Murder at riverfront - 21 in Gujarati Crime Stories by Jatin.R.patel books and stories PDF | મર્ડર @ રિવરફ્રન્ટ - 21

Featured Books
Categories
Share

મર્ડર @ રિવરફ્રન્ટ - 21

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:21

હરીશ દામાણી નાં ફાર્મહાઉસ પર પહોંચેલી રાજલ ને મહેસુસ થાય છે એ ફરી વાર સિરિયલ કિલર ની ધારણા મુજબ જ વર્તી રહી હતી..ત્યાં કોઈ મળતું નથી સિવાય કે એક વોકમેન,જેમાં રહેલી ટેપ દ્વારા કાતીલ આ રૂમમાં જ પોતાનાં આગળનાં શિકાર વિશેની માહિતી પોતે છુપાવી હોવાનું કહે છે..એ સિરિયલ કિલર પાશવી રીતે હરીશ ની હત્યા કરી નાંખે છે..તો રાજલ આખરે રૂમમાં લાગેલી પેઈન્ટીંગ હતાવ્યાં બાદ વિચારે છે કે કાતીલ દ્વારા છુપાવવામાં આવેલી હિન્ટ એને શોધી કાઢી.

બેડ ઉપર પેઈન્ટીંગ મુકાતાં જ રાજલ ચહેરા પર ખુશીનાં ભાવ સાથે રૂમની દીવાલો તરફ જોતાં બોલી.

"આ રહી એ સિરિયલ કિલર દ્વારા છોડવામાં આવેલી હિન્ટ.."

હાલ પૂરતું તો રાજલ શું કહી રહી હતી એ ત્યાં હાજર બીજાં કોઈને નહોતું સમજાઈ રહ્યું..એ બધાં પ્રશ્નસુચક નજરે ક્યારેક રાજલને,ક્યારેક પલંગ પર પડેલી પેઇન્ટિંગસ ને તો ક્યારેક રૂમની દીવાલો તરફ બાધાની જેમ જોવાં લાગ્યાં.. એમની આંખોમાં મોજુદ સવાલ સમજી રાજલે બોલવાનું શરૂ કર્યું.

"આ રૂમમાં કુલ પાંચ પેઈન્ટીંગ હતી બરાબરને.."

જવાબમાં બધાંએ હકારમાં ડોકું ધુણાવ્યું એટલે રાજલે દીવાલ ની સમીપ ઉભાં રહી આગળ પોતાની વાત ચાલુ કરી.

"ચાર પેઈન્ટીંગ જ્યાં હતી એ જગ્યાએ દીવાલનો રંગ જોવો..સહેજ ઘાટો છે જ્યારે અહીં એક જગ્યાએ મોજુદ પેઈન્ટીંગ ની પાછળની દીવાલ રૂમની બાકીની દીવાલની માફક જ છે થોડી ઝાંખી..મતલબ કે આ પેઈન્ટીંગ જ કાતીલ દ્વારા આપણાં માટે રાખવામાં આવેલી હિન્ટ છે ."

રાજલની વાત સાંભળી એની અવલોકન શક્તિ પર તો બધાં મનોમન આફરીન પોકારી ગયાં.. સંદીપે રાજલ તરફ જોઈ કહ્યું.

"પણ મેડમ,તમને કઈ રીતે ખબર કે આ પેઈન્ટીંગ હમણાં જ લગાવાઈ હશે..?"

સંદીપનો પુછાયેલો જવાબ આપવાં માટે રાજલ એ પાંચમી પેઈન્ટીંગ જ્યાં લગાવાયેલી હતી એ દીવાલ જોડે આવી અને બોલી.

