Lime Light - 23 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | લાઇમ લાઇટ - ૨૩

Featured Books
Categories
Share

લાઇમ લાઇટ - ૨૩

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૨૩

"લાઇમ લાઇટ" વિશે જ્યાં પણ અહેવાલ કે નાના-મોટા સમાચાર હતા એ પ્રકાશચંદ્ર માટે ખતરાની ઘંટડી જેવા હતા. ટ્રેડ એનાલિસ્ટ તરુણકુમારનો અહેવાલ સાચો માનવામાં આવતો હતો. અને તેમણે જાહેર કરી દીધું હતું કે ફિલ્મ દર્શકોને પસંદ આવી નથી. પ્રકાશચંદ્ર માટે આ વાત મોટા આંચકા સમાન હતી. આ ફિલ્મ માટે તે પોતાનું બધું જ દાવ પર લગાવી ચૂક્યા હતા. "લાઇમ લાઇટ" ફિલ્મની નિષ્ફળતાનો દીવા જેવો સ્પષ્ટ પુરાવો મળી ચૂક્યો હતો. એમને છાતીમાં કંઇક થયું અને એ ઢળી પડ્યા. બીજા રૂમમાં એમની જેમ જ ફિલ્મ વિશે વિચારતી કામિનીને ખબર જ ન હતી કે પ્રકાશચંદ્ર પડી ગયા છે. થોડીવારે પ્રકાશચંદ્રના મોબાઇલની રીંગ રણકવા લાગી. એક પછી એક લેણદારના ફોન આવવા લાગ્યા.

અચાનક એક વખત કામિનીને લાગ્યું કે ક્યાંક મોબાઇલની રીંગ વાગી રહી છે. તેને પ્રકાશચંદ્રના રૂમમાંથી જ અવાજ આવતો લાગ્યો. ઘણીવાર સુધી રીંગ વાગતી રહી અને ફરીફરી રીંગ વાગતી રહી એટલે ભય અને શંકા સાથે તે પ્રકાશચંદ્રના રૂમમાં દોડી ગઇ. જોયું તો પતિ પ્રકાશચંદ્ર જમીન પર ચત્તાપાટ પડ્યા હતા. તેમના હાથની બાજુમાં પડેલો મોબાઇલ સતત રણકી રહ્યો હતો. કામિનીએ તરત જ ઇમરજન્સી એમ્બ્યુલન્સને ફોન જોડ્યો. દસ મિનિટમાં એમ્બ્યુલન્સ આવી પહોંચી. અને ડોક્ટરે પ્રકાશચંદ્રને એમ્બ્યુલન્સમાં સારવાર આપવાનું શરૂ કરી દીધું. બેહોશીમાં સરી પડેલા પ્રકાશચંદ્ર ધીમે ધીમે ભાનમાં આવ્યા. તેમને થોડા સ્વસ્થ જોઇ ડોક્ટરે તપાસીને કહ્યું:"ચાલો, હવે બહુ વાંધો નથી. હોસ્પિટલાઇઝ કરવાની જરૂર જણાતી નથી. બે દિવસ આરામ કરશો તો સારું થઇ જશે. બીપી વધી જવાથી બેહોશ થઇ ગયા હતા...હમણાં ઉંઘનું ઇન્જેક્શન આપ્યું છે. આરામ થઇ જશે."

પ્રકાશચંદ્રને ઘરમાં સૂવડાવી ડોક્ટર રવાના થઇ ગયા. કામિનીએ પૂછ્યું:"પ્રકાશ, શું થયું હતું? મને બૂમ તો પાડવી હતી...."

"આ... ફિલ્મનું ટેન્શન બીજું શું? પહેલા જ દિવસે ફ્લોપ જાહેર થઇ ગઇ. આપણે બરબાદ થઇ જઇશું કામિની... લોકોને પૈસા કેવી રીતે ચૂકવીશું?" પ્રકાશચંદ્રની જીભ લથડતી હતી.

