64 Summerhill - 20 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 20

Featured Books
Categories
Share

64 સમરહિલ - 20

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 20

'ઉસકી * * ***'

ઝુઝારે ડોળા તગતગાવીને ગાળ બોલી નાંખી. તેના કાન ફોનમાંથી આવતા અવાજ ભણી સરવા હતા પણ મનોમન તે ભીંત સાથે માથા અફળાવી રહ્યો હતો. પોતે અહીં ઘોરી ગયો અને જેની તલાશમાં નીકળ્યો હતો એ સાલો અહીંથી ત્રણ જ કિલોમીટર છેટેના ધાબામાં હતો એ ખબર પડયા પછી તે પોતાની જાત પર બરાબર અકળાયો હતો.

વહેલી સવારે રમનો કેફ ઉતર્યા પછી તેણે નરણા કોઠે ત્રણ-ચાર મોટા ઘૂંટડા ગળા નીચે ઓરીને પારણા કર્યા હતા અને છત્તીસગઢના પોતાના સંપર્કો દોડાવવાનો ઉદ્યમ આદર્યો હતો. બે દિવસ પહેલાં સાંજે છત્તીસગઢમાં પ્રવેશેલી ફોર્ડ ઈકોસ્પોર્ટ વિશે હવે તેની બે ધારણા હતી.

નંબર એક, ડિંડોરીથી સળંગ સાત કલાકનું ડ્રાઈવિંગ કર્યા પછી એ આદમી રાજનંદગાંવની આસપાસમાં ક્યાંક તો રોકાયો જ હોય.

નંબર બે, જો ચોરીનો માલ અહીં ક્યાંક સગેવગે કરવાનો હોય તો તેણે કોઈક સ્થાનિકનો સંપર્ક પણ કરવો જ પડશે.

એસીપી રાઘવ માહિયાએ જોકે તેને જૂની મૂર્તિ ચોરાઈ હોવાનું જ કહ્યું હતું પણ જમાનાનો ખાધેલ ઝુઝાર બરાબર જાણતો હતો કે એક રદ્દી મૂર્તિ માટે માહિયા તેને ન દોડાવે. બાત કુછ અલગ હૈ...

ઝુઝારે પોતાની બંને ધારણાને ધ્યાનમાં રાખીને સંપર્કો સાધવાના શરૃ કર્યા. એમાં છઠ્ઠો ફોન તેને ફળ્યો હતો. એ મીંઠ્ઠુમિંયા હતો. ગઢબિદરા ગામના ત્રિભેટા પાસે તેની પંક્ચર શોપ હતી.

'પંરસો રાંત કેંકવા કે ઢાંબે પે કુંછ લંફડા હુંઆ થા, હુંકુમ..'

દરેક શબ્દનો પહેલો અક્ષર ગૂંગણો બોલવાની વિશિષ્ટ ટેવ ધરાવતો પંક્ચરવાળો એટલે જ 'મીંઠ્ઠુમિયાં' તરીકે ઓળખાતો.

અગાઉના ફોનમાં ય મળેલી આવી છુટક-પુટક માહિતી જેવી જ આ નિરર્થક માહિતી હશે એમ ધારીને ઝુઝારને ખાસ ઉત્સાહ ન પ્રગટયો પણ કેકવાનું નામ સાંભળીને તે જરાક સતર્ક થયો.

'ઉ કેકવા તો અબ લેન મેં નઈ રિયા ના?' ખેપાનીઓની આ દુનિયાને મન ગોરખધંધા એ જ સહી લાઈન. કોઈ ગુનાખોરી મૂકી દે એટલે 'એ હવે લાઈનમાં નથી રહ્યો' એમ કહેવાય.

'લેંન મેં તો નંઈ રિયા પંર દોંસ્તોં કા આંના-જાંના તો લંગા રંહેતા હૈ, હુંકુમ..'

'હમ્મ્મ્મ્... લફડા ક્યા હુઆ થા?'

'પંતા નંઈ પંર અંચાનક એંક આંદમી ચિંલ્લાતા હુંઆ નીંચે આંયા થાં ઔંર ફિંર હંડબડી મંચ ગંઈ થીં...'

