Veer Vatsala - 18 in Gujarati Love Stories by Raeesh Maniar books and stories PDF | વીર વત્સલા - 18

Featured Books
Categories
Share

વીર વત્સલા - 18

વીર વત્સલા

નવલકથા

રઈશ મનીઆર

પ્રકરણ - 18

સાંજે ચંદનસિંહ અને વીરસિંહ વગડા તરફ આવી રહ્યા હતા. રસ્તે ચંદનસિંહે વીણા પાસેથી જાણેલી અભય વિશેની બધી વાત વીરસિંહને કરી દીધી. આખા રસ્તે બન્ને ઘોડા રસ્તો ખૂંદી રહ્યા હતા કે પોતાની છાતી, એ વીરસિંહને સમજાયું નહીં. ભગવાનમાં બહુ વિશ્વાસ નહીં છતાં વીરસિંહે ઘડીક ઉપર જોયું, સાંજના આકાશના અજવાળાથી અંજાયેલી નજર સહેજ નીચે ઉતારી ત્યાં ટીંબા ઉપર રાહ જોઈ રહેલી બે સખીઓની આકૃતિઓ દેખાઈ.

વીરસિંહને હતપ્રભ થઈ ગયેલો જોઈને ચંદનસિંહ બોલ્યો, “વીરસિંહ, તને આમાં વત્સલાનો કોઈ વાંક દેખાય છે?

વીરસિંહ સ્વભાવે સૈનિક હતો. એક ઘા અને બે કટકાવાળી સ્થિતિ જ એને ફાવતી. શું સાચું અને શું ખોટું એના બહુ લાંબા વિચારો કર્યા પછી કોઈ નિર્ણય પર કેવી રીતે પહોંચાય એવી એને ફાવટ કે સૂઝ નહોતી. એ આવી સ્થિતિમાં શું કરે?

“તો વાંક કોનો?” એણે સામો સવાલ કર્યો.

“જેનો વાંક છે એ તો દૂરદેશાવર ઝામ્બિયા ચાલી ગયો.”

પારકા માટે વિશ્વયુદ્ધ ખેલી આવેલા વીરસિંહને મન પોતાના જંગ માટે કોઈ દેશ દૂરનો ન ગણાય. એનું શૂરાતન લોહી બની ચહેરા પર ધસી આવતું જોઈ ચંદનસિંહે સમયસર સવાલ પૂછ્યો, “પ્રેમ કરવા માટે આયખુ ઓછું પડે છ, ન્યાં વેરઝેરમાં દાડા બગાડવા?”

વાત સાચી હતી. ત્રણ વરસ પછી વત્સલાને મળવાનો, એની સાથે પ્રેમના દિવસો વીતાવવાનો સમય આવ્યો હતો. હવે એવા ટાણે વેર વાળવા ઝામ્બિયા જવું?

વીરસિંહે તરત નિર્ધાર જાહેર કર્યો. “બે દિવાળી રાહ જોઈશ. એ નપાવટ દેશ પાછો ન ફરે તો ન્યાં ઝામ્બિયા જઈ એનું કાસળ કાઢીશ!”

આ સંકલ્પથી વીરસિંહના શ્વાસ હેઠા પડ્યા. હવે એ કંઈ બીજું વિચારવા લાગ્યો.

એ પારખીને ચંદનસિંહ બોલ્યો, “વીરસિંહ, તું વત્સલાને હજી પ્રેમ તો કર છ ને?”

“હા!” એકી શ્વાસે વીરસિંહ બોલી તો ગયો પણ એના મનમાં ભૂતાવળ ભમવા માંડી. વગડાના એકાંતમાં કોઈ એકલો પુરુષ કોઈ એકલી સ્ત્રી પર બળજબરી કરે તો વત્સલા જેવી છોકરી એનો જીવ લઈ લે કાં પોતાનો જીવ આપી દે! ત્રીજી કોઈ ઘટના બનવા ન દે! પણ ત્રીજી ઘટના બની હતી અને એના પરિણામરૂપે એક બાળક જન્મ્યું હતું. એટલું જ નહીં, એ છ મહિનાના બાળકને વત્સલા ઉછેરી રહી હતી, અને ઉછેરવા માંગતી હતી.

વીરસિંહ કંઈ બોલવા માંગતો હતો પણ એ બાળક જાણે એના ગળે ડૂમો બની બાઝી ગયું હતું.

“બાળકનું વિચારે છે ને? એનું કંઈ કરશું, પણ તું આમ ભાંગી કેમ પડ છ?”

ચંદનસિંહે પહેલીવાર એના ગોઠિયા ભેરૂને આવો નબળો પડેલો જોયો.

“હાલ્ય પેટછૂટી વાત કરી લે વત્સલા હારે! બન્નેના જીવને ટાઢક થાય! ને અમારા જીવનેય શાતા વળે!”

