“નયના...” મને એક મજબુત અવાજ સંભળાયો જે પાતાળમાં વહેતા ઝરણા જેવો હતો અને મેં મારી જાતને મજબુત હાથમાં અનુભવી. કપિલે મને બીજીવાર ગ્રાઉન્ડ સાથે હિટ થતા બચાવી હતી.
“શું થયું?” એ અવાજ કિંજલનો હતો. એના અવાજમાં ફિકર હતી, “નયનાને શું થયું?”
“લાગે એ ચક્કર આવી પડી ગઈ છે.” કદાચ એ રોહિતનો અવાજ હતો.
“નયના..” હવે કપિલનો અવાજ સંભળાયો, “તું મને સાંભળી શકે છે?”
“ના..” હું ગણગણી, “ગો અવે.”
હું એના પર ગુસ્સે હતી. હું આર્ટસ સ્ટુડન્ટ હતી. ઈંગ્લીશ લિટરેચર મારા પ્રથમ યરના સિલેબસથી જ ભણવા માંડી હતી. મારા સીલેબસે જ મને શીખવાડ્યું હતું કે ઇફ યુ લવ સમવન, સેટ ધેમ ફ્રી. ઇફ ધે કમ બેક ધેય આર યોર્સ. ઇફ ધે ડોન્ટ, ધેય નેવર વેર.
મેં આંખો ખોલી. હું કપિલના હાથમાં હતી. એણે મને મારા ઘર પાછળના ગાર્ડનની જેમ પોતાના હાથમાં પકડી હતી તદ્દન તેમ જ.
“પુટ મી ડાઉન..” હું ફરી બબડી મારું માથું ભમતું હતું.
એણે કોઈ જવાબ ન આપ્યો, એ ચાલવા લાગ્યો, હું એના હાથમાં હતી.
“શું થયું?” કદાચ એ અશ્વિની હતી.
મેં આંખો ફરી બંધ કરી નાખી. મેં જવાબ ન આપ્યો. હું ભાનમાં રહેવા મથી રહી હતી. કપિલે મને ચેર પર બેસાડી ત્યારે મેં આંખો ખોલી. હું કેફેટેરિયામાં એક લાકડાની ખુરશી પર હતી. કપિલ મારી બાજુમાં પાણીનો જગ હાથમાં લઇ ઉભો હતો. એને જગમાંથી એક હથેળીથી રચાયેલા નાનકડા ખોબામાં સમાય એટલું પાણી લઇ મારા ચહેરા પર છાંટ્યું.
“શું થયું?” એ અવાજ મારા માટે અજાણ્યો નહોતો - એ કેફેટેરીયાના માલિક મોહનલાલ હતા.
“એને જરાક ચક્કર આવી ગયા હતા.” કપિલે જ જવાબ આપ્યો.
મેં ઉભા થવાનો પ્રયાસ કર્યો પણ કપિલે મારા ખભા પર હાથ મૂકી મને રોકી, “સ્ટે ફોર અ મિનીટ - ચક્કર જતા રહેશે.”
“આઈ નો.” મેં દાંત ભીંસ્યા. હું એના પર ખરેખર ગુસ્સે હતી. હું એને બળ જબરી મારી સાથે રાખવા માંગતી નહોતી. હું એને આઝાદ કરી દેવા ઇચ્છતી હતી - મારી ફિકરને લીધે એ મારી સાથે રહે પણ મને પ્રેમ ન કરતો હોય એવું મને પસંદ નહોતું.
“આવું પહેલા કયારેય થયું હતું?” એણે પૂછ્યું.
“હા, છેલ્લા બે દિવસમાં ઘેર ત્રણેક વાર ચક્કર આવ્યા હતા.” મેં કબુલ કર્યું.
“તો તારે કોલેજ ન આવવું જોઈએ ને?” એની આંખોમાં ચિંતા હતી. મેં એના પર્શ્નનો જવાબ આપવાને બદલે કહ્યું, “હું ઠીક છું. હવે તું જઈ શકે છે.”
હવે હું રુડ બની રહી હતી.
“હું તારી સાથે રોકવા માંગુ છું.” એના અવાજમાં મક્કમતા હતી.
“હું તને સમજી શકતી નથી.” મારા અવાજમાં નિરાશા હતી.
