રણમાં ખીલ્યું ગુલાબ
ડો. શરદ ઠાકર
(19)
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલો એ બીજું કંઇ નથી, પગલા વસંતના.
એ સવાર કંઇક અનોખી જ ઊગી હતી. સ્વ. અમરતબાઇ જીવાભાઇ પટેલ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજના બે હજાર વિદ્યાર્થીઓ વેલેન્ટાઇન ડે ની ઊજવણી માટે સજ્જ થઇને આવ્યા હતા.
પ્રાંગણમાં એક વિશાળ વડના ઝાડ ફરતે બેસી શકાય તેવો ગોળાકાર ઓટલો હતો. વર્ષના કોઇ પણ દિવસે એ ઓટલા પર સૌંદર્ય પિપાસુ યુવાનો બેઠેલા જ હોય. એ ઓટલો ‘અલખનો ઓટલો’ કહેવાતો હતો; વાસ્તવમાં ત્યાં મલકના મોરલાઓ પોતાની ઢેલને જોવા માટે કલાકો સુધી ‘ફેવિફિક્સ’ લગાવીને બેસી રહેતા હતા.
વેલેન્ટાઇન ડે ના ‘પવિત્ર’ અવસર પર તો ત્યાં બેસવા માટે પડાપડી થઇ રહી હતી. અનહદ એના માટે જરાક મોડો પડ્યો હતો.
“મિત્રો, મારે પણ આજે ક્લાસરૂમમાં જતા પહેલા થોડી વાર માટે આ ઓટલા પર બેસવું છે; જરાક ખસો તો જગ્યા......” અનહદે વિનંતી કરી. જવાબમાં ઓટલો હસી પડ્યો. જાત જાતના જવાબો સાંભળવા મળ્યા.
“અલ્યા,બોચિયા! તારે ને વેલેન્ટાઇન ડે ને શું લાગે વળગે? જા, ભણવામાં ધ્યાન આપ.”
“ભાઇ, તારા કપડાં તો જો! આ ઓટલા પર જગ્યા પ્રાપ્ત કરવા માટે ક્વોલિફિકેશન હોવું જરૂરી છે. બ્રાંડેડ કપડાં, મોંઘા શૂઝ, ફોરેન બ્રાન્ડનો લેધર બેલ્ટ, હીરો ટાઇપ હેર સ્ટાઇલ, હૈયામાં ઉછાળા મારતો રોમાન્સ અને હાથમાં બે-પાંચ હજાર રૂપીયાની ગિફ્ટ. આ બધું હોય ત્યારે જ તમે આપણી કોલેજની કોઇ સુંદર યુવતીને પૂછી શકો કે વિલ યુ પ્લીઝ બી માય વેલેન્ટાઇન?”
ત્રીજાએ કહ્યું, “જેન્ટલમેન! તમે મોડા પડ્યા છો. અમે તો સવારના સાડા છ વાગ્યે આવીને ઓટલા પર ગોઠવાઇ ગયા છીએ. હવે તો એક ઇંચ જગ્યા માટે પાઘડી બોલાય છે.”
સમય થવા આવ્યો એટલે એક પછી એક કોલેજ કન્યાઓ ઝાંપામાં થઇને અંદરની તરફ આવવા લાગી. આજે એ બધી પણ અપ્સરાઓનું રૂપ ધારણ કરીને આવી હતી. એવું લાગતું હતું જાણે ‘રેમ્પ વોક’ કરવા માટે મોડલ્સ ન આવતી હોય!
ઓટલો એવી વ્યૂહાત્મક જગ્યાએ આવેલો હતો કે દરેક છોકરીએ એની સાવ નજીકથી પસાર થવું જ પડે.
મૃગાક્ષી આવી એ સાથે જ પાંચ મજનુઓ કૂદી પડ્યા. દરેકના હાથમાં ગુલાબનુ ફૂલ હતું, મોંઘું ગ્રીટીંગ્ઝ કાર્ડ હતું અને હૃદયમાં ઉમંગ ઊછળ્ળા મારતો હતો. એક પછી એક મજનુ મૃગાક્ષીને પૂછી રહ્યો, “હેપ્પી વેલેન્ટાઇન ડે! વિલ યુ બી માય વેલેન્ટાઇન?”