એ પછી મીંઠ્ઠુએ જે કંઈ કહ્યું એથી ઝુઝારને માથા પટકવાનું મન થઈ આવ્યું.

પોતે અહીં ઘોરી ગયો અને જેની તલાશમાં નીકળ્યો હતો એ સાલો અહીંથી ત્રણ જ કિલોમીટર છેટેના ધાબામાં હતો.

કેકવાના ધાબા પર કોઈ ભેદી મહેમાન રોકાયા હોય, એક આદમી રાત્રે અચાનક બૂમો પાડતો નીચે ધસી આવે, એ પછી કેકવો ય ઘડીભર ઘાંઘો થઈને કોઈકને શોધવા દોડાદોડી કરી મૂકે...

ઝુઝારના મગજમાં ઘટનાઓના ગુણાકાર-ભાગાકાર થવા માંડયા હતા. મીંઠ્ઠુને ફોર્ડ ઈકોસ્પોર્ટનું મોડેલ ઓળખાયું ન હતું અને પાસિંગ તેણે જોયું ન હતું પણ ધાબાની પાછળ પાર્ક કરેલી ગાડીમાં કંઈક ચેડાં થયા હતા એટલે એ આદમીએ ફરીથી ચીસ પાડી હતી એ વિશે તે ચોક્કસ હતો.

ફરીથી કેકવો બ્હાવરો બનીને એ દિશામાં દોડી ગયો હતો. કોઈક લોંડિયાની તલાશી ચાલી હતી... ગૂંગણા અવાજે મીંઠ્ઠુ કહેતો ગયો અને ઝુઝારને રૃંવેરૃંવે ચટપટી ઉપડતી રહી. માહિયાએ ભલે કહ્યું પણ આ કોઈ સાધારણ રદ્દી મૂર્તિની ચોરી નથી... નથી જ... કુછ બડા લફડા હૈ...

એસાઈન્મેન્ટ સોંપતી વખતે પોલિસ ઓફિસર તેને સાવ સાચી જ વિગતો આપે એ જરાય જરૃરી ન હતું પણ પોલિસ ઓફિસર કહે એ બધું ઘીના શીરાની જેમ ગળે ઉતારીને પોતે દોડતો થઈ જાય એ ઝુઝાર માટે ય જરૃરી ન હતું.

વધુ માહિતી મેળવવા મીંઠ્ઠુને કામે લગાડીને બપોરે પોતે રૃબરૃ મળશે એમ કહી તેણે રાઘવને ફોન જોડયો. હવે કદાચ તેણે આઉટ ઓફ વે પણ જવું પડે એમ તેને લાગતું હતું. આવા કિસ્સામાં પોલિસ અધિકારી કેટલો મક્કમ છે એ ચકાસી લેવું પડે. ત્રણ દાયકાથી પોલિસ અને ગુનાખોરીની દુનિયા સાથે તેનો પનારો હતો અને બેય વચ્ચે ભરોસો મૂકવાની વાત આવે તો ઝુઝાર ગુનેગાર પર બેધડક ભરોસો મૂકી શકતો. પણ રાઘવ માહિયા તેને અલગ લાગતો હતો. તેણે એકેય એવો પોલિસ અધિકારી જોયો ન હતો, જે કાબેલ પણ હોય અને સજ્જન પણ હોય. રાઘવમાં એ બેય 'અવગુણ' હતા, એટલે જ ઝુઝાર તેનાંથી ડરતો હતો.

***

દેહાતી કપડાં તળે ફાટાફાટ થતા ફાતિમાના માદક ઊભારો અને આંખોના બેહદ નશીલા ઉલાળા સામે મક્કમ રહીને ત્વરિતે આખું મધ્યપ્રદેશ પસાર કરી દીધા પછી પહેલો હોલ્ટ કર્યો. તેની એક આંખમાં ડેરા સુલ્તાનખાઁ પહોંચવાની તાલાવેલી હતી અને બીજી આંખ તેની આગળ-પાછળ, આજુબાજુ હલનચલન કરતી પ્રત્યેક ચીજમાં સતત દુબળીને શોધતી હતી.

