Black Mail - 3 in Gujarati Fiction Stories by Akil Kagda books and stories PDF | બ્લેક મેઈલ - ૩

Featured Books
Categories
Share

બ્લેક મેઈલ - ૩

બ્લેક મેઈલ - 3

***

મારા ધારવા મુજબ અને આઠ-દસ અલગ અલગ વ્યક્તિઓ પાસે ફોન કરાવ્યા પછી બોમ્બેવાલા પારસી ભાઈનો મારા પર ફોન આવ્યો. ફરીથી મે સભ્ય ભાષામાં વાત ચાલુ કરી. તેણે કહ્યું કે, “અમારો વિચાર વેચવાનો છે, પણ ભાડુઆત કે બીજી કોઈ જવાબદારી અમે લેવા માંગતા નથી.”

“બહુ સરસ સર... બીજી કોઈ ચિંતા તમે ન કરો. અમે બધું ગણતરીમાં લઈને જ તમને ઓફર આપી છે. તમારે અમને જેટલા પણ વારસદાર હોય તે દરેકની સહી લાવી આપવી પડશે, બસ. બાકીનું અમે મેનેજ કરી લઈશું. દસ્તાવેજ બનાવતી વખતે તમને બધાને એકવાર અહી આવવું પડશે.”

“એ બધું તો ઠીક છે, પણ તમે કહી એ કિંમત બહુ ઓછી છે.”

“તમે કેટલા ધારો છો?”

તે અચકાતા બોલ્યો, “બે કરોડ તો મળવા જ જોઈએ ને?”

હું ખુબ જ સભ્યતાથી બોલ્યો, “બિલકુલ સાચી વાત તમે કહી છે, સાહેબ. સાચું કહું તો બે શું ચાર કે પાંચ કરોડની કિંમત ગણાય. પણ એ ત્યારે કે જયારે તમે કેસ જીતી જાવ અને બધા ભાડુઆતો કબજો તમને સોંપી દે ત્યારે, બરાબર સાહેબ? હવે તમે વિચારો કે તે સહેલું છે? કોર્ટ-કચેરીના કામ તમે નથી જાણતા? આઠ વર્ષ થયા કોઈ ફેંસલો આવ્યો?”

“સમજુ છું, તમારી વાત, પણ તોયે...”

“સાહેબ એ બધું ફોન પર ન થાય. રૂબરૂમાં બેઠક કરીએ અને ત્યારે જ જે કઈ હોય તે પૂરું કરીએ.”

“તો અમારે અમદાવાદ આવવું પડશે?”

“ના, ના સાહેબ.. અમારો પ્રતિનિધિ અને વકીલ બોમ્બે આવશે. તમે બધા વારસદારો એક જગ્યાએ ક્યારે ભેગા થવાના છો તે જણાવજો. અને સાથે તે મિલકતનો જુનો દસ્તાવેજ પણ રાખજો.”

“બહુ સારું, હું તમને ફોન કરીશ. અને સાહેબ બની શકે તો તમે જ આવજો.. અમને બીજા જોડે નહિ ફાવે.” પારસીભાઈને હું સારો લાગ્યો તે મારી જીત હતી.

“જરૂર, હું જ આવીશ. અને હવે તે બોર્ડ તમે ઉતરાવી લેજો. આપણી ડીલ ન થાય તો ભલે તમે ફરી જાહેરાત આપજો.” મેં છેલ્લો દાવ ફેંક્યો. તે બોલ્યો, “પ્લીઝ સાહેબ તમે જ ઉતરાવી લેજોને.. એને લીધે અમને ખુબ પરેશાની થાય છે. સાચું કહું તો એવો કોઈ બોર્ડ અમે લગાવડાવ્યો જ નહોતો.”

હું હસીને બોલ્યો, “જે થયું એ, એને કારણે આપણો સબંધ તો બન્યો... ડીલ ન થાય તોપણ સબંધ રાખજો અને ગમે ત્યારે અહી આવો ત્યારે ફોન કરીને મને તમારી મહેમાની કરવાનો મોકો આપજો.” તે ગદગદિત થઇ ગયો. મને હવે ખાતરી થઇ ગઈ હતી કે કિંમત મામલામાં હું તેમણે કન્વીન્સ કરી શકીશ, અને ૬૦ ઉપર બીજા ૨૫ સુધી આપવા મને પોસાય એમ હતા.