"તમે ચિંતા ના કરો. કોઇને કોઇ રીતે વ્યવસ્થા થઇ જશે....તમે હમણાં મગજ શાંત રાખી આરામ કરો." કામિનીએ સાંત્વના આપી. પણ એના દિલની ધડકન વધી ગઇ હતી. તેણે જેમની જેમની પાસેથી ઉધાર લીધું હતું એ ચૂકવવાનું હતું.

"એમ બોલવાથી બધું સારું થઇ જતું નથી...મારી મોટી ભૂલ હતી. મારે આ પ્રયોગ કરવાની જરૂર ન હતી..."

"પ્રયોગ તો તમે રસીલી પર કર્યો હતો. બાકી કોઇ વાંધો આવ્યો ન હોત...." કામિનીને બોલવાનું મન થઇ ગયું. તેણે પોતાના ગુસ્સા પર કાબૂ જાળવ્યો. તેણે ફિલ્મ સાથે સંકળાયેલા ઘણા સમાચારમાં અને રીવ્યુમાં ટીકા વાંચી હતી કે પ્રકાશચંદ્રનું ધ્યાન રસીલીની જવાનીને એન્કેશ કરવા પર વધારે હતું. બંનેના અંતરંગ સંબંધોની ચાલતી અફવાઓ તેણે ગોસીપ કોલમોમાં વાંચી હતી. બધું ફિલ્મની પબ્લિસીટી સુધી બરાબર હતું. હવે અંગત બની ગયું એ વાતનો ખટકો હતો. કામિની જાત પર સંયમ રાખી તેમનો મોબાઇલ લઇ ધીમેથી ઊભી થઇ અને લાઇટ બંધ કરી બોલી:"તમે અત્યારે સૂઇ જાવ....આપણે પછી વાત કરીશું...."

કામિની બહાર આવી વિચારવા લાગી. આર્ટ ફિલ્મોના નિર્માણમાં શું વાંધો હતો? ખોટો કમર્શિયલ ફિલ્મનો મોહ કર્યો. તે મોબાઇલમાં "લાઇમ લાઇટ" વિશે વાંચવા લાગી. ત્યાં મોબાઇલની રીંગ રણકી. કામિનીએ ફોનને સાયલંટ કરી દીધો. પણ મોબાઇલ સ્ક્રીન પરનું નામ વાંચી તે ચમકી.