“તું પણ સમજી ન શકાય તેવી છો. તું મને જરાય નથી સમજતી.” એ એક પળ મને જોઈ રહ્યો અને કબુલ્યું. એનો ટોન જોતા એ ખોટું બોલતો નહોતો.
“તારી બેવડી પર્સનાલીટી છે.”
“તારી સાથે રુડ બનવા માટે માફ કરજે.”
“ઇટ્સ ઓકેય..” મેં પણ રુડનેસ છોડી દીધી, “પણ તું મને કારણ કહીશ?”
“કારણ, એ તત્વજ્ઞાન મુજબ માત્ર ભ્રમણા છે.”
“તે ફરી ફિલોસોફી ચાલુ કરી નાખી.” મેં મારી મોટી ગોળ આંખો અણગમામાં ફેરવી.
“સોરી.” એ મારી નજીકની ચેર પર બેઠો, “હવે કોઈ તત્વજ્ઞાન નહી, બસ.”
મેં માત્ર હકારમાં માથું હલાવ્યું.
“તું ચા લઈશ કે કોફી?”
“કઈ નહિ.”
“તારે કઈક લેવું જોઈએ.” એણે જીદ કરી.
“તું આટલો જીદ્દી કેમ છે?”
“કુદરતી.” એ મલક્યો.
“તું મારા સપનામાં કેમ આવે છે?”
“શું?” એ ચોક્યો, મેં કલ્પના કરી હતી એ કરતા વધુ નવાઈના ભાવ એના ચહેરા પર હતા.
“હું તને સપનામાં મારી સાથે ભેડાઘાટ પર જોઉં છુ.”
“તું બીજું શું જુએ છે?”
“ઘણું બધું..”
“જેમકે?”
“ભેડાઘાટ પરનું એક મોટું મંદિર એકાએક મસાણમાં ફેરવાતું જોઉં છું, કયારેય એક અઘોરી પણ મને દેખાય..”
“આપણે કયાંક બીજે જઈ આ વાત કરવી જોઈએ..” એણે મને વચ્ચે જ રોકી. તેની આંખોમાં એકદમ અલગ ભાવ એકાએક ઉપસી આવ્યા. એ ફીક્કી પડી ગઈ હતી. તેના અવાજમાં પણ કશુંક ન સમજાય તેવો બદલાવ એકાએક આવી ગયો.
“લેટ મી ફીનીસ.”
“યુ શૂડન્ટ.”
“વોટ?”
“યુ શૂડન્ટ ટોક હિયર.”
“વાય?”
“તારે ફરી કારણ જોઈએ છે અને તત્વજ્ઞાન મુજબ કારણ માત્ર ભ્રમણા છે.”
“અને તે ફરી ફિલોસોફી ચાલુ કરી નાખી.”
“ઈટ વોન્ટ અગેન.. આઈ પ્રોમિસ.” એણે મારો હાથ પકડી મને ઉભી કરતા કહ્યું, “લેટ્સ ગો.”
“પણ ક્યાં?” એના હાથનો સ્પર્શ મને સ્વર્ગનો સ્પર્શ કરાવી ગયો છતાં મેં પૂછ્યું.
“બગીચામાં.”
“વાય?”
“મારે તારી સાથે કઈક વાત કરવી છે.”
“શું?”
“તારી જેમ મને પણ અજીબ સપના દેખાય છે અને એક એનસાઈન્ટ સોંગ આકાશવાણી જેમ માઈન્ડના બેક ભાગમાં સંભળાય છે.”
“તું પણ?” હવે મને નવાઈ લાગી. એ પણ મારી જેમ એ વિચિત્ર ગીત સાંભળી શકતો હતો.
“યસ. લેટ્સ ગો.”
“ઓકેય.”
મેં કેફેટેરિયામાં એક નજર કરી કોઈનું ધ્યાન અમારા તરફ નહોતું. જાણે અમે ત્યાં હોઈએ જ નહિ એમ કોઈ અમને જોઈ કે સાંભળતું નહોતું. મને નવાઈ લાગી શું કપિલ કાસ્ટર હશે? શું એણે ત્યાં બેઠેલા બધાને હિપ્નોટાઈઝ કર્યા હશે?