***

સ્વાતિનો ફોન આવ્યો. તે ડરેલી અને ગભરાયેલી લાગતી હતી. બોલી, “તમે ક્યાં છો?”

“બહાર છું, કેમ શું થયું? બેબી બધું બરાબર છે ને?”

“કપિલનો ફોન આવ્યો હતો, મને બોલાવે છે.”

“શું?? અનબિલીવેબલ.... ક્યારે અને ક્યાં?” મને સખત આંચકો લાગ્યો હતો.

“આજે બપોરે બે વાગ્યે... વેજલપુરવાળા ફાર્મ હાઉસમાં.”

“વાંધો નહિ સ્વીટી, તુ હા પાડી દે અને ફાર્મ હાઉસ પર જજે, જરાય ડરીશ નહિ, હું પહોંચી જઈશ.”

તે શંકાથી બોલી, “તમે આવશો ને?”

“હા ડાર્લિંગ, તુ જરાય ચિંતા ન કર.”

મારું મગજ બહેર મારી ગયું હતું. મેં સપનામાં પણ ધાર્યું નહોતું કે કપિલ આવી હિંમત કરી શકે. પણ તેણે કરી હતી... મારી ધમકી અને ચેતવણી છતાં પણ કપિલે સ્વાતિને બોલાવી હતી. તેનો અર્થ અમારી દુનિયામાં એમ થતો હતો કે હું કશું નથી. કપિલ સામે મગતરાથી વિશેષ કશું નથી. આ સીધે સીધી ચેલેન્જ હતી મારા માટે. કોઈ મારી ધમકીની કે ચેતવણીની અવગણના કરે અને હું તેને સબક ન શીખવાડું કે કશું ન કરું તો અમારા સર્કલમાં મારી કોઈ ઈજ્જત કે ગણતરી રહે નહિ.

મને જલ્દી ગુસ્સો આવતો નથી કે હું અવિચારી પગલું ભરતો નથી. પણ આજની વાત જુદી છે. એક તો હું તેને મારું અપમાન ગણતો હતો, અને બીજું મુખ્ય કારણ સ્વાતી... હું જેને પ્રેમ કરું છું તેની પર કોઈ બળજબરી કરે તે મારાથી સહન થઇ શકે નહિ. શું કરવું તે મેં વિચારી લીધું. હજુ કલાક હતો મારી પાસે.

બાઈક પર હું ઘેર આવ્યો અને કબાટમાંથી મારી ફેવરીટ ગ્લોક કાઢીને ટેબલ પર મૂકી. કશું વિચાર્યું અને ફરી કબાટ ખોલીને કોલ્ટ કાઢી. કોલ્ટ વજનદાર અને મોટી હતી. પણ પાવરફુલ અને ૨૦૦ મીટર દુરથી પણ અસરકારક પરિણામ આપતી હતી. જયારે ઈઝરાયેલી ગ્લોક નાનકડી, હેન્ડી અને ગમે ત્યાં છુપાવી શકાય એવી ખરી પણ તે ૫૦ મીટર દુરના નિશાન પર પણ અસરકારક પરિણામ આપતી નહોતી. પોઈન્ટ બ્લેન્ક રેંજ માટે તે આદર્શ હતી.

કોલ્ટ બેલ્ટમાં ખોસી અને તેને ઢાંકવા ઉપર જેકેટ પહેર્યું અને સોફા પર બેઠો. ફરી વિચાર્યું કે ગ્લોક પણ સાથે રાખવી સારી. સંકટ સમયે કામ લાગશે. અને તેને પગની પીંડી પર બાંધીને પેન્ટ નીચે ઉતાર્યું. હા હવે મને સારું લાગતું હતું. આજે કપિલનો છેલ્લો દિવસ હતો. મને મારી જાત પર એટલું અભિમાન છે કે મને હજુ વિશ્વાસ નથી પડતો કે કપિલ મને કે મારી ધમકીને અવગણી શકે...

ફ્રીઝમાંથી બિયરનું કેન લાવીને હું ફરી સોફા પર બેઠો, અને સ્વાતિનો ફોન આવ્યો, “હું જાઉં ને?”