મૃગાક્ષી મધમીઠું હસીને દરેકની સામે જોઇ રહી. બઘાના હાથમાંથી ગુલાબો સ્વીકાર્યા, ગ્રીટીંગ્ઝ આવકાર્યા અને જવાબમાં ‘યસ, અફકોર્સ!’ જેવું લાલચનું ગાજર લટકાવીને ક્લાસરૂમ તરફ આગળ વધી ગઇ.
પછી લિપ્સા આવી. પછી તૃષા. પછી અપર્ણા, કામ્યા, નંદિતા, રિક્તા અને ... ...! મૃગાક્ષી વાળુ દૃશ્ય દરેક વખતે ભજવાતું રહ્યું.
દરેક યુવાનના મનમાં એક ટાર્ગેટ રમતું હતું. વર્ષ ભર જે યુવતીને ‘આઇ લવ યુ’ કહેવાની ઇચ્છા થતી હતી, પણ કહી શકાતું ન હતું એને આ ખાસ દિન નિમિતે દિલની વાત કહી દેવાતી હતી.
પણ જોવા જેવી બાબત એ હતી કે ઓટલો ખાલી થતો ન હતો. જે છોકરાનો વારો પતી જતો હતો તે પણ બેસી રહેતો હતો. કેટલાક પૈસાદાર બાપના વંઠેલા દીકરાઓ તો દસ-દસ કાર્ડ્ઝ લઇને પધાર્યા હતા. લોટરીની દસ ટિકિટો લીધી હોય તો એકાદ તો લાગી જાય ને?!
વેલેન્ટાઇન નો સ્વયંવર બરાબર જામ્યો હતો ત્યાં પ્રિન્સિપાલ પાઠક સાહેબનુ આગમન થયું. પ્રિ. પાઠક વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. યુવાનોની સાથે તેઓ યુવાન બનીને વાત કરતા હતા. એમણે ઓટલા પાસેનો માહૌલ જોયો. એમને હસવું આવી ગયું. પૂછી બેઠા, “બધું બરાબર ચાલી રહ્યું છે ને, દીકરાઓ?”
“હા, સર. અમે તમારી દીકરીઓ માટે પરસેવો તો પાડી રહ્યા છીએ; જોઇએ કોના હાથમાં કોણ આવે છે?” કોલેજના જી.એસ. અધીરે ટીખળમાં જવાબ આપ્યો. બધા હસી પડ્યા.
પ્રિ.પાઠક બોલ્યા, “આજે તો તમે બધા સરસ તૈયાર થઇને આવ્યા છો ને કંઇ? અને તમારી ધીરજને પણ દાદ દેવી પડે. આજે આખો દિવસ ઓટલા પર જ કાઢવાના છો ને?”
“અમારી ધીરજ તો કંઇ નથી, સાહેબ! ત્યાં સામેની કમ્પાઉન્ડ વોલ તરફ જુઓ. પાંચસો જેટલા પાળીયાઓ કલાકોથી એ દિવાલની સાંકડી પાળ ઉપર બેસી રહ્યા છે.”
કોલેજની દિવાલની પાળ પણ આજે પાળીયાઓથી ભરચક હતી.
કોલેજ શરૂ થવાનો ઘંટ વાગવાની તૈયારીમાં હતો ત્યારે છેક છેલ્લે અધ્યાષાનું આગમન થયું. બે હજાર યુવાનોના દિલ એક ધબકારો ચૂકી ગયા. અધ્યાષા આ કોલેજની સર્વશ્રેષ્ઠ યુવતી હતી. ચાલુ દિવસોમાં પણ તે સુંદર રીતે સજી-ધજીને આવતી હતી. આજે તો એ રૂપની રાણી, માખણની મૂર્તિ, સૌંદર્યની અધિષ્ઠાત્રી જાણે નજાકતના વસ્ત્રો અને આકર્ષણના આભુષણો ધારણ કરીને મૃગયા કરવા માટે નીકળી પડી હતી!