છપ્પન અને મરિયમ ખાનગી ટ્રાવેલ્સમાં બેસીને કોટા પહોંચવા આવ્યા હતા. દુબળીની હરહંમેશની સરસાઈથી ધરબાઈ ગયેલા છપ્પને તેના વિશે વિચારવાનું ક્યારનું બંધ કરી દીધું હતું પણ ત્વરિતને મળ્યા પછી, વામપંથી મૂર્તિ વિશે જાણ્યા પછી હવે એ ય મનોમન દુબળીને દબોચવા તૈયાર થઈ રહ્યો હતો.

જોકે, કેકવાના ધાબા પર દુબળીએ લપડાક મારી દીધા પછી ય તેને પકડી શકવા વિશે ત્વરિત આશાવાદી હતો, છપ્પન અવઢવમાં હતો અને તેમ છતાં ય એ હકિકત તો હતી જ કે આખા રસ્તે બંનેના દિમાગમાં સતત સમાંતરે દુબળી અને તેના વિશેના વિચારો ચાલતા રહ્યા હતા.

- અને એ વિચારની સમાંતરે, એ બંનેની જાણ બહાર રેગિસ્તાની ઈલાકામાં બહુ ખુંખાર અને જોખમી સંજોગો આકાર લઈ રહ્યા હતા.

***

સ્થળઃ બોર્ડર સિક્યુરિટી ફોર્સ, બિકાનેર કેમલ કોર્પ્સની લાલગઢ પાસેની ઓફિસ.

સમયઃ ત્વરિતનો કાફલો ડેરા સુલ્તાનખાઁ જવા નીકળ્યો તેના ત્રણ દિવસ પહેલાં

ઈન્ટેલિજન્સ બ્યુરોમાંથી આવેલો રિપોર્ટ કમાન્ડન્ટ ઈન ચાર્જ વિશ્વનાથ પરિહારે ત્રણેક વખત ડિકોડ કરાવીને ચેક કર્યો હતો. ઉશ્કેરાટ અને ગુસ્સામાં ટેબલ પર હાથ પછાડયો હતો. દાંત વચ્ચે દબાવેલી ચૂંગીમાંથી દારૃમાં પલાળેલી તમાકુનો ધૂંધવાટ ધૂમાડો બનીને હવામાં ઘૂમરાતો રહ્યો હતો. આવા ગોળગોળ ઈનપુટ આપીને જવાબદારીમાંથી છટકી જવાની આઈબીની ચાલાકીને તેમણે મનોમન ગાળ દઈ દીધી.

બે મહિના પહેલાં જલંધરમાં પકડાયેલા બે આતંકવાદીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે બંને ડેરા સુલ્તાનખાઁના રસ્તે ભારતમાં ઘૂસ્યા હતા. તેમણે એવુંય કહ્યું હતું કે, આ મહિનાના અંતમાં પાકિસ્તાનથી બહુ મોટું કન્સાઈન્મેન્ટ આ રસ્તે આવવાનું હતું. શેનું કન્સાઈન્મેન્ટ હતું એ વિશે ઈન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટમાં કોઈ સ્પષ્ટતા ન હતી.

પાકિસ્તાનની કુખ્યાત આઈએસઆઈ અને કાશ્મીરમાં એક્ટિવ જૈશ-એ-મહમ્મદની મોડસ ઓપરેન્ડી ભારતમાં અફીણ અને નકલી નોટો ઘૂસાડવાની રહેતી. જ્યારે લશ્કર-એ-તૈયબા હથિયારોની હેરાફેરીનું કામ કરતું હતું તો ઈન્ડિયન મુજાહિદ્દિન આતંકવાદીઓની સરહદ પાર હેરફેર કરતું હતું. આઈએમ તરીકે ઓળખાતા મુજાહિદ્દિન હવે નેપાળના માઓવાદીઓ સાથે હાથ મિલાવીને ઉત્તર-પૂર્વની સરહદનો ઉપયોગ કરતા હતા પણ જૈશ અને લશ્કરનું પહેલું ટાર્ગેટ કાશ્મીર હતું અને કાશ્મીરમાં ભારતીય સેના સતત હાઈએલર્ટ હોવાથી રેગિસ્તાનની સરહદ પર ક્યાંક છીંડા પાડવા એ તેમની પ્રાથમિકતા હતી.