“તું પણ અજાણ્યું સંગીત સાંભળી શકે છે?” બગીચામાં મેદીની વાડ પાસે પહોચતા જ મેં પૂછ્યું.
“હા, અને એવા જ વિચિત્ર સપના પણ.”
“તું સપનામાં શું જુએ છે?” હવે ફરી મને ગાર્ડન ફૂલોની સુવાસ ફેલાવતો લાગવા માંડ્યો. કદાચ હું કપિલ સાથે હતી એની અસર હતી.
“એક મંદિર, જંગલના સળગતા ઝાડ, એક યુવતી સાપ સાથે દોડતી અને બીજી પણ એવી જ વિચિત્ર ચીજો.”
“તું મને અનન્યા કહી કેમ બોલાવતો હતો?” મેં પૂછ્યું.
“કેમકે મારા સપનામાં તું અનન્યા છો, તારા હાથમાં એક સાપ હોય છે અને તું મને વરુણ કહે છે.”
“કેમકે મારા સપનામાં તું વરુણ છો. મને લાગે આ આપણા સપનામાં કોઈ રહસ્ય છુપાયેલું છે.”
“મને પણ એમ જ લાગે છે.”
“તો પછી તું મને ઇગ્નોર કેમ કરે છે?”
“કેમકે મારો પ્રેમ તારા ફાયદા માટે નથી. એ તારા માટે હાર્મફૂલ છે.” એની આંખો એકદમ ફિક્કી થઇ ગઈ, ચહેરા પર જે દેવતા જેવી ઔરા હતી એ એકદમ ઓછી થઇ ગઈ, “મારો પ્રેમ તારો જીવ લઇ શકે છે.”
“અને હું તારાથી દુર રહીને પણ મરી જ જવાની છું.’ મારો અવાજ મારા હ્રદયના ઊંડાણથી આવતો હતો. એમાં મારા હ્રદયના ભાવો ભળેલા હતા. હું મારી જાતને ભૂલી રહી હતી.
“હવે તું તત્વજ્ઞાન કરે છે.” કપિલે મને ચેતવી.
“સોરી...” મેં માફી માંગી, “પણ કેમ તારો પ્રેમ મને નુકશાન કારક છે.”
“કેમકે મારા સપનામાં આવતી એ યુવતી હમેશા મરી જાય છે, હું બુલેટને એની છાતી આરપાર નીકળી જતા જોઉ અને સપનું પૂરું થઇ જાય છે.” એના અવાજમાં એકદમ ઉદાસી હતી. હું ડઘાઈ ગઈ.
“શું થયું?”
મેં માત્ર કઈ નહિ એમ કહેવા માથું હલાવ્યું પણ કશું બોલી શકી નહિ.
“તને બચાવવા માટે હું તારાથી દુર રહું છું.”
“તું મને પહેલા જ દિવસે ઓળખી ગયો હતો?” મારું વાકય પ્રશ્ન ઓછું પણ વિધાન વધુ હતું.
“હા..” એણે કબુલ્યું.
“તું મારા બગીચામાં કેમ આવ્યો હતો?”
“જસ્ટ..” એ અટકી ગયો.
“જસ્ટ વોટ?”
“જસ્ટ તને મળવા..” તેની આંખો કહી ગઈ કે એ જુઠ્ઠું બોલી રહ્યો હતો.
“યુ આર લાયિંગ..”
“આઈ એમ નોટ..” તેણે આંખો ફેરવી લીધી.
“તું જુઠ્ઠું બોલી રહ્યો છે. તારી આંખો એ કહી દે છે.”
“કયારેક બધું જાણી લેવાથી પણ ફાયદો નથી થતો - અતિજ્ઞાન પણ નુકશાન કારક છે.”
“ફરી તે તત્વજ્ઞાન શરુ કરી નાખ્યું?”
“ના, પણ જીવન એક તત્વજ્ઞાન છે.”
“મારું પણ..”
“તો એને વધુ ગુંચવણ ભર્યું ન બનાવ.”
“હું એ ગુંચ ઉકેલવા મથી રહી છું.”
“તું શું ઈચ્છે છે?” એણે પૂછ્યું, એના અવાજમાં કંટાળાના ભાવ હતા. એની આંખો એકદમ કોલ્ડ બની ગઈ.
“તારી પાસેથી એક સમજુતી ઈચ્છું છું.”