એક ક્ષણનો સન્નાટો સમાપ્ત થયા પછી ઓટલો આળસ મરડીને પાછો સજીવન થયો. પાળ પર બેઠેલા પાળીયાઓ પણ મૂર્છાવસ્થામાંથી બહાર આવ્યા. બધા એક સાથે અધ્યાષાને ઘેરી વળ્યા. એક સાથે સેંકડો ફૂલો અને ગ્રીટીંગ્ઝ કાર્ડઝ પકડેલા હાથ એની દિશામાં લંબાઇ રહ્યા. ટોળામાંથી કોરસ સ્વરમાં પ્રશ્ન ફેંકાયો, “વિલ યુ બી માય વેલેન્ટાઇન, અધ્યાષા? પ્લીઝ.....!
અધ્યાષા કવિ કાલીદાસના મહાકાવ્ય ‘રઘુવંશમ્’ની ઇન્દુમતી બનીને બધાની સામે વારાફરતી જોઇ રહી. જાણે કોને પસંદ કરવો એ વાતની ચકાસણી ન કરી રહી હોય! બધાના પ્રાણ તાળવે ચોટી ગયા હતા. બમ્પર લોટરીનો લકી નંબર કોનો નીકળે છે એ વાતની પ્રતિક્ષા સેંકડો આંખોમાં આશાનો દીપક બનીને ઝબકી રહ્યો હતો.
અચાનક તે જ સમયે ઝાંપામાં થઇને એક ડાર્ક બ્લુ રંગની જગુઆર કાર મેદાનમાં પ્રવેશી. સ્ટીયરીંગ પર જે શોફર હાજર હતો એ જ એટલો શાનદાર દેખાતો હતો કે એની આગળ અલખનો આખો ઓટલો ઝાંખો પડી જાય. કારનું પાછલું ડોર ખૂલ્યું. અંદરથી ઐલ બહાર નીકળ્યો. તમામ છોકરાઓ હતાશ થઇ ગયા. આ ઐલ ખરે ટાણે જ ક્યાંથી ટપકી પડ્યો?!
આવું થવાનું કારણ હતું. ઐલ કોલેજમાં સૌથી વધુ પૈસાદાર બાપનો નબીરો હતો. એનામાં પૈસા દ્વારા આવતો આત્મવિશ્વાસ પણ ભારોભાર હતો. આજે એ સૌથી મોંઘા અને સૌથી લેટેસ્ટ ફેશનના કપડાં પહેરીને આવ્યો હતો. ગાડીમાંથી ઊતરીને એ સીધો અધ્યાષાની સામે જઇને ઊભો રહ્યો. જમણો હાથ લંબાવ્યો; પાછળ ઊભેલા શોફરે લાલ ચટ્ટાકા ગુલાબોનો મોટો સુંદર બુકે એના હાથમાં મૂકી દીધો. પછી ઐલે પેન્ટના ખિસ્સામાંથી એક નાની જવેલરીની ડબ્બી કાઢી. એમાંથી સોનાની ચેઇન બહાર કાઢી. ગોલ્ડન ચેઇનની વચ્ચે ‘I L U’ લખેલું પેન્ડન્ટ ઝૂલતું હતું. ઐલે ચેઇન અને બુકે બંને ચીજો અધ્યાષાની સામે ધરી દીધી; પછી એ પોતાના ગોઠણ ઉપર ઝૂક્યો અને મૃદુ અંદાઝમાં બોલ્યો, “ વિલ યુ બી કાઇન્ડ ઇનફ ટુ બી માય વેલેન્ટાઇન, બ્યુટી?”
બ્યુટી ખીલી ઉઠી. એકાદ લાખ રૂપીયાની કિંમતની સોનાની ચેઇન, મઘમઘતા ગુલાબોનો બુકે અને કોઇ સામ્રાજ્ઞીની સામે ધૂંટણીયે પડેલા ખંડીયા રાજા જેવો ઐલ! કઇ સ્ત્રીને આવું ન ગમે?