પકડાયેલા આતંકવાદીઓ પાસેથી મળેલી માહિતી અને આઈબીની પોતાના સૂત્રોમાંથી મળેલી બાતમી મુજબ, ડામિસ પાકિસ્તાનીઓએ આબાદ ભેજું લડાવ્યું હતું. રણનું વહાણ ગણાતા ઊંટની શરીર રચનામાં કુદરતે આપેલી વિશિષ્ટતાનો તેઓ જબ્બર ફાયદો ઊઠાવતા હતા.

ઊંટની હોજરીમાં બે મોટી કોથળીની વિશિષ્ટ રચના હોય છે. એક કોથળીમાં ખોરાકની ચયાપચયની મંદ ક્રિયા જારી રહે જ્યારે બીજી કોથળીમાં પાણીનો અનામત જથ્થો સચવાયેલો રહે. એટલે જ, રેગિસ્તાનના સુક્કાં, બંજર, નપાણિયા ઈલાકામાં ઊંટ અઢાર-વીસ કલાક સુધી પાણી વગર આસાનીથી મુસાફરી કરી શકે. એમાંય બલોચી ઔલાદના ઊંટ તો પચ્ચીસ-ત્રીસ કલાકની દડમજલ કાપવા માટે ય જાણીતા હતા.

સરહદ પર ભારતનો ચોકીપહેરો મજબૂત હોય અને સ-માનવ ઘૂસણખોરી મુશ્કેલ બને ત્યારે પાકિસ્તાનીઓએ નવો રસ્તો અપનાવ્યો હતો. થરના રણની સામે પાર પારકરના કોઈ સરહદી ગામડાંમાં જૈશ-એ-મહમ્મદના માણસો ઊંટને બેહોશ કરી સર્જરી વડે તેની વધારાની કોથળીમાં ચાર-પાંચ કિલો અફીણ કે હેરોઈન છૂપાવી દેતા હતા.

એવા દસ-પંદર ઊંટ રેગિસ્તાનના માર્ગે પાંચ-છ કલાકની મુસાફરી કરીને અહીં ડેરા સુલ્તાનખાઁ આસપાસ ભરાતા ઊંટના બજારમાં પહોંચી જાય એટલે અહીંના તેમના મળતિયા એ ઊંટનો કબજો લઈ લે. બિકાનેર વટયા પછી ઊંટને બેહોશ કરીને તેના પેટમાંથી અફીણ-હેરોઈન કાઢી લેવાય અને પછી એ અફીણ-હેરોઈન ભારતીય બજારમાં પાંચ-સાત ગણાં ભાવે વેચાય એટલે એ જ પૈસા વળી પાછા ભારતવિરોધી પ્રવૃત્તિઓમાં વપરાય.

આતંકના આ નવા અર્થશાસ્ત્રનું સરનામું પોતાનો ઈલાકો હોય તેના અહેસાસ માત્રથી કમાન્ડન્ટ વિશ્વનાથ પરિહારને આવેગની ધુ્રજારી વછૂટતી હતી.

આઈબી ઈન્ફોર્મેશનના બીજા ઈનપુટ્સ પણ એવા જ ચોંકાવનારા હતા. સશસ્ત્ર હથિયારોની પણ અહીં મોટાપાયે હેરફેર થતી હતી. રેગિસ્તાન વટીને ફિદાયિનો અહીં ઘૂસી આવતા હતા. થોડાક રૃપિયા વેર્યા પછી ડેરા અને આસપાસના ખુબરાઓમાં પનાહ મેળવવી તેમના માટે ખાસ મુશ્કેલ ન હતી. સ્થાનિક લોકોની લાલચ અને કેટલેક અંશે બીએસએફનો ભ્રષ્ટાચાર પણ એ માટે કારણભૂત હતો.

પાકિસ્તાનના પઠાણકોટ, જલાલાબાદ, પેશાવરના ઘરઘરાઉ કારખાનામાં બનેલા તમંચા, રિવોલ્વર, સ્મિથ એન્ડ વેસન કે કોલ્ટની નબળી પણ આબેહૂબ નકલ જેવી સેમિ ઓટોમેટિક પિસ્તોલ, મુલતાન ખાતે આવેલી ઓસ્ટ્રિયન કંપની અર્ગેસમાં બનેલા હેન્ડ ગ્રેનેડ્સ જેવો ઘાતક સામાન કોથળા ભરી-ભરીને અહીં આસપાસના ખુબરાઓમાં ઉતરતો હતો અને પછી કોઈક રીતે સહીસલામત ભારતમાં પગ કરી જતો હતો. વેપન્સની પરમિટેડ શોપ્સમાંથી રૃપિયા પોણા બે લાખમાં મળતી પિસ્તોલના કેલિબરની ગન અહીં એંસી હજારથી એક લાખમાં આસાનીથી મળી જતી હતી એટલે સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારતના ગુનેગારો, ગુંડાઓ ય 'શોપિંગ' માટે અહીં ધામા નાંખતા રહેતા.

ફિદાયિનોને કે શસ્ત્રોને ઘૂસાડવા માટે આતંકવાદીઓની મોડસ ઓપરેન્ડી જરા અલગ હતી. એ માટે તેઓ અહીંના એકમાત્ર અવરજવરના સ્થળ કેશાવલી મંદિરનો ઉપયોગ કરતા હતા. અહીં આવતા યાત્રાળુઓએ બિકાનેર સ્થિત બીએસએફની ઓફિસમાં કડક ચકાસણી તળેથી પસાર થવું જરૃરી ન હતું.

કેટલાંક રાજકીય પક્ષોએ હિન્દુ યાત્રાળુઓની કનડગતનો મુદ્દો ચગાવ્યા પછી યાત્રાળુઓ હવે ઓળખના પૂરાવા રજૂ કરીને સીધા ચેકપોસ્ટ પરથી જ સરહદ પર પહોંચી શકતા હતા. આ નિયમ બદલવા માટે નિમિત્ત બનેલા રાજકીય પક્ષોના કેટલાંક ભ્રષ્ટ નેતાઓ ય આ હેરાફેરીમાં સંડોવાયા હોવાનું કહેવાતું હતું પણ રાજકારણ એ વિશ્વનાથ પરિહારનો વિષય ન હતો.

પોતાના કમાન્ડ હેઠળના વિસ્તારમાં આટલા મોટાપાયે ઘૂસણખોરી ચાલતી હોય અને આઈબીના ઓફિશ્યલ ઈનપુટ્સમાં એવો ઉલ્લેખ આવે એટલા માત્રથી પરિહાર બરાબર ગિન્નાયા હતા. રિટાયરમેન્ટ આડે દોઢ વરસ બાકી હોય ત્યારે અત્યાર સુધીની જ્વલંત કારકિર્દી પર આવી કાળી ટીલી સહેવાની તેમની સ્હેજપણ તૈયારી ન હતી. બહુ મથામણ પછી તેમણે બે વિકલ્પ વિચાર્યા અને બંને વિકલ્પના પ્લસ-માઈનસ નોંધ્યા.

પહેલો વિકલ્પ એવો હતો કે તેઓ બોર્ડર સિક્યોરિટીને હાઈએલર્ટ પર મૂકી દે, જવાનોની તાદાદ વધારી દે અને પેટ્રોલિંગ માટે કેમલ કોર્પ્સ ઉપરાંત મીની રણગાડીને ય ઉતારીને આખું રેગિસ્તાન રગદોળી નાંખે. આમ કરવાથી સરહદ પાર કરીને એક ચકલું ય ફરકવું મુશ્કેલ થઈ જાય. આ વિકલ્પનો પ્લસ પોઈન્ટ એ હતો કે પોતે તાત્કાલિક એક્શન લીધા હોવાની હાઈ કમાન્ડને ખાતરી કરાવી શકે. ઘૂસણખોરોની તમામ પ્રવૃત્તિ બંધ થઈ જાય અને 'ઓલ વેલ'નો રિપોર્ટ કરીને પોતે રાહતનો શ્વાસ લઈ શકે.

પરંતુ આ વિકલ્પની નબળાઈ એ હતી કે, આમ કરવાથી આતંકવાદીઓની પ્રવૃત્તિ હાલ પૂરતી અટકી જતી હતી. આ વિકલ્પમાં તેઓ આતંકવાદીઓની હામ તૂટી જાય અને બીજી વાર આ વિસ્તારમાં નજર સુદ્ધાં નાંખવાની હિંમત ન કરે એવો કોઈ પાઠ ભણાવી શકતા ન હતા. તો?? મનોમન પ્રગટતા આ સવાલનો જવાબ જરાક જોખમી હતો.

ભારતવિરોધી તત્વોના હાજાં ગગડાવી દેવા હોય તો તેમને અંધારામાં જ રાખવા રહ્યા. તેમની તમામ પ્રવૃત્તિ ચાલવા દેવી રહી. હથિયારો, પેટમાં અફીણ સિવેલા ઊંટનો કાફલો, ફિદાયિનોને અહીં સુધી આવવા દેવા રહ્યા, ભારતમાં ખુલ્લેઆમ ફરતાં તેમનાં મળતિયાંઓને ય અહીં પ્રવેશવા દેવા રહ્યા અને પછી એ આખો માંચડો ભેગો થાય ત્યારે તેમને ચારેબાજુથી ભીંસીને એક-એકને સાલાને...
ઉન્માદ, આવેગ અને ઉશ્કેરાટથી તેમની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ, જડબા તંગ થયા, સીનામાં શ્વાસ ભરાયો અને સિનિયર ઓફિસરને બોલાવવા તેમણે હાક નાંખી દીધી...

એ પછી એક કલાકમાં જ દેશદ્રોહી તાકાતને કચડી નાંખવા માટે તેમણે રણનીતિ તૈયાર કરી નાંખી હતી.

હજુ ય ઊંટના વેપારીઓને લાલગઢ ઓફિસમાંથી અપાતી પરમિટ એ જ રીતે છૂટથી આપવાની હતી, જાણે કંઈ જ બન્યું ન હોય.

હજુ ય ચેકપોસ્ટ ઉપર ઓળખપત્રોની ખરાઈ કરવામાં ચાલતી લાલિયાવાડી સામે આંખ આડા કાન કરવાના હતા અને યાત્રાળુઓને બેરોકટોક આવ-જા કરવા દેવાની હતી, જાણે કંઈ જ બન્યું ન હોય.
- પણ હવે ડેરા સુલ્તાનખાઁ તરફ પાંખ ફફડાવતું એકેએક પરિન્દુ સુદ્ધાં તેમની કાતિલ અને સતર્ક નજર તળે રહેવાનું હતું. જરાક સરખી શંકાસ્પદ મૂવમેન્ટને કોર્ડન કરી લેવાની હતી અને અવાજ સુદ્ધાં જરાક ઊંચો થાય ત્યાં ગન ચલાવી દેવાની હતી.

***

૩૨ કલાકના એકધારા ડ્રાઈવિંગ પછી ત્વરિત, ફાતિમા અને ચંદા બિકાનેર પહોંચીને સવારે એક હોટેલમાં આરામ કરી રહ્યાં હતાં, બરાબર ત્યારે જ કમાન્ડન્ટ વિશ્વનાથ પરિહારનો કાફલો ચૂપકીદીપૂર્વક ડેરા સુલ્તાનખાઁ ફરતો અજગર ભરડો ભીંસી રહ્યો હતો.

જાનલેવા કળણમાં ત્વરિતને વધુ જોરથી દબાવતો નિયતિનો એ બીજો યોગાનુયોગ છદ્મવેશે આકાર લઈ રહ્યો હતો અને તેનાંથી સદંતર બેખબર ત્વરિત ૩૨ કલાકના એકધારા ડ્રાઈવિંગનો થાક ઉતારતો, ફાતિમાના લલચાવનારા ચેનચાળા મગજમાંથી હટાવવા મથતો હોટેલની નર્મ-પોચી બિછાત પર ઘડીક ઊંઘવા માટે પ્રયત્ન કરતો હતો.

તેની બોઝિલ આંખો ઘડીક દુબળી તો ઘડીક ફાતિમા એવા બે વિચારના પલડે ઝૂલતી જતી હતી ત્યારે તેની તકદીરમાં ફૂંકાનારો નવો ઝંઝાવાત શાંત કદમે રેગિસ્તાનમાં ક્યાંક ઘેરાઈ રહ્યો હતો.

(ક્રમશઃ)