"મારી નજર જ્યારે આ પેઈન્ટીંગ પર પડી ત્યારે મારાં ધ્યાને ચડ્યું કે બાકીની ચાર પેઈન્ટીંગ કુદરતી સૌંદર્યની હતી જ્યારે આ પાંચમી પેઈન્ટીંગ શહેર ની ઈમારતો ની..આ ઉપરાંત આગળની ચાર પેઈન્ટીંગ ને જ્યાં વ્યવસ્થિત ડ્રિલિંગ મશીન વડે ડ્રીલ કરી લગાવેલાં સ્ક્રુમાં ટીંગાડેલી છે જ્યારે આ એકમાત્ર પેઈન્ટીંગ સાદી ખીલ્લી વડે..મતલબ કે આ પેઈન્ટીંગ એ સિરિયલ કિલરે જ હમણાં હમણાં લગાડેલી છે.."

"તમે તો કમાલ કરી દીધો મેડમ.."ગણપતભાઈ નાં મોંઢેથી આપમેળે નીકળી ગયું.

"પણ મેડમ આ પેઈન્ટીંગ દ્વારા એ સિરિયલ કિલર આપણને શું હિન્ટ આપવાં માંગતો હશે..?"સંદીપે પૂછ્યું.

રાજલે સંદીપની વાત સાંભળી એ પેઈન્ટીંગ હાથમાં લીધી અને એને ધારી-ધારીને જોવાં લાગી.. રાજલને આ પેઈન્ટીંગ સામાન્ય પેઈન્ટીંગ જેવી જ લાગી..પણ જ્યારે રાજલે એ પેઈન્ટીંગ ને ફેરવી ને જોયું તો એને લાગ્યું કે એની બેક સાઈડ પર જે પ્લાયવુડ લાગેલું હતું એ વધારાનું લગાવાયું હતું..કેમકે આ એક બોર્ડ પર બનાવાયેલી પેઈન્ટીંગ હતી તો એની પાછળ આ પ્લાયવુડ લગાડવાનો કોઈ અર્થ જ નહોતો.

રાજલે પોતાનાં ખિસ્સામાંથી એક કિચન કાઢ્યું..આ કિચન એ સ્પેશિયલ ટુલ કીટ પ્રકારનું હતું..જેમાં ચપ્પુ,નેઇલ કટર,ડિસમિસ બધું જ આવી જતું જે રોજીંદા ઉપયોગમાં કામ આવે..એમાંથી નાનું ચપ્પુ નીકાળી રાજલે એ પેઈન્ટીંગ ની બેકસાઈડ લાગેલું પ્લાયવુડ નીકાળી દીધું..પ્લાયવુડ નિકાળતાં જ અંદરથી એક ફોટો નીકળ્યો..રાજલે પેઈન્ટીંગ પલંગ પર રાખી અને હાથમાં રહેલો એ ફોટો જોયો..સંદીપ અને હિમાંશુ એ પણ પોતાનું ધ્યાન એ ફોટોગ્રાફ તરફ કેન્દ્રિત કર્યું.

એ ફોટોગ્રાફ તરફ જોતાં જ એ બધાં નાં મોંઢેથી નીકળી ગયું.

"શબનમ કપૂર.."

રાજલ પણ એમની સાથે-સાથે બોલી પડી.

"ફિલ્મ સ્ટાર શબનમ કપૂર નો ફોટોગ્રાફ.."

"પણ મેડમ એ કાતિલ ને શબનમ કપૂર સાથે શું લેવા-દેવા..મને લાગે છે એ આપણને ઉલ્લુ બનાવી રહ્યો છે..એનો ઈરાદો આ બધી નકામી વસ્તુઓમાં આપણું ધ્યાન ખેંચી આપણ સૌનું એની ઉપરથી ધ્યાન ભટકાવવાનો છે.."સંદીપ બોલ્યો.

"હવે એ તો ત્યારે જ ખબર પડશે જ્યારે આ જ ફોટો કેમ અહીં રાખવામાં આવ્યો એની માહિતી મેળવવામાં નહીં આવે..તમે આ રુમ ની સઘળી વસ્તુઓ હતી એવી કરી દો..ખાલી આ પેઈન્ટીંગ અને શબનમ કપૂર નો આ ફોટોગ્રાફ આપણી સાથે લઈ લો.."સંદીપ ની વાત સાંભળ્યાં બાદ રાજલ બોલી.