“હા બેબી, તુ બિન્દાસ અને ડર્યા વગર જા, હું તારી પાછળ જ છું. આજે તેની છેલ્લી પાર્ટી છે.”

કશું નક્કી કરીને કપિલને ફોન કરવાનું વિચાર્યું. હું ગુસ્સામાં હતો, પણ હું મારા અવાજ પર ગજબ કંટ્રોલ રાખી શકું છું. બીયરનો એક ઘૂંટ લીધો ને કપિલને ફોન કર્યો, “શેઠ, તમે ફ્રી હોવ તો આપણે મળીએ. ઉતાવળ નથી, તમે બીઝી ન હોવ ત્યારે મને કહેજો.”

કપિલ બોલ્યો, “અરે આજે તો હું સાંજે સાત સુધી ફ્રી જ છું, તુ ગમે ત્યારે વેજલપુર ફાર્મ હાઉસમાં આવી શકે છે, જોયું છે ને?”

“શેઠ ફાર્મ હાઉસમાં? તો તો પાર્ટી રાખી હશે ને? બધા દોસ્તો, મહેમાનો પણ હશે ને?”

કપિલ હસીને બોલ્યો, “પાર્ટી તો ખરી જ, પણ કોઈને ભેગા નથી કર્યા. અમે ફક્ત ત્રણ દોસ્તો જ... અને ત્રણ ફટાક્ડીઓ...” તે હસ્યો અને આગળ બોલ્યો, “તને જોઇશે? હવે વ્યવસ્થા થાય એમ નથી, પણ કઈ વાંધો નહિ, વહેંચીને ખાઈ લઈશું.”

“ના શેઠ, તમે મજા કરો, હું ડીસ્ટર્બ નહિ કરું. આપણે કાલે મળીશું, એવું કાઈ અરજન્ટ કામ નથી.” કહેતા મેં ફોન બંધ કર્યો.

એક વાત નક્કી થઇ ગઈ કે કપિલ ફાર્મ હાઉસમાં છે અને સાથે તેના બે દોસ્તો પણ છે. અને ત્રણ છોકરીઓને પણ બોલાવી છે, તેમાં એક સ્વાતિને ગણી હશે? અને જો સ્વાતિને પણ બોલાવી હોય તો કપિલ શું એટલો બેવકૂફ છે કે મને પણ ફાર્મ હાઉસ પર બોલાવે અને પાર્ટી માણવાનું આમંત્રણ આપે?

તો?? સ્વાતિને નથી બોલાવી? સ્વાતિએ તો મને એવું જ કહ્યું... જો ન બોલાવી હોય તો સ્વાતિને કેવી રીતે જાણ થઇ કે કપિલ ફાર્મ હાઉસમાં છે? જોકે કપિલ ક્યાં જાય છે કે હમણાં ક્યાં છે તે જાણવું કોઈ મોટી વાત તો નથી જ. તો સ્વાતી જુઠું બોલે છે? કેમ? તે મારો ઉપયોગ કરીને કપિલનું ખૂન કરાવવા માંગે છે? જો એવું જ હોય તો તેની પાસે તેનું કારણ પણ હશે જ. અને જો સ્વાતી ચાહતી હોય કે હું કપિલને મારી નાખું, તો ભલે, હું સ્વાતિની ઈચ્છા પૂરી કરીશ.. સ્વાતી માટે હું ગમે તે કરી શકું.

હવે મને સારું લાગતું હતું. એક જ સ્વાસે બિયરનું કેન ખાલી કર્યું અને બહાર આવ્યો. બાઈક રહેવા દીધી, કાર લઈને મેં વેજલપુર તરફ મારી મૂકી.

હાઈ-વે પર આવતા ટ્રાફિકને કારણે મને ધાર્યા કરતા વધુ સમય લાગ્યો. બીજી પંદર મિનીટ, એટલે ફાર્મ હાઉસ પર પહોંચતા અઢી થશે. વાંધો નહિ, કોઈ ફરક નથી પડતો, સ્વાતી એટલો સમય તો કાઢી જ લેશે.

હાઈવે પરથી હું વેજલપુર જવાના રસ્તે ઉતર્યો કે સ્વાતિનો ફોન આવ્યો, “તમે ક્યાં છો?”