*

રસીલી સવારથી જ "લાઇમ લાઇટ" ના કલેક્શનના આંકડા જાહેર થવાની રાહ જોઇ રહી હતી. રસીલીને થતું હતું કે ફિલ્મને સારું ઓપનિંગ મળશે. પણ જ્યારે આંકડા નિરાશાજનક હોવાના સમાચાર શરૂ થઇ ગયા ત્યારે તેને પ્રકાશચંદ્રની ચિંતા સતાવવા લાગી. તેને ખબર હતી કે આ ફિલ્મની નિષ્ફળતાથી તેની કારકિર્દીને કોઇ અસર થવાની ન હતી. પોતાની જવાની અને રૂપની માયાજાળમાં તેણે ઘણાને લપેટી લીધા હતા. અને નવા નવા હજુ લપેટાવા આવી રહ્યા હતા. રસીલીને ખબર ન હતી કે સાકીર ખાને પ્રકાશચંદ્ર સાથે બદલો લેવા તેની સાથે ફિલ્મ સાઇન કરી હતી. અને એ બહાને તેનો ઉપભોગ કરવાનો હતો. જ્યારે અજ્ઞયકુમારે સાકીર ખાનને જવાબ આપવા રસીલી સાથે ફિલ્મ સાઇન કરી હતી. એક સમય હતો જ્યારે અજ્ઞયકુમારનો ડંકો સાકીર જેટલો વાગતો ન હતો. ત્યારે સાકીરે અજ્ઞયકુમાર સાથે ફિલ્મો સાઇન કરનાર બે નવી છોકરીઓને પોતાની ફિલ્મમાં સાઇન કરી તેને ઝટકો આપ્યો હતો. ત્યારથી અજ્ઞયકુમારે નક્કી કર્યું હતું કે તે પણ સાકીર જે નવી હીરોઇનને સાઇન કરશે તેની સાથે ફિલ્મ કરશે અને પોતાની ફિલ્મ તેનાથી વહેલી રજૂ કરશે. "લાઇમ લાઇટ" ને કારણે અજ્ઞયકુમારે તેને સાઇન કરી હોવાનું માનતી રસીલી અજ્ઞયકુમારની સામાજિક ફિલ્મોથી પ્રભાવિત હતી. "પતિ, પત્ની ઔર મોબાઇલ" માં રસીલી પત્નીની ભૂમિકામાં બંધબેસતી હોવાથી પણ અજ્ઞયકુમારે તેનો આગ્રહ રાખ્યો હતો. રસીલી સાકીર અને અજ્ઞયકુમાર જેવા સુપરસ્ટાર સાથેની ફિલ્મો મેળવ્યા પછી હવામાં ઉડવા લાગી ન હતી. તે સાવચેતીથી આગળ વધવા માગતી હતી. અજ્ઞકુમાર સાથેની ફિલ્મમાં સાડી પહેરીને તે સેક્સી ફિલ્મો જ કરતી હોવાની છાપ ઓછી કરવા માગતી હતી. તેને આઇટમ ગીત માટે ઘણી ઓફર આવી રહી હતી. તેણે પ્રકાશચંદ્ર સાથેના કરારનું પણ પાલન કરવાનું હતું. પ્રકાશચંદ્ર "લાઇમ લાઇટ" પીટાયા પછી હવે બીજી ફિલ્મ બનાવી શકશે કે કેમ એ વિશે રસીલી ચોક્કસ ન હતી. તેણે પ્રકાશચંદ્રને ફોન કરવાનો ઘણી વખત પ્રયત્ન કર્યો. રીંગ જતી હતી પણ એ ઉપાડતા ન હતા. તેને પ્રકાશચંદ્રની ચિંતા સતાવવા લાગી. તે તેમના ઘરે જવા તૈયાર થઇ. પણ પછી કંઇક વિચાર કરીને માંડી વાળ્યું. થોડીવાર પછી તેણે બ્રેકીંગ ન્યુઝ વાંચ્યા. "લાઇમ લાઇટ" ના ડાયરેક્ટરની તબિયત લથડી. ફિલ્મના નબળા કલેક્શનને કારણે તબિયત બગડી હોવાની ચર્ચા. રસીલીથી હવે રહેવાયું નહીં. જતાં પહેલાં તેણે ફરી એક વખત પ્રકાશચંદ્રના મોબાઇલ પર રીંગ કરી.

પ્રકાશચંદ્રએ રસીલીનો નંબર સેવ કર્યો ન હતો પણ ટ્રુકોલરમાં નામ જોઇ કામિનીને ખ્યાલ આવી ગયો હતો. પહેલી વખત તેણે ફોન ઉપાડ્યો ન હતો. ફરી તેણે ઉપાડી લીધો. "હેલ્લો..."

કામિનીનો અવાજ સાંભળી રસીલી એક ક્ષણ માટે અટકી ગઇ. પછી બોલી:" પ્રકાશચંદ્રજીને કેવું છે?"

"સારું છે.." કામિનીએ શુષ્ક અવાજમાં કહ્યું.

"હું એમની ખબર જોવા આવવાનું વિચારતી હતી...." રસીલીએ ડરતાં ડરતાં કહ્યું.

"ન આવે તો સારું છે..." કહી કામિનીએ ફોન મૂકી દીધો.

સાંજે પ્રકાશચંદ્ર દવાની અસરમાંથી બહાર આવ્યા હતા. ડોક્ટરે ઉંઘની દવા આપી હતી એટલે પાંચ કલાક જેટલું ઉંઘી શક્યા હતા. તે પોતાને સ્વસ્થ મહેસૂસ કરતા હતા. તેમને થયું કે આજે રસીલીનો સાથ માણવા જવું પડશે. તે ચિંતામુક્ત કરી દેશે.

