મનુષ્ય લગ્ન પછી એક જ આશ લઈને બેઠો હોય છે. અને જો એ પુરી થતી ન જણાય તો માનવ અનેક બાધાઓ રાખે. ઈશ્વર પાસે વારંવાર એ આશા પુરી કરવા પોકાર કરે. હા એ સંતાન પ્રાપ્તિની જ આશા હોય છે. લગ્ન પછી જો બે વર્ષ ચાલ્યા જાય અને સંતાન ન થાય તો લોકો સલાહ આપવા લાગી જાય છે. તમે ડોક્ટરને બતાવો, કોઈ ધર્મસ્થળની બાધા રાખો વગેરે વગેરે. લોકો એ નથી જાણતા હોતા કે જે કપલ હજી બાળક નથી ઇચ્છતું એને આવી વાત કહેવી જોઈએ કે નહીં. ક્યારેક લોકોમાં ડરમાં તો ક્યારેક પરિવારના દબાણમાં આવીને ઘણા કપલ સંતાનને દુનિયામાં લાવવા મજબુર થાય છે.
ઘણા લોકો એવું પણ વિચારે કે ફેમેલી પ્લાનિંગ પ્રોપર ટાઈમે કરવું જોઈએ. પણ ક્યારેક માણસ બાળકને પૃથ્વી પર લાવવા માટે વાર કરે તો ઈશ્વર એમનાથી નારાજ થઇ ક્યારેક સંતાન પ્રાપ્તિનું સુખ જ ન આપે તો ક્યારેક લાંબા સમય સુધી રાહ જોવડાવે એવું બનતું હોય છે. સાયન્સ તો એટલું જ કહી શકે કે શુક્ર કોષ અને અંડકોષનું મિલન યોગ્ય સમયે થાય તો જ બાળક જન્મે. પણ શુક્રકોષનું શરીરમાં વહન, સ્ત્રીમાં જન્મતા ઈંડાનું યોગ્ય સમયે અંડકોષ માંથી બહાર આવવું અને બંને વચ્ચે ટક્કર થવી એ બધુ કુદરતના હાથમાં જ છે. એમાં લોકો કશું ન કરી શકે. આજકાલ ટેસ્ટટ્યુબ બેબી વગેરે કરવામાં આવે છે પણ એ સક્સેસ જવું એ પણ કુદરત જ નક્કી કરે છે.
તો મિત્રો મારો કહેવાનો ઉદ્દેશ એ જ હતો કે સંતાન કુદરતની દેન છે. એ જયારે ચાહે ત્યારે આપે. તમારી પ્લાનિંગ એમાં કઈ જ નથી કરી સકતી. દરેક જીવ પોતાનું નસીબ લખાવીને જ દુનિયામાં આવે છે. એટલે એ ચિંતા ઈશ્વર પર છોડી દરેક જીવને દુનિયામાં આવવા દેવું જોઈએ. હવે આવીએ મુખ્ય વાત પર.
બાળક સૌથી વધુ પોતાની મા ની નજીક હોય છે. કારણ કે સૌથી વધારે સમય એને પોતાની મા સાથે વિતાવ્યો હોય છે. "દુનિયામાં મા ની કોખ જ એવી વસ્તુ છે જ્યાં બાળકની ઉંમર વધે છે, બાકી દુનિયામાં આવીને તો એ ઓછી જ થતી જાય છે." બાળક મા ને ખુબ સારી રીતે ઓળખતું હોય છે. મા પાસે સ્તનપાનથી માંડી પોતે જ્યાં સુધી સમજણુ ન થાય ત્યાં સુધી દરેક વસ્તુની કાળજીની એ આશા રાખે છે. ઇસ્લામ ધર્મ મુજબ કહેવાયું છે કે મા ના પગ નીચે સ્વર્ગ છે. બાળક મોટો થઈ માની જેટલી સેવા કરે એટલું ઓછું છે.
બાળક જયારે દુનિયામાં આવે છે ત્યારે એટલું પ્યોર હોય છે કે એના મનમાં ન વેરઝેર હોય. ન કોઈ નિરાશા, ન કોઈ બદલાની ભાવના. બાળક હંમેશા નિખલાશ હોય છે. જે પણ એને પ્રેમથી બોલાવે એની પાસે એ હસતા મોઢે જતું હોય છે.
બાળકને સમજવા માટે જીવનમાં તમારે બાળક બનવું પડે. હજરત મુહંમદ મુસ્તુફા (સ.અ. વ.) ના કહેવા અનુસાર બાળક સાત વર્ષનું ન થાય ત્યાં સુધી એને કોઈ સમજદારીની વાત ન કરો. ફક્ત એની સાથે બાળક બની જીવો. એને બને એટલો સમય આપો. આજકાલના લોકો મોબાઈલ પકડાવી દે છે. બાળક મોબાઈલ લેશે તો તમારો પ્રેમ ક્યારે મેળવશે. જો તમે મોબાઈલમાં રચ્યા પચ્યા રહેશો તો તમારું બાળક તમારાથી દૂર થતું જશે. બાળક સામે આવે તો બીજા ફાલતુ કામ મૂકી એને સમય આપો. તમારી નોકરી વગેરેનું ટેન્શન ઘરની બહાર છોડીને ઘરે જાઓ અને એક ફેમેલી ટાઈમ બનાવો. એને માણો. એવું કરવાથી બાળકમાં લાગણી,પ્રેમ,સહકારની ભાવના, પોતીકાપણું વગેરેનો વિકાસ થશે. જે જીવનમાં બાળકને આગળ કામ લાગશે અને એનું ફળ જયારે તમે વૃદ્ધ થશો ત્યારે પામશો. જો તમે બાળકને નાનપણમાં સમય આપ્યો હશે. એની સાથે સમય પસાર કર્યો હશે તો એ જ પ્રેમ બાળક તમારી વૃદ્ધાવસ્થામાં પાછું આપશે.