રાજલની વાત સાંભળી સંદીપ,ગણપતભાઈ અને શંકરભાઈ રૂમને વ્યવસ્થિત કરવાંનાં કામમાં લાગી ગયાં..આ દરમિયાન રાજલે હિમાંશુ સાથે થોડી વાતચીત કરી એને હૂંફ આપી કે હરીશ ને પોતે હજુપણ બચાવવાનો પ્રયત્ન જરૂર કરશે..અને જો હરીશ ને કંઈપણ થઈ જશે તો એ સિરિયલ કિલરને પોતે કોઈકાળે નહીં છોડે.

થોડીવારમાં રાજલ પોતાનાં સાથી કર્મચારીઓ સાથે નીકળી પડી પોલીસ સ્ટેશનની વાટે.. નજરોથી ઓઝલ થતી પોલીસ જીપ ને જોઈ હિમાંશુ મનોમન પ્રાર્થના કરી રહ્યો હતો કે રાજલ કંઈપણ કરી પોતાની બહેનનાં ભરથાર ને બચાવી લે..પણ એ વાતની એને ખબર નહોતી કે હવે તો એની પ્રાર્થના પણ કંઈ કરી શકવાની નથી.

રાજલ જ્યારે પોલીસ સ્ટેશન પાછી ફરી ત્યારે રાતનાં આઠ વાગી ગયાં હતાં..રાજલનાં પોતાનાં કેબિનમાં જતાં જ મનોજ હાથમાં એક સ્કેચ લઈને એની કેબિનમાં આવ્યો..એ સમયે સંદીપ પણ કેબિનમાં જ મોજુદ હતો.

"મેડમ,આ રહ્યું સ્કેચ આર્ટિટ્સ દ્વારા મોહનનાં કહ્યાં મુજબ તૈયાર કરવામાં આવેલું સ્કેચ.."હાથમાં રહેલું સ્કેચ ખોલીને રાજલ ની સામે ટેબલ પર પાથરીને મનોજ બોલ્યો.

રાજલે અને સંદીપે આતુરતા સાથે ઝીણી આંખે એ સ્કેચ ને બારીકાઈથી જોયું..ચહેરા પર જાડી ફ્રેમ નાં ચશ્માં,માથે કાન ઉપર આવતાં કેશ,વધી ગયેલી દાઢી અને અણિયારું નાક..રાજલ ને આ બધી જ વસ્તુઓ પોતાની ધારણા મુજબ બનાવટી લાગી.કેમકે મયુર જેવાં વજનદાર વ્યક્તિ અને વનરાજ જેવાં કેદી નું સરળતાથી કિડનેપ કરી પોતાની સાથે લઈ જવું અને એમની હત્યા કરવી એ કોઈ વૃદ્ધ વ્યક્તિનું તો કામ નહોતું જ..આ ઉપરાંત જે રીતે ફાર્મહાઉસ ની પાઈપ ઉપર ચડી રૂમની બારી તોડવામાં આવી હતી એ દર્શાવતું હતું કે એ સિરિયલ કિલર ગજબની સ્ફૂર્તિ ધરાવે છે.

પેઈન્ટીંગ તરફ જોયાં બાદ રાજલે મનોજ ને સવાલ કર્યો.

"આ સિવાય મોહને કોઈ એવી વાત જણાવી જે એ મને બતાવવાની ભૂલી ગયો હોય..?"

"હા,મેડમ..મોહને કહ્યું કે એ વૃદ્ધ વ્યક્તિ વારંવાર એક ગીત ની પંક્તિઓ ગુનગુનાવી રહ્યો હતો..જેનાં શબ્દો હતાં..આજ કી રાત કોઈ આને કો હૈ.."

"ઓફિસર,આ સ્કેચ ને દરેક પોલીસ સ્ટેશનમાં સર્ક્યુલર કરી દો અને કહો કે આવો વ્યક્તિ ક્યાંય નજરે ચડે તો તરત એની ધરપકડ કરવી..કેમકે ફરીવાર પોતાનાં નવાં શિકારને ફાંસવા એ હત્યારો આ વેશ ફરી ધારણ કરે એવી શક્યતા ખરી."