“મેં તારું જીવન બચાવ્યું છે એ સિવાય હું કઈ સમજાવી શકું એમ નથી.”
“જીવન બચાવ્યું છે એટલે જ તો સમજાવવું પડશે.” મેં દબાણ કર્યું.
“નયના, તું મારી પાસેથી શું ઈચ્છે છે?”
“હું સત્ય જાણવા માંગુ છુ.”
“સત્ય શું છે?”
“સત્ય એ છે કે તું મારા બગીચામાં કયાય હતો જ નહિ - તે મારું ઘર કયારેય જોયેલું નહોતું - એ છતાં તું ત્યાં હતો. તે મને કયો સાપ કરડ્યો એ જોયું નહોતું - તું આવ્યો એ પહેલા સાપ ચાલ્યો ગયો હતો - એ છતાં તું જાણતો હતો કે એ કયો સાપ હતો અને એ સાપના ઝેરથી હું મરી જવાની હતી પણ તે એ ઝેર ચૂસી લીધું અને હું ડરના લીધે જ અડધી મરી ગઈ હતી - મને લાગ્યું હતું કે તું એ ઝેરથી મરી જઈશ - પણ તને કઈ ન થયું - હું હોસ્પીટલમાં તને વરુણ કહી બોલાવી રહી હતી જે તારું નામ નથી અને તું મને અનન્યા કહી રહ્યો હતો જે મારું નામ નથી.”
હું એકી શ્વાસે બોલી ગઈ. એ મને જોઈ - સાંભળી રહ્યો - મારા શબ્દો સાથે એના ચહેરાના ભાવ બદલ્યે જતા હતા. એની આંખોની કીકીઓ પણ કયારેક સોનેરી તો કયારેક ડાર્ક બન્યે જતી હતી. એનો ચહેરો એકદમ તંગ બની ગયો.
“તું જે કહે છે એ સત્યનો કોઈ વિશ્વાસ નહિ કરે.” એણે ડીફેન્સીવ બનતા કહ્યું.
“મારે એ કોઈને કયા કહેવું છે?”
“તો પછી એનું શું મહત્વ..?”
“મારા માટે એનું મહત્વ છે. મારા સપનાઓ માટે એનું મહત્વ છે. મારા હ્રદય માટે એનું મહત્વ છે.”
“તું મારો આભાર માનીને આ મેટરને ભૂલી ન શકે?”
“હું તારો આભાર માનવા જ આવી હતી પણ...”
“હું રુડ બન્યો એ બદલ સોરી પણ મને ખાતરી હતી કે જો હું તારી સાથે વાત કરીશ તો તું આ બધા સવાલો કરીશ.”
“મતલબ તને મારા સવાલોથી પ્રોબ્લેમ છે મારાથી નહિ?” મેં પૂછ્યું, મારા હ્રદયમાં આશા, ઉતેજના અને ખુશીના ભાવ ઉછળ્યા.
“હા, પણ એ આપણા બંને માટે નુકશાન કારક છે.” એનો ચહેરો એની તેજસ્વીતા ગુમાવી રહ્યો હતો.
એણે મારા ખભા પર હાથ મુક્યો અને મારા આખા શરીરમાંથી વીજળી દોડી ગઈ.
“હું તને કહેવા માંગતો નહોતો.” એણે મારી આંખોથી આંખો મેળવ્યા વિના કહ્યું.
“કેમ?” હું જરાક ઉતાવળે બોલી ગઈ. એ શાંત ગાર્ડનમાં એ શબ્દો મને જ ઉતાવળા લાગ્યા પણ સારું થયું કે બગીચામાં કોઈ હતું જ નહિ.
અને પછી એણે મારી આંખોમાં જોયું. હું એની એ આંખો જોઈ એકદમ નવાઈ પામી, એ આંખો રડી રહી હતી, એમાં પાણી હતું, એ એકદમ ફિક્કી અને ઉદાસ હતી, એ આંખો ગ્રહણ દરમિયાન પોતાની ચમક જાળવી રાખતા મહેનત કરતા સુરજ જેવી હતી.
“હું ચાહતો નહોતો કે તું કયારેય મારી નજીક આવે નયના. મને એમ હતું કે એ બધા માત્ર સપના જ છે. તું હકીકત છો એ જોતા જ હું એકદમ ગભરાઈ ગયો હતો. શું કરવું એ મને સમજાતું નહોતું.”
