Once Upon a Time - 20 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 20

Featured Books
Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 20

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 20

બડા રાજનની ગર્લફ્રેન્ડ સુચિત્રા ડેરડેવિલ ગણાતા ગેંગસ્ટર અબ્દુલ કુંજુ તરફ આકર્ષાઈ હતી અને બંને પરણી ગયા હતાં. ઉશ્કેરાયેલા બડા રાજને સુચિત્રાનું અપહરણ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. અને એ અપહરણના પ્રયાસની ફરિયાદ મુંબઈના તિલકનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. એ યુવતી સુચિત્રાને કારણે બડા રાજન અને અબ્દુલ કુંજુ વચ્ચે દુશ્મની થઈ ગઈ હતી. એ વખતે અબ્દુલ કુંજુ સામે બે મર્ડર કેસ ચાલી રહ્યા હતા. અને એને નૅશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ આર્થર રોડ જેલમાં પૂરી દેવાયો હતો. આલમઝેબ અને સમદના બીજા સાથીદારો આર્થર રોડ જેલ તોડીને ભાગ્યા ત્યારે અબ્દુલ કુંજુ પણ એમની સાથે ભાગ્યો હતો.

અમીરજાદાના ખૂન પછી અબ્દુલ કુંજુની બડા રાજન સાથેની દુશ્મનીનો ફાયદો ઉઠાવવાનો આઈડિયા આલમઝેબને આવ્યો હતો.

***

મુંબઈની કુર્લા મેટ્રોપોલિટન કોર્ટમાં અંડરવર્લ્ડના એક રીઢા ખેલાડીને હાજર કરવામાં આવ્યો હતો. થોડા દિવસ અગાઉ અમીરજાદાને કોર્ટરૂમમાં ઢાળી દેવાયો હતો. એ ઘટનાનું પુનરાવર્તન કોઈ આ કોર્ટમાં તો નહીં કરે ને એવો ઉચાટ એની આંખોમાં વંચાઈ રહ્યો હતો. કુર્લા કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે ૧૪ દિવસ પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ ફરમાવ્યો. પોલીસ ટીમ અંડરવર્લ્ડના એ ગુંડા સરદારને લઈને કોર્ટરૂમની બહાર આવી ત્યારે ભારે ભીડ જામી હતી.

કોર્ટરૂમમાં કંઈ નવાજૂની ન થઈ એટલે થોડી નિરાંત અનુભવતો માફિયા સરદાર પોલીસ ટીમની સાથે કોર્ટની બહાર ઊભેલી પોલીસ વેન તરફ જઈ રહ્યો હતો. બે પોલીસ કર્મચારી લાઠીની મદદથી ભીડ વચ્ચે રસ્તો કરતા આગળ ચાલી રહ્યા હતા. એ વખતે એક યુવાન નેવી ઑફિસર એ ભીડમાં ઊભો હતો. જેવો માફિયા સરદાર એની પાસેથી પસાર થયો એ સાથે એણે રિવોલ્વર કાઢીને એના લમણે મૂકી દીધી અને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી છ ગોળી માફિયા સરદારના લમણામાં ઉતારી દીધી અને પોલીસ કર્મચારીઓ હતપ્રભ બનીને જોઈ રહ્યા. ગુંડા સરદારને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ દેનારો એ યુવાન નેવીનો ઓફિસર નહીં, પણ નેવી ઓફિસરનો સ્વાંગ સજીને આવેલો એક મામૂલી રિક્ષા ડ્રાઈવર હતો એવી પોલીસને થોડી મિનિટોમાં ખબર પડી ગઈ હતી.’

અમારા પોલીસ ઓફિસર મિત્રએ પણ પપ્પુ ટકલાની જેમ જ સસ્પેન્સફુલ લેન્ગવેજમાં અંડરવર્લ્ડનો ઉપરનો એપિસોડ કહીને અમારી રજા લીધી. એમને એક અગત્યની મિટીંગમાં જવાનું હતું.

પપ્પુ ટકલા પાસેથી આગળની વાત સાંભળવા અમે આતુર હતા, પણ એણે એની ચળકતી ટાલ ઉપર હાથ ફેરવીને મોટું બગાસું ખાધું અને કહ્યું, ‘આપણે આગળની વાત કાલે પૂરી કરીએ તો કેવું રહેશે?’

આ રીતે અધુરી વાત મૂકીને પપ્પુ ટક્લાએ અમને રવાના કરી દીધા એટલે મનોમન તો અમે એને ચોપડાવી પણ એના મૂડ પ્રમાણે વર્ત્યા વિના બીજો કોઈ છૂટકો નહોતો.

‘ઓકે. કાલ ઉપર રાખીએ,’ અમે કહ્યું અને અમે છૂટા પડ્યા.

***

બીજા દિવસે મોડી સાંજે અમે પપ્પુ ટકલાને ફરી વાર મળ્યા.