અધ્યાષા ત્રણેય વસ્તુઓનો સ્વીકાર કર્યો; હુકે, ચેઇન અને પ્રેમીની પ્રપોઝલ. એ દિવસથી અધ્યાષા અને ઐલની જોડી જામી ગઇ.
પ્રિ.પાઠક સાહેબ બપોરે રાઉન્ડ પર નીકળ્યા ત્યારે એમણે જોયું કે લાઇબ્રેરીમાં દૂરના ખૂણામાં આવેલા ટેબલ પાસે એક વિદ્યાર્થી માયૂસીના મહાસાગરમાં ડૂબીને બેઠો હતો. પ્રિ. પાઠકે એને કહ્યું, “ફોલો મી. યુ કમ ટુ માય ઓફિસ.” એ છોકરો અનહદ હતો.
ઓફિસમાં જઇને પ્રિ.પાઠકે અનહદને એની ઉદાસીનુ કારણ પૂછ્યું. અનહદના અવાજમાં રૂદન હતું, “સર, મને અધ્યાષા ખૂબ ગમે છે. પણ હું ગરીબ મા-બાપનો કમનસીબ દીકરો છું. મારા ખિસ્સામાં પૈસા નથી હોતા. છેલ્લા છ મહિનાથી હું મેસમાં જમવામાં કરકસર કરીને રૂપીયા બચાવતો હતો. મારી ઇચ્છા હતી કે વેલેન્ટાઇન ડે ના દિવસે હું પણ મારી અધ્યાષાને ફૂલો અને ભેટ આપીને પ્રેમનો પ્રસ્તાવ મૂકીશ, પણ આજે ઐલે સોનાના ચળકાટમાં સૌંદર્યને આંજી દીધું. સર, મારે એટલું જ જાણવું છે કે ગરીબ હોવું એ શું ગુનો છે?”
“ના, મારી દૃષ્ટિએ ગરીબ એ ગુનો નથી, બેટા, પણ અધ્યાષા જેવી મૂર્ખ છોકરીઓની દૃષ્ટિએ ગુનો છે. ઐલને હું જાણું છું. એ લંપટ ભ્રમર છે. છેલ્લાં બે વર્ષમાં એણે વીસ-ત્રીસ છોકરીઓને સોનાની ચેઇન આપીને પોતાની બનાવી લીધી અને પછી છોડી દીધી છે. એ બધી છોકરીઓ મારી પાસે આવીને રડી ગઇ છે. અધ્યાષાની પણ એવી જ હાલત થવાની છે. આજની યુવાન પેઢી વેલેન્ટાઇન નામના પરદેશી સંતની પાછળ ઘેલી થઇ છે; હકીકતમાં કોઇને ખબર નથી કે એ કોણ હતા અને શું કહી ગયા છે? આ લોકોને તો વેલેન્ટાઇન ડે ના બહાને આવું બધું કરવું હોય છે. પણ બેટા, બધા છોકરાઓ એવા નથી હોતા. તારા જેવા સંસ્કારી યુવાનો પણ છે આ દેશમાં જેમને કવિ કાલીદાસના શૃંગારમાં રસ છે, વસંતઋતુના વિજયમાં રસ છે, જેમને મન પ્રેમ એ પૂજા છે અને પ્રેમિકા ઇશ્વર છે. તું હતાશ ન થઇશ. અધ્યાષા સારી છોકરી છે. હું એને ઓફિસમાં બોલાવીને સમજાવું છું. એ માની જશે. તું ભણવામાં ધ્યાન આપ. તારી કારકિર્દીનુ ઘડતર કર. વેલેન્ટાઇન ડેના સોનેરી ચળકાટ સામે વાસંતી કેસુડાની જીત થશે. પછી દર વરસે તું અને અધ્યાષા વસંતપંચમી સાથે ઉજવજો. મારા તને આશિર્વાદ છે.”
(શીર્ષક પંક્તિ: મનોજ ખંડેરિયા)
---------