"Ok મેડમ..હું એ કામ કરી દઉં..પણ ત્યાં હરીશ દામાણી નાં ફાર્મહાઉસ પરથી કોઈ લીડ મળી.."મનોજે પૂછ્યું.

જવાબમાં રાજલે ત્યાં જે કંઈપણ ઘટિત થયું હતું એ વિશે મનોજને જણાવી દીધું..રાજલની વાત સાંભળ્યાં બાદ મનોજ ઉત્સુકતાથી બોલ્યો.

"મેડમ શું હું એ ફોટોગ્રાફ જોઈ શકું છું શબનમ કપૂરનો..હું એમનો બહુ મોટો ફેન છું.."

રાજલે પોતાની જોડે રહેલો ફિલ્મ સ્ટાર શબનમ કપૂરનો ફોટોગ્રાફ મનોજની સમક્ષ ધરતાં કહ્યું.

"લો આ રહ્યો એ ફોટોગ્રાફ જે એ કાતીલે પોતાનાં નવાં શિકારની હિન્ટ તરીકે ત્યાં પેઈન્ટીંગ પાછળ છુપાવ્યો હતો.."

પોતાનાં હાથમાં શબનમ કપૂરનો ફોટોગ્રાફ લેતાંની સાથે જ ચહેરા પર સ્મિત સાથે મનોજ બોલ્યો.

"આ તો શબનમ કપૂર નાં મિસ અમદાવાદ કોમ્પીટેશન વખતે નો ફોટો છે.."

મનોજનાં મોંઢે આ વાત સાંભળતાં જ રાજલ નવાઈ સાથે બોલી.

"તમને કઈ રીતે ખબર કે આ એ સમયનો ફોટો છે..?"

રાજલનાં પુછાયેલાં સવાલનાં જવાબમાં મનોજે જણાવ્યું.

"મેડમ,આજથી અઢી વર્ષ પહેલાં અમદાવાદ ટાગોર હોલ ખાતે મિસ અમદાવાદ કોમ્પીટેશન યોજાઈ હતી..એ વખતે મારી ડ્યુટી ત્યાં જ હતી..શબનમ કપૂરનાં હાથે વિજેતા બનનાર ને મિસ અમદાવાદ નો તાજ પહેરાવવાનું નક્કી થયું હતું..હું શબનમ કપૂર નો બહુ મોટો ચાહક છું એટલે મેં એમની સાથે એક ફોટો પણ પડાવ્યો હતો..અને એ ફોટો મારાં ઘરે ફ્રેમ કરાવીને મેં રાખ્યો છે..આ ફોટોગ્રાફમાં છે એજ કપડામાં શબનમ કપૂર સાથેનો ફોટો હું રોજ સવારે જોવું તો મારો દિવસ સારો જાય છે."

"ઘણી સારી વાત કહેવાય..હવે શબનમ કપૂરનાં વિચારો મુકો અને થોડું ડ્યુટી પર ધ્યાન આપો.."મનોજનો પ્રફુલ્લિત ચહેરો જોઈ રાજલ બોલી.

"Ok મેડમ..હું જાઉં ત્યારે આ સ્કેચ નો મેઈલ બધાં પોલીસ સ્ટેશનમાં કરવા.."રાજલની વાત સાંભળી ક્ષોભીલો પડી મનોજ બોલ્યો અને પછી રાજલની કેબિનમાંથી ફટાફટ બહાર નીકળી ગયો.

"મેડમ,મેરેજ નથી થયાં ને હજુ એટલે બહુ જલ્દી હરખપદુડો થઈ જાય છે..બાકી પોતાનાં કામ પ્રત્યે ચોક્કસ છે.."મનોજનાં જતાં જ સંદીપ બોલ્યો.