પપ્પુ ટક્લા અને પોલીસ ઑફિસર મિત્રએ અંડરવર્લ્ડની ગેંગવોર વિશે તમામ માહિતી આપવાનું પ્રોમિસ આપતી વેળા સામે અમારી પાસેથી એવું પ્રોમિસ લીધું હતું કે એમના સાચા નામ અમે વાચકો સામે નહીં મૂકીએ.

ફાઈવફાઈવફાઈવ સિગરેટનું પૅકેટ ખોલીને એમાંથી એક સિગરેટ સળગાવીને ઊંડો કશ ખેંચ્યા પછી હોઠો વચ્ચેથી વર્તુળાકારે ધુમાડો છોડ્યા પછી બ્લૅક લેબલનો મોટો ઘૂંટ પીને પપ્પુ ટકલાએ વાતનો દોર સાધતા પૂછ્યું કે ‘આપણે ક્યાં પહોંચ્યા હતા?’

જો કે પછી તેણે તેની આદત પ્રમાણે અમારો જવાબ સાંભળ્યા વિના જ વાત આગળ ધપાવી દીધી:

‘કુર્લા મેટ્રોપોલિટન કોર્ટમાં ગોળીએ દેવાયેલો એ માફિયા સરદાર રાજન નાયર ઉર્ફે બડા રાજન હતો...’

તેણે ધડાધડ માહિતી આપવા માંડી.

***

બડા રાજનને અવ્વલ મંઝીલે પહોંચાડવાનું કામ અબ્દુલ કુંજુએ હોંશે હોંશે સંભાળી લીધું હતું. એણે એક રિક્ષા ડ્રાઈવર ચંદ્રશેખર સફલિકાને પકડ્યો હતો. ચંદ્રશેખર સફલિકા ડેવિડ પરદેશી જેવો જ યુવાન હતો. સુકલકડી ચંદ્રશેખર સફલિકા પૈસાની લાલચમાં બડા રાજનની હત્યા કરવા તૈયાર થઈ ગયો હતો. અને બડા રાજનને કુર્લા મેટ્રોપોલિટન કોર્ટમાં મેજિસ્ટ્રેટ સામે રજૂ કરીને પોલીસ લોકઅપમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે ચંદ્રશેખર સફલિકાએ એને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી શૂટ કરી દીધો હતો.

બડા રાજનના ખૂન પછી થોડા દિવસોમાં જ અંડરવર્લ્ડની ગૅન્ગવોર ભયંકર લોહિયાળ બની ગઈ હતી.

***

‘ભાઈ, આલમઝેબ ઔર સમદ ને કુર્લા કોર્ટ મેં બડા રાજન કો ખતમ કરવા દિયા.’

એક ગુંડો એના બોસને ફોન પર કહી રહ્યો હતો.

મુંબઈના માટુંગા વિસ્તારમાં પોતાના બંગલોના વિશાળ લિવિંગ રૂમમાં ફોન પર વાત કરી રહેલા ખતરનાક ગેંગલીડરના ચહેરા પરના હાવભાવ એ સમાચાર સાંભળીને બદલાઈ ગયા. તેણે ઝીણવટપૂર્વક બધી માહિતી જાણીને રિસીવર ક્રેડલ ઉપર મૂક્યું. તેના ચહેરા પર ચિંતા અને ઉચાટની રેખા ઉપસી આવી હતી.

‘ક્યા હુઆ ભાઈ?’ તેની સામે બેઠેલા તેના એક ખાસ માણસે પૂછ્યું.

‘અપના દોસ્ત મારા ગયા.’ ગેંગલીડરે કહ્યું અને તે પોતાનો જમણો હાથ માથા ઉપર મૂકીને કંઈક વિચારવા લાગ્યો.

એ મુંબઈના માટુંગા, સાયન, એન્ટોપ હિલ એરિયાનો ડોન વરદરાજન મુદલિયાર હતો. ચેમ્બુરના ડોન અને કોન્ટ્રૅક્ટ કિલર બડા રાજનની હત્યાથી દાઉદ ઈબ્રાહિમની સાથે એને પણ જબરજસ્ત આંચકો લાગ્યો હતો.

અંડરવર્લ્ડનો ઈતિહાસ કહી રહેલા પપ્પુ ટકલાએ વચ્ચે અટકીને ફાઈવફાઈવફાઈવ સિગરેટનું નવું પેકેટ ખોલ્યું. આ ચેઈન સ્મોકર માણસ પોલીસની કે અંડરવર્લ્ડના શૂટર્સની ગોળીથી મરતા તો બચી ગયો, પણ કદાચ કેન્સરથી મરી જશે, અમારા મનમાં વિચાર ઝબકી ગયો!

પપ્પુ ટકલાએ નવી ફાઈવફાઈવફાઈવ સળગાવીને વાત આગળ ધપાવી: ‘આ દરમિયાન 24 સપ્ટેમ્બર, 1984ના દિવસે એક એવી ઘટના બની જેની દાઉદે સપનામાં ય કલ્પના કરી નહોતી!

(ક્રમશ:)