પ્રકાશચંદ્રએ કામિનીને બોલાવી અને કહ્યું:"મારો મોબાઇલ લાવ તો..."

કામિની મોબાઇલ આપીને ચા બનાવવા ગઇ. પ્રકાશચંદ્રએ તરત જ રસીલીને ફોન જોડી દીધો.

" પ્રકાશચંદ્રજી તબિયત કેવી છે?" તે કંઇ બોલે એ પહેલાં જ રસીલીએ પૂછી લીધું.

"ઠીક છે. પણ તારી પાસે આવીને વધુ સારી થઇ શકે છે...." પ્રકાશચંદ્રએ ઇશારો કર્યો.

"પ્રકાશચંદ્રજી, હું બહાર છું, એક ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળવા આવી છું. આપણે એકાદ સપ્તાહ પછી મળીએ..." રસીલીએ સાકીર સાથે રહેવા કારણ આપી દીધું.

"રસીલી, હું તારા વગર નહીં રહી શકું....આ સ્થિતિમાં તું જ મારો સહારો છે...." પ્રકાશચંદ્ર તડપતા અવાજે બોલ્યા.

"પ્રકાશચંદ્રજી, આપણી ફિલ્મ ફ્લોપ રહી છે એટલે તમે દુ:ખી છો પણ હું તમને રૂબરૂ મળી આશ્વાસન આપી શકું એમ નથી. તમે ચિંતા ના કરશો. હું થાય એટલી મદદ કરીશ. હું અત્યારે બિઝી છું....મળીએ..." કહી રસીલીએ ફોન કટ કરી દીધો.

પ્રકાશચંદ્રને ખ્યાલ આવી ગયો કે તે પોતાનાથી મોઢું ફેરવી રહી છે. ફિલ્મ ફ્લોપ થવાથી તેને તો કોઇ અસર થવાની નથી. આ તો ફિલ્મ પણ ફ્લોપ રહી અને રસીલી પણ હાથમાંથી સરકી રહી છે.

*

ત્રણ દિવસ પછી કામિનીએ પ્રકાશચંદ્રનો જન્મ દિવસ ઉજવવાની તૈયારી કરી. જો ફિલ્મ સફળ રહી હોત તો એકસાથે બે ખુશીનો અનુભવ થાત. પ્રકાશચંદ્રને આજે જન્મદિવસ ઉજવવાનો ઉત્સાહ ન હતો. તેમણે કામિનીને ના પાડી પણ તે માની નહીં. "તમે આ બહાને તો થોડા ખુશ રહેશો. આજના દિવસે તમારી બધી સમસ્યાઓ અને ચિંતાઓને ભૂલી જાવ. આપણે સાંજે બે જણા જ બર્થડે ઉજવીશું. આપણે કોઇને બોલાવવા નથી..."

"હા, ફિલ્મ સફળ રહી હોત તો બધાને બોલાવી નવી ફિલ્મની જાહેરાત કરી શક્યા હોત..." કહી પ્રકાશચંદ્રએ ફરી નિરાશા વ્યક્ત કરી.

"જો તમે પાછા ચિંતામાં પડી ગયા.. આજે પ્રફુલ્લિત રહો..."

"કેવી રીતે રહું? આ ફિલ્મની સફળતા માટે કેટલી મહેનત કરી હતી. તે કેટલો બધો ભોગ આપ્યો અને સહકાર પણ. હવે એવી ફ્લોપ રહી કે જન્મદિવસે મરવાના વિચાર આવે છે..." પ્રકાશચંદ્ર ડિપ્રેશનમાં બોલી રહ્યા હતા.

"તમે એ ફિલ્મની વાત જ છોડો..." કહી કામિની તૈયારીમાં લાગી ગઇ. તેણે મોટી કેક મંગાવી હતી. અને રૂમને શણગારી રહી હતી.

સાંજે પ્રકાશચંદ્રના રૂમમાં ટેબલ પર મોટી કેક પડી હતી.