જ્યાં પોતાનાં જેટલી જ પાયરી ધરાવતાં સાથી કર્મચારી ની નીચી દેખાડવામાં બધાં લાગેલાં હોય ત્યાં પોતાનાં સ્ટાફનાં બે સબ ઈન્સ્પેકટર વચ્ચેનો સુમેળભર્યો સંબંધ જોઈને રાજલને મનોમન પોતાનાં સ્ટાફ ઉપર ગર્વ થયું.

"મનોજે એ માહિતી તો આપી કે આ ફોટોગ્રાફ મિસ અમદાવાદ કોમ્પીટેશન વખતનો છે પણ આ ફોટોગ્રાફ સાથે એ કાતીલ ને શું સંબંધ હશે એની રજેરજની ડિટેઈલ મેળવવી પડશે.."સંદીપ ને ઉદ્દેશીને રાજલ બોલી.

"મેડમ એ કામ મારાં ઉપર છોડી દો..કાલ સવાર સુધીમાં એ સમયની મિસ અમદાવાદ કોમ્પીટેશન ની દરેક માહિતી આપનાં ટેબલ પર હશે.."રાજલની વાત સાંભળી મક્કમ અવાજે સંદીપ બોલ્યો.

"Ok, તો હવે હું નીકળું છું ઘરે જવાં..મેં હેડ ક્વાર્ટર માં વાત કરીને રાત દરમિયાન શહેરમાં પેટ્રોલિંગ વધારવાની વાત કરી દીધી છે..સાથે એ પણ જણાવ્યું છે કે વેસ્ટ રિવરફ્રન્ટ તરફ કોઈપણ જાતની સંદિગ્ધ કાર કે ગાડી દેખાય તો એની સઘન તપાસ કરવી.."રાજલે પોતાની પોલીસ હેટ માથે ચડાવતાં કહ્યું.

સંદીપ અને મનોજને એમનું કામ પૂર્ણ કર્યાં બાદ ઘરે જઈ શકે છે એવું જણાવી રાજલ પોતાની બુલેટ લઈને નીકળી પડી પોતાનાં ફ્લેટની તરફ..અહીં આવતી વખતે પણ રાજલને હરીશની ચિંતા સતાવી રહી હતી..પોતે ઈચ્છવા છતાં પણ હરીશ જોડે જે થવાનું હતું એ રોકવામાં અસમર્થ હોવાનું દુઃખ એનાં મુખ પર દેખાઈ રહ્યું હતું.

ફ્લેટ ઉપર પહોંચી રાજલ ફ્રેશ થઈને કપડાં ચેન્જ કરી પથારીમાં સુવા માટે લંબાવે છે..ઘણો પ્રયત્ન કરવાં છતાં પણ રાજલને ઊંઘ નહોતી આવી રહી.એક ફરજનિષ્ઠ પોલીસ અધિકારી તરીકે માસુમ લોકોનો જીવ લેનારાં એ સિરિયલ કિલરનું આમ ખુલ્લું ઘુમવું એની સહનશક્તિ બહારની વાત હતી..રાતનાં બાર વાગ્યાં સુધી પડખાં ઘસવા છતાં રાજલને ઊંઘ નહોતી આવી રહી.

આખરે રાજલ પલંગમાંથી બેઠી થઈ અને અલમારી ખોલી એમાંથી સ્લીપિંગ પીલ્સ નીકાળી અને પાણી ની ઘૂંટ સાથે એ સ્લીપિંગ પીલ્સ ગળે ઉતારી ગઈ..દવાની અસર હેઠળ રાજલને પછી ઊંઘ આવી ગઈ..આવું રાજલ સાથે પહેલાં પણ બની ચૂક્યું હતું..એ જ્યારે જ્યારે કોઈ કેસ સોલ્વ કરવામાં અસફળ રહેતી તો એનો તણાવ એને સુવા નહોતો દેતો અને આજ તણાવ દૂર કરી સુવા માટે એ સ્લીપિંગ પીલ્સ નો સહારો લેતી.