“હું પણ તને મળ્યા પહેલા એમ જ વિચારતી હતી.”
“મારું જીવન એકદમ ગુંચવણભર્યું છે અને હું નથી ચાહતો કે...” એણે વાકય અધૂરું મુક્યું, એ ધડીભર મને જોતો રહ્યો, “આઈ ડીડન્ટ વાન્ટ એનીવન ટુ ગેટ મિક્ષ અપ વિથ ઈટ.”
મને એ શું કહી રહ્યો એ કઈ સમજાયુ નહી. એનો હાથ હજુ મારા ખભા પર હતો, મને એની આંખોમાં પાણી દેખાતું હતું માટે એને સાંત્વના આપવા એના હાથ પર મારો હાથ મુક્યો. હું એના હાથની એકદમ રફ સ્કીનને અનુભવતી હતી અને ઓચિંતો મારો હાથ એની આંગળી પરની વીંટીને અડ્યો. મારી આસપાસ ફરી બધું બદલાઈ ગયું. હું એ બગીચાને બદલે કયાંક બીજે જ હતી. હું બગીચામાં હતી પણ બગીચામાં નહોતી. ફૂલોની સુવાસ બદલાઈ ગઈ. ત્યાં ફૂલોની સુવાસને બદલે ધુમાડાની વાસ ફેલાવા લાગી. ધુમાડા અને લોહીની ગંધ ફેલાઈ ગઈ. ત્યાં મધરાત હતી પણ આખું આકાશ જાણે ભડકે બળતું હતું. આખું જંગલ સળગી રહ્યું હતું. મારા ઘર પાછળના જંગલમાં કોઈએ આગ લગાવી દીધી હતી. ચારે તરફ બસ ધુમાડો જ ધુમાડો હતો. ધુમાડા સિવાય ત્યાં બીજું કઈ નહોતું.
મને ચીસો અને બુમ બરાડા સંભળાઈ રહ્યા હતા. ચારે તરફ ગજબ શોર હતો. ચીસો સાથે ગોળીઓ છૂટવાના અવાજો ભળી રહ્યા હતા. મને શિકારીઓ એકબીજાને આદેશો આપતા સંભળાયા, “આખું જંગલ સળગાવી નાખો. કોઈ બચવું ન જોઈએ. એમને જાણ થવી જોઈએ કે હવેલી સાથે દુશ્મની કેટલી મોઘી પડી શકે છે.”
અને એક બાદ એક શિકારીઓ ઝાડને આગ ચાંપવા લાગ્યા. જમીન પર ખરી પડેલા સુકા પાંદડાઓ એ આગની મદદ કરી અને આખું જંગલ જાણે સુકા લાકડાનું જ બનેલું હોય એમ આગ જંગલના એ ભાગને વીંટળાઈ વળી.
ત્રણ યુવકો આગમાં દોડી રહ્યા હતા, ધુમાડો એમને ઘેરી વળેલો હતો. શિકારીઓ એમની પાછળ જ હતા. તેમણે જંગલના ખાસા એવા ભાગને સળગાવી નાખ્યો હતો.
અને.... મેં એક ગન ફાયર સાંભળ્યો. એ સાથે જ બુલેટ ત્યાં દોડતા ત્રણ યુવકોમાંથી એકની છાતીમાં ઉતરી જતી જોઈ. એ ત્યાં જ ઢગલો થઇ ગયો. બીજો યુવક ચીસ પાડી એની તરફ દોડ્યો પણ એ એની નજીક પહોચે એ પહેલા હવાને ચીરતી ગોળી આવી અને વરુણના ખભામાંથી પસાર થઇ ગઈ.
વેદનાના ચિત્કાર સાથે વરુણ જમીન પર પટકાયો. હું એનું દર્દ અનુભવી શકતી હતી. હું ચીસ પાડી ઉઠી. હું ત્યાં જ સામેં દેખાતા શિવ મંદિર પાસે ઉભી હતી. હું વરુણ તરફ દોડી.