વાત તો સાચી હતી. પણ થોડાં ડગલાં આગળ વધ્યા પછી વીરસિંહની અંદરથી જાણે ધીમે ધીમે “આજે નહીં, આજે નહીં!” એવો અવાજ બુલંદ થવા માંડ્યો હોય, એમ એના ઘોડાની ગતિ ધીમી પડવા માંડી.

“વીરસિંહ, તું યુદ્ધના મેદાનમાંય કદી પાછો નથી પડ્યો!”

“પણ આ તો પ્રેમનું મેદાન છે!”

અચાનક ઘોડો પાછો વળાવતાં ગૂંચવાયેલો વીરસિંહ બોલ્યો, “વત્સલાને કહેજે કે આજે મારા જીવને સારુ નથ. કાલે મળીશ.”

ચંદનસિંહ કશું કહે એ પહેલા વીરસિંહે ઘોડો વાળી લીધો. ઢળતા સૂરજની લોહી જેવી લાલાશની દિશામાં વીરસિંહના ઘોડોને ધસી જતાં એ જોતો રહ્યો.

દૂર ઉપર ટીંબેથી વીણા અને વત્સલાએ આ દૃશ્ય જોયું. બન્ને પોતપોતાની રીતે અનુમાન લગાવતી રહી કે બે મિત્રો વચ્ચે શું વાત થઈ રહી હશે. વીણાને આશા હતી, એ જ એણે વ્યક્ત કરી, “વત્સલા! આવતી કાલનો સૂરજ આવો નહીં ઊગે! વીરસિંહ કાલે આવશે.”

વત્સલા ધીમા પગલે ટીંબેથી ઉતરી ગઈ. ત્રણ વરસ વિરહનાં જે રીતે વીત્યાં, એના કરતાં આ રાત ભારે વીતવાની હતી.

*

વીરસિંહ ઘરે પહોંચ્યો. ફોઈએ જમવાની થાળી પીરસી. ફોઈ કદાચ કોઈ માંગાની વાત કરવાના હતા. વીરસિંહ માટે શીરો બનાવ્યો હતો. ફોઈની ઈચ્છા હતી કે શીરા સાથે એ વાત પણ વીરસિંહના ગળે ઉતરી જાય. પણ વીરસિંહની ભૂખ મરી ગઈ હતી. અને એણે ફોઈની વાત પણ કાને ન ધરી. ફોઈ એને પૂછતી રહી, “શું થયું?”

ત્યાં બહારથી ફૂઆ આવ્યા, “આપણે બચરવાળ છોકરી સાથે સંસાર માંડવો નથી, સમજ્યા!”

આમેય ગરીબ પૂજારીની દીકરી ફોઈફૂઆને પસંદ નહોતી એમાં વળી ફોઈફૂઆ વત્સલા વિશેની લોકવાયકાથી માહિતગાર હતા.

ફોઈએ કડવાશથી કહ્યું, “અઢી વરસમાં અઢી ડઝન માંગા આવ્યા છે, એ કુલવાન કન્યાઓને છોડીને આ રાંકડા માણેકબાપુની બદનામ છોડીની પાછળ ભવ બગાડશે?”

ફોઈની વાણી વધુ કડવી થાય એ પહેલા ફૂઆએ એને રોકી. વીરસિંહ દૂઝતી ગાય જેવો મહામૂલો હતો. અંગ્રેજ રાજ અને સરદારસિંહ બન્ને એને જમીન આપવાના હતા. એને કાબૂમાં રાખવાનો હતો, એને નારાજ નહોતો કરવાનો!

પણ ફૂઆનો ઈશારો સમજ્યા વગર ફોઈએ વાકધારા ચાલુ રાખી, “આ દાડો જોવા માટે અમે એક અનાથ બાળકને ઉછેર્યો?”

વીરસિંહ થાળી ફગાવીને ઊભો થયો. ઘોડો પલાણી સરદારસિંહની હવેલી તરફ ગયો. થોડીવાર કંઈ બોલ્યા વગર સમસમીને ત્યાં બેસી રહ્યો. સરદારસિંહ એના આ બહાદુર પણ દુખી સાથે ને જોતો રહ્યો. સરદારસિંહને ખ્યાલ આવી ગયો હતો કે આ સિપાહી પ્રેમના દુ:ખથી પીડાય છે. કેસરના દૂધમાં ચૂપચાપ થોડી ભાંગ મેળવીને એણે વીરસિંહને સુવાડી દીધો.