**********

એક તરફ રાજલ સ્લીપિંગ પીલ્સ નો સહારો લઈ ઘસઘસાટ સુઈ રહી હતી..તો બીજી તરફ એને સ્લીપિંગ પીલ્સ લેવાં મજબુર કરનાર રિવરફ્રન્ટ સિરિયલ કિલર રાતનાં અઢી વાગે પોતાનાં વેરાન બંગલેથી હરીશની લાશને પોતાની નક્કી કરેલી જગ્યાએ ફેંકવા માટે નીકળી પડ્યો હતો.

એની કાર પવનની ગતિ સાથે વાત કરતી જેવી RTO સર્કલ જોડે આવી એ સાથે જ જ્યાં હાજર PCR વાન ને જોઈને થોડી ધીમી પડી ગઈ..પોલીસ ની આટલી બધી હાજરી જોઈને પણ એ સિરિયલ કિલર ડર્યા વગર એ પોલીસનું ટોળું જ્યાં ઉભું હતું એ તરફ જ કાર ને હંકારીને લઈ ગયો..એની કાર ને જોઈને એ ટોળામાં હાજર બે કોન્સ્ટેબલ હરકતમાં આવ્યાં અને પોતાનાં હાથમાં મોજુદ લાકડી બતાવી એ કારને ઉભી રાખવાનો ઈશારો કર્યો.

પોતાનાં ચહેરા પર કોઈપણ જાતનો ડર કે ચિંતા વગર એ સિરિયલ કિલરે પોતાનાં કારની બ્રેક મારી અને કાર ઉભી રાખી..એ બે કોન્સ્ટેબલ જેવાં નજીક આવ્યાં એટલે એને ગાડીનાં દરવાજાનો કાચ નીચે કર્યો અને એ કોન્સ્ટેબલો તરફ જોયું..અંદર બેસેલાં એ સિરિયલ કિલર ને જોતાં જ એ બંને કોન્સ્ટેબલ ચોંકી ગયાં..એમાંથી એક કોન્સ્ટેબલ એ સિરિયલ કિલરને ઉદ્દેશીને બોલ્યો.

"અરે સાહેબ તમે..વાંધો નહીં તમે જઈ શકો છો.."

"પણ આટલી બધી પોલીસ કેમ અહીં તૈનાત છે..?"એ સિરિયલ કિલરે જાણીજોઈને સવાલ કર્યો.

"એતો શહેરમાં સિરિયલ કિલર આવ્યો છે..એટલે ઉપરથી ઓર્ડર છે કે પૂરતી કાળજી લેવાની.."એ કોન્સ્ટેબલ બોલ્યો.

"અરે તો પછી મારી ગાડી પણ ચેક કરી લો..બધાં જોડે એક સરખો વ્યવહાર રાખવો જોઈએ.."એ કિલરે કહ્યું.

"અરે સાહેબ..તમે પણ શું મજાક કરો છો..તમ તમારે જાઓ..એ સિરિયલ કિલર જે કોઈપણ હશે પણ અમારાં હાથે બચી તો નહીં જ શકે.."એ કોન્સ્ટેબલ બોલ્યો.

"સારું ત્યારે..આવજો.."આટલું કહી એ સિરિયલ કિલરે દરવાજા નો કાચ બંધ કર્યો અને કાર નાં એક્સીલેટર પર પગ મૂકી કારને ભગાવી મુકી સુભાષબ્રિજ તરફ.

અત્યારે એનાં ચહેરા પર એક વિજયી પણ લુચ્ચી સ્મિત પથરાઈ ગઈ હતી..!!

★★★★

વઘુ આવતાં ભાગમાં.

મિસ અમદાવાદ કોમ્પીટેશનમાં આવેલી શબનમ કપૂરનાં ફોટોગ્રાફ નું રહસ્ય શું હતું...?કોણ હતો એ સિરિયલ કિલર..?કોણ હતો એ હત્યારા નો નવો ટાર્ગેટ..?આ વખતે ગિફ્ટબોક્સમાં રાજલને શું મળશે..?ગિફ્ટ બોક્સમાં આવતી અલગ-અલગ રંગની રિબિનનું રહસ્ય શું હતું .?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે.

જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)