“બસ, પાંચ જ મિનીટ.”

“હમણાં ક્યાં છો?” સ્વાતી ઉતાવળે બોલી.

“ગામમાં પ્રવેશું છું.”

“આગળ ચાનો ગલ્લો આવશે, ત્યાં હું ઉભી છું.”

“કેમ? તુ ફાર્મ હાઉસમાં નથી?”

“બધું પતિ ગયું છે, તમે આવો, બધું કહું છું.” કહીને સ્વાતિએ ફોન બંધ કરી દીધો. બધું પતિ ગયું મતલબ? શું સ્વાતિએ જ કપિલને પતાવી દીધો? આગળ વિચારું તે પહેલા ચાનો ગલ્લો આવી ગયો. સ્વાતી દોડીને આવી અને આગળ બેસી ગઈ., ને બોલી, “ચાલો.”

“આ બધું શું છે? મને કઈ સમજાતું નથી.”

“ઘેર જઈને જ કહીશ” સ્વાતી મક્કમતાથી બોલી. તેના મોના ભાવ પરથી કળવાની કોશિશ કરી, પણ સ્વાતી હમેશ હોય છે તેવી જ લાગી. હું જાણતો હતો કે તે ઘેર પહોંચ્યા પહેલા હવે કશું નહિ જ બોલે. એટલે મેં પણ વિચારોના ઘોડા દોડાવવાના બંધ કરીને કાર ફેરવી, અને સિગરેટ કાઢી.

સ્વાતિ સિગરેટ ઝુન્ત્વીને બહાર ફેંકતા બોલી, “ગાડીમાં નહિ, ગુંગળામણ થાય છે.” અને મારી કમર ફંફોસીને પિસ્તોલ બહાર ખેંચી કાઢી. “બેબી સંભાળજે, લોડેડ છે.”

તે પિસ્તોલને ચારેબાજુ ફેરવીને જોતા બોલી, “માય ગોડ!! પહેલીવાર સાચી રિવોલ્વર જોઈ અને હાથમાં પકડી.”

“બેબી, આ રિવોલ્વર નથી, પિસ્તોલ છે.”

“એમ? હશે.. અમારા માટે બધું એક જ...” અને હાથમાં તોળતાં બોલી, “મારા ધારવા કરતા ઘણી વજનદાર છે.”

મેં વાંકા વાળીને પગે બાંધેલ ગ્લોક કાઢીને તેને આપતા બોલ્યો, “આ જો.. કેવી છે?”

બીજા હાથમાં ગ્લોક લેતા તે બોલી, “હા આ ફાવે... નાની ને હળવી છે. કેમ બબ્બે? શું ફર્ક છે?”

“મોટી જર્મન કોલ્ટ છે, પાવરફુલ અને લાંબી રેન્જની. નાની ગ્લોક ઈઝરાયેલી છે. તેની રેંજ ઓછી છે પણ મારી ફેવરીટ છે.”

“લાંબી રેન્જની જ સારી કહેવાય ને?”

“અમારે ક્યાં નિશાનબાજીની સ્પર્ધામાં ભાગ લેવો છે?” અને બે આંગળી સ્વાતિના કપાળે અડાડીને બોલ્યો, “બસ આમ, અને ટ્રીગર જ દબાવવાનું ને?” કહેતા હું હસ્યો.

“કોઈને એમ મારી નાખતા તમારો જીવ ચાલે?”

“ખબર નહિ, કારણકે હજુ સુધી એવી જરૂર પડી નથી.”

“આજે?”

“હા આજે તો જીવ ચાલતો કે ન ચાલતો, પણ સો ટકા કપિલને મારી જ નાખતો.”

પછી ઘેર આવ્યા ત્યાં સુધી સ્વાતી કશું બોલી નહિ.

હોલમાં પ્રવેશતા જ મેં સ્વાતિને સોફા પર ધકેલી, અને તેના બંને ખભા પકડીને સોફા સાથે દબાવીને તેની ઉપર ઝુકતા બોલ્યો, “હવે બોલ....”

“શું?”

“કપિલને ક્યાં માર્યો? તેની લાશ ક્યાં, ફાર્મ હાઉસમાં છે?”

***

(બાકી છે....)