માગસર માસમાં જન્મેલા બાળકોની માહિતી મેળવવાનું કામ તો હુકુમસિંહે શરૂ કરી દીધું હતું. સરદારસિંહે વિચાર્યું, વીરસિંહ સ્વસ્થ થાય પછી જ વશરામ કોળી સામે મોરચો ખોલાય. પણ નશાની તંદ્રા એવી હતી કે બીજે દિવસે સવારેય વીરસિંહ ન ઊઠ્યો. વીરસિંહની કરુણિકાની વિગત મળતાં જ સરદારસિંહને મિત્રનું દુ:ખ દૂર કરવા માટે એક અજબ વિચાર આવ્યો.

એક સાથીને પોતાના શયનખંડમાં સૂતેલા વીરસિંહનું ધ્યાન રાખવા કહી, એ સામે કાંઠે સૂરજગઢ બજાર તરફ નીકળ્યો.

બે પ્રહર પછી વીરસિંહની આંખ ખુલી ત્યારે બપોર થઈ ચૂકી હતી. એણે શયનખંડની બારીમાંથી જોયું તો સરદારસિંહ મારતે ઘોડે આવી રહ્યો હતો. ભાંગના ઉતરી રહેલા નશાને કારણે વીરસિંહને થોડા ચક્કર આવતા હતા, તોય એને દેખાયું કે સરદારસિંહના ઘોડા પર કોઈ સ્ત્રી જેવી આકૃતિ હતી. એનો અત્યાર સુધીનો અનુભવ એવો હતો કે સરદારસિંહ ચારિત્ર્યનો ચોખ્ખો હતો. હુકુમસિંહ આવા કામ કરતો, પણ સરદારસિંહ કોઈ સ્ત્રીને મોજશોખ માટે ઉઠાવી લાવે એવો નહોતો. પોતાને નશાને કારણે ભ્રમણા થઈ હશે એમ વિચારી એ મોં પર પાણીની છાલક મારી ફરી શયનખંડમાં આવ્યો ત્યાં તો સરદારસિંહ એક સ્ત્રીને બાવડું પકડીને લઈ આવ્યો અને એને વીરસિંહના પલંગ પર ફેંકી.

“લે! વીરસિંહ! રાજી થા!”

વીરસિંહ અજાણી રૂપાળી યુવાન સ્ત્રીને જોતો રહ્યો. થરથર કંપી રહેલી એ સ્ત્રીને સરદારસિંહ પોતાના મોજશોખ માટે નહીં, પણ વીરસિંહને રાજી કરવા માટે લાવ્યો હતો! જો કે સ્ત્રી બજારુ લાગતી નહોતી.

વીરસિંહને ગુસ્સો તો આવ્યો, છતાં એણે વિનય જાળવીને કહ્યું, “સરદારસિંહ, આપ જાણો છો મને આવા શોખ નથી!”

સરદારસિંહે કહ્યું, “અરે વીરસિંહ! આ કોઈ બજારુ ઔરત નથી. શાહુકારના દીકરાની વહુ છે આ! લઈ લે બદલો અને આગળ વધ! સિપાહીનો જીવ કશામાં રોકાઈ રહે, એ સારુ નહીં! એના વરે તારી દિલદારા સાથે જે કર્યું, એનો હિસાબ ચૂકતે કર!”

શયનખંડનું બારણું જોશભેર ભટકાવી સરદારસિંહ નીકળી ગયો.

સ્ત્રી હજુ થથરી રહી હતી. આ પંથકના ઈતિહાસમાં કદાચ કોઈ ઉચ્ચ કુળની સ્ત્રીને આવો દિવસ જોવો નહીં પડ્યો હોય.

વીરસિંહે એ ગૌરવર્ણી સ્ત્રી તરફ એક નજર કરી. ઘોડા પર પરાણે સવારી કરવાને કારણે એ સ્ત્રીના વસ્ત્રો અને વાળ વીંખાઈ ગયા હતા. પતિ પરદેશ હતો. સસરા બિમાર હતા અને સરદારસિંહ જેવો સેનાપતિ જેની સામે પડ્યો હોય તો એને ગામમાંથીય બચાવનાર કોણ હોય? નિસહાય થઈ એ પારેવાની જેમ કંપી રહી હતી.

“શાહુકારની વહુ છે તું?” વીરસિંહ બોલ્યો. પરાણે કરાયેલો નશો ઉતરવાને કારણે એનું માથું ફાટી રહ્યું હતું. શાહુકારના દીકરાએ કઈ રીતે એની વત્સલાને લાચાર બનાવી હશે એની કલ્પનાઓ એના મગજમાં દોડી ગઈ. એની મુઠ્ઠીઓ તંગ થઈ, “તારા વરે મારી વત્સલા સાથે શું કર્યું ખબર છે તને?”