હું તેની પાસે પહોચી ત્યારે એ જમીન પર પડ્યો હતો, એના ખભામાંથી લોહી વહી રહ્યું હતું, એની બાજુમાં ઉભેલા યુવકને હું નામથી જાણતી હતી - એ બાલુ હતો.
“ટર્ન યોરસેલ્ફ ઇન સ્નેક..” બાલુએ ચીસ પાડી.
વરુણ જમીન પર પડ્યો જ સાપ બની ગયો, એના સાપ બની જતા જ એક પળ પણ બગાડ્યા વિના એને પકડીને હું મંદિર તરફ દોડવા લાગી. હું મંદિરના પગથીયા નજીક પહોચી એ જ સમયે મેં મારી પીઠ પર લાય બળતી અનુભવી અને બુલેટ મારી છાતીમાંથી પસાર થઇ નીકળી ગઈ.
“મંદિરમાં જ રહેજે વરુણ ગમે તે થાય બહાર ન આવીશ..” મેં મારા હાથમાંથી સાપને શિવ મંદિરના ગર્ભગૃહ તરફ ઉછાળ્યો.
બરાબર એજ સમયે બીજી બુલેટ મારી પીઠ સાથે અથડાઈ અને સ્પ્લીટ સેકન્ડમાં મારી છાતી વીંધી નીકળી ગઈ. હું જમીન પર પટકાઈ એ પહેલા મારી આંખોએ વરુણને મંદિરના ગર્ભગૃહમા સાપ રૂપે ઘાયલ અવસ્થામાં પડેલો જોયો.
હું મરી રહી હતી. જમીન પર પડી છેલ્લા શ્વાસ લઇ રહી છતાં મારા ચહેરા પર એક અલગ જ ખુશી હતી. મારા ચહેરા પર સ્મિત હતું કેમકે મેં વરુણને બચાવી લીધો હતો. એ મંદિરના ગર્ભગૃહમાં હતો અને એ શિકારીઓ મદારી હતા. કોઈ મદારી ક્યારેય શિવ મંદિરમાં જઈ એક સાપને ન મારી શકે. નાગ અને શિવનો સબંધ પૃથ્વીની ઉત્પત્તિ પહેલાનો હતો. સમુદ્રમંથન સમયનો હતો. શિવ મંદિરમાં એને મારવો એક મદારી તો શું કોઈના પણ માટે અશક્ય હતું.
ચારે તરફ જંગલ સળગી રહ્યું હતું. મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આમ પણ હું ઇન્હેલ કરી શકું તો પણ ત્યાં હવામાં પ્રાણવાયુને બદલે ધુમાડાનો અંગાર વાયુ જ ફેલાયેલો હતો.
કપિલે એક આંચકા સાથે પોતાનો હાથ મારા હાથમાંથી ખેચી લીધો. વીંટી સાથેનો સ્પર્શ તૂટતા જ હું ફરી કોલેજના બગીચામાં આવી ગઈ.
“આ શું હતું?” એ આગ અને ધુમાડો જાણે શ્વાસમાં ભળ્યો હોય તેમ હું ખાંસવા કાગી. કપિલ ધ્રુજી રહ્યો હતો. એનું આખું શરીર ભયાનક રીતે કંપારી લઇ રહ્યું હતું.
“મને એક વિઝન દેખાઈ.” મેં કહ્યું.
“મને પણ દેખાઈ..” એના અવાજમાં ભય હતો, “મારા સપના જેવી જ એ વિઝન હતી પણ સપના કરતા એ લાંબી હતી. જે ચીજો મેં ક્યારેય સપનામાં જોઈ નહોતી એ મને દેખાઈ.”
“આગ.. તે એ જોઈ હતી?”
“હા, આગ અને ધુમાડો..” એણે હકારમાં જવાબ આપ્યો. અમે જે જોયું એ વિશે વાત કરતા પણ અમને ડર લાગતી હતી. એ ભયાવહ હતું.
“આપણે ફરી પ્રયાસ કરવો જોઈએ. મારે ફરી રિંગને અડવું જોઈએ.” મેં તરત જ નિર્ણય કર્યો કારણ આ બધું શું છે તે મારે જાણવું હતું.
“તું પાગલ થઇ ગઈ છો?” એણે કહ્યું, “એ ખતરનાક હોઈ શકે. મને એમ લાગતું હતું જાણે હું ખરેખર ત્યાં હતો.”