આજકાલ ટ્રેન્ડ છે. કે નર્સરી, જુનિયર કેજી, સિનિયર કજી કરવાનો. બાળક 3 વર્ષથી જ જાણે બોજ ઉપાડતો હોય એમ એ સ્કૂલે બેગ ઉચકીને જાય છે. બાળકના ખેલકુદના દિવસોમાં એની પર ટોર્ચર થાય છે. બાળક એના માતા પિતાથી આ રીતે જ દૂર થાય છે. પણ કરીએ શું? જો એ ન કરાવીએ તો આજકાલ સ્કૂલો પહેલા ધોરણમાં એડમિશન પણ ન આપે. ઇસ્લામ મુજબ કહું તો બાળકને સાત વર્ષ સુધી નમાજ પણ માફ છે. નમાજ ઇસ્લામમાં ફર્ઝ છે. જો તમે બીમાર હોવ તો પણ ઇસારાથી નમાજ પઢવી ફર્ઝ છે. પણ બાળક માટે એને માફ કરવામાં આવી છે. કેમ કે બાળકનો જે આંતરિક વિકાસ છે એ આ સાત વર્ષમાં જ સૌથી વધારે થાય છે.
બાળકને ભણવાના ટેન્શનને કારણે નાનપણમાં જ માનસિક બીમારી, ડિપ્રેશન, ટેન્શન, ડર વગેરે આ જલ્દી શરૂ થતા શિક્ષણને કારણે પડે છે. તમારા બાળકને એ રીતે માવજત કરો જેમ કોઈ એક છોડને તમે ઉછેરો. જો તમે એને પ્રેમ નઈ આપો તો એ પણ સુકાઈ જશે. બાળકને ક્યારેય વઢો નથી પ્રેમથી સમજાવો. બાળક પર ક્યારેય હાથ ન ઉઠાવો. બાળકને ક્યારેય ડિમોટીવેટ ન કરો. એવું કરવાથી બાળકનું કોન્ફિડન્સ લેવલ બાળપણમાં જ ઓછું થઇ જશે. બાળકને માન આપી બોલાવો. બાળક કોઈ વસ્તુ માટે જીદ કરે અને જો એને માટે યોગ્ય હોય તો કોશિશ કરો એ એને અપાવી શકો. બાળક કોઈ વસ્તુ માટે જીદ કરે પણ એ એની તંદુરસ્તી માટે હાનિકારક હોય તો એને ગુસ્સો કર્યા વગર પ્રેમથી સમજાવો. સમય લાગશે પણ બાળક ધીરેધીરે સમજશે.
બાળક માટે જો તમે એના શરૂઆતના દસ વર્ષ સમય આપ્યો. એની સાથે ખેલ્યા-કૂદયા, એને પ્રેમ આપ્યો, સાત વર્ષ પછી એને નાની નાની વાતો સમજાવી. એને જયારે સારા-ખરાબની પરખ આવી ગઈ તો તમારું બાળક આજીવન નહીં બગડે અને તમારી વૃદ્ધાવસ્થામાં એ તમારો સપૂત બનીને હંમેશા સાથે હશે. બાળક સામે કોઈ બીજા બાળકના વખાણ કરો એનો ઉદ્દેશ જો એની કમજોરી જતાવવાનો હોય તો એવું કરવાનું ટાળો. કારણ કે એ બાળકના આત્મવિશ્વાસને કમજોર કરશે અને તમારાથી બાળક દૂર થશે. બાળક કઈ ખોટું કરે છે તો એને એ રીતે સમજાવો કે એ સમજી પણ જાય અને એના દિલને ઠેસ ન પહોંચે. બાળકની સામે એની સારી વસ્તુની પ્રશંસા કરો. એની ખૂબીઓના વખાણ સાંભળી એને વધુ સારું કરવાની જિજ્ઞાશા જન્મશે.
બસ એથી વધુ તો શું કહું. પણ તમારા ટીનેજર સાથે બને એટલો સમય વિતાવો. જીવનમાં કામ દરેકને હોય છે. દરેકને ટેન્શન હોય છે. બધા પાસે 24 કલાક જ હોય છે. પણ પરિવાર માટે સમય કાઢવો જ જોઈએ. બાળકો માટે સમય કાઢવો જ જોઈએ. એ સમયે ન મોબાઈલ હાથમાં જોઈએ ન કોઈ કામની વાત. બાળકને એવું જ લાગવું જોઈએ કે એ સમયે એને જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. દરેક ઘરના સભ્યો એની સાથે જ રમી રહ્યા છે. આવું કરશો તો તમારું સંતાન ખુશ,પ્રેમાળ અને તંદુરસ્ત રહેશે.
બસ એજ અસ્તુ..
***
ઈરફાન જુણેજા "ઇલ્હામ"
અમદાવાદ