હકીકતમાં, આ કિસ્સામાં એનો વર નિર્દોષ હતો, પણ સ્ત્રીને એના પતિના લખ્ખણની ખબર હતી. બહુ ગરીબોની છોકરીઓના ભવ એણે બગાડ્યા હતા. એટલે આ અપરાધ પણ એના પતિએ કર્યો હશે, એમ માનવામાં એને કોઈ અડચણ ન નડી. પણ પતિના કોઈ અપરાધની સજા પોતે ભોગવવાની આવશે, એવી એને કલ્પના નહોતી. આ અસ્વસ્થ દેખાતો વીરસિંહ નામનો અજાણ્યો યુવાન શું કરશે એના ડરથી એની છાતી હાંફી રહી હતી. સાડીનો સરી પડતો છેડો એ વારેઘડીએ છાતી પર લેવા જતી હતી, પણ ઝાડી ખાંખરામાં ફસાઈને છેડો ફાટી ગયો હતો. વીરસિંહ આગળ વધ્યો. એણે શયનખંડના દરવાજાની કડી અંદરથી બંધ કરી.

સ્ત્રીને લાગ્યું કે હવે ઈજ્જત બચાવવી અસંભવ છે. હરાઈ રહેલી શક્તિ એકઠી કરી બન્ને હાથ જોડી બોલી, “ઘરે બે વરસનું બાળક છે! એક મા છું હું!”

સ્ત્રી એ જોવા મથી રહી કે એની વીનવણીની વીરસિંહના ચહેરા પર કોઈ અસર થાય છે? પથ્થર જેવો ચહેરો લઈ વીરસિંહ એની તરફ વધુ બે કદમ નજીક આવ્યો, “આ વીરસિંહની દુશ્મની તારા વર સાથે છે. તારી સાથે નથી!” આમ કહી પાસે પડેલી સફેદ ચાદર એ રીતે ફેંકી જેથી ફેલાયેલી ચાદરથી એનું શરીર ઢંકાઈ જાય. આમ કરીનેય વીરસિંહ બીજી તરફ ફરી ગયો.

સ્ત્રીના જીવમાં જીવ આવ્યો. એણે ચાદરની અંદર પોતાનું શરીર સમાવ્યું.

“હું તને કંઈ નહીં કરું, આ સરદારસિંહ પણ કંઈ નહીં કરે, પણ આ સિપાઈડાઓનો ભરોસો નહીં.”

શયનખંડનો એક દરવાજો પાછળ વગડામાં નીકળતો હતો, એ બતાવીને વીરસિંહ બોલ્યો, “બહેન! આ પાછલા દરવાજેથી ભાગી જા!”

સ્ત્રી એક પણ ક્ષણના વિલંબ વગર પથારી પરથી ઊભી થઈ અને પાછલા દરવાજા તરફ ભાગી. પણ એક જ ક્ષણમાં દરવાજેથી પાછી વળી, “ભાઈ..”

વીરસિંહ આશ્ચર્યથી એ સ્ત્રીને જોતો રહ્યો. થોડીવાર પહેલા જે ગભરુ પારેવા જેવી હતી, તે હવે અચાનક શ્વેત હંસિનીને જેમ ટટ્ટાર ઊભી હતી.

સફેદ ચાદરમાં લપેટાયેલી એ હંસિની બોલી, “ભાઈ, અહીં તમે છો, પછી મને ડર શાનો? હું ઘડીકવાર પછી જઈશ.” સ્ત્રી હવે સાવ નિરાંત હોય એ રીતે થોભી. પોતાની આફત દૂર થતાં જ એના મનમાં વત્સલાની ત્યારની દશાનો અને અત્યારની દશાનો વિચાર આવ્યો. કોન વિચારે?

વીરસિંહ બોલ્યો, “અરે! પાગલ ઔરત! આભાર માનવાનું રહેવા દે અને ભાગ!”

“આભાર માનવા નથી રોકાઈ, મારે એક વાત કહેવીતી, વીરસિંહ, આજે મારી સાથે, ધારો કે, કંઈ બની ગયું હોત તો એમાં મારો વાંક કેટલો હોત? એમ તમારી.. શું નામ હતું એનું..?

હતપ્રભ થયેલો વીરસિંહ અચેતનપણે બોલ્યો, “વત્સલા..!”

એ બોલી, “હં, જો તમારી વત્સલા સાથે કંઈ બન્યું હોય તો એમાં એનો વાંક કેટલો, એ વિચારજો!”

વીરસિંહ કશું બોલે એ પહેલા શાહુકારની વહુએ સવાલ કર્યો, “તમે આ શાહુકારની વહુ પર જેટલી કરૂણા દાખવી, એટલો જ પ્રેમ વત્સલા પર દાખવી શકશો?”

સવાલ વહેતો મૂકીને એ સ્ત્રી ચાદર લહેરાવતી નીકળી ગઈ.

***