એના પર "હેપ્પી બર્થડે પ્રકાશચંદ્ર. તુમ જીઓ હજારો સાલ" લખ્યું હતું.

અને ટેબલની પાસેની ખુરશીમાં પ્રકાશચંદ્રનું લોહી નીતરતું શરીર હતું.

તેમના ડાબા હાથના કાંડામાંથી લોહી વહેતું હતું અને જમણા હાથની નીચે કેક કાપવાનું ચપ્પુ પડયું હતું.....

પોલીસ વાનની સાયરન સાંભળવા તેમનામાં જીવ રહ્યો ન હતો.

વધુ આવતા સપ્તાહે...

*

મિત્રો, માતૃભારતી પર લોકપ્રિય ધારાવાહિકમાં આવતી અને ૨૦૦૦૦ થી વધુ ડાઉનલોડ તથા ૩૭૦૦ રેટિંગ્સ મેળવી ચૂકેલી "લાઇમ લાઇટ"ના આ પ્રકરણમાં પ્રકાશચંદ્રનું મૃત્યુ કેવી રીતે થયું હશે? આ ઉપરાંત ફાઇનાન્સર રાજીવે કયા સારા સમાચાર આપવા કામિનીને ફોન કર્યો હતો? જૈનીને સાકીર સાથે ફિલ્મ કરતાં ધારા અટકાવી શકશે? ધારાએ સાકીર સાથે કેવો સોદો કરવાનું વિચાર્યું હતું? પહેલી વખત પ્રકાશચંદ્ર પોતાનો સુંવાળો સાથ માણીને ગયા પછી રસીલીએ તરત કોને અને શું મેસેજ કર્યો હતો? જેવા ઘણા બધાં પ્રશ્નો અને રહસ્યો હજુ ઊભા છે, જે તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર!

*

મિત્રો, મારી ૧૨૬ ઇબુકસનો વ્યુઝનો આંકડો ૪.૫૭ લાખ અને ડાઉનલોડનો આંકડો ૧.૬૮ લાખને પાર કરી ગયો છે એ માટે સૌનો ખાસ આભાર!

મિત્રો, માતૃભારતી પર સૌથી વધુ વંચાયેલી મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક જ બેઠકે વાંચવા મજબૂર કરશે. માતૃભારતી પરની "ટોપ ૧૦૦ નવલકથાઓ" કેટેગરીમાં તેનો સમાવેશ થયો છે.

વાચકોના ૧,૨૪,૦૦૦ વધુ ડાઉનલોડ અને ૨૦૪૦૦ રેટીંગ્સ "રેડલાઇટ બંગલો"ની લોકપ્રિયતાના પુરાવા છે. કોલેજમાં ભણવા ગયેલી એક અતિ સ્વરૂપવાન અને યુવાનીથી છલકતી માદક છોકરી અર્પિતા કેવી રીતે કોલેજમાં ગયા પછી તેના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને પછી કેવી રીતે તેમની સામે ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની બીજા અનેક પાત્રો સાથેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા તેના હેરતઅંગેજ ક્લાઇમેક્સના ૪૮ મા પ્રકરણ સુધી તમને જકડી રાખશે એની ગેરંટી છે. તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી અન્ય શ્રેણીઓ પણ આપને વાંચવી ગમશે.

લોકપ્રિય ધારાવાહિક "આંધળો પ્રેમ" ૬૨૦૦ ડાઉનલોડ

અનેક પ્રેરણાત્મક વાર્તાઓનો ખજાનો "જીવન ખજાનો" ૬૦૦૦ ડાઉનલોડ

ચિંતનાત્મક વાતો "વિચારમાળાના મોતી"

અને રોમેન્ટિક (ગલતી સે મિસ્ટેક- ૧૫૦૦ ડાઉનલોડ) તથા સામાજિક વાર્તાઓ (મોટી બહેન – ૫૦૦ ડાઉનલોડ) અને વિવિધ બાળવાર્તાઓ તો ખરી જ.