“હા, મને પણ એ બધું રીયલ લાગ્યું હતું. મારી આંખો ધુમાડાથી બળી રહી હતી.”
કપિલ સાચો હતો. એ જોખમ ભર્યું હતું અમે એ બગીચામાં જ હતા છતાં એમ લાગતું હતું જાણે અમે એ સળગતા જંગલની વચ્ચે જઈને આવ્યા હોઈએ. ગન ફાયરના અવાજની અસર હજુ અમારા કાનમાં ગુંજતી હતી. એ યુવકોની ચીસોના પડઘા હજુ મારા મગજમાં ચકરી લઇ રહ્યા હતા. પણ એ છતાં હું ફરી વીંટીને અડવા માંગતી હતી. મારે જાણવું હતું કે ત્યાં શું થયું હતું.
હું ફરી કપિલણી ત્રીજી આંગળી પરની એ નક્ષત્ર કંડારેલી વીંટીને અડી. મને એના હાથની હુંફ અનુભવાઈ. મેં આંખો બંધ કરી દીધી કેમકે મને ઇલેક્ટ્રિક ગુસબમ્પ અનુભાવાઈ રહ્યો હતો. મેં આંખો ખોલી કેમકે મને ફરી કોઈ વિઝાન ન થઇ.
“કદાચ આપણે એ બધું ઈમેજીન કર્યું હશે...” કપિલે કહ્યું.
“ના, એ કલ્પના નહોતી. એ હકીકત જેવું લાગતું હતું.” મેં કહ્યું, હું જાણતી હતી કે કપિલ મને એ બાબતથી દુર રાખવા એવું કહી રહ્યો છે, “એ કલ્પના હોય તો હું બાલુને કઈ રીતે ઓળખી શકું?”
“બાલુ?” એણે નવાઈથી કહ્યું, “મેં પણ આ નામ મારા સપનામાં સાંભળ્યું છે.”
“મને પણ સપનામાં એ છોકરો દેખાય છે.”
કપિલ કઈ બોલ્યા વગર ઉભો થયો અને કપડાના સળ સરખા કર્યા, “મારે હવે જવું જોઈએ.” એ અટક્યો અને મારી તરફ જોયું, “આપણે એકબીજા સાથે ન હોવું જોઈએ.”
એ એટલું કહી મેદીની વાડ તરફ જવા લાગ્યો.
“વેઇટ!” હું ઉતાવળે ઉભી થઈ અને એની પાછળ સરકી.
એ બગીચાના બીજી તરફના છેડે જઈ અટક્યો અને મારા તરફ જોયું, “આપણે ભેગા ન હોવું જોઈએ.”
“પણ કેમ?”
“મને એકલો છોડી દે. હજુ સુધી બધું બરાબર છે. આપણે એકબીજાને મળવું જ નહોતું જોઈતું. તારે આ કોલેજમાં આવવું જ નહોતું જોઈતું.” એણે મારા તરફ જોયા વિના કહ્યું.
“તું શું કહી રહ્યો છે મને કઈ સમજાઈ નથી રહ્યું. ખરેખર મને કઈ નથી સમજાતું.”
“તારે કશુય સમજવાની જરૂર જ નથી. આ બધું ભૂલી જવું જોઈએ.”
“તને લાગે છે કે એ એટલું સહેલું છે.” મેં કહ્યું, “હું છ મહિનાથી એ વિચિત્ર સપનાઓથી પીછો છોડાવવા મહેનત કરી રહી છું. પણ એ બધું ભૂલી જવું સહેલું નથી.”
“તારા સપના કરતા પણ મારું જીવન વધુ ગુંચવણભર્યું છે.” કપિલે કહ્યું, “મારાથી દુર રહેવામાં જ તારું હિત છે.”
“તને શું લાગે તું એક જ છે જેનું જીવન રહસ્યમય છે?”
“ના, પણ મારું રહસ્ય અલગ છે.”
એ બગીચો છોડી જવા લાગ્યો. હું એની પાછળ જવા માંગતી હતી પણ હું ન ગઈ કેમકે મને કપિલથી ડર લાગવા માંડ્યો હતો. હું ત્યાં જ એકલી ઉભી રહી. મારા મનમાં ધમાસાણ મચ્યું હતું...
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky