hu tene kadi kahi na shakyo in Gujarati Love Stories by Vijay Varagiya books and stories PDF | હું તેને કદી કહી ના શક્યો

Featured Books
Categories
Share

હું તેને કદી કહી ના શક્યો

અમાસની કાળી ઘનઘોર રાત જામી હતી સાથે જ જામી હતી કોલેજના વિદ્યાર્થીઓની મહેફિલ.
દર વર્ષે ગિરનારના જંગલમાં યોજાતા હિલ ટ્રેકિંગ કેમ્પમાં ગુજરાતની વિવિધ કોલેજમાંથી  વિદ્યાર્થીઓ તેઓના પ્રોફેસર સાથે આવી પહોંચતા.

આ વર્ષે પણ સિત્તેરેક વિદ્યાર્થીઓ સાહસિક પ્રવૃત્તિમાં જોડાવવા આવ્યા હતા. દિવસભર ટ્રેકિંગ થતું અને રાતે મનોરંજક કાર્યક્રમો સાથે મહેફિલો ચાલતી હતી.

છેલ્લા બે દિવસથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઓફિસર સંજય રાઠોડ વિદ્યાર્થીઓમાં માનીતા બની ગયા હતા. વિદ્યાર્થીઓના કેમ્પની જગ્યા પાસેજ ફોરેસ્ટ થાણું હતું આથી બે દિવસમાં તો ફોરેસ્ટ ઓફિસર સંજય રાઠોડ વિદ્યાર્થીઓ સાથે સારી રીતે હળીભળી ગયા હતા.અને તેમની સાથે મોડી રાત સુધી મહેફિલની રંગત માણતા.

કડકડતી ઠંડીમાં રાત્રીના ૧૨ વાગ્યા હતા. પાંચ-સાત વિદ્યાર્થીઓ સિવાય બધાજ એક બાદ એક સુવા જતા રહ્યા હતા. ઠંડી સામે રક્ષણ માટે મોટું લાકડું બાળી તેનું તાપણું કર્યું હતું અને બધા તેના ફરતે ગોળાકાર ગોઠવાઈ ગયા હતા.

"સર, ગઈકાલે તો તમે તમારી વાત કહી નહિ પણ આજે તો કહો."- અર્પિત સંજય રાઠોડ ને ઉદ્દેશી બોલ્યો.

"હા રાઠોડ સર આજે તો કહો, તમારે કહેવી જ પડશે."-- હાજર બાધાઓએ અર્પીતના સૂરમાં સુર પુરાવ્યો.

''સારું ઠીક છે, આજે તમારી સંખ્યા પણ ઓછી છે આથી મારી વાત તમને કહું છું પરંતુ ત્યારબાદ તમારે સુઈ રહેવાનું છે, રાત પણ બહુ થઇ ગઈ છે વળી આ જંગલ છે તમારું ઘર નહિ."- રાઠોડ સાહેબ તેમની વાત કહેવા તૈયાર થયા.

"હા સર ત્યારબાદ અમે સુઈ રહેશુ" - બધા એકી સાથે બોલ્યા.

હા, તો સાંભળો......

"સર તેનું નામ શુ હતું"?-- મોના વચ્ચે જ બોલી.

તેનું નામ નહિ કહું. વર્ષો વીતી ગયા છે, હવે શુ ફરક પડે! પણ તે મારો પહેલો પ્રેમ.

"તે દેખાવમાં કેવા હતા? સુંદર હતા"? --- મનીષે પૂછ્યું.

"તેનું વ્યક્તિત્વ બધા કરતા અલગજ હતું. તેનું વર્તન, તેના એક્સપ્રેશન બધું જ મને ગમતું, બેશક તેની પાસે સુંદર ચહેરો તો હતોજ."

બધા વિદ્યાર્થીઓ રાઠોડ સાહેબના પહેલા પ્રેમનો પ્રસંગ સાંભળી રહ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથેજ સાંભળી રહ્યા હતા બી.કે. કોલેજના મેડમ રેશ્મા અસગરી.
મેડમ રેશ્મા અસગરી તેના વિદ્યાર્થીઓ મનીષ અને અર્પિતને સુઈ રહેવાની સૂચના આપવા આવી રહ્યાં હતા પરંતુ રાઠોડ સાહેબની વાતોમાં તેઓ પણ એટલા તલ્લીન થઈ ગયા કે દૂરથી જ તેના પગ થંભી ગયા અને ચોરીછૂપીથી તેઓ પણ શ્રોતાગણમાં જોડાઈ ગયા એ કોઈને ખ્યાલજ ના રહ્યો.

"હા તો વાત છે નવલી નવરાત્રીની."- રાઠોડ સાહેબે પોતાની વાત આગળ ચલાવી.

એ દિવસોમાં મારુ મન એ છોકરી તરફ ઢળ્યું. નવરાત્રીની ઉજવણી અમારી કોલોનીમાં ભારે ઉત્સાહ સાથે થતી. સાંજે
આઠ વાગ્યે અમારું મિત્ર મંડળ ગરબી ચોકમાં આવી જતું.
નવના ટકોરે માં અંબેની આરતીથી શરૂઆત થતી. ત્યાંસુધીમાં તો અમારી કોલોનીનું મેદાન જનમેદનીથી ભરાઈ જતું.
આરતી પછી નાની બાળાઓનો રાસ ત્યારબાદ ક્રમશ: મોટી યુવતીઓ રાસની રમઝટ બોલાવતી. 

જયારે એનો રાસ શરુ થાય ત્યારે હું અને સદા મારી સાથે રહેતા મારા બે મિત્રો પરિમલ અને શ્યામ, અમો ત્રણેય લપાઈ ખૂણામાં ભરાઈ જતા અને અમારી મનપસંદ પરીના રૂપનું રસપાન કરવા મશગુલ બની જતા.
શ્યામ થોડો રસિયો પણ પરિમલ પાસે એવું કુણું હ્દય જ નહતું કે તેમાં પ્રેમના સુર વાગે. ખાસ તો અમને કંપની આપવા અમારી સાથે રહેતો.

જયારે એ તેની સહેલી સાથે નટખટ અલ્લડ ઢેલ જેવી માદક ચાલે ચાલી આવતી ત્યારે આ હ્નદય એક ધબકારો ચુકી જતું. હજારોની ભીડમાં પણ મને તેના સિવાય કોઈજ નહોતું દેખાતું.
આ મારો પ્રેમ એક તરફીજ ના હતો. આ સવેંદનાના સુર તેની તરફથી પણ છેડાતાં. પોતાની સહેલીઓ સાથે વાતો કરતા તીરછી નજરે મારી સામે ઘડી-ઘડી જોઈ લેવું, મારી હાજરીને ધ્યાનમાં રાખી સંભાળી ચાલવું, મુક્ત હવામાં લહેરાતા તેના કેશ સંવારવા, ક્યારેક તેની સહેલીની આડસમાં રહી મને ચોકલેટ કરતાંય મીઠું સ્મિત આપવું. આ બધી તેની હરકતો મારા હૃદયને ઝણઝણાવવાં પૂરતી હતી.

જયારે તે ગરબે ઘૂમતી હોય ત્યારે મારી સામે નજર કરવાની તેની ચેષ્ટાને તે ટાળી શકતી નહિ. તે સારું રમતી જાણે મારા માટે રમતી. તેની એક-એક અદાઓને જાણે મારી નજરોને તોલવા આપતી અને મારા ચહેરાના સંતોષને તેની અદાના ગુણ સમજતી.
બાદમાં  જયારે અમારો રાસ શરુ થાય ત્યારે હું ખુબ રમતો બધાથી અલગ રમતો તેના ખાતર રમતો. ક્યારેક તો અમો ખૈલૈયા અને ગાયકો વચ્ચે હરીફાઈ થતા કલાકો સુધી અમે રમતાજ રહેતા.
અને...અને એક દિવસ તો થવા જઈ થઇ.

રાઠોડ સાહેબ ખુબ ઉત્સાહમાં પોતાની વાત કહી રહ્યા હતા. બધાજ વિદ્યાર્થીઓ કાન દઈ સાંભળી રહ્યા હતા. દૂર ઉભા પેલા રેશ્મા મેડમ પણ સાંભળી રહ્યા હતા, પણ કોણ જાણે કેમ તેના ચહેરાના ભાવો બદલાતા જતા અને તેની આંખોમાં આંસુ ધસી આવ્યા.

રાઠોડ સાહેબે વાતનો દૌર જાળવી રાખ્યો.
હું રાસ રામુ ત્યારે પુરા ઝનૂનથી રમું અને મારા સ્ટેપ તેને બતાવવા બદલ્યા કરું. તેની નજર મારા તરફ જ રહેતી અને તેની સ્થિર આંખો તેમજ હરખઘેલો ચહેરો મને વધુ ઝનૂનથી રમવા પ્રેરતો. અને એજ ઝનૂન એક વાર મારા દાંડિયા ના સહી શક્યા અને એક દાંડિયો તૂટી દૂર ફંગોળાઈ ગયો. અચાનક બનેલા બનાવે મને થોડો ક્ષોભિત કર્યો.

એ રાતે તે ખુબ હસી, મારા પર હસી. તેની એ મુક્ત મુશ્કાન હું આજે પણ ભૂલી શક્યો નથી. પછી તો એ મુશ્કાન માટે હું દાંડિયા તોડવાની કોશિશ કરતો પણ એવા બનાવ તો ક્યારેક જ બને.

એ મારી સાથે કોલેજમાં જ અભ્યાસ કરતી. ક્યારેક હું તેની સાથે વાતો કરતો પણ એ વાતો મૌલિક જ રહેતી. હું કદી પણ મારા પ્રેમની પહેલ ના કરી શક્યો. મને ચોક્કસ ખ્યાલ હતો કે એ પણ મને પસંદ કરે છે, પણ તે એ રાહમાં હતી કે હું મારા મનની વાત તેને જણાવીશ, પણ હું કદી કહીજ ના શક્યો કે "તું મને પસંદ છો."

"રાઠોડ સાહેબ કેમ તમે તમારા હૃદયની વાત તેને જણાવી શકયા નહિ?" અર્પિત ગંભીરતા તોડતા બોલ્યો.

"કેમ જાણે તેની બાબતમાં હું શરમાળ બની જતો? વળી તે ઇસ્લામ ધર્મથી બિલોન્ગ કરતી તેથી મનમાં છૂપો ડર પણ એ હતો કે તેના કે મારા પરિવારજનો કદાચ આ સબંધને સ્વીકૃતિ નહિ આપે. અને જયારે ખુબ હિમ્મત કરી હું તૈયાર થયો તો એ અચાનક જ જતી રહી."- રાઠોડ સાહેબ બોલ્યા.

"જતી રહી?" - લગભગ બધાજ એકી સુરે બોલ્યા.

"હા, તેના પપ્પા સરકારી અધિકારી હતા તેઓનું ટ્રાન્સફર થતા તેનો પરિવાર સદા માટે અમારી કોલોની, અમારું શહેર છોડી જતા રહ્યા. બાદ આજ સુધી તેનો મેળાપ થઇ શક્યો નથી અને મારો પહેલો પ્રેમ બસ અધુરોજ રહી ગયો."-  છેલ્લું વાક્ય રાઠોડ સાહેબ લાંબી આહ સાથે બોલ્યા.

એ રાતે રાઠોડ સાહેબના પહેલા પ્રેમની વાતો એ લગભગ તમામ કોલેજિયનોની ઊંઘ ઉડાડી દીધી હતી. રાતે સૂતી વેળાએ બધા એ જ વિચારતા કે જો રાઠોડ સાહેબે પોતાના મનની વાત કહી હોત તો આજે તેઓનો પ્રેમ તેઓની પાસે હોત! બધાના મનમાં અજાણી ગમગીની છવાયેલી રહી.

સવાર પડતાજ કેમ્પમાં કોલાહલ થઇ પડ્યો. એક નાનકડા સામાન્ય બનાવે બધાને આશ્ચર્યચકિત કરી મુક્યા.

બી.કે. કોલેજના વિદ્યાર્થીઓ સાથે આવેલા મેડમ રેશ્મા અસગરી કોઈને પણ કશી જાણ કર્યા વગર વહેલી સવારે કેમ્પ છોડી જતા રહ્યાં.

સૌના  મુખ પર એક જ પ્રશ્ન હતો કે "રેશ્મા મેડમ શા માટે ચાલ્યા ગયા?"
                                                                      --સમાપ્ત