા એમને દરેક અવસ્થામાં ઓક્સીઝન પૂરું પાડે છે.
મિત્રતા નિભાવવાની પરાકાષ્ઠા તો ત્યારે અનુભવાય જ્યારે શિવા કબીરને કહે છે કે "મારી બેન સાથે મેરેજ કરી લે.. એ તને ખૂબ ચાહે છે.." અને કબીર મગજનો ફાટેલ ભલે હોય પણ એમનો જવાબ હતો "હું.. તારી બેન માટે યોગ્ય નથી...". કબીરને આખા ફિલ્મમાં પ્રેમનો એડિકટ, બીડી/સિગારેટનો એડિકટ અને શરાબ પર તો એ જીવતો રહ્યો હોય એવો નિરૂપાયો છે. થોડું મિસ-મેચિંગ લાગે એવું પાત્ર એટલે કબીર, કેમ કે, કોલેજમાં ટોપર, એક સફળ શરાબી સર્જન, કોલેજમાં પાછો બધાનો બાપ, જે દિલમાં છે એજ હોઠ પર, સચ્ચાઈનો વ્યસની, જિદ્દી લવર, મગજ થોડો સટકેલો(સાયકો ટાઈપ), પોતાની દાદીને વ્હાલો, પ્રેમ માટે પરિવાર સામે યોધ્ધો, જોઈએ એટલે કોઈપણ તકલીફે એ જોઈએ એવો પાગલપ્રેમી. અને ડાયરેકટરે કબીરના બધા જ સીનમાં હ્યુમર ઉમેર્યુ છે.
અંતરાલ(ઈન્ટરવલ) બાદ ફિલ્મ થોડું ખેંચાયું હોય એવું લાગશે, કેમ કે પ્રીતિનું પાત્ર કપાયું છે. છેલ્લે ક્લાઈમેક્સમાં જ ગર્ભવતી પ્રીતિ નજરે પડે છે, જો વચ્ચે એમના થોડા સીન ઉમેર્યા હોત અને કબીરની સ્વ-ઘાતી જિંદગી થોડી કટ કરી હોત તો વધુ જલસો થાત. પણ જે છે એ કંટાળાજનક તો નથી જ.
કોલેજમાં પ્રેમ, કામવાળી પાછળ ભાગવું, શિવા સાથેની દોસ્તી, પરિવાર સાથે રકઝક, પ્રીતિના ઘરે હાથ માંગવા સિંહની જેમ દહાડવું, દારૂનો અતિરેક, પ્રીતિના ચુંબનો, પ્રીતિનો વિરહ, પ્રોફેશનમાં એક સર્જન, અગ્રેશનનો માલિક, થોડી તોછડાય પણ દિલમાં સચ્ચાઈ, ફરી પ્રીતિને મળવું, પરિવારોનું માની જવું, દાદીનું મરવું અને છેલ્લે કબીર અને પ્રીતિના પ્રેમનું સર્ટિફિકેટ એટલે એમના બાળકનો સીન... ખરેખર યે કહાની ફિલ્મી હૈ... ઇસે ફિલ્મી હી રહેને દો...!!
લોકો શું કહે છે એ વિચાર્યા વિના ફિલ્મોના શોખીન હોવ તો "કબીર સિંહ" જોઈ જ લો. કબીર સિંહમાં ચુંબનો સિવાય કોઈ અશ્લીલ સીન નથી. વાર્તા અનોખી છે એટલે ઘણાને પેટમાં ઉતરતા વાર લાગશે. પ્રીતિને મેળવવામાં કબીર શરાબી બની જાય છે વ્યભિચારી નહિ. અને પોતાના પ્રેમ માટે આખી જિંદગી રાહ જોવા તૈયાર છે. થોડા પૈઈન હૈ, થોડા પેશન હૈ.. ઔર ફિલ્મમેં બહુત અગ્રેશન હૈ...!!
ફિલ્મના ગીતો અને ફિલ્મનું સંગીત હોઠે ચોંટી જાય એવું મીઠું છે. બધા ગીતો રંગીન છે. "યે આયના હૈ યા તું હૈ...", "બેખયાલીમે ભી તેરા હી ખયાલ આયે..." ફૂલ પેકેજ ફિલ્મ છે.
"જો લવ અને વૉરમાં બધું જ શક્ય હોય તો આ સ્ટોરી ખોટી નથી." શાહિદ અને કિઆરા અડવાણીની બૉલીવુડ સફર અહીંથી ઉડાન ભરે તો નવાય નહિ કેમ કે અભિનય અવ્વલ દર્જાનો પીરસ્યો છે.
કબીર સિંહ જેવા પાગલપ્રેમીઓની સ્ટોરી હંમેશા હિટ રહી છે, ઈતિહાસ ગવાહ હૈ. ચલો બસ, હવે જોઈ આવો નહિ તો મેં બધું કહી જ દીધું છે. અને અંતે...
"બધા ફિલ્મોને આત્મસાત કરવાના ન હોય..આત્મ-રંજન કરી શકીએ છીએ."
- જયદેવ પુરોહિત